જેલ-ઑફિસની બારી/ઉપદેશક દાદા

વિકિસ્રોતમાંથી
← હરખો ઢેડો જેલ-ઑફિસની બારી
ઉપદેશક દાદા
ઝવેરચંદ મેઘાણી
સહુનો ‘સાલો’ →





ઉપદેશક દાદા

પેલા બુઢ્‌ઢા શહેરીઓ આંહીં દર રવિવારે કેદીઓ પાસે ભાષણ કરવા આવે છે. કેદીઓને કામકાજના બદલામાં મહિને પાયલી-બે આની મળે છે તે ખરચાવીને આ બુઢ્‌ઢાજી ભગવદ્‌ગીતા ખરીદાવે છે. એ બાપડા રાજના નીમેલા માણસ અને વળી વયોવૃદ્ધ, એટલે એને કેદીઓ અદબ રાખીને સાંભળે છે. ન સાંભળે તો જાય ક્યાં ? ધોકા ખાવા પડે, ખબર છે ?

બુઢ્‌ઢાજી એક કલાકનો બોધ આપીને ઘેર જાય છે ત્યારે પોતે સમજે છે કે ગંભીર મોઢાં રાખીને દયામણા થઈ ઊભેલા ગુનેગારો સ્વર્ગના વિમાનમાં ચડી જવા જેટલા પુનિત બની ગયા ! ઓ બુઢ્‌ઢાજી, તમે ભથ્થાના પાંચ રૂપિયા ગજવામાં મૂક્યા એ જ સાચી સિદ્ધિ છે, હો ! બાકીનું બધું તો મૃગજળ છે. તમારા સદ્‌બોધનાં પુણ્યનીર એ લોકોનાં કલેજાં સુધી ટપકી શકે તે પહેલાં તો પથ્થરોના થરોના થરો ભેદાવા જોઈએ.

ને એ શું તમે ભેદી શકવાના હતા ? પાંચ રૂપિયાનો તમારા કનેથી વેચાતો લીધેલો સદુપદેશ જો તેઓને સુધારી નાખતો હોત તો જેલો જલદી બંધ કરવી પડત. ને ઓ બુઢ્‌ઢાજી રે ! તેઓ તો એટલા બધા ગમાર છે કે તમારા ઉપદેશના અમૃત કરતાં ક્ષદ્ર બે તોલા મીઠા તેલવાળા શાકની તેઓને વધુ લાલસા રહે છે. તેઓનાં તેલમસાલા તો કંઈ તમારા ઉપદેશ જેવાં થોડાં છે ? તમારા શ્રીમુખમાંથી સરતી સદ્‌બોધ-ધારા જેમ સીધેસીધી શ્રોતાઓના કાનનાં કાણાંમાં રેડાઈ જાય છે તેમ એ તેલમસાલા પણ કોઠારમાંથી સીધાં તેઓના પેટમાં થોડાં પડે છે ? વચ્ચે કેટલીકેટલી ક્રિયાઓ ચાલે છે તેની તમને ખબર જ નથી ?

તેલ અને મસાલા કોઠારમાંથી નીકળી, વીશીમાં જઈ શાકદાળમાં પડે તે પહેલાં તો બીજી અનેક પેટા-નળીઓ એને પોતાના તરફ વાળી લે છે, અને કેદીઓનાં તાંસળાંમાં પહોંચે છે ત્યારે તો એ જળ-નિમગ્ન શ્યામસ્વરૂપ ભાજીમાં કોઈ-કોઈ હીરાકણીઓ જેવાં તેલ-બિંદુઓ તરતાં હોય છે, ને કોઈકને કોઈક મરચાંની કણીઓ, નવયૌવનાઓના લલાટની ઝીણી કંકુટીલડીઓ જેવી, ઝળક-ઝળક થતી હોય છે. પણ મૂરખ કેદીજનો એકબીજી ઇંદ્રિયો વચ્ચે કૃત્રિમ ભેદો રાખી રહ્યા છે ખરા ને, એટલે બાપડાઓ પોતાની જીભની લોલુપતાને આંખોનાં દર્શન થકી સંતોષી શકતા નથી. તમારી પરમ બોધ-સુધાનું શ્રવણપાન કરતાં છતાં તે ગમારો ભાજીમાં ભળેલા ધુમાડાની દુર્ગંધને ભૂલી શકતા નથી. એ તમને વીનવું છું કે “અમને સારી ભાજી મળે તેવું કરી આપો ને, ભાઈ સાહેબો !”

