દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ઇતિહાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભૂગોળ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ઇતિહાસ
મોહનદાસ કરમચંદ ગાંધી
દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન →


૨. ઇતિહાસ

આફ્રિકાની ભૂગોળ પર દષ્ટિપાત કરતાં જે વિભાગો આપણે જોઈ ગયા એ કંઈ અસલથી જ છે એમ વાંચનારા ન જ માને છેક પુરાતન કાળમાં ત્યાંની વસ્તી કયા લોકોની હશે એ ચોકકસ રીતે નકકી નથી કરી શકાયું. યુરોપિયન લોકો દક્ષિણ આફ્રિકામાં વસ્યા તે વખતે ત્યાં હબસીઓ હતા આ હબસીઓ અમેરિકામાં ગુલામીનો કેર વર્તતો હતો તે વખતે તેમાંથી નાસીને કેટલાક દક્ષિણ આફ્રિકામાં વસ્યા એમ મનાય છે. તેઓ જુદી જુદી જાતથી ઓળખાય છે, જેવા કે ઝૂલુ, સ્વાઝી, બસૂટો, બેકવાના વગેરે.... તેઓની ભાષામાં પણ ભેદ હોય છે. આ હબસીઓ જ દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓ ગણાય. પણ દક્ષિણ આફ્રિકા એટલો બધો મોટો દેશ છે કે હાલની હબસીઓની વસ્તી છે તેના કરતાં વીસત્રીસ ગણી વસ્તી તેમાં સુખેથી સમાઈ શકે. ડરબનથી કેપટાઉન રેલ રસ્તે જતાં લગભગ ૧,૮૦૦ માઈલની મુસાફરી છે. દરિયારસ્તે પણ ૧,૦૦૦ માઈલથી ઓછું અંતર નથી. આ ચાર સંસ્થાઓનું ક્ષેત્રફળ ૪,૭૩,૦૦૦ ચોરસ માઈલ છે.

આ વિશાળ પ્રદેશમાં હબસીઓની વસ્તી સન ૧૯૧૪માં લગભગ પચાસ લાખ અને ગોરાઓની વસ્તી લગભગ તેર લાખ હતી. હબસીઓમાં ઝૂલુ વધારેમાં વધારે કદાવર અને રૂપાળા ગણી શકાય. “રૂપાળા” વિશેપણ હબસીઓને વિશે મેં ઈરાદાપૂર્વક વાપરેલું છે. સફેદ ચામડી અને અણિયાળા નાકમાં આપણે રૂપનું આરોપણ કરીએ છીએ; અા વહમ જે ઘડીભર બાજુએ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે. સ્ત્રી અને પુરુષો બંને ઊંચાં અને ઊંચાઈના પ્રમાણમાં વિશાળ છાતીવાળાં હોય છે. આખા શરીરના સ્નાયુ રીતસર ગોઠવાયેલા અને ઘણા મજબૂત હોય છે. એની પિંડલીઓ અને બાહુ માંસથી ભરેલાં હંમેશાં ગોળાકાર જ જોવામાં આવે છે. સ્ત્રી અથવા પુરુષ વાંકાં વળીને કે ખંધ કાઢીને ભાગ્યે જ ચાલતાં જેવામાં આવશે. હોઠ અવશ્ય મોટા અને જાડા હોય છે, પણ આખા શરીરના આકારના પ્રમાણમાં હોઈ જરાયે બેડોળ છે એમ હું તો નહીં કહું. અાંખ ગોળ અને તેજસ્વી હોય છે. નાક ચપટું અને મોટા મોઢાને શોભે એવું મોટું જ હોય છે, અને તેના માથાના ગુંચળિયા વાળ તેની સીસમ જેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શોભી નીકળે છે. જો આપણે કોઈ ઝૂલુને પૂછીએ કે દક્ષિણ આફ્રિકામાં વસતી કોમોમાં સહુથી વધારે રૂપાળા એ કોને ગણશે તો એ દાવો તે પોતાની જાતને સારુ જ કરશે, અને તેમાં હું તેનું જરાયે અજ્ઞાન નહીં જોઉં. જે પ્રયત્ન સેન્ડો ઈત્યાદિ આજે યુરોપમાં તેમના શાગિર્દોના બાહુ, હાથ વગેરે અવયવો કેળવવાને કરે છે તેમાંના કંઈ જ પ્રયત્ન વિના કુદરતી રીતે જે આ કોમના અવયવ ઘટ્ટ અને સુંદર આકારે બંધાયેલા જોવામાં આવે છે. ભૂમધ્યરેષાની નજદીક રહેનારી વસ્તીની ચામડી કાળી જ હોવી જોઈએ એ કુદરતી નિયમ છે. અને કુદરત જે જે ઘાટ ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું આપણે માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ. એટલું જ નહીં પણ હિંદુસ્તાનમાં કેટલેક અંશે આપણને અાપણી પોતાની જ ચામડી જે કાળાશ પડતી હોય તો જે અણછાજતાં શરમ અને અણગમો ઊપજે છે તેમાંથી પણ આપણે મુક્ત થઈએ.

આ હબસીઓ ઘાસમાટીના ગોળ કૂબાઓ(ઝુંપડાંઓ)માં વસે છે. એ કૂબાને એક જ ગોળ દીવાલ હોય છે અને ઉપર ઘાસનું છાપરું. અંદર એક થાંભલાની ઉપર છાપરાનો આધાર હોય છે. વાંકા વળીને જ જઈ શકાય એવો એક નીચો દરવાજે તે જ હવાની આવજાનું સાધન. તેને બારણું ભાગ્યે જ હોય છે. આપણી જેમ એ લોકો પણ દીવાલ અને ભોંયને માટી અને લાદછાણથી લીંપે છે, એમ ગણાય છે કે આ લોકો કંઈ પણ ચોરસ ચીજ બનાવી શકતા નથી. પોતાની આંખને કેવળ ગોળ વસ્તુ જોવા-બનાવવામાં જ કેળવી છે. કુદરત ભૂમિતિની સીધી લીટીઓ, સીધી આકૃતિઓ બનાવતી જોવામાં આવતી નથી. અને આ નિર્દોષ કુદરતનાં બાળકોનું જ્ઞાન કુદરતના તેમના અનુભવના ઉપર આધાર રાખનારું હોય છે.

