ત્રિશંકુ/પ્રતિષ્ઠામાંથી ગુનામાં

વિકિસ્રોતમાંથી
← ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરી ત્રિશંકુ
પ્રતિષ્ઠામાંથી ગુનામાં
રમણલાલ દેસાઈ
ચૌટે−ચકલે →


૧૮
 
પ્રતિષ્ઠામાંથી ગુનામાં
 

રાત્રિના અંધકારમાં આખું નગર સૂતું હતું. ઝાંખો ઝાંખો દીવા અંધકારની છાયાને વધારતા હતા. દીવાની આસપાસ કદી કદી ચામાચીડિયાં ઊડતાં હતાં.

અંધકારમાં આંખ ટેવાય તો તે ધાર્યા કરતાં ઘણું વધારે જોઈ શકે. નગરોમાં કોઈ કોઈ સ્થળે વૃક્ષ પણ. દેખાઈ આવે. ધારીને જોનારને વૃક્ષના અવ્યવસ્થિત સમૂહમાં વાગોળો ઊંધી લટકતી પણ દેખાઈ આવે ખરી !

એકાદ ઊંચા મકાનના ઊંચા ભાગમાં ઘુવડ આંખો ચમકાવતું બેઠું હતું.

સિનેમાગૃહમાંથી કેટલાંક માણસો બહાર પડી ચૂક્યાં હતાં, ને અંધકારમાં રસળતાં રસળતાં અનુકૂળ સ્થળે અદૃશ્ય થઈ જતાં હતાં.

દીવા છતાં, હિંસક પક્ષીઓ જાગ્રતા હોવા છતાં, રસિક પુરુષોની આછી અવરજવર હોવા છતાં, વાતાવરણમાં અંધકારનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું.

નગરોમાં અપ્રતિષ્ઠિત લત્તાઓ હોય છે. અને અપ્રતિષ્ઠિત

લત્તાઓમાં અતિષ્ઠિત ગૃહો પણ હોય છે. એવા એક ગૃહમાંથી ચારપાસ જોતો. પોતાની જાતને છુપાવવા ફરતો એક યુવાન જરા લથડતે પગે બહાર નીકળ્યો અને તેની પાછળ એક કદરૂપી વૃદ્ધાએ બારણું બંધ કર્યું. એ કદરૂપી વૃદ્ધા બારણું બંધ કરતે કરતે. એ યુવકની પાછળ આછું હાસ્ય કરી રહી હતી. એનું હાસ્ય પણ, વાતાવરણને કદરૂપું બનાવી રહ્યું હતું.

એ યુવાને પંદરેક ડગલાં ભય નહિ હોય એટલામાં અંધકારના એક ખૂણામાંથી એક કૂર માનવી બહાર નીકળી આવ્યો. તેણે તરાપ મારી, લથડતા પગવાળા યુવાનને સામેથી પકડયો અને તેની છાતીમાં છરી ભોંકવા મથન કર્યું.

કોણ જાણે કેમ પણ. એકાએક કિશોર અંધકારમાંથી બહાર નીકળી આવ્યો અને તેણે છરીવાળા ઉગામેલા. હાથને પકડી છરી ઝૂંટવી લીધી. છરી ગુમાવી બેઠેલા માણસે ડગમગતા યુવાનને કહ્યું :

'આજ ભલે બચી ગયો; હવે તું બચવાનો નથી.. તું જ મારા પ્રેમની આડે આવે છે.' આટલું બોલી તે માણસ અદ્રશ્ય થઈ ગયો અને કિશોરથી હસી પડી બોલી જવાયું :

'પ્રેમ ? આ સ્થળે? પ્રેમની આડે આવવું ?'

‘તેના આછા હાસ્યને ન ગણકારી ઊગરી ગયેલો યુવાન બોલ્યો :

'ભાઈ ! તમે ખરે વખતે આવી પહોંચ્યા. મને ઉગારવા માટે તમારો આભાર માનું છું.'

‘આભારની જરૂર નથી. તમને બચાવવા માટે નહિ પરંતુ છરી ખૂંચવી લેવા માટે હું વચમાં પડ્યો. મજબૂત લાઠી. મારી પાસે છે. મારે છરીની જરૂર હતી... તે મળી ગઈ... હવે કહો, યુવાન ! શું છે તમારા ખિસ્સામાં ?' કહી કિશોરે એ જ છરી દેખાડી. યુવાનના ખિસ્સા ઉપર હાથ ફેરવવા માંડયો. ગભરાયેલા યુવાને કહ્યું :

'પંદર વીસ રૂપિયા ખિસ્સામાં પડયા છે. જોઈતા હોય તો લઈ જાઓ.’

