લખાણ પર જાઓ

ત્રિશંકુ/માટી બનતાં સ્વપ્ન

વિકિસ્રોતમાંથી
← બાહ્ય ચમકનો ચિરાતો પડદો ત્રિશંકુ
માટી બનતાં સ્વપ્ન
રમણલાલ દેસાઈ
નીચલા થરમાં ત્રિશંકુ →


૧૦
 
માટી બનતાં સ્વપ્ન
 


જીવનની બાહ્ય ચમકને ચીરવી એ આજના યુગમાં બહુ મોટી વાત નથી - જોકે બધાથી એ ચમકને ચિરાતી નથી. એક માનવી બીજા કરતાં ક્યારે વધારે મોટો હોય છે ? ક્યાં વધારે મોટો હોય છે ? અને એ મોટાઈની ચમક ચીરનાર પણ એના કરતાં વધારે મોટો હોતો નથી ! એટલે આજ તો જે હથિયાર હાથમાં આવે તે હથિયાર વડે સહુને એકબીજાના ઘરમાં ખાતર પાડવાનું જ કામ કરવાનું હોય છે. જે માનવી ફાવ્યો તે ખરો ! સુખલાલ તંત્રીની પાસે પત્રનું શસ્ત્ર મળ્યું અને દર્શનમાં તેમને ગરજવાળો ભાડૂતી શસ્ત્રધારી દેખાયો, એનો ઉપયોગ કરી સુખલાલ તંત્રી આબાદીને પંથે પગલાં મૂકી શક્યા. એમના પત્રમાં સ્થાનિક સમાચારો આવતા, પ્રાંતીય સમાચારો આવતા, રાષ્ટ્રીય સમાચારો આવતા અને આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આવ્યા કરતા. લોકો ધર્મ તરફ વળે એટલા માટે એમાં સ્તોત્રો, સ્તવનો, ટૂંકી ટૂંકી કથાઓ અને ધર્મવચનો પણ આપવામાં આવતાં. અગ્રલેખમાં સુખલાલ તંત્રી એક પાસ અમેરિકાને પણ સલાહ આપતા અને બીજી પાસ રશિયાને પણ સલાહ આપી શકતા. દિલ્હીનો દરવાજો, લંડનનો હાઈડપાર્ક, પેકિંગનો પંખો, ક્રેમલિનને કાંગરેથી, ધવલ હાઉસના પડદા પાછળ વગેરે વગેરે મથાળાં નીચે પરદેશી રાજકારણને પણ તેઓ પોતાના પત્રમાં ગૂંથતા. પત્રો દ્વારા લોકોના પ્રશ્નોની પણ ચર્ચા ઉઠાવતા; અને વાચકો પત્ર ન લખે ત્યારે તેમની કચેરી પણ પત્રલેખકો બની જતી; નારીવિભાગ, બાલવિભાગ, વ્યાપારવિભાગ, સિનેમાવિભાગ, રમતગમતવિભાગ, સાહિત્યવિભાગ વગેરે વગેરે વિભાગો કાઢી પત્રને સર્વાંગી બનાવવાનાં તેમને સ્વપ્ન આવવા લાગ્યા, અને તે એક જ મહિનામાં ! હવે તેમના પત્રની જડ જામી ગઈ હતી. દર્શનના ચમકાર ચીરતા લેખોમાંથી તેમની કચેરીમાં સાધનસુખ વધવા લાગ્યાં અને હૉટેલની ચા મંગાવી પીવાને બદલે એકાદ અઠવાડિયાથી તેમણે સ્ટવ મંગાવી ઑફિસમાં જ ચા બનાવી પીવાનો વહીવટ રાખ્યો હતો.

પગારદિન આવ્યો અને ચા પીતે પીતે ઘંટડી વગાડી તેમણે દર્શનને બોલાવ્યો, પોતે ચા પીતી વખતે સામે ઊભેલા કે બેઠેલા માનવીને ચા ધરવાની આપણી ફરજ કે આપણી શિષ્ટતા છે, એવું માનવાની કક્ષાએ તેમનું મન હજી પહોંચ્યું લાગતું ન હતું. ઉદારતા પણ સાધનો ઉપર જ ધાર રાખી ખીલે છે !

