ત્રિશંકુ/ચૌટે−ચકલે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રતિષ્ઠામાંથી ગુનામાં ત્રિશંકુ
ચૌટે−ચકલે
રમણલાલ દેસાઈ
દુખ−પોલીસ અને દુઃખમાં સહાય →

૧૭
 
ચૌટે-ચકલે
 


આ ગુના માટે એક રાત્રિ પણ બસ થાય અને ગુનો ન પકડાય તો હજારો રાત્રિઓ પણ ગુનામાં વીતી જાય. કિશોર પકડાયો ત્યારે તેના કાન ઉપર 'ચોર ! ચોર !' એવા ભણકારા વાગ્યા જ કરતા હતા. બંધાઈને જતાં અંધકારમાં પણ તેને એક બીભત્સ હાસ્ય આવ્યું. તેના આત્માએ પ્રશ્ન કર્યો :

'ચોર ? કોણ ચોર ? સહુ કોઈ ! કોણ નહિ ?' એના જ આત્માએ પ્રશ્ન કર્યા અને જવાબો આપ્યા. ગાંધીજીની આત્મકથા કહે છે કે તેમના આશ્રમમાં તેમની પત્ની એ પણ ચોરી કરી હતી ! ગાંધીજી પ્રત્યક્ષ થતાં કિશોરની આંખ સામે ચોરોનો એક રાફડો ફાટ્યો અને તેમાંથી અનેક પ્રતિષ્ઠિત, નામાંકિત, ગુરુસ્થાનસ્થિત સ્ત્રીપુરુષોનાં મુખ દેખાઈ આવ્યાં.

પ્રભાતના પાંચ વાગ્યા હતા, અને દર્શન પોતાની ઓરડીની ચટાઈ ઉપર બેઠો બેઠો સિતારના તાર મેળવતો હતો. ચટાઈ ઉપર કેટલાય માસ સુધી માત્ર બે તકિયા જ પડી રહેતા હતા તેને બદલે એક વાળેલી પથારી હવે પડી હતી. છતાં હજી દર્શને ચટાઈ ઉપર જ સૂવાનું ચાલુ રાખ્યું હતું. સિતાર મેળવી તેણે 'રામકલી’ રાગના સૂર કરવા માંડ્યા. એ કાંઈ ગમ્યા. નહિ એટલે એની આંગળીએ 'બિલાવલ'માં પલટો લીધો. અત્યારે કોણ જાણે કેમ, એને એકે પ્રભાતનો રાગ ફાવતો ન હતો. ચિડિયાં બોલે નહિ ત્યાં સુધી બિભાસ રાગ ઊકલે નહિ ! બિભાસ જરા મર્દાનગીભર્યો રાગ ખરો ! દર્શનના દિલને ઉત્તેજિત કરે એવો રાગ જોઈતો હતો, પરંતુ સંગીતમાં જૂજજાજ શાસ્ત્રીપણું સમજનાર શોખીનો સમયના બંદીવાન બની જાય છે, અને પાંચસો વર્ષથી ચાલી આવેલી સમય અને રાગની મેળવણી જ ગોથાં ખાઈ અનેક રાગોને વિસારી દે છે. દર્શને સમયને તિલાંજલિ આપી કલ્યાણના સૂર કરવા માંડ્યા, અને એકાએક તેનું બારણું ખખડ્યું.

‘બિલ્લીને મારી ઓરડીમાં આવવાની બહુ ટેવ પડી છે. ચાલી આવ. મિયાઉં! ' કહી દર્શને આમંત્રણ આપ્યું. બિલ્લીને બદલે તેને કોકિલ સૂર સંભળાયો.

‘બારણું તો ઉઘાડો ! કોને સંબોધન કરવું તેનો વિચાર પછી કરજો.’ 'કોણ, તારામતી ? માફ કરજો. આવી કંઈક ભૂલો જિંદગીમાં થઈ જાય છે.' દર્શને સાદડીમાં બેઠે બેઠે બારણું ખખડાવતી તારામતીને જવાબ આપ્યો.

