તુલસી-ક્યારો/'બામણવાડો છે ભા!'

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અસત્ય એ જ સત્ય તુલસી-ક્યારો
'બામણવાડો છે ભા!'
ઝવેરચંદ મેઘાણી
કેવો નાદાન પ્રશ્ન ! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ આડત્રીસમું
'બામણવાડો છે ભા !'

ળતા દિવસે વીરસુત સૌને વળાવવા સ્ટેશને ગયો, પણ કંચન એના દીઠામાં આવી નહિ. ગાડી રવાના થયા પછી બીજા સ્ટેશને બુઢ્ઢા સોમેશ્વર કંચનને બાજુના ડબામાંથી પોતાના ખાનામાં લઇ આવ્યા.

અમદાવાદમાં ડોસા એ ભદ્રા પાસે બડાઈ તો મારેલી પણ દિવસ છતાં જન્મભૂમિમાં દાખલ થવાની એની હામ ચાલી નહિ તેથી તેણે વચમાં એક જંક્શન પર ઉતરી જઇ, કંચનને વિશેષ મન-મોકળ કરાવી અને તે પછીની રાતની ગાડી પકડી. રાતને વખતે વતનમાં આવીને ડોસાએ ઘર ઉઘાડ્યું. પરોડ નહોતું પડ્યું ત્યાં એ ઊઠ્યો. ઝાડૂ કાઢવા માટે પોતે સાવરણી હાથમાં લીધી તે કંચને આવીને ઝૂંટવી લઇ વાળવા માંડ્યું.

'તમે વાળવા બેસશો તો પછી દેવુની પાસે કોણ રહેશે ભા ?' ડોસાએ બડબડ કરતે કરતે ફાનસ નજીક લટકાવીને એક પટારો ઊઘાડ્યો, ને પટારામાંતી એક પેટી બહાર કાઢી, અને તેમાંથી પણ નાનક્ડી દાબડી કાઢીને કંઈક કાઢ્યું.

'આંહીં અવી જજો ભા જરા !' કહીને એણે કંચનને પાસે તેડાવી, કંચનને લાજ કાઢવાની ટેવ જ મૂળે નહિ હોવાથી એ પટારા પાસે આવીને પીઠ વાળી ઊભી રહી. 'આમ સામે ફરો ભા !' ડોસાએ દુભાયેલા સ્વરે કહ્યું : 'હું કોઈ વાઘ દીપડો નથી. ગમે તેવો તોય માણસ છું. આ લ્યો. આ તમારું છે તે સંભાળી લ્યો. આંહીં અડવા રહેવું નહીં પાલવે. માણસો સવારે મળવા આવશે અને પાછાં જઇને કહેશે કે સૂમના પેટનો સસરો પહેર્યા ઓઢ્યા જેવડી વહુને સાધુડી બનાવી ને બેઠો છે.'

કંચને પોતાની સામે સોનાના દાગીનાની ડાબલી મુકાયેલી દીઠી. એને ગમ ન પડી કે ડોસો શું સૂચવે છે. એ તો દિગ્મુઢ બનીને ઊભી. એટલે ડોસા ફરી વાર કરડો સ્વર ધારણ કરીને બોલ્યાઃ-

'આ તમારા દીકરા દેવુનું છે. તમારે એની સાચવણ કરવી જોશે. ને પટારામાં બીજી જે જે ચીજ વસ્તુ હોય તેની પણ નોંધ કરી લ્યો. અજાણ્યાં ને આંધળાં બન્ને બરોબર કહેવાય. પોતાના દીકરાની માલમતા જો મા નહિ સાચવે તો કોને પાડોશીને ભળાવવા જવું પડશે ?'

કંચન નીચે બેસીને દાગીના બહાર કાઢી જોવા લાગી. એ જ એ દાગીના, જે પહેરવાની ત્રણ વર્ષ પર ના પાડીને દેવુનું અને ભદ્રાનું મોં તોડી લીધું હતું. તે પછી અમદાવાદના સુશિક્ષિત સ્નેહી મંડળમાં તો સોનારૂપાના દાગીનાને અંગ પર ધરવાના જંગલીવેડાથી એને દૂર રહેવું પડેલું, અને ખોટાં એરિંગો, ખોટી બંગડીઓ વગેરે શણગારો એની અણપૂર લોલૂપતાના ખાડા કદી પૂરી શક્યા નહોતા. આજે આ ઘરેણાં દેખી એનું બાળક જેવું નારીહૃદય નિઃશ્વાસ નાખી ઊઠ્યું. આ દાબડીને કેવી રીતે સાચવવાની છે તેવો પ્રશ્ન કરી ન શકવાથી કંચન એને બંધ કરવા જ ચાળા કરતી હતી.

