તુલસી-ક્યારો/જગરબિલાડો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ડોળાયેલાં મન તુલસી-ક્યારો
જગરબિલાડો
ઝવેરચંદ મેઘાણી
કોણ કાવતરાખોર? →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ વીસમું
જગરબિલાડો

શું જોતી હતી?

આફ્રિકાનો કિનારો : અગાધ અને અનંત, કાળાં ભમ્મર સાગરજળને સામે પાર એનાં માબાપ બેઠાં નથી.

બનાવટી બહાદૂરી અને ચાવી ચડાવેલી બંડખોરી પર એ વિદેશવાસી મુવેલાં માવતરની સાંભરણે મોટો ઘા માર્યો. બનાવટી બહાદુરીના કોટ કાંગરા ખરવા લાગ્યા.

'આમ મારી સામે જો!' ભાસ્કર બોલ્યો કે તત્કાળ એ ચોંકી , હેબતાઇ, અને જૂની કહેતીમાં કહ્યું છે કે જગરબિલાડો ઊંદરના દર પર જઇને ચીસ નાખે ને જેમ ઊંદર આપોઆપ બહાર નીકળી પડે તે રીતે આ હાક ભેળા તો કંચને અનિચ્છાએ પણ આપોઆપ ભાસ્કરની સામે નેત્રો માંડ્યાં.

માંડતાં જ એનો ભય વધ્યો. જાણે આજ સુધીના પ્રેમાળ ભગિનીબાંધવ, સજાગ રક્ષપાલ, ઉદાર લાલનકાર અને સચિંત શિક્ષાદાતા ભાસ્કરભાઇનું આખું ખોળીઉં જ બદલાઇ જઈને તેને સ્થાને કોઇ બીજું જ ભીષણ માનવી આવી બેસી ગયું. 'સાંભળ !' એ વિકૃતિ પામેલો ભાસ્કર ઊંડી ખાઇમાં ઊતરીને જાણે બોલતો હતો : 'કાં તો તારે કાકા પાસે જવું પડશે, ને કાં હું બતાવું તેમ વર્તવું પડશે.'

'કાકા પાસે મોકલી આપો.' કંચન બીતી બીતી માંડ આટલું બોલી શકી.

'એમ કાંઇ એકદમ મોકલાશે ? ત્યાં લખું, ત્યાંથી જવાબ આવે, અને મારૂં મન ખાત્રી પામે, ત્યારે મોકલીશ.'

બોલતો બોલતો ભાસ્કર હસતો હતો. એવું હાસ્ય પણ આ બીજીવારનું હતું. જ્યારે એ વીરસુતને માર મારી મોટરમાં ઘાલી લઈ ગયો હતો ત્યારે આમ હસ્યો હતો.

આ મુખાકૃતિ જે દિવસે પતિની સામે ખેંચાઇ હતી તે દિવસ વધુ ને વધુ યાદ આવ્યો. તે દિવસ પોતે ભયભીત થઇ હતી છતાં અંદરથી પ્રસન્નતા પામી હતી. તે દિવસનું સ્મરણ ન સહેવાયું. ફરી વાર એ આ મેડીની બારી તરફ નજર ફેરવી ગઇ.

એકાએક એ નજરમાં નવી લાગણી છવાઇ ગઈ. આફ્રિકાના અફાટ અનંત દરિયાવ-પટની કલ્પના ન આવી, પન જ્યાં પોતે એ કલ્પના-દૃશ્ય ખડું કરતી જતી હતી તેજ સ્થાને, તળાવની પાળે વડલાની છાંયે, એણે ત્રણ જણા બેઠેલા દીઠા. એક વૃદ્ધ, એક અંધ અને એક કિશોર.

ત્રણેને પોતે ક્યાંઈક જોયા હતાં શું ? તાજેતરમાં જ જોયા હતા કે વર્ષો પૂર્વે જોયા હતા ! જરીક ઝાંખી થઈ હતી, વિશેષ કાંઈ યાદ આવતું નહોતું. પણ તેઓ બન્ને બેઠા બેઠા આંહી આ બારી તરફ કેમ જોઈ રહ્યા હતા ! ને હવે નજર પાછી કેમ સંકેલી લે છે? નીચે કેમ જોઈ જાય છે ? ગુસપુસ ગુસપુસ કેમ કરતા દેખાય છે ? પાછા છૂપી રીતે કાં બારી સામે તાકે છે?