પોતાના આ માટીના મહેલમાં રાચરચીલું પણ એને લગતું જ હોય. યુરોપનો સુધારો દાખલ થયો તેના પહેલાં તો તેઓ પહેરવા-ઓઢવા, સૂવા-બેસવાને સારુ ચામડાનો ઉપયોગ કરતા. ખુરશી, ટેબલ, પેટી ઈત્યાદિ રાખવા જેટલી જગ્યા પણ એ મહેલમાં ન જ હોય, અને આજ પણ નથી હોતાં, એમ ધણે ભાગે કહી શકાય. હવે તેઓએ ઘરમાં કામળીઓ દાખલ કરેલી છે. બ્રિટિશ સત્તા દાખલ થઈ તેની પહેલાં સ્ત્રીપુરુષો લગભગ નગ્નાવસ્થામાં જ ફરતાં. હાલ પણ દેહાતોમાં ઘણા એ જ પ્રમાણે વર્તે છે. ગુહ્ય ભાગોને એક ચામડાથી ઢાંકે છે. કોઈ એટલો પણ ઉપયોગ ન કરે.. પણ આનો અર્થ કોઈ વાંચનાર એવો ન કરે કે તેથી એ લોકો પોતાની ઈંદ્રિયોને વશ નથી રાખી શકતા. જયાં ઘણો સમુદાય એક રૂઢિને વશ થઈને વર્તતો હોય ત્યાં બીજા સમુદાયને એ રૂઢિ અયોગ્ય લાગતી હોય છતાં પહેલાની દષ્ટિમાં મુદ્દલ દોષ ન હોય એ તદ્દન સંભવિત છે. આ હબસીઓ એકબીજાની તરફ જોયાં કરવાને નવરા હોતા જ નથી. શુકદેવજી જયારે નગ્નાવસ્થામાં નાહતી સ્ત્રીઓની વચ્ચે થઈને ચાલ્યા ગયા ત્યારે ન એમના મનમાં જરાયે વિકાર થયો, ન એ નિર્દોષ સ્ત્રીઓને જરા પણ ક્ષોભ થયો, ન જરાયે શરમ જેવું લાગ્યું, એમ ભાગવતકાર કહે છે અને તેમાં મને કંઈ જ અમાનુષી નથી લાગતું. હિંદુસ્તાનમાં અાજે અાપણામાંનો કોઈ પણ એટલી સ્વચ્છતા એવે અવસરે ન અનુભવી શકે એ કંઈ મનુષ્યજાતની પવિત્રતાની હદ નથી, પણ અાપણા પોતાના દુર્ભાગ્યની નિશાની છે. અામને આપણે જંગલી ગણીએ છીએ તે આપણા અભિમાનનો પડઘો છે. આપણે માનીએ છીએ એવા તેઓ જંગલી નથી.

આ હબસીઓ જ્યારે શહરમાં આવે છે ત્યારે તેઓની સ્ત્રીઓને સારું એવો કાયદો છે કે તેઓએ છાતીથી ગોઠણ સુધીનો ભાગ ઢાંકવો જ જોઈએ. તેથી એ સ્ત્રીઓને અનિચ્છાએ પણ તેવું વસ્ત્ર વીંટાળવું પડે છે, અને તેને અંગે દક્ષિણ આફ્રિકામાં એ માપના કપડાનો બહોળો ઉઠાવ થાય છે અને એવી લાખો કામળો કે ચાદરો યુરોપથી દર વર્ષે આવે છે. પુરુષોને કેડેથી ગોઠણ સુધી પોતાના અવયવો : ઢાંકવાની ફરજ છે, તેથી તેઓએ તો યુરોપનાં ઊતરેલાં કપડાં પહેરવાની પ્રથા દાખલ કરી દીધેલી છે અને એમ નથી કરતા તે નેફાવાળી ચડ્ડીઓ પહેરે છે. આ બધાં કપડાં યુરોપથી જ આવે છે.

એઓનો મુખ્ય ખોરાક મકાઈ અને મળે ત્યારે માંસ. મસાલા વગેરેથી તેઓ સદભાગ્યે કેવળ અજાણ્યા છે. એમના ખોરાકમાં મસાલા હોય અથવા તો હળદરનો રંગ પણ ચડેલો હોય તો તેઓ નાક મરડશે, અને જે કેવળ જગલી કહેવાય છે એ તો એને અડકશે પણ નહીં. મકાઈ અાખી બાફેલી અને સાથે થોડું મીઠું લઈને એકીવખતે એક શેર ખાઈ જવી એ સામાન્ય ઝૂલુને માટે જરાયે નવાઈની વાત ન ગણાય. મકાઈનો અાટો પીસીને પાણીમાં ઉકાળી ઘેસ બનાવી ખાઈને સંતોષ માને છે. જ્યારે જ્યારે માંસ મળી શકે ત્યારે કાચું અથવા પાકું બાફેલું અથવા ભૂજેલું માત્ર મીઠાની સાથે ખાઈ જાય છે. ગમે તે પ્રાણીનું માંસ ખાતાં તેને આંચકો નહીં આવે.

