લખાણ પર જાઓ

ઠગ/લૂંટાતો સંઘ

વિકિસ્રોતમાંથી
← ઠગની બડાઈ ઠગ
લૂંટાતો સંઘ
રમણલાલ દેસાઈ
૧૯૩૮
છાવણીની પાડોશમાં →


૧૮
 
લૂંટાતો સંઘ
 


રખેવાળો સંઘ તરફ ગયા અને સંઘના માણસોને ઝાડની ઘટા નીચે દોરી લાવ્યા. કેટલાક માણસો રથમાંથી અને ગાડાંમાંથી ઊતરવા લાગ્યાં. રખેવાળોએ જણાવ્યું કે કોઈએ એ સ્થળે ઊતરવાનું નથી, પાસે ગોરા સાહેબની છાવણી પડી છે ત્યાં પહોંચી જવું. અહીં તો જરા બળદને આરામ આપવો, અને પાણી પાવાની તજવીજ કરવી, એ ઉપરાંત જરા પણ થોભવું નહિ.

પરંતુ સંઘના રક્ષકોમાં તેમ જ સંઘના આગેવાનોમાં કેટલાક વધારે પડતા ડાહ્યા માણસો હતા. તેમણે ઘોડેસ્વારોની સૂચનામાં વાંધા કાઢ્યા.

લશ્કરની છેક નજીક જવું એ બરાબર ન કહેવાય. ગમે તો અંગ્રેજોનું લશ્કર હોય, તોપણ બૈરાંછોકરાંના સાથમાં તેની છેક નજીક જવાથી ખરાબ પરિણામ આવવાનો સંભવ કોઈએ બતાવ્યો. લશ્કરીઓ સદા તોફાની જ હોય એટલે ત્યાં બૈરાં ઊતરે એમાં સારા ગૃહસ્થ ઘરની માઝા ન સચવાય એમ વળી કોઈએ કહ્યું. સહજ છેટે રહેવાથી તેમનાં તોફાન જોવા ન પડે અને જરૂર પડ્યે તેમનું રક્ષણ મેળવી શકાય એવી રીતે રહેવાની સૂચના અપાઈ. આવી અનેક મસલતો ચાલ્યા પછી એ જ સ્થળે રાતવાસો ગાળવાની બધાએ સંમતિ આપી. છોકરા આનંદમાં આવી ઊતરી જઈ કિલકારી કરવા માંડ્યા. બૈરાંઓ પોતપોતાની પોટલીઓ છોડી નીચે ઊતરી જમવાજમાડવા તૈયારીઓ કરવા લાગ્યાં; પુરુષો આમતેમ ગપ્પાં મારતા ફરવા લાગ્યા, અને ધીમે ધીમે પેલા બાવાઓની સાથે વાતો કરવામાં મશગૂલ બન્યા. મને લાગ્યું કે આ લોકો હાથે કરી ઠગ લોકોમાં ફસાવા માગતા હતા. ! સ્વારોની સલાહ તેમણે માની હોત તો ? પરંતુ તે સલાહનો અમલ થાત કે કેમ એ શંકાભરેલું હતું એમ મને પછીના પ્રસંગ ઉપરથી લાગ્યું.

અમારી સાથે વાતે ચડેલો સાધુ સહજ અંધારું થતાં ઊઠ્યો અને બીજા સાધુઓ જ્યાં રસોઈ કરતા હતા ત્યાં ગયો. એક ઝોળીમાંથી તેણે કોઈ પ્રતિમા કાઢી અને એક બાજઠ ઉપર તેને ગોઠવી, પાસે દીવો સળગાવ્યો, અને કંઈક સંસ્કૃત ભાષામાં સ્તવન કરવા લાગ્યો. બધા સાધુઓ ભેગા થઈ ગયા અને મોટેથી પેલા મુખ્ય સાધુની સાથે પ્રાર્થના ગાવા લાગ્યા. હું અને આઝાદ દૂર બેઠે બેઠે આ સાધુઓની ચેષ્ટા જોયા કરતા હતા.

