તુલસી-ક્યારો/સસરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભદ્રા તુલસી-ક્યારો
સસરો
ઝવેરચંદ મેઘાણી
દેરાણી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ચોથું
સસરો

પ્રોફેસર પુત્રના આ કાગળની વાત ઘરમાં કોઈને કર્યા વગર માસ્તર સાહેબે ચુપચાપ માંદી અનસુને પોતાની સાથે હેળવવા માંડી. બધાંજ છોકરાં દાળીઆ રેવડી જેવા ખાદ્ય પદાર્થથી જ રીઝી જાય છે એ વાત માંદલી અનસુએ ખોટી પાડી. દાદાજી પાસેથી ખાઉ ખાઉ લઈ કરીને એ પાછી માની સોડમાં જ ભરાઇ બેસતી. દાદાને મૂંઝવણ થતી હતી કે માથી દીકરીને નોખી પાડવાનો કયો કીમિયો કરવો? ધીરે ધીરે એને યાદ આવ્યું. બહુ જ નાનેથી મા વગરના થયેલા દેવુને તો દાદા સાથે પ્રીત બંધાતાં મુશ્કેલી નહોતી પડી, પણ પોતાના જ પુત્ર વીરસુતની બાલ્યાવસ્થા એને યાદ આવી. પોતે 'રાધે ગોવીંદ રાધે, શેરા પૂરી ખાધે !' ગાતા, તાળોટા વગાડતા, વીરસુતની સન્મુખ નાચતા ને કુદતા હતા. અનસુ પાસે પણ એણે નાચ ગાન અને તાળોટા આદર્યા. મિઠાઇએ ન કરેલું કામ નૃત્યગીતે કર્યું. અનસુ માંદી માંદી પણ દાદાની સાથે નાચતી ને ગાતી થઈ, દાદાની સાથે જ સુવા લાગી. દાદા અનસુના સંપુર્ણ કેદી બન્યા તે પછી જ તેણે ભદ્રા વહુને પોતની પાસે બોલાવી મગાવ્યાં. બારણાની સ્હેજ આડશ લઈને ભદ્રા ઊભી રહી. સસરાની આંખો ભદ્રાને ભાળતી ત્યારે ત્યારે અચુક હમેંશા એક જ ઠેકાણે ચોંટી રહેતી. આજે પણ એ આંખો ત્યાં જ ચોંટી-ભદ્રાના માથા ઉપર.

ત્યાં એ આંખોને શું જોવાનું હતું?

મુંડાએલા માથા પરના નવા ઉગેલા કેશના સફેદ ઓઢણાની આરપાર અણીઓ કાઢતા હતા તેને જાણે કે સસરાની આંખો ગણતી હતી. એ કણીઓ સસરાની આંખોમાં ઘોંચાતી હતી. પુત્રવધુના વૈધવ્યનો વધુમાં વધુ કરૂણ એને એ કેશવિહોણો વેશ લાગતો હતો. તે સિવાય પોતે તપાસ લેતા ને સંતોષ પામતા કે વહુનો દેહ દૂબળો નથી પડ્યો : ને વહુના થોડા થોડા દેખાતાં હાથનાં આંગળાં એમને ખાત્રી કરાવતાં કે ભદ્રાને નખમાંય રોગ નથી.

એમણે વાત ઉચ્ચારી :-

'જુઓ છો ને, છોકરાં સાચવી જાણું છું કે નહિ હેં બેટા ! જુવો, અનસુને મેં તમારી આગળથી પડાવી લીધી છે ને?'

જવાબમાં ભદ્રા ઘૂમટાની આડશે મંદ મંદ હસતી હસતી, એ ઘૂમટામાં છુપાએલા પોતાના ચહેરા સામે તાકી ઊભેલા દેવુને કહેતી હતી-

'દેવ ! દાદાજીને કહે કે તમે એકલા સસરા જ ક્યાં છો ? તમે તો સાક્ષાત સાસુજી પણ છો ને ! અનસુને મારો હેડો છૂટ્યો એટલે હું તો શાંતિ પામી છું.'

