લખાણ પર જાઓ

ત્રિશંકુ/મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર

વિકિસ્રોતમાંથી
← ચોરનો ભાઈ ઘંટીચોર ત્રિશંકુ
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર
રમણલાલ દેસાઈ
અગ્નિનો ભડકો →



૧૩
 
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર
 

કિશોર બહાર જઈ ગુંડાને અને મઝદૂરને મળ્યો અને મઝદૂરની માગતી રકમ એણે ગુંડાને આપી. એણે એક પુણ્યકાર્ય તો કર્યું. એક આર્થિક અન્યાય દૂર કર્યો, પરંતુ તેણે એમ કરવામાં ભયંકર માનસિક ભોગ આપ્યો – જે ભોગ આગળ કદાચ આર્થિક ભોગ જરાય વિસાતમાં ગણાય નહિ. તંગી ઘણી પડતી હતી; પૈસા કદી મળતા અને મોટે ભાગે ન મળતા; પરંતુ આજ સુધી, અત્યારની ઘડી સુધી તેના હૃદયે જરાય ખારાશ અનુભવી ન હતી. મઝદૂરના પૈસા ગુંડાને આપતાં આજ તેના હૃદયે તેના આખા જીવનને પલટી નાખતી ખારાશનો અનુભવ કર્યો. એના જીવનમાં કોઈ નવી જ વક્રતાએ અત્યારે પ્રવેશ કર્યો. પૈસા બચ્યા હતા, પતિપત્ની બન્ને એ જાણતાં હતાં, છતાં પત્નીએ તે કાઢી આપવામાં સંકોચ સેવ્યો ! અને સંકોચ પકડાઈ જતાં બહેન જુઠું બોલી ! વીજળીને વેગે આ બધા વિચારો તેના હૃદયમાં ફરી આવ્યા - ગુંડાને પૈસા આપતી વખતે અને મઝદૂર તથા ગુંડાને વિદાય કરતી વખતે.

એટલી થોડી મિનિટ તારા અને સરલા એકલાં પડ્યાં. કાપે તો લોહી ન નીકળે એવાં એ બન્ને ફિક્કા પડી ગયાં. કૅશબૉક્સમાં પૈસા ન હતા એ સરલાની વાત સાચી, સરલાને ખબર ન પડે તેમ તેને તથા ભાઈને આનંદઆશ્ચર્યમાં મગ્ન બનાવી દેવાની શુભેચ્છા સાથે તારાએ કોઈને પણ કહ્યા વગર એમાં પૈસા નાખ્યા હતા એ પણ સાચી વાત. કદી જૂઠું ન બોલનારી પત્ની આજ જૂઠું બોલી એવી કિશોરને ખાતરી થઈ, એ વાત પણ સાચી. ત્રણે જણ સાચું બોલતાં હતાં, સાચું કરતાં હતાં, છતાં એમાંથી કિશોરના હૃદયને માનવ ખારાશના દરિયામાં જબરજસ્ત ડૂબકી મારી અને ગરીબીની સાર્વત્રિક સચ્ચાઈમાંથી સહુને ખારાશ મળી એ પરિણામ આવ્યું. સ્તબ્ધ થઈ બેઠેલા નણંદ-ભોજાઈથી થોડીક ક્ષણ કાંઈ પણ બોલાયું નહિ. અંતે તારાએ કહ્યું :

'ભાભી ! આ શું થઈ ગયું ?”

'પ્રભુને જે ગમ્યું એ ખરું !' સરલાએ કહ્યું. પ્રભુ બીજી કોઈ રીતે માનવીને ખપ નહિ લાગતો હોય એ સાચું; પરંતુ કોઈને પણ દોષ દઈ શકાય નહિ એવી પરિસ્થિતિ જીવનમાં ઉત્પન્ન થાય ત્યારે એ દોષ પધરાવી દેવાના સાધન તરીકે ઈશ્વર ઠીક કામ લાગે છે ! સરલા બીજું કહી પણ શું શકે ?