ઉપદેશક ધર્માત્માઓની પાસે સંસારી ગંધાતી ભાજીની વાત કરવી, એ કેવી બેવકૂફી ! સુવર્ણ વેચનારા શું બકાલું તોળવા બેસે ? સ્વર્ગની સીડી બતાવવા જનારની પાસે પણ ‘ખાઉં ! ખાઉં !’ કરવાની જ વાત ? ભાજી ગંધાતી હોય, ઇયળો અને લીમડાંના પાદડાંથી ભરેલી હોય, તો તેથી શું થઈ ગયું ? શરીરમાં ગયા. પછી શું એ ભાજી નથી ગંધાઈ જવાની ? ભાજીમાં ધુમાડો બેસી જાય છે તો તેથી શું ? સંસાર પોતે જ શું એક ધુમાડાનો માયાવી પુંજ નથી ?

પણ ઓ ઉપદેશક સાહેબો ! હું તો સમજું છું; રોજરોજ મારી સામે ટોળે વળતાં મુલાકાતિયાંની વાતો, અશ્રુધારો, વેદનાઓ અને મૂંઝવણો પરથી હું તો સમજું છું કે આમાંના ઘણાખરા હજું તો ‘ખાઉં ! ખાઉં !’ની જ ક્ષુદ્ર દુનિયામાં સબડી રહેલ છે. રોટલો મેળવવાના જ આ તરફડાટો છે. અંગો નિચોવી-નિચોવીને, હાડપિંજરો બની-બનીને પણ એ જ્યારે રોટલો પામતાં નથી ત્યારે પછી આત્મા જેવા અમૂલખ હીરાને તેઓ વટાવે છે, ચોરી કરે છે. અરેરે હાડકાના માળખાને સારુ, મળમૂત્રના કંપા જેવા આ શરીરને સારુ એ પાપિયાઓ આત્માને વેચે છે, ચોરી કરે છે. પારકાના ખેતરને શેઢે બળધિયા ચારવા જાય છે, ટંટે ચડે છે, લાકડીઓ મારે છે, પછી આંહીં આવે છે, કેમ કે આંહીં રોટલી મળે છે. ઉપદેશક બુઢ્‌ઢાજી ! આપની પાસેથી એ લોકો આત્મ-સુધારણાનું કામ મુકાવી દઈ એની શાકભાજીની સુધારણાનું કામ લેવરાવવા માગે છે. શી વિવેકશૂન્યતા !

આ આવા ભાજીભાજાંના લોલુપોની પાસે આવવામાં આપની શી શોભા છે ? નર્યા દેહનું જ દુઃખ વિચારવા ટેવાયેલા આ પતિતો આપને સહુને પણ કાળા કોટપાટલૂનવાળા અથવા સોનેરી પાઘડી-દુપટ્ટાવાળા નર્યા દેહરૂપે જ ઓળખે છે. આપની વાચા કહે છે તે આત્મામાંથી નહિ પણ સવારના પહોરમાં ચાનાસ્તો ચડાવીને ગાડીમાં બેસી આવેલા આપના દેહમાંથી જ વહે છે, એવી ભ્રમણામાં પડીને, એ બધા ભૂખના માર્યા આપના ઉપર દાંત કચકચાવે છે. ‘મારો સાલાઓને ?’ એવી છૂપીછૂપી વાતો કરે છે. આપ હમણાં આપની ભગવદ્‌ગીતા લઈને પાછા ચાલ્યા જાઓ, હમણાં થોડો વખત આવશો નહિ. અમારા ઝંડાધારીઓ પાછા એ લોકોને ડંડાબેડી, ટાટ કપડાં, અંધારી ખોલી, વગેરે દવાની યાકુતીઓ આપીને દાળભાજીમાં બદબો સૂંઘવાની તેઓની બીમારીને ઠેકાણે ન લાવે ત્યાં સુધી આપ આવું આત્માનું અમૂલખ ઓષધ ઢોળવા અહીં આવશો નહિ.