તો પછી બચ્ચા, થોડા દિ' નાનુભાઇને ત્યાં એકલાં અમદાવાદ જઈ આવશો ? નાની વહુ બિચારી મુંઝાતી લાગે છે. ભાઈનો તો કાગળ આવેલ કે ચિંતા કરશો મા, પણ મારો જીવ કેમ રહે ? હું પંડે જ જાઉં એમ થયું, પણ મારા જવાથી વહુને શી સહાય મળે ? એ કરતાં તો તમે જ જઈ આવો.'

ભદ્રાએ કશો ઉત્તર ન આપ્યો. દેવ તો ભદ્રા બાના ચહેરા સામે જ જોઇ રહેલો હતો. ભદ્રાની આંખોમાં સ્હેજ ચમકાટ ને ગાલો પર લાલ લાલ થોડો ધગધગાટ એણે જોયો ખરો, પણ એવા રંગભાવોનો અર્થ સમજવા જેટલી ઉમ્મરે હજુ દેવુ નહોતો પહોંચ્યો.

'તમને તમારી મરજી વિરુદ્ધ મારે લેશમાત્ર નથી મોકલવાં હો કે! વળી પાછાં કહેશો કે કીધું નહિ!' ડોસા ગર્વિષ્ઠ અવાજે બોલ્યા. વિધવા પુત્રવધુની માનસિક સ્વતંત્રતાનું પાલન કરવાનો પોરસ એ અવાજમાં રણકી રહ્યો.

'દાદાજી કહેતા હોય તો મને શો વાંધો છે?'

ભદ્રાએ દેવુને આમ કહ્યું ત્યારે એના બોલમાં યે આવો સન્માનદાયક સસરો હોવાનો પોરસ ગુંજ્યો.

'ના, એમ ન બોલો બચ્ચા. તમને ન ગમે ત્યારે સાઇ ઝાટકીને ના પાડી દેવાની તમને છૂટ છે. મારે કાંઇ તમે વધારાના નથી. ન જવાનું કાંઇ ખાસ કારણ હોય તો કહો તમ તમારે. બેલાશક કહો. હા, બેલાશક !"

ડોસાના મોંમાં જ્યારે 'બેલાશક' શબ્દ બોલાતો ત્યારે એની ડોક ઘૂમતા પારેવાની જેમ ફૂલાતી.

'કહેને દેવ, મારું મન હોય ન હોય એવો તો વિચાર જ દાદાજીએ નથી કરવાનો. મારું તો મન જ છે, જે દાદાજી કહે તે કરવાનું.'

'તો જઈ આવો દીકરા, પણ આમ જોવો, એક શર્તે. ઘરની દરદાગીનાની પેટીઓની ચાવી હું આંહી નથી સાચવવાનો. એ જોખમ મારી કેડ્યે ન રહે. માથાક્ટ કરાવવી નહિ આ વખતે. બધી જ ચાવીઓ ભેગાં લઈને જાવું હોય તો જાઓ. ને ઘી ગોળ ખાંડ પણ એકાદ મહિનો હાલે એટલાં કાઢી દઈને બાકીનાંને કબાટમાં મૂકી ચાવી સાથે લેતા જાવ. મારાથી એ બધી પંચાતમાં નહિ પહોંચાય. પોતાનું છે તેની સાચવણ પોતે જ રાખવી પડશે. ચાવીઓનો જૂડો મારાથી નહિ વેઠાય. હા, સાથે લઈને જાઓ, બેલાશક !'

દાદાને બોલે બોલે ભદ્રાબાના મુખ ઉપર ઊર્મિઓનાં જે મંડલો પુરાતાં હતાં, ભાવનાનાં કણેકણની જે ઢગલીઓ પડતી હતી, તેનું તો દેવુને એ ટાણે જંગી કોઈ પ્રદર્શન સાંપડી ગયું હતું. એની ડોક ઊંચે જોઈ જોઈ દુઃખવા આવી હતી તો પણ એની જીજ્ઞાસા ખૂટતી નહોતી.