દર્શને આવી સુખલાલને નમસ્કાર કર્યા અને સામે ઊભો રહ્યો. સુખલાલના મુખ ઉપર ઠીક ઠીક આનંદ છવાઈ રહ્યો હતો. નમસ્કારનો તો તેમણે નમસ્કારથી જવાબ ન આપ્યો, પરંતુ પોતે ચા પી લે ત્યાં સુધી આનંદપૂર્વક ઊભા રહેવાની સૂચના તેમણે આંખને ઇશારે દર્શનને આપી.

ચા પી રહી. દર્શનની સામે તેમણે એક પાકીટ ફેક્યું અને કહ્યું :

'લે, દર્શન ! વધારા સાથેનો પગાર.'

'આભાર !' દર્શને કહ્યું.

'આભાર-બાભાર ઠીક છે. પણ હવે ધીમે ધીમે તારે બીજા લખાણની પણ ટેવ પાડવી પડશે. ત્રીસ દિવસમાં પંદર ફોડિયાઓ તો ઝડપાઈ ગયા.'

'હા, જી. હું પછીથી વાર્તાઓ પણ લખી શકીશ.'

'અલ્યા, વાર્તાઓ લખતો ક્યારનો થઈ ગયો ?'

'મેં તો, સાહેબ ! વાર્તાથી જ શરૂઆત કરી છે.'

‘તે ક્યાં આપે છે ? બીજા કોઈ પત્રમાં તો નહિ ને ?'

'ના, જી. આપને ત્યાં આવતા પહેલાં વાર્તાઓ લખતો હતો અને મોકલતો હતો; પણ બધી પાછી આવી એટલે લખવાનું માંડી વાળ્યું.' દર્શને સાચી હકીકત કહી.

'તે ઊતરેલી વાર્તાઓ મારે માથે મારવી છે શું ?'

'મારા ઉપર ભરોસો રાખોને શેઠસાહેબ ?'

'તે હવે તું શું લખવા ધારે છે ?'

‘હજી તો, સાહેબ ! આગેવાનો રહ્યા, નેતાઓ રહ્યા, સેવકો રહ્યા અને ગુરુઓ રહ્યા છે. પછી શેઠિયાઓનાં વખાણ શરૂ કરીશું.'

“હા.... હા.... હા ! તારી નજર ખૂંપવા માંડી, છોકરા ! એમાં જ તારા લાભની વાત છે. જા, જોજે પાકીટમાં મેં કેટલો પગાર વધારે આપ્યો છે તે. પણ કોઈને કહેતો નહિ.'

'પણ સાહેબ !.'

'હજી પણ શાનું? શું બાકી રહ્યું ?'

‘ટાઇપિંગનું ખર્ચ હજી બાકી છે.'

'અરે, હા. લે, કેટલું થયું ?' કહી સુખલાલે દર્શન પાસેથી ટાઇપિંગનું બિલ લીધું અને બિલ પ્રમાણેની રકમ મૂકી બીજું પાકીટ પણ તેમણે તેના તરફ ફેંક્યું. ફેંકતાં ફેંકતાં તેમણે અણધારી ઉદારતા દર્શાવતાં કહ્યું :

‘એક ટાઇપિસ્ટ છોકરી જ રાખી લે ને ? આમ ઉદ્ધડ કામ લેવાને બદલે ? હવે જખ મારીને સહુએ જાહેરાતો મોકલવા માંડી છે... પણ હજી સરકારી જાહેરાતો બરાબર આવતી નથી.

'ધીમે ધીમે સરકારની પણ ખબર લઈ નાખીશું. મેં અમલદારોની ઑફિસોમાં પણ પગપેસારો શરૂ કર્યો છે.' કહી દર્શને સુખલાલની સામે જોયું. સુખલાલ ખડખડ હસી પડ્યા. અને એમને ભાવિ પ્રગતિના આનંદમય સ્વપ્નમાં ગુલતાન રાખી નમન કરી દર્શન કચેરી બહાર નીકળી ગયો અને સીધો ઑફિસમાંથી પોતાની ચાલી તરફ નીકળી આવ્યો.

