લખાણ પર જાઓ

ત્રિશંકુ/નવી દુનિયા અને નવા દોસ્તો

વિકિસ્રોતમાંથી
← દુખ−પોલીસ અને દુઃખમાં સહાય ત્રિશંકુ
નવી દુનિયા અને નવા દોસ્તો
રમણલાલ દેસાઈ
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ →




૧૯
 
નવી દુનિયા અને નવા દોસ્તો
 

અદાલતની આસપાસ અને અદાલતની અંદર આજે માણસો ઊભરાઈ રહ્યાં હતાં. અદાલતના એક ખંડમાં તો માણસોને ઊભા રહેવાની, પણ જગા હતી નહિ. જે કાંઈ ખુરશીઓ અને પાટલીઓ હતી તેના ઉપર આખી અદાલતના વકીલો બેસી ગયા હતા. ન્યાયાધીશનું આસન ખાલી હતું જોકે એ આસનની આસપાસ બે કારકુનો બેઠા હતા અને પોતાની વિશિષ્ટતા અને તટસ્થતાનું ભાન તેઓ ભેગા થયેલા સર્વ લોકોને કરાવતા હતા. ઊંચા ન્યાય-આસનની આસપાસ થોડા પટાવાળા પણ રુઆબથી ઊભા હતા. સત્તાનો સ્પર્શ જ એવો છે કે પ્રધાનથી માંડી પટાવાળા સુધી સહુમાં તે પોતાની છાપ આંકી જાય છે. ખંડના દરવાજા સાચવતા કેટલાક પોલીસના માણસો પણ ત્યાં ઊભા હતા અને સામાન્ય જનતાથી પોતાનું સ્થાન જુદું છે એમ દેખાડવા પ્રયત્ન પણ કરી રહ્યા હતા. લોકોનાં ટોળાં તો એક મહત્ત્વનો મુકદમો સાંભળવા માટે જ ઊમટી રહ્યાં હતાં. જેટલા જાતે ગોઠવાય એટલા ગોઠવાઈ જતા, ન ગોઠવાઈ જતા તેમને પટાવાળાઓ અને પોલીસ અમલદારો ગોઠવાવા મથતા હતા, અને ભારે મુશ્કેલી અનુભવતા હા. આટલી માનવમેદની મળે ત્યાં સહુનો શ્વાસ પણ કારખાના સરખો અવાજ કરે. અહીં તો લોકો મોટેથી કે ધીમેથી વાતો કરતા હતા, સ્વગત બોલતા અને દૂર રહેલા કોઈ ઓળખીતાને પોકારીને પણ બોલાવતા હતા. અદાલતનો પટાવાળાઓ સીસકારીઓ બોલાવી લોકોને શાંત રહેવાનો પ્રયત્ન પણ વચ્ચે વચ્ચે કરતા હતા.

