ત્રિશંકુ/ચોરનો ભાઈ ઘંટીચોર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નીચલા થરમાં ત્રિશંકુ ત્રિશંકુ
ચોરનો ભાઈ ઘંટીચોર
રમણલાલ દેસાઈ
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર →૧ર
 
ચોરનો ભાઈ ઘંટીચોર
 

હાથમાં દર્શને આપેલું પૈસાનું પડીકું લઈ તારા પોતાની ઓરડીમાં આવી અને તેને ભાન આવ્યું કે તેણે એ પડીકું તાત્કાલિક સંતાડવું જોઈએ. પોતાની ભાભી કે ભાઈને પૂછીને દર્શને આપેલા પૈસા રાખવા કે નહિ તેનો નિકાલ કરવાની એક બાજુએ તેના હૃદયમાં વૃત્તિ જાગી, અને બીજી બાજુએ નવા ઊપજેલા પૈસાથી ભાઈ-ભાભીને ચમકાવવાની પણ વૃત્તિ થઈ ખરી. શું કરવું તે સમજ ન પડતાં તેણે પડીકું સંતાડયું તો ખરું, અને પછી જ ઘરમાં આવી.

ઓછી મહેનતે મળેલા પૈસાનો ભાર તારાને જરા વધારે લાગ્યો તેના પગ ભારે થઈ ગયા. અત્યંત હળવાશથી, કોઈ ન દેખે ન પરખે, એમ તેણે ઓરડીમાં પ્રવેશ કર્યો અને જોયું તો તેની ભાભી સરલા કબાટ ઉપરથી કેશબૉક્સ હાથમાં લઈ તેને ખખડાવતી તેણે નિહાળી. તારા બાજુ ઉપર ઊભી રહી. હજી સરલાને ખબર ન હતી કે તારા તેની પાછળ આવી ચૂકી છે. કૅશબૉક્સ ખખડાવતાં તેને લાગ્યું કે તેમાં થોડા રૂપિયા ખખડતા હતા. પાસે પડેલી ચાવી વડે તેણે કૅશબૉક્સ ઉઘાડી અને તેમાંથી રૂપિયા કાઢીને ગણ્યા. પાસે પડેલા કેલેન્ડરમાં તેણે નજર નાખી અને તેને ખાતરી થઈ કે આજે પગારની તારીખ છે જ, અને કિશોર પગાર લઈને જ આવશે. કૅશબૉક્સ બંધ કરી રૂપિયા હાથમાં રાખી તેણે સહજ પાછળ જોયું તો તારા તેની પાછળ ઊભેલી દેખાઈ ! એટલું જ નહિ, તારાએ તેને પૂછ્યું પણ ખરું:

'કેમ ભાભી ! શું કરો છો ?'

પોતાની માલિકીના પૈસાને ખખડાવવા, જેવા કે તેને અડવું એ પણ મધ્યમ વર્ગને માટે ચમકાવનારી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. કચવાતે, સંકોચાતે, તેણે કૅશબૉક્સ ઉઘાડી હતી. એ કૅશબૉક્સ ઉઘાડતાં અને તેમાંથી પોતાના જ પૈસા કાઢી લેતાં સરલાએ જાણે ચોરી કરી હોય એવી તેને ચમક થઈ. જરા ચમકીને સરલાએ તારાને જવાબ આપ્યો :

'શું કરું, બહેન ! કાંઈ રહ્યુંરહ્યું હોય તો તે જોઉં છું.'

'કંઈ લાવવું છે બજારમાંથી ?' તારાના મનમાં એમ હતું કે ભાભીને કંઈ જોઈતું હોય તો તે પોતાના પૈસામાંથી આજ લઈ આવે પણ ખરી; એટલે તેણે આ પ્રશ્ન કર્યો.

'ના રે, બહેન ! આજ લાવવું શું હોય ?' સરલાએ કહ્યું.

'પરંતુ તમે તો રૂપિયા બહાર કાઢ્યા છે ! કૅશબૉક્સમાં જેનાથી બને તેણે પૈસા નાખવા એવો આપણો નિયમ છે.' તારાએ કહ્યું.

