દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સ્ટોય ફાર્મ-ર

વિકિસ્રોતમાંથી
← ટૉલ્સ્ટોય ફાર્મ-૧ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ટૉલ્સ્ટોય ફાર્મ-ર
મોહનદાસ કરમચંદ ગાંધી
ટૉલ્સટોય ફાર્મ-૩ →


૧૦. ટૉલ્સ્ટોય ફાર્મ – ૨


આ જમીન ૧૧૦૦ એકર હતી ને તેની ટોચે નાની ટેકરી હતી, જ્યાં એક નાનકડું મકાન હતું. ત્યાં ફળઝાડ હતાં. તેમાં નારંગી, ઍપ્રિકોટ, પ્લમ પુષ્કળ ઊગતાં હતાં – એટલાં કે મોસમમાં સત્યાગ્રહીઓ પેટ ભરીને ખાય છતાં બચે. પાણીનો એક નાનો ઝરો હતો. તેમાંથી પાણી મળી રહેતું, જે જગ્યાએ રહેવાનું હતું ત્યાંથી પ૦૦ વાર દૂર હશે. એટલે પાણી કાવડોમાં ભરીને લાવવાની મહેનત હતી જ. આ સ્થાનમાં નોકર મારફતે કંઈ પણ ઘરકામ, તેમ જ બને તેટલું વાડીનું અને બાંધકામનું પણ કામ ન લેવું એવો આગ્રહ હતો. એટલે પાયખાનાથી માંડીને રસોઈ સુધીનું બધું કામ હાથે જ કરવાનું હતું. કુટુંબોને રાખવાનાં હતાં, પણ પ્રથમથી જ નિશ્ચય કરી લીધો હતો કે સ્ત્રીઓ અને પુરુષોને નોખાં રાખવાં. તેથી મકાનો નોખાં અને થોડાં દૂર બનાવવા એમ ઠર્યું. દસ સ્ત્રીઓ અને સાઠ પુરુષો રહી શકે એટલાં મકાન તરત બનાવવાનો નિશ્ચય થયો. મિ. કૅલનબૅકને રહેવાનું પણ એક મકાન બનાવવાનું હતું ને તેની જ સાથે એક નિશાળનું. અા ઉપરાંત એક કારખાનું સુતારકામ, મોચીકામ ઈત્યાદિ માટે બનાવવાનું હતું.

જેઓ આ સ્થાનમાં રહેવા આવવાના હતા તેઓ ગુજરાતના, મદ્રાસના, અાંધ્ર દેશના અને ઉત્તર હિંદુસ્તાનના હતા. ધર્મે હિંદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી હતા. લગભગ ચાળીસ જુવાન, બેત્રણ વયોવૃદ્ધ, પાંચ ઓરત અને વીસથી ત્રીસ બાળકો હતાં. તેમાં ચારપાંચ બાળાઓ હતી.

ઓરતોમાંની જે ખ્રિસ્તી હતી તેમને અને બીજીને માંસાહારની ટેવ હતી. આ સ્થાનમાં માંસાહાર ન દાખલ કરવો પડે તો સારું, એમ મિ. કૅલનબૅકનો તેમ જ મારો અભિપ્રાય હતો. પણ જેઓને તેને વિશે જરાયે બાધ ન મળે, જેઓ સંકટ સમયે આવે સ્થાને આવવાના હતા, જેઓને જન્મથી તે વસ્તુનો અભ્યાસ, તેઓને માંસાહાર અમુક મુદતને સારુ પણ છોડવાનું કેમ કહી શકાય ? ન કહેવાય તો ખર્ચ કેટલું થાય ? વળી જેમને ગોમાંસની ટેવ હોય તેને ગોમાંસ પણ અાપવું? કેટલાં રસોડાં ચલાવવાં ? મારો ધર્મ શો હતો ? આવાં કુટુંબોને પૈસા આપવાનું નિમિત્ત થઈને પણ હું માંસાહાર ને ગોમાંસાહારને મદદ તો કરતો જ હતો. જો હું એવો નિયમ કરું કે માંસાહારીને મદદ નહીં જ મળે, તો મારે સત્યાગ્રહ કેવળ નિરામિષ ભોજન કરનારની મારફતે જ લડવો જોઈએ. તે પણ કેમ થાય ? લડત તો હિંદીમાત્રને સારુ હતી. મારો ધર્મ હું સ્પષ્ટ રીતે જોઈ શકયો. જે ખ્રિસ્તી કે મુસલમાન ભાઈઓ ગોમાંસ પણ માગે તો મારે તેમને તે પૂરું પાડ્યે છૂટકો. હું તેઓને આ સ્થાનમાં આવવાની મનાઈ ન જ કરી શકું.

