તુલસી-ક્યારો/'સુકાઈ ગયા છો!'

વિકિસ્રોતમાંથી
← બારણાં ઉઘાડ્યાં તુલસી-ક્યારો
'સુકાઈ ગયા છો!'
ઝવેરચંદ મેઘાણી
સસરાને દીઠા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ પંદરમું
' સુકાઈ ગયા છો!'

'શા માટે પણ મારો જીવ...'

એટલું બોલતે વીરસુતે જ્યારે ભડોભડ બારણાં ખોલ્યા ત્યારે એણે દસ વર્ષના દેવુને દીઠો. કેમ જાણે રોજની વેળાએ આવ્યો હોય તેમ દેવુ બોલ્યો, 'બાપુજી, ચહા પી લો.'

પ્રોફેસર વીરસુતે પોતાની દૃષ્ટિ સામે દીઠું - પોતનું બાળક નહિ, પણ જાણે પોતાનું પાપ : કુદરતનો જાણે પોતાની ઉપર કટાક્ષ : પોતાની ગત પત્નીએ જાણે પકડાવેલો પત્થર સમો બોજો : કોઇક ત્રાહિત સત્તા જાણે પોતાના યૌવન પર આ અત્યાચાર કરી નાસી ગઈ છે!

જેને પોતે કદી ચાહી નહોતો શક્યો તે સ્ત્રીએ કેમ જાણે પોતાની આશાભરી યુવાવસ્થાનાં કિરણો શોષી લઇને એક અંગાર સળગાવી પોતાના જીવનમાં આપી દીધો હોય ! આવડું બાળક મારે હોઈ જ કેમ શકે? હું અભ્યાસ કરતો હતો ત્યારે આ શિશુને આતારવા હક્ક જ શો હતો? હું શું આવડા છોકરાનો બાપ હોઈ શકું ! દેવુની હાજરીનો એને સર્પદંશ લાગ્યો, મૂવેલી પત્ની એના જોબન સાથે કશીક છલભરી રમત કરી ગઈ હતી. એને પોતે કોઇ દિવસ ખોળામાં બેસાર્યો નહોતો, રમાડ્યો નહોતો, એક રમકડું પણ આણી દીધું નહોતું, વેકેશનમાં પિતા આવશે ને એકાદ ઝબલાનું કપડું, એકાદ ફૂટબોલ, એકાદ નાનું એરોપ્લેન લેતો આવશે એવી આશા સેવતી બેઠેલી પત્નીને મળતી વખતે વીરસુત યાદ કરી આપવાનું ચૂકતો નહિ કે 'આ તારી દેહલોલૂપતાનું પાપી વિષફળ છે વગેરે વગેરે.'

આવો છોકરો આવડો મોટો કેમ કરતાં થઈ ગયો ! હજુ ય મોટો ને મોટો થતો કેમ જાય છે! જેમ જેમ એ વયમાં ને ઊંચાઈમાં વધે છે તેમ તેમ એ જાણે કે જગતની સમીપ મારી નાલાયકી અને મારી વધતી જતી ઉમ્મર પોકારી રહે છે. હું ક્યાં આનો બાપ બનવા જેવડો ઉમ્મરવાન આધેડ બની ગયો છું ! હું તો હજુ યૌવનના ઊંબરમાં પગ મૂકી રહ્યો છું. મારી જોડીના જુવાનો તો હજુ પ્રણય કરી રહેલ છે!

ચહાનો પ્યાલો દેવુના હાથમાં થંભી રહ્યો છે ત્યાં તો આવા આવા વિચારોની, એના માથાના પોલાણમાં, કૈંક સૂસવાટીઓ બોલી ગઈ. એ ઉતાવળી જીભે કહેવા જતો હતો કે 'આંહીં મારી ચેષ્ટા જોવા આવેલ છો ને ! તારી બાની શિખવણી મુજબ મારા પર વેર લેવા આવેલ છો ને!' પરંતુ એટલું બોલતા પહેલાં એની જીભને ઝાલી રાખનારૂં કોણ જાણે કેવું યે રાંકપણું એણે દેવુના ગોળ નાના ચહેરામાં દીઠું. એણે પ્યાલો દેવુના હાથમાંથી લીધો. કે તૂર્ત દેવુએ કહ્યું, 'બાપુ, અમે હમણાં જ આવ્યા, પણ હું તો દાદાજીથી નાસીને આવ્યો છું.'

