તુલસી-ક્યારો/દેરાણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સસરો તુલસી-ક્યારો
દેરાણી
ઝવેરચંદ મેઘાણી
ભાસ્કર →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ પાંચમું
દેરાણી

બે ત્રણ વખત દાદા અનસુને લઇને એક બે રાત બહાર ગામ પણ જઇ આવ્યા. અનસૂયા દાદા સાત્જે અને દેવ સાથે એકરસ થઇ ગઇ, ત્યારે દાદાએ ભદ્રા વહુને બોલાવી કહ્યું ; ' મને તો આ ઇંતડી જેવી વળગી છે. મારૂં તો લોહી પી જાય છે.'

'તો અમારૂં કેટલું પીતી હશે?'

'તો હવે મારૂં જ ભલે પીવે ને તમે અમદાવાદ એકલાં આંટો મારી આવો દીકરા.'

અનસુને છોડીને અમદાવાદ જતાં ભદ્રાને ઝાઝી વ્યાકુલતા નડી નહિ. અને દેવે જઇ અમદાવાદની ટિકિટ કઢાવી આપી. દાદા અનસુને લઇને નાચ કરતા ઘેરે રહ્યા.

'તું યે હાલને દેવ?' ભદાબાએ દેવુની સામે દૃષ્ટિ કરી તેમાં એક મા સિવાય બીજું કોઈ ન સમજી શકે તેવો, બાળકની એકલતા અનુભવતો ભાવ હતો.

'ત્યાં આવીને શું કરૂં?' દેવ પ્લેટફોર્મ પર જોડાની એડી દબાવીને લસરકો લઈ બીજી બાજુ ફરી ગયો. 'કાં તારા બા જોડે જરી જીવ તો મેળવતો થા.'

દેવ વળી પાછો ફૂદડી ફરી ફરીને મોં સ્ટેશન બાજુ કરી ગયો ને બોલ્યો, 'એ તેડાવે તો ને?'

'માવતરના તેડાની તે વાટ જોવાય ગાંડા? સામેથી જઇને ખોળામાં પડીએ ને?'

'એક વાર ગયેલો, પણ...'

'પણ શું?'

'એમને ગમતું નો'તું'

'એમને એટલે કોને?'

'મારા બાપુને.'

હવે તો દેવ બૂટની એડી ઉપર ફૂદડી ફરતો હતો તે નકામું હતું. જવાબો જ એના રૂંધાતાં કંઠની જાણ દેતા હતા.

'મને જવા દે. હું એમને કહીને તને તેડવાનો તરત જ તાર કરાવીશ. કરાવ્યે જ રહું. જાણછ ગાંડા ? એમ તો એકબીજાના જીવ જુદા પડી જાય.'

ગાડીની વ્હીસલ વાગી. ભદ્રાબાએ ભલામણ દીધી : 'અનસુને સાચવજે હો ભૈલા ! એ એના પગમાં સાંકળ છે તે ક્યાંય એકલી રઝળવા જવા દેતો નહિ. ને બાફોઇનાં લૂગડાંને રસોઇ કરતાં કરતાં ક્યાંય ઝાળ ન લાગે તેની સરત રાખજે હો ભૈલા ! ને દાદાજીની પૂજાનો પૂજાપો રોજ તૈયાર કરવાનું ના ભૂલીશ હો ભૈલા ! ને મોટા મામા ને બાફોઇ લડે નહિ તે જોજે હો ભૈલા !' ગાડી યાર્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી રાડો પાડી પાડીને ભલામણો કર્યે જતું ભદ્રાબાનું મોં બીજા ઉતારૂઓને તમજ પ્લેટફોર્મ પરનાં માણસોને પણ જોવા જેવું લાગ્યું. મુંડન કરાવેલી એ મુખાકૃતિ એના હજુ ય ન કરમાએલા યૌવનની ચાડી ખાતી હતી.