‘બારણું ઉઘાડો ત્યારે તમારી માફી મારા સુધી પહોંચે ને ?' તારામતીએ કહ્યું.

‘તારામતી ! મેં અનેક વાર કહ્યું કે હું મારાં બારણાં કદી બંધ રાખતો જ નથી. ખોલીને આવી શકો છો.’ દર્શને કહ્યું અને તારા બારણું ઉઘાડી અંદર ચાલી આવી. સાદડી ઉપરથી ખસી તારા માટે જગા કરી દર્શન જમીન ઉપર બેઠો અને બોલ્યો :

'તારામતી ! પચીશ વર્ષ પહેલાં આર્યકુટુંબોમાં ષટ્કન્યાનાં નામોચ્ચારણ વગર પ્રભાત ઊગતું ન હતું, એ ખબર છે ?'

'ના, ભઈ ! એ તો હું જાણતી નથી. કયાં નામ ?' તારાએ પૂછ્યું.

'એક અહલ્યા, બીજી તારા...'

‘તે હું સમજી ગઈ. વધારે નામોની જરૂર નથી.'

‘તો એ પૃણ્યશ્લોક નામધારીને આટલાં વહેલાં શા માટે દર્શન આપવા પડ્યાં ?' દર્શને પૂછ્યું.

'હવે તમારી પત્રકારની વાણી અને વિવેક બાજુએ મૂકીએ. વાણી નહિ પણ પગ ચલાવવાનો વખત આવ્યો છે. કાંઈ ખબર છે ?' તારાએ પૂછ્યું.

‘ના, ભઈ !' દર્શને જરા ચિંતા દર્શાવી કહ્યું.

‘ભાભી આખી રાત રોતાં જ બેઠાં છે... છેક હમણાં જ આંખ મીંચી અને હું પહેલી જ તમારી પાસે આવી.'

'કેમ ? એમ કેમ ?'

‘ભાઈ પહેલી રાતના ગયા છે તે હજી પાછા આવ્યા જ નથી.’

'કારણ ? એવું શું થયું ?'

‘અમરે રમતમાં નોટો બાળી નાખી, હજારોની ! કોઈને આપવા માટે ભાઈ લાવેલા....'

'મને તરત કહ્યું કેમ નહિ ?'

'શું કહું ? અમે તો બધાં હેબક ખાઈ ગયાં. આખી રાત ગમ ન પડી. છોકરાં રડે અને ભાભી પણ રડે. જરા આંખ મીંચાઈ એટલે હું અહીં દોડી આવી.’

‘તમે ભાભીને જઈને હમણાં જ કહો કે ગભરાય નહિ; સવાર પહેલાં હું ભાઈની ભાળ કાઢી લાવું છું.' દર્શને કહ્યું.

'પરંતુ તમે તો સવારસાંજ સિતાર જ વગાડ્યા કરો છો. તમને ક્યાંથી ભાળ મળશે ?'

‘જુઓ તારામતી ! ગાતે વગાડતે જે મળે એ જ સાચું જીવન. પ્રભુ પણ ગાતે વગાડતે મળે તો કિશોરભાઈ શું નહિ મળે ? જરા વહેલું કહ્યું હોત તો કેવું સારું થાત ?'

‘ભાઈની ભાળ મળે તો..... હે પ્રભુ !...' તારાથી આગળ બોલાયું નહિ.

‘તો તમે શું કરો. તારામતી ?' દર્શને પૂછ્યું.