તેઓની ભાષા જાતિના નામની જ હોય છે. લેખનકળા ગોરાઓએ જ દાખલ કરી છે. હબસી કક્કા જેવી વસ્તુ નથી. રોમન લિપિમાં હાલ હબસી ભાષાઓમાં બાઈબલ વગેરે પુસ્તકો છપાયાં છે. ઝૂલુ ભાષા અત્યંત મધુર છે. ઘણાખરા શબ્દોને છેડે “અા”નો ઉચ્ચાર હોય છે, તેથી ભાષાના અવાજ કાનને હળવા અને મધુર લાગે છે. શબ્દોમાં અર્થ અને કાવ્ય બંને રહેલાં છે એમ મેં વાંચ્યું છે ને સાંભળ્યું છે, જે થોડા શબ્દોનું મને અનાયાસે જ્ઞાન મળ્યું તે ઉપરથી ભાષા વિશેનો ઉપરનો મત મને યોગ્ય જણાયો છે. શહેરો વગેરેનાં નામો યુરોપિયનોએ પાડેલાં જે મેં આપ્યાં છે તે બધાંનાં મધુર અને કાવ્યમય હબસી નામો છે જ. મને યાદ નહીં હોવાથી હું તે નથી આપી શકયો. હબસીઓનો ધર્મ ખ્રિસ્તી પાદરીઓના મત પ્રમાણે તો કંઈ જ ન હતો અને નથી એમ કહેવાય. પણ ધર્મનો વિસ્તીર્ણ અર્થ લઈએ તો કહી શકાય કે પોતે નથી ઓળખી શકતા એવી અલૌકિક શક્તિને તેઓ જરૂર માને છે અને પૂજે છે, એ શક્તિથી ડરે છે પણ ખરા. શરીરનાશની સાથે મનુષ્યનો સર્વથા નાશ નથી થતો એમ પણ તેઓને ઝાંખું ઝાંખું ભાસે છે, જે નીતિને આપણે ધર્મનો પાયો ગણીએ તો તેઓ નીતિ માનનારા હોઈ ધર્મી પણ ગણી શકાય. સાચ અને જૂઠનો તેમને પૂરો ખ્યાલ છે. પોતાની સ્વાભાવિક અવસ્થામાં જેટલે દરજજે તેઓ સત્યને જાળવે છે તેટલે દરજજે ગોરાઓ અથવા આપણે જાળવીએ છીએ કે નહીં એ શકભરેલી વાત છે. દેવળો વગેરે તેઓને હોતાં નથી. બીજી પ્રજાઓની જેમ તેઓમાં પણ ઘણી જાતના વહેમો જોવામાં આવે છે. વાંચનારને આશ્ચર્ય થશે કે શરીરની મજબૂતીમાં જગતમાં કોઈ પણ કોમથી ન ઊતરે એવી આ કોમ ખરે એટલી મોળી છે કે ગોરા બાળકને જુએ તોપણ ડરે છે. જે કોઈ તેની સામે રિવૉલ્વર તાકે તો કાં તો તે ભાગી જશે અથવા તો એવો મૂઢ બની જશે કે તેનામાં ભાગવાની તાકાત પણ નહીં રહે. આનું કારણ તો છે જ. મૂઠીભર ગોરાઓ આવી જંગી અને જંગલી કોમને વશ કરી શક્યા છે એ કોઈ જાદુ હોવું જોઈએ એમ તેને ઠસી ગયું છે. તેને ભાલાનો અને તીરકામઠાનો ઉપયોગ તો સારી રીતે આવડતો હતો. તે તો છીનવી લેવામાં આવ્યાં છે. બંદૂક તો કોઈ દિવસ ન જોયેલી, ન ફોડેલી. જેને નથી દીવાસળી લગાવવી પડતી, નથી હાથની અાંગળી ચલાવવા સિવાય બીજી કંઈ ગતિ કરવી પડતી, છતાં એક નાની સરખી ભૂંગળીમાંથી એકાએક અવાજ નીકળે છે, ભડકો જોવાય છે અને ગોળી વાગી ક્ષણમાત્રમાં માણસના પ્રાણ જાય છે એ તેનાથી સમજી શકાતું નથી. એથી એ સદાય એ વસ્તુ વાપરનારના ડરથી બેબાકળો રહે છે. તેણે અને તેના બાપદાદાઓએ અનુભવ્યું છે કે એવી ગોળીઓએ અનેક નિરાધાર અને નિર્દોષ હબસીઓના પ્રાણ લીધા છે. તેનું કારણ તેઓમાં ઘણા આજ લગી પણ જાણતા નથી.

આ કોમમાં ધીમે ધીમે “સુધારો” પ્રવેશ કરતો જાય છે. એક તરફથી ભલા પાદરીઓ તેઓ સમજયા છે તે રૂપમાં ઈશુ ખ્રિસ્તનો સંદેશો તેઓને પહોંચાડે છે. તેઓને સારુ નિશાળ ખોલે છે, અને સામાન્ય અક્ષરજ્ઞાન આપે છે. એમના પ્રયત્નથી કેટલાક ચારિત્ર્યવાન હબસીઓ પણ તૈયાર થયા છે. પણ ઘણા જેઓ અત્યાર સુધી અક્ષરજ્ઞાનની ખામીને લીધે, સુધારાના પરિચયને અભાવે, અનેક અનીતિઓમાંથી મુક્ત હતા તેઓ આજ પાખંડી પણ બન્યા છે. સુધારાના પ્રસંગમાં આવેલા હબસીમાંથી ભાગ્યે જ કોઈ દારૂની બદીમાંથી બચ્યા હોય અને તેઓના મસ્તાન શરીરમાં જ્યારે દારૂનો પ્રવેશ થાય છે ત્યારે તેઓ કેવળ દીવાના બને છે અને ન કરવાનું બધું કરી નાખે છે. સુધારો વધવો એટલે હાજતો વધવી એ તો બે -ને બે ચાર જેવો સીધો મેળ છે. હાજતો વધારવાને અર્થે કહો, બધાને માથાવેરો, કૂબાવેરો આપવો પડે છે. એ વેરો નાખવામાં ન આવે તો અા પોતાનાં ખેતરોમાં રહેનારી કોમ ભોંયની અંદર સેંકડો ગજ ઊંડી ખાણોમાં સોનું કે હીરા કાઢવાને ઊતરે નહીં અને જે ખાણોને સારુ એમની મજૂરી ન મળી શકે તો સોનું અથવા તો હીરા પૃથ્વીનાં અાંતરડાંમાં જ રહી જાય. તેમ જ યુરોપનિવાસીઓને નોકરવર્ગ પણ તેઓની ઉપર કર નાખ્યા વિના મળવો મુશ્કેલ છે. પરિણામ એ આવ્યું છે કે ખાણોની અંદર કામ કરતા હજારો હબસીઓને બીજાં દરદોની સાથે એક જાતનો ક્ષયરોગ પણ થાય છે કે જે “માઈનર્સ થાઈસિસ'ને નામે ઓળખાય છે, તે રોગ પ્રાણહર છે. તેના પંજામાં આવ્યા પછી થોડા જ ઊગરી શકે છે. આવા હજારો માણસો એક ખાણની અંદર રહે. પોતાનાં બાળબચ્ચાં સાથે ન હોય એવી સ્થિતિમાં એ કેટલો સંયમ જાળવી શકે એ વાંચનાર સહેજે વિચારી શકશે. તેને પરિણામે થતાં દરદોના પણ આ લોકો ભોગ થઈ પડે છે. દક્ષિણ આફ્રિકાના વિચારશીલ ગોરાઓ પણ આ ગંભીર પ્રશ્નનો વિચાર નથી કરતા એમ નથી. તેઓમાંના કેટલાક અવશ્ય માને છે કે સુધારાની અસર આ કોમ ઉપર એકંદરે સારી પડી છે એવો દાવો ભાગ્યે જ કરી શકાય. એની નઠારી અસર તો હરકોઈ માણસ જોઈ શકે છે.

