લખાણ પર જાઓ

તુલસી-ક્યારો/ભદ્રા

વિકિસ્રોતમાંથી
← જબરી બા તુલસી-ક્યારો
ભદ્રા
ઝવેરચંદ મેઘાણી
સસરો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




પ્રકરણ ત્રીજું
ભદ્રા

છોકરાની દ્વારા એની માતા જ ફરીથી બોલતી લાગે છે." એવા એક મનોદ્ગાર સાથે ડોસા પોતાના આંગણાની કૂઈ પર નહાવા ગયા; દેવુ પણ સાથે નહાવામાં શામિલ થયો. નહાતાં નહાતાં ઠંડીનું ભાન ભુલાવી દેતા શ્લોકોનું રટણ ચાલતું હતું. દાદાના કંઠમાં હિન્દની તમામ જીવનદાત્રી નદીઓનાં એક પછી એક નામો છંદધારે વહેતાં હતાં. નાનો દેવુ એ શ્લોક-રટણમાં પોતાના કિશોર કંઠનો પંચમ સૂર મિલાવીને ઠંડી ઉરાડાતો હતો. સંગીતનો આસવ ગળામાં ઘૂંટાતો હતો, સાથોસાથ પોતે અનાયાસે ભૂગોળ પણ ભણતો હતો. દાદાની ડોલમાંથી પોતાનાં મસ્તક પર રેડાંતા એ ઘર આંગણની કૂઈનાં નીરને ને આ રાષ્ટ્રવ્યાપી નદનદીઓનાં જળને કોઈક પ્રાણસંબંધ છે, કોઈક રહસ્યમય મિલનભોમ છે, કશીક ગુપ્ત એકાત્મતા છે, તેવા ધ્વનિ એના મગજમાં ઘૂમતા.

ઘરમાં હજુ દીવો નહોતો થયો. રસોડામાં બળતો ચૂલાનો તાપ બાજુના ઓરડામાં જ થોડું ઘણું અજવાળું ફેંકતો હતો તેનાથી સંતોષ માનતાં વિધવા ભદ્રા વહુ અનસૂયાના બરડામાં થતી વેદના પર હાથ પસારતાં એક પ્રભુપદ ગાન ગાઈ અનસૂના કાન વાટે વ્યાધિશમનની એ દિવ્ય દવા રેડતાં હતાં. ને પાછલી પરશાળે સોમેશ્વર માસ્તરના સાળા એટલે કે પ્રો. વીરસુતના આંધળા મામા જ્યેષ્ઠરામ હાથના હળવા હળવા તાળોટા પાડીને 'રઘુપતિ રામ રુદેમાં રે'જો રે' એ પદ ગાતા હતા. એમ કરવામાં કોઈને પ્રકાશની જરૂર નહોતી.

પહેલો દીવો હમેશાં ઘરમાં તુલસીના રોપ પાસે જ પેટાતો. સોમેશ્વર માસ્તર અથવા દેવુ જ સાંજનું સ્નાન કરીને પછી એ પેટાવતા. આજે જરા અસૂર થયું હતું તે તો યમુનાના આવવાને કારણે. પરંતુ ઘરમાં યમુનાના માર ખાઈને ભાગી આવવાથી કશો જ મોટો અકસ્માત બન્યો નહોતો. કોઈને ન લાગ્યું કે નવી કશી મૂંઝવણ આવી પડી છે. નાનાં મોટાં સૌ પોતપોતાનાં ઠરેલા કામકાજમાં મગ્ન હતાં. મોટા ફળીની બે ચાર પાડોશણો કુતૂહલવૃત્તિને દબાવી ન શકાયાથી ક્યારની આંટો મારી ગઈ હતી. એમને તમામને વિધવા ભદ્રાએ મીઠો પણ ટૂંકો જવાબ વાળી દીધો હતો કે, સારું થયું કે યમુનાબેન હેમખેમ પાછાં ઘેર આવ્યાં. મને તો નિરાંત વળી ગઈ. મારું તો કાળજું ફફડી હાલતું.'

'પણ ત્યારે મૂઈ' ફળીની પડોશણ કહેતી, 'તમારે જ આવડી બધી શી પડી છે જમનીની? એની બેન્યુંને ત્યાં મોકલી દોને.'

'મારા સસરા ના પાડે છે.'

'સોમેશર ભઈજીને તો પારકી પળોજણ કરવાના હેવા જ છે બાઇ!' સરસ્વતી ડોસીએ કહ્યું.

'ના મા, સંજ્યાટાણું છે. મારા સસરાનું વાંકું લગીરે બોલતાં ના, તમારે હાથે પગે લાગું શરશતી બૈજી !' એમ હસતે મોંયે બોલતી બોલતી વિધવા ભદ્રા પાડોશણનો પગ પકડી લઈને ચુપકિદી પળાવી શકેલી. 'મારી શોગાન, થોડી વાર ઊભાં રે'જો હો શરશતી બૈજી !' એમ બોલતી વિધવા ભદ્રા ઘરમાં દોડી જઈ, મગજની એક લાડુડી લાવીને એમને દેતી દેતી બોલી : 'લો, ઝટ તમારી વસુને ખવરાવો. હું તો મૂઈ હૈયાફૂટી, તે વીશરી જ જાત. પણ મારા સસરાએ સવારે ખરાવી ખરાવીને કીધેલું કે 'વહુ, શરશતી ભાભીની વસુને ચોકસ દેજો હોંકે?'