ભદ્રાના રંડવાળ ચહેરા ઉપર ભાવોની ભરતી આવજા કરતી હતી. તેનું એક કારણ હતું. ત્રણેક વર્ષો પર ન્યુમોનીઆએ એકાએક સમળી ઝડપે તેમ ઝડપી લીધેલા સ્વામીની સાથે એનો મેળ બહુ મધુર હતો. સ્વામીની હયાતીમાં જે પ્રેમ અને સન્માન એ આ ઘરમાં પામી હતી તે કરતાં તો અદકેરાં સન્માન સસરાએ એને માટે કુટુંબમાં જમાવી દીધાં હતાં. ઘરેણાં તો માસ્તર સાહેબના ઘરમાં અલ્પ હતાં, પોતાના લગ્નટાણાનાં દાગીના જ વારંવાર ભંગાવી તેના રૂપાંતરમાંથી જ એમણે બે દીકરાનાં લગ્ન કર્યાં હતાં. તેમાં દેવુની બાએ ઘર ખર્ચમાં કોશીર (કરકસર) કરી કરી સસરાની આમદનીમાંથી જે બચત નીચોવેલી તેનું પણ થોડું સોનું રૂપું ઉમેરાયું હતું. દેવુની બાના પિયરના થોડા દરદાગીના તેમજ આણાંના વસ્ત્રોની જુદી પેટી રાખી હતી તેને તો માસ્તર સાહેબે વીરસૂતનો સ્પર્શ સુદ્ધાં થવા દીધો નહોતો, છતાં તે પેટીની ચાવી એમણે ભળાવી હતી ભદ્રા વહુને. ભળાવતી વેળા ભદ્રાની આનાકાનીની એમણે આ શબ્દોમાં ખબર લીધી હતી કે"બેલાશક, તમારે જ ચાવી સાચવવી પડશે. ના કહેવા જેટલું અભિમાન ક્યાંથી કાઢ્યું ? દેવુ શું તમારો નથી ? દેવુનું છે તે શું તમારે લૂંટાવાને પીંખાવા દેવું છે!"

'પણ એમાંથી કાંઈ હેરફેર થાય તો-'

'એ પેટી કોક દિવસ ખાલીખમ માલૂમ પડશે તો પણ મારે કબૂલ છે. ચાવી તો તમારે જ સાચવવાની છે; બેલાશક તમારે.'

તે પછી સસરાની ને વિધવા પુત્રવધુનીની ખરી કસોટી તો વીરસુતના બીજા લગ્ન પછી થઈ હતી. લગ્ન તો પોતે અમદાવાદમાં જ પતાવ્યાં હતાં, પણ તે પછી એકાદ બે વાર એ નવી નવી પત્ની કંચનને લઇને પિતાને ઘેર આવ્યો હતો.

ચાવીઓનો પ્રશ્ન તે વખતે ઊગ્ર બન્યો હતો. પોતે કુટુંબનો એકનો એક રળનાર છતાં ઘરની ચાવીઓ પોતાની પત્નીને ન મળી શકે, નાની મોટી પ્રત્યેક ચીજ માટે વિધવા ભદ્રાભાભીને જ વિનંતિ કરવી પડે, એ વાત અસહ્ય હતી. એમાં વીરસુત પોતાનું ને પોતાનાં નવાં સુશિક્ષિત પત્નીનું અપમાન માનતો હતો. ખરેખર અવિશ્વાસ સમું કોઈ બીજું અપમાન નથી. પણ વરવધુ બન્ને આવા કોઈ અસંતોષે ધુંધવાતા હતાં તેની ભદ્રાને તો સરત જ નહોતી રહી. એ તો ઊલટાની દેર દેરાણી ધેર આવ્યા બાદ બે ચાર જ દહાડે સસરાની પાસે કમાડની અરધ આડશે હાથ જોડ્યા જેવા કરીને ઊભી ઊભી દેવુની મારફત પરવાનગી માગતી હતી કે દે'વ, દાદાજીને કહે, જો મારા પર ક્રોધ ન કરે તો એક વાત માગવા આવી છું.'