‘તો તમે જે માગો તે આપું.' તારાએ અત્યંત ઊર્મિવશ થઈને કહ્યું. દર્શનના મુખ ઉપર આછું સ્મિત ફરી વળ્યું. તેણે કપડાં પહેરી લીધાં - પત્રકાર તરીકે માત્ર કફની, ટોપી અને ચંપલ જ પહેરવાનાં હતાં. તારા અને દર્શન બહાર નીકળ્યાં અને દર્શને કહ્યું :

‘હું આવું નહિ ત્યાં સુધી તમે સરલા ભાભી પાસે બેસો.' અને દર્શન માળાની સીડી ઊતર્યો. તારા તને સીડી ઊતરતો જોઈ રહી હતી, તે દર્શનને ઊંચે જોતાં દેખાઈ આવ્યું. તેના મનમાં વિચાર આવ્યો :

‘હું પણ આ કુટુંબનો કુટુંબી બની ગયો છું ?' અને દર્શને પગ ઉપાડ્યા. બિભાસ રાગને શોભે એવી ઢબે ચકલીઓ બોલી રહી હતી. અજવાળું થતું જતું હતું. કઈ બાજુએ જવું એની એને પૂરી સમજ પડી ન હતી, છતાં એણે ચાલવા માંડ્યું... સમાચારજીવી દુનિયામાં કિશોરના અદૃશ્ય થવાના સમાચાર આકાશમાંથી પણ પડ્યા વગર ન રહે એવી તેને ખાતરી હતી. અને એકાએક વર્તમાનપત્ર વેચતા ફેરિયાનો અવાજ તેને કાને પડ્યો :

'ચોરી કરતાં પકડાયેલા સદગૃહસ્થ : એક એક આનો !'

ફેરિયાનો અવાજ સહજ દૂરથી આવતો હતો. દર્શને ઝડપથી તે તરફ પગ ઉપાડ્યા, અને બીજી પાસથી ફેરિયાનો એક બીજો જ અવાજ આવ્યો :

'વાણીવિજય’નો વધારો : એક એક આનો ! ગૃહસ્થના લેબાસમાં ગુંડાગીરી ! છેલ્લા સમાચાર !'

દર્શન બન્ને બાજુના અવાજ સાંભળી ક્ષણભર સ્થિર ઊભો રહ્યો. અમરે નોટો બાળી નાખી હતી અને તેને પરિણામે પહેલી રાતથી કિશોર અદ્રશ્ય થયો હતો એ સમાચારે દર્શનને ઘરની બહાર મોકલ્યો હતો. ચોરી કરતાં પકડાયેલા સદગૃહસ્થ અને સદગૃહસ્થના લેબાસમાં સંતાયેલી ગુંડાગીરીના પોકારો દર્શનને પણ ચમકાવી રહ્યા હતા. ગમે તેમ બને તોપણ કિશોર ચોરી કરે એ સંભવિત હતું ખરું ? કિશોરને ચોરીની આવડત હોય ખરી ? તેથી તો પકડાયાની બૂમ પડે છે. ગભરાટમાં, મૂંઝવણમાં, કાળ ચઢાવીને કિશોરે કોણ જાણે શુંયે પગલું ભર્યું હશે ! વિચાર કરતાં દર્શને છાપું લેવા માટે પગ ઉપાડ્યા અને એથીય છેલ્લા સમાચાર આપતા વર્તમાનપત્રની એક ફેરિયાની વાણી ફરી સંભળાઈ :

'ચોરી કબૂલતો નફ્ફટ ચોર ! શરમભરમ સ્વર્ગે ગયાં! એક આનામાં અદભુત કિસ્સો !'

દર્શન આગળ વધ્યો. ત્રણે છાપાં તેણે ખરીદી લીધાં, અને વાંચતે વાંચતે તે ખરીદનારાઓના ટોળામાં થઈને કંઈ ચાલ્યો ગયો. ચાલતાં ચાલતાં તે જોઈ શક્યો કે આસપાસ વસતા લોકો પત્રો ખરીદે છે કે એટલું જ નહિ પરંતુ તેમના ઘરનાં સ્ત્રીબાળકો આ શુભ સમાચાર ધ્યાનપૂર્વક સાંભળે છે. જીવનની જાગૃતિ સાથે જ જનતાએ આ યુગમાં ચોંકાવનારા જ સમાચારો સાંભળવાના શું ? પરંતુ દર્શન પોતે જ એ ચોંકાવનારા. સમાચારોમાંથી પોતાનું ગુજરાન ચલાવતો અને એમાંથી જ આગળ, વધવાની આશા રાખતો સમાચારસર્જક શું ન હતો ?