'કેમ?'

'તમારી પાસે જલદી આવવાનું મન થયું. ને મામાજી મૂકવા આવ્યા.' 'ક્યાં છે?'

'ઓ રહ્યા, ગ્યાસલેટના ડબાવાળી ઓરડીમાં બેઠા છે. એ તમારાથી ડરે છે બાપુ ! કોણ જાણે કેમ પણ એ ડરે છે.'

'તું નથી ડરતો?'

'હું ડરતો હતો. હવે નથી ડરતો.'

'કેમ?'

'કેમ કે તમે મારો ચહાનો પ્યાલો લીધો.'

દેવુનું બોલવું બાપને બીકથી ભરેલું જ ભાસ્યું. આ છોકરો હજુ ય ડરી રહ્યો છે, ડરે છે તેથી જ મને ફોસલાવે છે, ને મારી ખુશામત કરે છે. જે જુવાનને પત્નીએ તિરસ્કારી તરછોડી ધુતકરી પારકાને હાથે માર ખવરાવ્યો હતો, જે પ્રોફેસરને મિત્ર ગણાતા માનવીએ પોતાના જીવનના આંતર્ગરત સંસારમાં પણ તાબેદાર ગુલામ બનાવ્યો હતો, તેના તેજોવેધ ઉપર જાને આ છોકરાની ખુશામતે ટાઢા જળની ધારા રેડી.

પિતાએ ચહા પી લીધી ત્યાં સુધી બાળક નોકર જેવો બની ઊભો રહ્યો. પિતાના ઘરમાં પેસનાર બાળકને પિતાની ગૃહસામગ્રી ફેંદવાનો, દીવાલ પરની તસ્વીરો પલંગ પર ચડી ચડીને જોવાનો, તોડવાનો, ફોડવાનો ને શાહી કે ગુંદર ઢોળવાનો જન્મસિદ્ધ હક્ક હોય છે, એવા એક પણ હક્કનો ઉપયોગ કર્યા વગર દેવુ ઊભો રહ્યો એ પિતાને સારૂં લાગ્યું.

ચહાનો ખાલી પ્યાલો ઉઠાવીને દેવુ પિતાના મોં પર તાકતો જ ઊભો હતો. 'શું જોવે છે?' પિતાએ કડકાઇ બતાવવાનો દુર્લભ મોકો પોતાના સતત અપમાનિત જીવનમાં અત્યારે મેળવ્યો.

'તમે સુકાઈ ગયા છો. દાદાજી દેખે તો શું કહે?' એમ કહી બાળક બીજી બાજુ જોઈ ગયો.

'તમે સુકાઈ ગયા છો' એટલું જ વાક્ય: વીરસુતની ખોપરીની કોઇ એક અંધારી અવાવરૂ ગુફાનાં દ્વારને ધકેલીને અંદરની રજ ઉરાડતો, ઘણાં વર્ષો પૂર્વે મગજનાં ભોંયરામાં સુષુપ્ત પડેલો આ સુર કોનો સળવળી ઊઠ્યો? આ જ વાક્ય મને કોણ કહેતું હતું? કોઈક વારંવાર કહેતું ને એ સાંભળતી વારે સખત કંટાળો છૂટતો. સામો હું જવાબ વાળતો, 'તારી તેની શી પડી છે!' - હા, હા, યાદ આવ્યું. દેવુની પરલોકે પળેલી બા જ એ બોલ બોલતી. રજાઓમાં જ્યારે જ્યારે નછૂટકે મળવા જવું પડતું, ત્યારે ત્યારે આ નાના છોકરાને મારા ખોળામાં મૂકવા પ્રયત્ન કરતી એ સ્ત્રીના હાથને અને હાથમાંના બાળકને હું તરછોડી નાખતો ને એ તરછોડવું ગળી જતી, કોઈને ખબર પણ ન પડી જાય તે આવડતથી એ અપમાનને પી જતી. પોતે જાણે પોતાની જાતને જ એ અપમાનનું ભાન ન થવા માટે બોલી ઊઠતી કે 'તમે સુકાઇ ગયા છો!'