નાની અનસુ આખી વાટે યાદ આવતી હતી, પોતે જ પોતાના દિલને ઠપકો દેતી આવતી હતી, ને એટલેથી દિલ દબાતું નહોતું તેથી સાથેની સ્ત્રીઓ જોડે પણ મોટે સાદે વાતો કરી કરી મનનએ શરમાવતી હતી: 'સાચું કે'જો બા, છોકરીને ફૂલ પેઠે સાચવનાર સાસરો ઘેર બેઠો હોય પછી વળી મનને વળગણ શાની? છોકરી છોકરી કરી ક્યાંક લગી મરી રે'વું ! એવો અભાગીઓ જીવ તે શા ખપનો ! દૈવ જાણે, ઓંચીતા ક્યાંક જમનું તેડું આવે તો બહુ હેળવેલી છોકરીને કેવી વપત્ય પડે!'

અમદાવાદ સ્ટેશને સાંજના ચાર વાગે જ્યારે ગાડી પહોંચી ત્યારે એણે તો માનેલું કે હરવખતની માફક પ્રોફેસર દિયરના ઘરનો હિસાબ કિતાબ રાખનારો ને માલ થાલ લઇ આવનારો મહેતો જ તેડવા આવેલો હશે. તેને બદલે તો પ્લેટફોર્મ પરથી એક વાદળી રંગની સોનેરી કોર વાળી સાડી પહેરેલી, અને તે ઉપર ચડાવેલા સ્વેટરના ખિસ્સામાં હાથ નાખી ઉભેલી એક સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. ભદ્રાએ એને થોડી મહેનતે જ ઓળખી. એ તો દેરાણી કંચનગૌરી જ છે ને શું !

હૈયામાં ઉમળકો આવ્યો.

આખા દિવસનું તલખેલું હૈયું પોતાની દેરાણીની ખુદની હાજરી જોઇ પ્રફુલ્લિત બન્યું.

પોતે જલદી જલદી નીચે ઊતરીને નાની ટ્રંક પણ ખેંચી લીધી. 'તમે રહેવા દો. આ મજૂર છે ને.' કંચનગૌરીએ કહ્યું.

'ના રે ના, શો ભાર છે? હું ક્યાં દુબળી પડી જાઉં છું!'

'ચાલો ત્યારે.' કંચનગૌરી આગળ ચાલી. એનાં ચંપલ સ્ટેશનના પ્લેટફોર્મના પથ્થરો સાથે ચટાકા કર્યે જતાં હતાં. એના હાથ બન્ને ગજવામાં હતાં. માથેથી સરીને ખભે પડેલી મથરાવટીની સોનેરી કોર, સ્વેટરના કોલર ઉપર સરસ લાગતી હતી.

પાછળ પાછળ ચાલી આવતી ભદ્રા અજાયબીનો લહાવ લેતી હતી. કંચનગૌરી તો જબરાં થઈ ગયા લાગે છે ને શું ? કેવાં ઠરેલાં ડગલાં ભરતાં હીંડ્યાં જાય છે! આ જુવાન છોકરાઓ તો જો ! કંચનગૌરીને 'સાહેબજી ! સાહેબજી !' કરતા ઊભા છે. 'કોને લેવા?' એમ પૂછે છે ને હું કેવી ભોંઠી પડું છું ! સારૂં છે કે કંચનગૌરી ફક્ત ટૂંકો જ જવાબ આપે છે -

'મહેમાનને.'

'હલ્લો ! ગુડ એફ્ટરનૂન !' કરતી એક પારસી સ્ત્રી આવીને દેરાણીના હાથમાં હાથ મિલાવી હલાવે છે, અને માડી રે ! એની જોડેનો પારસી ધણી પણ દેરાનીના હાથે હાથમાં દબાવી ધુણાવે છે. પરસ્પર કેવાં અંગ્રેજીમાં વાતો કરે છે ! કંચનગૌરીને અંગ્રેજી પણ આવડી ગયું. દેરાણી મારી, જબરી થઈ ગઈ જણાય છે. અરેરે ઈશ્વર ! એક જ ખોટ ને! એકે ય જણું જીવે નૈ ને.'