'પણ એ નિયમ કોણ પાળે છે ? હું તો નહિ. બહેન ! અને તમને તથા છોકરાંને એવું કદી ક્યારે આપી શકીએ છીએ કે જેમાંથી તમે બચાવો અને કૅશબૉક્સમાં કાંઈ મૂકો ?' સરલાએ ઘરની પરિસ્થિતિનું સમજાય એવું બ્યાન કર્યું.

'તો પછી પૈસાની કેમ જરૂર પડી. ભાભી ? આજ ભાઈનો પગાર તો આવશે ને ? એમાંથી. બજેટ કરીને પછી જ ખર્ચજો ને ?' તારાએ કહ્યું.

'આશા તો બહેન ! છે જ, કે આવશે અને પગાર લાવશે જ. એ આશામાં જ આ રકમ કાઢી લઉ છું. સરલાના મુખ ઉપર કંઈ વ્યક્ત વેદના દેખાતી હતી.

'પણ બિલ તો હજી કાલથી આવશે, પગાર-તારીખ પછી.' તારાના હાથમાં આવેલી રકમ નજીવી હોવા છતાં એટલી રકમે પણ તેને ઠીકઠીક વાચાળ બનાવી હતી. પૈસો માનવીની જીભ ખોલી નાખે છે !

'પરંતુ તારાબહેન ! જીવન અને મરણ પગાર-તારીખોની પરવા ક્યાં કરે છે ?' સરલાએ જવાબ આપ્યો.

'સમજાયું નહિ, ભાભી ! કોના જીવનમરણની વાત કરો છો ? મને તો કંપ આવી ગયો, તમને સાંભળીને.'

'મને પણ કંપ આવ્યો ! માટે જ ઊઠીને આવી છું. અને કૅશબૉક્સમાંથી પૈસા કાઢું છું.'

'કોને માટે, ભાભી ? શાને માટે ?'

'તારાબહેન ! બહાર કોણ ઊભું છે તે તમે જોયું ?' સરલાએ પૂછ્યું.

'ના... હા... પેલા ગજરાબહેનના વર જેવું કોઈ ડોકિયાં કરતું હતું, હું આવી ત્યારે. કદાચ એમને ભાઈનું કામ હોય !' તારાને ઓરડીમાં પેસતાં પેસતાં બહાર કોણ ઊભું હતું તેનો હવે ખ્યાલ આવ્યો.

'ના. એમને તમારા ભાઈનો પણ ખપ નથી અને મારો પણ ખપ નથી.' સરલાએ વિષાદભર્યું સ્મિત કરી કહ્યું.

‘ત્યારે ?'

‘એમને થોડા રૂપિયાનું કામ છે.' ‘શાને માટે ?'

‘ગજરાબહેન એક બાળકને જીવન આપવા માગે છે. પરંતુ ડૉક્ટર નહિ હોય તો ગજરાબહેન અને બાળકની મૃત્યુઘડી પાસે છે !'

'તે ડૉક્ટર ક્યાં છે ? શું ડૉક્ટર ન મળ્યા ગજરાબહેનને ?' તારાએ પણ ચિંતા દર્શાવી પૂછ્યું. સરલાએ સહજ હસીને જવાબ આપ્યો :

'ના. સોનું, રૂપું, કશું આપો નહિ ત્યાં સુધી ડૉક્ટરો મળે જ નહિ !'

'પણ, ગજરાબેનના વરનો પગાર આજે આવ્યો જ હશે ને ?'

'ના. આજ એમનાથી એમની કચેરીમાં જવાયું જ નથી. પછી બધી વાત કહીશ. હું હમણાં તેમને પૈસા આપી આવું.' એટલું કહી સરલા કૅશબૉક્સ મૂકી ઓરડી બહાર ઝડપથી ચાલી ગઈ.

તારા એકલી પડી. એણે ચારે પાસ નજર ફેંકી. બાળકો કે એની પ્રિય બિલાડી, કોઈ જ ત્યાં હતું નહિ. જાણે ચોરી કરવી હોય તેમ તારાએ કૅશબૉક્સ હાથમાં લીધી અને પછી ફરી ચારે પાસ જોઈ દર્શને આપેલી સંતાડેલી રકમ બહાર કાઢી કાણામાંથી કેશબોક્સમાં નાખી. નાખતે નાખતે તેનાથી બોલાઈ ગયું - બહુ ધીમેથી :

'કુટુંબમાં આ મારો પહેલો ફાળો !'