આ મહાન દેશમાં જયાં આવી નિર્દોષ કોમ વસતી હતી ત્યાં લગભગ ચારસો વરસ પૂર્વે વલંદા લોકોએ થાણું નાખ્યું. તેઓ ગુલામો તો રાખતા જ હતા. પોતાના જાવા સંસ્થાનમાંથી કેટલાક વલંદા તેઓના પોતાના મલાયી ગુલામોને લઈને, જેને આપણે હવે કેપ કૉલોનીના નામથી ઓળખીએ છીએ ત્યાં દાખલ થયા. આ મલાયી લોકો મુસલમાન છે. તેઓમાં વલંદાનું લોહી છે અને તે જ પ્રમાણે તેના કેટલાક ગુણો પણ છે. તેઓ છૂટાછવાયા આખા દક્ષિણ આફ્રિકામાં પથરાયેલા જોવામાં આવે છે પણ તેઓનું મથક તો કેપટાઉન જ ગણાય. અાજ તેઓમાંના કેટલાક ગોરાઓની નોકરી કરે છે અને બીજા સ્વતંત્ર ધંધો કરે છે. મલાયી ઓરતો બહુ ઉદ્યોગી અને હોશિયાર હોય છે. તેમની રહેણી ઘણે ભાગે સ્વચ્છ જેવામાં આવે છે. અોરતો ધોબીનું અને સીવણનું કામ ઘણું સરસ કરી શકે છે. મરદો કોઈ નાનો સરખો વેપાર કરે છે. ઘણા ગાડી હાંકવાનો ધંધો કરી પોતાનો ગુજારો કરે છે. થોડાકે ઊંચા પ્રકારની અંગ્રેજી કેળવણી પણ લીધી છે. તેમાંના એક કેપટાઉનમાં ડૉક્ટર અબદુલ રહમાન પ્રખ્યાત છે. તે કેપટાઉનમાં જૂની ધારાસભામાં પણ પહોંચી શકયા હતા. નવા બંધારણ પ્રમાણે મુખ્ય ધારાસભામાં જવાનો એ હક છીનવી લેવામાં આવ્યો છે.

વલંદાનું થોડું વર્ણન કરતાં વચમાં મલાયી લોકોનું વર્ણન સહજ આવી ગયું, પણ હવે આપણે વલંદા લોકો કેમ આગળ વધ્યા એ જરાક જોઈ લઈએ. વલંદા એટલે ડચ એ મારે જણાવવાની જરૂર ન હોવી જોઈએ. આ લોકો જેટલા બહાદુર લડવૈયા હતા અને છે તેટલા જ કુશળ ખેડૂત હતા ને આજે પણ છે. તેઓએ જોયું કે પોતાની આસપાસનો મુલક ખેતીને સારુ બહુ લાયક છે. તેઓએ જોયું કે ત્યાંના વતની વરસમાં થોડો જ વખત કામ કરીને સહેલાઈથી પોતાનો ગુજારો કરી શકે છે. તેઓની પાસેથી મજૂરી કેમ ન લઈ શકાય? વલંદાની પોતાની પાસે કળા હતી, બંદૂક હતી, મનુષ્યોને બીજાં પ્રાણીઓની જેમ કેમ વશ કરવા એ તેઓ જાણી શકતા હતા. એમ કરવામાં ધર્મનો કશોયે બાધ નથી એવી તેમની માન્યતા હતી.. એટલે પોતાના કાર્યની યોગ્યતાને વિશે જરાયે શંકાશીલ થયા વિના તેઓએ દક્ષિણ આફ્રિકાના વતનીઓની મજૂરી વડે ખેતી વગેરે શરૂ કર્યા. જેમ વલંદા દુનિયામાં પોતાનો ફેલાવો કરવાને સારુ સારી સારી જમીનો શોધી રહ્યા હતા તેમ જ અંગ્રેજોનું હતું, ધીમે ધીમે અંગ્રેજો પણ આવ્યા. અંગ્રેજ અને ડચ પિત્રાઈ તો છે જ. બંનેના ખવાસ એક, લોભ એક. એક જ કુંભારનાં માટલાં ભેગાં થાય ત્યારે કોઈક કૂટે પણ ખરાં, તેમ આ બંને કોમ પોતાનો પગપેસારો કરતાં કરતાં અને ધીમે ધીમે હબસીઓને વશ કરતાં કરતાં ભેટી પડી. તકરારો થઈ, લડાઈઓ પણ થઈ. મજુબાની ટેકરીમાં અંગ્રેજો હાર્યા પણ ખરા. આ મજુબાનો ડાઘ રહી ગયો અને તેમાંથી પાકીને જે ગૂમડું થયું હતું તે સન ૧૮૯૯થી ૧૯૦ર સુધી જે જગપ્રસિદ્ધ લડાઈ થઈ ગઈ તેમાં ફૂટ્યું અને જનરલ ક્રોન્જેને જ્યારે લોર્ડ રોબટ્સે વશ કર્યા ત્યારે તે મરહૂમ વિકટોરિયા રાણીને તાર કરી શકયા, 'મજુબાનું વેર લીધું છે.' પણ જ્યારે પહેલી (બોઅર લડાઈ આગળની) કસાકસી આ બંને વચ્ચે થઈ ત્યારે વલંદા લોકોમાંના ઘણા અંગ્રેજની નામની સત્તા પણ કબૂલ કરવા તૈયાર ન હતા તેથી તેઓ દક્ષિણ આફ્રિકાના અંતર પ્રદેશમાં ગયા. એને પરિણામે ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટની ઉત્પત્તિ થઈ.

