લખાણ પર જાઓ

તમે મારાં દેવનાં દીધેલ છો

વિકિસ્રોતમાંથી
તમે મારાં દેવનાં દીધેલ છો
લોકગીત



તમે મારાં દેવનાં દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો
આવ્યાં ત્યારે અમર થઇને રો’

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’