ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ચમકારા

વિકિસ્રોતમાંથી
← સ્વમાન-પ્રેમી ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
ચમકારા
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૬
અશ્રુધારા →




ચમકારા

વિદ્યાર્થીઓને સાથે લઈને ઘુમતા ઘુમતા સ્વામીજી કાસગંજમાં આવ્યા. પોતે જ્યાં હોય ત્યાં હંમેશાં પોતાની પહેલી દૃષ્ટિ એ બટુકોનાં જ સુખ સાધન પર ફરી વળતી. આ વખતે પોતે જોયું કે બટુકોને સૂવાની જગ્યા પર પવનને રોકવાની પૂરી સગવડ નથી. એટલે ત્યાં એક દિવાલ ખડી કરવાનું સેવકોને પોતે કહી દીધું. પણ મજૂરો ન મળવાથી દિવાલ ચણાઈ નહિ. ફરી પોતે કહ્યું કે 'કાંઈ નહિ. ઘાસનું વાછટીયું કરીને ભીડાવી દ્યો ને !' પણ પોતે જોયું કે સેવકોને વાછટીયું બનાવતાં યે આવડતું નથી. તૂર્ત પોતે સ્વહસ્તે એ વાછટીયું બનાવવા મંડી પડ્યા અને એની કામગીરી સેવકોને સમજાવી દીધી. પોતે કશું અસાધારણ નિરભિમાન બતાવી દેતા હોય કે શિષ્યોને ટોંણો મારતા હોય એવો લગારે દેખાવ થવા ન દીધો.

ફરૂકાબાદના મેજીસ્ટ્રેટ સ્કોટ સાહેબને મહર્ષિજી ઉપર ભારી મમતા જામી. વ્યાખ્યાનો કદિ ચૂકે નહિ, અને વ્યાખ્યાન બંધ હોય તે દિવસ દર્શન ભૂલે નહિ. ફરૂકાબાદની બજારમાં એક સડક પહોળી થઈ રહી હતી. સડકને કાંઠે એક મઢી હતી. એ મઢીમાં લોકો હમેશાં ધૂ૫દીવો કરતા હતા. અંધશ્રદ્ધાળુ આર્યસમાજીએ આવીને સ્વામીજીને સૂચવ્યું કે “મહારાજ, સ્કોટ સાહેબ આપને અત્યંત આધીન બની ગયા છે, એમને લગાર ઈસારો કરો તો લોકોના વહેમોને નાહક પોષી રહેલી આ મઢીને સહેલાઈથી ઉખેડી શકાશે.'

સ્વામીજીએ કોચવાઇને ઉત્તર વાળ્યોઃ 'બંધુ આવી ઉંધી મોંપાટ મને કાં લેવરાવો ? એ તો નીચતાનો રસ્તો કહેવાય. મુસલમાન બાદશાહોએ સેંકડો મંદિરને મૂર્તિઓ સાથે જમીનદોસ્ત કરી નાખ્યાં, તો યે તેએા મૂર્તિ-પૂજાને અટકાવી નથી શક્યા એ વાત કાં ભૂલી જાઓ ! આપણું કામ તો ભાઈ, મનુષ્યોના હૃદય-મંદિરમાંની મૂર્તિઓને હટાવવાનું છે, ઇંટ-પત્થરનાં દેવાલયો તોડવાનું નહિ.'

મુરાદાબાદના પાદરી પાર્કર સાહેબે મહર્ષિજી સાથે પંદર દિવસ સુધી ધર્મ-ચર્ચા ચલાવી. છેલ્લો સવાલ એ હતો કે “સૃષ્ટિ સરજાઈ ક્યારે ?"

પાદરી સાહેબ કહે 'પાંચ હજાર વર્ષો પૂર્વે.'

બાજુના ખંડમાંથી એક બિલોરી પત્થર લાવીને મહારાજે શ્રોતાઓની સન્મુખ ધર્યો. બ્રિટિશ ઈન્ડીઅન એસોસીએશનના સભાસદો બેઠા હતા તેમને સ્વામીજીએ પૂછ્યું 'આપ તો ભૂસ્તર વિદ્યાના પારગામી છો. કૃપા કરીને કહો જોઉં, આ પત્થરને આ દશાએ પહોંચતાં કેટલો કાળ લાગ્યો હશે ?'

'એક લાખ વર્ષો.' વિદ્વાન ગોરાઓએ ઉત્તર દીધો.

'તો હવે બોલો પાદરી મહાશય, સુષ્ટિ સરજાયે પાંચ જ હજાર વર્ષ થયાં હોય તો આ પત્થર ક્યાંથી આવી પડ્યો ?'

પાદરીની જીભના લોચા વળવા લાગ્યા.

સર સૈયદ અહમદ નામના ખાનદાન, જ્ઞાન-પિપાસુ મુસ્લીમ સજ્જને એક વાર સ્વામીજીને પ્રશ્ન કર્યો 'મહારાજ, બીજી વાતો તો ઠીક, પરંતુ થોડાએક હવનથી આખી હવા પવિત્ર બની જાય, એ વાતનો ઘુંટડો મારે ગળે નથી ઉતરતો.'

સ્વામીજીએ સામે સવાલ કર્યો 'સૈયદ મહાશય, આપને ઘેર રોજ કેટલાં માણસોની રસોઇ રંધાય છે ?'

'પચાસથી સાઠની.'

'એટલાને માટે રોજ કેટલી દાળ ઓરો છો ?'

'છ સાત શેર.'

'એટલી દાળમાં હીંગ કેટલી નાખો છો ?'

'બહુ તો રૂપિયા ભાર.'

'એમ કેમ ? એટલી થોડી હીંગ આટલી બધી દાળને શી રીતે સુવાસિત કરી શકે ?'

'બેશક, એ તો કરે છે જ.'

'તો પછી, ખાં સાહેબ, થોડીએક હીંગની માફક થોડોએક હવન પણ ઘણી મોટી હવાને શુદ્ધ કેમ ન કરી શકે !'

મુસ્લીમે કાન પકડીને કબૂલ કરી લીધું.