તુલસી-ક્યારો/અણધાર્યું પ્રયાણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← 'હવે શું વાંધો છે?' તુલસી-ક્યારો
અણધાર્યું પ્રયાણ
ઝવેરચંદ મેઘાણી
'ચાલો અમદાવાદ' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ છવીસમું
અણધાર્યું પ્રયાણ

તે પછી વળતા દિવસે વીરસુતને એકલાને લઈને એક ભાડુતી ગાડી પિતાના ગામમાં ઘરને બારણે આવી ઊભી રહી. દ્વારમાં પેસતાં જ એણે પોતાનું અતડાપણું તોડવાનો યત્ન કર્યો. ભદ્રા ભાભીએ કરેલી છેલ્લી ભલામણ એ જ હતી કે 'જોજો હો ભૈ ! રૂડું આનંદભર્યું મોં રાખીને સૌને મળીએં હો ભૈ !'

કોઇ પણ ઇલાજે મોં હસતું રાખવું જ હતું. ગાંડી યમુના જ બારણું ઉઘાડવા આવી. યમુનાએ પોતાના નાનાભાઈ દીઠા, ઓચીંતા દીઠાં, ને મોં પર મલકાટ ધારણ કરતા દીઠા, એટલે કે યમુનાએ કદી ન કલ્પેલું વિચિત્ર દૃશ્ય દીઠું. અને એણે 'એ-હે-હે-હે ! નાનાભાઇ ! એ-હે-હે-હે આવ્યા છે-એ-હે-હે-હે-હસે છે,' એવા ઉન્મુક્ત ગળાના ગેહકાટ કાઢ્યા, બોલતી બોલતી એ અંદર ગઇ, ને એણે એક નાના બાળકની રીતે આનંદ-ધ્વનિથી ઘર ગજાવી મૂક્યું, જાણે કોઇ ઉત્સવનો ઘંટ બજ્યો. ને નાનાભાઇ યમુનાના મામા પાસે, એટલે કે સોમેશ્વર માસ્તર પાસે જઇ બેઠા ત્યારે યમુનાએ પહેલું કામ ઝટ ઝટ વાટ વણીને દીવો પેટાવી તુલસીમાને ક્યારે મૂકવાનું કર્યું; દીવો મૂકતાં મૂકતાં બોલી : 'હાશ ! માડી ! નાનાભાઇ હસ્યા, મને જોઈને હસ્યા, સૌને જોઈને હસે એમ કરજો હો મા ! હો મા ! હો-હો-હો ?' કહેતે કહેતે એણે તુલસીની ડાળખી ઝાલીને ધુણાવી. કેમ જાણે માતાનો કાન ન આમળતી હોય !

વર્ષો પછી પહેલી જ વાર વીરસુતે પિતાને હસતા ને મોકળા કંઠના હોંકારા દીધા. વર્ષો પછી એણે ઘરના ખૂણા ને છાપરાના ખપેડા જોયા. વર્ષો પછી એણે રસોડા સુધી જઈ યમુના પાસે માગ્યું : 'હું ભૂખ્યો છું, કંઈક ખવરાવ તો ખરી ગાંડી!'

'ગાંડી-હી-હી-હી-ગાંડી!' એવું હાસ્યભર બોલતી યમુના પોતાના મોં આડે સાડીનો પાલવ ઢાંકતી હતી. અને 'ગાંડી' એ તો જાણે વીરસુતભાઇના મોંમાંથી પડેલો કોઇ ઇલકાબ હોય એવી લહેરથી નાસ્તો કાઢવા લાગી.