'કરવા ગઈ સારું કે તમને બન્નેને હું ચમકાવીશ ! ત્યાં ભાઈને જ વાંકું પડે એમ બની ગયું ! વાંક મારો જ કે મેં કૅશબૉક્સમાં રૂપિયા નાખતી વખતે તમને કાંઈ કહ્યું નહિ.' તારાએ કહ્યું.

'વાંક કોઈનો પણ નહિ. તારાબહેન ! વાંક મારી વિધાત્રીનો.' સરલાએ કહ્યું અને કિશોર એકાએક બહારથી આવી પોતાની ખુરશીમાં બેસી ગયો. સરલાનું છેલ્લું વાક્ય કિશોરે સાંભળ્યું હશે કે શું ? સરલાને ચિંતા થઈ, પરંતુ બોલવા બોલવામાં વાત બગડી જાય છે એવો અનુભવ સરલાને આજ થઈ ચૂક્યો હતો. પરંતુ લાડકી તારાથી બોલ્યા વિના રહેવાયું નહિ. એણે કહ્યું :

'ભાઈ ! ખરેખર શું બન્યું એ જાણવા માટે હું દર્શનને બોલાવી લાવું?'

‘એને બોલાવી લાવવો પડે એમ છે જ ક્યાં ?' સહજ તિરસ્કારભર્યું વલણ દર્શાવી કિશોરે બહેનને જવાબ આપ્યો.

'કેમ એમ ભાઈ ? બોલાવ્યા વિના એ કદી આપણા ઘરમાં આવતા નથી.' તારાએ દર્શનનું ઉપરાણું લીધું.

‘હા, તે હું જાણું છું. તમે બોલાવશો પણ ખરાં અને એ આવશે પણ ખરા... જમવા માટે તો જરૂર !' કિશોરે પોતાની કડકાઈ ચાલુ રાખી બહેનને જવાબ આપ્યો. કદી હલકાઈ પ્રદર્શિત ન કરતો કિશોર આજ આગ્રહ કરી બોલાવાતા મહેમાન માટે હલકા શબ્દો ઉચ્ચારી શક્યો. જવાબમાં તારાએ જરા ઉશ્કેરાટથી કહ્યું :

'ના, ભાઈ આજ તો એમણે આવવાની ના પાડી છે. જો આપણે એમને પેઈંગ ગેસ્ટ તરીકે ગયા મહિનાથી ન સ્વીકારીએ તો.'

‘પેઈંગ ગેસ્ટ ! હું જાણું છું કે એને કેટલો પગાર મળે છે તે !' કિશોરે કહ્યું. તેની વાણીમાં તિરસ્કાર અને કડવાશ વધ્યે જતાં હતાં. એની સાથે અત્યારે પૈસા વિષે કે દર્શન વિષે કોઈ પણ વાત કરવી તે એની કડવાશને ફૂલ ચડાવવા બરાબ હતું. ભોજાઈ-નણંદ શાંત રહ્યાં - થોડીક ક્ષણ સુધી. કિશોર તો ઘણું બોલતો જ નહિ. એ પણ વગર બોલ્યે પોતાની ખુરશી ઉપર બેઠો બેઠો ભીંત સામે જોયા કરતો હતો. એની દ્રષ્ટિ ભીંતને જોતી ન હતી; ભીંતને ઓળંગી એની દૃષ્ટિ આખા માનવ જીવન ઉપર ફરી વળતી હતી. સગી પત્ની પણ પૈસાની બાબતમાં જૂઠું બોલી શકે છે એ સત્ય કિશોરને વીજળીનો ધક્કો આપી ગયું હતું. એમાં અત્યારે દલીલને અવકાશ ન હતો. સત્યના પુરાવા રજૂ કરવાથી કિશોરના માનસને અત્યારે સત્ય પણ હડહડતું જૂઠું દેખાય એમ હતું. કિશોર અને કિશોરનું કુટુંબ એટલે સંસ્કારી કુટુંબ. ભલે એ કુટુંબ નીચલા મધ્યમ વર્ગની કક્ષાએ મુકાતું હોય ! એવા કુટુંબમાં પણ પગારના દિવસે આટલી કટુતા વ્યાપે તો ઓછાં સંસ્કારી કુટુંબોમાં આવી જ પરિસ્થિતિ શી ભયંકરતા ન ઉપજાવી શકે ? આખું ઘર થોડીક ક્ષણ શાંત રહ્યું.

