દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?)

વિકિસ્રોતમાંથી
← અંતરની વિશેષ મુસીબતો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?)
મોહનદાસ કરમચંદ ગાંધી
લડતની પુનરાવૃત્તિ →


અર્થને એક કોરે મેલીને પોતાનો ત્રીજો જ અર્થ બતાવે, તેને અમલમાં મૂકે અને તેના સમર્થનમાં એવી ચાલાક દલીલ આપે કે બન્ને પક્ષ ઘડીભર એમ માનતા થઈ જાય કે તેઓએ ભૂલ કરેલી હોવી જોઈએ, અને જનરલ સ્મટ્સ કરે છે એ જ ખરો અર્થ છે ?' 'મારે જે વિષયનું આ પ્રકરણમાં વર્ણન કરવાનું છે તેને એ બીના જે વેળાએ બની તે વેળાએ વિશ્વાસઘાત માનેલ અને કહેલ. આજ પણ કોમની દૃષ્ટિએ એને હું વિશ્વાસઘાત ગણું છું. એમ છતાં એ શબ્દની પાછળ મેં પ્રશ્નાર્થચિહ્‌ન મૂકયું છે તેનું કારણ એ છે કે વાસ્તવિક રીતે એનું કૃત્ય કદાચ ઇરાદાપૂર્વક વિશ્વાસઘાત ન હોય, અને જ્યાં ઘાતનો ઇરાદો નથી ત્યાં વિશ્વાસનો ભંગ કેમ માની શકાય ? ૧૯૧૩-૧૪ની સાલમાં જનરલ સ્મટ્સનો મને જે અનુભવ થયો તે મેં તે વખતે કડવો નહોતો ગણ્યો અને આજે તેનો વિચાર વધારે તટસ્થતાએ કરી શકું છું ત્યારે પણ કડવો નથી ગણી શકતો. એવું તદ્દન સંભવિત છે કે તેની ૧૯૦૮ની હિંદીઓ તરફની વર્તણૂક જ્ઞાનપૂર્વક વિશ્વાસભંગ ન હોય.

આટલી પ્રસ્તાવના તેને ન્યાય આપવા સારુ અને તેમ છતાં મેં તેના નામની સાથે વિશ્વાસઘાત શબ્દનો જે ઉપયોગ કર્યો છે તેનો અને જે મારે આ પ્રકરણમાં કહેવું છે તેનો બચાવ કરવાને સારુ આપી છે. આપણે ગયા પ્રકરણમાં જોયું કે હિંદીઓએ મરજિયાત પરવાના ટ્રાન્સવાલની સરકારને સંતોષ થાય એવી રીતે કઢાવી લીધા. હવે તે સરકારે ખૂની કાયદો રદ કરવાનો રહ્યો. અને જો તેમ કરે તો સત્યાગ્રહની લડત તો બંધ થાય. તેનો અર્થ એમ નહીં કે ટ્રાન્સવાલમાં હિંદી વિરુદ્ધ જે કંઈ કાયદા હોય તે બધા રદ થાય અથવા હિંદીઓનાં બધાં દુ:ખ દૂર થાય. તે દૂર કરવાને સારુ તો જેમ પ્રથમ કાયદેસર લડત ચાલતી હતી તે પ્રમાણે ચલાવવી જ રહી. સત્યાગ્રહ તો ખૂની કાયદારૂપી નવું ઘોર વાદળ દૂર કરવા પૂરતો જ હતો. તેનો સ્વીકાર કરવામાં કોમને નામોશી આવતી હતી અને કોમની પ્રથમ ટ્રાન્સવાલમાંથી અને છેવટે આખા દક્ષિણ આફ્રિકામાંથી હસ્તી નાબૂદ થતી હતી. પણ ખૂની કાયદો રદ કરવાનો ખરડો ઘડવાને બદલે જનરલ સ્મટ્સે તો નવું જ પગલું ભર્યું. તેણે જે ખરડો બહાર પાડયો તે વડે ખૂની કાયદો બહાલ રાખ્યો અને મરજિયાત પરવાના કાયદેસર ગણ્યા પણ તે પરવાનાવાળાને ખૂની કાયદો લાગુ ન પાડી શકાય એમ તેના ખરડાની અંદર તેણે કલમ નાખી. આનો અર્થ એમ થયો કે એક જ હેતુવાળા બે કાયદા સાથે સાથે ચાલે અને નવા આવનાર હિંદીઓને અથવા નવા પરવાના કઢાવનાર હિંદીઓને પણ ખૂની કાયદાની નીચે આવવું જોઈએ.

