ત્રિશંકુ/પગની ઠેસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચાલીના સૌંદર્યમાંથી ત્રિશંકુ
પગની ઠેસ
રમણલાલ દેસાઈ
દોજખમમાં વિદ્યુત → 
પગની ઠેસ
 


ભાઈ ભાભીની આજ્ઞા માનવા તારા ટેવાઈ ગઈ હતી, કારણ એ બન્નેની માગણી આજ્ઞાના રૂમમાં કદી પ્રગટ થતી નહિ. તારાનું ભણતર હજી ચાલુ જ હતું, અને એ ભણતર પોતાના ભાઈભાભીની કૃપા ઉપર જ નભતું હતું એનો ખ્યાલ પણ તારાને હતો. અને જેમ જેમ તેનું વય વધતું જતું તેમ તેમ તેનું એ ભાન વધારે અને વધારે જાગૃત થતું જતું. દર્શન કિશોરના ઘરમાં મહેમાન હતો ત્યારે અને અત્યારે પડોશી બની રહ્યો હતો ત્યારે પણ તારા દર્શનની પાસે કાંઈ ને કાંઈ શીખતી. કાંઈ ને કાંઈ વાતો કરતી અને તેની પ્રવૃત્તિઓમાં રસ લેતી હતી. અત્યારે દર્શનની ઓરડીમાં આવતાં બરોબર બાળકોને મોકલી તેને બોલાવી લેવામાં આવી એમાં દર્શન સાથેના તેના વ્યવહાર ઉપર રખાતી વડીલોની સાચવણી અને ભાળવણીનું પ્રથમ જ્ઞાન અને ભાન તારાને થયું.

સહજ સંકોચાઈને તારા પોતાની ઓરડીમાં આવી. તેની ભાભી સરલા ચટાઈ ઉપર બેઠે બેઠે કાંઈ કરી રહી હતી, અને તેનો ભાઈ કિશોર આરામખુરશી ઉપર શૂન્ય મનથી બેઠો બેઠો એક સિગારેટની ધૂણીનાં વર્તુલ ઉપજાવી રહ્યો હતો. તારાના હાથમાં પુસ્તક રમતું હતું, અને શોભા તથા અમર પણ હસતાં રમતાં સાથમાં જ હતાં. સરલા શું કરતી હતી ? પૈસાની નાની મોટી ઢગલીઓ ? આ રમત કેવી ? તારાએ સઘળું એકસહ જોઈ પૂછ્યું :

'કેમ ભાભી ? મને કેમ બોલાવી ?'

'જરા બેસો મારી પાસે તમારે પણ ઘર ચલાવતાં શીખવું પડશે ને? આજ નહિ તો બે વર્ષ પછી..જુઓ ! આટલા રૂપિયા ભાડાના; આ દાણાના બિલ પેટે; આ ઘી, દૂધ અને ઘાસલેટના જુદા..... અને આ જુઓ, તારાબહેન ! આ કોને માટે અલગ મૂકતી હોઈશ? કહો જોઈએ ?' સરલાએ રૂપિયાની જુદી જુદી નાનકડી ઢગલીઓ અલગ કરતાં કરતાં કહ્યું.

ભણતરના સ્વતંત્ર દેખાતા આકાશમાં ઊડતી તારાને ગૃહવ્યવસ્થાનો આ વાસ્તવવાદ જરા અટપટો લાગ્યો ખરો. પ્રશ્નનો ઉત્તર આપતાં ગૂંચવાયલી તારાએ જવાબ આપવાની હિંમત કરી કહ્યું : 'કહું, આ રકમનું શું કરશો તે? ભાઈના સૂટની વાત થતી હતી ને? એમાંથી, ભાભી ! ભાઈનો સૂટ થશે !'

સરલા હસી પડી. એણે કહ્યું :

'ખોટાં પડ્યાં, તારાબહેન ! નવા સૂટની આ વર્ષે જરૂર નથી. મેં જૂના સૂટ નવા જેવા બનાવી દીધા છે !'