શાંતિ પણ ઘણી વાર જીવનમાં અસહ્ય બની જાય છે. શીત ન વેઠાતાં સરલાએ ટહુકો કર્યો :

'રસોઈ તૈયાર છે.'

'મારે જમવું નથી.' કિશોરે કહ્યું. સરલાએ ઉચ્ચારેલા શબ્દો જાણીતા હતા. તે પોતાને જ માટે ઉચ્ચારાતા હતા એમ જાણી કિશોરે એ જવાબ આપ્યો.

'આખા ઘરને ભૂખ્યું રાખવું હોય તો તમે ન જમશો.’ સરલાએ કહ્યું.

કિશોરે નણંદ-ભોજાઈ તરફ નજર ફેરવી. એ નજરની કટુતા હજી ઘટી ન હતી. નજર ફેરવીને કિશોરે કહ્યું :

'હું આવું છું હમણાં... તમે બન્ને એક વાર જાઓ અને તૈયારી કરો.'

સરલા અને તારા બંને ઊભાં થયાં. બેમાંથી કોઈના પણ પગમાં અત્યારે ચૈતન્ય હતું નહિ. ઘર ઉપર અને કુટુંબ ઉપર જાણે મૃત્યુની ટાઢાશ ફરી વળી હોય એમ સરલા અને તારાને લાગ્યું. તેમણે જવા માંડ્યું ખરું; પરંતુ ધીમે રહીને ઉચ્ચારાયલા કિશોરના શબ્દો તેમણે જતે જતે સાંભળ્યા પણ ખરા ?

'મારી પણ વિધાત્રીનો જ વાંક ને ?... રળનાર હું એકલો અને વિધાતાએ પાંચના પોષણનો ભાર મારે માથે નાખ્યો !'

આ સાંભળ્યું ન સાંભળ્યું કરીને સરલા રસોડામાં પેસી ગઈ; તારા તે પહેલાં જ ચાલી ગઈ હતી. પાસેની ઓરડીમાંથી દર્શનનો સિતાર ઝમઝમ થઈ રહ્યો હતો. કિશોર ઊભો થયો, રસોડા તરફ જવા માટે. એકાએક તેની કલ્પનાએ સરલા અને તારાને હસતાં હસતાં તેના ખભા ઉપર ટીંગાતા નિહાળ્યાં. એટલું જાણે બસ ન હોય તેમ શોભા અને અમર દોડતાં દોડતાં આવી કિશોરના ખભા ઉપર ચડી કૂદવા લાગ્યાં. બિલાડી બાકી રહી હતી તે પણ આવી કિશોરને ખભે ચડવા મંથન કરી રહી હતી. પાંચના પોષણના ભારનું એક ચિત્ર કિશોરની પોતાની આંખ સામે રચાયું. એ ચિત્ર હતું કાલ્પનિક – છતાં કલ્પના સત્ય કરતાં ઘણી વાર વધારે નક્કર બની જાય છે.

એટલામાં જ દર્શનના સિતારનો તાર તૂટ્યો અને સિતારનું સંગીત બેસૂરું બની ગયું.

તાર તૂટતાં બરોબર કિશોરના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો :

‘હં !' અને એ ઉદ્ગારની સાથે જ કિશોરના ખભા ઉપર લટકતાં તારા, સરલા, શોભા અને અમર અદ્રશ્ય થઈ ગયાં. એ કલ્પનાચિત્ર ભૂંસાઈ ગયું ખરું, પરંતુ એમાંની બિલાડી જીવંત હતી. એ કિશોરનું ધોતિયું ખેંચતી હતી. કિશોર રસોડા તરફ વળ્યો.