તારાએ કૅશબૉક્સ હતી તેમને તેમ મૂકી દીધી. તેના મુખ ઉપર જરા આનંદ પ્રગટ થયો.

એકાએક તેને ચિંતા થઈ ! તેણે મૂકેલી રકમ ભાઈ કે ભાભી ગણશે. તો ? આજે ગણતરીનો દિવસ તો હતો જ. ભાભીને કહીને એ રકમ એણે અંદર નાખી હોત તો કેવું સારું થાત? હવે ? તારાએ ફરી કૅશબૉક્સ હાથમાં લીધી. કૂંચી લઈ કૅશબૉક્સ ઉઘાડી પોતે મૂકેલા પૈસા પાછા કાઢે, તે સિવાય એ પૈસા પાછાં નીકળે એમ ન હતું. સરલાભાભી પૈસા આપી પાછા ફરશે કે ગજરાબહેનની સારવાર માટે તેમની ઓરડીએ જશે, એની તારાને ખાતરી થઈ નહિ. સારું કામ કરવા છતાં પણ તેના હૃદયે કંપ અનુભવ્યો. બહારનું બારણું ઊઘડતું હોય એવો ખખડાટ થયો, એટલે તેણે કૅશબોક્સ અંદર મૂકી દીધી અને રસોડાના ભાગમાં જવા માંડયું. જતે જતે તેના મનમાં વિચાર આવ્યો :

‘એ ફાળો ખરેખર મારો ?... કે દર્શનનો ?'

જતે જતે તેને લાગ્યું કે તેનો ભાઈ કિશોર ઘરમાં આવી રહ્યો છે. ગભરાઈ ઊઠેલી તારા થોડી વાર સુધી રસોડાની વ્યવસ્થા કરી રહી. સરલા ઘરમાં હતી નહિ એટલે કિશોર ખુરશી ઉપર રિવાજ પ્રમાણે બેસી ગયો. કિશોરને સહજ નવાઈ તો લાગી; તેને આવવાનો સમય થયો હોય અને સરલા તેની રાહ જોઈ બેઠી ન હોય એવું ભાગ્યે જ બનતું. મઝદૂરને અને ગુંડાને એણે બહાર જ ઊભા રાખ્યા હતા. તેના આવ્યાનો ધસારો સાંભળીને સરલા રસોડામાંથી પણ આવ્યા વિના નહિ રહે એમ ધારી થોડી. ક્ષણ તે ખુરશી ઉપર જ બેસી રહ્યો. એટલામાં ગજરાબહેનને જોઈ સરલા વહેલી વહેલી પોતાની ઓરડીમાં ચાલી આવી. પતિને ખુરશીમાં બેઠેલો જોઈ પ્રસન્ન થઈ અને પોતે પણ સાદડી ઉપર બેઠક લીધી. કિશોરે પણ તેને જોઈ; પરંતુ તેણે સરલા ઉપરથી નજર ખેંચી લીધી અને ખુરશી ઉપરથી ઊઠી કોટ કાઢી ખીંટીએ લટકાવી તે પાછો પોતાની ખુરશી ઉપર બેસી ગયો. જરા રાહ જોઈ સરલાએ હસતે મુખે પૂછ્યું :

‘કેમ, આજે પાકીટ ફેંક્યું નહિ ?'

દર માસે પગાર લઈ કિશોર ઘરમાં આવતો ત્યારે પગારના પૈસાનું પાકીટ તે સરલાના પગ પાસે મૂકતો અગર ફેંકતો. એટલે સરલાનો પ્રશ્ન પ્રસ્તુત હતો. કિશોરે એ પ્રશ્નનો જવાબ આપ્યો :

‘પાકીટ હોય તો ફેકું ને ?'

'કેમ ? એ શું? આ જ તો પગારદિન છે ને ?' સરલાએ પૂછ્યું અને તારીખના કેલેન્ડર તરફ નજર કરી.

‘પગારદિન પગાર વગરનો દિન બની ગયો છે. હજી ચાર દિવસ પગાર માટે રાહ જોવાની છે.' કિશોરે કહ્યું.

‘હરકત નહિ. બિલવાળા એટલું તો થોભશે. ઓહો, એમાં શું ? ભલે ચાર દિવસ મોડું થાય !' સરલાએ હસતે મુખે કહ્યું.