કોણ જાણે કેમ પણ આજ કિશોરની ઓરડીને દરવાજે જ તારા ઊભી હતી. કદાચ એને દર્શનના પગારદિનની ખબર હોય પણ ખરી. તેનો ભાઈ કિશોર તો આજ પગાર લાવવાનો જ હતો, અને તેની રાહ જોઈને તેની ભાભી સરલા પગારનો વિચાર કર્યા કરતી હતી અને નવા માસનાં સ્વપ્ન પણ સેવતી હતી, એ તારાની જાણ બહાર ન હતું. બારણે ઊભા રહીને જ દર્શનને જોતાં બરાબર તારાએ કહ્યું :

‘આજ ક્યાંથી જરા વહેલા આવ્યા ? કોઈ ક્લબમાં નથી ગયા શું ?'

‘હવે ક્લબમાં જાજૂસ તરીકે નહિ, પરંતુ સભ્ય તરીકે જવાનું સ્વપ્ન મને આવવા લાગ્યું છે.' દર્શને કહ્યું.

'સ્વપ્નને સ્વપ્ન જ રહેવા દો, એ સાચું પડશે તો આ પૃથ્વીની માટી બની જશે.' તારાએ કહ્યું.

'તારામતી ! તમે તો મને એક વાતનું મથાળું આપી દીધું !'

'મેં ? ક્યારે ?'

આ વાતવાતમાં... 'માટી બનતાં સ્વપ્ન'નું મથાળું બહુ સરસ છે ! મને જરા મદદ કરશો, અંદર આવીને ? આપણે ચા સાથે જ પીએ.' દર્શને કહ્યું અને બારણું ઉઘાડી રાખી તે ઓરડીની અંદર ગયો.

ચારપાસ નજર નાખી બે-ત્રણ મિનિટ થોભી તારા પણ દર્શનની ઓરડીમાં ગઈ અને તેણે બારણું બંધ પણ કર્યું.

'કેમ આટલો સંકોચ, તારામતી ?'

'સંકોચ હોય તો હું આવુંય ખરી?’

‘તમને વધારે સંકોચ થાય એવું એક કામ હું કરી લાવ્યો છું.' દર્શને કહ્યું.

‘એવું શું છે વળી ?' ‘તમારા ટાઇપિંગ બિલના હું પૈસા લઈ આવ્યો છું.’

‘ટાઇપિંગ બિલ ? મેં વળી ક્યારે આપ્યું છે !' તારાએ જરા ચમકીને પૂછ્યું.

‘તમે નથી આપ્યું, પરંતુ મારે તમારી મહેનતનો બદલો તો આપવો જ જોઈએ ને ?'

'મહેનત ? મહેનત તો તમને પડી છે, શીખવવાની ! અને હજી મને એવું ક્યાં ટાઇપિંગ આવડ્યું છે કે હું તેનું બિલ બનાવું?'

‘એક અઠવાડિયાથી તમારા જ ટાઈપ કરેલા લેખો સીધા જ યંત્ર ઉપર જાય છે. હું ફક્ત કામ કરાવવામાં માનતો નથી; લો, તમારા બિલના પૈસા.' કહી દર્શને પૈસાનું પાકીટ કાઢી તારા સામે ધર્યું. તારા એક ક્ષણભર દર્શનની સામે જોઈ રહી અને બોલી :

'તો આ ઓરડીનું ભાડું ચૂકવી દો ને ? મને આપવા કરતાં ?'

'એ તો નીચે ક્યારનું આપી દીધું. ભૈયો છોડે એવો ક્યાં છે ? અને તારામતી ! હું તમને આ રકમ આપું છું તે મારા પગારમાંથી નહિ. જુઓ મારા પગારનું આ બીજું પાકીટ.' કહી દર્શને બીજું પાકીટ બતાવ્યું.