'ત્યારે ?...આ શોભાને ઓઢણીનું બહુ મન થાય છે. ચાંપલીને ! એમાંથી શોભાની ઓઢણી આવશે.' તારાએ કહ્યું.

'ના, ના, હજી એને ઓઢણીની વાર છે.’

'પછી તો... મને કાંઈ સમજાતું નથી...'

'જૂઓ ! મારે એક નાની સરખી નણંદ છે....'

'મારી વાત કરો છો. હું નાની ?... આવડી મોટી થઈ તોય!' '

'હાસ્તો ! ભણે કોણ? નાનું હોય તે જ ને ?'

'અઢાર-વીસ વર્ષ સુધી ભણનારને નાનું કેમ કહેવાય ?'

'ખરી વાત કહું ?... છોકરા-છોકરી પરણે નહિ ત્યાં સુધી નાનાં જ રહે છે. તમે તો હજી મને આ શોભા જેવડાં જ લાગો છો !'

‘ભલે ! પણ આ રકમને અને મારે શું ?'

'કેમ નહિ ? મેં એક સરસ બ્લાઉઝનું કપડું તમારે માટે જોઈ રાખ્યું છે. આ રકમમાંથી આ મહિને મારી નાની નણંદ માટે કપડું આવશે.' સરલાએ અત્યંત આનંદપૂર્વક તારા સામે જોઈ કહ્યું. તારાને આનંદ જરૂર થયો. પરંતુ એ આનંદ તેણે પોતાના મુખ ઉપર પૂરો પ્રગટ થવા ન દીધો, અને માત્ર સરલા સામે તે જોઈ રહી. સરલાએ એકાએક તેને ગળે હાથ નાખી પોતાની પાસે લીધી અને કહ્યું :

'બીજું કંઈ મન છે, તારાબહેન ?'

'ના, ભાભી !'

‘ત્યારે બોલ્યાં કેમ નહિ કશું?'

'ભાભી! તમને જોઉં છું અને મને મા યાદ આવે છે. તમે મારાં મા જ છો, ભાભી !'

'પરણ્યા પછી એટલું યાદ રાખજો... હમણાં જરૂર નથી. અને જો, અમર ! આમાંથી તારા બૂટને અડધું તળિયું નખાવી લઈશું.' એક રૂપિયો જુદો મૂકતાં સરલાએ કહ્યું.

'નવા બૂટ નહિ, મા?' અમર હજી નવાજૂના શૂટની કિંમત કરે એવડો ન હતો. છતાં એની દ્રષ્ટિમાં નવા બૂટ રમી રહ્યા હતા. 'ના. આ મહિને નહિ... અને શોભા ! તારી નોટબુક અને પેન્સિલ માટે તું બૂમ પાડતી હતી ને ?... આમાંથી એ લઈ આવજે.... છોકરાંનું ભણતર પણ શું મોંધું થતું જાય છે ?...' સરલા બોલી ઊઠી.

'ભાભી ! બી.એ.નું પરિણામ આવતાં બરોબર હું નોકરી શોધી કહાડીશ.' તારાએ કૌટુંબિક આર્થિક સ્થિતિનો ખ્યાલ આવતાં કહ્યું.

'એટલામાં તો તમે પરણી ગયાં હશો.' સરલાએ કહ્યું.

'પરણ્યા પછી નોકરી ન થાય શું ?' તારા બોલી.

'ના, સ્ત્રીઓથી નોકરી ન થાય.'

‘હવે તો સ્ત્રીઓ નોકરી કરવા લાગી છે... પશ્ચિમમાં તો ખાસ !'

'પશ્ચિમના પુરુષો હશે એવા નિર્માલ્ય ! જે ઘરની સ્ત્રીઓને નોકરી કરવી પડે એ ઘરમાં પુરુષો વસતા જ નહિ હોય.' સરલાએ સ્ત્રીપક્ષે સખ્ત કથન ઉચ્ચાર્યું, અને કિશોરની સિગારેટનો ધુમાડો વધી ગયો.