આ બિલ વાંચી હું તો દિગ્મૂઢ જ બની ગયો. કોમને હું શો જવાબ આપીશ ? જે પઠાણ ભાઈએ પેલી મધરાતની સભામાં મારી ઉપર સખત આક્ષેપો કર્યા હતા તેને કેવો સુંદર ખોરાક મળ્યો ? પણ મારે કહેવું જોઈએ કે સત્યાગ્રહ ઉપરનો મારો વિશ્વાસ આ અાંચકાથી મોળો ન પડતાં વધારે તીવ્ર થયો. અમારી કમિટીની સભા ભરી તેઓને સમજાવ્યા. કેટલાકે મને ટોણો પણ માર્યો, “અમે તો તમને કહેતા આવ્યા છીએ કે તમે બહુ ભોળા છો. જે કંઈ કોઈ કહે તે માની બેસો છો. તમે જો તમારા ખાનગી કામમાં જ ભોળપણ રાખતા હો તો તો બળવ્યું. પણ કોમી કામમાંયે એ ભોળપણ વાપરો છો તેથી કોમને ખમવું પડે છે. હવે પહેલાંનો જુસ્સો પાછો આવવો એ અમને તો બહુ મુશ્કેલ લાગે છે. આપણી કોમને તમે કયાં નથી જાણતા ? એ તો સોડાવૉટરની બૉટલ છે. ઘડીમાં ઊભરો આવે તેનો ઉપયોગ થાય એટલો લેવો રહ્યો. એ ઊભરો શમ્યો એટલે ખલાસ." આ શબ્દબાણમાં ઝેર ન હતું. એવા પ્રકારનું બીજે પ્રસંગે પણ મેં સાંભળેલું હતું. મેં હસીને જવાબ આપ્યો, "જેને તમે મારું ભોળપણ કહો છો એ તો મારી સાથે જડાઈ ગયેલી વસ્તુ છે.. એ ભોળપણ નથી પણ વિશ્વાસ છે, અને વિશ્વાસ રાખવો એ તો મારોતમારો સૌનો ધર્મ સમજું છું. છતાં એને જે આપણે ખોડ ગણીએ તોપણ મારી સેવાથી કંઈ ફાયદો થતો હોય તો મારી ખોડનું નુકસાન પણ સહન થવું જોઈએ. વળી, તમે માનો છો તેમ હું એમ પણ નથી માનતો કે, કોમનો જુસ્સો એ સોડાવૉટરના ઊભરા જેવો છે. કામમાં તમે અને હું પણ છીએ. મારા જુસ્સાને તમે એવું વિશેષણ આપો તો હું જરૂર અપમાન માનું અને મારી ખાતરી છે કે તમે પણ તમને પોતાને અપવાદરૂપે જ ગણતા હશો. અને જો તમે ન ગણતા હો તો અને તમારા માપથી કોમનું માપ કાઢતા હો તો તમે કોમનું અપમાન કરો. આવી મહાન લડાઈઓમાં ભરતીઓટ તો થયાં જ કરે. ગમે તેવી ચોખવટ કરી હોય તોપણ સામેનો માણસ વિશ્વાસભંગ કરવા બેસે તેને કોણ રોકી શકે ? આ મંડળમાં એવા ઘણાય છે કે જે મારી પાસે પ્રૉમિસરી નોટો દાવા કરવાને સારુ લાવે છે, પોતાના દસ્કત આપી જેણે કાંડાં કાપી દીધાં છે એનાથી વધારે ચોકસાઈ શી થઈ શકે ? તે છતાં તેવાની ઉપર પણ કોરટમાં લડવું પડે છે. તેઓ સામે થાય છે, અનેક પ્રકારના બચાવ કરે છે, ફેંસલા થાય છે, સેજીઓ કઢાય છે. આવા અઘટિત બનાવોને સારું કયાં ચોકસી છે કે જેથી એવું ફરી ન જ બને ? તેથી મારી સલાહ તો એ જ છે કે જે ગૂંચવણ આવી પડી છે તેને આપણે ધીરજથી ઉકેલવી. આપણે ફરીથી લડવું પડે તો આપણે શું કરી શકીએ - એટલે બીજાઓ શું કરશે તેનો વિચાર કર્યા વિના દરેક સત્યાગ્રહી પોતે શું કરશે અથવા કરી શકે છે – એ જ વિચારવાનું રહ્યું. મને તો એમ લાગે છે કે આપણે આટલા સાચા રહીશું, તો બીજા પણ તેવા જ રહેવાના – અથવા જે કંઈ નબળાઈ તેઓમાં આવી હશે તો આપણો દાખલો લઈને તેઓ પોતાની નબળાઈને કાઢી નાખી શકશે."