પણ પ્રેમનો બેલી ઈશ્વર છે જ. મેં તો સરળભાવે ખ્રિસ્તી બહેનોની આગળ મારું સંકટ મૂકયું. મુસલમાન માબાપોએ તો કેવળ નિરામિષ રસોડું ચલાવવાની મને રજા આપી દીધી હતી. બહેનોની સાથે મારે હિસાબ કરવાનો હતો. તેમના ધણી કે પુત્ર તો જેલમાં જ હતા. તેમની સંમતિ મને હતી. તેમની સાથે આવા પ્રસંગો મને ઘણી વેળાં આવેલા કેવળ બહેનોની સાથે આવો નિકટ પ્રસંગ આ પહેલો જ આવ્યો. તેમની પાસે મકાનની અગવડની, પૈસાની અને મારી લાગણીની વાત કરી. સાથે મેં તેમને નિર્ભય કરી કે તેઓ માગશે તો હું ગોમાંસ પણ પૂરું પાડીશ. બહેનોએ પ્રેમભાવથી માંસ ન મંગાવવાનું સ્વીકાર્યું, રસોઈનો કારભાર તેમના હાથમાં સોંપાયો. તેમને મદદ કરવામાં અમારામાંથી એકબે પુરુષો રોકાયા. આમાંનો હું તો એક ખરો જ. મારી હાજરી ઝીણા કંકાસોને દૂર રાખી શકતી હતી. રસોઈ સાદામાં સાદી કરવી એ ઠરાવ થયો. ખાવાના ટંક મુકરર થયા. રસોડું એક જ ઠર્યું. બધા એક પંગતે જ જમે. સૌએ પોતપોતાનાં વાસણ માંજીધોઈને સાફ રાખવાનાં. સામાજિક વાસણો વારાફરતી માંજવાનો ઠરાવ થયો. મારે કહવું જોઈએ કે ટૉલ્સટૉય ફાર્મ લાંબી મુદત સુધી ચાલ્યું છતાં બહેનોએ કે ભાઈઓએ કદી માંસાહારની માગણી ન કરી. શરાબ, તમાકુ વગેરે તો બંધ હતાં જ.