એ રાત્રે કોણે શું ખાધું અને કેટલું ખાધું એનો અંદાજ કાઢી શકાય એમ ન જ હોય ! કોને કેટલી નિદ્રા આવી એ પણ કહી શકાય એમ નથી જ. તૂટેલા તાર જેમ વાદ્યને બેસૂર કરી નાખે છે તેમ આજ આર્થિક તાર ખરી અગર ખોટી રીતે તૂટતાં આખા કુટુંબનું જીવન બેસૂરું બની ગયું.

તારા વિચારી રહી :

'સારું કરવા જતાં મારાથી આ શું થઈ ગયું ? સૂતાં સુધી ભાઈના મુખ ઉપર એની એ જ છાયા ! હું શું કરું કે ભાઈ પાછા હસતા થાય ?'

સરલા આખી રાત તરફડતી જ રહી. જરા પણ ઈચ્છા વગર. જરા પણ દોષ વગર, કોઈના પણ દોષ વગર, મધ્યમવર્ગનાં જીવન કેમ ઝેર બની જાય છે તેનું સરલા એક નિર્દોષ ઉદાહરણ હતી. આખી રાત તેણે યોજના કરી, પ્રસંગોની ગોઠવણી કરી, અને તે એક જ વિચારની આસપાસ :

'હવે હું શું કરું કે જેથી સાચી વાત કિશોરને સમજાય અને એનું મુખ હસતું થાય ?'

કિશોરનું હૃદય આખી રાત જાગૃત રહ્યું. કેશબૉક્સમાં રકમ હતી છતાં પત્નીએ ના પાડી અને જૂઠું બોલી. એ જૂઠું બોલી તો બોલી પરંતુ સગી બહેને પણ એના જૂઠાણામાં સાદ પુરાવ્યો. એના વિચારનો ધ્રુવ એક જ હતો :

'પાસેમાં પાસેનાં સગાંવહાલાં બધાં જ ધનની પાછળ છે, નહિ ? ધન ન હોય તો સગપણ અને વહાલ ઘસાતાં જ જાય ને ?'

કિશોરને એમ વિચાર ન સૂઝયો કે તેની પત્ની પડોશીને આર્થિક સહાય કરી આવી હતી તેને પૂછીને પત્નીનો દોષ નક્કી કરે, બહેને કહ્યું હતું એ સત્ય છે કે કેમ, એનો નિર્ણય કરવા માટે દર્શનને પૂછવાની પણ વૃત્તિ કિશોરને થઈ નહિ. એને એક જ ધૂન લાગી : સહુ જૂઠું બોલ્યાં; પૈસા બચાવવાનો પ્રયત્ન કર્યો અને કિશોર વચનભંગ થાય એની કોઈએ પરવા ન રાખી ! હવે પૈસામાં વિશ્વાસ પણ કોનો રખાય ? ધન ખૂટે તે ક્ષણે કોઈ જ સગું નહિ અને કોઈ જ વહાલું નહિ ! દુનિયામાં શું એ જ ક્રમ હશે?

દર્શનને એ રાત્રે કોઈએ જમવા બોલાવ્યો નહિ. એણે એ જ રાત્રે તારા સાથે સરલાને કહાવ્યું હતું કે તેને 'પેઈંગ ગેસ્ટ' તરીકે ખાધાખર્ચ લઈને જમાડે તો જ હવે તેણે જમવું. કોઈએ તેને સંદેશો મોકલ્યો નહિ. તેના સિતારનો તાર પણ તૂટી ગયો હતો. કિશોરની કલ્લોલતી ઓરડી રોજ કરતાં વહેલી શાંત થઈ ગઈ હતી. ચાહીને જવાની તેને અત્યારે ઈચ્છા થઈ નહિ. ધનિકો વિરુદ્ધના બેચાર સખ્ત લેખ તેણે ભૂખે પેટે લખી નાખ્યા. રાત એમની એમ વીતી ગઈ. પ્રભાત થયું. પ્રભાત પણ વીતી ગયું અને સહુને પોતપોતાના ધંધા ઉપર જવાનો સમય પણ થયો. કિશોરની ઓરડીનું બારણું ઊઘડ્યું, અને કિશોર કપડાં પહેરી તૈયાર થઈ ઑફિસમાં જવા બહાર નીકળ્યો. નિત્યનિયમ પ્રમાણે અમર અને શોભા બન્ને બાળકો જતી વખતે પિતાને વળગી પડ્યાં. ઓરડીનાં બારણાંમાંથી તારા અને સરલા આ નિત્યક્રમ જોતાં હતાં અને સાંભળતાં હતાં. રોજની માફક આજ પુત્ર અમરે કહ્યું:

'આજ શું લાવશો, પપ્પા ?'