મને તેમાં ગમ્મત પડી. મુખ્ય સાધુ દેવની આગળ એક મોટો દીવો લઈ ફેરવવા માંડ્યો. બીજા સાધુઓએ તાળીઓ પાડી ગાવાનું જારી રાખ્યું. સંઘમાંનાં કેટલાંક ભાવિક સ્ત્રીપુરુષો પણ દર્શન કરવા દેવની પાસે આવ્યાં. મોટો ઘંટ કાઢી એક સાધુ તેના ઉપર હથોડી જેવી વસ્તુ પછાડી ઘંટ વગાડતો હતો. કેટલાક સાધુઓ શંખનાદ કરતા હતા. જોતજોતામાં ખૂબ શોર મચ્યો અને લાંબા વખત સુધી દેવની સામે દીવો ફેરવવાની ક્રિયા ચાલી. મને આઝાદે જણાવ્યું કે હિંદુ લોકોમાં દેવની ભક્તિ કરવાનો આ એક પ્રકાર હતો. સુંદર દીવો લઈ મૂર્તિની મુખાકૃતિ આગળ ફેરવવાની કૃતિથી હિંદુઓનાં દિલ બહુ ખુશ થાય છે. હું ખ્રિસ્તી હોઈ મૂર્તિપૂજક ન હતો, છતાં મને આ ક્રિયા બહુ જ સારી લાગી.

ધીમે ધીમે આખા સંઘનાં માણસો ત્યાં ભેગાં થઈ ગયાં. સાધુઓ તેમની દરકાર કર્યા વગર ગાયા કરતા હતા. સંઘનાં માણસો પણ એ ગાનમાં સામેલ થઈ ગયાં અને તાળીઓ પાડવા લાગ્યાં. એક સાધુએ એક છોકરાને ઘંટ વગાડવા આપ્યો એટલે તે બહુ ખુશ થઈ ગયો.

મને પણ આ ધાર્મિક વાતાવરણની અસર થઈ. સામાજિક સંકીર્તન અને સામાજિક ભક્તિ એકાંતિક કીર્તન અને એકાંતિક ભક્તિ કરતાં વધારે સારો અને ઊંચો ભાવ ઉત્પન્ન કરે છે. મને પણ ઈશ્વર યાદ આવ્યો.

એટલામાં સાધુ દીવો ફેરવતો બંધ પડ્યો, અરે તેણે એક બીજા શિષ્યને તે સોંપી દીધો. શિષ્ય દીવો લઈ બધી મંડળીમાં ફરવા લાગ્યો, અને સર્વ કોઈ દીપકની જ્યોત ઉપર હાથ ફેરવી તે હાથને પોતાની આંખોએ દાબવા લાગ્યા. દીવો લઈને બધામાં ફરતો શિષ્ય સૌ કોઈને નીચે બેસાડવા પ્રયત્ન કરતો હતો. તે પ્રયત્નમાં બીજા એકબે સાધુઓ સામેલ થયા ને તેમણે સંઘના સર્વ માણસોને નીચે બેસાડી દીધાં.

આઝાદે સહજ હસતું મુખ કર્યું. મને સમજ ન પડી કે તે શા માટે હસતો હશે, એટલે મેં પણ વગર સમજે જવાબમાં સ્મિત કર્યું. મૂર્તિપૂજામાં રહેલી બાલિશતા તરફ ખ્રિસ્તી તેમ જ મુસ્લિમ બંનેને સ્વાભાવિક રીતે હસવું આવે જ.

પાસે ઊભેલો આઝાદ ગંભીર તલપ મારવા તત્પર થતા હિંસક પ્રાણીનો ખ્યાલ મને આપતો હતો. કાંઈ પણ બોલ્યા વગર તે ઊભો હતો. તેનું આખું શરીર કોઈ કાર્ય માટે તત્પર બની ગયું હોય એમ લાગતું. તેની ક્રૂર આંખો એકીટસે કોઈ તરફ નિહાળી રહી હતી.

પેલા સાધુઓએ બધાંને બેસાડી દીધાં એટલે બીજો સાધુ હાથમાં થાળી લઈ તેમાંથી પ્રસાદ બધાંને આપવા લાગ્યો.

મેં આઝાદને એ કાર્યનો અર્થ પૂછ્યો. તેણે જણાવ્યું કે હિંદુઓ દેવની મૂર્તિને ખોરાક ધરાવે છે અને તે દેવતાને પહોંચ્યા બરોબર ગણાય છે. પરંતુ દેવ ખરેખર જમી શકતા ન હોવાથી એ બધું ભોજન ઈશ્વરના પવિત્ર પ્રસાદ તરીકે માની ભક્તોમાં વહેચવામાં આવે છે. એ પ્રસાદની ના પાડવી એ દેવનું અપમાન કર્યા બરાબર ગણાઈ એ અપમાનનાં અનેક કપરાં પરિણામોનો ભય બતાવાય છે. પેલા રક્ષકો પણ પોતાનાં હથિયારો ઉતારી દેવ પાસે આવ્યા હતા. તેઓ પણ નીચે બેસી ગયા અને વહેચાતા પ્રસાદ માટે આતુરતા બતાવવા લાગ્યા. છોકરાં પ્રસાદને માટે આગળ હાથ ધરી પોતાનો વિશેષ હક બતાવવા લાગ્યા. હું આ ધમાલ સાનંદાશ્ચર્યથી જોઈ રહ્યો હતો.