મકાનો બાંધવામાં પણ હાથે થઈ શકે તેટલું કામ કરવું એ અાગ્રહ હતો, એમ હું આગળ લખી ગયો છું. સ્થપતિ તો મિ. કૅલનબૅક હતા જ. તેમણે એક યુરોપના કડિયાને મેળવ્યો. એક ગુજરાતી સુથારે પોતાની મદદ મફત અાપી અને બીજાની મદદ ઓછે દામે આણી આપી. કેવળ મજૂરીનું કામ અમે હાથે જ કર્યું. અમારામાંના જે શરીર વાળવે ચાલાક હતા તેમણે તો હદ વાળી. સુથારનું અર્ધું કામ તો એક વિહારી કરીને સરસ સત્યાગ્રહી હતો તેણે ઉપાડી લીધું. સાફસૂફ રાખવું, શહેરમાં જવું, ત્યાંથી બધો સામાન લાવવો વગેરે કામ સિંહ જેવા થંબી નાયડુએ ઊંચકી લીધું હતું. આ ટુકડીમાં ભાઈ પ્રાગજી હતા. તેમણે જિંદગીમાં કદી ટાઢતડકો સહન જ ન કરેલો. અહીં તો ટાઢ હતી, તડકો હતો, વરસાદ તો. અમારી શરૂઆત તો તંબૂમાં થયેલી. મકાન બંધાય ત્યારે તેમાં સુવાય. બે માસમાં મકાન તૈયાર થયાં હશે. મકાનો પતરાંનાં હતાં એટલે તેને કરતાં વખત જ ન જાય. લાકડાં પણ જે માપનાં જોઈએ તેવાં તૈયાર મળી શકે. એટલે માત્ર માપસર ટુકડા કરવાનું જ રહે. બારીબારણાં થોડાં કરવાનાં હતાં. એથી જ એટલી ટૂંકી મુદતમાં આટલાં બધાં મકાનો તૈયાર થઈ શકયાં. પણ આ મજૂરીના કામે ભાઈ પ્રાગજીની પૂરી હાજરી લીધી. જેલના કરતાં ફાર્મનું કામ કઠણ હતું જ. એક દિવસ તો થાકથી અને તાપથી બેભાન થઈ પડયા. પણ પ્રાગજી ઝટ હારે તેમ ન હતા. તેમણે પોતાના શરીરને અહીં પૂરું કસી લીધું ને છેવટે તો મહેનતમાં સહુની સાથે ઊભા રહે એવી શક્તિ મેળવી લીધી હતી.

એવા જ બીજા જોસફ રૉયપૅન હતા. એ તો બૅરિસ્ટર, પણ તેમને બૅરિસ્ટરપણાનું ગુમાન ન હતું, અતિશય મજૂરી તેમનાથી ન થઈ શકતી. ટ્રેનમાંથી બોજો ઊંચકવા ને તેને ગાડી ઉપર લાદવા, એ બધું કામ તેમને માટે અઘરું હતું, પણ તેમણે તે યથાશક્તિ કર્યું.

ટૉલ્સ્ટૉય ફાર્મમાં નબળા સબળા થયા ને મજૂરી સૌને સદી.

બધાને કંઈ ને કંઈ પ્રસંગે જોહાનિસબર્ગ જવાનું થાય. બાળકોને સહેલને ખાતર જવાની ઈચ્છા થાય. મારે પણ કામસર જવું પડે. ઠરાવ એવો થયો કે સામાજિક કામસર જવું હોય તેને જ રેલથી જવાની રજા મળે. ત્રીજા વર્ગ સિવાય તો જવાનું હોય જ નહીં. અને સહેલને ખાતર જવું હોય તેણે ચાલીને જવું, સાથે ખાવાનો નાસ્તો બંધાવી દેવો. કોઈનાથી ખાવાનું ખર્ચ શહેરમાં ન થાય. આવા કડક નિયમો ન રાખ્યા હોત તો જે પૈસા બચાવવા ખાતર જંગલવાસ પસંદ કરવામાં આવ્યો હતો તે પૈસા રેલભાડામાં ને બજારના નાસ્તામાં ઊડી જાત. ઘરનો નાસ્તો પણ સાદો જ હતો. ઘેર બનાવેલી વગર ચાળેલા ને ઘેર દળેલા જાડા લોટની રોટી, તેની ઉપર ભોંયશિંગનું ઘેર બનાવેલું માખણ ને ઘેર બનાવેલો નારંગીની છાલનો મુરબ્બો. લોટ દળવાને સારુ હાથે ચલાવવાની લોખંડની ઘંટી લીધી હતી. ભોયશિંગને ભૂંજીને પીસવાથી માખણ બને છે. તેની કિંમત દૂધના માખણ કરતાં ચારગણી ઓછી પડતી. નારંગી તો ફાર્મમાં જ પુષ્કળ થતી. ગાયનું દૂધ તો ભાગ્યે જ લેતા. ડબ્બાનું દૂધ વાપરતા.