મને લાગે છે કે ફરી લડત ચાલી શકવા વિશે જેઓએ શુભ હેતુથી ટોણો મારવાને રૂપે શંકા બતાવી હતી તેઓ સમજી ગયા. આ અવસરે કાછલિયા પોતાનું ઝવેરાત દિવસે દિવસે બતાવી રહ્યા હતા. બધી બાબતમાં થોડામાં થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા અને તેમાં અડગ રહતા. અને મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે, જ્યારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટના પરિણામ વિશે શંકા પણ બતાવી હોય. એવો અવસર નજીક આવી ગયો કે જ્યારે ઈસપમિયાં તોફાની સમુદ્રમાં સુકાની રહવા તૈયાર ન હતા. તે વખત સૌએ કાછલિયાને એકમતે વધાવી લીધા, અને ત્યારથી તે છેવટની ઘડી સુધી તેમણે સુકાન ઉપરથી પોતાનો હાથ દૂર ન કર્યો. અને જે મુસીબતો ભાગ્યે જ કોઈ માણસ સહન કરી શકે તે તેમણે નિશ્ચિત અને નિર્ભય થઈને સહન કરી. જેમ લડાઈ આગળ વધતી ગઈ તેમ એવો અવસર આવ્યો કે કેટલાકને સારુ તો જેલમાં જઈ બેસવું એ સહેલું કામ હતું– એ આરામ હતો, પણ બહાર રહી બધી વસ્તુ ઝીણવટથી તપાસવી, તેની ગોઠવણો કરવી, અનેક માણસોને સમજાવવા, એ બધું બહુ વધારે મુશ્કેલ હતું.. એવો અવસર આવ્યો કે જયારે કાછલિયાને ગોરા લેણદારોએ તેમના સાણસામાં પકડયા.