એકાએક આઝાદે ઊંડો શ્વાસ લીધો. દેવ પાસે બેઠેલો મુખ્ય સાધુ આઝાદના સામું જોયા કરતો હતો, તે પણ સહજ ચમકી ઊઠ્યો. હું જોઉં છું તો મને જણાયું કે આઝાદ પોતાના ખીસામાંથી કાંઈ કાઢતો હતો. હરણ ઉપર તલપી રહેલા ચિત્તાને પટ્ટો છોડતાં જેવી અધીરાઈ લાગે તેવી અધીરાઈ મને ગંભીરના મુખ ઉપર દેખાઈ.

ધીમે રહીને આઝાદે ખીસામાંથી એક રૂમાલ ખેચી કાઢી હલાવ્યો. શું થાય છે એ સમજવામાં આવે તે પહેલાં તો સઘળા સાધુઓ સઘળા પુરુષવર્ગના ગળામાં ફાંસો ઘાલી ઊભા રહેલા મેં જોયા. પ્રસાદ વહેંચવાનું કામ એમ ને એમ અટકી રહ્યું ! તેને બદલે રખેવાળો અને સંઘમાંના પુરુષવર્ગની મુખ્ય વ્યક્તિઓનાં ગળાંની આસપાસ રેશમી રૂમાલ વીજળીની ઝડપે વીંટાયાનું દૃશ્ય મેં જોયું. ભયથી બધાં જ શાંત પડી ગયાં. છોકરાં રડી પણ શક્યાં નહિ અને સ્ત્રીઓ ફાટેલી આંખે શું થાય છે તે વગર બોલ્યે જોતી બેઠી. કોઈથી ઊભાં પણ થવાયું નહિ. સઘળાં જ્યાં અને ત્યાં ચોંટી જ રહ્યા. જેમને ગળે ફાંસા હતા. તેઓ તો હાલી પણ શકે એમ ન હતું. એટલું જ નહિ, કેટલાક મજબૂત લાગતા માણસોને તો ફાંસો નાખતા બરોબર ઊંધે મુખે જમીન ઉપર પટકી નાખી તેમના પગ ઉપર સાધુઓને ઊભા રહેલા મેં જોયા. કોઈક અજબ ચાલાકીથી સંઘનાં મહત્વનાં માણસો ખોળી કાઢી વીજળીના વેગથી રેશમી રૂમાલો તેમના ગળાની આસપાસ વીંટાઈ વળ્યાનું દૃશ્ય એ ઠગ લોકોની ચાલાકીનું મારે તો પ્રથમ દર્શન હતું. વાતો ઘણી સાંભળી હતી. પરંતુ કૃત્ય આજે જ જોયું, અને હું છક્ક બની ગયો. રૂમાલની ગાંઠ કંઠની બરાબર વચમાં આવેલી હતી. એક હાથે આ પ્રમાણે રૂમાલ ઝાલી ઊભા રહેલા સાધુઓ એક સહજ આંચકો આપે તો ફસાયેલા માણસોના પ્રાણ નીકળી જાય એવી સ્થિતિ હતી. તેમાંયે નીચે નાખેલા માણસોની લાચારીનો પાર નહોતો. ગળું રૂધાવવાની સાથે જ તેમના પગ પણ ભાંગી શકાય એવી સ્થિતિમાં તેમને નાખ્યા હતા. બેચાર રખેવાળો છૂટા રહી ગયા હતા તેઓ કાંઈ બોલ્યા નહિ, અને આખા પચાસ-સાઠ માણસના કાફલાનો પ્રાણ આ સાધુઓના વેશમાં છુપાયેલા ફાસિયાઓની એક ક્ષણભરની ખેંચ ઉપર લટકી રહેલો હતો.