'એ તો મને આવડે છે.' ફરી દુભાયેલા સાદનો ડોળ કરીને સસરા બોલ્યા. 'ને મને જો ઈશ્વરે બૈરું બનાવ્યો હોત ને, તો હું કાંઈ તમને આ સાચવવા આપવા આવ્યો ન હોત. મારે ય ડોક છે, કાંડાં છે, પગ છે; ને ઓઢવા પેરવાની ઈચ્છા ય શું નહિ હોય અમારે ? પણ શું કરીએ ? જખ મારીને તમારી જાન આગળ રગરગવા આવવું પડે છે, એ કાંઈ ગમતી વાત નથી.'

તો પણ કંચન નિષ્ક્રિય રહી ત્યારે સસરાએ હાકોટો માર્યો. 'કહું છું કે કૃપા કરીને પહેરી લ્યો.'

'ખરો ! દવે ખરો !' એવો સાદ કાઢતો એક ઘોઘરો પડઘો ઘરની પાછલી પરશાળેથી પડ્યો, ને પછી તરત 'જીભલડી રે તુંને હરિગુણ ગા...આ...તાં' એવું પ્રભાતિયું મંડાયું. એ સ્વર અંધા જ્યેષ્ટારામનો હતો.

દાદાનો ઉગ્ર અવાજ સાંભળીને દેવુ પથારી છોડીને આવી પહોંચ્યો. એને આવેલો જોઇ ડોસાએ કહ્યું : 'દેવ, તારી બાને એમ હશે કે તારી મૂઈ માના દાગીના આપી દેવાનો મને શાનો હક્ક ! ખરું છે, હું તો હવે આ ઘરમાં બધા જ હક્કો પરવારી બેઠો. મારી તો જાણે કોઇ ચીજ ઉપર સત્તા જ ન રહી. ખેર ભાઈ, તો પછી તું પહેરાવ તારી બાને, તું વાલો થઇ જા,મારા હાથમાં તો જશની રેખા જ ક્યાં છે !'

'બા-બા-બા-પહેરો તો બા-બહુ સરસ લાગશે હો બા !'દેવુને એની નવી ઉર્મિઓ આવાં ત્રૂટક વેણો જ બોલવા દેતી હતી.

'અત્યારે જ પહેરું ? પછી કાલે...'

કંચનના એટલાજ શબ્દો સામે સસરા તડુકી ઊઠ્યા : 'હં-હં-એમ કે ? બહારથી હમણાં જ આડોશીપાડોશી મળવા દોડ્યાં આવશે તેની સામે તમારે મારી આબરૂના તો કાંકરા જ કરાવવા છે ને ? દીકરાની વહુને કાંઈ હું રઝળતી ભટકતી આંહીં હાંકી નથી લાવ્યો બાપ ! દીકરાની વહુને કંઇ નધણિયાતા ઢોરની જેમ નથી ક્યાંઇથી હાથ કરી. દીકરાની વહુને તો મોંઘા પાડની તેડી લાવ્યો છું. ને હું તો ભરી આશાએ લઈ આવ્યો છું. મારો દેવુ એકનો એક છે તે દિનરાત જીવ ફફડ્યા કરે છે. હું આખો દિવસ કામધંધા વગર નિરુદ્યમી બનીને બેઠો રહી શકતો નહોતો એટલે તો તમને હું મોંઘાં કરીને તેડી લાવ્યો છું. સરકારનાં પેન્શન તો મારે દાઝ કાઢીને ખાવાં છે બાપા ! બેઠા બેઠા વિચારવાયુનો ભોગ થઇ પડીને ઝટ ઝટ મરી નથી જવું મારે, પેલા ત્રિપુરાશંકરની પેઠે. મૂવો બાપડો ! પારકાં છોકરાં રમાડી રમાડીને કદી જીવી શક્યો છે કોઈ પેન્શનર, તે ત્રિપુરો જીવે ! એની દીકરાવહુનો દેહ કોઇ દા'ડો જવાબ જ ન દઇ શક્યો તો ભોગ એના ! એમાં મારો શો દોષ ! હું કાંઇ તમને રૂપાળાં જાણીને નથી લાવ્યો, મારે કાંઇ તમારા હાથના ફૂલકા નથી જમવાં, મારે તો પાંચ વરસ પેન્શન ચાવવા થાય તે માટે ખાલી ખોળો ખુંદનારૂં જોતું હતું તેથી જ તમને લાવ્યો છું ભા ! આ લ્યો, તમને પેટની વાત ચોખ્ખે ચોખ્ખી કહી દીધી. બીજી એકેય બાબતે મારે તમારી ગરજ નહોતી.'