નાની અનસુ યમુનાની સાડીમાં લપેટાઈને ઊભી હતી, તેને ભાળી ત્યારે વીરસુતને એકદમ તો ભાન ન થયું કે આટલા સમયથી પોતાને ઘેર રહેલી ભદ્રા ભાભીએ કલેજું કેવી રીતે લોઢાનું કરી રાખ્યું હોવું જોઇએ. પણ યમુનાએ અનસુને કહ્યું : 'કાકા છે, બા પાસેથી આવ્યા છે.' ત્યારે અનસુએ પૂછ્યું,' બા કાં થે? બા થું કલે થે? બા અનછુ અનછુ કહી લલે છે?' ત્યારે વીરસુતના હૃદયના સખત બંધો તૂટવા લાગ્યા. તોયે એને તેડી લેવાનું તો એકદમ મન થયું નહિ. દેવુ નાનો હતો ને પોતે કોક વાર પત્નીને મળવા માટે જતો ત્યારે એ લાંબા હાથ કરી કરી ઘોડિયામાંથી કરગરી રહેલા બાળકને જેણે એકેય વાર તેડ્યો નહોતો, તે જ વીરસુત એકાએક તો અનસુને એનાં શેરીમાં રમી રમી રજોટાયેલાં અંગો સાથે છાતીએ કેમ કરી લઈ શકે ! પણ એને યાદ આવ્યું-અમદાવાદથી નીકળ્યો ત્યારે ભદ્રા ભાભીએ કહેલું વાક્ય કે 'અને ભૈ ! મોં ઓશિયાળું ન રાખજો હાં કે ? મોં તો હસતું રાખીએ. હસવું ન આવે તો યે હસીએં હો ભૈ !' એ વાક્ય મુજબ જ પોતે બારણા ઉપર પહેલવહેલો ઊભેલો, ત્યારે હાસ્ય પ્રયત્નપૂર્વકનું હતું પણ એકાદ કલાકમાં એ હાસ્ય પરથી પ્રયત્નનો બોજો ઊતરી ગયો હતો. તે રીતે અનસુને તેડવાનો પ્રારંભ પણ એણે વહાલથી નહિ, પ્રયત્નથી કર્યો. પહેલાં એને ધૂળે ભરેલીને બે હાથે અદ્ધર ઉપાડી, છિ-છિ-છિ-છિ કર્યું, પછી તેડી, ને કહ્યું, 'બા પાસે તને લઇ જવા જ આવ્યો છું અનસુ.'

'નહિ જવા દઉં.' યમુના બી ઊથી.

'તને પણ યમુના.'

'દેવુના બાપાને, મામાને, બધાને?'

'હા બધાને.'

'જૂઠું.' ગાંડી પણ વીરસુતનું આટલું પરિવર્તન કબૂલવા તૈયાર ન થઇ.

* * *

'એ કાંઈ નહિ. એ કાંઈ મારે સાંભળવું નથી. મને જીવતો જોવો હોય તો ચાલો બધાં.' એવા મક્કમ સ્વરે વીરસુતે પોતાના પિતાના તમામ વાંધાને કાપી નાખ્યા. પુત્રનું મોં એને ઓશિયાળું લાગ્યું. પુત્રના સ્વરમાં ધ્રૂજતું એકલતાનું આક્રંદ પિતાના તંબૂર-તાર ધ્રૂજાવી રહ્યું હતું.

'આ આખી વેજા છે ભાઇ ! તને સુખે નહિ રહેવા આપે.'

પિતાના આ શબ્દો નકામા ગયા. વીરસુતનું પરિવર્તન એટલું બધું કષ્ટમય હતું કે પિતાની દલીલોના જવાબો દેવાને બદલે તો એ વડછકાં જ ભરવા મંડી પડ્યો : 'હું તમારો એકનો એક પુત્ર છું. કંઇક ભાન તો રાખો?' પછી તો રાત્રિએ બચકાં બંધાવા લાગ્યાં. દેવુ વસ્તુઓ લેવા માટે બહાર દોડાદોડ કરવા લાગ્યો, ત્યારે આંગણામાં, પાડોશની શેરીમાં ને બજારમાં ચણભણાટ ચાલ્યો: 'રાંડીરાંડ દીકરાવહુ ઘેર પાછી ન આવી ને દેર કેમ આવી ઊભો રહ્યો ?'

'કેમ બધાં સામટાં અમદાવાદ ઊપડે છે?'