'પણ, મા ! હજી તો આ બીજા પૈસા બચ્યા છે. એનું શું કરીશ ?' શોભા પણ કૌટુંબિક આર્થિક ઘટનામાં રસ લેવા લાગી.

'એટલી પ્રભુની કૃપા ! થોડા પૈસા તો આપણે બચાવવા પડશે ને ? લાવ પેલી આપણા ઘરની બેન્ક !' સરલાએ પુત્રીને જવાબ આપ્યો અને શોભાએ દોડીને એક કબાટ ઉઘાડી એમાંથી નાની કૅશ બૉક્સ' કાઢી. એને ખખડાવતી શોભાએ સરલા પાસે તે મૂકી દીધી. બાકી રહેલી રકમ 'કૅશ બૉક્સ'ના એક બાંકામાંથી નાખવાની તૈયારી કરતાં સરલાએ કહ્યું :

'જુઓ. હવે આમાંથી કોઈને કાંઈ આ મહિને મળશે નહિ.'

'આટલા બધા તો પૈસા ખખડે છે ! એનું શું કરીશ મા ?' શોભાએ પૂછ્યું. પેટીમાં ખખડતા રૂપિયા, આઠ આના, ચાર આનીઓ અને પૈસા શોભાને મન ઘણી ભારે રકમ હતી !

'કહું શું કરીશ તે? આ તારી ફોઈનાં લગ્ન કરવાનાં છે ને !... એમાં મારે રેશમી સાડી પહેરવી પડશે... એ લઈશ આ પેટીમાંથી !' સરલાએ હસતાં હસતાં કહ્યું અને તારાએ મુખ ચઢાવી સરલાની જાંઘ ઉપર એક થપાટ મારી. સ્ત્રીઓને માટે લગ્ન સિવાયનું બીજું કશું ભાવિ જ નહિ શું ? થપાટ ઠીકઠીક લાગી અને હસતી સરલાએ ક્ષણ માટે જાંઘ પંપાળતાં પૈસા પેટીમાં મૂકવાનું મુલતવી રાખ્યું.

એકાએક ઓરડીનું બારણું ખખડ્યું. તારાએ ઊઠીને બારણું ખોલ્યું. ખાખી પોશાક પહેરેલા એક માણસે પ્રવેશ કર્યો અને તારાએ પૂછ્યું :

‘શું છે? ક્યાંથી આવો છો ? કોનું કામ છે ?' 'ડૉક્ટર સાહેબે આ બિલ મોકલ્યું છે.' ખાખી પોશાકધારી માણસે કહ્યું.

'અરે હા ! લાવો ! એ તો હું ભૂલી ગઈ.' સરલાએ કહ્યું, અને તારાએ આવેલા માણસ પાસેથી બિલનું કાગળિયું જોઈ સરલાના હાથમાં મૂકી દીધું. સરલાનું કપાળ સહજ સંકોચાયું, અને પેટીમાં નાખવા ધારેલા પૈસામાંથી થોડા તારાના હાથમાં મૂકી તેણે બિલ લાવેલા માણસને કહ્યું :

'બધા તો નહિ... આ વખતે આટલા લઈ જાઓ... બાકીના આવતે મહિને...'

તારાએ પૈસા લઈ પેલા માણસને આપ્યા. પૂરા પૈસા મળવાની આશા રાખતો ડૉક્ટરનો ઉઘરાણીદાર જરા ખમચ્યો, તારા તથા સરલાની સામે ક્ષણભર જોઈ રહ્યો અને કાંઈ પણ બોલ્યા વગર આપેલા પૈસા લઈ ચાલતો થયો. હજી ડૉક્ટરો પોતાની ઉઘરાણી માટે પઠાણો કે ભૈયા રાખતા થયા નથી, જોકે કેટલીક વાર એ અખતરો અજમાવવાનું ડૉક્ટરોને મન થાય છે ખરું !