તળાવનો આરો દૂર હતો. વડલાની છાંય વિશેષ આવરતી હતી. ત્રણે આકૃતિઓનાં મોઢાં સ્પષ્ટ ઉકેલી શકાતાં નહોતાં. પણ ત્યાં જોઇ રહેવાનું કૂતુહલ વધતું હતું. ત્યાં જોવું ગમતું હતું. આ મેડીના ઓરડામાં જે ઊકળાટ અને અગ્નિરસનો ધગધગાટ ચાલુ થયો હતો તેમાંથી બચાવનારું એ બારી વાટેનું, તળાવ-આરા પરનું દૃશ્ય હતું.

'આમ તો જો જરા!' ભાસ્કરનો સ્વર સહેજ નરમ પડ્યો હતો : 'તને મારામાંથી સર્વ સંતુષ્ટતા કેમ મળી રહેતી નથી ? હું કાંઇ તને સતાવતો નથી. હું તો તને મારાથી શક્ય તેટલી યશસ્વિની ને મોટી બનાવી રહ્યો છું. બદલામાં હું તારી લાગણીની મીઠાશ ને ભીનાશ માગું છું - ને તું તો મને તરછોડે છે.'

'તમે મારા વડીલ છો, મારા રક્ષક છો.' કંચન મહામહેનતે બોલી.

'પણ હું તારો સમવયસ્ક નથી શું ? હું શું ઉમ્મરમાં એટલો બધો ઘરડો થઇ ગયો છું ?'

આવું બોલનાર ભાસ્કરને પોતાની ઉમ્મરનું ભાન નહોતું રહ્યું. એ પૂરાં ચાલીસ-બેતાલીસ વર્ષો ખાઇ ગયો હતો ને યુવાન સ્ત્રીઓનો એ રક્ષક બની શક્યો હતો તે પણ એની પાકટ અને પીઢ વયને કારણે.

આજે જુવાનો અને કિશોરોનો મધપૂડો બની રહેલી કંચને એને એક બાજુ તારવ્યો એટલે જ એકાએક એને પોતાની ઉમ્મરનું ભાન થયું, ભાન થયું કે પોતે આકર્ષક કે મોહક નહોતો. યાદ આવ્યું કે પોતે તો મુરબ્બી વડીલ મોટાભાઈનું સ્થાન અને માન ભોગવતો હતો. ધિક્કાર છૂટ્યો એ માનનીય સ્થિતિ પર. વ્હેમ આવ્યો કે પોતાના મુરબ્બીપણાની ઓથ લઇને આ તો દગલબાજી ખેલાતી હતી ને નમૂછીઆ છોકરા એના રક્ષણનો મુલાયમ લહાવો લેતા હતા.

કેમકે ભાસ્કરની એક આબરૂ તો આ હતી : પોતાને સોંપાયેલ સ્ત્રીનો એ શુદ્ધ બાંધવ હતો. એની આંખોમાં કદી મેલ હોઇ શકે નહિ. અરે એટલી હદ સુધી એની સહાય ને સોબત સહીસલામત ગણાતી, કે ભાસ્કર જાણે પુરુષ ખોળિયું પહેરીને દુનિયામાં આવેલ સ્ત્રી જ છે. ઘણા એને ભાસ્કર બહેન કહીને પણ બોલાવતા, તેમાં મશ્કરી નહોતી, સાચી માન્યતા હતી. ચાહે તેટલી એકાંતમાં પણ ભાસ્કર સાથેની સ્ત્રી સુરક્ષિત મનાતી.

એવી પ્રતિષ્ઠાના કોચલામાંથી ભાસ્કરનો પ્રાણ, ઇયળનાં ખોખામાંથી પાંખો ફફડાવીને પતંગિયું ઊડે તેમ ફફડાટ કરતો બહાર આવ્યો. વીરસુતના પંજામાંથી કંચનગૌરીને પોતે જે બહાદુરીથી છોડાવી લાવ્યો, તે બહાદુરીનો મર્મસ્વર છેક આજે બોલ્યો :-

કંચન મારી બને તે માટે.

***

સાંજ પડી હતી. ગામના કુમારો ને યુવકો કંચનને ફેરવવા લઇ જવા આવ્યા. ફરવા આવવા કજિયા કરતી ઘરની બહેનોને આ યુવકોએ હમેશાં કહેલું કે 'વગડામાં ને ડુંગરામાં શું જોવાનું ને ફરવાનું બળ્યું છે!' કંચનને માટે તેમણે ગામની સીમમાં પચીસેક 'બ્યુટી સ્પોટ્સ' - સુંરતાનાં સ્થાનો નક્કી કરી રાખ્યાં હતાં. ભાંગેલી દેરી અને દટાયેલી તળાવડી પણ કંચનને બતાવવા માટે મહત્ત્વના બન્યાં હતાં.

