લખાણ પર જાઓ

ત્રિશંકુ/અંગુલિમુદ્રા

વિકિસ્રોતમાંથી
← ફરી મળતી નોકરી ત્રિશંકુ
અંગુલિમુદ્રા
રમણલાલ દેસાઈ
બાહ્ય ચમકનો ચિરાતો પડદો →


 
અંગુલિમુદ્રા
 

'સચ્ચાઈની રાહ પર'ના તંત્રી સુખલાલ કિશોરનો આભાર માની દર્શનને પત્રની કચેરીમાં આવી ફરી દાખલ થવા મુરબ્બીવટભર્યો આગ્રહ કરી ચાલ્યા ગયા અને કિશોરે દર્શન સામે સહજ સ્મિત કરીને જોયું. દર્શને પૂછ્યું :

‘કિશોરભાઈ ! આ શેઠ કોને શોધતા આવ્યા હતા? હું માનું છું કે મને તો નહિ જ !'

‘તમારા તંત્રી – શેઠ એક તીર વડે બે નહિ પણ બાર શિકાર કરે એવા છે. જુઓ, બે હજારની ખંડણી મારી પાસેથી તેઓ ઉઘરાવી ગયા અને એ ખંડણી લાવી આપનાર સેનાપતિનો ગુમાવેલો સાથ મેળવતા ગયા.' કિશોરે પ્રશ્નનો જવાબ આપ્યો.

'મને કંઈ સમજ ન પડી, કિશોરભાઈ !'

'તમને અને મને સમજ પડી હોત તો આપણે આ ચાલીમાં રહેતા ન હોત; આપણી પાસે કાર અને બંગલા હોત !'

‘તો કિશોરભાઈ ! આપણે બન્ને ઊંડા ઊતરી કાર અને બંગલા આપતી સમજને પકડવા મથીએ. ખંડણી શાની, ખંડણી આપનાર સેનાપતિ કોણ, એનો સાથ કેમ ગુમાવાય અને એ ફરી કેમ મળે ? એ બધા પ્રશ્નો એક જાસૂસી વાર્તા સરખા પ્રશ્નો ઊભા કરે છે.' દર્શને કહ્યું અને કિશોર દર્શનને ધીમે રહીને સમજ પાડી. કિશોરના શેઠ જગજીવનદાસ વિરુદ્ધનો તીખો રંગબેરંગી લેખ 'સચ્ચાઈની રાહ પર'માં દર્શને લખ્યા પ્રમાણે પ્રગટ થયો. શેઠનું નામ એમાં લખેલું ન હતું, પરંતુ તેમને જ લાગુ પડતાં સૂચનો એ લેખમાં પૂરતા પ્રમાણમાં હતા. લખાયલા લેખમાં જનતાને એટલો બધો રસ પડ્યો કે એ પત્રની ખપત ચારે પાસ વધી ગઈ, અને એ લેખની જાણ શેઠના હિતસ્વીઓએ તેમને કરી પણ ખરી. જગજીવનદાસ શેઠ ગભરાયા અને કિશોર મારફત બાકી રહેલી પત્રની બધી નકલો ખરીદ કરાવી બાળી નાખી. પરંતુ એ નકલો બાળી નાખવાથી 'સચ્ચાઈની રાહ પર' પત્રમાં બીજા દિવસે તેમના વિરુદ્ધ હકીકત ન આવે એ માટે પત્રના તંત્રીને બે હજાર રૂપિયાની રકમ પણ તેમણે કિશોર મારફત મોકલાવી ! એ લેવા માટે તંત્રી સુખલાલ કિશોરને ત્યાં આવ્યા હતા અને જગજીવનદાસ શેઠે આપેલી ખંડણી લઈ પાછા જતા હતા. લેખ દર્શનનો લખેલો હતો અને દર્શનની અચાનક મુલાકાત થઈ ગઈ એટલે દર્શનની લેખનકલાનો વઘારે ઉપયોગ કરવા માટે દર્શનને ફરી નોકરી ઉપર તેમણે ચાલુ કરી દીધો.

