ઝેર
ઝેર દામોદર બોટાદકર |
પૂજું અંબિકાની પાવડી રે લોલ) |
ફૂલ વેલીનાં વીણતી રે લોલ,
એની શીળી સુવાસ (૨)
હ્રદય રીઝીને ઝીલતી રે લોલ.
ડાસ્યો કાલુડો નાગ (૨)
એક આવીને આકરો રે લોલ.
આવે અન્ધારી આંખ (૨)
જવા ઊડે શો જીવડો રે લોલ !
કરે સાસૂ કલ્પાન્ત (૨)
જોઇ જેઠાણી ઝૂરતાં રે લોલ.
રૂએ દેરાણી રાંક (૨)
ઊનાં આંસુંને લૂછતાં રે લોલ.
કરે કૈં કૈં ઉપાય (૨)
જેઠ ઉરની ઉતાવળે રે લોલ.
હઠે જરિયે ના ઝેર (૨)
એ તો ઉંડેરૂં ઊતરે રે લોલ.
આવ્યો જોગી ત્યાં એક (૨)
દેવ જેવો દેખાવડો રે લોલ.
છાંટ્યાં નેણાંમાં નીર (૨)
એક ટહુકો કશો કર્યો રે લોલ.
ગયાં ઝડપેથી ઝેર (૨)
હું તો ઝબકી જાગી ગઇ રે લોલ.
એના ઊંડા કૈં ભેદ (૨)
પાય પડતી પૂછી રહી રે લોલ.
"આવ્યા ક્ય્હાંથી ? અવધૂત ! (૨)
જટા આ શી શિરે ધરી રે લોલ? "
આવી જાદૂની જાણ (૨)
હાથ ક્ય્હાંથી કહો કરી રે લોલ.
"ઘેલી ઘેલી હો નાર ! (૨)
ગઈ ભૂલી શું ભીંતડી રે લોલ.
દીધાં દાદાએ દાન (૨)
પેલા માંડવની પ્રીતડી રે લોલ !"
"હથેવાળાનાં હેત (૨)
ચાર મંગળ ચોરી તણાં રે લોલ !
ભાવભીના એ ભેખ (૨)
એ જ કામણ કોડામણાં રે લોલ !"
અહો ! દ્વેષીલા ડંખ ! (૨)
હશે આવા અજૂગતા રે લોલ ?
જગત્ જૂનાં એ ઝેર (૨)
ભાન આવું ભૂલાવતાં રે લોલ. ?