અદાલતના આ અવ્યવસ્થિત માનવમેળાના એક સ્થળે પોલીસના માણસો સાથે કિશોર ઊભેલો દેખાતો હતો. એનું મુખ બદલાઈ ગયેલું હતું, ઝાંખું પડી ગયું હતું. અને એની આંખમાં આખા દૃશ્ય સામે કટાક્ષ અને તિરસકાર ભર્યો હોય એમ જોનારને લાગતું. ઘડીમાં એ નીચું જોતો, ઘડીમાં એ ટોળાને ધારીને જોતો, એ ટોળામાં એક સ્થળે ધક્કા ખાતાં દર્શન અને સરલાનાં મુખ પણ તેના જોવામાં આવ્યાં. થોડીક ક્ષણ સુધી એ તરફ ધારી ધારીને કિશોરે જોઈ લીધું, અને એકાએક તેણે પોતાની આંખ ફેરવી લીધી. પોલીસને સૂચના પ્રમાણે પોતાનું મગજ અસ્થિર હોવાની દલીલ કરવાની દર્શન કે સરલાની ભલામણ કિશોરે સ્વીકારી હતી કે કેમ એ કિશોરના મુખ ઉપરથી સમજી શકાતું નહિ. મગજની અસ્થિરતા કિશોર દર્શાવે તો એને છૂટી જવાનો મોકો મળે એમ હતું. અને શેઠના ગુમ થયેલા પૈસા પાછા મળી ગયેલા હોવાથી શેઠ જગજીવનદાસ તેને પાછો નોકરીમાં લઈ લે એવો પણ સંભવ હતો. જગજીવનદાસે વધારે મહેરબાની એ પણ દર્શાવી હતી કે તેઓ સરલાને શેઠાણી પાસે વાંચનના કામે પગાર આપી રોકવા પણ તૈયાર થયા હતા. અને મગજની અસ્થિરતા વિના આવું ચોરીનું કામ કિશોર જેવા સદગૃહસ્થથી ન જ થાય એમ આખી દુનિયાની સાદી સમજ કહે તો તેમાં નવાઈ નહિ. પરંતુ એ દલીલ કરવી કે નહિ એ સંબંધમાં કિશોરે બહુ સંદિગ્ધ જવાબ આપ્યો હતો એમ સરલા અને દર્શનના મુખ ઉપરથી દેખાઈ આવતું હતું. કિશોરના માનસનો એક ભાગ તેને વારંવાર કહી રહ્યો. હતો કે એણે જાણીબૂઝી મગજ ખોયા વગર ચોરીનું કાર્ય કર્યું હતું. તેના મનનો એક ભાગ તેને કહી રહ્યો હતો કે એણે સત્ય બોલી કાયદો, શાસન અને ન્યાયનાં જૂઠાણાં ઉઘાડા પાડવાં અને બીજો ભાગ કહી રહ્યો હતો કે તેણે અસ્થિર મગજનું બહાનું કાઢી, આછુંપાતળું જૂઠું બોલી, વ્યવહારમાં પ્રવેશી જવું અને ગઈગુજરી ભુલાઈ જાય એમ મથન કરવું.

એવામાં ન્યાયાસનની બાજુએથી એક લાંબી સિસકારી ઉચ્ચારાઈ, કોઈ મહત્ત્વની વ્યક્તિ પધારતી હોય એવું એ સિસકારીમાં સુચન હતું. એક ચોપદાર દેખાયો; એ ચોપદારની પાછળ ન્યાયસૂચક કાળો ઝભ્ભો ઓઢી ન્યાયાધીશ ગંભીરતાપૂર્વક પધાર્યા, અને ન્યાયાસન ઉપર બિરાજ્જ્યા પણ ખરા. ભેગી થયેલી મેદની ન્યાયમૂર્તિનું દર્શન થતાં જ શાંત પડી ગઈ, બેઠેલા વકીલો અને ગૃહસ્થોએ ન્યાયાધીશને જતાં બરોબર ઊભા થઈ માન આપ્યું અને તેમના બેઠા પછી જ તેમની મહત્વની બેઠક લીધી પણ ખરી. આખા ખંડમાં શાંતિ પ્રસરી ગઈ. ન્યાયાધીશની ગૌરવપૂર્ણ નજર આખા ખંડ ઉપર ફરી વળી. અને ગુનેગાર કરતાં પણ ન્યાયાધીશ પોતે વધારે રસભર્યું મહત્ત્વ ધરાવતી વ્યક્તિ છે એવી તેમણે છાપ પણ પાડી. ન્યાયાધીશ સાહેબના મુખ ઉપરની સ્વસ્થતા જોઈ જાયાસન ઉપર બેઠેલા એક કારકુને બૂમ પાડી :

'આરોપી કિશોરકાન્ત !'

કારકુનની બૂમ એકબે પટાવાળાઓએ ઝીલી લીધી, અને તેનો વધારે પ્રભાવિક પડઘો પાડતાં કહ્યું :

‘આરોપી કિશોરકાન્ત !'