પણ આપણે પાછા મુસાફરી પર આવીએ. જેમને જોહાનિસબર્ગ જવાનો શોખ થાય તે અઠવાડિયામાં એક વખત કે બે વખત ચાલીને જાય અને તે જ દિવસે પાછા આવે. આગળ જણાવી ગયો છું કે આ પંથ ૨૧ માઈલનો હતો. પગપાળા જવાના આ એક નિયમથી સેંકડો રૂપિયા બચી ગયા, ને ચાલીને જનારને ઘણો ફાયદો થયો. કેટલાકને ચાલવાની નવી ટેવ પડી.. નિયમ એવો હતો કે, આમ જનારે બે વાગ્યે ઊઠવું અને અઢી વાગ્યે ચાલી નીકળવું. બધા છથી સાત કલાકની અંદર જોહાનિસબર્ગ પહોંચી શકતા. ઓછામાં ઓછો સમય લેનારા ચાર કલાક અઢાર મિનિટે પહોંચતા.

વાંચનાર એમ ન માને કે આ નિયમો બોજારૂપ હતા. સહુ તેનું પ્રેમપૂર્વક પાલન કરતા. બળાત્કારે હું એક પણ માણસને ન રાખી શકત. યુવકો મુસાફરીમાં કે આશ્રમ પર બધું કામ હસમુખે વદને તે કલ્લોલ કરતાં કરતા. મજૂરીના કામને વખતે તેઓને મસ્તી ! કરતા રોકવા મુશ્કેલ પડતું. રીઝવીને લઈ શકાય એટલું જ કામ લેવાનો નિયમ રાખ્યો હતો. આથી કામ થોડું થયાનું મને નથી ભાસયું.

પાયખાનાની કથા સમજવા જેવી છે. એવડી વસ્તી હતી છતાં ક્યાંયે કચરો કે મેલું કે એઠવાડ કોઈના જેવામાં ન જ આવે. બધો કચરો જમીન ખોદી રાખી હતી તેમાં દાટી દેવામાં આવતો. પાણી કોઈથી રસ્તામાં ઢોળાય નહીં. બધું વાસણમાં એકઠું કરવામાં આવતું ને તે ઝાડને જતું એઠવાડનું અને શાકના કચરાનું ખાતર બનતું. પાયખાનાને સારુ રહેવાના મકાનની નજીક એક ચોરસ ટુકડો દોઢ ફૂટ ઊંડો ખોદી રાખ્યો હતો તેમાં બધું પાયખાનું દાટવામાં આવતું. તેની ઉપર ખોદેલી માટી ખૂબ દાટવામાં આવતી હતી, તેથી જ યે દુર્ગધ નહોતી રહેતી. માખી પણ ત્યાં ન બણબણે અને ત્યાં મેલું દાટેલું છ એવો કોઈને ખ્યાલ પણ ન આવે. સાથે ફાર્મને અમૂલ્ય ખાતર મળતું હતું, જો આપણે મેલાનો સદુપયોગ કરીએ તો લાખો રૂપિયાનું ખાતર બચાવીએ. ને અનેક રોગોમાંથી બચીએ. પાયખાના વિશેની આપણી કુટેવને લીધે આપણે પવિત્ર નદીના કિનારા બગાડીએ છીએ, માખીઓની ઉત્પત્તિ કરીએ છીએ ને નાહીધોઈ સાફ થયા પછી પાછા જે માખી આપણી દોષમય બેદરકારીથી ઉઘાડી મેલેલી વિષ્ટા ઉપર બેઠી છે તે માખીને આપણા શરીરનો સ્પર્શ કરવા દઈએ છીએ. એક નાનકડી સરખી કોદાળી આપણને ઘણી ગંદકીમાંથી બચાવે તેમ છે. ચાલવાને રસ્તે મેલું નાખવું, થૂકવું, નાક સાફ કરવું, એ ઈશ્વર પ્રત્યે તેમ જ મનુષ્યની પ્રત્યે પાપ છે. તેમાં દયાનો અભાવ છે. જે માણસ જંગલમાં રહે તોયે પોતાનું મેલું દાટે નહીં, તે દંડને લાયક છે.

