લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ

વિકિસ્રોતમાંથી
← મરજિયાત પરવાનાની હોળી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ
મોહનદાસ કરમચંદ ગાંધી
સોરાબજી શાપુરજી અડાજણિયા →


૪. કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ


ધારાસભાની જે બેઠકમાં એશિયાટિક કાયદો (બીજો) પાસ થયો તે જ બેઠકમાં એક બીજો ખરડો પણ જનરલ સ્મટ્સે રજૂ કર્યો. તેનું નામ 'ઈમિગ્રન્ટ્સ રિસ્ટ્રિકશન એકટ' હતું. એટલે નવી વસ્તી ઉપર અંકુશ મૂકનારો કાયદો. આ કાયદો બધાને લાગુ પડતો હતો. પણ તેનો મુખ્ય હેતુ નવા આવનાર હિંદીઓને અટકાવવાનો હતો. તે કાયદો ઘડવામાં નાતાલના તેવા કાયદાનું અનુકરણ હતું. પણ તેમાં એક કલમ એવી હતી કે પ્રતિબદ્ધ વસ્તીની વ્યાખ્યામાં, જેઓને એશિયાટિક કાયદો લાગુ પડે, તેઓનો પણ સમાવેશ થાય. એટલે આડકતરી રીતે કાયદામાં એક પણ નવો હિંદી દાખલ ન થઈ શકે એવી યુક્તિ રહેલી હતી. એની સામે થવું એ તો કોમને સારુ આવશ્યક જ હતું. પણ તેનો સમાવેશ સત્યાગ્રહમાં કરવો કે કેમ એ સવાલ કોમની સામે આવી ઊભો. સત્યાગ્રહ કયારે અને કયા વિષયને વિશે કરવો એ બાબત કોમ કોઈની સાથે બંધાયેલી ન હતી, તેની મર્યાદા કેવળ કોમનાં વિવેક અને શક્તિમાં રહેલી હતી. વાતવાતમાં કોઈ સત્યાગ્રહ કરે તો એ દુરાગ્રહ થયો. તેમ શક્તિનું માપ લીધા વિના એ શસ્ત્રનો ઉપયોગ કરે અને પછી હાર ખાય, તેમાં પણ પોતે તો કલંકિત થાય જ, પણ એવા અવિવેકથી શસ્ત્રને સુધ્ધાં એ દૂષિત કરે.

કમિટીએ જોયું કે હિંદી કોમનો સત્યાગ્રહ ખૂની કાયદાની સામે જ છે. ખૂની કાયદો નાબૂદ થાય તો વસ્તીને લગતા કાયદામાં રહેલું મેં ઉપર બતાવ્યું તે ઝેર પોતાની મેળે નાબૂદ થાય. આમ છતાં જો ખૂની કાયદો તો નાબૂદ થવો જ જોઈતો હતો, તો વસ્તીને લગતા કાયદાને અંગે જુદી ચર્ચા કે હિલચાલની જરૂર નથી એમ સમજી કોમ બેસી રહે તો હિંદીઓની નવી વસ્તીને લાગુ પાડનારા સંપૂર્ણ પ્રતિબંધનો તેણે સ્વીકાર કર્યો ગણાય. અામ તે કાયદાની સામે તો થવું જ રહ્યું. માત્ર તેને સત્યાગ્રહમાં દાખલ કરવો કે નહીં એ જ વિચારવું રહ્યું હતું. કોમે વિચાર્યું કે, સત્યાગ્રહ ચાલતી વખતે જ કોમની ઉપર નવા હુમલા થાય એ હુમલાને પણ સત્યાગ્રહમાં દાખલ કરવાનો તેનો ધર્મ તો રહ્યો જ. અશક્તિને લીધે તેમ ન થઈ શકે એ જુદી વાત. નેતાઓને લાગ્યું કે શક્તિના અભાવનું કે શક્તિની ઊણપનું બહાનું કાઢીને એ ઝેરી કલમને જતી કરાય જ નહીં અને તેને પણ સત્યાગ્રહમાં દાખલ કર્યે જ છૂટકો છે.