કંચન પ્રાચીન સ્થાનોમાં જરીકે સમજ નહોતી ધરાવતી. મીનલદેવીએ બંધાવેલી વાવ વિષે જુવાનો વાત કરતા હતા ત્યારે મીનલ કર્ણદેવની રાણી કે સિદ્ધરાજની, એટલું કંચનને યાદ નહોતું. અમૂક તલાવડી મીનલદેવીએ કયા સંજોગોમાં બંધાવી એની વાતને કંચન પાસે કોણ વધુ રસભરી રીતે મૂકી શકે છે તેની આ યુવાનો વચ્ચે સરસાઇ ચાલી રહેતી ત્યારે કંચન એ વાતના દોરને, પોતાની પડી ગએલી 'હેર-પીન'ની શોધે જવાની વાત વડે તોડી નાખતી.

એવી કંચનને કદમે ઝૂકવા આવેલા આ જુવાનોને ભાસ્કરે બહાર આવી તે દિવસે મક્કમ સ્વરે કહી દીધું : 'આજે એનું શરીર સારું નથી, ચક્કર આવે છે. નહિ આવી શકે.'

અંદર આવી તેણે કંચનને કહ્યું, 'બારીમાંથી જોવાનું નથી. ને શણગાર ઉતારી નાખ.'

માથામાં ગુલાબના મોટા ફૂલ જેવડા પહોળા બબે અંબોડા લઈને તેની અંદર જે વીશ-પચીશ ઝીણાં મોટાં વાનાં-ચગદાં, ચીપીઆ, વેણી, ફૂમકું વગેરે- કંચને ઘાલેલ હતાં તે તમામ એક પછી એક બહાર નીકળીને ભોંય પર ઢગલો થયાં હતાં, ને ભાસ્કર ખુરસી પર બેઠો બેઠો એનાં જાડાં ભવાંની છાજલી હલાવતો હલાવતો, આ શણગારની પોતે મેળવેલી ખુવારીને કોણ જાણે કેવા યે આનંદે જોતો હતો.

'આંહી જ રહેવાનું. હું આવું છું.' જાડાં ભવાંને ઝીણી આંખો ઉપર વધુ ઢળતાં મૂકીને ભાસ્કરએ, શણગાર ઉતારી રહેલી કંચનને કહ્યું.

કંચનના મનમાં 'ના, નહિ રહું' એવો ધગધગતો જવાબ હતો. પણ એ શબ્દો હોઠે આવીને બદલી ગયા, ટૂંકું ને ટચ રૂપાન્તર પામ્યા : 'હો'

ભાસ્કરનાં ચંપલો એ સંધ્યાનાં અંધારામાં ચટાક ચટાક દૂર ગયાં, વિલય પામ્યાં, તે પછી કંચને દાંત ભીંસ્યા, દિલની કમજોરીને ભીંસી ઢંઢોળી મનને પૂછી જોયું : 'કેમ એટલું ય ન બોલી શકી ! ભાષણો તો ઘણાં કરે છે!'

અરધા જ કલાકે ભાસ્કર પાછો આવ્યો ત્યારે તેના હાથમાં એક લીલા પાંદડાનો પડીઓ હતો. ખોલીને એણે અંદરથી એક સુંદર ફૂલવેણી કાઢી, ને પ્રસન્ન સ્વરે કંચનને કહ્યું : 'હું બાંધી આપું? કે તું તારી જાણે જ બાંધીશ? કહે જોઉં દીકરી!'

એ શબ્દોમાં ને એ મોં ઉપર, એક જ ભાવની રાગિણી હતી. ભાસ્કરના ચહેરામાં કશી ભયાનક વિકલતા નહોતી. એ દયામણી દૃષ્ટિએ જોતોજોતો, વેણીને કંચન સામે લટકાવી ઊભો.

કંચને વેણી લઇને પોતાના અંબોડા ફરતી વીંટાળી.

'ચાલો હવે, ચંદ્ર ઉગ્યો છે. થોડું ફરીએ. તળાવની પાળે પાળે જ આંટો મારીએ.'

તળાવની પાળ એટલે એ ગામનાં નરનારીઓ ને બાળકોનું રોજ સાંજનું મેળાસ્થાન. કંચન એટલું તો સમજી જ શકી કે ભાસ્કર પોતાને કોઈ એકાંત-સ્થાને લઈ જવા નહોતો માગતો. એને દિલ નહોતુ, એને પેલા છોકરાઓ સાથે ન જવા દીધી તે અપમાન સાલતું હતું, છતાં એની જીભ પર 'ના' જેટલો એકાદ અક્ષર પણ ન ચડી શક્યો. પાળેલા પશું જેવી એ ભાસ્કરની પાછળ પાછળ ચાલી. બન્ને ઉતારાની બહાર પહોંચ્યાં ત્યારે ભાસ્કરે એક વાર પાછળ જોયું.