દર્શન આમ ફરતો હતો ત્યારે પ્રભાત પણ સૂર્યોદયને આવકારી રહ્યું હતું. માનવજીવનમાં ચોરી થાય કે ન થાય, ગૃહસ્થો ગુંડાગીરી કરે કે ન કરે, તોપણ સૂર્ય તો પોતાની આકાશ-પરિક્રમા કરવાનો જ. ફેરિયાઓના પોકાર વ્યાપક બની ગયા. અને ધીમે ધીમે - નહિ, ઝડપથી – કિશોર અને દર્શનની ઓરડી આગળ પણ તેના પડઘા પડવા લાગ્યા; અરે કિશોરની પુત્રી શોભા ઓરડી આગળ રમતી રમતી ફેરિયાઓના ચાળા પાડતી હતી.

'ચોરી કરતો નફ્ફટ ચોર !'

એ જ ક્ષણે દર્શન હાથમાં છાપું લઈ ઝડપથી પગથિયાં ચડતો આવી પહોંચ્યો. શોભાની બૂમ તેણે સાંભળી, શોભાની સામે તે જોઈ રહ્યો અને એને તેણે કહ્યું :

'શોભા ! આવી બૂમ ન પાડીએ.'

'કેમ ? ફેરિયો બૂમ પાડે છે ને?' શોભાએ કહ્યું.

‘પણ તારે કંઈ ઓછો ફેરિયો બનવું છે ?'

'શા માટે નહિ હું? પણ ફેરિયો બનું !' શોભાએ કહ્યું.

'કારણ ?' 'કોઈ કહે છે... કોઈક કોઈક વાર... કે આપણે સહુએ કમાવું જોઈએ... નાનાં મોટાં બધાંએ, દર્શનભાઈ ! હું ફેરિયો ન બની શકું ?... લાવો, હું એક છાપું ફેરિયાની માફક અંદર ફેંકું.' નિર્દોષ શોભાને ફેરિયાની રમત અને ધંધો અત્યારે ગમી ગયાં. એને ખબર ન હતી કે એના પિતાના જ સમાચાર ફેરિયાઓ આપતા હતા.

‘નહિ, શોભા ! આજ નહિ... અત્યારે મારી ઓરડીમાં ન રમે ? ડાહી થઈને હમણાં ત્યાં જ બેસ ને ? જો આ તારી બિલ્લી તને બોલાવવા ઓરડીમાંથી બહાર નીકળી આવી. જા, મારી ઓરડીમાં રમ.' દર્શને કહ્યું અને શોભા તેની ઓરડીમાં ગઈ. એટલે કિશોરની ઓરડીનું બારણું ખોલી દર્શન અંદર ગયો.

અંદર પેસતાં બરાબર તેણે સરલાને ચોધાર આંસુએ રડતી બેઠેલી જોઈ. પાસે બેઠેલી તારાની આંખ પણ આંસુથી ભરાયલી હતી, છતાં તે સરલાને વાંસે હાથ ફેરવતી હતી. પાણીનો પ્યાલો હાથમાં રાખી મા સામે ધરી ઓશિયાળો બનેલો નાનકડો અમર ભયંકર મૂંઝવણ અનુભવતો હતો. કયી આફત ક્યાંથી, કેવી રીતે આવી હતી તેની તેને સમજ પડતી ને હતી. માત્ર તેના પિતા આજ દેખાતા ન હતા, અને તેની સાથે અગમ્ય રીતે એ આફત જોડાયેલી હોય એટલો જ ભાવ તેના મનમાં રમી રહ્યો હતો. સાથે સાથે તેણે ગઈ રાત્રે બાળેલાં કાગળિયાંનો પણ ગૂઢ સંબંધ હોય અને તેથી આ બધી આફતનો ગુનો તેને માથે હોય એવો અકથ્ય ભાવ પણ તે અનુભવતો હતો. દર્શને આ દ્દૃશ્ય જોયું. સદાય હસતું મુખ રાખવાનો નિશ્ચય કરી બેઠેલા દર્શને સ્મિત ઓસરે એવાં કારણો મળ્યે જતાં હતાં. આજ એનો અસરકારક અનુભવ થયો. ક્ષણભર થોભી દર્શને કહ્યું :

