તુલસી-ક્યારો/છૂપી શૂન્યતા

વિકિસ્રોતમાંથી
← 'શોધ કરૂં છું' તુલસી-ક્યારો
છૂપી શૂન્યતા
ઝવેરચંદ મેઘાણી
ભાસ્કરનો ભેટો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.







પ્રકરણ એકતાલીસમું
છૂપી શૂન્યતા

પ્રવાસે જતા દેરને વળામણાં દઇને ભદ્રા યમુના અને અનસુ સાથે કાઠિયાવાડ ચાલી. આટલા મહિનાથી સાચવેલું દેરનું ઘર એને આખી વાટ યાદ આવ્યા કર્યું. પોતે દેરના ઘરનો કયો કયો સામાન ઠેકાણે પાડવામાં ભૂલ કરી હતી, કઈ કઈ ચીજો બંધ ઘરમાં સાચવીને મૂકતાં ચૂકી હતી, તે ઉપરાઉપરી યાદ આવવા લાગ્યું. જે કપડાં એને પોતને કદી પહેરવાનાં નહોતાં, તેની પેટીઓમાં ને કબાટોમાં ડામરની ગોળીઓ નાખવી રહી ગઇ તેથી ભદ્રા પરિતાપ પામી. કંચનને વાપરવા જેવી ચીજો પોતે સાથે લીધી હતી તેમાં પણ અમુક શણગાર ત્યાં ભુલાઈ ગયા હતા. 'મૂઇ રે હું તો હૈયાફૂટી !' એમ બોલીને મનમાં મનમાં બળ્યા કરી. 'હૈયું જ કોણ જાણે કેમ ફૂટી ગયું રાંડીનું ! દેરનો સામાન પેક કર્યો તેમાં ખમીસનાં બટન મુકાયાં કે વીસરી ગઇ ? દેરનાં બીજી જોડ ચશ્માં બહાર તો નહિ પડ્યાં રહ્યાં હોય ! દેરને રસ્તે તાવ માથું કંઇ થાય નહિ અને દેરનું સર્વ પ્રકારે ક્ષેમકુશળ રહે તે માટે તુળસીમાની બાધાનો મેં દોરો કરાવેલો તે તો દેરને આપવાને બદલે મારી પાસે નથી રહી ગયો ને !' સંભારી સંભારીને શંકા પડતાં ભદ્રાએ રેલ ગાડીમાં પોતાની ટ્રંક પીંખી, બીસ્તર ફેંદ્યું, પોતાના કબજાનાં ગજવાં પાંચ વાર ફરી ફરીને, અને છઠ્ઠી વાર અવળાં કરીને તપાસ્યાં. દોરો ક્યાંઇ ન મળે. એક કલાક ખુવાર મળી. સામે બેઠી યમુના દાંત કાઢ્યા કરે પણ એને ગાંડીને ક્યાં ખબર હશે એવું તો હૈયે ક્યાંથી જ ચઢે ? છતાં છેવટે ભદ્રાએ અનસુને પૂછ્યું, 'અનસુડી તેં તો ક્યાંઇ નો'તો મૂકી દીધોને દોરો ? એ પછી યમુનાને પણ પૂછ્યું, 'યમુની ! તને કંઈ ભાન છે દોરાનું !'

આવી તોછડાઇથી ભદ્રા નાની અનસુને ને ગાંડી યમુનાને કોઇક જ વાર બોલાવતી. એવી તોછડાઇ ભદ્રાના મોંમાંથી નીકળે ત્યારે એમ સમજાય કે આજે ભદ્રાબાની માનસિક અકળામણનો કોઇ પાર ન રહ્યો હોવો જોઇએ. આટલી તોછડાઇ સિવાય ભદ્રાના સંતાપને માપવાનું કોઇ પણ ચિહ્ન નજરે પડતું નહિ. કારણ કે એ બરાડો કદી પાડતી નહિ, આંખો તે એની છૂપી રીતે રડી હોય ત્યારે જ લાલ બનતી, ને હાથ તો એ કોઇ પર ઉપાડતી નહિ.

'બોલ તો ખરી ઓ ગાંડી ! ઓ જમની !' મૂંગી યમૂનાને ભદ્રા એ એમ કહેતે કહેતે જરી હાથ અડકાડ્યો.

'કેમ મારો છો વળી !'

યમુનાએ ગાડીનો ડબો ગજવવાની તૈયારી કરી હોય તેવી બનાવટ ધારણ કરી. એણે તો એક સપાટે મોં ર્રડવા જેવું કરી નાખ્યું.

'બાપુ ! મારો દોરો...' ભદ્રા ઢીલી પડી ગઇ.

'મને ગળે ફાંસો દેવો છે શું દોરો લઇને ?' યમુના હસવા લાગી.

'શીનો દોરો ?' 'વીરસુત ભાઇને કાંઠે બાંધવાનો.'