‘નહિ જોઈએ. મારે એટલી રકમ ! મારે હજારોની જરૂર છે ! તમને મારીને મારે છરીને સોંઘી બનાવવી નથી.. અરે, આ તો જગજીવન શેઠનો દીકરો ! કેમ ખરું ને યુવાન ?' કિશોરે કહ્યું અને ભયંકર અટ્ટહાસ્ય કર્યું.

યુવાન ભય પામી ભાગી ગયો. વાતાવરણમાં અંધકાર વ્યાપ્યો. એટલામાં બે પોલીસના માણસોએ આવી ટૉર્ચનો પ્રકાશ નાખ્યો. કિશોર પ્રકાશમાંથી અંધકારમાં અદૃશ્ય થઈ ગયેલો દેખાયો.

રાત્રે અંધકારની ખોટ હોતી નથી. પ્રકાશ પણ અંધકારની સહાયે ઊભો રહેતો દેખાય છે. અર્ધ અંધકાર અને અર્ધ પ્રકાશની ભૂલભૂલામણીનું રમતક્ષેત્ર બનતાં કેટલાંક મકાનોમાંથી એક મોટા મકાનને તાળું વાસેલું હતું. એ તાળા ઉપર એકાએક છરી ૨મતી દેખાઈ. છરીની પાછળ એક હાથ પણ સફાઈપૂર્વક મથન કરતો દેખાયો. અને હાથની પાછળ કિશોરનું ક્રૂર બની ગયેલું મુખ દેખાયું. કસબી કારીગરની આવડત એ હાથમાં કદાચ નહિ હોય તેથી તાળું જરાક ખખડયું, અને ઓટલાને એક ખૂણે સુતેલા પહેરેગીરે આળસ મરડી અને તે બેઠો થયો. બેઠા થતે થતે પહેરેગીર બોલ્યો :

'શું છે કોણ જાણે અત્યારે, ગામમાં ! જરાક સૂતા કે તાળું ખખડયું ! ચાર દિવસથી આમ બને છે ! હવે માર્યા વિના નહિ મૂકું.'

બોલતે બોલતે, બેઠા થઈ, પહેરેગીર લાકડી શોધી ઊભો થયો અને તાળા પાસે ગયો ત્યારે ત્યાં કોઈ હાથ, છરી. મુખ કે માનવી તેને દેખાયાં નહિ. અલબત્ત તાળામાં છરી ખૂંપવાના ચિહ્ન પહેરેગીરને દેખાયાં ખરાં !

રાત્રીની, શામતા બહુ જીવન્ત હોય છે, અને એ જીવન્ત વાતાવરણમાં નિદ્રા, અને જાગૃતિ વચ્ચે સાતતાળી રમાય છે. નગરમાં તાળાંબંધીવાળાં ઘર થોડાં જ હોય છે. મોટા ભાગનાં મકાન અંદરથી બંધ હોય છે. એવા એક ઘરના અંધારા ખંડમાં પલંગ ઉપર પતિપત્ની સૂતાં હતાં. કોણ જાણે કેમ ઠંડી રાત્રે પણ જાળીને ઢાંકતું બારણું સહજ ખુલ્યું હતું - અલબત્ત, અલગ જાળીથી આખી બારી રક્ષાયેલી હતી. એકાએક જાળીના સળિયા હાલ્યા કે પછી. સૂતેલા પતિની નજરને હાલતા સળિયાનો ભ્રમ પણ થયો હોય ! પતિપત્નીનો શયનસંસર્ગ આવો ભય ઉપજાવે પણ ખરો ! ઊઘડી ગયેલી થાકેલી આંખને પતિએ બંધ કરી અને તેણે રજાઈ વધારે આગળ ખેંચી મુખ ઉપર ઓઢી લીધી. થોડીક ક્ષણ. વીતી : વધારે ક્ષણ વીતી. અને એક જાળીનો સળિયો સરળતાથી ખસી ગયો. સળિયા પાછળથી એક હાથ ખંડની અંદર આગળ વધ્યો અને લંબાઈને જાળી પાસે સૂતેલી પત્નીના હાથ તરફ વધ્યો. એ સ્ત્રીના હાથ ઉપર સોનાની કિંમતી બંગડી હતી; જાળીની બહાર કિશોરનું તંગ મુખ ઝઝૂમી રહ્યું હતું. પરાયા હાથનો સ્પર્શ થતાં પત્ની ચમકી અને તે બેઠી થઈ. એકાએક તે બૂમ પાડી ઊઠી :

‘અરે, જુઓ જુઓ ! કોઈ જાળી તોડે છે !'