ઘણા હિંદી વેપારીઓના વેપારનો આધાર ગોરા વેપારીઓની પેઢીઓ ઉપર હોય છે. તેઓ લાખો રૂપિયાનો માલ કંઈ પણ ખોળાધરી વિના હિંદી વેપારીઓને ધીરે છે, આવો વિશ્વાસ હિંદી વેપારીઓ સંપાદન કરી શકયા છે એ હિંદી વેપારની સામાન્ય પ્રમાણિકતાનો એક સરસ પુરાવો છે. કાછલિયા શેઠને પણ ઘણી અંગ્રેજી પેઢીઓ તરફથી ધીરધાર હતી. કંઈક પણ સરકાર તરફની સીધી અથવા અાડકતરી ઉશ્કેરણીથી અા વેપારીઓએ કાછલિયાની પાસે રહેલાં પોતાનાં નાણાં તુરત માગ્યાં. તેમણે કાછલિયાને બોલાવી કહ્યું પણ ખરું "જો તમે આ લડતમાંથી નીકળી જાઓ તો અમને નાણાંની કંઈ જ ઉતાવળ નથી. જો તમે તેમાંથી ન નીકળી જાઓ તો અમને ભય છે તમને સરકાર ગમે ત્યારે પકડી લે તો અમારાં નાણાંનું શું થાય ? તેથી જો તમે આ લડતમાંથી ન જ નીકળી શકો તો આમારાં નાણાં તમારે તુરત ભરવાં જોઈએ.” આ વીર પુરુષે જવાબ આપ્યો : “લડત એ મારી પોતાની અંગત વાત છે. તેને મારા વેપારની સાથે કંઈ સંબંધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું પોતાનું સ્વમાન સમાયેલાં છે. તમારી ધીરધારને સારુ હું તમારો આભાર માનું છું પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો. તમારા પૈસા સોનામહોર જેવા છે. હું જીવતો હોઉં ત્યાં સુધી વેચાઈને પણ તમારા પૈસા ભરું એમ છું, અને ધારો કે મને કંઈ થઈ ગયું તોપણ મારી ઉઘરાણી અને માલ તમારે હસ્તક જ છે એમ તમે સમજી લો. આજ લગી તમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હું એમ ઈચ્છું છું કે હજુ પણ તમે વિશ્વાસ રાખો." જોકે આ દલીલ તો તદ્દન વાજબી જ હતી અને કાછલિયાની દૃઢતા એ વેપારીઓને સારુ એક વધારે વિશ્વાસનું કારણ હતું, તોપણ તેની અસર આ વખતે તેઓની ઉપર થાય એમ ન હતું. ઊંઘતાને આપણે જગાડી શકીએ છીએ, પણ જે જાગતો ઊંઘવાનો ડોળ કરતો હોય તેને જગાડી શકતા નથી, તેમ ગોરા વેપારીઓનું બન્યું. તેમને તો કાછલિયાને દબાવવા હતા, તેઓનાં લેણાં કંઈ જોખમમાં ન હતાં.

મારી અૉફિસમાં લેણદારોની મીટિંગ થઈ. તેઓને મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાછલિયા ઉપર જે દબાણ તેઓ ચલાવી રહ્યા છે તે વેપારીશાઈ નથી પણ રાજ્યપ્રકરણી છે, અને વેપારીઓને એમ કરવું શોભે નહીં. તેઓ ઊલટા ખિજાયા. કાછલિયા શેઠની પાસે જે માલ હતો તેની અને તેની ઉઘરાણીની નોંધ મારી પાસે હતી તે મેં તેઓને બતાવી, અને તે ઉપરથી સિદ્ધ કરી અાપ્યું કે તેઓને સોએ સો ટકા મળી શકે એમ છે. વળી જો આ વેપાર એઓ કોઈ બીજાને વેચી દેવા ઈચ્છે તો એ બધો માલ અને ઉઘરાણી વેચાતાં લેનારને સોંપી દેવા કાછલિયા તૈયાર છે. જો તેમ ન કરે તો વેપારીઓ જે માલ દુકાનમાં હતો તે મૂળ દામે લઈ લે, અને તેમ કરતાં માલમાં કંઈ પણ ઓછું આવે તો તેના અવેજમાં તેઓ પસંદ કરે એવી ઉઘરાણી તેઓ લઈ લે. વાંચનાર સમજી શકશે કે આ પ્રસ્તાવ કબૂલ કરવાથી ગોરા વેપારીઓને કશું ખોવું પડે એમ ન હતું, (અને આવી રીતે ઘણા અસીલોને સારુ ભીડને પ્રસંગે લેણદારોની સાથે હું બંદોબસ્ત કરી શકયો હતો.) પણ આ પ્રસંગે વેપારીઓ ન્યાય નહોતા ઈચ્છતા. તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. કાછલિયા ન નમ્યા, અને નાદાર દેવાદાર ઠર્યા.