તારાએ માણસની પાછળ બારણું પાછું ખાલી બંધ કર્યું અને આવી જરા ઉદાસ ચહેરે ભાભી પાસે બેસી ગઈ.

અંધારું થયું હતું. શોભાએ વીજળીનો દીવો સળગાવ્યો. એક અક્ષર પણ બોલ્યા વગર આરામખુરશી ઉપર બેઠે બેઠે સિગારેટ પૂરી કરી રહેલા કિશોરે જરા ટટાર બની બીજી સિગારેટ કાઢી. અને સળગાવી ન સળગાવવી, એવી કોઈ દ્વિધા-વિચારમાં ગૂંચવાયલા લાગતા કિશોરે અંતે સિગારેટ સળગાવી પોતાની પૂર્વવત્ શૂન્ય સમાધિ ધારણ કરી લીધી. સરલાની નજર કિશોર તરફ વારંવાર ફરતી હતી. એના ધ્યાનમાં કિશોરનું એક પણ હલનચલન આવ્યા વગર રહેતું નહિ. સરલાએ વાણીમાં જરા ઉત્સાહ લાવી પૈસા ગણી જોઈ પેટીમાં નાખવા જતાં કહ્યું :

'ચાલો ! આટલા તો પેટીમાં મુકાશે જ ને ? એટલા બચે તોય બસ !'

કૌટુમ્બિક જીવનમાં ઉત્સાહ પ્રેરવાની પ્રત્યેક ગૃહિણીની વૃત્તિ હોય જ. એ વૃત્તિ ન હોય તો અનેક ઘર ભગ્ન બની રહે; પરંતુ સરલાએ જોયું કે એનાં ઉત્સાહપ્રેરક વાક્યો એ કિશોરના શૈથિલ્યને ચાલુ જ રાખ્યું ! ઉપરાંત એણે કદી નહિ ધારેલો શ્વાસ લેતી તારાને એણે સાંભળી. તારાની સામે જોતાં સરલાને લાગ્યું કે તારાએ લીધેલો ઊંડો શ્વાસ એ નિ:શ્વાસ જ હતો, અને તારાના મુખ ઉપર નિઃશ્વાસને જ યોગ્ય ઉદાસીનતા છવાયલી હતી ! ગૃહિણી જરા ચમકી. કુટુંબ ગુજારો થયા કરતો હતો, જોકે એમાં દર મહિને કાંઈ અને કાંઈ મુશ્કેલી આવતી. જમા પાસું વધારવાના - અરે ઉઘાડવાના -બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા એ સાચી વાત. અને એ નિષ્ફળતા વાગતી પણ ખરી. પરંતુ એ વાગતી સરલાને... અને કિશોરને. આર્થિક પ્રહાર હજી કુટુંબીજનો - બાળકો - સુધી પહોંચ્યો ન હતો, અને એ ન પહોંચે એનો ભગીરથ પ્રયાસ પતિ-પત્નીનો હતો જ. તારાના નિઃશ્વાસે સરલાને ચમકાવી, પૈસા પેટીમાં નાખવાને બદલે હાથમાં જ રાખી સરલાએ પૂછ્યું :

'કેમ, તારાબહેન ! કેમ નિસાસો નાખ્યો ?'

'કાંઈ નહિ, ભાભી ! અમસ્તું જ.' તારાએ ઊંડો શ્વાસ લઈ કહ્યું.

'મારા સમ, જો મને ન કહો તો.'

'ભાભી ! બીજું બધું કરજો પણ તમારા સમ કદી ન ખાશો... મારી ભાભી ચિરંજીવી રહે !' સહજ હાલતા કંઠે તારા બોલી.

'તારાબહેન ! શાનું ઓછું આવ્યું ? મારી બહેન નહિ ! કહી દો મને.' તારાને ગળે હાથ નાખી સરલાએ આગ્રહ કર્યો.