સસરાના આ શબ્દો પડતા હતા તે દરમ્યાન કંચનનું પ્રત્યેક રોમ ધ્રૂજી રહેલું. પોતાને આંહીં લાવનાર બુઢ્ઢો માણસ પોતાની શારીરિક સ્થિતિ જાણતો નથી તેથી જ આ ભૂલ કરી રહ્યો છે, અને એ જાણવા પામે તે પહેલાં જ પોતે તો અહીંથી ક્યાંઇક છટકી જનાર છે અથવા તો માર્ગ કાઢી લેનાર છે, એવી ગુપ્ત ગણતરી કરીને જ કંચન સસરા સાથે આવી હતી. માર્ગ નીકળશે કે નહિ તેનો એણે વિચાર જ કર્યો નહોતો. એને તો કેવળ છૂટવું હતું -એક સ્થિતિમાંથી છૂટીને બીજી સ્થિતિમાં દાખલ થઇ જવું હતું. એનું પ્રયાણ કેવળ આંધળું જ હતું. એનો મદાર સસરાના, પોતાની શારીરિક હાલત સંબંધેના અજ્ઞાન ઉપર હતો.એન તો ખાતરી હતી કે પોતે સગર્ભા છે એવી જો જાણ હોય તો તો સસરો એની છાંય પણ ન લે, અથવા કદાચ ખલાસ પણ કરી નાખે. પણ આ તો સલામતીની જે કલ્પના-ડાળ પર પોતે અવલંબી હતી તે જ ફસકી પડી ! અને એનો જીવ ઊડી ગયો. આઠ મહિનાથી પોતે ઘર છોડી ભાગેડુ બની છે એ વાતનું બરાબર જ્ઞાન ધરાવતો સસરો એવી ભ્રમણામાં કદી હોય જ શાનો, કે આ ગર્ભ એના પુત્રથી રહેલ છે ! તો પછી આ શી કરામત ચાલી રહી છે ! મારા પર હજુ શા શા સંસ્કારો આ અજાણ્યા સ્થાનમાં થવાના હશે !

કંચનના હાથમાં દાબડી થીજી રહી હતી. કંચનને એનાં વિચાર વમ્મળો આડે પૂરું ભાન પણ નહોતું રહ્યું કે દેવુ એ દાબડીમાંથી ચંદનહાર કાઢીને બાને કંઠે પહેરાવતો બેઠો છે. અને ડોસા તો પાછા પટારાની ચીજો ઊથલાવવામાં રોકાયા હતા. અંદરથી મોતીના વીંઝણા કાઢતા હતા, ભરેલાં તોરણો અને ગાલીચા બહાર ફેંકતા હતા-કહેતા હતા કે 'લ્યો ભા ! મૂકો ઠેકાણે, પડ્યાં પડ્યાં સડી જશે આ બધાં.'