ઠગ લોકોની ભયંકરતા મેં આજે પ્રત્યક્ષ જોઈ. વાઘ અને સિંહ કરતાં પણ વધારે ડર લોકોને ઠગનો હતો તેનું કારણ આજે હું પૂરેપૂરું સમજી શક્યો. અણધારી જગામાં કલ્પનામાં પણ ન આવે એવા સંજોગો વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન કરીને ઠગ લોકો પોતાનો ભોગ થઈ પડતા મનુષ્યોને ફસાવતા. રસ્તાઓ ઉજ્જડ થાય એમાં કશી નવાઈ નહિ.

આઝાદે ધીમે રહી. મને જણાવ્યું :

‘આ લોકોને એક ક્ષણમાં અમે મારી નાખત. જૂના વખતમાં એમ જ થતું. પરંતુ સમરસિંહે હમણાં વળી કાયદો ફેરવાવ્યો છે. વગર જરૂરનું કોઈ પણ ખૂન ન થવું જોઈએ; અને ખૂન કરનારે ખૂન કર્યા વગર ચાલે એમ નહોતું એવું પુરવાર કરવું પડે છે. અમે તો ઘણા વિરુદ્ધ હતા. પરંતુ સમરસિંહનું કહેવું એમ થાય કે ઠગ એ કાંઈ માત્ર ચોર નથી, માત્ર ડાકુ નથી, માત્ર ખૂની નથી; ઠગ તો ઈશ્વરનો - મહાકાળીનો સેવક છે. મહાકાળી પાપીઓનો, કંજૂસોનો, અપરાધીઓનો, મહાદુષ્ટોનો, રાક્ષસોનો ભોગ લે; ગમે તેને મારવું એ માતાનો કોપ વહોરવા બરોબર છે. માતાજીની મરજી વિરુદ્ધનાં હવે ખૂનો થવા માંડ્યાં એટલે જ અમારી પડતી થવા લાગી છે. બધા લોકોએ એનું કહ્યું માન્યું. મને પણ તે વખતે એ વાત ગળે ઊતરી એટલે અમે સહુએ હવે કસમ લીધા છે કે નિરર્થક જીવહાનિ ન કરવી.'

‘તમારી પડતી એટલે ?' મેં પૂછ્યું.

‘આ તમે સાહેબ લોકો અમારી પાછળ થયા છો એ એક રીતે તો અમારી પડતી જ ને ? આજ સુધી અનેક રાજરજવાડાં અમને આશ્રય આપતા; હવે એ ઓછું થઈ ગયું. તમે સત્તાધારી બન્યા, અને સત્તાનો વિરોધ અમે ઠગ લોકો ભાગ્યે જ કરીએ છીએ.'

‘તો હવે તમે તમારું કામ બંધ કેમ કરતા નથી ?’ મેં કહ્યું.

‘હવે સુમરાનો પ્રયોગ કરીએ છીએ. લોકોને વગર માર્યે અમે માતાજીને પ્રસન્ન કરીશું તો તમે જાતે જ અમને પૂછતા આવશો'. હું આ અંધશ્રદ્ધાળુ અને વિચિત્ર માણસ તથા ભાવનાનો વિચાર કરી રહ્યો. એટલામાં તેણે મને સમજાવ્યું:

‘કોઈને પણ શારીરિક હાનિ કર્યા વગર પોતાનું કામ કાઢી લે એ ખરા ઠગ મનાય છે. અને વગર ખૂને કામ પાર ઉતારનાર જલદીથી નાયકની પાયરીએ પહોંચે છે. સુમરાએ તો હથિયાર કદી ન વાપરવાનું અને કદી ખૂન ન કરવાનું પણ લીધું છે.’

આ સાંભળી મને જરા શાંતિ વળી. આટલા બધા નિરપરાધી મનુષ્યોને રૂમાલના એક ઝટકાથી મૃત્યુને શરણે થતા જોવા એ ખરેખર કંપારી ઉપજાવે એમ હતું; અને આઝાદે મને ઉપલી હકીકત કહી ત્યાં સુધી તો હું ફાંસામાં આવેલાં મનુષ્યોનાં હમણાં જ મુડદાં પડશે એમ ધારી કંપતો બેઠો હતો.

વધતા જતા અંધકારમાં પેલો સાધુ બોલી ઊઠ્યો :

'રામચરણ શેઠ ! તમારા રથમાં પેટી છુપાવી છે તે અમારે સ્વાધીન કરો; નહિ તો આ પેટીમાંનો પૈસો જોવા તમે જીવતા રહેવાના નથી. વાપરવાની વાત પછી છે !’