‘લાવીશું કાંઈ !' કિશોરે તોછડાઈથી પુત્રને જવાબ આપ્યો. પિતાની તોછડાઈ જોઈ, તેને વળગેલો પુત્ર તેના મુખ સામે જોઈ રહ્યો. રમતિયાળ પુત્રી શોભાએ કહ્યું :

‘પણ પપ્પા! કાલે તમે લાવવાનું કહ્યું હતું અને કાંઈ લાવ્યા તો નહિ?'

'કહ્યું તો ખરું કે કાંઈ લાવીશ. ચાલો, ખસો. મને વાર થાય છે !... મારો જીવ પાછો લાવીશ તો મારે માટે બસ છે !' કહેતાં કહેતાં કિશોરે બાળકોને ખસેડી આગળ ડગલાં ભર્યા.

દર્શન પોતાની ઓરડીમાંથી આ આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો. પિતા અને પુત્રપુત્રી વચ્ચેનો અનેક મીઠાં સંબંધોનો દર્શન સાક્ષી હતો. આજ એ સંબંધ-મીઠાશ એના જોવા-સાંભળવામાં આવી નહિ. વળી રોજ કરતાં કિશોર સહજ વહેલો ઑફિસમાં જવા નીકળ્યો હતો. દર્શનને પોતાને પણ લાગ્યું કે ગઈ કાલ રાતથી આ કુટુંબના વાતાવરણમાં કોઈ શયતાની તત્ત્વે પ્રવેશ કર્યો છે. એનાથી રહેવાયું નહિ એટલે એ આગળ આવ્યો અને કિશોરની સામે ઊભા રહી પ્રશ્ન કર્યો :

'કિશોરભાઈ ! આજ જરા વહેલા ચાલ્યા કંઈ ?' 'હા.' કિશોરે એકાક્ષરી જવાબ આપ્યો. કોઈની સાથે વધારે વાત કરવાની કિશોરને ઇચ્છા હોય એમ લાગ્યું નહિ. છતાં દર્શને કહ્યું :

‘મારે થોડું કામ હતું...'

'મારું? કે સરલાનું ?' દર્શનને તેનું વાક્ય પૂરું કરતાં અટકાવી કિશોરે પ્રશ્ન કર્યો.

'આપનું બન્નેનું.' દર્શને ડહાપણ ભરેલો જવાબ આપ્યો. પારકા ઘરમાં કામ પાડવું હોય તો એકલા પતિનું કે એકલી પત્નીનું એ કામ ન જ હોવું જોઈએ, એ ડહાપણનો માર્ગ છે. પરંતુ દર્શનના ડહાપણને નિરર્થક કરતો કિશોરનો જવાબ તેને મળ્યો :

‘સરલા ઘરમાં જ છે ને ? જે કામ હોય તે એને પૂછી જોજો.' કહી કિશોર આગળ વધ્યો અને ચાલીમાંથી અદ્રશ્ય થયો. બાળકો વીલાં બની માની સોડમાં ભરાઈ ગયાં; સરલાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં; તારાના મુખ ઉપર પણ ભયંકર વિષાદની છાયા ફરી વળી. બાળકોને લઈ સરલા અને તારા પાછાં પોતાની ઓરડીમાં ચાલ્યાં ગયાં. તારાએ દર્શન સામે જોયું ખરું, પરંતુ એની આંખમાં આવકાર તો ન જ દેખાયો; પરંતુ જાણે ઓળખાણ પણ ન હોય એવો દર્શનને ભાસ થયો. દર્શન કિશોરના મિત્રનો નાનો ભાઈ. કિશોરના જ નાના ભાઈ તરીકે કિશોરે અને સરલાએ ગઈ કાલ સુધી તેની સાથે વર્તન રાખ્યું હતું. તારાની ઊંડી લાગણીને એ વધારે ઉત્તેજન આપતો નહિ. એ કુટુંબમાં શું બન્યું એ જાણવાનો પોતાને હક્ક છે એમ માની બારણે ટકોરા મારી દર્શન પણ બેત્રણ મિનિટ પછી કિશોરની ઓરડીમાં દાખલ થયો, અને એણે જોયું કે સહુનાં મુખ અત્યારે ઊતરી ગયેલાં છે અને સરલાની આંખમાંથી આંસુ સુકાયાં નથી ! દર્શને જતાં બરોબર પૂછ્યું :