તારાની આંખમાં સહજ ઝળઝળિયાં આવી ગયાં. એનાથી કાંઈ બોલાયું નહિ. સરલાએ જરા રહી પાછું કહ્યું :

'મને તો તમે ચિરંજીવી રહેવા કહો છો, ખરું?'

'હા.'

'પણ જાણો છો ?... તમને જરાય ઓછું આવે તો મને જીવવું જરાય ગમે નહિ !' સરલા બોલી.

કિશોર પોતાની ખુરશીમાં સહજ હાલ્યો. એની આસપાસ ધૂમ્રવર્તુલ વધી રહ્યાં - જોકે એણે નણંદભોજાઈની વાતચીતમાં કશો ભાગ લેવાનો પ્રયત્ન કર્યો નહિ.

'ઓછું તો કાંઈ નહિ, ભાભી !... પણ...' તારા બોલતાં બોલતાં અટકી ગઈ.

'કહી નાખો, મને ! આજે થયું છે. શું તમને ? કોઈ દિવસ નહિ ને આજ?’

'ભાભી ! જેટલા પૈસા તમે તમારી આ “બૅન્ક"માં મૂકવા જાઓ છો એથી વધારે આ મહિને તમારે કહાડવા પડશે.' તારાએ કહ્યું. બૅન્કના બહુ ભારે નામથી ઓળખાતી સિલક કે બચાવપેટીની પરિસ્થિતિનું રહસ્ય આજ તારાને દુ:ખ સાથે જ્ઞાત થયું હતું.

'કેમ ? શા માટે ?' સરલાને સમજ ન પડી. ગયે મહિને પતિ પાસેથી આખી આર્થિક વ્યવસ્થાની જવાબદારી પોતાને માથે ઉપાડી લેવાનું સરલાએ વચન માગ્યું હતું, અને પતિએ અવિશ્વાસભર્યા સ્મિતસહ વચન આપ્યું પણ હતું ! પગારમાંથી થોડી રકમ પણ બચાવી શકાય એવી તમન્ના સ્વાભાવિક રીતે સરલાના હૃદયમાં જાગી હતી.

'પરીક્ષાનું ફૉર્મ ભરવાની રકમ આ મહિને જ આપવી પડશે !.. ભાભી ! આટલી પરીક્ષા પસાર કરી દઉં... પછી આગળ ભણવું નથી !' તારાએ સરલાને જવાબ આપ્યો.

બિલ પાછાં વાળી શકાય; એના પૈસા ન ભરવાનું બહાનું ચાલી શકે, પરંતુ પરીક્ષાના ફોર્મ માટે તો કશું જ બહાનું ચાલી શકે એમ ન હતું. પેટીમાં પૈસા મૂકવાના હતા એના કરતાં વધારે રકમ ફોર્મ માટે આપવાની હતી એ શૂન્ય ઉપજાવતું સત્ય સરલાને સમજાયું, અને આર્થિક લગામ હાથમાં લીધી હતી એ એકાએક હાથમાંથી પડી જતી હોય એમ સરલાએ અનુભવ્યું. છતાં હૃદયને વેગ આપી મુખ ઉપર જરા કૃત્રિમ સ્મિત લાવી સરલાએ કહ્યું:

'ચાલો; કાંઈ નહિ ! એ તો આપણા જ મહિનાનો ખર્ચ છે ને ?... છતાં તમે એમાં આગળ ભણવાની કેમ ના પાડી શકો ?'

'ભાભી ! મારું ભણતર-ભારણ ક્યાં ઓછું છે ?' તારાએ કહ્યું.

'હોય ! વર્ષ બે વર્ષમાં પૂરું થશે.'

'બે વર્ષનું ભણતર એટલે... ઓછામાં ઓછા બે હજાર તો ખરા જ ને ?'

'આજ સુધી મળ્યા છે તે હવે પણ મળી રહેશે...'