અમારું કામ સત્યાગ્રહી કુટુંબોને ઉદ્યોગી રાખવાનું, પૈસા બચાવવાનું અને છેવટે સ્વાશ્રયી થવાનું હતું, આમ કરી શકીએ તો અમે ગમે તેટલી મુદત લગી ઝૂઝી શકીએ. જોડાનું ખર્ચ તો હતું જ. બંધ જેડાથી ગરમ હવામાં તો નુકસાન જ છે. પસીનો બધો પગ ચૂસે ને નાજુક થાય મોજાની જરૂર તો આપણા જેવી હવામાં ન જ હોય. પણ કાંટા, પથરા વગેરેથી બચવા સારુ કંઈક રક્ષણની આવશ્યકતા અમે માની હતી. તેથી અમે કાંટારખાં એટલે ચંપલ બનાવવાનો ધંધો શીખવાનું ઠરાવ્યું. દક્ષિણ આફ્રિકામાં ટ્રેપિસ્ટ નામના રોમન કૅથલિક પાદરીઓનો મઠ છે ત્યાં આવા ઉદ્યોગો ચાલે છે. તેઓ જર્મન હોય છે. તેમાંના એક મઠમાં મિ. કૅલનબૅક ચંપલ બનાવવાનું શીખી આવ્યા. તેમણે મને શીખવ્યું અને બીજા સાથીઓને. આમ કેટલાક જુવાનિયા ચંપલ બનાવતાં શીખી ગયા. અને અમે મિત્રવર્ગને વેચતા પણ થઈ ગયા. મારે કહેવાની જરૂર તો ન જ હોવી જોઈએ કે મારા ઘણા શિષ્યો મારા કરતાં આ કસબમાં ચડી સહેજે ચડી ગયા. બીજું કામ સુથારનું દાખલ કર્યું. એક ગામડું વસાવીને રહ્યા ત્યાં પાટલાથી માંડીને પેટી સુધીની અનેક નાનીમોટી વસ્તુઓ જોઈએ; તે અમે હાથે જ બનાવતા. પેલા પરોપકારી મિસ્ત્રીઓએ તો અમને કેટલાક માસ લગી મદદ દીધી જ હતી. આ કામનું ઉપરીપણું મિ. કૅલનબૅકે પોતાને હસ્તક રાખ્યું હતું. તેમની સુઘડતા ને ચોકસાઈનો અનુભવ અમને પ્રત્યેક ક્ષણે થતો.