ન્યાયની સામે આવનાર સર્વ કોઈ તુચ્છ છે, એમ દર્શાવનાર એક પાંજરું પણ ન્યાયાધીશની સામે એક બાજુએ રાખવામાં આવે છે, જેમાં આરોપીઓ અને સાક્ષીઓ ગમે તેટલા પ્રતિષ્ઠિત હોય તોપણ તેમને ઊભા કરી દેવામાં આવે છે. કહે છે કે ન્યાયાધીશોની નિમણુકનો અધિકાર સરકારની કૃપા ઉપર રહેલો હોવાથી સરકારના પ્રતિનિધિ પ્રધાનોને માત્ર ન્યાયની તુચ્છકારવૃત્તિનું સાધન બનાવવા દેવામાં આવતા નથી. એ જે હોય તે. પાસે ઊભેલા સિપાઈઓનો ઇશારો થતાં કિશોરકાન્ત સાક્ષીના કે આરોપીના પાંજરામાં ચઢી ગયો. હવે ન્યાયાધીશની સત્તાનો સૂર્ય ઊગ્યો. કિશોરકાન્તની સામે જોયા વગર ન્યાયાધીશે પૂછ્યું :

'કિશોરકાન્ત તમારું નામ ?'

'હા, જી. આપ મને ઓળખો પણ છો... આપણે સાથે ભણતા પરંતુ આપના સસરાની લાગવગથી...' કિશોરના એ જવાબને પૂરો થવા દેતા પહેલાં ન્યાયાધીશે ગંભીરતાપૂર્વક કહ્યું :

‘એ બધું ભૂલી જાઓ. ન્યાયને આંખ નથી, કાન નથી, સ્મૃતિ નથી.'

'એવા અવયવ વગરના ન્યાય પાસે મને ખડો કરવામાં આવ્યો છે. મારું જે થાય તે ખરું.’ કિશોરે જવાબ આપ્યો.

'એમ નહિ. ન્યાયાધીશ પાસે તો માત્ર ન્યાયનું જ ત્રાજવું છે. સાક્ષીપુરાવા તોળીને હુકમો આપવાનું છે... ...સાંભળો, તમારે જવાબ ન આપવો હોય તો તે તમને અધિકાર છે; તમારો જવાબ બળજબરીથી લઈ શકાય નહિ. પણ જો જવાબ આપશો તો તે તમારી વિરુદ્ધ એ જવાબ આપશે.' ન્યાયાધીશ ન્યાયની. નિર્મળ તટસ્થતા આરોપીને સમજાવી.

'સાચો જવાબ આપું કે જૂઠો ?' કિશોરે પૂછ્યું. . ‘ન્યાયાસન પાસે કદી જૂઠું બોલવું નહિ. સાચું બોલવામાં જ ન્યાયને સહાય મળે છે.'

‘વારુ, આપ પૂછશો એનો હું સાચો જ જવાબ આપીશ. ન્યાયને સહાયભૂત થવા.' કિશોરે કહ્યું.

‘તો બોલો, તમારા ઉપર આરોપ મુકાયો છે તે ચોરી તમે કરી છે ?' ન્યાયાધીશે પ્રશ્ન કર્યો.

'જુગારમાં સારું એવું કમાયલા શેઠના પૈસાની મારે એકાએક જરૂર પડી. ખુલ્લી રીતે મને કોઈ પૈસા આપતું ન હતું. એટલે મેં જોર કરીને પૈસા લઈ લીધા. એ ચોરી કહેવાય તો મેં ચોરી કરી છે.' કિશોરે કહ્યું. અને માનવમેદનીમાંથી એક આછું ડૂસકું સંભળાયું. એ તરફ જોયા વગર જ કિશોરે સમજી લીધું કે એ ડૂસકું સરલાનું જ હતું. ‘શા માટે ચોરી કરી ?' ન્યાયાધીશે પૂછ્યું.