આ છોકરોય શું એ દિવસોની અભાન સ્થિતિમાં સાંભળેલો પોતાની બાનો એ બોલ યાદદાસ્તમાં મઢી રાખી આજે ઉચ્ચારતો હતો!

પ્રોફેસરને આ બધું નહોતું ગમતું. દીકરો બોલે તે તો ગમતું હતું. પણ એના બોલવા પરથી જે ભૂતકાળ યાદ આવતો હતો તેની અકળામણ થતી હતી.

પણ આ છોકરો મારા પર શું શું વીતકો વીતી રહેલ છે તે જાણતો હશે ! જાણતો ન હોય એમ બને નહિ. ભદ્રાભાભી. બધું જ જાણીને બેઠાં છે, એમણે પણ કહ્યું જ હશે ને.' 'ભદ્રાબાએ તને કાંઇ કહ્યું?' એણે પૂછ્યું.

'કહ્યું કે મારાં બા થોડા દિવસ માટે મારા મામાને ઘેર ગયાં છે.'

એટલું બોલી દેવુએ ફરી વાર મોં ફેરવી લીધું એના અનુચ્ચારણમાંથી જ બધી માહિતી બોલી રહી હતી. વીરસુતના મન પર તો એક જ અસર ઘુંટાયે ગઇ. ભદ્રા આટલા દિવસથી ઘરમાં હતી ને આટલી આટલી આબરૂહાનિની પરંપરાની તલેતલ સાક્ષી હતી છતાં એક પણ વાર એકાદ શબ્દ પણ એ સંબંધે એણે ઉચ્ચાર્યો નહોતો. છોકરો સર્વ વીતકોની જાણ લઇને આવેલ છે પણ એક ઇસારોયે કરતો નથી. આ લોકો મને મેંણાં ટોંણાં કેમ મારતાં નથી? મારો ત્યાગ કરીને કેમ ચાલ્યા જતાં નથી? એવું કાંઇક અવળું વેણ બોલત તો તો એમને ખખડાવી નાખી આંહીંથી હાંકી કાઢવાનું પણ એક કારણ મળી જાત ! પણ વીરસુતના હાથમાં આ સ્વજનોએ એકેય હથિયાર આપ્યું નહિ.

એણે દેવુને કહ્યું, 'ભદ્રાબાએ ચહા પીધી?'

'ના.'

'તું પાજે. અને સાથે કશુંક ખવરાવજે. એમણે ત્રણ દિવસથી ઉપવાસો કર્યા છે.'

બોલાઈ તો ગયું, પણ પછી બીક લાગી, કે કદાચ દેવુ ઉપવાસનું કારણ પૂછશે. એવું કશું પૂછ્યા વગર દેવુ બહાર નીકળી ગયો.

એના ગયા પછી વીરસુત ફરી ટેબલ પર બેઠો. પણ એનું ચિત્ત ટેબલપરથી ચાલી નીકળ્યું હતું તે પાછું આવતું નહોતું.

'આવતી કાલે તો કેસ ચાલવાનો છે. એ દુષ્ટાનો અને એના રક્ષક ભાસ્કરનો પૂરેપૂરો ભવાડો કરવાનો છે. શહેરનો એક પક્ષ પોતાને પક્ષે પણ ઊભો રહેનાર છે. ત્રણચાર દંપતી-જીવન પર ભાસ્કરે શિરજોરી ચલાવી હતી તેઓ પોતપોતાની દાઝ એકઠી કરીને વીરસુતની સહાયે ઊભવાના છે. વકીલો પણ પોતની વહારે ધાનાર છે. અને કેટલાક ખાટસવાદીઆ લોકો પણ આ તમાશામાં રોનક પૂરવા વીરસુતના પક્ષે ઢોલકી વગાડવા લાગ્યા હતા. વીરસુતનો પુરાવો મજબૂત કરવા માટે એક વ્યક્તિ તો ઘરમાં જ બેઠી હતી, એ હતી ભદ્રા. ભદ્રાને અદાલતમાં તેડી જવાનું કાર્ય જરા કઠિન હતું. પણ દેવુ આવ્યો છે એટલે એમાં સરલતા થવાની આશા હતી.