‘હા, હા, ભાઈ ! હું પેટી લાવી આપું છું.' એક સ્ત્રી વચ્ચેથી બોલી ઊઠી. 'તમે એમને છોડી દો.’

‘પેટી અમારે સ્વાધીન કરો પછી છોડવાની વાત.' સાધુએ જણાવ્યું. ગળે ફાંસો હતો, પ્રત્યેક ક્ષણે મૃત્યુ ધૂરકતું હતું; છતાં રામચરણ શેઠ બબડી ઊઠ્યો :

‘મારો જીવ લ્યો ! પણ પેટી તો હું નહિ જ આપવા દઉં. આટલી આટલી મહેનત કરી મેળવેલી મિલકત ! પરમેશ્વર તમારું ભલું નથી કરવાનો !’

મરણને કાંઠે ઊભેલા આ ધન લોભી મનુષ્યનો ધન તરફનો પક્ષપાત જોઈ સઘળા ઠગ લોકો ખડખડાટ હસી પડ્યા.

‘શેઠ ! અહીં તો જીવ જશે અને પેટીયે જશે. જો ચાળા કરશો તો.' સાધુએ જવાબ આપ્યો.

‘જરા પ્રભુનો તો ડર રાખો ?’ રામચરણે લાચાર થઈ છેવટની દલીલ કરી. જેનું કાંઈ ન ચાલે તે ઈશ્વરનો ડર બતાવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ જાણતા નથી કે દુનિયામાં સૌ કરતાં ઓછામાં ઓછી ડરવા જેવી વસ્તુ હોય તો તે ઈશ્વર જ હશે. ઈશ્વરના ડરથી કોણે ખોટું કામ કરવું મૂકી દીધું !

‘અમને સાધુઓને ઈશ્વરનો ડર હોય જ નહિ. શરીરે ભસ્મ ચોળી એટલે બધું માફ !’ શેઠને જવાબ મળ્યો.

'આટલા આટલા રખેવાળો રાખ્યા, પણ તે બધાએ મફતના જ પૈસા ખાધા !’ રામચરણ વધારે બબડી ઊઠ્યા. પરંતુ ગળે ફાંસાનું જોર વધારે લાગતાં તેમણે પોતાની પત્નીને પેટી કાઢી લાવવા આજ્ઞા આપી.

અચાનક એક માણસ ફાંસામાંથી છૂટો થઈ ગયો અને શેઠને ગળે બંધાયેલો રૂમાલ છોડાવી ઊભેલા સાધુ ઉપર તે તૂટી પડ્યો. મને લાગ્યું કે આ માણસ રખેવાળમાંનો હશે, અને શેઠે રખેવાળોને દીધેલું મહેણું તેનાથી સહન થઈ શક્યું નહિ હોય તેથી બનતી યુક્તિએ પોતાના ગળાનો ફાંસો દૂર કરી તે પોતાના માલિકનું રક્ષણ કરવા તત્પર થયો હશે. મારી માન્યતા ખરી પડી. જોકે રક્ષક શેઠના મહેણાની રાહ જોતો ન હતો. તે તો ક્યારનો પોતાનું કર્તવ્ય બજાવવા યુક્તિપ્રયુક્તિ અજમાવતો હતો. તેમાં તે ફાવ્યો એટલે છૂટો થઈ તે શેઠને છોડાવવા અને તેનું રક્ષણ કરવા એકલો પ્રવૃત્ત થયો. મને તેની હિંમત અને બહાદુરી ઘણાં ગમ્યાં.

પરંતુ પેલો સાધુ એમ તરત નમતું આપે એવો ન હતો. આઝાદ અત્યાર સુધી શાંત બેઠો હતો. સાધુઓ સાથે જાણે તેને કશો જ સંબંધ ન હોય તેમ મારી પાસેથી ખસ્યો ન હતો. પરંતુ પેલા રખેવાળનો પ્રયત્ન જોઈ તે પણ ઊભો થવા લાગ્યો. એકાએક ગંભીરે પેલા રખેવાળને પકડ્યો. સાધુને છોડી તે રખેવાળ ગંભીર સાથે બાઝ્યો, પરંતુ ગંભીરનું બળ અતુલ હતું. એ છૂટો જ હતો. કોઈને ગળે તેણે ફાંસી નાખ્યો ન હતો, માત્ર જરૂર પડ્યે પોતાનો ઉપયોગ કરવાની તત્પરતા બતાવતો તે ઊભો હતો. એ જરૂર પડી અને અત્યંત આનંદથી તે કાર્યમાં પ્રવૃત્ત થઈ ગંભીરે જોતજોતામાં પેલા રખેવાળને માત કરી દીધો.