'અમર ! જરા મારી ઓરડીમાં જઈશ ? દૂધ અને બિસ્કિટ તમારા માટે મેં ત્યાં મૂકી રાખ્યાં છે. શોભા તારી રાહ જુએ છે. થોડી વાર ત્યાં જ બન્ને જણ બેસજો, હોં !'

અમર ગયો તો ખરો, પરંતુ એને કાંઈ પણ સમજ પડી નહિ. શોભાની પાસેથી ભાગી આવેલી બિલાડી અમરને પગે અથડાઈ અને તેને ઊંચકી અમર ચાલ્યો ગયો. શું બોલવું એનો દર્શન વિચાર કરતો હતો એટલામાં પાસેની સીડી ચડતી બે સ્ત્રીઓની વાતચીત ત્રણ જણે સાંભળી.

'સાંભળ્યું ને બહેન ! ચોરી થઈ તે?' એક સ્ત્રીએ પૂછ્યું.

‘મેં તો શું, પણ આખી દુનિયાએ સાંભળ્યું. હદ થઈ !' બીજી સ્ત્રીએ જવાબ આપ્યો.

એ જ માળાના નજીકના નળ પાસે ચારેક સ્ત્રીઓ પાણી ભરતી વાર્તાલાપ કરતી સંભળાઈ :

'જોયું ને હવે !' પેલી સ્ત્રીએ આંખમાં મહાજ્ઞાન લાવીને કહ્યું.

‘પણ, બાઈ ! આવું ધારેલું નહિ.' બીજી સ્ત્રીએ જવાબ આપ્યો.

‘એ તો ધારી જ લેવું... બહુ ફૂટડાં થઈને ફરવું હોય એટલે વરને તો ચોરી જ કરવી પડે ને ?' ત્રીજી સ્ત્રીએ વાતમાં ટાપસી પૂરી.

‘અલી બહેન ! આ તો ભારે કહેવાય ! ઉજળિયાત વર્ગના કુટુંબો વસતાં હોય ત્યાં આવું ન બનવું જોઈએ.’ ચોથી સ્ત્રીએ કહ્યું.

‘બગભગત તીરથધામમાં જ વસે ! પીળું એટલું સોનું ન માનશો.' પહેલી સ્ત્રીએ જ્ઞાન ફેલાવ્યું.

'હવે જઈ જઈને બેસજો, રોજ વાતો કરવા !' બીજી સ્ત્રીએ નિંદાથી આગળની ભૂમિકામાં પગ મૂક્યો.

‘વધારે તો તું બેસતી હતી ! મને પહેલી લઈ જનાર જ તું !' ત્રીજી સ્ત્રીએ અપરાધની ફેંકાફેંકી કરવા માંડી.

'હવે આટલેથી જ પત્યું એમ કહો ને? ચોરી પાછળ એ ઘરમાં શું શું નહિ થતું હોય ? બચી ગયા માનો !' ચોથી સ્ત્રીએ માળાની સ્ત્રીઓની નીતિ સચવાયાનો સંતોષ લીધો. જોકે નીતિની કોઈની પરીક્ષા આપવી પડતી નથી એટલું જ સારું છે.