'નકામી ચમક થાય છે તને ! સઈ જા જરા શાંતિથી.' પતિએ વધારે સ્વસ્થતાથી સૂઈ રહેતાં પત્નીને ઠપકો આપ્યો.

'અરે સૂઈ જાય શાંતિથી ?.. હાથ દેખાય છે... આ સળિયો તૂટ્યો છે ને !' ઉશ્કેરાયલા સાદે પત્ની બોલી ઊઠી. દેહસુખ ભોગવી ચૂકેલા

પતિની શિથિલતા તેને વધારે સ્કૂર્તિ આપે એમ ન હતી. વળી એ પતિ ગુજરાતી ધનિક યુવાન હોવાથી તેનાથી અંધકારમાં કોઈ સાહસ થાય એમ દેખાયું નહિ. તૂટેલો સળિયો અને પરાયો હાથ તેની પત્નીને દેખાયો હોવા છતાં જરા ખિજવાટથી સૂતે સૂતે ઢાંકેલે મુખે પતિએ કહ્યું :

‘પોલીસની ફરજ છે, સળિયો તૂટે તો દેખરેખ રાખવાની.. કાંઈ વહેમ હોય તો જરા ઊભી થઈ ને દીવો કર ને ?... કોઈ હશે તો તે ભાગીજશે.'

પતિ ધીરજના બોલ પૂરા બોલી રહે તે પહેલાં પત્નીએ ચીસ પાડી અને ચીસમાં તેનાથી બોલાઈ ગયું :

'કોઈ છે... છરી દેખાય છે !... ...!' ચીસ ખૂબ વ્યાપક બની ગઈ હતી. જાળીમાંથી કિશોરનો હાથ અદૃશ્ય થઈ ગયો અને જાળી બહારથી કિશોરનું મુખ અદૃશ્ય થઈ ગયું.

રાત્રીને રમતની ખોટ હોતી નથી. માનવી દિવસે પણ કાળાં કર્મો તો કરે છે, પરંતુ તે દિવસે થઈ શકે એવાં હોય છે. દિવસે. ન થઈ શકે એવાં કાળાં કૃત્યો માટે રાત્રી સારા પ્રમાણમાં સગવડ આપે છે. અલબત્ત, દિવસનાં અને રાત્રીનાં કાળાં કર્મો માટે ભિન્નભિન્ન કળા અને ભિન્નભિન્ન આવડતની જરૂર હોય છે.

વ્યવસ્થિત રાજ્યવહીવટ રાત્રીનાં કાળાં કૃત્યોથી નાગરિકોને સાવધાન રાખવા મથે છે. એ સાવધાનતાના પ્રતીક સરખી પહેરેગીરની બૂમ વાતાવરણને જાગૃત કરી ગઈ. એ ગર્જના ચોરોને ભગાડવા માટે હશે કે સૂતેલાને જગાડવા માટે હશે તેનો નિર્ણય જાગનારને અને ચોરોને જ સોંપવો જોઈએ. કરાળ કાળને પણ જાગૃત કરે એવી પહેરેગીરની બૂમ પડવા છતાં તેને ન ગણકારી નિદ્રાવસ્થાને વળગી રહેનાર સુખી જીવો પણ નહિ હોય એમ માનવાને કારણ નથી ! બૂમ સાંભળીને એક પડછાયો કોઈ ભીંત, પાછળ અદ્રશ્ય થયો અને થોડીક ક્ષણ પછી એ જ મકાનની અગાસી ઉપર દેખાયો. પહેરેગીર પોતાની ફરજ બજાવી બીજે સ્થળે ફરી બૂમ પાડવા માટે આગળ વધ્યો અને પડછાયામાંથી અગાસીમાં કોઈ માનવદેહ ફરી અદૃશ્ય થઈ એક ધનિકના સરસ શૃંગારિત ખંડમાં ધીમે રહીને દાખલ થયો. એ સરસ ખંડમાં સુંદર પલંગ ઉપર એક પુરુષ સૂતો હતો. તેની સામે પેલો માનવદેહ ક્ષણભર ઊભો રહ્યો અને તેણે છરી બહાર કાઢી. હસતે મુખે આનંદમય સ્વપ્ન નિહાળતા સૂતેલા ગૃહસ્થનું નામ જાણવાની જરૂર નથી. પરંતુ તેમને એ છૂપા ફરતા દેહે જાગૃત કર્યો. એ દેહમાં બદલાયેલો કિશોર હવે સ્પષ્ટ દેખાઈ આવ્યો.