તેથી તે વિશે સ્થાનિક સરકાર સાથે પત્રવ્યવહાર ચાલ્યો. તેને લીધે કાયદામાં તો કંઈ ફેરફાર ન થયો, પણ જનરલ સ્મટ્સે તેમાં કોમને – અને ખરું જોતાં તો મને –વગોવવાનું નવું સાધન જોયું. તે જાણતા હતા કે, જેટલા ગોરાઓ જાહેર રીતે કોમને મદદ કરી રહ્યા હતા તેના કરતાં ઘણા વધારેની લાગણી કોમની તરફ ખાનગી રીતે તો હતી જ. એ લાગણી નાબૂદ કરી શકાય તો કરવી એમ તો તેમને સ્વાભાવિકપણે થાય જ. તેથી તેમણે મારા ઉપર નવો મુદ્દો ઊભો કર્યાનો આરોપ મૂકયો અને પોતાની સાથેની વાતચીતમાં તેમ જ લખવામાં પણ અંગ્રેજ સહાયકોને જણાવ્યું કે, "ગાંધીને જેટલો હું ઓળખું તેટલો તમે લોકો નથી ઓળખતા. એને જે તમે એક તસુ આપો તો એ એક હાથ માગે એમ છે. એ બધું હું જાણું છું તેથી જ હું એશિયાટિક ઍકટ રદ નથી કરતો. સત્યાગ્રહ તેણે શરૂ કર્યો ત્યારે નવી વસ્તીની તો કંઈ વાત જ ન હતી. હવે ટ્રાન્સવાલના રક્ષણને ખાતર નવા હિંદીઓને આવતા અટકાવવાનો કાયદો કરીએ છીએ તો તેમાંયે એ પોતાનો સત્યાગ્રહ ચલાવવા ઈચ્છે છે. આવી ચાલાકી (કનિંગ) કચાં સુધી બરદાસ્ત કરી શકાય ? ભલે તેને કરવું હોય તે કરે, એકેએક હિંદી ખુવાર થઈ જશે ત્યાં સુધી હું કાયદો રદ કરવાનો નથી, અને હિંદીઓને વિશે સ્થાનિક સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તેનો પણ ત્યાગ કરવાનો નથી; અને આ ન્યાયી ધોરણને ટેકો આપવામાં દરેક ગોરાએ સંમત થવું જેઈએ." જરાક વિચાર કરતાં ઉપલી દલીલ તદ્દન ગેરવાજબી અને નીતિવિરુદ્ધ હતી એમ જોઈ શકાય તેવું છે. નવી વસ્તીની અટકાયત કરવાના કાયદાનો જન્મ જ નહોતો તે વેળાએ મારે અથવા કોમે તેની સામે કઈ રીતે થવું ? મારી 'ચાલાકી' (કનિંગ)ના અનુભવની તેણે વાત કરી. છતાં એવો એક પણ દાખલો એ ટાંકી નહોતા શકયા. અને હું પોતે તો જાણું છું કે દક્ષિણ આફ્રિકામાં એટલાં બધાં વરસ રહ્યો તેમાં મેં ક્યાંયે ચાલાકી વાપરી હોય એવું મને સ્મરણ જ નથી. બલ્કે આ પ્રસંગે તો હું આગળ વધીને એટલે સુધી પણ કહેતાં અચકાતો નથી કે મારી આખી જિંદગીમાં મેં ચાલાકીનો ઉપયોગ જ નથી કર્યો. તેનો ઉપયોગ નીતિવિરુદ્ધ છે એમ હું માનું છું, એટલું જ નહીં પણ હું તો તેને યુક્તિવિરુદ્ધ પણ માનું છું. તેથી વ્યવહારદૃષ્ટિએ પણ તેનો ઉપયોગ મેં સદાયે નાપસંદ કર્યો છે. મારા બચાવમાં આટલું લખવાનીયે જરૂર હું નથી માનતો. મારો બચાવ જે વાચકવર્ગને સારુ હું આ લખું છું તેની સામે મારે મુખેથી કરતાં હું