'પૈસા માગી જોયા, એ માટે વિનંતી કરી જોઈ, મારી જાતને વેચવા સુધીની મેં તૈયારી બતાવી, છતાં કોઈ પૈસાવાળાએ મને જોઈતી રકમ આપી નહિ. એટલે ચોરી સિવાય પૈસા મેળવવાનો અને બીજો માર્ગ જડ્યો નહિ.' કિશોરે કહ્યું

'તે તમારે પૈસાની આવી જરૂર કેમ પડી?'

મને સોંપાયલા પૈસા નોટના સ્વરૂપમાં હતા. સગડીમાં મેં કાગળ બાળ્યો એ જોઈને મારા અણસમજણા પુત્રે મારી આંખ બીજી બાજુએ ફરતાં નોટનો ચોડો અગ્નિમાં નાખી દીધો. રાત્રે અને રાત્રે મેં મારા શેઠ પાસે જઈ હકીકત કહી અને ચોવીસ કલાક થોભી જવાની દયા માગી ને જે સમયમાં કદાચ હું રકમ ભેગી કરી પાછી આપી દેત. પરંતુ એટલી મુદત મારા શેઠે મને ન આપી અને મને પોલીસમાં પકડાવી દેવાની તજવીજ કરી. મારે મારું ઋણ ફેડવું જ હતું, ચોરી સિવાય ઋણ ફેડવાનો બીજો માર્ગ મને ન જડ્યો એટલે મેં ચોરી કરી.' કિશોરે પોતાની હકીકત, ન્યાયાધીશની સાથે ભેગી થયેલી જનતાને પણ કહી સંભળાવી.

'પરંતુ પુરાવો તો એમ પડે છે કે જગમોહનદાસના પૈસા તેમને બીજી જ સવારે મળી ગયા છે.'

'પરંતુ એની મને ખબર ન હતી. એટલી ખાતરી હોત તો હું ચોરી કરવા પ્રેરાત જ નહિ. અપાઈ ગયેલા પૈસા આપવાની મારામાં મેં શક્તિ જોઈ નહિ એટલે શર્ત જીતેલા શેઠના ઘરમાં હું ગયો અને મેં પૈસા ઝડપી લીધા - મારે જરૂર હતી એટલા જ પૈસા મેં લીધા, વધારાના એ શેઠસાહેબને મેં પાછા આપી દીધા છે. જે સત્ય જુગારી શેઠસાહેબ કહી શકશે.' કિશોરકાને કહ્યું.

'ગમે તેમ કહો, પણ એ ચોરી તો ખરી જ ને ? અને ચોરી એ ગુનો છે એ તમારા જેવા ભણેલાગણેલા માણસ ન જાણે એમ હું માનતો નથી.’

'જરૂર કરતાં વધારે પૈસો સંગ્રહી રાખનાર, જુગાર રમી એ પૈસાને વધારનાર, જીવનની જરૂરિયાતોના પ્રાણ સરખા પૈસાને એકહથ્થુ કરી હજારો અને લાખો માનવબંધુઓને ભૂખે મારનાર, ગમે તે વ્યક્તિનું બિનજરૂરી ધન લેવામાં - ખૂંચવી લેવામાં - ચોરી થતી હોય તો તે સહુને કરવા દેવી જોઈએ.’

‘કિશોરકાન્ત ! મને ખબર નહિ કે તમે આવા જલદ વિચારો ધરાવતા હશો. પરંતુ એ બધાએ સિદ્ધાંતો તમારી કોઈ સભામાં જાઓ ત્યારે બોલજો. અહીં તો કાયદા પ્રમાણે ન્યાય કરવાનો રહે છે.’ ન્યાયાધીશે કહ્યું.