‘શેઠસાહેબ ! જરા જાગૃત થાઓ, ઝડપથી !' કિશોરે ધીમેથી પણ મક્કમપણે કહ્યું.

શેઠસાહેબ જરા હાલ્યા અને પડખું ફેરવી મીંચેલી આંખે પાછા સૂતા સ્વપ્નને બદલવાની તેમને ઈચ્છા હોય એમ દેખાયું નહિ, પરંતુ કિશોર તેમના સ્વપ્નને ચાલુ રાખવા માગતો નહોતો. તેણે શેઠના દેહ ઉપર ટપલી મારી અને શેઠ સફાળા પથારીમાં બેઠા થઈ ગયા. સામે છરી ધારણ કરી ઊભેલા પુરુષને જોઈ ગભરાઈ જઈ તેઓ બોલી ઊઠયા :

'શું છે, ભાઈ?'

'કાંઈ નહિ, નાની સરખી વાત છે... જો તમે હજી સમજ્યા ન હો તો હું સમજાવું....' ‘તારી છરી જોઈને હું ઘણું ઘણું સમજી ગયો.... મેં કાંઈ તારું બગાડયું છે ?'

‘મારું ઘણું બગાડયું છે તમે.'

'સુધારી આપું, ભાઈ ! કહે, તને મેં શું હેરાન કર્યો હશે ?'

“સરસ પલંગમાં આપ સૂતા છો... આરામથી નિદ્રા લો છો... મારે સૂવા માટે આજ પાંચ ફૂટ જગા પણ નથી અને પથારી પણ નથી.. હું તમને કેમ સુખે સૂવા દઈ શકું?'

'પાંચને બદલે દસ ફૂટ જગા આપું.. પલંગ પણ તૈયાર છે. મેં તારી પથારી લઈ લીધી નથી.'

'એક પણ માનવીને સૂવાનું સાધન ન હોય ત્યાં સુધી દુનિયાના કોઈ પણ માનવીને સૂવા ન દેવાય.'

'કમ્યુનિસ્ટ છે? કે ગાંડો ?'

‘એ પછી નક્કી કરીશું...'

'ખુન કરવા આવ્યો છે તું ?'

‘ના; બનતાં સુધી ખૂન નહિ !'

‘ચોરી કરવી છે ?'

‘ના; ચોરીમાં ભાગ પડાવવો છે... જો આપને હરકત ન હોય તો !'

'અને... હરકત હોય તો ?'

'આ છરો બધી હરકત દૂર કરી દેશે.'

'ભાઈ ! તું દુઃખી માણસ લાગે છે... સાથે ભણેલોગણેલો પણ લાગે છે, તારા બોલ ઉપરથી ! તારે બસો પાંચસો જોઈતા હોય તો લઈ જા !'

'એટલે થાય એમ નથી.' કિશોરે કહ્યું.

‘એથી વધારે રકમ.... તો જો ને, ભાઈ ! હું ઑફિસમાં રાખું... કે બૅન્કમાં રાખું, ઘરમાં તો કશું રાખતો જ નથી.'

‘એ હું જાણું છું... બૅન્ક અને ઑફિસની રકમ ભલે જ્યાં હોય ત્યાં રહેવા દો... પરંતુ બહુ સારી રકમ અત્યારે તમારા ઘરમાં પડી છે... એ ઉપર મારી નજર પડી છે.'

'ખોટી ખબર તને મળી છે.'

'તમારો ઘોડો શરત જીત્યો ગઈ કાલે ! નહિ ?... કે એ પણ ખોટી ખબર છે ?'