'વાહવા ! મઝાની વાત.' દાદાજીએ હાંસી કરી : ' હું પણ ઘરમાં વાઘ દીપડો જ છું ખરોને, ઓટલે બેઠો બેઠો કેમ જાણે સૌના ઉપર ઘે-ઘે-ઘે-ઘે જ કરતો હોઉં ! હું જ તમને પૂછું છું બાપ ! કે ક્યે દહાડે મેં તમારા પર ક્રોધ કર્યો છે?' 'દેવ, દાદાજીને કહે, એવું કેમ પૂછો છો?'

'બેલાશક પૂછું છું વળી. બેલાશક ! નહિતર તો પછી સીધું પૂછતાં શું ભાલાં વાગે છે?'

'તો કંચનગૌરીને મારે દાગીના પહેરાવવા છે.'

'કોના તમારા? ખબરદાર...'

'ના, મારા તો જુનવાણી ઘાટના છે. એમના ગળામાં નહિ ઓપે.'

'ત્યારે શું દેવુની બાના ?'

'હા જ તો.'

'દેવની વહુ સિવાય કોઇથી એ પહેરાય કે?'

દાદાના આ એકદમ અજાણ્યા બોલથી ચમકેલો દેવુ ભદ્રાબાની સામે જોતો જોતો એવો તો ખસીઆણો પડેલો કે તે પછી જ્યારે જ્યારે દાદાજી જોડે ભદ્રાબાને વાતો કરાવવી હોય ત્યારે ત્યારે એ પહેલાં જ શર્ત ભદ્રાબા સાથે એ કરતો કે 'વહુ ફહુ વાળું કશું ન બોલો તો હું આવું.'

ભદ્રાએ તૂર્ત જ સસરાને દબાવ્યા : 'પણ કંચન ગૌરી દેવની બા જ છે ને!'

'છે છે, હું ક્યાં ના કહું છું? પણ-પણ-એમ કાંઇ...'

ચતુર સસરો તે દિવસ ગેંગેં ફેંફેં થઈ ગએલો. કારણ કે પોતાને આવતી વહુ પ્રત્યે છૂપો કશોક અણગમો છે એવો એને પોતાના અંત:કરણ માટે અંદેશો પડેલો. એને બ્હીક જ લાગી ગયેલી કે આ વાત જો ક્યાંક કંચનગૌરીને કાને જશે તો અત્યારથી જ ઝેરી ઝાડનાં મૂળ ઘાલી જશે. એણે તૂર્ત જ ભદ્રાને કહ્યું : ' તો પછી એમાં પૂછવાની શું વાટ જોતાં હતાં ? તમે સ્વતંત્ર છો, તમારી બાબતનાં તમે કુલમુખત્યાર છો. બેલાશક પહેરવા આપો. બેલાશક.'

જ્યારે ભદ્રાએ દેવનાં મુવેલાં બાની પેતી ઉઘાડી, તેમાંથી નાની મોટી દાબડીઓ ખુલ્લી કરી, દેરાણી કંચનને એ ઓરડામાં બોલાવ્યાં ને કહ્યું કે 'બેસો, દેવને એની અડવી બા ગમતી નથી. આજથી બાને શણગારવી છે, બેસો જોઉં!'

પણ એ ઝીણા મોટા દાગીના ભદ્રાના હાથમાં ઠઠ્યા રહ્યા, દાબડીઓ ઉઘડતી હતી તે બંધ કરવાનું ય ભાન ભુલાયું, ભદ્રાને દેવ ત્યાં ને ત્યાંજ થીજી ગયાં, ચિત્રામણમાં આલેખાઈ ગયાં. કેમ કે કંચન ગૌરી આટલું જ બોલીને ચાલતાં થયાં હતાં -

'મારૂં આ ઘરમાં શું છે? મારે દાન નથી લેવું. અડવી લાગીશ તો મઢાવશે જેને દાઝશે તે.'

આ તો એક આગલો પ્રસંગ અમને યાદ આવી ગયો એટલે કહી દીધો. મૂળ મુદ્દો તો ભદ્રાને અમદાવાદ મોકલવાની સસરાની આવડતનો હતો.