ઊપડતે પગલે આપને સ્ટેશન તરફ ચાલી નીકળતાં હું જોઉં છું અને પાછી હરખા ઢેડાની વાત યાદ કરું છું. એની વહુ તો ચાલી ગઈ છે, પણ હરખાના મુખ પર કેટલી અલૌકિક ઝલક મૂકતી ગઈ છે ! ત્રણ મહિનાથી હરખો ઢેડો આખો દિવસ ફક્ત લંગોટભર કમ્પાઉંડમાં આંટા મારતો, આંખો અંતરીક્ષમાં તાકતો, હોઠ ફફડાવતો કશુંક બબડ્યા કરતો અને પછી આખી રાત એની કોટડીના બારણાના સળિયા ઝાલીને બેઠો રહેતો; કહેતો હતો કે “હવે મને નવ વરસ સુધી નીંદર નથી આવવાની: નવમે વર્ષે હું છૂટીશ, શરીરે ભસ્મ લગાવીશ, છાતી ઉપર એક છૂરો છુપાવીશ, અરધી રાતે પેલાને ઘેર પહોંચીશ – જેણે મારી ઓરતને રાખી લીધી છે, એની છાતીમાં છૂરો હુલાવીને મારી ઓરતને હું પાછી લઈ આવીશ.”

કોઈએ કહેલું : “અરે હરખા ! તને ફાંસી મળશે.”

“મળવા દો, સા’બ ! આંઈ કિયાને જીવવું છે? હું જાણું છું કે મારું મોત આંઈ જ માંડેલું છે. પણ મારી ઓરતને તો હું પાછી લાવવાનો જ લાવવાનો.”

આવો વિકરાળ, ઝનૂની, ઓરતને પોતાની મિલકત માનનાર હરખો. 'હું તારી બનીને પાછી આવીશ’ એ એક જ બોલથી બદલી ગયો. નવ વરસ પછી જે પાછી આવવાની છે તે કેમ જાણે અત્યારથી જ પોતાની બાથમાં સમાઈ હોય એવી સુખલહરીઓ એના અંતરમાં વાય છે. ઓ હરખા ! તું કેટલો કમઅક્કલ છે ! હિંદુ ભરથાર તો મરી ગયા પછી સાતમી નરકે બેઠોબેઠો પણ પોતાની, પૃથ્વી પર પડેલી સ્ત્રી પાસે સતીત્વ પળાવે છે. અંધારે ખૂણે એક વર્ષ પર્યંત એને બેસારી રાખે છે, પછી એના હાથનાં કંકણ ભંગાવે છે, માથાના કેશ છોલાવે છે, નાકની ચૂંક ખેંચી કઢાવે છે, કપાળનાં કંકુ લુછાવે છે, સેંથાનો હીંગળો ભૂંસાવે છે, ને મૃત્યુ પર્યંત પોતાના જ જાપ એ બાયડી પાસે જપાવે છે. એનાં સગાંવહાલાંને, દેવદેવલાંને, જ્ઞાતિજનોને, સહુને એ ભલામણ કરતો જાય છે કે, ખબરદાર ! મારી પરણેલી બાયડીને એ ભૂખે મરતી હોય છતાં એનું પતિવ્રત છોડવા દેશો નહિ ! આવતે અવતાર પાછો હું એને પવિત્ર દેહે સ્વીકારી શકું તે સારુ એનાં મસ્તક-મુંડન અને ઇંદ્રિયદમન ચાલુ રખાવજો.