'હા... પણ...' 'પણ બણ કાંઈ નહિ ! ઘોડો જીતે અને માણસ હારે ત્યારે ઘોડાની જીતના પૈસા માણસને મળવા જોઈએ. હું હારેલો માનવી છું... તમારા ઘોડાએ તમને જીતી આપેલા પૈસા તમારા ઘરમાં... પેલા કબાટમાં જ તમે મૂક્યા છે... એ કાઢીને મને આપી દો !... ઊભા થાઓ !' કિશોરે કહ્યું અને છરો ચમકાવ્યો.

શેઠે જરા ઊભા થતાં પગ વધારે જોરથી મૂક્યો અને કબાટ ઉંઘાડતાં સહજ વધારે પડતો ખડખડાટ કરવા માંડ્યો.

'શેઠસાહેબ ! ધીમે ધીમે. હું અને તમે એમ બે જ જાણીએ એ ઢબે ! જો જરાય ગરબડ કરી છે તો તમારા મફતના પૈસામાંથી એક પણ પૈસો ભોગવવા તમે જીવતા નહિ રહો !... હાં... આમ... લાવો એ રકમ મારા હાથમાં ! અને અદબ વાળીને દૂર ઊભા રહો... જીભ પણ બંધ રાખજો.' કિશોરે રકમ કાઢી તેના હાથમાં મૂકતાં શેઠસાહેબને યોગ્ય સૂચનાઓ આપી. રકમ હાથમાં આવતાં કિશોરે તે કાળજીપૂર્વક ગણવા માંડી. એમાંની થોડી રકમ રાખી બાકીની... મોટા ભાગની... રકમ તેણે શેઠના હાથમાં પાછી આપી... શેઠના મહા આશ્ચર્ય વચ્ચે.

'કેમ ? આ રકમ પાછી કેમ આપી, ભાઈ ? તું કહે ત્યાં મોકલી આપું!' શેઠે જરા કટાક્ષમાં કહ્યું.

'બધી રકમ નહિ જોઈએ, શેઠસાહેબ !' કિશોરે જવાબ આપ્યો.

'કેટલી લીધી ?'

'જોઈતી હતી એટલી જ... બરાબર...'

'કોઈને આપવી છે ?'

'હા જી. એમાંથી હું મારી જાત ઉપર એક પાઈ પણ ખર્ચવાનો નથી.'

'માગનારનો તકાદો થયો હશે...'

'કહેવા સરખું નથી... માગનાર મને કેદખાને મોકલતો હતો... ધીરનાર કોઈ મળ્યું નહિ.. એટલે આ માર્ગ લીધો.'

'બહુ સારો માર્ગ તને મળ્યો !... બીજું કાંઈ કામ ?'

'આપનું કામ ઈશ્વર ન પાડે... છતાં, જો મારા ઉપર વિશ્વાસ રાખશો તો આ લીધેલી રકમ વ્યાજ સાથે પાછી આપી જઈશ...'

'હવે તું લેતો પરવાર ને !... પાછી આપવાની ચિંતા ન રાખતો...'

'જોઉ છું હવે તમે શું કરો છો તે ! પરંતુ મારો વિશ્વાસ ન રાખતાં જો ચોરીની ફરિયાદ નોંધાવા જશો તો તમારી રકમ ગઈ એમ માનજો.' કહી કિશોર ખંડની બહાર નીકળી ગયો. પાંચ ક્ષણ તે બહાર ઊભો અને જોયું કે શેઠ બૂમ પણ પાડતા ન હતા અને ઊભા હતા ત્યાંથી ખસતા પણ ન હતા. ધીમે પગલે એ ખંડમાંથી બહાર નીકળી અગાસીમાં ગયો. એના પગમાં ચોરની કૌશલ્યભરી હળવાશ આવી ગઈ હતી; તેની આંખમાં અંધારું પણ પ્રકાશ બની જાય એવું તીવ્ર તેજ આવી ગયું. પગથિયાં સિવાય જેના પગને ઊતરતાં-ચડતાં આવડતું ન હતું તેના પગને ગમે તે સ્થળ પગથિયા સરખું ટેકારૂપ બની ગયું. જેના હાથ કલમ સિવાય બીજી કોઈ વસ્તુને સફાઈથી પકડી શકતા ન હતા તે હાથમાં એવી દક્ષતા આવી ગઈ હતી કે ભીંત, બારણું, છજું, બારી કે થાંભલો તેની ચઢ-ઊતરનાં સિદ્ધ સાધનો બની રહ્યાં હતાં. દક્ષતાપૂર્વક અગાસીમાંથી કિશોર નીચે ઊતરતો હતો. અડધે તે ઊતર્યો એટલામાં જ અગાસી ઉપર શેઠે આવી બૂમો પાડવા માંડી :

‘ચોર, ચોર ! પકડો !'

