તું મારે ચાંદલીએ ચોંટ્યો

વિકિસ્રોતમાંથી
(તું મારે ચાંદલિયે થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
તું મારે ચાંદલીએ ચોંટ્યો
નરસિંહ મહેતા
રાગ કેદારો


તું મારે ચાંદલીએ ચોંટ્યો, સારા મુરતમાં શામળિયો;
ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, પ્રાણજીવન પાતળિયો. તું મારે..

ખડકીએ જોઉં ત્યારે અડકીને ઉભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;
શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતપેં અતિ મીઠો રે. તું મારે..

જમતાં જોઉં ત્યારે હોડે બેઠો, સૂતો જોઉં ત્યારે સેજડીએ;
વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો બેલડીએ. તું મારે..

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;
નરસૈયાંનો સ્વામી ભલે મળીઓ, મારા હૃદય કમળમાં વસિયો રે. તું મારે..


-૦-