આ જ વલંદા અથવા ડચ લોકો એ દક્ષિણ આફ્રિકામાં “બોઅર'ને નામે ઓળખાવા લાગ્યા. તેઓએ પોતાની ભાષા તો જેમ બાળક માતાને સેવે છે તેવી રીતે સેવીને જાળવી રાખી છે. પોતાની સ્વતંત્રતાને પોતાની ભાષાની સાથે અતિશય નિકટ સંબંધ છે એ વાત તેઓના હાડમાં પસરી ગયેલી છે. ઘણા હુમલા થયા છતાં તેઓ પોતાની માતૃભાષાને સાચવી રહ્યા છે. આ ભાષાએ ત્યાંના લોકોને અનુકૂળ આવે એવું નવું સ્વરૂપ પકડયું છે. હોલેન્ડની સાથે પોતાનો નિકટ સંબંધ રાખી નહીં શકયા એટલે જેમ સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષાઓ થઈ છે તેમ ડચમાંથી અપભ્રષ્ટ ડચ બોઅર લોકો બોલતા થઈ ગયા. પણ હવે તેઓ પોતાનાં બાળકો ઉપર બિનજરૂરી બોજો મૂકવા નથી ઈચ્છતા તેથી તેઓએ આ પ્રાકૃત બોલીને સ્થાયી રૂપ આપ્યું છે અને તે 'ટાલ' નામે ઓળખાય છે. તેમાં જ ત્યાંનાં પુસ્તકો લખાય છે. બાળકોની કેળવણી તેમાં અપાય છે, અને ધારાસભામાં બોઅર સભાસદો 'ટાલ' ભાષામાં જ પોતાનાં ભાષણો આપે છે. યુનિયન પછીથી આખા દક્ષિણ આફ્રિકામાં બંને ભાષા – ટાલ અથવા ડચ અને અંગ્રેજી – એકસરખી પદવી ભોગવે છે, - તે એટલે સુધી કે ત્યાંનાં સરકારી ગેઝેટ બંને ભાષામાં પ્રગટ થવાં જોઈએ અને ધારાસભાનો કારભાર બંને ભાષામાં છપાવો જોઈએ. બોઅર લોકો સાદા, ભોળા અને ધર્મચુસ્ત છે, તેઓ વિશાળ ખેતરોમાં વસે છે. આપણને ત્યાંનાં ખેતરોના વિસ્તારનો ખ્યાલ ન આવી શકે. આપણા ખેડૂતનાં ખેતરો એટલે બે-ત્રણ વીઘાં જમીન. એથી પણ અોછી હોય. ત્યાંનાં ખેતરો એટલે સેંકડો અથવા હજારો વીઘાં જમીન એક એક માણસના તાબામાં હોય. એ બધી જમીનને તુરત ખેડવાનો લોભ પણ આ ખેડૂતો રાખતા નથી અને કોઈ દલીલ કરે તો કહે છે કે "છો પડી. જેમાં અમે વાવેતર નહીં કરીએ તેમાં અમારી પ્રજા કરશે."

દરેક બોઅર લડવામાં પૂરેપૂરો કુશળ હોય છે. અને માંહોમાંહે ભલે વઢેઝઘડે પણ તેઓને પોતાની સ્વતંત્રતા એટલી બધી પ્રિય હોય છે કે જ્યારે તેની પર હુમલો થાય ત્યારે બધા બોઅર તૈયાર થઈ જાય છે અને એક શરીરની માફક ઝૂઝે છે. તેઓને ભારે કવાયત વગેરેની જરૂર હોતી નથી કેમ કે લડવું એ આખી કોમનો સ્વભાવ કે ગુણ છે. જનરલ સ્મટ્સ, જનરલ ડીવેટ, જનરલ હઝાઁગ ત્રણે મોટા વકીલ અને મોટા ખેડૂત છે, અને ત્રણે તેવા જ મોટા લડવૈયા. જનરલ બોથાની પાસે નવ હજાર એકરનું ખેતર હતું. ખેતીની બધી આંટીઘૂંટીઓ એ જાણતા. જ્યારે તે સંધિને અર્થે યુરોપ ગયેલા તે વખતે એને વિશે એમ કહેવાયેલું કે ઘેટાંની પરીક્ષામાં એના જેવો કુશળ યુરોપમાં પણ કોઈ ભાગ્યે જ હશે. એ જનરલ બોથાએ મરહૂમ પ્રેસિડન્ટ ક્રૂગરની જગ્યા લીધેલી. તેનું અંગ્રેજી જ્ઞાન સરસ હતું છતાં જ્યારે તે ઇંગ્લેંડમાં બાદશાહને અને પ્રધાનમંડળને મળ્યા ત્યારે તેણે હંમેશાં પોતાની જ માતૃભાષા મારફત વાતચીત કરવાનું પસંદ કર્યું. કોણ કહી શકે કે એ યથાર્થ ન હતું ? અંગ્રેજી ભાષાનું જ્ઞાન બતાવવાની ખાતર ભૂલ કરવાનું જોખમ શા સારુ ખેડે ? પોતાની વિચારશ્રેણીમાં યોગ્ય શબ્દ ગોતવા જતાં ભંગ પાડવાનું સાહસ શા સારુ કરે ? પ્રધાનમંડળ કેવળ અજાણપણે અંગ્રેજી ભાષાની કંઈક અપરિચિત રૂઢિનો ઉપયોગ કરે તેનો પોતે અર્થ ન સમજે ને કંઈનો કંઈ જવાબ દેવાઈ જવાય, કદાચ ગભરાઈ જવાય અને તેથી પોતાના કાર્યને નુકસાન પહોંચે એવી ગંભીર ભૂલ શાને કરે ?

