તરુણોનું મનોરાજ્ય
Jump to navigation
Jump to search
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરુડ શી પાંખ આતમ વિષે ઉઘડે
કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે
રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે
કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ
કેસરી વીરના કોડ હરશો નહિ
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ
રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્યા જાય
લાત ખાવા તણાં દિન હવે ચાલિયાં
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં
માગવી આજ મેલી અવરની દયા
વિશ્વ સમરાંગણે તરુણદિન આવિયા
અણદીઠને દેખવા, અણતગ લેવા તાગ
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ
લોપવી સીમ, અણદીઠને દેખવું
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું
ઘૂમવા દિગ્દિગંતો, શૂળી પર સૂવું
આજ યૌવન ચહે એહ વિધ જીવવું