આ નાદારી એ તેમને કલંકરૂપ ન હતી, પણ તેમનું ભૂષણ હતું. કોમમાં તેમની આબરૂ વધી અને તેમની દૃઢતા અને બહાદુરીને સારુ બધાએ તેમને મુબારકબાદી આપી. પણ આવી જાતની વીરતા અલૌકિક છે. સામાન્ય માણસ એ ન જ સમજી શકે. નાદારી એ નાદારી મટી, નામોશી મટી, આદર અને માનમાં ખપી શકે એવી કલ્પના પણ સામાન્ય માણસને નહીં આવી શકે. કાછલિયાને એ જ વસ્તુ સ્વાભાવિક લાગી. ઘણા વેપારીઓ કેવળ નાદારીના ડરથી જ ખૂની કાયદાને વશ થયા હતા. કાછલિયા ધારત તો નાદારીમાંથી બચી શકત. લડત છોડીને બચવું એ ઉપાય તો હતો જ, પણ આ સ્થળે એ વાત મારા મનમાં નથી. કાછલિયાને ઘણા હિંદી મિત્રો હતા. તેઓ આવી ભીડને વખતે તેમને પૈસા ધીરી શકત. પણ તેવી ગોઠવણ કરી તેમણે પોતાનો વેપાર બચાવ્યો હોત તો તેમની બહાદુરી લજવાત. કેદમાં જવાનું જે જોખમ તેમની ઉપર હતું તે તો સૌ સત્યાગ્રહીઓની ઉપર હતું. એટલે કોઈ પણ સત્યાગ્રહીની પાસેથી પૈસા કાઢીને તેઓ ગોરાઓને ચૂકવે એ તો ન શોભે. પણ જેમ સત્યાગ્રહી વેપારીઓ તેમના મિત્ર હતા તેમ જેઓ કાયદાને વશ હતા તે પણ મિત્રો હતા. તેઓની મદદ મળી શકે તેમ હતી એ હું જાણું છું. મારી યાદ પ્રમાણે એવા એકબે મિત્રોએ તેમને કહેણ પણ મોકલ્યું હતું. પણ તેઓની મદદ લેવી એ તો, ખૂની કાયદાને વશ થવામાં ડહાપણ છે એમ કબૂલ કર્યા બરાબર થતું હતું. તેથી તેવી મદદ ન જ લેવાય એમ અમે બંનેએ નિશ્ચય કર્યો. સિવાય અમે બંનેએ એમ પણ ધાર્યું કે, જો કાછલિયા પોતાને નાદાર ગણાવા દે તો તેમની નાદારી એ બીજાઓને ઢાલ સમાન થઈ પડે. કેમ કે જો સોએ સો ટકા નહીં તો નવવાણું ટકા નાદારીઓમાં લેણદાર કંઈક ને કંઈક તો ખુએ જ છે. જે પ૦ ટકા મળે તો તો તેઓ ખુશ થાય છે, પોણો સો ટકા સો ટકા જેવા જ માની લે, કારણ કે દક્ષિણ આફ્રિકાના વેપારના મોટા વેપારીઓ સામાન્ય રીતે ૬। ટકા નફો નથી લેતા પણ રપ ટકા લે છે. તેથી ૭પ ટકા મળે ત્યાં સુધી તેઓ તેને ખોટનો વેપાર ગણે જ નહીં. પણ નાદારીમાં પૂરેપૂરું તો ભાગ્યે જ મળે. તેથી કોઈ પણ લેણદાર કરજદારને નાદાર કરવા તો ઈચ્છે જ નહીં.

એટલે કાછલિયાની નાદારીથી ગોરાઓ બીજાઓને ધમકી આપતા તો બંધ જ થઈ જાય તેમ હતું. અને થયું પણ તેમ જ. ગોરાઓનો હતુ કાછલિયાની પાસે લડત મુકાવવાનો હતો અને તેમ ન કરે તો રોકડા સોએ સો ટકા વસૂલ કરવાનો હતો. બેમાંથી એકે હતુ પાર ન જ પડયો, પણ ઊલટું અવળું પરિણામ આવ્યું. નાદારીને વધાવી લેનાર પ્રતિષ્ઠિત હિંદી વેપારીનો આ પહેલો દાખલો જોઈ ગોરા વેપારીઓ સમસમી રહ્યા, અને હમેશાંને સારુ શાંત થઈ ગયા. એક વરસની અંદર કાછલિયા શેઠના માલમાંથી ગોરાઓને સોએ સો ટકા મળી ગયા. નાદારીમાં લેણદારોને સો ટકા મળ્યાનો મારી જાણમાં તો દક્ષિણ આફ્રિકામાં આ પહેલો અનુભવ હતો. આથી લડાઈ ચાલતી હતી તે છતાં કાછલિયાનું માન ગોરા વેપારીઓમાં પણ અતિશય વધી ગયું, અને તે જ વેપારીઓએ લડાઈ ચાલતી હતી તે છતાં કાછલિયાને જોઈએ તેટલો માલ ધીરવા તૈયારી દેખાડી, પણ કાછલિયાનું બળ તો દિવસે દિવસે વધતું જતું હતું. લડતનું રહસ્ય પણ તેઓ સમજી જ ગયેલા. લડત કેટલી લાંબી ચાલશે એ પાછળથી તો કોઈ કહી શકે એવું હતું જ નહીં. તેથી નાદારી પછી અમે નિશ્ચય કરી લીધો હતો કે લડત ચાલતાં સુધી લાંબા વેપારમાં પડવું જ નહીં. એક ગરીબ માણસ પોતાનું ખર્ચ ચલાવી શકે એટલું પેદા કરવા જેગી જ પ્રવૃત્તિ રાખીને બાકી વેપાર લડાઈ દરમ્યાન ન જ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. તેથી ગોરાઓએ આપેલી સગવડનો તેમણે ઉપયોગ ન જ કર્યો. વાંચનાર સમજશે કે કાછલિયા શેઠના જીવનના જે બનાવોનું વર્ણન હું આપી ગયો છું તે બધા કંઈ આ પ્રકરણમાં વર્ણવેલી કમિટીની મીટિંગ પછી બન્યા એમ નથી. પણ એ વર્ણન એક જ વખતે આપી દેવું એ યોગ્ય ધારી તેને અહીં જગ્યા આપેલી છે. તારીખ-વાર જોતાં બીજી લડત શરૂ થઈ ત્યાર પછી કેટલેક કાળે કાછલિયા પ્રમુખ થયા, અને ત્યાર બાદ નાદાર ઠરતા પહેલાં કેટલોક કાળ વહી ગયો.

હવે આપણે કમિટીની મીટિંગના પરિણામ ઉપર આવીએ. એ મીટિંગ પછી જનરલ સ્મટ્સને મેં કાગળ લખ્યો કે નવો ખરડો એ સમાધાનીનો ભંગ છે. મારા કાગળમાં સમાધાની પછી એક અઠવાડિયાની અંદર તેણે ભાષણ કર્યું હતું તે તરફ પણ તેનું ધ્યાન ખેંચ્યું તે ભાષણમાં તેણે આ શબ્દો વાપર્યા હતા : “આ લોકો (એશિયાવાસી) એશિયાટિક કાયદો રદ કરવાનું મને કહે છે. જ્યાં સુધી તેઓએ મરજિયાત પરવાના કઢાવી નથી લીધા ત્યાં સુધી તે કાયદો રદ કરવાની મેં ના પાડી છે.” પોતાને ગૂંચવણમાં લાવી મૂકે એવી વસ્તુના અમલદાર વર્ગ જવાબ આપતા નથી. અને આપે છે તો તે ગોળગોળ હોય છે. જનરલ સ્મટ્સે આ કળાને સંપૂર્ણ રીતે ખીલવી હતી. તેને ગમે તેટલું લખો, ગમે તેટલાં ભાષણ કરો, પણ જ્યારે જવાબ આપવાની તેની ઈચ્છા ન હોય ત્યારે તેની પાસેથી જવાબ કઢાવી જ શકાય નહીં. તેને મળેલા કાગળોનો જવાબ આપવો જ જોઈએ એ સામાન્ય વિનય તેને બંધન કરનાર ન હતો. એટલે મારા કાગળોના જવાબમાં મને કશોય સંતોષ ન મળી શકયો.