'ઑફિસમાંથી જ તમને બે પાકીટ બનાવતાં કોણ રોકે એમ છે ?' તારાએ કહ્યું. પરંતુ દર્શન તારાની વધારે પાસે આવ્યો અને તેણે કહ્યું :

'હું તમને સોગનપૂર્વક કહું છું કે આ રકમ તમારી જ છે. અને આ માસથી તમને મારે પગાર નક્કી કરીને બાંધી જ લેવાં છે. નહિ તો તમે આગળ શીખશો નહિ. આવડેલું ભૂલી જશો અને મદદરૂપ થતાં અટકી પડશો ! લઈ લો આટલી રકમ.' એટલું કહી દર્શને કદી ન દર્શાવેલી હિંમત કરી તારાનો હાથ પકડ્યો અને તેના હાથમાં રૂપિયાનું પડીકું મૂકી દીધું. ક્ષણભર તારો સ્તબ્ધ બની. તેના હાથમાં જ રૂપિયાનું પડીકું રહી ગયું. દર્શન આટલા હસ્તસ્પર્શ કરતાં બીજો વધારે સ્પર્શ કરશે કે કેમ એવો ધડકારભર્યો વિચાર તારાના હૃદયમાં ધબકી રહ્યો; અને દર્શન તેની સ્તબ્ધતા જોઈ સહજ મૂંઝવણ પણ અનુભવી રહ્યો. સ્તબ્ધ બનેલી તારાએ સ્વાથ્ય મેળવી ગંભીર બની પૂછ્યું :

‘દર્શન ! તમે સારા માણસ છો ?'

'મારાં પ્રમાણપત્રો બતાવું ? અરે, તમે જ મને કેટલાંય ટાઈપ કરી આપ્યાં છે.' દર્શને હસીને જવાબ આપ્યો.

‘હસવાનો પ્રશ્ન નથી. મેં પૂછ્યું તેનો જવાબ આપો.'

'તારામતી ! તમે સરસ વકીલ થશો એમ લાગે છે.' ‘એ તો હું જે થઈશ તે.. પરંતુ આમ તમે મારા હાથમાં રૂપિયા મૂકો છો, અને ધારો કે કોઈ જોઈ જાય, તો ?'

' એમાં મને કંઈ પણ શરમ આવે એમ હું માનતો નથી.'

'પરતું મને શરમ આવે તો?'

'એવું કંઈ નથી, તારામતી ! તમે જઈને તમારાં ભાઈ-ભાભીને આ વાત કહી શકો છો. અને આ મહિનાથી તમે ટાઇપિસ્ટ તરીકે રોકાઈ ગયાં છો એમ કહેવાને પણ હરકત નથી.' દર્શને કહ્યું.

તારાના મુખ ઉપર અનેક વિચિત્ર ભાવો રમી રહ્યા હતા તે દર્શન જોઈ શક્યો. પોતાના હાથમાં રમતું પૈસાનું પાકીટ પાસે રાખવું, પાછું આપવું કે ફેંકી દેવું એની જબરજસ્ત મૂંઝવણમાં પડેલી તારા આજ સુધીની નિર્દોષતા પછી પહેલી જ વાર યૌવનનું દૂષિતપણું અનુભવી રહી હોય એમ ક્ષણભર દર્શનને લાગ્યું. દર્શને પોતાના ગરીબ જીવનમાં અનેક દોષો અને અનેક દૂષિત માનવીઓ જોયાં હતાં, પોતાના ધંધા અંગે થતા રઝળપાટમાં તેણે કૌમાર્ય અને યૌવનને અભડાતાં નિહાળ્યા હતાં અને એકલા પુરુષની જ નહિ પરંતુ સ્ત્રીની પણ કલુષિત મનોવૃત્તિ અને કલુષિત અવસ્થા નિહાળી હતી. એ સઘળું નિહાળ્યા છતાં હજી દર્શન માત્ર ક્લબ સિવાય કોઈ માનવીમાં કલુષિતપણું પ્રેર્યું હોય એમ બન્યું ન હતું. તારાને જોઈને તેને એકાએક સમજાયું કે તે આજ એક કૌમાર્યભરી કુમારીના મનમાં કંઈક વિષ રેડતો. હતો - તેના હાથમાં પૈસાનું પડીકું મૂકીને - અને તે પણ એકાંતમાં. યુવતીઓ અજ્ઞાત યૌવનમાંથી જ્ઞાત યૌવનમાં પ્રવેશ કરે છે, કદાચ આ જ ક્ષણે તારા અજ્ઞાતમાંથી જ્ઞાત યૌવનમાં પ્રવેશ કરતી હતી. એ જ સુભગ પ્રસંગે એ જ ભદ્ર પ્રસંગે દર્શનની પૈસાની આપલે તારાના હૃદયને કલુષિત તો નહિ કરી રહી હોય ? એમ ન હોય તો તારા તેને કેમ એમ પૂછે કે તમે સારા માણસ છો ?