'મેં તો ભાભી ! નક્કી કર્યું છે કે આટલી પરીક્ષા પછી મારે કૉલેજ છોડવી જ.'

અત્યાર સુધી વગર બોલ્યે, વગર હાલ્યેચાલ્યે આરામખુરશી ઉપર આરામ કરી રહેલો કિશોર ખુરશી ઉપરથી ઊભો થયો. ભાભી-નણંદ બહસ કરતાં હતાં ત્યાં આવી ઊભો રહ્યો. એક ક્ષણભર એણે તારા સામે જોયું, સહજ સ્મિત કર્યું અને અત્યંત ભાવપૂર્વક તેને માથે હાથ મૂકી બોલ્યો.

'અને બહેન ! અમે બન્નેએ ક્યારનું નક્કી કર્યું છે કે તારે તારું કૉલેજનું શિક્ષણ પૂરું જ કરવું !.... બોલ, હવે કાંઈ કહેવું છે ? તારે તારો નિશ્ચય પાર પાડવો છે અમારો ?'

તારાથી કાંઈ બોલી શકાયું નહિ. તેનો કંઠ બંધ થઈ ગયો હતો. આવાં સ્વસુખનો ભોગ આપી બહેનની શિક્ષણપાત્રતા વધારવા કતનિશ્ચયી બનેલાં ભાઈ-ભોજાઈ બહુ થોડી કન્યાઓને મળે છે - અને તે પણ માતાપિતાના સ્વર્ગવાસ પછી ! કિશોરને અશ્રુપ્રેરક પ્રસંગ કે શબ્દ ગમતા નહિ. એ ટાળવા તેણે કહ્યું:

'જાઓ છોકરાં ! હવે ખેલો જમવાનો સમય થાય ત્યાં સુધી. બહેન ! જરા રાખને છોકરાંને તારી પાસે !'

છોકરાં બન્ને આમતેમ રમતાં હતાં. બહાર રમવાને જાય એટલામાં તો શોભાની કાળી બિલાડી ક્યાંઈકથી દોડી વચ્ચે આવી શોભાના પગ સાથે અથડાઈ. અથડાતાં બરોબર એણે 'મિયાઉ'નો કુદરતદીધો ઉદ્‌ગાર પણ સહુને સંભળાવ્યો અને તેને ટપલી મારી હાથમાં લેતાં લેતાં શોભા બોલી :

'બોલ્યાં કે પાછાં? સતી તારામતી !... દૂધ તો હમણાં પીધું છે !'

માનવીનાં કુટુંબોમાં એકલાં માનવી જ નથી હોતાં. માનવીનાં કેટલાંય પશુમિત્રો કુટુંબી બની રહે છે. કિશોરના કુટુંબના દૂધમાં સારો ફાળો મેળવનાર બિલાડી પણ એક કુટુંબી હતી. એ તો ઠીક, પરંતુ, બિલાડીના નામે સરલા અને કિશોર બન્નેને આશ્ચર્ય ઉપજાવ્યું.

'સતી ?' સરલાએ આશ્ચર્યચકિત બની પૂછ્યું.

‘તારામતી ? એટલે શું ?' કિશોરે પણ જરા નવાઈ પામી પ્રશ્ન કર્યો. છોકરાને લઈ જવાને બદલે તારા જરા છણકો કરી બોલી :

'જુઓ ને, ભાભી ! બે દિવસથી આ બન્ને છોકરાં મને આમ ચીડવી રહ્યાં છે !.. આ કાળી કાળી બિલાડીને મારે નામે બોલાવે છે !'

'નહિ, મા ! એ તો પેલા દર્શનભાઈ છે ને ? એમણે અમારી બિલાડીનું નામ પાડ્યું છે !' નાનકડો અમર બોલ્યો.

'અને “સતી તારામતી” એ એનું નામ.' શોભાએ સ્પષ્ટતા કરી.