'તમે એકને જ વાલા હશે કાં ને ?

'ના બેન ના,' ભદ્રાની આંખો જળે ભરાવા લાગી; 'સાને વાલા છે, માટે તો તુલસીમાની મેં રક્ષા મંતરાવી'તી. હીમખીમ એ પાછા આવે, પાછા આપ્ણે અમદાવાદ રે'વા જઇએ.......'

'આવશે જ તો ?"

'દોરા વગર ?'

ભદ્રાના હૃદયમાં એવી જ એક છોકરવાદી વહેમજડતા ઘર કરી ગઈ કે પોતે કરવેલો દોરો જો વીરસુતને નહિ પહોંચ્યો હોય તો વીરસુતનું ક્ષેમકુશળ ખંડિત થયા વિના રહેશે જ નહિ.

' તો તો આવશે જ ! લ્યો હું કહું છું કે આવશે.' યમુના વિચિત્ર હર્ષચેષ્ટાઓ કરવા લાગી.

'પણ બેન ! તને શું ખબર પડે ! મેં જ રાંડીએ એમને દેશાટને જવા કહ્યું. મેં જ મૂઇએ એમને એમના ઘરમાંથી જાકારો દીધો. મેં જ મૂઇએ એમની ને એમના પિતાની વચ્ચે વછા પડાવ્યા, મેં જ એમને કંચનને મેળવી ન આપ્યાં, મારી તે કેવી ગફલતી !'

પછી એની વાણી પ્રકટપણું ત્યજી દઇને હૃદયના નેપથ્યમાં કમ્પવા લાગી. કોઇ બીજાને કાને ન પડવા દેવાય તેવી એ ગુહ્ય વાણી હતી. માનવ- હૃદયનાં, તેમાં પણ સ્ત્રીહૃદયનાં રહસ્યો જે વીણા પર ઝંકાર કરે છે - તે વીણા ઘનઘોર અંધકારની જ બનેલી છે. ચિદાત્માના દરબારને ઊંબરે એ વીણાનો બજવૈયો બેઠો છે. કલ્પના ત્યાં પહોંચી શકી નથી તો કાન ક્યાંથી પહોંચે ? ભદ્રાના મનમાં મજુલ મૃદુ કોઇ રવ ઊડતો હતો : 'આજે કેમ રડું રડું થઇ રહ્યું છે ! એ ચીડીઆ, નાદાન, ધડા વગરના દેરનું ઘર ચલાવવા જવાની ભૂલ હું ક્યાં કરી બેઠી ? એનું સાન્નિધ્ય મને રાત ને દિવસ ડરામણું ભાસતું તે છતાં આજે કાં એ સન્નિધ્યમાંથી મળેલા છૂટકારાને હું અંતરમાં અનુભવી શકતી નહિ હોઉં ! ચિડાતો, અપમાન કરતો, ભય પમાડતો, ભૂલો કાઢતો, ને કદી કદી તો બેહદ અકળાઇને જાકારો પણ બોલતો એ દેર દૂર થતાં મારું આખું જીવન પૂર્વે કદી જ ન અનુભવેલી એવી શૂન્યતાને અવનવી વિકલતા કેમ અનુભવે છે ! હે પ્રભુ, હે તુળસીમા, મને આમ કેમ થાય છે ? કે જાણે દેરનું પ્રયાણ કોઇ કારણે અટકી પડે. તુલસીમા, મને એટલું બધું કાં થાય કે દેરને કોઇક અકસ્માત નડે તોય સારું !'

'અકસ્માત'ના વિચારે કલ્પનાની આખી પરંપરા ઊભી કરી :'મુંબઈમાં જ રેલગાડી પર જતે જતે કોઇ ટેક્સીમાંથી પછડાય, પછડાય પણ પાછું વાગે બહુ થોડું હો તુલસીમા ! થોડું એટલે કેટલું? તે વખતે તો ન જ જઇ શકે તેટલું. એમનો તાર મળે, એ મને તેડાવે, હું મુંબઇ જઇ લઇ આવું પાછા. એના ઘરમાં રહી એને સાજા કરું, પણ પછી તો એને જવાનું જ ન બને તેવું કરી આપું : એને ને કંચનને હું ભેટાડી જ દઉં. પછી તો જવાનું કારણ જ શું રહે ? એ જો કહે કે ભાભી ! કોઇ રીતે મને દેશવટે મોકલતાં અટકો, તો હું શરત મેલું કે કંચનનો અને એના નાના બાળક સાથે જ સ્વીકાર કરી લો. એ જો હા પાડે તો હું બાપુજીને મનાવી લઉં. પણ પછી કંચન મને ઘરમાં રહેવા દે ખરી ? દેર મને જ પૂછી કરીને પાણી પીવે તો કંચનને ઇર્ષ્યા ન આવે ? પણ હું દેરને એમ કહું કે મને તમારે કશું ન પૂછવું, બેઉ જણાંએ સમજીને બધું કરવવું કારવવું, તો? તો મને ગમશે ખરું ? શા માટે ન ગમે ? મારે ને એને શું ? હું તો મારી અનસુને ઉછેરીશ, મારા દેવુને મોટો કરીશ, મારા સસરાનું ઘડપણ સંભાળીશ.' એ કરવા તો પોતે પાછી વળી રહી હતી. છતાં દેરનું ઘર પાછળ પાછળ દોડ્યું આવતું હતું, પોતાની પાછળ જાણે કબાટો ને હિંડોળા, રસોડું ને પાણીના નળ હડી કાઢતા હતા. એ બધાંને પાછાં એકઠાં કરીને કોઈક બંગલામાં પૂરી દેતું હતું. 'આવતે સ્ટેશને જ દેરનો તાર મળે, કે ભાભી આવજો, મને તાવ ચડ્યો છે......તો ?'