'આજ કોઈને કંઈ શીખવું નથી શું ? છોકરાં પણ નહિ, તારામતી પણ નહિ ! કોઈ કેમ દેખાયું નહિ? કેમ આમ આજ..?'

‘તમે જમી લો, દર્શનભાઈ ' જરા ભારે સાદે આંખ લૂછતે લૂછતે સરલાએ દર્શનના પ્રશ્નનો જવાબ આપ્યો. જમવાનું આમંત્રણ એ કંઈ પ્રશ્નનો જવાબ ન હતો. એટલે દર્શને સ્પષ્ટતાથી પૂછ્યું :

'આજ કિશોરભાઈ કંઈ નાખુશ છે શું? એવું કાંઈ બન્યું છે શું?'

'ના રે ! એ તો અમસ્તુ જ. ચાલ્યા કરે જિંદગીમાં ! તારાબહેન ! દર્શનભાઈને જમાડી લો.' સરલાએ કહ્યું.

'હું નહિ જમું... જ્યાં લગી તમે મને મારા પૂરતો ખર્ચમાં ફાળો આપવા ન દો ત્યાં લગી.' દર્શને પોતાની શર્ત તારા સાથે કહી મોકલી હતી તે સ્વમુખે જ કહી સંભળાવી.

‘એ તમારા ફાળાએ જ બધી ગેરસમજ ઉપજાવી છે !' તારાએ દર્શનને થોડી માહિતી આપી.

'મેં હજી ક્યાં મારો ફાળો આજ સુધી આપ્યો છે ? મારો મોટા ભાગનો ગુજારો કિશોરભાઈ અને સરલાબહેનની કૃપા વડે જ થતો આવ્યો છે.' દર્શને કહ્યું.

'પરંતુ તમે મને પૈસા આપ્યા હતા ને ?' તારાએ દર્શનને કહ્યું.

'હા. તમારા ટાઇપિંગના હતા. અને તમારા હતા માટે મેં એ તમને આપ્યા.' દર્શને કહ્યું.

‘એમાંથી જ બધું રામાયણ થયું છે. ભાઈ-ભાભીને ચમકાવવા ખાલી કૅશબૉકસમાં એ પૈસ મેં મૂક્યા અને એમાંથી ભાઈ ગુસ્સે થયા.' તારાએ કહ્યું.

‘ભાઈ ગુસ્સે થાય શા માટે ? અને એ ગુસ્સે થાય કે ન થાય, તોયે આપણે સહુએ એ કૅશબૉક્સમાં, જેને સરલાબહેન બૅન્ક કહે છે તેમાં, આપણો ફાળો મૂકવો જ જોઈએ. હવે આપણા બધાનો ભાર એકલા કિશોરભાઈ ન ઉપાડે, આપણે સહુ મળી એમનો ભાર ઓછો કરીએ.' દર્શને કહ્યું. દર્શનને હજી ગઈ રાત્રે શું થયું હતું તેની પૂરી સમજ પડી ન હતી.

‘ભાઈનો પગારદિન પણ ગઈ કાલે ખાલી ગયો હતો.'તારાએ વધારાની હકીકત કહી.

‘તો એ બૅન્ક ભરપૂર બનાવવાનું હું માથે લઉ છું.' દર્શને કહ્યું.