'એટલું હોય તો કાંઈ હરકત ન હતી. પણ સરલા, હું તો બીજી આફત લાવ્યો છું.' કિશોરે કહ્યું.

'શું છે, કહો ને? તમે કદી આફત લાવો જ નહિ.'

'આજે તારી બેંક ખોલવી પડશે. અને જે પચીસની રકમને આપણે અડવું નહિ એવા સોગંદ લીધા હતા, એ આખી રકમને આપણે ગુમ કરવી પડશે.' કિશોરે કહ્યું.

સરલાના મુખ ઉપર એક જાતની અશાંતિ ફેલાઈ ગઈ. તેણે પૂછ્યું :

‘શાને માટે ? કોને માટે ?'

'એક મઝદૂરનો જીવ બચાવવા માટે.'

'અરે બાપ ! એ રકમ તો હમણાં જ ગુમ થઈ. હું અબઘડી એ આપીને પાછી આવી છે. ' સરલાએ કહ્યું અને કદી ન અનુભવેલી વિચિત્ર લાગણી સરલાએ અનુભવી.

'શું? કહે છે તું ?' જરા ઉગ્રતા લાવી કિશોરે પૂછ્યું. એની ઉગ્રતા પાછળ મઝદૂર અને ગુંડો બન્ને જણ હતા.

'શું કહું? બે જીવને બચાવવા માટે એ રકમ પડોશીને કાઢી આપવી પડી.'

'કયા પડોશી ?'

‘ગજરાબહેનના વર.'

‘પણ હવે? પેલો ગુંડો મજદૂરનો જાન લેશે.'

‘મને જરા વહેલી ખબર પડી હોત તો હું રૂપિયા જતા ન કરત. હવે?’

'મારું વચન ફોક થાય એવું કદાચ હું દુઃખ ન ધરું, પરંતુ પેલા મજદૂરની શી દશા ?'

‘આપણે જામીન થઈએ તો ?'

'ગુંડો માગે છે રોકડા પૈસા ! જામીન-બાંહેધરી નહિ. એ નહિ મળે. તો મને ડર છે કે ગુંડો છરો ખોસી દેશે... આપણી ઓરડી આગળ જ !'

‘પોલીસને ખબર આપીએ તો ?' સરલાએ કાયદેસર રસ્તો બતાવ્યો.

'એ નવી આફત વહોરવા જેવું થશે... પોલીસનો ઈશારો પણ ગુંડાને થશે તો તે મઝદૂરને છરો ભોંક્યા વિના રહેશે નહિ અને તું કહે છે કે ઘરમાં કાંઈ રકમ જ નથી ! શું કરીશું હવે ?' કિશોરના મુખ ઉપર આખી સૃષ્ટિનો ભાર આવી વસ્યો હોય એમ લાગ્યું. સાહેબનાં કપડાં પહેરી ફરતા સલામ કરવા લાયક કિશોરની પાસે પચીસ રૂપિયા પણ ન નીકળે એમ ગુંડો માનવાને તૈયાર ન જ થાય ! પત્ની પણ બીજા કોઈને સહાયરૂપ થવા માટે પૈસા આપી આવી હતી. તંગીવાળા માણસોએ કદી કોઈને બચાવવાની મોટાઈ ન જ કરવી જોઈએ, એમ કિશોરને અત્યારે લાગ્યું.

સરલા પતિના મુખ ઉપરની મૂંઝવણ સમજી ગઈ. એકાદ બે વાસણ કે પોતાનું કીડિયાં ભરેલું સોનાની ચકતી લટકાવેલું મંગલસૂત્ર વેચીને પણ પચીસ નહિ તો દસ-પંદર રૂપિયા છેવટે તે ઊભા કરી શકે એમ હતું. જરા સ્વસ્થતા ધારણ કરી સરલાએ કહ્યું :