'સાહેબ ! કાયદો ન્યાય આપતો ન હોય તો આપે તે રદ કરાવવો જોઈ.' કિશોરે કહ્યું.

'એ ફરજ મારી નથી.'

'જેની એ ફરજ હોય તેને કહો... મેં મારી ફરજ બજાવી છે.'

'આવી ફરજ બજાવતા તો તમે સમાજમાં ઘમસાણ મચાવી મૂકશો.' ન્યાયાધીશે કહ્યું.

‘ઘમસાણ ? ન્યાયાધીશ સાહેબ ! જરા ન્યાયાસનેથી નીચે ઊતરી નિહાળશો તો આપને ખબર પડશે કે સમાજમાં ઘમસાણ આજ ક્યારનુંયે મચી ચૂક્યું છે.' કિશોરે કહ્યું.

'એ ન્યાયને જોવાનું નથી.' ન્યાયાધીશે કહ્યું.

'એ ન્યાય નહિ જુએ તો કોણ જોશે ?'

‘અમને ન્યાયાધીશોને તમે કહો છો એવું કાંઈ દેખાતું નથી. અને દેખાતું હોય તોપણ અમને કાંઈ લાગેવળગે નહિ. કાયદાનો સાચો અમલ એ અમારા ન્યાયાધીશોનું સાચું કર્તવ્ય !'

‘સમાજ પ્રત્યેની આવી બેપરવાઈમાં તમે ન્યાય આપવાનો ડોળ કરો છો. ન્યાયાધીશ સાહેબ ! આજ નથી. રોજગારની સલામતી, ભૂખે મરવાનો ભય ચારે પાસ વ્યાપક, જુગાર, છળકપટ, ગરદન કાપતી હૂંસાતૂસી અને ફટારની ધાર જેવી નફાખોરીમાંથી પૈસો ભેગો થાય એવી પરિસ્થિતિ ! છતાં આપને ઘમસાણ દેખાતું નથી ? ભલે ! પણ આજ તો માણસાઈ વાપરે એણે મરવાનું એ વધારામાં. સાહેબ. ! સાચો ન્યાય કરવો હોય તો લખી દો તમારા ઠરાવમાં કે ચોરી અને છળકપટ વગર આજના સમાજમાં ધન મળતું નથી.' કિશોરે જરા જોરદાર વાક્યોમાં કહેવા માંડ્યું. તેને શાંત પાડતાં મેજ ઉપર જરા હાથ ઠોકી ન્યાયાધીશસાહેબે કહ્યું :

'બસ ! બસ કરો ! તમે તમારા દુ:ખમાં સામ્યવાદી બની ગયા લાગો છો, અને એમ કરી આખી જાહેર જનતાને તમે હલકી પાડો છો.’ ન્યાયાધીશે કહ્યું.

‘મારો વાદ જે હોય તે. મેં તો આપને સત્ય કહેવાનું વચન આપ્યું હતું. આપની સામે બેઠેલા અને ઊભા રહેલા પ્રતિષ્ઠિત માનવસમાજને પૂછો કે ચોરી કર્યા વગર આમાંથી કયો માનવી જીવી શકે છે ? હું તો આપને પણ પૂછું છું. આપ પણ ચોરી કરીને જ જીવો છો.' કિશોરે કહ્યું.

'બસ, બસ ! મારે વધારે સાંભળવું નથી. તમે ગુનો કર્યો છે એવી તમારી કબૂલાત થઈ ગઈ.'