માળામાં પણ સાર્વજનિક સ્થાનો હોય છે ખરાં ! એ સ્થાનોમાં આખા ગામની વાત તો જરૂર ચર્ચાય, પણ સાથે સાથે માળામાં રહેતાં સ્ત્રીપુરુષ અને બાળકનાં ગુપ્ત ઓળખાણો પણ થાય છે અને ફેલાય છે. બંગલાઓ અને ફ્લૅટોમાં રહેનાર સુખી કુટુંબોને બારણાં બંધ કર્યા પછી એકબીજાની કશી જ કનવાર રહેતી નથી; સહુ પોતપોતાને માર્ગે એકબીજાના જીવનમાં પ્રવેશ કર્યા સિવાય જઈ શકે છે. પરંતુ ચાલીઓ અને માળામાં સહુની જિંદગી સાર્વજનિક બની જાય છે. માળાની જનતાને ફેરિયાઓએ વર્તમાનપત્રો દ્વારા સમાચાર પહોંચાડ્યા જ હતા કે કિશોર જેવા સૌમ્ય, શાંત અને પરગજુ ગણાતા ગૃહસ્થ ચોરીનો ગુનો કર્યો હતો અને તે પકડાઈ પણ ગયો હતો. કોઈને કિશોરના કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ થઈ હોય એમ દેખાયું નહિ.

હા, એક કુટુંબની વાતચીત આછી સહાનુભૂતિ ભરેલી હશે ખરી ! એક કુટુંબની ઓરડીમાં સાદડી ઉપર સાથે બેસી પતિ-પત્ની ચા પી રહ્યાં હતાં. પતિની પાસે છાપું પડ્યું હતું, પત્નીની આંખમાં કાંઈ ચમક હતી. એણે છાપું વાંચ્યું હતું, અને પતિની સાથે વાત ચર્ચવાની ઈંતેજારી તેની આંખની ચમકમાં દેખાઈ આવતી હતી. પતિ હજી સુધી નિદ્રાની શિથિલતા અનુભવતો હતો. આખી રાતના પત્ની-સામિપ્યથી કંટાળી ગયેલો પતિ, પત્નીને પાસે બેસાડી કોઈ રોમાંચ અનુભવતો લાગ્યો નહિ. ચાનો ઘૂંટડો પી જરા જાગૃતિ લાવી પતિએ પત્નીને મીઠા શબ્દો કહ્યા :

'આ જોયું ને?'

'શું ?' પત્નીએ વાત કરવાની તક મળતાં પ્રશ્ન કર્યો.

‘આ તમે બૈરાં ! રોજ લુગડાં-ઘરેણાંનો કંકાસ કરો છો તે છેવટે બિચારા પુરુષો ચોરીએ ચડે છે !' અનુભવી પતિને પત્નીનાં લૂગડાં-ઘરેણાંની કોરી ખાતી માગણી ચોરીના મૂળ રૂપે દેખાઈ.

‘કંકાસ કરે મારી બલા ! એક મહિનો તો વીતી ગયો ! વચ્ચે પગારદિન પણ ગયો ! માગી છે એક્કે સાડી કે બંગડી મેં?' પત્નીએ પોતાની ઉદાર વિરાગશીલતાનું દર્શન પતિ સમક્ષ કર્યું.

‘મહિને મહિને તે સાડી-બંગડી ક્યાંથી લવાય ? તમને સ્ત્રીઓને આવા ખર્ચનો ખ્યાલ છે ખરો ?' પતિએ પત્નીની ઉદારતાને આર્થિક રણમાં રોળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પત્ની એમ ઝડપથી જમીનદોસ્ત થાય એમ ન હતી. તેણે પતિ સામે ભૂતકાળનો પ્રેમ-બગીચો ઊભો કરતાં કહ્યું :

‘એમ સાડી-બંગડી ન લેવાય તો, અંહ ! પરણવાના ભસકા ન કરીએ!'