આ બધા વિચારો અને આખો પ્રસંગ બહુ જ થોડી ક્ષણમાં પસાર થયાં. સતત હસતું દર્શનનું મુખ સંકોડાઈ ગંભીર બની ગયું. જરૂર પડે પાપ થાય તો તે કરવાને બહુ સંકોચાય નહિ, એવી હૃદય સુંવાળપ તે કેળવતો જતો હતો ! પરંતુ તેને એકાએક લાગ્યું કે જીવનમાં એક હૃદય સાથે તો તેનાથી પાપ ન જ થવું જોઈએ અને તે તારાનું હૃદય ! પરમ વિશ્વાસનું ઓઢણું ઓઢી તારા મુક્તપણે દર્શન પાસે આવતી હતી, જતી હતી, દર્શનની સાથે વાત કરતી હતી, રમતી હતી અને ભણતી પણ હતી. એનાં ભાઈ અને ભોજાઈ પણ વિશ્વાસનું ઓઢણું નહિ તો વિશ્વાસનાં ચરમાં જ પહેરીને દર્શન પ્રત્યે નિહાળતાં હતાં એવી દર્શનને ખબર હતી. દર્શનનો વિશ્વાસ ન હોય તો તારાને કોઈ પણ વડીલ આવી ઢબે તેની પાસે આવવાજવા ન દે. દર્શન માનવ વિશ્વમાં નોંધાયેલાં બધાં પાપ ભલે કરે, પરંતુ નિર્દોષ હૃદયનો પુંજ લઈ તેની પાસે આવતી તારાના હૃદયમાં કલુષિતપણાનો પ્રવેશ કરવા દેવાનું પાપ દર્શનથી થવું ન જ જોઈએ એમ તારાના મુખ સામે જોતાં તેને. લાગ્યું.

ક્ષણ બે ક્ષણ, પાંચ ક્ષણ વીતી ગઈ. ન દર્શન આગળ બોલ્યો ને તારા આગળ બોલી. તારાને પણ મનમાં વિચાર આવ્યો કે પોતાના ઉપર ઉપકાર કરનાર એક મિત્રને આવો પ્રશ્ન કરીને તે અન્યાય તો કરી રહી ન હતી ? એકાએક દર્શને કહ્યું :

'હં... સમજી ગયો. તારામતી ! તમે મને કયો પ્રશ્ન પૂછ્યો? એ ફરી પૂછો ને ?'

‘મારે એ પ્રશ્ન ફરી પૂછવો નથી.' તારાએ કહ્યું, જરા શરમાઈને.

'ભલે ન પૂછો, પરંતુ એ મારા હૃદયમાં વજ્રજલેપ બની ગયો છે..'

'બીજા કોઈએ તમને આ પ્રશ્ન નથી પૂછ્યો?' તારાએ સહજ હસીને કહ્યું.

‘એ પ્રશ્ન ઘણા માણસોએ પૂછ્યો છે.'

'તો પછી મારો જ પ્રશ્ન તમને વજ્રલેપ કેમ લાગી ગયો ?'

'કારણ એ પ્રશ્ન તારામતીએ પહેલી જ વાર મને પૂછ્યો !.. તારામતી ! એક સાચી વાત કહું ?'

‘તમે મને જૂઠી વાત કદી કહો એમ હું માનતી નથી. તેથી જ તમને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછવા જેટલો તમારામાં મને વિશ્વાસ ન હોત તો...'

'તો શું કરત તમે ?' દર્શને પૂછ્યું.

“કાંઈ નહિ, મારે કાંઈ જ કહેવું નથી.'

‘તો હવે મારે કહેવાનો વારો આવ્યો. જુઓ, હું સારો માણસ છું કે કેમ એવો તમે મને પ્રશ્ન પૂછ્યો. નહિ ?'

‘ખોટું લાગ્યું, દર્શન ?'

‘નહિ, જરાય નહિ.'

‘ત્યારે તમે આ બધું શું કહો છો ? અને પૂછો છો ?'