'જરા ઊભા રહેવા દો એ બન્ને જણાને. હું પહેલી ચા કરીને મોકલાવું, પછી બીજી વાત. કેટલું ભારણ માથે ?' કહી સરલા ઊભી થઈ અને ચા બનાવવા માટે રસોડાની ઓરડીમાં ચાલી ગઈ. પાંચેક ક્ષણ એકીટસે કેલેન્ડર તરફ જોઈને બેસી રહેલો કિશોર ઊભો થયો અને તેણે પોતાના બેત્રણ્ જૂના કોટના ખિસ્સાં ફંફોસ્યાં : રખે ને કોઈ ભુલાઈ ગયેલી રકમ કોટના ખિસ્સામાં પડી હોય તો ! એવી ભૂલ મધ્યમ વર્ગના ખિસ્સાં કદી કરતાં નથી. એ ભૂલ થાય તોપણ ધનિકોનાં કે ગરીબોનાં ખિસ્સાંઓમાં કેટલાંક તાકાં તરફ તેણે નજર કરી. પરંતુ તેમાં ઘસાયેલો સાબુ, તૂટેલી કાંસકી કે કટાયલી બ્લેડ સિવાય કાંઈ દેખાયું નહિ.કબાટ પણ્ તેણે ખોલ્યું; એમાં પણ્ કંઈ આશા ઉપજાવતી નિશાની તેને દેખાઈ નહિ. અંતે તેની નજર જીવનના પ્રતીક સમી ખાલી કૅશબૉક્સ તરફ્ પડી. કૅશબૉક્સ એટલે આશામાંથી નિરાશામાં ખેંચી જતો મધ્યમ્ વર્ગનો આર્થિક સંક્ત. કૅશબૉક્સને જોઈને એને કટાળો આવ્યો ને કંટાળામાંથી એને રીસ ચઢી. કૅશબૉક્સને ઊંચકી પછાડવાનું મન થયું. એને હાથમાં લઈ ખખડાવી, પછાડવા જાય્ છે ત્યાં તે એકાકેક અટક્યો; ખાલી કૅશબૉક્સમાં જરા વધારે ભાર લાગ્યો અને ઠીકઠીક રકમનો ખકહડાટ થયો. સરલા કહેતી હતી એવું ખાલીપણું એને કૅશબૉક્સમાં ન દેખાયું. જરા આશ્ચર્ય પામી કિશોરે તેને પોતાની પાસે હાથમાં રાખી અને તે પાછો એકની એક બેસવાની ખુરશી ઉપર બેઠો.

એટલામાં જ તારાએ આવીને ચાનો પ્યાલો કિશોરના હાથમાં મૂકી દીશો. કિશોરે ચા પીવા માંડી, અને પીત્ એપીતે તારા સમે જોયા વગર કહ્યું:

'તારાં ભાભી ક્યાં છે?'

'હું બોલાવું, ભાઈ !' કહી તારાએ બારણા પાસે જઈ હળવી હાક્ મારી :

'ભાભી ! ભાઈ બોલાવે છે તમને.'

અંદરથી સરલાએ જવાબ્ આપ્યો:

'આવી...અબઘડી,' અને એ તો એ જ ક્ષણે પતિ પાસે આવી અને ઊભી રહી. કિશોરે એ જ ક્ષણે સરલાના મુખ તરફ જોયું ને કૅશબૉક્સ તેની સામે ધરી કહ્યું:

'સરલા ! આ તારી બૅંક ખોલી જો ને?"

'પણ અંદર તો કંઈ જ નથી. હોત તો મેં ક્યારનુંય કાઢી આપ્યું હોત.' સરલાએ સહજ હસ્તે હસતે જવાબ આપ્યો.

'સરલા ! આ રકમ આપ્યા વગર ચાલે તેમથી, મારા બોલનો પ્રશ્ન છે.' કિશોરે જરા સખતાઈથી કહ્યું.

'તમારો બોલ એ મારો બોલ. હજી તમારી આપેલી વીંટી મેં પહેરી રાખી છે. કંઈ ન હોય તો એનો ઉપયોગ શા માટે ન થાય? ' કહી સરલાએ બીજે હાથે વીંટી ફેરવવા માંડી.