કિશોર એવે સ્થળે ઊતરતો હતો કે જ્યાંથી તે જોતજોતામાં ઉપર પણ ચડી શકે નહિ અને ઊતરી પણ શકે નહિ. તેને નીચે ઉતરી અદૃશ્ય થઈ જવા માટે બેત્રણ મિનિટ જ જોઈતી હતી; પરંતુ એ બેત્રણ મિનિટો બૂમ સાંભળ્યા પછી કિશોરને બેત્રણ કલાક જેવી લાંબી લાગી. એક વાર તેને મન થયું કે પાછો ઉપર ચઢી જઈ બૂમ પાડનાર શેઠની છાતીમાં છરો ભોંકી આવે પરંતુ અનેકના હૃદયમાં છરી ભોંકી ચૂકેલા શેઠ કિશોર ધારે તેના કરતાં પણ વધારે ચતુર હતા. એટલી બૂમોમાં ચોર ભાગી શકશે નહિ અને આસપાસથી લોકો દોડી આવશે એટલી ખાતરી શેઠના મનમાં હતી. એટલે તેમણે 'ચોર ! ચોર !'ના પોકારો સર્વ શક્તિ વાપરીને ચાલુ રાખ્યા. કિશોરને લાગ્યું કે આસપાસ અને ઉપરનીચે અવરજવર શરૂ થઈ ચૂકી છે. એ અવરજવર ગાઢ બની તેને પકડાવી દે તે પહેલાં ઊતરીને ભાગી જવાની. યુક્તિ તેને સૂઝે અને તે જમીન ઉપર પગ મૂકે તે પહેલાં તો બેત્રણ પોલીસના માણસો લાગ જોઈને કિશોરની ઊતરવાની જગા ઉપર ટાંપીને ઊભા હતા. જેવો તેણે જમીન ઉપર પગ મૂક્યો તેવો જ તેને પોલીસે ઘેરી લઈ પકડી લીધો. શેઠનો ‘ચોર ! ચોર !'નો આર્તનાદ હવે સંતોષનો ઉદ્દગાર બની ગયો હતો. લોકો ભેગા થઈ ગયા, અને કિશોરને બાંધવા માટે પોલીસે મથન કરવા માંડયું. બાંધવાનું મથન કરતે કરતે એક પોલીસે કહ્યું :

‘આ હાથમાંથી બહુ વાર છટક્યો !... બોલ, શાની ચોરી કરી ?'

‘મને બાંધવા મથશો તો તો ચોરી જડશે જ નહિ.' કિશોરે પોલીસને ડરાવતાં કહ્યું,

‘જમાદાર, સમાલજો ! ભયંકર લાગે છે !' એક પોલીસના સિપાઈએ પોતાના ઉપરીને ચેતવણી આપી.  ‘હજી જોયો લાગતો નથી; નવો દેખાય છે. બતાવ, ચાલ ! શું લીધું ?' જમાદારે પોતાનું જ્ઞાન દર્શાવ્યું. હજી અનુભવી જમાદારને ચોરના મુખ સામે જોઈ સમજ પડતી ન હતી કે આવી ભયંકર ઢબે ઊતરેલો ચોર ખરેખર કોઈ પીઢ, દક્ષ, કલાકાર હતો કે માત્ર શિખાઉ ! તેના મુખ ઉપર હજી ચોરીએ ગુનાના સળ પાડેલા ચોખ્ખા દેખાતા ન હતા... છતાં તે ભયંકર તો લાગતો જ હતો. જમાદારના પ્રશ્નના ઉત્તરમાં કિશોરે કહ્યું :

'મારો હાથ જરા હળવો કરો તો હું બતાવું કે મેં શું લીધું.'