અમારા મધ્યસ્થ આલ્બર્ટ કાર્ટરાઈટને હું મળ્યો. તેઓ થીજી ગયા અને મને કહ્યું : "ખરેખર, હું આ માણસને સમજી જ નથી શકતો. એશિયાટિક કાયદો રદ કરવાની વાત મને બરોબર યાદ છે. મારાથી બનતું હું કરીશ. પણ તું જાણે છે કે એ માણસે એક નિશ્ચય કર્યો હોય પછી એની પાસે કોઈનું ચાલતું નથી. અખબારોનાં લખાણ તો તેની ગણતરીમાં જ નથી. એટલે મને પૂરો ભય છે કે મારી મદદ તમને ઉપયોગમાં નહીં આવી શકે." હૉસ્કિન વગેરેને પણ મળ્યો. તેણે જનરલ સ્મટ્સને કાગળ લખ્યો. તેને પણ ઘણો જ અસંતોષકારક જવાબ મળ્યો. વિશ્વાસઘાતના મથાળા નીચે મેં 'ઈન્ડિયન ઓપીનિયન'માં લખાણો પણ લખ્યાં, પણ તેથી જનરલ સ્મટ્સને શું ? તત્ત્વવેત્તા અથવા નિષ્ઠુર માણસને વિશે ગમે તેવાં કડવાં વિશેષણ વાપરો તેની તેના ઉપર કંઈ અસર થતી નથી. તે પોતાનું ધારેલું કામ કરવામાં મચેલા રહે છે. હું નથી જાણતો કે જનરલ સ્મટ્સને વિશે બેમાંથી કયા વિશેષણનો ઉપયોગ થઈ શકે. તેની વૃત્તિમાં એક પ્રકારની ફિલસૂફી છે એમ તો મારે કબૂલ કરવું જોઈએ. જે વખતે અમારે પત્રવ્યવહાર ચાલતો હતો અને અખબારોમાં મારાં લખાણ ચાલતાં હતાં તે વખતે તો મેં તેને નિષ્ઠુર જ કલ્પેલા એમ યાદ છે, પણ આ હજુ લડાઈનો પહેલો ભાગ હતો. બીજું જ વર્ષ હતું, અને લડાઈ તો આઠ વર્ષ ચાલી. દરમ્યાન હું તેને ઘણીયે વાર મળેલો. પાછળની અમારી વાતો ઉપરથી મને એમ લાગી આવતું કે જનરલ સ્મટ્સની લુચ્ચાઈને વિશે જે સામાન્ય માન્યતા દક્ષિણ આફ્રિકામાં રહેલી છે તેમાં ફરફાર થવો જોઈએ. બે વસ્તુ તો મને ચોક્કસ જણાઈ આવી કે, પોતાની રાજનીતિને વિશે કંઈક પણ ધોરણ એણે રાખેલું છે અને તે કેવળ અનીતિમય તો નથી. પણ એની સાથે મેં એ પણ જોયું કે તેને રાજનીતિશાસ્ત્રમાં ચાલાકીને, પ્રસંગ પડ્યે સત્યાભાસને, સ્થાન છે. *


  • આ છાપતી વેળા આપણને માલૂમ પડી ગયું છે કે જનરલ સ્મટ્સની

સરદારીનો પણ અંત આવી શકયો છે.

-મો૦ ક.૦ ગાંધી