‘તે પહેલાં, સરલા ! આ તારી કહેવાતી બેંક ખોલી દે.' કિશોરે સખતાઈપૂર્વક સરલા સામે કૅશબૉક્સ ધરી. સરલાના મુખ ઉપર ખોટું લાગ્યાનાં સ્પષ્ટ ચિહ્ન દેખાયાં. કૅશબૉક્સ હાથમાં લઈ તેણે કહ્યું :

'એમ? મારો વિશ્વાસ ન બેઠો ?' અને તેણે પેટીને કૂંચી લગાડી પેટી ખોલી, તો અંદર પચીસ રૂપિયા કરતાં વધારે રકમ તેને દેખાઈ. એ રકમ તેણે જમીન ઉપર ખંખેરી બહાર કાઢી અને ખંખેરતા તેણે કહ્યું :

'હાય, હાય ! હમણાં તો ખાલી કરી ગઈ છું. તમે મશ્કરી તો નથી કરતા ને ?... અંદર જાતે નાખીને ? મારો તો જીવ ઊડી ગયો !'

સરલાની સામે જોયા વગર કિશોરે કહ્યું :

‘સરલા ! કરકસર સારી છે, કરકસરની જરૂર પણ છે. પરંતુ રોટલો રળનારને છેતરીને કરકસર ન કરીશ.'

'તમને છેતરું ? આજ સુધી નહિ ને અત્યારે ? તમને છેતરું એ પહેલાં હું ફાટી કેમ ન પડું?' કહેતાં કહેતાં સરલાની આંખમાં અશ્રુ ઊભરાઈ આવ્યાં. તારા પાસે જ ઊભી હતી. એણે કહ્યું :

'શું છે ભાઈ? એ પૈસા તો મેં નાખ્યા છે.'

'ચૂપ રહે. ભાભી, નણંદ બન્ને મળી મને ન છેતરો !' કિશોરે કદી, ન વાપરેલી સખતાઈ એના બોલમાં વ્યક્ત થતી હતી.

'મારી જાતના સોગન, ભાઈ ! જો મેં એ પૈસા મારી જાતે મૂક્યા ન હોય તો.' તારાએ પણ સભ્યતાપૂર્વક છતાં જોરથી સત્ય હકીકત કહી.

'તું ક્યાંથી લાવી ? તારી સ્કૉલરશિપની રકમ તો હમણાં જ વપરાઈ ગઈ. ખોટું સમજાવીશ નહિ.'

‘મને દર્શનકુમારે પૈસા આપ્યા.'

'એનાથી ઓરડીનું ભાડું તો અપાતું નથી ! અને એ તને પાછો પૈસા આપે ?' કિશોરે તારાની વાત માનવાની વૃત્તિ જરાય દર્શાવી નહિ. પરંતુ તારા ચીવટાઈથી ભાઈને સત્ય હકીકત સમજાવવા મથી :

'જુઓ, ભાઈ ! હમણાં તો એમનું પત્ર સારું ચાલે છે, અને એમને સારો પગાર મળે છે. કહે છે કે તમે જ એમને આગ્રહ કરીને પ્રેસમાં મોકલ્યા હતા.'

‘તને દર્શન શાનો પૈસા આપે ?' કિશોરે પૂછ્યું.

હું કદી કદી એમને કેટલીક નકલો કરી આપું છું... અને ટાઈપિંગ શીખું છું... તેમાંથી મને રૂપિયા આપ્યા. ‘પાછો એ તને નકલના પૈસા આપે !... ચાલ, આમાંથી પચીસ રૂપિયા ગણી મને આપી દે !' કિશોરે આજ્ઞા કરી અને તારાએ જમીન ઉપર પડેલા રૂપિયામાંથી પચીસ રૂપિયા ગણીને ભાઈના હાથમાં મૂક્યા. મૂકતે મૂકતે તારાએ કહ્યું :

'ભાઈ ! તમે હિસાબ ગણી જુઓ !'

‘ગણ્યો હિસાબ !'

'તો પછી આ પાંચ રૂપિયા વધે ક્યાંથી ?' સરલાએ હિંમત કરી પોતાનો બચાવ કર્યો.

'હં !' 'કરી કિશોર હાથમાં રૂપિયાની મૂઠી વાળી ઊભો થયો અને તારાએ કહ્યું :

‘ભાઈ ! સાચું ન લાગતું હોય તો દર્શનને બોલાવી લાવું, અગર તમે જાતે જ એમને પૂછી જુઓ.'

કિશોરે કાંઈ પણ જવાબ ન આપતાં રૂપિયા લઈ બારણા તરફ ચાલવા માંડ્યું. જતે જતે કિશોરના મુખમાંથી ઉદ્દગાર નીકળ્યા :

'ચોરનો ભાઈ ઘંટીચોર !'