જેમ બોઅર પુરુષો બહાદુર અને સાદા છે તેમ જ બોઅર સ્ત્રીઓ પણ બહાદુર અને સાદી છે. બોઅર લડાઈને વખતે જે બોઅર લોકોએ પોતાનું લોહી રેડયું તો તે ભોગ અોરતોની હિંમત તેમ જ તેમના ઉત્તેજનથી તેઓ આપી શકયા. અોરતોને નહોતો વૈધવ્યનો ભય કે નહોતો ભવિષ્યનો. મેં ઉપર કહ્યું કે બોઅર લોકો ધર્મચુસ્ત છે, ખ્રિસ્તી છે. પણ તેઓ ઈશુ ખ્રિસ્તના નવા કરારને માનનારા એમ ન કહી શકાય. ખરું જોતાં તો યુરોપ જ નવા કરારને કયાં માને છે ? છતાં યુરોપમાં નવા કરારને માન આપવાનો દાવો થાય જ છે, જોકે કેટલાક યુરોપનિવાસી ઈશુ ખ્રિસ્તના શાંતિધર્મને જાણે છે અને પાળે છે. પણ બોઅર લોકો તો નવા કરારને નામથી જ જાણે છે એમ કહી શકાય. જૂનો કરાર ભાવપૂર્વક વાંચે છે અને તેમાં જે લડાઈઓનાં વર્ણન છે તે ગોખે છે. મૂસા પેગંબરનું “દાંતને બદલે દાંત અને આંખને બદલે અાંખ'નું શિક્ષણ પૂરી રીતે માને છે. અને જે પ્રમાણે માને છે તે પ્રમાણે તેઓ વર્તે છે. બોઅર ઓરતોએ પણ પોતાની સ્વતંત્રતા જાળવવાની ખાતર ગમે તેટલું દુ:ખ સહન કરવું પડે તોપણ તે ધર્મનું ફરમાન છે એમ સમજી ધીરજથી અને આનંદથી બધી આપત્તિઓ વેઠી. ઓરતોને નમાવવાને સારુ મરહૂમ લૉર્ડ કિચનરે ઉપાયો કરવામાં કચાશ નથી રાખી. નોખા નોખા વાડાઓમાં તેઓને પૂરી. ત્યાં તેઓની ઉપર અસહ્ય વિપત્તિઓ પડી.. ખાવાપીવાના સાંસા; ટાઢથી, તડકાથી સોસાઈ જાય.. કોઈ શરાબ પી ગાંડો થયેલો અથવા તો વિષયના આવેશમાં ભાન ભૂલી ગયેલો સોલ્જર આ ધણી વિનાની ઓરતો ઉપર હુમલો પણ કરે. અા વાડાઓમાં અનેક પ્રકારના ઉપદ્રવો પેદા થાય, ઈ૦ એ, છતાં આ બહાદુર ઓરતો નમી નહીં.. અને છેવટે કિંગ એડવર્ડે જ નૉર્ડ કિચનરને લખ્યું કે, "આ મારાથી સહન થઈ શકતું નથી. જે બોઅરને નમાવવાનો આપણી પાસે આ જ ઈલાજ હોય તો એના કરતાં હું ગમે તેવી સુલેહ પસંદ કરું છું. લડાઈને તમે જલદીથી સંકેલજો."

અા બધા દુઃખનો અવાજ જ્યારે ઇંગ્લેંડમાં પહોંચ્યો ત્યારે અંગ્રેજી પ્રજાનું મન પણ દુખિત થયું. બોઅરની બહાદુરીથી એ પ્રજા આશ્ચર્યચકિત થઈ હતી. એવડી નાનકડી કોમે દુનિયાને ઘેરનાર સલ્તનતને હંફાવી એ અંગ્રેજ પ્રજાના મનને ખૂંચ્યા જ કરતું હતું, પણ જ્યારે આ વાડાઓની અંદર ગોંધાઈ રહેલી ઓરતોના દુઃખનો નાદ તે ઓરતોની મારફતે નહીં, તેમના મરદોની મારફતે પણ નહીં – તે તો રણમાં જ ઝૂઝી રહ્યા હતા – પણ છૂટાંછવાયાં ઉદારચરિત અંગ્રેજ સ્ત્રીપુરુષો જે દક્ષિણ આફ્રિકામાં હતાં તેઓની મારફતે પહોંચ્યો ત્યારે અંગ્રેજ પ્રજા વિમાસવા માંડી. મરહૂમ સર હેનરી કેમ્પબેલ બેનરમેને અંગ્રેજ પ્રજાનું હૃદય ઓળખ અને તેણે લડાઈની સામે ગર્જના કરી. મરહૂમ સ્ટેડે જાહેર રીતે ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરી અને બીજાઓને તેમ કરવા પ્રેર્યા કે એ લડાઈમાં ઈશ્વર અંગ્રેજને હરાવે. આ દશ્ય ચમત્કારિક હતું, ખરેખરું દુઃખ ખરેખરી રીતે વેઠાયેલું પથ્થર જેવા હૃદયને પણ પિગળાવી નાખે છે એ એવા દુઃખનો એટલે તપશ્ચર્યાનો મહિમા છે, અને તેમાં જ સત્યાગ્રહની ચાવી છે.