એમ કહેતો કહેતો ડોસો પાછો ફરીને જોતો હતો કે વહુના ઉપર આ તર્કટની શી અસર થઇ છે. વહુના દેહ પરનો ગભરાટ એણે વાંચી લીધો, એ ગભરાટને મિટાવવાની તક જલદી લેવી જોઇએ એટલે એણે દેવુને 'દેવ ! તું માંદો માંદો આંહીં ન બેસ. નહિ ખોવાઇ જાય તારી બા ! જા બિછાને જઈ બેસ.' એમ કહી મોકલી આપ્યો અને પછી પટારાની વસ્તુઓ ઠેકાણે પાડતે કહ્યું-

'મારા તો શ્વાસ અધ્ધર ચડી ગયેલા. સારું થયું કે શંકરે મને સન્મતિ આપી કે, તમને ધૂત્કારી કાઢતાં પહેલાં મેં વીર સુતને પૂછી જોયું. એ બેવકૂફ તો છે જ, પણ આટલો બધો હેવાન ! પોતાની વહુ પાસે પોતે આવે જાય, અને અમને જ ભ્રમણામાં રાખે ! હેવાન મને કહેતાંય ન લાજ્યો કે 'બાપુ, વાત કરતાં મને ભોંઠામણ થતું'તું !' એના ભોંઠામણમાં ને ભોંઠામણમાં મારા તો બાર જ વાગી જાત ને ! મારી પૂત્રવધૂને કૂલટા કહી ધુત્કારી કાઢ્યા પછી હું તો સદાય હાથ ઘસતો જ થઇ રહેત ને! મારાથી એને ભોંઠામણ આવ્યું, જોવો તો ખરાં ! કલહ કરીને વહુને કાઢી મૂકી ત્યારે ભોંઠામણ નહોતું આવ્યું, કોર્ટે ચડેલો તેનું ભોંઠામણ નહોતું આવ્યું, અને ભોંઠામણ આવ્યું આવી કલ્યાણકારી બાબતનું ! કેમ જાણે અમે તમારાં ને તમારાં પેટનાં દુશ્મન હોઈએ. કેમ જાણે મને પાંચ દસની વેજા વળગી ગઈ હોય ! અમે જેના સારૂ તલખી તલખીને મરતાં હોઇએ તેના જ માટે અમારાથી દિલચોરી ! એ તો ઠીક, પણ તમને હું આંહીં ન લઇ આવત તો એ હેવાનને હાથે હજુયે કોણ જાણે કેવી બરદાસ્ત થાત, અને આગલી બે વાર બની ગયું તેવું જ કાચું કપાત. ભલેને કૂટે હવે માથું ! હું તો ધરાર લઇ આવ્યો !'

કંચન આ બધું સાંભળતી સાંભળતી, એક બાજુ પીઠ વાળીને બેઠી બેઠી હાથમાં ને પગમાં, કાનમાં ને ડોકમાં દાગીના ચડાવતી હતી. ભદ્રાની ચાતુરી એનામાં નહોતી એટલે એણે તો સસરાના કહેવા પરથી સાચું માની લીધું કે આ ગર્ભાધાન માટેની જવાબદારી વીરસુતે પોતાના શિરે ઓઢી લીધી છે. એનો બધો ફફડાટ શમી ગયો. એણે હોંશે હોંશે શણગારો સજી લીધા.

ખાલી દાબડી જોઈને સસરાએ સમજી લીધું અને દૂત્તી નજરે પૂત્રવધૂની સાડીની આરપાર કંઠ સુધીની મુખમુદ્રા નિહાળી લઈ સંતોષ અનુભવ્યો કે દાગીના પહેરાઈ ગયા છે. 'ઠીક ભા ! ઉપકાર કર્યો મોટો ! જાવ હવે.' એણે તોરથી કહ્યું 'એઇને લહેરથી કામકાજ કરો, ને મળવા આવે તે બધાને તડાકાબંધ જવાબ દેજો. કોના બાપની મગદૂર છે કે આપણામાં રામ હોય ત્યાં લગી કોઇ એલફેલ વાતો પૂછી શકે ! પૂછનારનાં મોઢાં રંગાઇ જાય એવા પાણકા જ ન છોડીએ મોંની ગોફણમાંથી ! આ તો બ્રાહ્મણવાડો છે ભા ! તાડુકતાં ય શીખવું જોશે. ફુંફાડો ય મેલી દેનારો તો ફણીધર પણ સૌને ઠેબે ચડ્યો'તો ભા ! બમણવાડો છે આ તો બાપા ! આપણે જ જો કાચા કાળજાનાં થઇએ તો તો બામણો ઠોલી જ ખાય. આતો બામણવાડો છે ભા !