આવા ભાવો ભાવતી ભદ્રા જ્યારે કંચનગૌરીની પાછળ પાછળ સ્ટેશનની બહાર નીકળી ત્યારે તેણે જોયું કે શોફર એક બેબી-કાર હાંકીને પગથિયા નજીક લઈ અવ્યો. શોફર ઉતરી ગયો. હાંકવાની જગ્યાએ કંચનગૌરી ગોઠવાઈ ગયાં ને તેમણે હાથમાં 'વ્હીલ' (મોટર-હાંકવાનું ચક્ર) લીધું. શોફર પાસે પાછલું બારણું બારણું ઊઘડાવી, જેઠાણીને અંદર બેસારી લીધાં ને પોતે આગલી બેઠક પર કંચનની બાજુમાં સંકોડાયા વગર બેસી ગયો, ત્યારે કંચનગૌરીએ મોટર હંકારી.

ભદ્રાને માટે તો આ આશ્ચર્યની ટોચ હતી. પોતાની દેરાણી આટલી પાવરધી થઈ ગઈ તેથી એને કોણ જાને કેમ પણ ઈર્ષ્યા કે દ્વેષ ઉપજવાને બદલે પોરસ અને વિસ્મય જ જન્મ્યાં. 'આઠ દસ મહિનામાં આટલું બધું શી રીતે શીખી લીધું હશે ! આવડત ને હોંશીઆરી હોયા વિના આટલું બધું થઈ શકે જ નહિને. ન જ થઈ શકે. આ હું ગમે તેટલી મરી મથું તોય મને રાંડીમુંડીને મોટર હાંકતાં કે'દિ યે આવડે!'

આ બધો ભદ્રાનો માનસિક વાર્તાલાપ હતો. ગામની બજાર ચીરીને મોટરને રમાડતી જતી કંચન અને વધુ ને વધુ અજબ લાગતી હતી.

બંગલામાં આવીને તૂર્ત જ ભદ્રાએ પોતાની ટ્રંક રસોડાની પાસેની એક ઓરડીમાં મૂકી દીધી. ને પોતે કંઈક શરમીંદુ કૃત્ય કરતી હોય તેવી ઉતાવળથી એણે ટાઢે પાણીએ નહાઈ લીધું. નહાઈ કરીને એ રસોડામાં પેઠી. એણે રાંધવું શરૂ કરી દીધું.

કંચનગૌરીએ આવીને એક આંટો માર્યો. એણે પૂછ્યું 'તમે ઉતાવળ શા માટે કરો છો ? તમારે માટે ચહા બનાવીને પીધી કે નહિ?'

'હવે અત્યારે કાંઈ નહિ બાપુ ! સાંજ પડી ગઈ છે.'

'ના એમ નહિ ચાલે. પહેલી ચા કરી લો.'

'તમે મારી જોડે પીવો તો બે કપ બનાવું. લો, છે કબૂલ?'

આખા દિ'નની ભૂખી ભદ્રાને ચહા પીવાની તલબ તો ઘણી સારી પેઠે લાગેલી, પણ એ ઘરની અંદર ચોર તરીકે કે નોકર તરીકે ચહા પીવા નહોતી ઇચ્છતી. 'પણ એવો આગ્રહ શું કરાવો છો?'

કંચનના આ શબ્દોમાં સ્હેજ કંટાળો હતો. આગ્રહને એ દંભી અથવા બનાવટી બિનજરૂરિયાત માનતી હશે? આગ્રહ કરીને, ખેંચતાણ કરી કરીને ખવરાવવું, પીવરાવવું, આકર્ષણ વધારવું, ઉપકાર કરવો ને ઉપકાર લેવો, એમાં ભદ્રાનું મન મઝા માનતું. એણે કહ્યું, 'લે બાઈ, આગ્રહ ન કરું તો મને એકલીને ચા કેમ ભાવે?'

'મને લપ છપ નથી ગમતી ભાભીજી !'

'બસ, હવે તો મને ભાભીજી કહી દીધીને, એટલે તો મારા હાથની ચા પીવી જ પડશે. એકાદ રકાબી જ પીજોને ! હું ક્યાં થોડા ઝાઝાની વાત કરૂં છું ! લો, તમે તમારે બહાર મારા દેર પાસે બેસો. હું તમને તૈયાર કરીને બોલાવીશ.'

ભારી કાળજીથી એણે ચા તૈયાર કરી. એના હ્રદયમાં એક જ વાર બોલાયેલા 'ભાભીજી' શબ્દે આશા અને હિંમત રેડ્યાં.