'અમદાવાદથી કદાચ આગળ તો જાત્રા નીકળવાની નહિ હોય ને?'

'હોય પણ ખરી.'

'એટલે પછી ભદ્રાને એવા ભાર ભરેલા શરીરે આંહીં શા સારુ આંટો ખવરાવે !'

ખુદ પિતાનું અંતર પણ વહેમાયું હતું. વીરસુતનું આ પગલું વિસ્મયકારી હતું. કુટુંબના શંભુમેળા પર એકાએક વહાલ આવી જવાનું કારણ કલ્પી શકાતું નહોતું. એણે ગામલોકોની ગિલાને જાણ્યા પછી પણ પોતાના મનને કહ્યું : મારા પોતાને બદલે કોઈ બીજા બ્રાહ્મણની વિધવા પૂત્રવધૂ અને પરિત્યક્ત પુત્ર વિષેનું આ પ્રકરણ હોત તો? તો હું પણ ગામલોકોની માફક જ એ બીજાંઓ વિષે વાતો કરત ના ? વાતો ન કરત કદાચ, તો યે વહેમ તો હૈયામાં સંઘરત ને? શું હશે? ભદ્રાની જ કોઈ આપત્તિ હશે?

ઘરને તાળું દેતા પહેલાં દાદાજીએ તુલસી-રોપ બહાર લીધો, ને એ પોતે પોતાની સંબંધી સરસ્વતી બાઇને દેવા ગયા, કહ્યું, 'રોજ લોટી પાણી રેડજો ભાભી.'

'સારું ભૈ ! વેલાસર આવજો. ને હેં ભૈ !' એણે ફાળભર્યાં હેતાળ સ્વરે નજીક જઇને પૂછ્યું : 'ભદ્રા વહુને શરીરે તો સારું છે ના? અંબાજી મા એને નરવ્યાં રાખે ભૈ ! મારી તો બાપડી દીકરી જેવી છે. લોકોનાં વગોણાં સામે ના જોશો ભૈ ! ને તુળસી માની કશી ચંત્યા કરશો નૈ.'

'ઝાડવું, તોય જીવતો જીવ છે ને ભાભી !' ડોસા સહેજ ગળગળા થયા; 'એણે જ અમને આજ સુધી સાચવેલ છે. દીવો-બની શકે તો-કરતાં રે'જો ભાભી.'

'કરીશ જ તો ભાઈ! શા સારું નૈ કરું ! આંગળીક ઘી પેટમાં નહિ ખાઉં તો ક્યાં દૂબળી પડી જવાની છું ભૈ !'

એનો અર્થ એ હતો કે ઘીનો દીવો કરવો ને ઘી રોટલા પર ખાવું એ બેઉ વાતો સાથે બની શકે તેવી આ વિધવાની સ્થિતિ નહોતી. એવાં નિરાધાર પાડોશીઓની સેવા કરવાનું છોડવું પડ્યું તેની વ્યથા સોમેશ્વર માસ્તરના મોં પર તરવરતી હતી. ભારી હૈયે એ સ્ટેશને ચાલ્યા.

આગળ 'અંધા' જ્યેષ્ટારામ મામાને દોરી દેવુ ચાલતો હતો.

સ્ટેશને આખે રસ્તે અનેક આંખો ચોંટી રહી; એક જણે ઊભા રહીને કહ્યું, 'આમ કેમ અણધાર્યું પ્રયાણ ! નાશક-પંઢરપુર સુધી તો થતા આવશોને જાનીજી?'

કહેનાર થોડી વાર જવાબની રાહ જોતો ઊભો રહ્યો, કે તરત અંધા જ્યેષ્ટારામે દેવુનો હાથ છોડાવી, ચાર ડગલાં પાછાં ફરી, એ બોલનાર જ્ઞાતિબંધુની લગોલગ ઊભો રહી પોતાની આંખોનાં પોપચાં ઊંચાં કર્યાં ને ઉચ્ચાર્યું, 'ઓળખ્યા ! કોણ ભવાનીશંકર ને ? જાત્રાએથી આવીને તમને ગોદાવરીનું તીર્થોદક ચખાડશું હો કે ? નહિ ભૂલીએ ! ઓળખ્યા ! નહિ ભૂલીએ હો કે !'