તરત દોરો યાદ આવ્યો. દોરો દેરને દેવાનું ભૂલી ગઇ છે પોતે, તેથી શું થાય ને શું ન થાય ! 'હાશ, દોરો ભૂલી ગઈ હોઉં તો તો બહુ સારું; તો તો કશુંક થશે ય તે - પણ થોડુંક જ થજો, હો તુળસીમા !'

દેરના ક્ષેમકુશળની અને પોતાના સ્વાર્થી સુખની, આ બે લાગણીઓ વચ્ચે તોફાન ચાલતાં પોતે પોતાની નબળાઇ અને વિચારહીનતા પર હૈયું ઠેરવ્યું. પોતે આવી આકુલતાના અનુભવ પર નિઃશ્વાસ નાખ્યો, અને જાણે દેવ પોતાના જીવનમાં પહેલી જ વાર કોપ્યો હોય એવો મનોનુભવ થતાં ચોબાજુથી ઘેરાઇ ગયેલ કોઇ વિષાદ્‍ગ્રસ્ત ધેનુની માફક અંતરમાં ભાંભરડા દેવા લાગી. રડી પડી. ત્યાં તો યમુના બોલી:

'દીઠાં બહુ ડાયાં ! રડવા બેઠાં. તમારો દોરો તો લઇ જઇને હું જ બાંધી આવું છું.'

'ક્યાં ?'

'ભાઇને કાંડે.'

સામાન્ય સંજોગોમાં માનવીને આવા સમાચાર મુક્તિની ને ચકિત આનંદની લાગણી કરાવે, પણ ભદ્રાના સંજોગો ક્યાં સામાન્ય રહ્યા હતા ?

એને ન ગમ્યું. દોરો તો દેરને કાંડે પહોંચી ગયો હતો, દેરની યાત્રા ક્ષેમકુશળ બનશે. એક વર્ષ સુધી તો દેર પાછા નહિ વળે ! સાબરમતી નદી આવી - પુલ ઉપરથી ભદ્રાએ એક શ્રીફળ અને એક ચકચકતો નવો પૈસો નીચે વહી જતાં નીરમાં નાખ્યાં. એનો ઘા કરવામાં પૂરી કાળજી હતી. રમતમેદાન પરના કોઈ ખેલાડીએ કદી કોઇ સન્નારી સામે આટલી હળવાશથી રબરના દડાનો 'કેચ' નહિ નાખ્યો હોય. નદી એને મન સજીવ સત્ત્વ સમાન હતી. 'મા ! ભાઇની રખ્યા કરજો !' એવી ટુંકી પ્રાર્થના એ શ્રીફળ અને પૈસાની સાથે સાબરમતીનાં જંપતાં જળ ઉપર ઝિલાઇ. પણ એના અંતરના અણવદ્યા બોલ જુદા હતા, 'ભાઈને કંઈક, થોડુંક કંઇક કરીને પાછા વાળજો. ભાઇને મેં કંચનથી વછા પડાવ્યા છે. હું અદેખી છું. ભાઇ પાછા અવે તેમાં મારો શો સવારથ છે ? સવારથ તો છે જ ને રાંડી ! જૂઠું બોલ છ કે ? જૂઠું બોલતી હોઉં તો લો ખાતરી કરાવી આપું. ભાઇ જો પાછા આવે તો હું એને મારું મોં ય ન બતાવવા બંધાઉં છું.'

પણ સાબરમતીનો નિષ્પ્રાણ પુલ એવી એવી માનસિક લવારી સાંભળતો પાછળ રહ્યો. ગાડી સાબરમતી સ્ટેશને પહોંચી. યમુના રખે દેખી જાય તેટલા માટે જ ભદ્રા બારી પર મોં દબાવીને બેસી રહી. એની આંખોનાં પાણી વરસાદનાં ટીપાં સાથે મેળ કરીને બારીના પોલાણમાં ઊતરતાં હતાં.