શરમાઉં. હું ચાલાકીરહિત માણસ છું એ વાતનો જે હજુ સુધી તેઓને અનુભવ ન થયો હોય તો મારા બચાવથી હું એ વાત સિદ્ધ કરી શકવાનો જ નથી. ઉપરનાં વાક્યો મેં લખ્યાં છે તેનો હેતુ માત્ર એટલો જ છે કે, કેવા સંકટ વચ્ચે સત્યાગ્રહની લડત લડવાની હતી એનો વાંચનારને ખ્યાલ આવી શકે અને કોમ નીતિના ધોરી રસ્તાથી જરા પણ ચલાયમાન થવાથી લડત કેવી જોખમમાં આવી જાત એ વાંચનાર સમજે. બજાણિયા વીસ ફૂટ ઊંચા ટેકા ઉપર લટકાવેલી દોરી ઉપર જ્યારે ચાલે છે ત્યારે તેમને જેમ એકાગ્ર નજરે જ ચાલવું પડે છે અને જો જરાયે નજર ચૂકે તો ગમે તે બાજુએ પડે તોપણ તેને સારુ મોત જ રહેલું હોય છે; તેમ તેનાથી વધારે એકાગ્ર નજર રાખીને સત્યાગ્રહીએ ચાલવાનું રહ્યું છે એવો અનુભવ મેં આઠ વરસના બહોળા સમય દરમ્યાન લઈ લીધો હતો. જે મિત્રો આગળ જનરલ સ્મટ્સે પેલો આરોપ મૂકયો હતો તે મિત્રો મને સારી પેઠે ઓળખતા હતા, તેથી તેઓની ઉપર જનરલ સ્મટ્સે ધારેલું તેથી ઊલટી જ અસર થઈ. તેઓએ મારો કે લડતનો ત્યાગ ન કર્યો એટલું જ નહીં, પણ મદદ કરવામાં તેમને વધારે હોંશ આવી, અને કોમે પાછળથી જોઈ લીધું કે નવી વસ્તીના કાયદાને સત્યાગ્રહમાં દાખલ ન કર્યો હોત તો ભારે મુસીબતમાં પડવું પડત.

દરેક શુદ્ધ લડતને વિશે, જેને હું વૃદ્ધિનો કાયદો કહું છું, તે લાગુ પડે છે એમ મારો અનુભવ મને શીખવે છે. પણ સત્યાગ્રહને વિશે તો હું એ વસ્તુ સિદ્ધાંતરૂપે માનું છું. જેમ ગંગા નદી જેમ જેમ આગળ વધે છે તેમ તેને અનેક નદીઓ આવી મળે છે અને તેના મુખ આગળ તો તેનો પટ એટલો બધો વિશાળ બની જાય છે કે ડાબી કે જમણી કોઈ બાજુ તરફ કિનારો દેખી શકાતો નથી અને વહાણમાં બેઠેલા ઉતારુને વિસ્તારમાં સમુદ્રમાં અને તેનામાં કશો તફાવત જણાતો નથી, તે જ પ્રમાણે સત્યાગ્રહની લડત જેમ આગળ વધે છે તેમ તેમાં અનેક વસ્તુઓ ભળતી જાય છે અને તેથી તેમાંથી નીપજનારા પરિણામમાં વૃદ્ધિ થતી જાય છે. સત્યાગ્રહનું આ પરિણામ અનિવાર્ય છે એમ હું માનું છું. તેનું કારણ તેના મૂળ તત્ત્વમાં જ રહેલું છે. કેમ કે સત્યાગ્રહમાં ઓછામાં ઓછું એ વત્તામાં વતું છે. એટલે ઓછામાં ઓછામાંથી ઘટાડવાપણું તો કશું રહ્યું જ નહીં. તેથી એનાથી પાછા હઠી જ ન શકાય, એટલે સ્વાભાવિક ક્રિયા વૃદ્ધિની જ થઈ શકે. બીજી લડતો શુદ્ધ હોય છતાં માગણીમાં ઓછું કરવાનો અવકાશ પ્રથમથી જ રાખવામાં આવે છે, તેથી વૃદ્ધિનો કાયદો વગર અપવાદે લાગુ પાડવામાં મેં શંકા બતાવી. પણ જ્યારે ઓછામાં ઓછું એ વધુમાં વધુ પણ છે ત્યારે વૃદ્ધિનો કાયદો કેમ લાગુ પડી શકે એ સમજાવવાનું બાકી રહે છે. વૃદ્ધિ શોધવાને સારુ જેમ ગંગા નદી પોતાની ગતિ છોડતી નથી તેમ સત્યાગ્રહી પણ પોતાનો તલવારની ધાર જેવો રસ્તો છોડતો નથી. પણ જેમ ગંગા નદીનો પ્રવાહ આગળ ચાલતો જાય છે તેમ તેમ બીજાં પાણી પોતાની મેળે તેમાં ભળે છે તેવું સત્યાગ્રહી ગંગાને વિશે પણ છે. વસ્તીનો કાયદો સત્યાગ્રહમાં દાખલ થયો ત્યાર પછી અને તે જોઈને સત્યાગ્રહના સિદ્ધાંતો નહીં જાણનારા હિંદીઓએ આગ્રહ કર્યો કે ટ્રાન્સવાલના હિંદીઓ વિરુદ્ધના બધા કાયદા તેમાં દાખલ કરવા. બીજા કેટલાકે વળી એમ કહ્યું કે લડત ચાલે છે તેવામાં નાતાલ, કેપ કૉલોની, ઑરેંજ ફ્રી સ્ટેટ ઇ. બધાને નિમંત્રણ કરી દક્ષિણ આફ્રિકાના હિંદીઓ વિરુદ્ધના એકેએક કાયદાની બાબતમાં સત્યાગ્રહ કરી નાખવો. અા બંને વાતમાં સિદ્ધાંતભંગ હતો. મેં ચોખ્ખું જણાવ્યું કે, જે સ્થિતિ સત્યાગ્રહ શરૂ થયો તે વખતે અાપણે નહોતી ઊભી કરી તે હવે લાગ જોઈને ઊભી કરવી એ અપ્રમાણિક છે. આપણી શક્તિ ગમે તેટલી હોય તોપણ આ સત્યાગ્રહ તો જે માગણીને સારુ થયેલ છે તે માગણી કબૂલ થયે આટોપવો જ જોઈએ. જો આ સિદ્ધાંતને અમે ન વળગી રહ્યા હોત તો જીતને બદલે હાર જ થાત એવો મારો દૃઢ વિશ્વાસ છે એટલું જ નહીં, પણ જે લાગણી અમે મેળવી શકયા હતા તે પણ ગુમાવી બેસત. એથી ઊલટું જયારે ચાલતે સત્યાગ્રહે પ્રતિપક્ષી પોતે જ નવી આપત્તિઓ ઉત્પન્ન કરે તો તે અનાયાસે જ સત્યાગ્રહમાં દાખલ થઈ જાય. સત્યાગ્રહી પોતાની દિશામાં જતો જતો તેને રસ્તે આવી ભળતી વસ્તુઓને પોતાનો સત્યાગ્રહ છોડયા વિના અવગણી શકતો જ નથી. અને પ્રતિપક્ષી સત્યાગ્રહી હોતો જ નથી (સત્યાગ્રહની સામે સત્યાગ્રહ અસંભવિત જ છે.) તેથી તેને ઓછાવત્તાનું બંધન હોતું જ નથી. કોઈ નવી જ વસ્તુ ઊભી કરી સત્યાગ્રહીને ડરાવવા ધારે ત્યારે તે ડરાવી શકે છે. પણ સત્યાગ્રહીએ ભય તો છોડયો છે એટલે પ્રતિપક્ષી નવી આપત્તિઓ શરૂ કરે તેની સામે પણ તે પોતાનો મંત્રોચ્ચાર કરે છે, અને શ્રદ્ધા રાખે છે કે વચમાં આવતી બધી આપત્તિઓની સામે એ મંત્રોચ્ચાર ફલદાયી થશે જ. તેથી જ સત્યાગ્રહ જેમ લંબાય – એટલે પ્રતિપક્ષી તેને જેમ લંબાવ્યા કરે – તેમ તેની દૃષ્ટિએ તો તેને ગુમાવવાનું જ રહ્યું, અને સત્યાગ્રહીએ વધારે કમાવાનું રહ્યું, આ નિયમના લાગુપણાનાં બીજાં દૃષ્ટાંતો આપણે આ લડતના ઈતિહાસમાં જ જોઈશું.