આવા હિંદુ મૃતપતિને મુકાબલે તું કેટલો પામર અને ગમાર છે, ઓ હરખા. ઢેડા ! તું શું જોઈને સુખની છોળોમાં નાચી રહ્યો છે? નવ વર્ષો પછીની વાતનો આટલો વિશ્વાસ શો ? અને એટલા સમયાન્તરમાં તેં શું જોઈને એને બીજો સ્વામી કરવાની રજા દીધી ? પેટગુજારાને ખાતર દેહ ભ્રષ્ટ કરવાની પરવાનગી દીધી? એ કરતાં તો દેહ પાડી નાખવો શું ભુંડો હતો ! તારી બાયડી મરી જાત તારાં ત્રણ છોકરાંનું ટૂંકું પતી જાત: પણ, સરવાળે પેલી જુગજુગની જૂની કવિઓએ કરેલી અને શાસ્ત્રીએ પળાવેલી સતીત્વની ભાવના તો સજીવન રહેત ને રામચંદ્રે પોતાની મહાસતી જાનકીને પણ આગ સોંસરવી કાઢ્યા વગર ક્યાં ઘરમાં ઘાલી હતી? ને પછી કોઈ ધોબીની શંકા માત્રથી જ કેવી ભર્યેપેટે વનમાં ધકેલી હતી ! એ રામચંદ્રથીયે શું તું વધુ ડાહ્યો?

પણ ઓ હરખા ઢેડા ! સમય બદલી ગયો છે. તું કેટલો હીન છે તેની તને ખબર છે? જો, આ કેસરખાન પઠાણ જોયો? આજે એની મુલાકાતનો દિન છે. એને પંદર વર્ષની ટીપ પડી છે. એણે ફક્ત વાણિયાના પેટમાં વિનયથી ને શાંતિથી છૂરો બેસાડીને અંધારી રાતે પૈસા લીધા હતા, બીજું કશું જ નથી કર્યું. એ જબ્બર આબરૂદાર પુરુષ છે, છૂપી અફીણ-ગાંજાની પેટીઓ ઉતારે છે. પણ આબરૂ જબ્બર હોવાથી કોની મગદૂર કે એ ખાનદાનને પકડે !

જો એની પરણેલી હિંદુ ઓરતને: છે ને હૂબહૂ બહિસ્તની દૂરી ! આ પાક મુસલમાનને આંહીં દુનિયા પર જ એ સ્વર્ગની પરી મળી ગઈ. એટલે કે ખુદાતાલાએ એ હૂરીને હિંદુઘેર જન્માવી મોટી કરી, પછી કેસરખાન મુસલમાને એને પોતાની ગણીને ઉઠાવી લીધી. હવે જોઈ લે ! મારી પાસે ઊભોઊભો કેસરખાન એના ભાઈ-ભત્રીજાઓને શી શી કડક ભલામણો કરે છે:

“ઈસ્કુ ઉઠાકે લે જાના અપને દેશમેં દેખો કહીં ભાગ ન જાવે. કિસીકે સાથ બાત ભી મત કરને દેનાં. ઉસ્કે બાપસે ભી મત મિલને દેનાં. બરાબર હોશિયારી સે લે જાનાં, વહાં પરદેમેં રખનાં ઓર તુમ સુનો, રંડી! અગર કહીં ભી ચલી જાયગી, તો મેં પંદરા સાલ ખતમ હોને પર બહાર નિકલકે તું જહાં હોગી વહાંસે પકડ કર તેરા ઇતના ઇતના ટુકડા કર ડાલૂંગા. ભૂલના મત, મેં કેસરખાન હું! સારા મુલક મેરે નામસે કાંપતા હૈ !”

હરખા ઢેડા ! હું તો આ કેસરખાન પઠાણને શાબાશ કહું છું. હું મારા દિલમાં કેટલી ગલીપચી અનુભવી રહી છું! હું આવા મુસલમાનોમાં પણ હિંદુત્વની ભાવના પ્રસરતી જોઉં છું. તને તો હું નામર્દ કહું છું. આખરે શું તેં પેટગુજારાની વાત સર્વોપરી ગણી ? શિયળ અને સતીત્વ કરતાં શું રોટલો વધુ મૂલ્યવાન ! હા ! હા ! હા ! કોને કહું આ હરખા ઢેડાની હીણપની વાત ?