ટીપણી ગીત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

ઝીણું ઝીણું ઝાંઝરિયું બોલે છે
મારા નેણલા જોબનિયું ઢોળે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

હું ધાબા દઉં ને મારી ચુંદડી લહેરાય
મારું છુંદણે છુંદેલ ગોરું રૂપ પરખાય

મારું હૈડું ચડ્યું ચકડોળે છે
ચંપો અંબોડે મારે ડોલે છે

મેઠી મેઠી શરણાઈયું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

મારે રાજાને રાણી પરણાવવી છે
એ રાજની મોલાત મારે ચણવી છે

અડે ગગન એવી ઈમારત કરવી છે
એથી ધરતીને ટીપી ધણધણવી છે

શંખ, ઝાઝ ને પખવાજ બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે