લખાણ પર જાઓ

ત્રિશંકુ/ચાલીના સૌંદર્યમાંથી

વિકિસ્રોતમાંથી
ત્રિશંકુ
ચાલીના સૌંદર્યમાંથી
રમણલાલ દેસાઈ
પગની ઠેસ →


 
ચાલીના સૌંદર્યમાંથી
 


કોઈ પણ ચાલીની એક ઓરડી અને બીજી ઓરડી વચ્ચે ભાગ્યે કાંઈ મહત્ત્વનો ફેરફાર હોય. ચાલી સંસ્કૃતિનું પણ એક થર છે, જેમાં આછીપાતળી ઊંચાઈનીચાઈ સપાટ બની જાય છે. દર્શનની ઓરડી પણ એ જ ઢબની હતી. ઓરડીના તળભાગના એક ખૂણે સાદડી પાથરેલી હતી - સહજ ફાટેલી. એના ઉપર એક તકિયો હતો, જેણે દર્શનને અનેક ભાવિસ્વપ્ન બતાવ્યાં હતાં, એકબે કલામય પરંતુ મેલી બનતી જતી. છબીઓ પણ ભીંત ઉપર ટાંગેલી હતી. એક બુકસ્ટેન્ડ ઉપર માસિકો. કાગળો અને ફાઈલો અવ્યવસ્થિત પડેલાં હતાં. થોડાં પુસ્તકો ઊંચકી રહેલું એક મેજ અને એક નેતરની તૂટેલી ખુરશી દર્શનને લેખક તરીકેના એના મહત્ત્વનો કદી કદી, ખ્યાલ આપતાં હતાં. ચટાઈ ઉપર બેસીને લખતાં દર્શન કંટાળતો ત્યારે ખુરશી મેજનો ઉપયોગ કરતો, અને એનાથી કંટાળતો ત્યારે ચટાઈ ઉપર બેસી જતો; અને આખી દુનિયાથી કંટાળતો ત્યારે તે એક તંતુવાદ્ય - સિતાર લઈને બેસી જતો અને એમાંથી ઊપજતા સૂરમાં તે પોતાની નિરાશાને ગાળી કહાડતો. ચાલીઓમાં રહેતા માનવીઓ સંગીત તરફ કદી કદી વળી શકે છે એ સત્ય નવાઈભર્યું ખરું. પરંતુ એટલા જ સત્યમાંથી માનવીની જીવનશક્તિનું ભાન અભ્યાસીઓને થઈ શકે એમ છે. ચાલીઓના ધુમ્મસમાં જીવતી માનવજાત મરવા સર્જાઈ નથી. ચાલીઓના ધુમ્મસનો નાશ કરવાની - અને તેમ નહિ તો એ ધુમ્મસમાં અદ્રશ્ય થઈ જતા પહેલાં ભારે તરફડિયાં મારવાની માનવીની શક્તિ છે એટલું એ સિતાર દર્શાવી આપતો હતો.

સામાન્યતઃ દર્શન અત્યારે સિતાર લઈને બેઠો જ હોય. સંધ્યા સમયે માનવી સંગીત ન સાંભળે તો એણે ચાલીની બહાર દૂર દૂર જઈ કુદરતના કોઈ સંગીતને સાંભળવું જોઈએ. પરંતુ દર્શન ત્યારે સિતાર તરફ પણ નજર કરતો ન હતો. તેમાં ઓરડી બહારના કોઈ સંગીતનું પણ તેને આકર્ષણ હોય એમ લાગતું ન હતું. ફાટેલી ચટાઈ ઉપર બેઠે બેઠે એ કાંઈ કાગળોના થોકડા જોતો હતો, મૂકતો હતો અને બીજા ઉપાડતો હતો ! બાવીસ ત્રેવીસ વર્ષનો આ યુવાન હજી તા મજબૂત લાગતો હતો. ચાલીએ એના મુખ ઉપર હજી ફિક્કાશ ઉપજાવી ન હતી. પરંતુ એ વયને શોભે એટલો આનંદ કે ઉત્સાહ અત્યારે તેના મુખ ઉપર દેખાતો નહિ. એક કાગળની થોકડી લઈ, જોઈ તેણે એકાએક જમીન ઉપર પટકી ! એ કાંઈ બોલતો ન હતો. પરંતુ ઓરડીની દીવાલમાં કોઈના વિચારનું ઉચ્ચારણ પ્રગટાવવાની શક્તિ હોત તો દર્શનના આ માનસબોલ એમાંથી ગુંજી રહ્યા હોત :

આ સર્વ મારી લખેલી કહાણીઓ !... મારી વર્ષોની મહેનત !... પડી રહી છે મારી પાસે ત્રણેક વર્ષથી !... એમાંથી મોકલું છું... જેટલા ઉમંગે મોકલું છું એટલી ઝડપે એ પાછી ચાલી આવે છે... મને લખતાં નથી આવડતું ? કે લોકોને વાંચતાં નથી આવડતું ? બીજા વાંચે એ ઉદ્દેશથી લખનાર કેમ એમ કહી શકે કે લોકોને વાંચતાં આવડતું નથી ?.. કેટલા દિવસો આમ વીત્યા?... અને હજી વીતશે ?

દર્શન કાગળો બાજુએ મૂકી ઊભો થયો. ઓરડીમાં એણે સહજ ફરવા માંડ્યું. તેની નજર પ્રથમ સિતાર ઉપર પડી. આનંદનું એ પ્રિયતમ સાધન ! પરંતુ અત્યારે એ પ્રિય વસ્તુ પણ તેને પ્રિય ન લાગી. એણે ફરતે ફરતે એક નાનકડી બારીમાંથી બહાર નજર નાખી. ઓરડીની રચના એવા પ્રકારની હતી કે એ બારીમાં નજર પડતાં કિશોરની ઓરડીઓમાં સહેજે જ નજર પડી જાય. એણે જોયું કે કિશોરકાન્ત બહારથી આવી ચટાઈ ઉપર બેઠેલી સરલા સામે પગારનો લિફાફો ફેંકી રહ્યો છે !

એનું હૃદય બોલી ઊઠ્યું :

સહુને યાદ રહે એવો એક આજનો દિવસ !... જેના ઉપર લાખોકરોડો માનવીઓનું કિસ્મત ઘડાય છે, બગડે છે, સુધરે છે, એ પગારદિન!

દર્શન જોઈ રહ્યો કે સરલા એ લિફાફા ઉપર કેવા ભાવથી પોતાની આંગળીઓ ફેરવી રહી છે ! થોડી વારમાં સરલા એ રકમ ગણશે પણ ખરી અને આખા માસની એ કુટુંબની જિંદગી એ પડીકામાં ગોઠવી દેશે પણ ખરી ! એ પગાર તારીખ ઉપર મહાકાવ્ય પણ રચી શકાય, વર્તમાન યુગમાં ! રાષ્ટ્રપ્રમુખો, રાજ્યપાલો, પ્રધાનોથી માંડી નાનકડા શિક્ષક કે એથીયે નાના પટાવાળાઓના જીવનને ગતિમાન કરતી એ તારીખ !

'પરંતુ મારે..એક નિરુપયોગી લેખકને તો એ તારીખ પણ નહિ !... કલમને ખોળે મસ્તક મૂકી મારે જીવવું હતું નર્મદની માફક... પરંતુ નર્મદ પણ સફળ ન થયો અને હું પણ અસફળ.... મહિનાઓના પ્રયત્ન પછી અંતે મેં પણ નોકરી સ્વીકારી... એક પત્રમાં... વર્તમાનપત્રમાં... જે વર્તમાનપત્રે જીવવાનું જ લોકમાનસને ચમકાવતાં !'

કૈંક મહિનાઓ થયાં દર્શન શહેરમાં આવી વસ્યો હતો. સારું ભણ્યો હતો, પરંતુ એને સારી સરકારી નોકરી મળી નહિ. એના કરતાં ઊતરતી કક્ષાના યુવકો ઈંગ્લંડ, અમેરિકા, જર્મની કે સ્વીટ્ઝરલેન્ડની ઉપાધિઓ લઈ આવી એને બાજુએ હડસેલી દેતા હતા. ખાનગી નોકરીનો તેને મોહ પણ ન હતો. અને વધારામાં તેનું હૃદય એક અભિમાન સેવી રહ્યું હતું કે તેની લેખનશૈલી તેને માટે ગમે ત્યાં જરૂર માર્ગ કરી આપશે જ. એ સુંદર કવિતાઓ લખતો હતો. કવિતાઓ સુંદર હતી એવી એને પોતાને તો ખાતરી હતી જ; ઉપરાંત એના મિત્રો પણ એની કવિતાનાં વખાણ કરતાં થાકતા નહિ. કોઈ કોઈ મહા વિદ્વાનની દ્રષ્ટિએ તેની કવિતા પડતી અને તેઓ પણ તેને ઉત્તેજિત કરતા હતા. કાવ્યના એકએક ટુકડા ઉપર તો રાજા વિક્રમ અને ભોજ લાખલાખ રૂપિયા ન્યોછાવર કરતા હતા ! દર્શનની એકએક કવિતા ઉપર સો રૂપિયા ફેંકનાર પણ કોઈ નહિ મળે શું ? દર્શને પોતાની કવિતાઓ માસિકોમાં, અઠવાડિકોમાં, દૈનિકોમાં મોકલવા માંડી. એને લાગ્યું કે પત્રોના તંત્રીઓ વચ્ચે અને તેની પોતાની વચ્ચે તેની કવિતાઓ સંબંધમાં કાંઈ અને કાંઈ મતભેદ રહ્યા કરતો હતો. કદી કદી તેની કવિતા છપાતી પણ ખરી. છતાં એ કવિતા પાછળ તંત્રીની કાંઈ અને કાંઈ ટીકા હોય ખરી ! એ કવિતા કાં લાંબી હોય કે કાં ટૂંકી હોય ! દેશાભિમાનથી ધબકતી એક કવિતા તેણે લખી મોકલી ત્યારે તંત્રીએ એ પાછી વાળતાં લખ્યું :

‘હવે પછી આવી જોરશોરભરી કવિતાને બદલે વાચકોને હસવું આવે એવી કવિતા લખી મોકલશો. લોકો હસવાનું બહુ માગે છે !'

હસવું આવે એવી કવિતા ? તંત્રીઓના આખા વર્ગ ઉપર તેને તિરસ્કાર આવી ગયો !

એક માસિકમાં પ્રેમના દર્દથી ભરેલી એક સુંદર કવિતા એણે મોકલી. તંત્રીએ લખ્યું કે એની કવિતા આ વખતે તો છાપવામાં આવી છે, પરંતુ હવે પછી પ્રેમને બદલે દેશના દુકાળને સ્પર્શતી કોઈ કરુણ કવિતા લખી મોકલે તો તંત્રી તે છાપવાનો વિચાર કરી શકશે !

પ્રેમને બદલે દુષ્કાળ ! કવિતાઓ કવિની ઊર્મિ ઉપર આધાર રાખે કે તંત્રીની માગણી ઉપર ?

પરંતુ દુષ્કાળના ઓળા એને પોતાને પ્રત્યક્ષ દેખાવા લાગ્યા, અને માનવ જાતની આર્થિક અસમાનતા ઉપર દર્શને એક દિલ ઉશ્કેરનારી કવિતા લખી મોકલી ! પરંતુ તંત્રીને ભય લાગ્યો કે એ કવિતા તેના માસિકને સામ્યવાદી છાપ આપી સરકારની અને ધનિકોની કૃપા તથા લવાજમમાં ઘટાડો કરી નાખશે. દર્શનને તંત્રીએ સલાહ આપી કે એણે એના વિચારોનો રક્ત રંગ ઠીક ઠીક ઘટાડી નાખવો અને કવિતાઓને બદલે ટૂંકી વાર્તાઓ લખવા તરફ વધારે ધ્યાન આપવું!

કવિતાનું આવું અપમાન ? કવિતા કરતાં ટૂંકી વાર્તાઓની કિંમત વધારે ? કવિતા એટલે હૃદયનો અર્ક - નિચોડ. વાર્તા - ટૂંકી વાર્તા એટલે હૃદયની નાનકડી ક્ષણિક રમત. બેની સરખામણી થઈ જ કેમ શકે ? છતાં સરખામણી થઈ અને કવિતા કરતાં વાર્તાની માંગ વધારે છે એ દર્શન પોતે પણ જોઈ શક્યો. પોતાની કવિતાઓનો હસ્તલિખિત ગુટકો લઈ તે એક સુપ્રસિદ્ધ પ્રકાશકને ત્યાં ગયો - એમ ધારીને કે તેની એકબે કવિતાઓ વાંચી એ પ્રકાશક ઉમળકાભેર તેના સંગ્રહને સચિત્ર સ્વરૂપ આપી જોતજોતામાં છાપી આપશે ! મહામુશ્કેલીએ પ્રકાશકે દર્શનને મુલાકાત આપી. સતત ઉતાવળમાં ડૂબી રહેલા પ્રકાશકની આસપાસ અનેક માણસો વીંટળાઈ રહેલાં હતાં. પ્રકાશકનો દેખાવ જોઈ તેને પ્રેમકાવ્ય વાંચી સંભળાવવું કે શૌર્યકાવ્ય. કુદરતના સૌંદર્યને વર્ણવતી કવિતા તેની આગળ કહેવી કે ધનની ચપળતા દર્શાવતી કોઈ કવિતા કહી સંભળાવવી એ નક્કી કરવાની મૂંઝવણ અનુભવતા દર્શનને અંતે પ્રકાશકે પૂછ્યું :

'કેમ ભાઈ ! તમે કેમ આવ્યા છો ?'

'એકબે કવિતાઓ સંભળાવી પછી મારો કાવ્યસંગ્રહ તમને બતાવવા.' દર્શને કહ્યું. દર્શનને લાગ્યું કે તેનો કવિ તરીકેનો દેખાવ પ્રકાશક ઉપર ભવ્ય છાપ પાડી રહ્યો છે !

'કવિતા સાંભળવાની તો મને ફુરસદ નથી... ફુરસદ હોય તોય મને એમાં સમજ ન પડે... અને કાવ્યસંગ્રહ તો અમે છપાવતા જ નથી.' પ્રકાશ ઉપર પડેલી દર્શનની છાપ હવે જુદી ઢબની દેખાઈ !

'પરંતુ આપે હમણાં જ સોહમ્ અને વિહંગ‌મ્ કાવ્યગ્રંથો છાપ્યાં છે ને ?' દર્શને પ્રકાશકના કથનને ખોટું પાડતું સત્ય પ્રગટ કર્યું.

'એ કારણ જુદું છે...'

'કેમ? એ પણ કાવ્યો છે અને મારાં પણ કાવ્યો છે. એમનાથી હું બહુ ઊતરતી કક્ષાનાં કાવ્યો નથી લખતો. હું જ કહું છું એમ નહિ.... સોહમ્ અને વિહંગમ્ બન્નેએ મને એ પ્રમાણે કહ્યું છે...' દર્શને દલીલ કરી.

‘પણ જુઓ ! સોહમ્‌નો કાવ્યગ્રંથ યુનિવર્સિટીએ પહેલા વર્ષના પાઠ્યપુસ્તક તરીકે નક્કી કર્યો છે, અને વિહંગમ્‌નો બીજા વર્ષ માટે. તમારા ગ્રંથને પાઠ્યપુસ્તક બનાવી લાવો... પછી અમે જરૂર તે છાપીશું.'

'પરંતુ આપ એક વાર છાપો પછી એની ગણના થાય ને ?' 'અમે ધંધો કરીએ છીએ, જુવાન ! કવિઓને ઉત્તેજન આપવાનું કામ અમે કરતા નથી... પાઠ્યપુસ્તક ગમે તે રીતે બનાવી શકો તો હું જરૂર છાપું.'

'પણ એમાં તો અરસપરસ વખાણનારા મિત્રો જોઈએ. લાગવગ જોઈએ...' દર્શને કહ્યું.

'જે જોઈએ તે ભેગું કરો, પછી આવો અહીં.'

'મારાં કાવ્યોની પ્રશંસા...'

'સાંભળો ! આ વિહંગમ્‌નો કાવ્યગ્રંથ એમ. એ.માં હતો ત્યાં સુધી અમે એને અડ્યા પણ નહિ. પહેલા-બીજા વર્ષમાં આવ્યો ત્યારે, જુઓ, અમે માગીને લીધો...'

'તો આપની શી સલાહ છે ?... અંતિમ...'

'મારી સલાહ એટલી કે... આમતેમ ફાંફાં મારી જાણીતા થઈ જાઓ ત્યાં સુધી આ ગ્રંથને બાંધી મૂકો... તમારે પૈસે છપાવવો હોય તો જુદી વાત. કંઈ વાર્તાબાર્તા લખી હોય તો વળી બતાવજો આવતે વર્ષે... અને પ્રકાશકે દર્શન સાથેની વાતચીત અટકાવી બીજા આગંતુકને હાથમાં લીધો, અને દર્શનના નમસ્કારને ઝીલ્યા વગર તેને જવા પણ દીધો !

પત્રોને કવિતાની જરૂર ન હતી; પ્રકાશકને પણ જરૂર ન હતી. ત્યારે કવિતાની જરૂર કોને ? પત્રો અને પ્રકાશકો પ્રજાનાં પ્રતિબિંબ ! એટલે પ્રજાને પણ કાવ્યની કે કવિની જરૂર નથી એમ જ દર્શને માની લેવાનું ને ? શા માટે એણે પ્રજાને જોઈતી વસ્તુ ન આપવી ? વાર્તા પણ સાહિત્યનો એક પ્રકાર જ છે ને ? વાર્તા લખીને પણ એ કલમને આધારે જ જીવન ગાળી શકે ! એની પ્રતિજ્ઞા વાર્તા લખીને પણ પાળી શકાય ! દર્શને કવિતાના ઊભરાને જરા શમાવી દીધો અને પોતાની કલમને વાર્તાલેખન તરફ વાળી.

એટલું જ નહિ, પરંતુ વાર્તાલેખનને વેગ મળે, વાર્તાલેખનને વ્યાપક સ્થાન મળે એ માટે એ મહાનગરીમાં આવ્યો, જ્યાં લાખો માનવીઓ પોષણ પામતા હતા... અગર પોષણ પામે છે એવો ભ્રમ સેવતા હતા. લેખકો, પત્રકારો અને સાહિત્યવર્તુલો સાથે સંપર્કમાં આવી તે પ્રતિષ્ઠા પણ મેળવી શકશે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકશે એવી સ્વાભાવિક ઇચ્છા તેની હતી. તેનો મોટોભાઈ કિશોરનો અભ્યાસયુગનો મિત્ર હતો. એણે દર્શનને કિશોર ઉપર ભલામણ-ચિઠ્ઠી લખી આપી. થોડા દિવસ કિશોરના કુટુંબમાં જ રહી તેણે મહાનનગરીના સાહિત્ય ઊંડાણમાં તરવા માંડ્યું. વાર્તાઓ લઈ લઈ તે પત્રકચેરીઓમાં જતો. તંત્રીઓને મળતો, લેખકો સાથે મૈત્રી બાંધતો. પરંતુ પત્રની દુનિયામાં શુદ્ધ કવિ કે શુદ્ધ વાર્તાકારની કોઈને ખાસ જરૂર લાગી નહિ. વાર્તા પણ લખી દે, કવિતા પણ લખી દે, રેખાચિત્ર પણ લખી દે, સમાચાર પણ લખી દે અને મહા પ્રશ્નો ઉપર અગ્રલેખની વિચારધારા પણ વહાલી દે એવા સવ્યસાચી સાહિત્યકારની એમાં જરૂર દેખાઈ. મહાધર્મમન્ત્રો પણ આ સાહિત્યકારને સાધ્ય હોવા જોઈએ અને લોકો વાંચીને હસે એવી વર્ણનશૈલી પણ એને સાધ્ય હોવી જોઈએ. બદનક્ષીમાં ફસાયા વગર કેમ નિંદા કરવી, ધ્યાન દોરાય અને જાહેરાતો મળે એવી ટીકાઓ કેમ કરવી, કલ્પિત પ્રશ્નો ઉપજાવી તેમની ચર્ચાઓ તરફ જનતાનું ધ્યાન કેવી રીતે દોરવું, એવી એવી આવડતનો ભંડાર જેની પાસે હોય એને પત્રસૃષ્ટિમાં સ્થાન મળે એવો સંભવ હતો.

એ સંભવ પણ દૂર દૂરનો. પત્રસૃષ્ટિ માગે એવા સવ્યસાચી સાહિત્યકારોનો જુમલો હરેક પત્ર પાસે એટલો મોટો હોય કે તેમાં દર્શનને સ્થાન મળવું ઘણું કઠણ હતું. મોટે ભાગે, મિત્ર તરીકે તેને આવકારતા સાહિત્યકારો, તેનામાં એક ભાવિ હરીફ નિહાળતા હતા. એટલે બની શકે એટલો ગુપ્ત પરંતુ બને એટલો અસરકારક ધક્કો પણ તેને તેઓ મારી દેતા. કિશોરને ત્યાં વધારે રહેવામાં તેને લાગ્યું કે તે ભારણરૂપ બનતો હતો. એટલે એકબે માસમાં કિશોરની પડોશમાં જ મળી ગયેલી ચાલીની ઓરડી તેણે રાખી લીધી, અને કિશોરના કુટુંબ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો. પરંતુ તેની લખેલી વાર્તાઓને નિશ્ચિત આવકાર મળતો ન હતો; અને જ્યાં સુધી એ નિશ્ચિત આવકાર મળે નહિ ત્યાં લગી આવકનું પણ નિશ્ચિતપણું સિદ્ધ થતું નહિ. આમ, અનિશ્ચિત આવકવાળાઓને પડતી બધી જ મુશ્કેલીઓનો તેને અનુભવ થતો ચાલ્યો.

દર્શનના હૃદયમાં આ મુશ્કેલીઓએ એક પરિવર્તન ઉપજાવ્યું. જીવનને અને પોતાના સાહિત્યને અત્યંત ગંભીરતાપૂર્વક નિહાળવાની તેને પડેલી ટેવ ઘસાઈ ગઈ અને એક પ્રકારની મસ્ત બેફિકરાઈ તેના સ્વભાવે વિકસાવવા માંડી. મુશ્કેલીઓ સામે હારતો માનવી કાં તો કમરેથી ભાંગી પડે અગર મુશ્કેલીઓને હસી છાતી કાઢી ટટાર ઊભો રહેવા મથે. જીવનની વિષમતાએ દર્શનને ધીમે ધીમે હસતો બનાવ્યો. અને છેક હમણાં જ તેને એક પત્રમાં નોકરી મળી પણ ગઈ. એના પડોશી અને ભાઈના મિત્ર કિશોરને પોતાની પેઢી અંગે કાયમી જાહેરાત આપવાની હતી. જે પત્રને તેણે જાહેરાત આપી તે પત્રના માલિક-તંત્રીને તેણે દર્શનની ભલામણ કરી અને જાહેરાતમાં મળવાની સારી રકમનો વિચાર કરી તંત્રીએ તેને નોકરીમાં રાખી પણ લીધો. પરંતુ દર્શનને કામ કરતાં હજી મહિનો પણ પૂરો થયો ન હતો. જરૂરિયાત ઘણી હોવા છતાં પગારને દિવસે તેને પગાર મળે એમ હતું નહિ. એથી નિરાશા અનુભવતો દર્શન આજ પૈસાવિહીન પરિસ્થિતિમાં પોતાના ભૂતકાળ અને ભાવિનો વિચાર કરતો કષ્ટ અનુભવી રહ્યો હતો. સામાન્યતઃ તેણે પોતાના પરાજયોને હસવા માટે રાખ્યા હતા. પરંતુ અત્યારે એના હૃદયે વીરની નિષ્ઠુરતા કે કોઈ હાસ્યરસિકની માર્મિકતા અનુભવી, નહિ. કવિમાંથી વેઠિયા પત્રકારની ભૂમિકાએ ઊતરી પડનાર દર્શનને હવે હસવું આવવું જોઈતું હતું. તેને બદલે તેનાથી પોતાની પરિસ્થિતિ ઉપર નિઃશ્વાસ નખાઈ ગયો ! વળી તેણે કિશોરની પત્ની સરલાના હાથમાં પગારનું પડીકું નિહાળ્યું અને તેને પોતાની ધનહીનતા બહુ જ સાલી. તે ગંભીર કરુણ બની ગયો અને વધારે નિરાશામાં તે ઊતરતો ચાલ્યો. અને એકાએક તેની ઓરડીના દ્વાર ઉપર ટકોરા પડ્યા. દર્શન એકાએક સાવધ બની ગયો. મુખ ઉપર પથરાયેલી નિરાશાની છાયાને એણે ખસેડી નાખી અને તેને સ્થાને નિશ્ચયપૂર્વક વિકસાવેલું સ્મિત તેણે પ્રગટ કર્યું - જોતજોતામાં. એટલામાં તો તેની ઓરડીનું બારણું જરા ખૂલ્યું અને તેમાંથી તારાનો દેહ દેખાયો. દર્શનને ફરતો જોઈ તારાએ બારણું ખોલી અંદર પ્રવેશ કર્યો અને છતાં પૂછ્યું :

'આવું કે, દર્શન ?'

'જરૂર.... હું મારાં બારણાં કદી બંધ રાખતો નથી.' દર્શને કહ્યું.

'રાત્રે પણ નહિ? અને દિવસે પણ નહિ ?'

'ના, રાત્રે પણ નહિ અને દિવસે પણ નહિ.'

'ચોરબોર પેસી જાય તો ?'

‘ભલે ! એને જે જોઈતું હોય તે ભલે લઈ જાય !'

'કદાચ કોઈ ચોર તમને જ ઊંચકી જાય તો?'

'એ ભય મને લાગતો જ નથી.'

'કારણ ?'

'આ દુનિયાને પુરુષ ઊંચકી જવા જેવો કિંમતી કદી લાગ્યો જ નથી.'

'એટલે એમ કે... તમે સ્ત્રી હો તો તમને કોઈ ઊંચકી જાય ! એમ ને ?'

'પહેલાના યુગમાં એવી બેવકૂફી પુરુષો કરતા હતા ખરા; હવે નહિ.'

'હવે કેમ નહિ ?'

'આજની સ્ત્રીઓને ઊંચકી જવી ભારે પડે એમ છે.' 'એટલે ?'

'એટલે એમ કે આજની સ્ત્રીઓ પહેલાંના યુગ જેવી નાજુક નથી કે એમને સહેલાઈથી ઊંચકી જવાય.'

'છતાં કવિઓ હજી કવિતાઓ તો સ્ત્રી ઉપર જ લખે છે !'

'હા. એ આનુવંશિક રોગ હજી ચાલ્યા કરે છે ખરો... પણ કહો, તારાદેવી ! કેમ અત્યારે અહીં આવવું થયું ?'

‘તમે ધારો, હું શા માટે આવી હોઈશ?”

‘તમારા હાથમાં પુસ્તક છે એ જોતાં કાંઈ કપરાં અંગ્રેજી વાક્યો સમજવા તમે આવ્યાં હશો.'

'અને પુસ્તક મારા હાથમાં ન હોય તો ?'

'પુસ્તક છે છતાં ન હોય એમ કેમ મનાય ?'

'લો. આ મેં પુસ્તક સંતાડી દીધું.... કહો, હું કેમ આવી હોઈશ?'

“કદાચ... સહુના પગારદિને હું કેમ વર્તન રાખતો હોઈશ તે જોઈ લેવા.'

“ના..... ખોટું... જાણું છું કે તમને આજ પગાર ન મળે.'

‘તો... હું યોગીપદને કે ઈશ્વરપદને પામું નહિ ત્યાં સુધી તમારા હૃદયને ઓળખી શકું એમ નથી.'

'સાંભળો. ત્રણ-ચાર દિવસ થઈ ગયા, પણ તમે તમારો સિતાર વગાડતા નથી. હું પૂછવા આવી છું કે એમ કેમ ?'

'સિતારની વાચા બંધ થઈ ગઈ છે.' સહજ હસીને દર્શને કહ્યું.

'વાચા ? સિતારની વાચા ?' તારાએ જરા આશ્ચર્ય દર્શાવ્યું.

'હા, તારાદેવી ! માનવીની માફક વાદ્યોને પણ હૃદય હોય છે, અને વાચા પણ હોય છે,'

'મને બતાવી શકશો ?... પેલો સિતાર લટકે !... ખોળ પણ એને વીંટાળી નથી !..... અને આ તાર પણ તૂટી ગયો છે !' ખીંટીએ લટકાવેલા સિતાર ભણી જોઈને તારાએ કહ્યું.

‘એ જ કહું છું. તાર તૂટે એટલે વાદ્યની વાચા અલોપ થઈ જાય.’ દર્શને કહ્યું.

‘તાર જોડતા કેમ નથી ?'

'જોડવો છે.... જોડીશ...'

'ક્યારે ?' 'થોડા દિવસમાં.' દર્શને કહ્યું. અને એક ક્ષણભર તેના સ્મિત ભર્યા મુખ ઉપરથી સ્મિત ઊડી ગયું. થોડી ક્ષણ બન્નેએ એકબીજાની સામે જોયું અને દર્શને પોતાના મુખ ઉપર પાછું સ્મિત લાવી મૂક્યું. એ સ્મિતનો સ્મિતથી જવાબ આપવાને બદલે ગંભીર મુખ કરી તારાએ કહ્યું

'સમજી ગઈ.'

'શું સમજ્યાં તમે ?' દર્શને હસતે હસતે પૂછ્યું.

દર્શનની ઓરડીના બારણામાંથી તારાની ભત્રીજી શોભાએ પ્રવેશ કર્યો - દોડતે દોડતે. એની પાછળ નાનકડો અમર પણ દોડતો દોડતો આવ્યો. અનેક સૌન્દર્યક્ષણોને, અનેક ઇચ્છનીય એકાંતોને બાળકો ભૂંસી નાખે છે. એની ખબર તેમને હોતી નથી. પ્રભુના એ પયગંબરોએ કેટકેટલી સ્નેહસમાધિઓ હલાવી નાખી છે.

'ચાલો, ચાલો ! જલદી ચાલો. મા બોલાવે છે.' શોભાએ તારાનો હાથ પકડી કહ્યું.

'મને બોલાવે છે ?' તારાએ કહ્યું. '

'હા.'

'કેમ ?'

'એ તો મને ખબર નથી.' શોભા બોલી. ભાઈભાભીની આજ્ઞા માનવાને ટેવાયેલી તારા દર્શન સામે ક્ષણ બે ક્ષણ નજર નાખી સ્વાભાવિક ઢબે દર્શનની ઓરડી છોડી ગઈ. કૉલેજના અભ્યાસને સામે કિનારે તારી જતી આ નવયૌવના તારાને ઓરડીમાંથી પાછી ફરતી જોઈ દર્શનના હૃદયમાં કવિતા સ્ફુરી આવી ! આંખને ગમે એ સૌન્દર્ય કે સ્વર્ગ હોઈ શકે ખરું ?

દર્શને પોતાના હૃદયમાં જાગતી કવિતાને મુક્કો મારી બેભાન બનાવી દીધી ! ધનહીનના હૃદયમાં કવિતા કેવી ?