સસરાની નિંદાને નાનકડી એક લાડુડીથી દબાવરાવી લેવાની ફોગટ આશા સેવતી વિધવા ભદ્રા તે વખતે તો "શરશતી બૈજી"ને વળામણાં દઈ દેતી, પણ કૂતરાની પૂછડી જેવી શરશતી બૈજીની જીભ વળતા દિવસના પ્રભાતે જ પાછા વાંકાં વેણ લઈને હાજર થતી. અરે પોતાની વસુને લાડુડી ખવરાવતાં ખવરાવતાં પણ એ બોલતાં કે 'ગાંડીને અમસ્થી કંઈ નથી સાચવી. એના દરદાગીના દબાવેલા છે. હં-અં માડી !'

સવાર પડતું ત્યાં પાછાં એ જ સરસ્વતી ડોશી અર્ધો પૈસો લાવીને સોમેશ્વર માસ્તરને આપતાં : 'લ્યો ભૈ ! શાક લેતા આવજો. જોડે બે તીરખી કોથમરીની ય લવજો હો ભૈ ! અને એકાદ મરચું ય લાવજો.'

ફળી મોટું હતું. ઘણીખરી વિધવાઓ રહેતી. ઘણીખરી સાસરિયામાંથી રૂખ્સદ પામેલી હોઇ કાલાં ફોલીને નભતી. તે બધીને શાકપાંદડું લાવી દેનાર સોમશ્વર જ હતા. અને સરસ્વતી ડોશીની હંમેશની ફરિયાદ હતી કે સોમેશ્વર રોયો પોતાના ઘરનું શાક તો પરબારૂં અમારામાંથી જ કાધતો હશે!

આવા કચવાટની સોમેશ્વર માસ્તરને ખબર હતી, પણ પોતે એનું દુઃખ રાખતા નહોતા. કેમ કે એને લાગ્યા જ કરતું હતું કે, કોણ જાણે આ ફળીવાળાંમાંથી જ કોઇકના નસીબનું આપણે ખાતા હશું તો !' આમ સોમેશ્વર માસ્તરના સંસારનું ગાડું ચાલ્યા કરતું. ભાણા ખડખડ ઘરમાં બિલકુલ નહોતી થતી એમ પણ નહિ. ગાંડી યમુના અને પાછલી પરશાળે બેસી રહેતા મામા, એ બેઉ વચ્ચે ઘણીવાર ચકમક ઝરતો ત્યારે મામા કહી નાખતા કે 'આવી છે મારાં ભાણેજડાંનો જીવ લેવા, તે ભરખી કરીને જ જશે.'

અર્ધ સમજમાં ને અર્ધ બેભાનમાં યમુના પણ ઘર ગજાવી મૂકતી કે 'મારી મૂડીમાયા લઈ લેવા સૌ ભેગાં થયાં છો કાં ને? હું તો નાગણી છું નાગણી !' ને પછી બિભત્સ ગાળો.

વિધવા વહુ ભદ્રા ઉપર વારંવાર એક જુદી જ ફરજ આવી પડતી. અમદાવાદ રહેતા પ્રો. વીરસુતનાં નવાં પત્નીને જ્યારે જ્યારે થોડી કે ઝાઝી માંદગી થઈ આવતી ત્યારે તાબડતોબ ભદ્રા ભાભીને મોકલવાનો તાર પિતા પર પહોંચતો. સોમેશ્વર માસ્તર ઘણું ય લખતા કે ભાઈ, નવી વહુને આંહી મોકલ, તો એમનું સચવાય તે સાથે સૌનું સચવાય. આ ગાંડીનું કાંઈ ઠેકાણું નહિ; રોટલા કરી આપે કે ન કરી આપે. મોટી વહુ વગર મુશ્કેલી પડે: મને તો કાંઇ નથી. હું તો હાથે રાંધી લઉં, પણ ઘરની સાચવણ વીંખાઈ જાય છે, નવી વહુ આંહી આવીને રહે તો હું ચીવટ રાખીને દવા કરાવી શકું, તેમ એને ઘરકામ કરવાનો થોડો વ્યાયામ પણ મળે. ઘર એનું છે, એટલે પોતે ઘરની સાચવણ પણ કરતાં થાય.

પણ વીરસુત જવાબ વાળતો કે 'મારે નવીને પણ ત્યાં મૂકીને સંસ્કારહીન નથી બનાવવી. મારે એને એ ઘરની ધૂળ ઝાડવા-ઝાપટવાનું ભળાવવું નથી. એકને ગુમાવી છે તે ઘણું બધું છે. માટે મોકલવવાં હોય તો ભદ્રાને મોકલજો, નહિતર ઇસ્પિતાલે જ મૂકીશ.'

પિતા લખતા કે 'મારો જીવ સહેજ સંકોડાય છે, કેમ કે ભદ્રા આખરે તો વિધવા છે. આંહી પગ ઢાંકીને બેસી રહી શકે, ત્યાં મોકળા સંસારમાં એના જીવનો મેળ ન મળે. વગેરે વગેરે.'

પુત્રનો ફળફળતો ઉત્તર આવતો :

'ફિકર રાખશો મા, હું નહિ એને પુનર્લગ્ન કરાવી દઉં. એ બ્હીક હોય તો ન મોકલતા.'

આખરે તો ભદ્રાને જ બે વાર જવું પડેલું. બે વાર જવાનું ખાસ કારણ એ હતું કે નવી વહુને ઉપરાઉપરી બે કસુવાવઓ થઈ હતી.

ત્રીજી વાર ભદ્રાને જવાનું તેડું આવ્યું ત્યારે લખ્યું હતું કે 'અનસુ માંદીને ત્યાં જો રાખી શકાય તો રાખીને એકલાં જ મોકલવાં. ભદ્રાના હાથ બે માંદાંની માવજત કરી શકે નહિ. ઊલટાનું બન્નેનું બગડે.'