આવી કડીઓ અંતરમાં ગોઠવતો વીરસુત પોતાના કટ્ટર નિશ્ચયની વધુ વધુ કદર કરી રહ્યો હતો, ત્યાં દેવુએ પાછા આવીને ખબર દીધા. 'બાપુ, ભદ્રાબાએ ચહા સાથે દશમી પણ ખાધી છે. તમે ચહા પીધી એટલે એણે પણ પીધી છે. એ કહે છે કે તમે ખાશો પીશો તો એ પણ ખાશે પીશે.'

'વારૂ.' એમ કહી વીરસુત ભદ્રાની પાસે અદાલતમાં આવવાની વાત મૂકવાનો સમય વિચારી રહ્યો.

સાંજનો સમય હતો. દેવુ બહાર નીકળી પડ્યો. એને વીણી વીણીને થોડા વધુ પથ્થરો-ગોળાકાર સુંદર પથ્થરો, ઘાટીલા, વજનદાર અને ઘા કરવામાં ફાવે તેવા સરખા પથ્થરો પોતાનાં બીજા ખિસ્સામાં પણ ભર્યા. પોતાનો ઘા કેટલે દૂર જઈ શકે છે ને પોતાની તાક કેવીક ચોક્કસ છે એ નક્કી કરવા એણે ઝાડનાં પાંદડાં પર પથ્થરો ફેંકી પણ જોયા. ફેંકતો ફેંકતો એ વિશેષ દૂર ગયો. સારી પેઠે એકાંત મળતી ગઇ. આવી નિર્જનતામાં જો પેલી નઠારી નવી બા મળી જાયને, તો તો મારું કામ પાકી જાય. એવી એવી કલ્પના એના નાનકડા માથાને ધગાવી રહી. એવામાં એણે એક સ્ત્રીઓનું ટોળું દીઠું. બીજી સ્ત્રીઓ એમાંની એક સ્ત્રીને પકડીને હાથ ખેંચી રહી હતી. સાથેબે ત્રણ પુરુષો પણ હતા. જે સ્ત્રીનો હાથ ખેંચાઇ રહ્યો હતો તે જાણે કે આગળ વધવા આનાકાની કરતી હતી. દેવુ જેમ નજીક પહોંચ્યો તેમ તો તેણે પેલી હાથ ખેંચનારીઓના સ્વર પણ સાંભળ્યા.

'ચાલ તું તારે. રસ્તો કાંઈ કોઈના બાપનો નથી, આ તો જાહેર રસ્તો, હિંમત કરીને નીકળ. શું કરી નાખવાનું છે કોઈ?'

'કરી તો શું નાખશે કોઈ !' પેલી સ્ત્રી જવાબ દેતી હતી. 'પણ મને એ જગ્યા, એ ઘર, એ બધું જ હવે ખાવા ધાય છે.'

'ચાલ ચાલ, એની આંખોને ચગદતાં જ ચાલ્યાં જઇએ. એની છાતી પર થઈને ચાલીએ. અમસ્થાં કંઈ આપણે ઊંચા નહિ આવી શકવાનાં !'

બીજીએ કહ્યું, 'અમે તો એને શેમ શેમ પોકારવાનાં, ચાલ.'

એમ બોલતી સ્ત્રીઓ પેલી અચકાતી સ્ત્રીને લેતી આગળ વધી ને દેવુ એ અચકાતી સ્ત્રીને ઓળખી. એ જ નવી બા ! એના હાથ ચળવળી ઊઠ્યા.