‘ન્યાયાધીશ સાહેબ ! જરા ઊંડા ઊતરો અને પછી મને કહો કે મારો ગુનો શો ? અપરાધ શો ? મારા બાળકની ભૂલમાં મેં પૈસા ગુમાવ્યા, મારી ભૂલથી, નહિ. જેની પાસે મફત પૈસા હતા તેની પાસેથી મેં માગ્યા પણ તે ન મળ્યા. ઝૂંટવી લીધા સિવાય મને બીજો માર્ગ જડ્યો નહિ. મને સજા કરતા પહેલાં આપ ન્યાયાધીશ જ આ સંજોગોમાં બીજો કયો માર્ગ લઈ શકાય એ દર્શાવશો તો હું આભારી થઈશ. કારણ કેદમાંથી પાછો આવીશ ત્યારે મને કોઈ ઊભો નહિ રાખે - કદાચ મારું કુટુંબ પણ. ! એટલે મારે જીવવું હોય તો બહાર આવીને ફરી આ જ રસ્તો લેવાનો રહ્યો !' કિશોરે પોતાના માનસને સ્પષ્ટ કર્યું. ટોળામાંથી ફરી એકવાર ડૂસકું સંભળાયું. કિશોરે અને આખા ટોળાએ એ તરફ નજર કરી, સહુની દૃષ્ટિ સામે સરલા અને દર્શન ઊભેલાં દેખાયાં. સરલા સાડીના છેડા વડે પોતાની આંખો લૂછતી દેખાઈ. ક્ષણભર ન્યાય અને ન્યાયાધીશ થંભી ગયા. જરા રહીને ન્યાયાધીશ બોલ્યા :

‘તમારું કથન મેં નોંધી લીધું છે. હવે તમે વધારે ન બોલો તો તમે તમારી ઉપર જ ઉપકાર કરશો. બીજાના પૈસા તમે બળજબરીથી લીધા એ તો તમે કબૂલ કરો છો. છતાં હું કહું છું: બળજબરીથી નથી લીધા. એમ કહી તમારે પુરાવા આપવા હોય તો હજી પણ મને જણાવો.'

'પુરાવા ! પૈસો માત્ર બળજબરીથી જ મળે છે; બળજબરીના પ્રકાર જુદા જુદા. મારે કોઈ પુરાવો આપવો નથી. ધનને સહુનું બનાવશો તે દિવસે ચોરી અટકશે...'

'તો હું તમારા વકીલને જે કાંઈ કહેવું હોય તે કહેવા વિનંતી કરું છું.'

'મારો કોઈ વકીલ જ નથી - મારા સિવાય.' કિશોરે કહ્યું.

'તમારા જેવા જિદ્દી, આરોપીઓને ન્યાય અપાવવા સરકાર વકીલ આપે છે... બોલો વકીલસાહેબ ' કહી ન્યાયાધીશસાહેબે વકીલમંડળમાં બેઠેલા એક વકીલ તરફ જોયું, એટલે તે વકીલે ઊભા થઈ બહુ ટૂંકું કથન આરોપીના બચાવ માટે કર્યું :

'નામદાર સાહેબ ! આરોપી પોતાનું કામ પોતાને હાથે જ બગાડી રહ્યો છે. એ દર્શાવી આપે છે કે એ કોઈક ભયંકર માનસિક આઘાતનો ભોગ બન્યો છે. એના બોલ અને એના કૃત્યની જવાબદારી એની નથી, એ સ્પષ્ટ સમજાય એમ છે. એટલે એને કાંઈ પણ સજા ન કરવાની આપ નામદારને વિનંતી કરું છું... છતાં ગુનો થયો એમ માની સજા કરવી જ હોય તો તે અત્યંત હળવી જ કરવી એટલે હું આરોપી તરફે કહી શકું છું.' આટલું કહી વકીલસાહેબ બેસી ગયા. વકીલ બેઠા તે સાથે જ કિશોર ખડખડ હસી પડ્યો અને બોલ્યો :

'એ બાકી હતું - ઘેલા ઠરવાનું ! મારા જ વકીલ ઘેલછાની છાપ મને લગાડવા મથે છે ! આનો અર્થ એટલો જ કે આ જીવનમાં જીવવું હોય તો કાં ઘેલાં થાઓ કે કાં ગુનેગાર બનો ! ત્રીજો માર્ગ નથી.'