'તો તો પછી મારી આણેલી વેણીની શી મહત્તા!' આ શબ્દો ભાસ્કર પાછળ જોયા વગર જ બોલ્યો. કંચન સમજી ગઈ. એણે માથે સાડી ઓઢી હતી. ભાસ્કરની ઉમેદ સાડીને એવી તરેહથી ગોઠવવાની હતી કે માથું ઢંકાયેલું પણ કહેવાય ને વેણી પણ સાને દેખાય. સાડીની કોર અંબોડા ઉપર સરી ગઈ ને ચાંદની રાતમાં ફરતાં ગામલોકો વચ્ચે થઈને આવી સુંદર, સુગંધીમય, સલુકાઈભરી ને ભાર્યા સમી આજ્ઞાંકિત સ્ત્રીની સાથે લટારો લેવાનો ભાસ્કરે લહાવ લીધો. એ કહું બોલતો નહોતો, કશી આછલકાઈ કરતો નહોતો, કંચનની સાથે પણ વાતો કરતો નહોતો. એ જાણે કે સમાધિસ્થ હતો, અધમીંચી એની આંખોની પાંપણો નીચે જો કોઈ જોઈ શક્યું હોત, તો કહી શકત કે ભાસ્કર અત્યારે કશોક ઉદ્રેક અનુભવી રહ્યો છે; સંસાર-વનની કોઈક અણફળી આરઝૂની સંતૃપ્તિમાં લહેરાયો જાય છે; એની ગરદન પોતાની જમણી બાજુએ ચાલી વાતી કંચન તરફ સહેજ ઝૂકેલી છે, એની આંખોનાં અધબીડ્યાં પોપચાં જરી જરી ઊંચાં થઈને બાજુએ ચાલતી કંચનનો વેણી-વીંટ્યો અંબોડો જોઈ વળે છે.

તળાવને ફરતાં ચક્કર પછી ચક્કર લાગે જતાં હતાં. ભાસ્કરના મોંમાં વાચા નહોતી. કંચનને અડકી, ઘસાઈને ચાલવાનો પણ એનો ભાવ નહોતો. જગતની આંખને એ ફક્ત એટલું જ બતાવવા માગતો હતો, કે જોઈલે, મને પણ સ્ત્રી સ્નેહ જડ્યો છે. હું સ્ત્રીઓનો રક્ષણહાર, શાણો બાંધવજન, પીઢ સલાહકાર અને વડીલ જ માત્ર નથી. હું તેમનો સખા પણ થઈ શકું છું, હું એને શણગારી શકું છું. મને મદનીનું મૂલ્ય કરતાં આવડે છે, ચાંદનીને હું પુષ્પે ને પ્રેમે મઢી શકું છું.

ચક્કર મારતાં મારતાં એક ઠેકાણે કંચન ઝબકી. એણે શરીર કોડી, એકદમ માથા પર ઓઢી લીધું. ને એ સહેજ ભાસ્કરની પછવાડે રહી ગઈ.

ભાસ્કરની આંખોએ પાંપણોની છાજલી નીચે જોયું કે પડખે ચાલી આવતી વેણી અદ્રશ્ય બની છે. એણે પાછા ઉતારા તરફ જવાનો રસ્તો લીધો. કંચને છેક ઉતારે આવ્યા પછી પૂછ્યું : વેણીને કેમ ઢાંકી દેવી પડી? કોનાથી ચમકી ? પેલા છોકરાઓથી?' 'ના, સહેજ અમસ્થું.'

તે પછી રાત્રિ કેવી જશે તેના ગભરાટમાં કંચને કપડાં બદલવાનું ને ખાવાપીવાનું પતાવ્યું. પણ ભાસ્કરની એકેય ચેષ્ટામાં વિકલતા દીઠી નહિ. પોતાને સ્થાને એ જ્યારે રોજના કરતાં વિશેષ શીતળ સ્વસ્થતાથી સૂવા જતો હતો, ત્યારે એણે કંચનને એટલું જ કહ્યું :

'વેણીને અંદર રાખતી નહિ. બહાર ફેંકી જ દેજે ! લોકો કહે છે આંહીં સાપનો ભારી ડર છે. ફૂલો પર એ ન હોય ત્યાંથી આવી ચડે છે.'