'તો મને કહી લેવા દો કે હું સારો માણસ તો નથી જ.' ‘મને તમે કહો છો તે સાચું લાગતું નથી.' તારાએ જરા વિલાઈને કહ્યું.

'જુઓ ને તારાગૌરી ! આમ તો બધાય માણસો સારા; પરંતુ જેવી પરિસ્થિતિ તેવા ગુણ અને અવગુણ.'

'મેં હજી તમારા અવગુણ દીઠા નથી.' તારાના હોઠ બોલી ઊઠ્યા.

'મારા અવગુણ જુઓ તે પહેલાં એક સ્પષ્ટતા કરી લઉં. મેં કહ્યું, ને કે હું સારો માણસ નથી ? એ જ સત્ય છે. પણ સાથે સાથે એ પણ કહી દઉં કે જે ક્ષણે તમને એમ લાગે કે હું સારો માણસ નથી તે ક્ષણે આ તમારા હાથના બધા જ રૂપિયા ગરમ કરી મારા કપાળ ઉપર ચોડી શકશો ! બસ?' દર્શને કહ્યું.

તારાની આંખમાંથી ટપટપ આંસુનાં બુંદ તેના ગાલ ઉપર પડવા લાગ્યાં, દર્શને જીવનમાં આવી ગંભીર ક્ષણ કદી નિહાળી ન હતી. ક્ષણભર તેને વિચાર પણ આવ્યો કે તે તારાનાં અશ્રુ પોતાના હાથમાં ઝીલી લે - અરે પોતાને હાથે લૂછી નાખે. પરંતુ તેણે એ હિંમત કરી નહિ. પોતે સારો માણસ છે કે કેમ એવો પ્રશ્ન તારા ફરી પૂછે એવી પરિસ્થિતિ એને રચવી ન હતી. આ જ ક્ષણે બારણું ઉઘાડી કોઈ આવી ચઢ્યું, તો ? તારાના ભાઈ કે તારાની ભોજાઈ આવી ચઢે તો ?

અને ખરેખર બારણું ઊઘડ્યું પણ ખરું ! પરંત બન્નેને સદ્ભાગ્યે એ આવનાર કોઈ દૂષિત દૃષ્ટિવાળું માનવપ્રાણી ન હતું, એ તારાની બિલાડી હતી જેને માનવીના સાચા દોષ હજી જડ્યા ન હતા. ચમકી ઊઠેલી તારા હસી પડી અને તેણે પોતાનાં અશ્રુ સાડીના છેડા વડે લૂછી નાખ્યાં. લૂછતે લૂછતે તેણે દર્શનને જ પૂછ્યું :

'ત્યારે હું શું કરું આ પૈસાને ?'

'મને પૂછો છો ?... વારુ. કદી. હું માગું તો મને પાછા આપવા પૂરતા તો એ તમારી પાસે રાખો !' દર્શને વિનંતી કરી.

તારાનું સ્મિત ચાલુ હતું. હસતે હસતે તેણે કહ્યું : ‘એટલા રૂપિયા તમે માગો ત્યારે પાસે રહ્યા હશે ખરા ?'

‘ન રહે તો હરકત નહિ. ગરમ કરી મારે કપાળે ચોડવા હું બીજા રૂપિયા તમને આપીશ. પણ મને જતા પહેલાં કહેતાં જાઓ કે તમે ટાઇપિંગ મારે માટે કરશો જ.'

‘ટાઇપિંગ કરવાનું તો ક્યાં છે? હજી તો શીખવાનું છે.' ‘તો એમ મને કહો કે તમે ટાઇપિંગ મારી પાસે શીખશો.'

'મારી ગરજે શીખીશ. દર્શન !... મને પણ હમણાંથી પગારદિનનાં સમણાં આવે છે.' કહી તારા હાથમાં પડીકું રાખી દર્શનની ઓરડી બહાર ચાલી ગઈ - બિલાડી તેને પગે આંટેવાળી આવી છતાં

દર્શને તેને રોકી નહિ. માત્ર તેની પાછળ જોઈ રહ્યો... જાણે હજી તારા ત્યાંથી જતી ન હોય !

પ્રેમ અને પૈસાની એક પટાબાજી અર્ધ અંધારી ચાલીમાં રમાઈ.