કિશોરને બોલતો અટકાવી ન્યાયાધીશસાહેબ બોલ્યા :

'ફરિયાદી તરફે વકીલસાહેબને કાંઈ કહેવું છે ?'

એ સાંભળી. ફરિયાદી પક્ષના વકીલસાહેબે ઉભા થઈ એક ઠીક લાંબું ભાષણ આપ્યું :

'નામદાર સાહેબનો કિંમતી સમય હું બરબાદ કરવા માગતો નથી. નામદાર સાહેબે આરોપીને બચાવની પૂરતી સગવડ આપી છે. પરંતુ એની પાસે બચાવનું એક પણ સાધન નથી. એના કુટુંબીઓ પણ બચાવવા માટે આગળ આવતા નથી. હું કહી શકું કે આરોપીના વકીલ માનસિક આઘાતની દલીલ વચ્ચે લાવી પોતાની ફરજ સારી રીતે બજાવી છે. પરંતુ એ આઘાતનો કોઈ પુરાવો રજૂ થતો નથી. પુરાવામાં કોઈ ડૉક્ટરને પણ લાવવામાં આવતો નથી. મને પૂછવા દો, નામદાર સાહેબ ! કે કોઈએ વિશ્વાસથી સોંપેલી નોટો બાળી નાખવાનો દેખાવ કરી ત્રાહિત માણસની રકમ છરી બતાવી લૂંટી લેનાર ભયંકર માનવીને છૂટો મૂકવામાં સમાજ સુરક્ષિત રહેશે ખરો ? માનસિક આઘાતની બાબતમાં એટલું જ કહીશ કે એ બહાને ઘણાને ગુનો કરવાની સગવડ મળશે... અને જે સિદ્ધાંતોની ચર્ચા આરોપી કરવા માગતો હતો, અને જેને આપ નામદારે બહુ સાચી રીતે અને ખરે વખતે અટકાવી દીધો, એ જોતાં આરોપીનું મન સ્વસ્થ છે, એણે સમજપૂર્વક ગુનો કર્યો છે એમ સાબિત થાય છે. એવા ગુનાને ગુનો ન ગણવાની દલીલમાંથી આરોપી ભયંકર જોખમભર્યા અને સમાજનું સત્યાનાશ કાઢી નાખે એવા રાજકીય સિદ્ધાંતો ધરાવતો હોય એમ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આવા માણસને ભારેમાં ભારે સજા કરી આપ આપની આજ સુધીની ન્યાયવૃત્તિનું એક વધારે દ્રષ્ટાંત આપશો એવી મારી ખાતરી છે.'

એટલું બોલી વકીલસાહેબ નીચે બેસી ગયા.

ન્યાયાધીશ સાહેબ પોતાનાં ખુરશી મેજ ઉપરથી ખસ્યા નહિ. ત્યાં ને ત્યાં ટૂંકો ઠરાવ લખી. તેમણે તે અદાલતમાં વાંચી સંભળાવ્યો :

'પ્રથમ દૃષ્ટિએ આ ગુનો ભલે ભયંકર લાગે, પરંતુ કોઈની ભારે રકમ જતી નથી એ વાત ચોક્કસ છે. અનેક સાચાખોટા પૂર્વપશ્ચિમના સિદ્ધાંતો વાંચી ગૂંચવાયેલા આરોપીનું માનસ અસ્થિર ભલે નહિ હોય, પણ તે ઉશ્કેરાયલું જરૂર હતું. સંકડામણમાં આવી જતાં આરોપીએ કરેલા ગુનાનો બચાવ ન થઈ શકે. છતાં આસપાસના સંજોગો વિચારતાં હું આરોપીને ત્રણ માસની કેદ અને સો રૂપિયાના દંડની સજા ફરમાવું છું. દંડ ન ભરે તો બીજા બે માસ તે કેદ ભોગવે. તેની કેળવણી અને મધ્યમ વર્ગની રહેણીકરણી પ્રમાણે આરોપીને કેદમાં બનતી સગવડ આપવાની છે.'