પરિણામ એ આવ્યું કે ફીનિખનની સુલેહ થઈ અને છેવટે દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો એક કારભાર નીચે આવ્યાં. જોકે આ સુલેહની વાત હરેક અખબાર વાંચનાર હિંદીની જાણમાં છે, છતાં એકબે એવી હકીકત છે કે જેનો ખ્યાલ સરખો પણ ઘણાને હોવાનો સંભવ નથી. ફીનિખાનની સુલેહ થવાની સાથે જ દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો જોડાઈ ગયાં એમ ન હતું, પણ દરેકને પોતાની ધારાસભા હતી. તેનું કારભારી મંડળ એ ધારાસભાને પૂરેપૂરી રીતે જવાબદાર ન હતું.[૧] આવો સંકુચિત હક જનરલ બોથાને કે જનરલ સ્મટ્સને ન જ સંતોષે, છતાં લૉર્ડ મિલ્નરે વર વિનાની જાન ચલાવવાનું યોગ્ય ધાર્યું. જનરલ બોથા ધારાસભામાંથી અલગ રહ્યા. તેણે અસહકાર કર્યો, સરકારની સાથે સંબંધ રાખવાની ચોખ્ખી ના પાડી. લોર્ડ મિલનરે તીખું ભાષણ કર્યું, અને જણાવ્યું કે જનરલ બોથાએ એટલો બધો ભાર પોતાની ઉપર છે એમ માની લેવાની જરૂર નથી, રાજવહીવટ તેના વિના પણ ચાલી શકશે.

બોઅરોની બહાદુરી, તેઓની સ્વતંત્રતા, તેઓનો આપભોગ, એ વિશે વગર સંકોચે મેં લખ્યું છે, છતાં વાંચનારની ઉપર એવી છાપ પાડવાનો મારો ઈરાદો ન હતો કે સંકટને સમયે પણ એઓમાં મતભેદ ન હોઈ શકે અથવા તો કોઈ નબળા ન જ હોય.. બોઅરોમાં પણ સહજે રાજી થઈ જનાર પક્ષ લૉર્ડ મિલ્નર ઊભો કરી શકયા, અને માની લીધું કે એઓની મદદ વડે ધારાસભાને પોતે દીપાવી શકશે. એક નાટકકાર પણ પોતાના નાટકને મુખ્ય પાત્ર વિના શોભાવી નથી શકતો, તો આ આકરા સંસારમાં કારભાર ચલાવનાર માણસ મુખ્ય પાત્રને વીસરી જાય અને સફળ થવાની ઉમેદ રાખે એ ગાંડો ગણાય. એવી જ દશા ખરેખર લૉર્ડ મિલ્નરની થઈ. અને એમ પણ કહેવાતું હતું કે પોતે ધમકી તો આપી, પણ ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટનો વહીવટ જનરલ બોથા વિના ચલાવવો એટલો તો મુશ્કેલ થઈ ગયો કે લૉર્ડ મિલ્નર પોતાના બગીચામાં ચિંતાતુર અને બેબાકળા થયેલા જોવામાં આવતા હતા ! જનરલ બોથાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ફીનિખાનના સુલેહનામાનો અર્થ તેઓ ચોખ્ખો સમજ્યા હતા કે બોઅર લોકોને પોતાની અાંતર-વ્યવસ્થાનો પૂરેપૂરો અધિકાર તુરત મળશે. અને તેમણે કહ્યું કે જો એવું ન હોત તો કદી તે પર પોતે સહી ન કરત. લૉર્ડ કિચનરે તેના જવાબમાં એમ જણાવેલું કે એવી જાતનો કશોયે ભરોસો જનરલ બોથાને તેમણે આપેલો ન હતો. ધીમે ધીમે બોઅર પ્રજા જેમ જેમ વિશ્વાસપાત્ર નીવડે તેમ તેમ તેઓને સ્વતંત્રતા મળતી જશે ! હવે આ બેની વચ્ચે ઈન્સાફ કોણ કરે ? કોઈ પંચની વાત કહે તોપણ જનરલ બોથા શાને કબૂલ થાય ? તે વખતે વડી સરકારે જે ન્યાય કર્યો એ એમને સંપૂર્ણ રીતે શોભાવનારો હતો. એ સરકારે કબૂલ રાખ્યું કે સામેનો પક્ષ – તેમાંયે વળી નબળો પક્ષ – સમાધાનનો જે અર્થ સમજેલો હોય તે અર્થ સબળા પક્ષે કબૂલ રાખવો જ જોઈએ. ન્યાય અને સત્યને ધોરણે તો હંમેશાં એ જ અર્થ ખરો હોય. મારા કહેવાનો મેં મારા મનમાં ગમે તેવો અર્થ રાખેલો હોય છતાં તેની જે છાપ વાંચનાર અથવા સાંભળનારના મન ઉપર પડતી હોય તે જ અર્થમાં મેં મારું વચન કે લખાણ કહ્યું કે લખ્યું એમ મારે તેઓના પ્રત્યે કબૂલ રાખવું જ જોઈએ. આ સોનેરી નિયમનું પાલન આપણે વ્યવહારમાં ઘણી વખત નથી કરતા, તેથી જ ઘણી તકરારો થાય છે અને સત્યને નામે અર્ધું સત્ય – એટલે ખરું જોતાં દોઢ અસત્ય – ઉપયોગમાં લેવાય છે. આમ જયારે સત્યની – એટલે અહીં જનરલ બોથાની – પૂરી જીત થઈ ત્યારે તેઓ કામે વળગ્યા અને પરિણામે બધી સંસ્થાઓ એકત્ર થઈ અને દક્ષિણ આફ્રિકાને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. વાવટો યુનિયન જેક છે, નકશામાં એ પ્રદેશનો રંગ લાલ છે, છતાં દક્ષિણ આફ્રિકા સંપૂર્ણ રીતે સ્વતંત્ર જ છે એમ માનવામાં કશી અતિશયતા નથી. એક પાઈ પણ બ્રિટિશ સલ્તનત દક્ષિણ આફ્રિકાના કાર્યકર્તાઓની સંમતિ વિના દક્ષિણ આફ્રિકામાંથી લઈ ન શકે. એટલું જ નહીં પણ બ્રિટિશ પ્રધાનોએ કબૂલ કર્યું છે કે જો દક્ષિણ આફ્રિકા બ્રિટિશ વાવટો કાઢી નાખવા ઈચ્છે અને નામથી પણ સ્વતંત્ર થવા ઈચ્છે તો તેને કોઈ રોકી શકે એમ નથી. અને જો આજે દક્ષિણ આફ્રિકાના ગોરાઓએ એ પગલું નથી ભર્યું તો તેનું સબળ કારણ છે. એક તો એ કે બોઅર પ્રજાના આગેવાનો ચાલાક અને સમજુ છે. બ્રિટિશ સલ્તનતની સાથે જેમાં પોતાને કાંઈ પણ ખોવાનું નથી એવી જાતનું સહિયારું અથવા એવી જાતનો સંબંધ તે રાખે તો કંઈ અયોગ્ય નથી. પણ એ ઉપરાંત બીજું વ્યાવહારિક કારણ પણ છે, અને તે એ કે નાતાલમાં અંગ્રેજોની સંખ્યા વધારે છે, કેપ કૉલોનીમાં અંગ્રેજોની સંખ્યા ઘણી છે જોકે બોઅર કરતાં વધારે નથી, અને જોહાનિસબર્ગમાં કેવળ અંગ્રેજી અસર જ છે. તેથી બોઅર કોમ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય આખા દક્ષિણ આફ્રિકામાં સ્થાપવાને ઈચ્છે તો ઘરમાં જ તકરાર દાખલ કરવા જેવું થાય અને કદાચ માંહોમાંહ લડાઈ પણ જાગે. તેથી દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સંસ્થાન ગણાય છે. યુનિયનનો કાયદો કઈ રીતે થયો એ પણ જાણવા જેવી વાત છે. ચારે સંસ્થાનોની ધારાસભાએ એકમત થઈને યુનિયનનું બંધારણ ઘડ્યું બંધારણ બ્રિટિશ પાર્લમેન્ટને અક્ષરશ: કબૂલ રાખવું પડ્યું. આમની સભાના એક સભાસદે તેમાં એક વ્યાકરણદોષ હતો તે તરફ ધ્યાન ખેંચી દૂષિત શબ્દ કાઢવાની સૂચના કરી. મરહૂમ શ્રી હેનરી કેમ્પબેલ બેનરમેને તેની સૂચના નામજૂર કરતાં કહ્યું કે રાજવહીવટ શુદ્ધ વ્યાકરણથી નથી ચાલી શકતો; એ બંધારણ બ્રિટિશ કારભારી મંડળ અને દક્ષિણ આફ્રિકાના કારભારીઓ વચ્ચેની મસલતને પરિણામે ઘડાયું છે, તેમાં વ્યાકરણનો દોષ સુધ્ધાં દૂર કરવાનો અખત્યાર બ્રિટિશ પાર્લમેન્ટને સારુ રાખવામાં આવ્યો નથી. તેથી એ બંધારણ જેવું હતું તેવું ને તેવું જ આમ અને ઉમરાવ બંનેની સભાઓએ કબૂલ રાખ્યું.