‘કેમ, દર્શનભાઈ ! હવે સમજ્યાં ખંડણી શું તે, અને ખંડણી અપાવનાર સેનાપતિ કોણ તે ?' કિશોરે હસતે હસતે પૂછ્યું.

‘એમ છે ત્યારે ? એ ગાળભર્યા લખાણમાં મારી કિંમત થઈ, એમ ?' પૂરું જાણ્યા સિવાય દર્શનથી બોલાઈ ગયું.

'એ ગાળો ન હતી, સાચી વાત હતી અને હજી પણ સત્ય વધારે ભયંકર બની શકે એમ છે - હશે ! ધનિકોના બંગલા, બાગ, કારમાં અને લંચમાં જરાય ઓટ આવતી નથી. પણ એમને ધન ભેગું કરી આપનાર એમના કાર્યકરોનાં હાડમાંસ ચુસાય છે એની તેમને પરવા પણ નથી. તમે જે લખ્યું તે સાચું જ લખ્યું હતું, અને તે પણ પૂરું સાચું નહિ.'

‘કિશોરભાઈ ! ત્યારે તો કિસ્મત ખીલ્યું લાગે છે.'

'દર્શનભાઈ ! ધનિકોની સાચી વાત લખશો તો હજી કિસ્મત વધારે ખીલશે.' કિશોરે કહ્યું.

'પરંતુ બધા ધનિકોની સાચી વાત મને કહે કોણ ?' દર્શને પૂછ્યું.

'ધનિકોની આસપાસ રહેતા માણસોમાંથી તમે જે માગશો તે મળશે. અને કદાચ કોઈને મળ્યા વગર પણ લખશો તોયે એ કોઈ ને કોઈ ધનિક માટે સાચું પડશે જ. હવે કાલે નોકરી પર પાછા ચડી જાઓ.' કિશોરે કહ્યું અને બંને છૂટા મેડી પોતપોતાની ઓરડીમાં ગયા.

દર્શને પોતાની ઓરડીમાં જઈ સિતાર વગાડવો શરૂ કર્યો અને કિશોરની ઓરડીમાં આવેલી એક પથારીમાં સૂતે સૂતે પુસ્તક વાંચતી તારા સિતારની ગત સાંભળી બેઠી થઈ ગઈ. એની પાસે જ સૂઈ રહેલી બિલાડી તારાને બેઠી થઈ ગયેલી જોઈ પોતે પણ જાગી 'મિયાઉ' શબ્દ ઉચ્ચારી આળસ મરડી બેઠી થઈ. તારાએ તેને ટપલી મારી, દીવો હોલાવ્યો અને પાછી સિતારનો રણકો સાંભળતી સૂઈ ગઈ. થોડીક વાર સુધી દર્શને સિતાર વગાડવો ચાલુ રાખ્યો. અને પછી તેને પણ નિદ્રા આવી.

રાત્રિ સહુની પસાર થઈ ગઈ; અને બીજા દિવસનું પ્રભાત ઊગ્યું; અને પ્રભાત ખીલીને મધ્યાહ્નમાં વિકસ્યું. 'સચ્ચાઈની રાહ પર'ના તંત્રી સુખલાલની કચેરીમાં કામ ચાલી રહ્યું હતું. ચારેક માણસો ત્યાં લખતા બેઠા હતા અને એ મુખ્ય ખંડમાંથી પડદા નાખી બનાવેલી એક નાનકડી ઓરડીનાં જૂનાં મેલાં ટેબલખુરશી ઉપર બેઠેલા સુખલાલે દર્શન આવ્યો છે કે નહિ તેની ત્રણેક વાર તપાસ કરી. અંતે દર્શન આવ્યો અને તંત્રીની ઓરડીના બારણા પાસે બેઠેલા છોકરાએ દર્શનને ઓરડી પાસે બોલાવી ઓરડીનું બારણું ખોલી નાખ્યું અને ખોલતાં ખોલતાં તેણે કહ્યું :

'જાઓ, જલદી જાઓ. સાહેબ તમને ક્યારના યાદ કરે છે !'

'યાદ કરવાનું કંઈ કારણ?' દર્શને પૂછ્યું.

'એ તો સાહેબ જાણે. તમે જ જઈને ઝડપથી પૂછી લો.'

'એમ ? હં ...' કહી, સહજ હસી દર્શન અંદર ગયો. ઓરડીનાં ટેબલખુરશી ઉપર પેપરોના ઢગલા પડ્યા હતા અને સુધારવા માટેના કેટલાક છાપેલા કાગળ-ગોળાઓ પણ પાસે જ પડ્યા હતા; સુખલાલ કંઈક કાગળ સુધારતા હતા. દર્શનને અંદર આવેલો જોઈ તેમણે કાગળ સુધારવાનું બાજુ ઉપર મૂકી દર્શન સામે જોયું અને કહ્યું :

'કેટલું મોડું કરે છે તું, દર્શન !'

'મોડું? હજી દસમાં પાંચ મિનિટ બાકી છે, સાહેબ ! અને હું તો રજા આપેલો માણસ.' દર્શને જવાબ આપ્યો.

'આજના નોકરિયાતોને તો ઘડિયાળને કાંટે વળગીને કામ કરવાનું ! તને ભાન છે મેં તારો પગાર વધારી આપ્યો છે તે ?' સુખલાલ તંત્રીએ દર્શનને ઠપકો આપ્યો.

'હું આભાર માનું છું, સાહેબ ! પણ...'

'શું પણ ? હા. હા... હા ! કાલે કેમ આટલા તીખા બની ગયા હતા, ભાઈસાહેબ ? કહે, શું કહેવું છે તારે ?’ સુખલાલે અર્ધી ધમકી અને અરધી મહેરબાની દર્શાવતાં કહ્યું.

'સાહેબ! મારો પગાર વધાર્યો એ તો ઠીક. એ જ્યારે મને મળે ત્યારે ખરો. પરંતુ હવે પાછલો પગાર મળી જાય તો મારા હાથ અને પગ બન્ને ચાલે, સાહેબ !' દર્શને કહ્યું.

‘તમને જુવાનિયાઓને તો પૈસાની કિંમત જ નહિ ! માટે જ તો હું કોઈને ઝટઝટ પૈસા આપતો નથી. લે ! કહેવાનું આટલું જ છે ને ? જાણે મને તમારી મુશ્કેલીની ખબર જ નહિ હોય !' કહેતાં બરાબર સુખલાલ તંત્રીએ કાગળનું પૈસા ભરેલું એક પાકીટ ધીમેથી દર્શન તરફ ફેંક્યું. દર્શને જરા સંકોચપૂર્વક પાકીટમાંથી પૈસા કાઢી ગણવાની શરૂઆત કરતે કરતે શેઠ સામે જોયું અને શેઠ સુખલાલ એકાએક દર્શન સામે ગર્જી ઊઠ્યા : 'કેમ, આમ મારી સામે જોયા કરે છે? ત્રણ મહિનાનો પૂરો પગાર છે કે નહિ ? ગણી જો.'

'હા, જી ! પણ આપ જાણો છો કે મારો તો છ માસનો પગાર બાકી છે.' દર્શને જરા ખમચાઈને કહ્યું. તેને આ ક્ષણે પૈસાની એટલી બધી જરૂર હતી કે છ માસ પેટે ત્રણ માસનો પગાર પણ લેવા તે રાજી હતો જ ! અને તંત્રી એ હકીકત જાણતા જ હતા.

'સાંભળ ! એ બાકીનો પગાર અહીં “ડિપોઝીટ”માં રહેશે.... તમારા હાથમાં બધા પૈસા મુકાય જ નહિ ! તમે જુવાનિયા હાથમાં આવ્યા એ પૈસા વેડફી નાખો ! પણ હવે.. તારી બાબતમાં એટલું જ કે હવે છ મહિનાને બદલે ત્રણ મહિનાનો જ પગાર “ડિપોઝીટ” રાખીશું....એ પૈસા બેંકમાં પડ્યા માની લેજે.' સુખલાલ શેઠે ધીરજ આપી.

પરંતુ દર્શનને સમજ ન પડી કે બેન્કમાં કોના પૈસા પડ્યા છે અને કયા સિદ્ધાંત ઉપર 'ડિપોઝીટ' લેવામાં આવે છે ! દર્શને ઊંડો શ્વાસ લીધો.

‘જો, છોકરા ! નિસાસો નાખવાનું કારણ નથી. હું અને તું ભેગા હોઈશું તો કાંઈનું કાંઈ કરી નાખીશું. આ મહિનાથી તને પચીસનો વધારો આપું છું. પણ ખબરદાર, કોઈને કહેતો ! એ હું અને તું બે જ જાણીએ..સુખલાલે દર્શનને આશ્વાસન આપ્યું.

'આભાર માનું છું.' દર્શને કહ્યું.

'આભાર બાભાર ઠીક છે. પણ જો, સાંભળ, કાલે પેલા જગજીવનની ખબર આપણે લઈ નાખી હતી ને? તેવી આજ બીજાની ખબર લઈ નાખતો લેખ તૈયાર કરી દે !'

'પણ આપને તો એ ગમ્યો ન હતો ! એમાં તો મને રજા મળી !'

'મને ભલે ન ગમ્યો ! લોકોને તો ગમ્યો... અને આપણા ધંધામાં તો કોઈને સારું લગાડવા તને આજ રજા આપીએ અને કાલ પાછા બોલાવીએ... એ બધી ઉપર ઉપરની રમત... શું કહ્યું તને ? જા, બેસીને એક ચટકદાર લેખ ઘસડી કહાડ, એકાદ શેઠિયા માટે ! હા... હા... હા....!' શેઠસાહેબ પાછા ખડખડ હસ્યા. પરંતુ દર્શને લેખ લખવો શી રીતે ? કોને માટે !

'કેમ ઊભો રહ્યો ?' સુખલાલે કહ્યું.

'પણ. શેઠસાહેબ ! મારાથી કેમ કરીને આવો લેખ લખાય ?'

'ગઈ કાલે લખ્યો હતો તેમ.'

'ગઈ કાલની હકીકત તો મને મારા પાડોશી તરફથી મળી હતી, એટલે હું જાણું.”

‘એવા બીજા પડોશીઓ શોધી કહાડ - કોઈનો નોકર, કોઈનો રસોઇયો, કોઈનો શૉફર અને કોઈનો કારકુન... કાંઈ ને કાંઈ હકીકત મળી જ રહેવાની.'

'પણ એમાંથી કોઈ સારા શેઠને અન્યાય થાય તો ? આપણું પત્ર તો “સચ્ચાઈની રાહ ઉપર...” '

'અરે, સચ્ચાઈ અને રાહ એ બધું ઠીક છે ! અને એક વાત બરાબર સમજી લે.'

'શું, સાહેબ ?'

'બધા જ શેઠિયા સરખા ! એક ને એક એબ તો બીજાને બીજી !.... અને ઘણાને તો, અંહ ! બધી જ એબ ભેગી હોય ! આપણે ક્યાં કોઈનું નામ આપવું છે? એ તો તું જે લખીશ તે એકાદને તો લાગુ પડ્યું જ માનજે.'

‘પણ વખતે આપણે બદનક્ષીમાં ઘસડાઈએ તો ?'

'એની ફિકર તને હોય કે મને ? પત્રકારે બદનક્ષીનો ભય રાખવો જ નહિ ! બદનક્ષીમાં ખેંચાતાં પહેલાં કેટલોયે કાદવ ઊછળવાનો ! અને છેવટે દિલગીરી દર્શાવવી કે માફી માગવી ! એમાં આપણને શરમ શી ? પણ એક વાર જાહેરમાં આબરૂ ગઈ એ ગઈ ! એ પાછી ન આવે ! હા... હા..!' શેઠસાહેબ તંત્રી તરીકે પત્રકારત્વનું ઊંડું શિક્ષણ દર્શનને આપતા હતા અને એની અસરનો વિચાર કરી હસતા પણ હતા. ઘણાય માનવીઓને પોતાની ભાવિ યોજનાનું દર્શન હાસ્ય સુધી ખેંચી જાય છે. સુખલાલને હાસ્યની ટેવ જ પડી ગઈ હતી - પછી કથનમાં કે પ્રસંગમાં હસવા જેવું હોય કે ન હોય !

'પ્રયત્ન કરું છું કાંઈ લખવાનો.' લાંબા શિક્ષણ પછી દર્શને જવાબ આપ્યો.

‘તું તારી મેળે દીધે રાખ, દર્શન ! હું કાપકૂપ કરીશ, જરૂર પડશે તો ! નામ વગર જ હમણાં ગોઠવી કહાડ... અને ધમકી આપજે કે “ધ”થી શરૂ થતું એ નામ બીજા અંકમાં પ્રગટ થશે - જો તેમની ચાલ સુધરશે નહિ તો ! કોઈ ને કોઈ નામધારી નીકળી આવશે.. ધનવંત, ધનસુખ, ધનવંતરી, ધન્નુમલ, ધીરજ...' શેઠે શિક્ષણની કૂંચી સમજાવી.

'હા જી, હું વિચાર કરું છું.' દર્શને સંમતિ દર્શાવી.

'અલ્યા, કોઈને બે ગાળ દેવી એમાં વિચાર શો કરવાનો ? તું સમજી ગયો ને કે આ પચીસ રૂપિયાનો વધારો તને કેમ કરી આપ્યો છે તે ? ફુરસાદે રખડતા રહેવું... હૉટેલો અને ક્લબોમાં પણ અવરજવર રાખવી. ઘણા એમાં જ ઝપટાઈ જશે... એ રખડપટ્ટીમાં તારે ટ્રામ પણ કદી કરવી પડે; એનો ખર્ચ પણ તને થાય ને ?.. બાતમી કાઢતા રહેવું... વખત બેવખત. સુખલાલ તંત્રીએ દર્શન માટે કાર્યક્રમ દોરી આપ્યો.

કુશળ ધંધાદારીની કુનેહ દર્શન અહીં જોઈ શક્યો. પચીસ રૂપિયાનો કહેવાતો વધારો એને પચાસ રૂપિયા ખર્ચાવે એવા કાર્યક્રમમાં ઘસડી જતો લાગ્યો. સોદાગરોની દુનિયામાં સહુએ સોદાગર બનવું પડે, અને સોદામાં જેટલો નફો લેવાય એટલો લેવો જોઈએ. દર્શને સુખલાલ તંત્રી પાસેથી એ શિક્ષણ આડકતરું લેવા માંડ્યું હતું. એણે જરા ભમ્મર ઊંચી ચઢાવી અનેપોતાના વધતા જતા કાર્યવિસ્તાર સામે સહજ વાંધો નોંધાવતાં કહ્યું : , “પછી... પછી શેઠસાહેબ, ઑફિસકામ કરવાનું, લેખો લખવાના, પ્રૂફ જોવાનાં, પત્રની ગોઠવણી નક્કી કરવાની, ખૂટતાં પાનાં છેલ્લી ઘડીએ ભરવાનાં ને ઉપરથી પાછી રખડીને બાતમી મેળવવાનું આપ કહો છો ! એ. બધું મારા એકલાથી કેમ થશે ?'