'જાઓ, ભાગો હમણાં ! તમારી બિલ્લીને લઈને !' કિશોરે બાળકોને આજ્ઞા આપી.

પરંતુ કિશોરની એ આજ્ઞામાં ખાસ બળ ન હતું. બાળકોની સાથે કાંઈ બોલવું હતું અને તેમને આ વાતાવરણમાંથી સહજ દૂર કરવાં હતાં એટલો જ એનો ઉદ્દેશ આજ્ઞામાં હતો. એટલામાં પાસેની જ ઓરડી આગળ કાંઈ બૂમ સંભળાઈ અને કોલાહલ પણ સંભળાયો. એટલે કિશોરે બાળકોને કહ્યું :

'જુઓ ને શાની ધમાલ ચાલે છે ? તમારા દર્શનભાઈની કાંઈ કરામત ન હોય !' દર્શન બન્ને બાળકોનો માનીતો હતો. એક અગર બીજે બહાને દર્શનની ઓરડીમાં જઈ તેની સાથે વાતો કરવી એ શોભા તથા અમરનો નિત્ય વ્યવસાય બની રહ્યો હતો. એની ઓરડીના બારણા પાસે મોટેથી વાતો ચાલતી હતી. બાળકો માતાપિતા પાસેથી ગયાં અને તારા પણ બહાર ગઈ – ભાભી તથા ભાઈને એકલાં છોડવા માટે.. છતાં કોણ જાણે કેમ, કોઈ દિવસ નહિ અને આજે તેને બારણા પાછળ ઊભા રહેવાનું મન થયું. એ ઊભી રહીને કાંઈ સાંભળવા ચાહતી હતી એટલે એની પાછળ બન્ને બાળકો પણ હાલ્યા ચાલ્યા વગર ઊભાં રહ્યાં.

સંતાઈને સાંભળતી તારાએ થોડી જ ક્ષણોમાં પોતાના ભાઈ કિશોરનો કંઠ સાંભળ્યો :

'સરલા ! આ હવે છેલ્લી સિગારેટ હોં!' કહી સહજ હસી કિશોર બીજી પાસની બારીમાં સળગતી સિગારેટ હોલવીને નાખવા જતો હતો. એનો હાથ ઝાલી એને સિગારેટ ફેંકી દેતાં અટકાવી સરલાએ કહ્યું :

'હાં, હાં ! કાંઈ કારણ?'

'તને હજી કારણ સમજાયું નહિ ?'

'ના. ઘરખર્ચમાં તમારી સિગરેટનો ખર્ચ ક્યારનો ગણી લીધો છે.'

'હવે એ ન ગણીશ.'

'આટલો નજીવો શોખ છે એ પણ છોડવો છે ?'

‘તું તો એને વ્યસન કહેતી હતી ને ?'

'હવે નહિ કહું... મારી ખાતરી થઈ કે એ વ્યસન નહિ પણ માત્ર શોખ છે !'

‘તને એ સિગારેટ કદી ગમી નથી.'

‘આજ મને ગમશે... અને હું હવે કહું ત્યારે એ શોખ છોડવો; તે પહેલાં નહિ !'

'સરલા ! જે મહિને પગારમાં કશી જ બચત ન થાય એ મહિને શોખ થાય ખરો ?' કિશોરે કહ્યું. એનો પ્રશ્ન સાંભળી સરલાએ કિશોરનો હાથ છોડી દીધો અને કહ્યું.

‘વારુ... આજથી મારું દૂધ પણ બંધ !'

કિશોરના મુખ ઉપર વિષાદભર્યું સ્મિત રમી રહ્યું. જીવનમાં કઈ આશા પાંગરી ને ફળીભૂત બની ? એકે નહિ ! શ્રેણી વધતી જતી હતી... વધાઈની નહિ, મનાઈની ! એક અંતિમ મનાઈ પણ ભલે આવી જાય ! 'અને... સરલા! એક વાત પૂછી લઉ.... કોઈ નથી એટલે ?' કિશોરે કહ્યું.