આ મારામારી થવાને લીધે શેઠ રામચરણ અને તેની સ્ત્રીમાં કાંઈક આશા ઉત્પન્ન થઈ. એક રખેવાળ છૂટી આટલું તોફાન કરી શક્યો તો બીજાઓ કાંઈ પણ પ્રયત્ન કરશે એમ તેમને લાગ્યું. વળી કેટલાક રખેવાળો તો છૂટા જ હતા. તેઓ જરૂર દોડીને હથિયાર લાવી આ ઠગ લોકોને સજા કરશે એમ તેમની માન્યતા ક્ષણવાર માટે થઈ. પરંતુ તેમની એ આશા વ્યર્થ ગઈ. કોઈ પણ રખેવાળ ફરીથી તેમના રક્ષણ માટે આવ્યો નહિ. અને પેલા સાધુએ ફરીથી તગાદો કર્યો :

‘કેમ. શેઠ ! પેટી મંગાવો છો કે નહિ ? હું ત્રણ બોલું તે પહેલાં જો તમે નહિ મંગાવો તો તમને અહીં જ બાળવા પડશે.'

ત્રણ બોલવાની અંગ્રેજોની રમતમાંથી આ ઠગ લોકો આવી આજ્ઞા કરતા શીખ્યા હશે અને કદાચ મને મારી સ્થિતિનું ભાન કરાવવા આછા કટાક્ષ રૂપે તેણે ત્રણ બોલવાની ધમકી આપી હશે એમ મને લાગ્યું. સાધુ આગળ વધ્યો.

‘ચાલો ! હવે હું ત્રણ ગણું છું. એક...! ! બે... અને...!'

‘જા, જા, ભાઈ ! લઈ આવ્ય પેટી, અને ઠોક એ લોકોના કરમમાં ! કોણ જાણે ક્યાંથી આ પાપ આવી લાગ્યું.’

જીવ જવાથી ધન બચત એમ ખાતરી થઈ હોત તો જીવની દરકાર કરત જ નહિ, પણ અહીં તો ગમે તે રીતે ધન જવાનું જ હતું. એટલે નાઇલાજે ત્રણ બોલવા પહેલાં તેમણે હુકમ કરી દીધો અને જીવ બચાવ્યો. પેલી સ્ત્રી રથ તરફ જવા લાગી, તેની સાથે બે-ત્રણ માણસો જવા તૈયાર થયા. ગંભીરે તત્કાળ તેમને રોક્યા.

'હથિયાર લાવવાં છે. ખરું ?' તે માણસોને ત્યાંનાં ત્યાં જ તેણે બેસાડી દીધા.

‘અરે એ બાઈથી પેટી નહિ ઊંચકાય !' શેઠ બોલ્યા. તેમને અંદરખાનેથી વૃત્તિ થયા કરતી કે કોઈ પણ રીતે રખેવાળો ઠગલોક સાથે લડીને ધન બચાવે !

‘જિંદગીમાં એક દહાડો તો મહેનત કરવા દો !’ ગંભીરે જવાબ આપ્યો. ‘જાઓ જાઓ, બાઈ ! એ પેટી લઈ આવો. અંદર કેટલો ભાર છે તે અમે જાણીએ છીએ.'

મને આશ્ચર્ય લાગ્યું. આવી પેટીમાં શેઠની મિલકત ભરી છે અને તે પેટી એક સ્ત્રીથી ઊંચકી શકાય એવી છે એવી આ લોકોએ શી રીતે બાતમી મેળવી હશે ? ખરેખર ઠગ લોકોનું જાસૂસી કામ પણ બહુ જ વ્યવસ્થિત હોવું જોઈએ. ન છૂટકે પેલી બાઈ બિચારી રથ આગળ ગઈ અને તેમાંથી એક નાની લાકડાની પેટી કાઢી લાવી. પેટી જોઈને કોઈ કહી શકે નહિ કે રામચરણ શેઠની ભારે મિલકત આ પેટીમાં ભરાઈ હશે. લૂંટનાર ભાગ્યે જ આ મેલી, જૂની અને બેડોળ પેટી તરફ નજર પણ કરે, પરંતુ ઠગ લોકો તો આ જ પેટીને ઓળખતા હતા.