પતિને બહુ વખતથી સમજાતું ન હતું કે તે લગ્નમાં કેમ કરી ફસાઈ પડ્યો હશે ! પરણ્યા પછી એક દશકામાં બધા જ પતિઓને કાનબૂટી પકડી આ ચમત્કાર ન સમજાયાનો એકરાર કરવો જ પડે છે. જીવનમરણ સમી લગ્નની અપરિહાર્ય સમસ્યા ન ઉકેલી શકેલા પતિએ માત્ર આટલો જ જવાબ દીધો :

‘પણ હવે પરણાઈ ગયું. થાય શું બીજું?'

'જે થાય તે કરજો પણ બાપ ! ચોરી તો ન કરશો. ઝીણુંનાનું ઠીક છે, પણ આવડી મોટી ચોરી તે હોય !'

'અને તે પણ પકડાઈ જવાય એવી?' પતિએ કહ્યું. એ પતિને ચોરીનો વાંધો ન હતો; માત્ર પકડાઈ જવાનો જ વાંધો હતો.

વાતચીતની આ હળવી ફૂંક માળામાં હવે વ્યાપક બની ગઈ હતી. બાળકો બૂમ મારતાં હતાં જાહેરમાં; અર્ધ જાહેર ઉદ્દગારો પણ સંભળાયા વગર રહેતા ન હતા. પરંતુ કેટલીક પ્રતિષ્ઠિત હળવી ફૂંકો પણ કિશોરની ચોરીને જ અટામણમાં લેતી હતી. સરસ કપડાં પહેરેલી બે મધ્યાઓ એક મધ્યાનાં બારણાં આગળ ભેગી થઈ ગઈ. કોઈની પણ નિંદા ન કરવી એ વિશ્વવ્યાપક બોધ છે. એ બોધનો ભંગ ન થાય એમ બહુ જ હળવેથી એક મધ્યાએ પૂછ્યું :

'જાણ્યું ને બહેન ?'

'આંખ આગળ બને તે કોઈ જાણ્યા વગર રહે ?'

'પણ હવે ભણેલાઓ પણ ચોરી કરતા થયા એ નવાઈ જેવું ! આજ સુધી આવું સાંભળ્યું ન હતું.'

'પણ પેલીને જોઈને ? આજ સવારથી બહાર દેખાઈ જ નથી !'

'શું જોઈને દેખાય ? વરના આવા ધંધા હોય તે !'

'છતાં બાઈસાહેબનો મિજાજ માય નહિ !'

‘મિજાજ તો બહુ જોયો નથી, એ બાઈમાં !... પણ...'

'અરે શું મિજાજ નથી !... તમને કશી ખબર નથી. મિજાજ હોય તો આવા ડોળ ન રાખીએ !'

‘ડોળ શાના? આમ તો સાદી ને સલૂકાઈવાળી છે !'

'પૈસા પહોંચે નહિ તો બધાંને ઉછીના આપવાનો દેખાવ આપણે હોઈએ તો ન કરીએ ! એ મિજાજ નહિ તો બીજું શું ?'

‘હા, બહેન ! એ ખરું. અલી બાઈ ! જ્યારે આપણે ભીડ હોય ત્યારે માગીએ અને ડબ કરતા આપણા હાથમાં પૈસા આવીને પડે જ પડે !'

'વરના આવા ધંધા છાવરવાના તો આ બધા રસ્તા નહિ હોય ?'

સંમતિસૂચક વિસ્મયમુદ્રા કરી બીજાં સુશોભિત વસ્ત્રધારી બહેન બારણા પાસેથી ખસી ગયાં.

સરલાની ઉદારતા અને સર્વોપયોગીપણું પણ આજે સ્ત્રીમંડળમાં નિંદાપાત્ર બની ગયાં. ચોરી સરલાએ કરી ન હતી, તેના પતિએ કરી હતી છતાં !