જરાક બંધનની હળવાશ અનુભવાય તો ચોરી દેખાડી દેવી કે ભાગવા માટે મથન કરવું એ વિષે કિશોરના હૃદયમાં યુદ્ધ જામ્યું. બંધને, હળવું કરતાં ચોર જરૂર ભાગી જાય એવો સિપાઈઓનો અનુભવ સિપાઈઓને પણ કિશોરની વિનંતી ધ્યાનમાં લેતાં અટકાવતો હતો. છતાં કાયદેસર વસ્તુ તો એ જ હતી કે માત્ર શેઠની 'ચોર ! ચોર !'ની બૂમ ઉપરથી કોઈ માણસને એકાએક પકડી શકાય નહિ - જ્યાં સુધી ચોરાયલો માલ તેના હાથમાંથી મળે નહિ. શકમંદ હાલતમાં તે પકડાયો હતો એ વાત સાચી; એટલે ખૂબ સાવધાનીપૂર્વક કિશોરનો એક હાથ જરાક છૂટો કર્યો. કિશોરે પણ પોતાને કપાળે સહજ હાથ અડાડ્યો અને સંતાડેલી નોટો બહાર કાઢી પોલીસની સામે ધરી કહ્યું :

'આ નોટો મેં લીધી છે.'

'લીધી કે ચોરી લીધી?' એક પોલીસે પૂછ્યું.

'શેઠે આપી અને મેં લીધી. પૂછો શેઠને કે એમણે જ રકમ મને કાઢી આપી હતી કે નહિ ?' કિશોરે જવાબ આપ્યો.

'અલ્યા, એકલો આ ચોર જ નહિ પરંતુ શેઠિયા પણ એમાં સંડોવાય એમ લાગે છે. પકડ્યે જ છૂટકો.' બીજા પોલીસે કહ્યું.

શેઠિયાઓ ઘણા ઘણા માણસોને ઘણા ઘણા પૈસા આપી અનેક કામો કરાવે છે, જેની ફરિયાદ થાય તો તે શેઠના ગુનામાં પણ ગણી શકાય. આવા ધનિક શેઠના ઘરમાં ચોરી થવી એ પણ પોલીસના નાના નોકરી માટે એક જાતની ખુશનસીબી પણ બની રહે છે. શેઠ તો ઘરમાં પકડાયેલા જ પડ્યા હતા - જો તેમનો કંઈ ગુનો થયો હોય તો ! પરંતુ એ સઘળાની ચાવીરૂપ પકડાયલો કિશોર છટકી ન જાય એ પોલીસની પહેલી કાળજીનો વિષય હતો. એટલે જમાદારે કડક બની કહ્યું :

'પાછો શાહુકાર થાય છે ?'

'આ દુનિયા કોઈને પણ શાહુકાર રહેવા દે એમ છે જ નહિ.' કિશોરે જવાબ આપ્યો.

‘હવે તું તારી વાત કર ને ! દુનિયાની વાત પછી.' પોલીસે ધમકી આપી.

‘મારે વાત શી કરવાની છે?... મારે વાત ન કરવી એ જ વધારે સારું છે.' કિશોરે કહ્યું.

'અરે ! પણ પેલો મુદ્દામાલ રજૂ કરી દે.' પોલીસે આજ્ઞા કરી.

'એમ ?... તો લ્યો આ ચોરીનો મુદ્દામાલ !' કહી કિશોરે પોલીસની સામે ધરેલી નોટો જોતજોતામાં ફાડી અને ચારે પાસ વેરી નાખી.

સિપાઈઓએ તેને મજબૂતીથી પકડ્યો. લોકો વેરાયલા નોટોના ટૂકડાને અડકવા પણ તૈયાર ન હતા એટલે એ કે પોલીસે તે આછા અંધકારમાં ભેગા કરવા માંડ્યા. કિશોરનું હૃદય શૂન્ય બની ગયું હતું. માત્ર તેને કાને કોઈ શબ્દો અથડાતા હતા. :

ચોર !

કોણ ચોર ?

સહુ કોઈ !

એક પ્રતિષ્ઠિત પુરુષ આમ ગુનેગાર બની ગયો. એક રાતમાં બે રાતમાં કે દસ રાતમાં, એ પ્રશ્ન મહત્ત્વનો નથી. સંજોગ માનવીને ગુનેગાર બનાવે છે, જન્મ નહિ. એટલું જ અત્યારે કિશોરને સ્પષ્ટ દેખાઈ આવ્યું.