જ્ઞાતિબંધુ ભવાનીશંકર ત્યાં ને ત્યાં થંભની માફક ખોડાઇ ગયો. એણે દીઠું-અંધની દેખતી બનેલ આંખોમાં પોતાના મુર્દાનું પ્રતિબિંબ. અમદાવાદના બંગલામાં ડોસાનો ફફડાટ આઠ દિવસે માંડ માંડ શમ્યો. દાતણ કરવાને ટાણે ભદ્રાની એક ઊલટીનો પણ અવાજ એણે સાંભળ્યો નહિ. વીરસુત એક પણ ગુપ્ત વાત કહેવા આવ્યો નહિ. દેવુને મોકલી મોકલી દાદાએ ભદ્રાએ વીરસુતની ગેરહાજરીમાં ચોગાનમાં બોલાવી પુછાવી જોયું : 'કેમ રહે છે? કાંઇ નડરત તો નથી થઇ ને? શરીરે તો નરવાં છોને મોટાં વહુ ? મને કહેતાં અચકાશો નહિ હો બેટા!'

લાજ કાઢીને ઊભેલી ભદ્રાના દેહે જ પોતાની સંપૂર્ણ સ્વસ્થતાનો જવાબ, ભદ્રાની જીભ આપે તે પૂર્વે આપી દીધો. ભદ્રાનાં શીલ અને ભદ્રાની ચેષ્ઠાઓ, અરે ભદ્રાની ચાલી જતી આકૃતિના પગલાંની પાની પણ ડોસાએ વાંચી લીધી. તો પણ ખરાવી ખરાવીને પૂછી જોયું, 'ભાઇ તો ઓચીંતો તેડવા આવ્યો એટલે મારે હૈયે ફાળ પડી'તી બેટા ! કે તમને શરીરે નરવાઇ નહિ હોય કે શું ! નજરે જોઇને રાજી થયો કે કશું જ નથી.'

'દાદાને કહે દેવુ ! કે ઇશ્વર સૌની લાજ રાખે છે. કશી જ ચિંતા કરશો મા.'

એ ભાષામાં વહુ ને સસરો બેઉ પરસ્પર સમજી ગયાં.

યમુના ગાંડીનો તો એક જ ધંધો થઈ પડ્યો : અનસુને લઇને તેણે બંગલાના ચોગાનમાં ફૂલો જ વીણવા માંડ્યાં. યમુનાને ઉઘાડું આંગણું, દિવસે ફૂલફૂલના ઢગલા ને રાત્રિએ સૂતેલાં ફૂલોની મહેક મહેક સુવાસ સાથે આભની ભરપૂર ફૂલવેલીઓ મળી. આટલું સ્વચ્છ આકાશ એણે ઉઘાડે માથે ઊભા રહીને અગાઉ કોઈ દિવસ ક્યાં જોયું હતું ! ફૂલફૂલ પર ઊડતાં પતંગીઆંને ચુપકીદીથી જોઇ લેવા આટલી દોડાદોડ એ ગાંડીને અગાઉ કોણે કરવા દીધી હતી? ને આટલાં બહોળાં પાણીએ કપડાં ધોવાનું પણ એને કેયે દહાડે મળ્યું હતું? નાની અનસુએ ડુબાડું ડુબાડુ કરએએ એ નળ પાસેના પાણી ભર્યા પીપમાં ડબકાવતી હતી. ને આખો દિવસ બસ કપડાં જ ધો ધો કરતી, વાસણ જ માંજ માંજ કરતી. એનો પુરસ્કાર મોકળું ક્રીંડાંગણ હતું અને રોજ ત્રણ વાર નજીક થઇને જ પાવા વગાડતી સુસવાટ માર્યે જતી આગગાડી હતી.