ન્યાયાધીશનો સાદ સંભળાતો બંધ થયો અને તેઓ પણ પોતે અદૃશ્ય થયા. લોકોની વાતોના બંધ એકાએક તુટી ગયા અને અદાલતની અંદર તથા બહાર ઘોંઘાટ વ્યાપી રહ્યો. શાંતિપૂર્વક કિશોર પોલીસના માણસો સાથે એક બાજુએ જતો દેખાયો; બીજી પાસ, સરલા અને દર્શન પણ, જતાં દેખાયાં. ગુનેગારને અને તેની પત્નીને લોકોએ ઓળખી લીધાં. અદાલતની બહાર સહુ કોઈ નીકળ્યાં અને એકાએક જગજીવનદાસ શેઠની કાર જતી જતી ઉભી રહી. દર્શન અને સરલાને જતાં જઈ, ઊભી રાખેલી કારમાંથી જગજીવન શેઠે કહ્યું :

‘અંદર આવી જાઓ, બન્ને જણ.'

‘ના જી; અમે બીજી ગાડી લઈ લઈશું.' દર્શને કહ્યું.

સરલામાં તો બોલવાના કે ચાલવાના હોશ પણ રહ્યા ન હતા. જગજીવનદાસે ફરી કહ્યું :

‘હું ઠીક કહું છું, બેસી જાઓ અંદર, આ. ટોળામાં જવાને બદલે.'

દર્શન અને સરલા બન્ને જણ શેઠની ગાડીમાં બેસી ગયા. ઉતાવળમાં સરલા શેઠ જોડે બેસી ગઈ. એ જ વખતે બાજુએ થઈ પોલીસ સાથે જતા કિશોરે ત્રણેને સાથે બેઠેલાં જોયાં. અને તેનાથી નિઃશ્વાસ. નાખી દેવાયો. ગુનેગારને તો કદી થાક લાગતો નથી. એણે તો પગે ચાલવાનું હોય છે. પગે ચાલીને કિશોર કેદખાને પહોંચી ગયો. ત્યાંની બધી વિધિનો તેણે અનુભવ કર્યો. કેદીનો પોશાક પણ તેને આપવામાં આવ્યો. બીજા કેદીઓ નવા આવેલા જુદા પડતા કેદીને જોઈ રહ્યા. કિશોરે પણ સહુના સામે જોયું અને રુક્ષપણે હસીને એક કેદી આગળ પોતાના મનનો ઊભરો સહજ કાઢ્યો :

‘ભાઈ ! સચ્ચાઈએ મને ઠીક મુસાફરી કરાવી. ઘર, નોકરી અને અદાલતમાં થઈને અંતે કેદખાને પહોંચાડ્યો !'

‘અહીં બધી સચ્ચાઈ ભુલાઈ જશે !' કેદીએ જવાબ આપ્યો.

‘અને બહાર જઈશું ત્યારે અહીંની હવા સાથે લઈને જઈશું.' બીજા કેદીએ હસીને જવાબ આપ્યો.

'ત્યાં સુધી આ નવી દુનિયા અને આ નવા દોસ્તો !' કહી કિશોર પોતાની કોટડીમાં ગયો. કોટડીમાં કીડીઓની એક હાર ભીંત ઉપર જામી ગઈ હતી. એ નિહાળી કિશોરના મનમાં વિચાર ઊઠ્યો :

‘માનવીની ગરીબી અને ગંદકીનાં આ સાક્ષી ! નહિ નહિ, ગરીબી અને ગંદકીની પરવા કર્યા વગર જીવન ગુજારતા એ તો મસ્ત જીવ !'

કિશોર આમ કેદખાને સમાઈ ગયો.