વાત સાંભળતાં ઊભાં રહેલાં બાળકોમાંથી શોભાએ દર્શનની પાછળ કહ્યું :

'હું પણ બૅન્ક ભરી દઈશ.'

‘અને હું નહિ ત્યારે ?' નાનકડા અમરે પણ બૅન્ક ભરપૂર બનાવવાના ઉત્સાહમાં પોતાનો ફાળો આપ્યો. બાળકોને આ શી વાત ચાલે છે તેની પૂરી ખબર ન હતી. સરલા હવે હસી અને તેણે કહ્યું :

‘વારુ ! પણ હવે આ દર્શનભાઈ ભૂખ્યા છે એમને જમાડો તો ખરાં, તારાબહેન!'

‘સરલાભાભી ! મારી શત કબૂલ હોય તો હું જમું.' દર્શને કહ્યું.

‘શર્ત વળી કઈ ?' સરલાએ પૂછ્યું. ‘રોજના બેથી ત્રણ રૂપિયા તમારી બેન્કમાં મૂકવા દો તો હું જમું. મારી એ શર્ત.' દર્શને અત્યંત દૃઢતાથી કહ્યું.

'અને તમારી એ શર્ત કબૂલ ન રાખું તો?' સરલાએ હસીને પ્રશ્ન કર્યો.

'તો મારે જમવું જ નહિ. અહીં નહિ તો બીજે ક્યાંય નહિ.'

'એટલે રોજ ભૂખ્યા રહેશો ?' તારાએ પૂછ્યું.

'હા. ગાંધીજીની માફક આમરણાંત ઉપવાસ, જો મારી શર્ત કબૂલ ન થાય તો ! હવે મને પગાર મળે છે, અને ઠીકઠીક મળે છે.' દર્શને કહ્યું.

'હવે ચાલો લાંબી વાત મૂકીને.' કહી દર્શનનો હાથ પકડી સરલા દર્શનને રસોડા તરફ ખેંચી લઈ ગઈ. તારા પણ તેની પાછળ ગઈ.

એકલાં પડેલાં બંને બાળકો થોડીક ક્ષણ શાંત રહી વાતચીતમાં પડયાં.

‘અહં, ભાઈ ! મારી પાસે બે આના પડયા છે; હું બૅન્કમાં મૂકી દેવાની.' શોભા બોલી

'મારી પાસે પણ બે આના છે, બહેન ! મૂકી દે ને મારા અને તારા ?' અમરે કહ્યું અને ખિસ્સામાંથી બે આના કાઢી એણે બહેનને આપ્યા.

શોભાએ સ્ટૂલ ઘસડી લાવી ઊંચે ચઢી કૅશબૉક્સમાં પોતાની અને ભાઈની બબ્બે આનીઓ મૂકી દીધી. સ્ટૂલ. ઉપરથી ઊતરતાં બિલાડી તેને પગે અથડાઈ. એને ઊંચકી વહાલભરી એક થપાટ લગાવતાં શોભાએ કહ્યું :

'અને તું શું મૂકીશ બંન્કમાં ?' બિલ્લીએ જવાબમાં 'મ્યાઉ' 'મ્યાઉ' શબ્દનો ઉચ્ચાર કર્યો.

'અરે હા ! તારું દૂધ જ કાપી નાખીએ તો? એ તારો ફાળો.' શોભાએ બિલાડી સાથે વાત કરી.

'ના, બહેન ! દૂધ વગર બિલાડી જીવે જ નહિ.' નાનકડા અમરે બિલાડીનો પક્ષ લીધો.

'તો ભાઈ ! આપણે આપણું દૂધ જતું કરીએ તો ! રોજ કેટલા આના બચે? કોઈને પૂછી જોઈશું ?' શોભાએ પ્રશ્ન કર્યો.

આખા મધ્ય કુટુંબમાં બચતયોજનાનું વાતાવરણ વ્યાપી રહ્યું. મધ્યમ વર્ગની બચત એટલે ભૂખમરાનો એક પ્રકાર ! સાચી બૅન્કમાં કે સરકારી લોનમાં ભરવાનાં વધારાનાં નાણાં નહિ જ !