'અરે, જુવાનજોધ માણસ ! આમ કામથી કેમ ગભરાય છે ? આટલો મહિનો નભાવી લે. તારા લેખમાંથી સારી આવક થાય તો આવતે મહિને તારા તાબામાં એક ટાઈપિસ્ટ આપીશ ! પછી કાંઈ ?' શેઠસાહેબે વર્તમાનમાં પીઠ થાબડી ભાવિની આશા ઉઘાડી કામ લેવાની અનુકૂળ રીત અજમાવી. પરંતુ દર્શનની દ્રષ્ટિ સમક્ષ એક નવું જ દ્રશ્ય ખૂલી ગયું. એ દ્રશ્યની અસરમાં તેનાથી બોલાઈ ગયું :,

'હા જી, કામથી હું નહિ કંટાળું.... અને મારા ધ્યાનમાં એક છોકરી છે. ટાઈપિસ્ટ... એને હું પૂછી જોઈશ.’

“હા... હા... હા ! તમને જુવાનિયાઓને ટાઇપિસ્ટમાં પણ છોકરી જ જોઈએ અલ્યા, પરણ્યો છે કે એમનો એમ ? શેઠસાહેબ પણ છોકરીની વાત નીકળતાં આનંદિત બન્યા.

'ના, જી.. પરણવાનું જોખમ ખેડવા જેટલો પૈસો હજી થયો નથી.' દર્શને પણ રમૂજ ચાલુ રાખી.

'ચલ, હવે તારું નસીબ ફરી ગયું માનજે.... આવતી સાલ તારાં લગન ! લેખ તૈયાર કરી મને બતાવી જા.'

શેઠની - તંત્રીની આજ્ઞા અનુસાર દર્શને લેખ તૈયાર કર્યો, પસંદ કરાવ્યો, છપાવ્યો અને રખડવાને બહાને પોતાની ઑફિસમાંથી જરા વહેલો નીકળી ઘેર આવ્યો. બહારની ઓસરીમાં શોભા રમતી હતી. તેને જરૂરી કામ માટે ઝડપથી તારાને બોલાવી લાવવા કહ્યું અને તેણે પોતાનું ટાઈપરાઈટર સાફ કર્યું. તારાની રાહ જોવા છતાં ધાર્યા પ્રમાણે તારા આવી નહિ એટલે દર્શને પોતાના સંકટના સાથી સિતારને વગાડવા માંડ્યો. સાયંકાળ પ્રસરતો હતો, અને સિતારનો ઝણઝણાટ પણ સ્થિર બનતો હતો. એકાએક દર્શનને ફરીથી તારા યાદ આવી, અને તેણે સિતારને બાજુએ મૂકી ઊભા થઈ પોતાનું ખાલી બંધ બારણું ઉઘાડી નજર કરી.

તારા ભીંતે અડીને સિતારને સાંભળવામાં લીન બની ગઈ હતી તે હવે જાગૃત થઈ ગઈ. બંનેએ એકબીજાને જોયાં. તારાએ કહ્યું :

'આખો દિવસ અને રાત તમારે સિતાર જ વગાડવાનો ! તો મને બોલાવી શું કામ ?'

‘તમારી કેટલી રાહ જોઈ એ ખબર છે? તમે આવો નહિ તો હું બીજું શું કરું ?'

'પણ હું તો ક્યારની બહાર ઊભી રહી છું?'

'બારણે ટકોરા કેમ ન માર્યા ?' દર્શને તારાને ઓરડીમાં લેતાં કહ્યું.

‘પાછો તમારો તાલ-સૂર તૂટે ત્યારે ?... કહે છે કે સંગીતકારો બહુ વિચિત્ર સ્વભાવના હોય છે ! ખરી વાત ?'

'બધા જ કલાકારોમાં ઘેલછા તો ખરી જ... પણ હું તો હજી શીખું છું. હું કલાકાર નથી.'

'જેમ જેમ આવડશે તેમ તેમ ઘેલછા વધતી જશે, નહિ ?... વારુ, મને કેમ બોલાવી ?' સહજ હસીને કલાકારોની ટીકા કરતી તારાએ પૂછ્યું.

‘તમને એક જરૂરી વાત કહેવા બોલાવ્યાં છે. તમારી પરીક્ષા થોડા દિવસમાં શરૂ થશે. તમારે હવે બહુ વાંચવાનું પણ બાકી નથી. તમે થોડું થોડું ટાઇપિંગ ન શીખો ?... તમે તે દિવસે કહ્યું હતું ને ?' દર્શને તારાને વાત સંભારી આપી.

'હા. ટાઇપિંગ શીખવાનું મન તો છે. ક્યારથી શીખવશો?' તારાએ જરા આશ્ચર્ય પામી પૂછ્યું.

'અત્યારથી જ.' દર્શને કહ્યું.

'એમ? પણ એ આવડશે ક્યારે ?'

‘શીખવા માંડો તે ક્ષણથી જ આવડવા માંડ્યું માનજો પહેલો અક્ષર પડે એટલે અડધું શિક્ષણ પૂરું થાય.'

'એમ નહિ. પગાર મળે એવું ક્યારે આવડશે ?'

'આજથી જ. જુઓ, શરૂ કરો...' આમ કહીને દર્શને ટાઈપરાઈટર તારાની સામે મૂક્યું.

'શું બોલો છો તમે ? આજથી તે પગાર મળે એવું આવડે ?'

'શરૂ કરો એટલે તમને સમજાશે. આ અક્ષરો ઓળખો... ધીમે ધીમે. પછી આંગળીઓ ચલાવો. ટચ સિસ્ટમ... સારામાં સારી.' કહી, દર્શને અક્ષરો ઓળખાવી આંગળીઓ કેમ ચલાવવી તેના શિક્ષણની શરૂઆત કરી. ઉત્સાહી વિદ્યાર્થિની તરીકે તારાએ પણ હસતે હસતે શિક્ષણમાં રસ લેવા માંડ્યો અને આંગળીઓ ટાઈપ ઉપર મૂકવા માંડી. તારાની આંગળીઓ બહુ જ ધીમી અને બેઢંગી પડવા લાગી. પ્રથમ તો બંનેને હસવું આવ્યું. પરંતુ ત્રણ મિનિટના પ્રયત્ન પછી તારા કંટાળી ગઈ અને બધી જ આંગળીઓ એકદમ યંત્ર ઉપર પછાડી બોલી ઊઠી :

'આ તો કાંઈ આવડે નહિ, ભાઈ ! મારે નથી શીખવું !'

'આજના દિવસ માટે ઘણું સરસ !' દર્શને ઉત્તેજન આપ્યું.

'શું, ધૂળ સરસ ?'

'એટલું સરસ કે મારે તમને કામે રોકવા પહેલેથી જ પગાર આપવો પડશે.' કહી દર્શને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો.

'જાઓ જાઓ, હવે ! આજે બહુ દિવસે પગાર મળ્યો લાગે છે !'

'હા... મારો'જ નહિ, ટાઈપિસ્ટનો સુધ્ધાં !'

'ઘેલી વાત ન કરશો... અને શીખવવા માટે મારે તમને શિક્ષણ ફી આપવી જોઈએ... મારા દેખતા ખિસ્સામાં હાથ ન નાખશો.’ કહી તારા ઊઠી ઊભી થઈ અને દર્શન સામે જોઈ રહી. દર્શનનું મુખ જરા ઝંખવાયું અને તેણે પોતાના ખિસ્સામાંથી હાથ કાઢી લીધો.

‘હવે બીજી પાંચ મિનિટ હું શીખવીશ.' કહી તારાએ ગંભીરતાપૂર્વક બેસી યંત્ર ઉપર આંગળી નાખી. દર્શનનું મુખ ઝંખવાય એ તારાને ગમ્યું નહિ.