આ પ્રસંગે એક ત્રીજી વાત પણ નોંધવાલાયક છે. બંધારણમાં કેટલીક કલમો એવી છે કે જે તટસ્થ વાંચનારને અવશ્ય નકામી લાગે. તેથી ખર્ચ પણ ઘણું વધ્યું છે. બંધારણ રચનારાઓના ધ્યાનબહાર પણ એ વાત ન હતી; છતાં તેઓનો ઉદ્દેશ સંપૂર્ણતાએ પહોંચવાનો નહીં પણ આપલે કરીને એકમત થવાનો અને પ્રયત્ન સફળ કરવાનો હતો. તેથી જ હાલ યુનિયનની ચાર રાજધાનીઓ ગણાય છે. કેમ કે પેટા સંસ્થાનોમાંથી કોઈ પોતાની રાજધાનીનું મહત્ત્વ છોડી દેવા તૈયાર ન હતાં. ચારે સંસ્થાનોની સ્થાનિક ધારાસભા પણ કાયમ રાખવામાં આવી છે. ચારે સંસ્થાનોને ગવર્નર જેવો કોઈક હોદ્દેદાર જોઈએ જ, તેથી ચાર હાકેમ કબૂલ રાખવામાં આવ્યા છે. સહુ સમજે છે કે સ્થાનિક ધારાસભાઓ, ચાર રાજધાનીઓ અને ચાર હાકેમો બકરીના ગળાના આંચળની જેમ નિરુપયોગી અને કેવળ આડંબરરૂપ છે. પણ તેથી દક્ષિણ આફ્રિકાના વ્યવહારકુશળ કારભારીઓ ડરે એવા કયાં હતા ? અાડંબર હોવા છતાં અને તેથી વધારે ખર્ચ થાય, પણ ચાર સંસ્થાનો એક થાય એ ઈચ્છવાયોગ્ય હતું. તેથી તેઓએ બહારની દુનિયાની ટીકાની ચિંતા કર્યા સિવાય પોતાને યોગ્ય લાગતું હતું તે કર્યું, અને બ્રિટિશ પાર્લમેન્ટની પાસે એ કબૂલ કરાવ્યું. આવો દક્ષિણ આફ્રિકાનો અતિશય ટૂંકો ઈતિહાસ વાંચનારની સમજને સારુ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. તે વિના સત્યાગ્રહની મહાન લડતનું રહસ્ય ન સમજાવી શકાય એમ મને લાગ્યું. આવા પ્રદેશમાં હિંદીઓ કેમ આવ્યા અને ત્યાં સત્યાગ્રહકાળની પૂર્વે કઈ રીતે પોતાની ઉપર પડતી આપત્તિઓની સામે ઝૂઝ્યા એ હવે મૂળ વિષય પર આવતા પહેલાં આપણે જોવાનું રહે છે.

  1. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટની પદ્ધતિ "ક્રાઉન કૉલોની'ના ધોરણની હતી.