'કોઈ હોય તોય શું? પૂછો ને?' સરલાએ વધારે ઉદારતા દર્શાવી.

'બધાં સામે પુછાય એમ નથી... જો... શોભા અને અમર એ બે આપણાં બાળકો !'

'હં... તે ?... ભણે-ગણે અને સુખી થાય... બીજું શું ?’ સરલાને સમજ ન પડતાં પતિના કથનનો ઉત્તર વાળ્યો.

'એ ભણે-ગણે અને સુખી થાય એવી તારીયે ઈચ્છા અને મારીયે ઇચ્છા.'

'આપણે જીવીએ છીએ એ જ સારું !'

'એ બે માટે જ જો આપણે જીવતાં હોઈએ તો.. સરલા ! હવે ત્રીજું બાળક ન જ હોય તો એ બને !' કિશોર સરલાની સામે જોઈ રહ્યો. સરલા પણ કિશોરની સામે જ જોઈ રહી... વધારે નહિ... ક્ષણ બે ક્ષણ માટે. ચાલીઓમાં, નાનકડી ઓરડીઓમાં તારામૈત્રક લાંબાં ન જ ચાલે ! બન્નેને લાગ્યું કે એકબીજાના દેહમાં હજી સૌન્દર્ય ભરપૂર ભર્યું છે, સૌન્દર્યનો ઉપભોગ એટલે જ પ્રેમ ! પરસ્પરની સંમતિ ભલે એમાં આવશ્યક હોય ! સૌન્દર્યને ઠેશ મારનાર કાં તો યોગી હોય કે કાં અપ્રેમી હોય ! ઉપભોગની લાલસામાં માનવસૌન્દર્ય પણ ક્યાં સુધી લંબાવાતું હશે તે કોણ જાણે ? સરલાએ આંખ ખસેડી લીધી અને કહ્યું :

'કોણે ના કહી ?... અને ના ન હોય તોય... આ મોટાં થતાં છોકરાં અને નાની બનતી ઓરડીઓ વચ્ચે નાનપણની ઘેલછા તો ઘટી જ જાય ને?'

સરલાએ મુખ ખસેડી લીધું ! નગર ચાલીઓમાં પ્રેમને યોગનું સ્વરૂપ ધારણ કરવું પડે છે. કિશોરે પણ મુખ ફેરવી લીધું ! ચન્દ્ર અને સૂર્ય બંનેએ જાણે એકબીજાની લાજ કાઢી ! તારા અર્ધખુલ્લા બારણા પાછળથી વાત સાંભળતી હતી ! છૂપી વાત સાંભળવાનું મહાપાપ એ કરી રહી હતી ! બંને બાળકો રમતિયાળ ફોઈની રાહ જોતાં એની પાછળ જ ઊભાં હતાં. એમને આ વાતરહસ્યની સમજ પડી નહિ. પરંતુ તારાને સમજ પડી ખરી! તેની આંખ એ રહસ્યના સ્પર્શથી જરા મોટી બની ગઈ. ગંભીર મુખ કરી તેણે બંને બાળકો સામે જોયું. અત્યાર સુધી શાંત રહેલી બિલાડીથી હવે વધારે શાંતિ જળવાઈ નહિ. એણે 'મિયાંઉ'નો ઉદ્દગાર કરી પોતાની હાજરી સ્પષ્ટ કરી. સરલાએ અને કિશોરે બંનેએ બારણા તરફ જોયું. ઓરડી બહારના વધતા જતા ઘોંઘાટ તરફ બે-ત્રણ પડછાયા સરી જતા દેખાયા; સરલા બારણા તરફ જવા આગળ વધી.

એના પગ પાસે એની બૅન્ક-કૅશબૉક્સ' કે પેટી પડી હતી તેને સરલાના પગની ઠેસ વાગી ! ભલે વાગી. એમાં હતું પણ શું ? આની બે-આની અને પૈસાના ખખડાટ સિવાય ?