યુવકો, બાળકો અને બાળાઓને સારુ નિશાળ તો જોઈએ જ. આ કામ સહુથી મુશ્કેલ માલૂમ પડયું ને સંપૂર્ણતાને છેવટ લગી ન જ પહોંચ્યું, શિક્ષણનો બોજો મુખ્ય ભાગે મિ. કૅનબૅક અને મારી ઉપર હતો. નિશાળ બપોરે જ ચલાવી શકાય. અમે બંને મજૂરી કરીને ખૂબ થાકયા હોઈએ. નિશાળિયા પણ થાકેલા હોય જ. એટલે ઘણી વાર તેઓ ઝોલાં ખાય અને અમે પણ ઝોલાં ખાઈએ. અાંખે પાણી છાંટીએ, બાળકોની સાથે ગેલ કરી તેમનું અને અમારું આળસ ભાંગીએ પણ તે કેટલીક વાર નિરર્થક જતું. જે અારામ શરીર માગે તે લીધે જ છોડે. આ તો એક અને નાનામાં નાનું વિઘ્ન વર્ણવ્યું, કેમ કે એમ ઝોલાં ખવાઈ જતાં છતાં વર્ગ તો ચાલતા જ, પણ તામિલ, તેલુગુ અને ગુજરાતી આમ ત્રણ ભાષા બોલવાવાળાને શું અને કઈ રીતે શીખવાય ? માતૃભાષા વાટે શીખવવાનો લોભ ખરો જ. તામિલ થોડુંઘણું હું જાણું. તેલુગુનો તો અક્ષર સરખોયે નહીં. આવી સ્થિતિમાં એક શિક્ષક શું કરે ? જે યુવકો હતા તેમાંથી કેટલાકનો શિક્ષક તરીકે ઉપયોગ કર્યો. તે પ્રયોગ સફળ થયો ન ગણી શકાય. ભાઈ પ્રાગજીનો ઉપયોગ તો થતો જ હતો. યુવકોમાંના કેટલાક ખૂબ તોફાની અને આળસુ હતા. ચોપડી સાથે તો હંમેશાં લડાઈ જ કરે. એવા વિદ્યાર્થી શિક્ષકને શાના ગાંઠે ? વળી મારું કામ અનિયમિત હતું. મારે જરૂર પડયે જોહાનિસબર્ગ જવું પડે. તેવું જ મિ. કૅલનબૅકનું હતું. બીજી મુસીબત ધાર્મિક શિક્ષણની હતી. મુસલમાનોને કુરાન શીખવવાનો તો લોભ રહ જ. પારસીને અવેસ્તા શીખવવાની ઈચ્છા થાય. એક ખોજાનો બાળક હતો તેને ખાસ ખોજા પંથની નાનકડી પોથી હતી તે શીખવવાનો બોજો તેના પિતાએ મારે માથે મૂકયો હતો. મેં મુસલમાની અને પારસી પુસ્તકો ભેળાં કર્યાં. હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો મને સમજાય તેટલાં લખી કાઢયાં – મારાં જ બાળકોને અંગે કે ફાર્મમાં જ એ હું ભૂલી ગયો છું. મારી પાસે જો એ વસ્તુ હોત તો હું મારી પોતાની પ્રગતિ કે ગતિના માપને અર્થ તે અહીં છાપી નાખત. પણ આવી વસ્તુઓ તો ઘણીયે મેં મારી જિંદગીમાં નાખી દીધી છે કે બાળી નાખી છે, એ વસ્તુઓને સંઘરી રાખવાની આવશ્યકતા મને જેમ જેમ ઓછી જણાતી ગઈ અને જેમ જેમ મારો વ્યવસાય વધતો ગયો તેમ તેમ મેં આવી વસ્તુઓનો નાશ કર્યો. મને તેનો પશ્ચાત્તાપ નથી. એ વસ્તુઓનો સંગ્રહ મને બોજારૂપ ને બહુ ખરચાળ થઈ પડત. તેને સાચવવાનાં સાધન મારે ઉત્પન્ન કરવાં પડત. એ મારા અપરિગ્રહી આત્માને અસહ્ય થાત.

પણ આ શિક્ષણપ્રયોગ વ્યર્થ ન ગયો. છોકરાંઓમાં કદી અસહિષ્ણુતા નહોતી આવી. એકબીજાના ધર્મ પ્રત્યે ને એકબીજાના રીતરિવાજો પ્રત્યે ઉદારતા શીખ્યા. તેઓ બધા સગા ભાઈની જેમ રહેતાં શીખ્યા. એકબીજાની સેવા શીખ્યા. સભ્યતા શીખ્યા. ઉદ્યમી થયા અને આજ પણ તે બાળકોમાંના જેમની પ્રવૃત્તિની મને કંઈયે ખબર છે તે ઉપરથી હું જાણું છું કે તેઓએ ટૉલ્સ્ટૉય ફાર્મમાં જે મેળવ્યું તે નિરર્થક નથી ગયું. અધૂરો તોપણ એ વિચારમય અને ધાર્મિક પ્રયોગ હતો. અને ટૉલ્સટૉય ફાર્મનાં અત્યંત મીઠાં સ્મરણોમાં આ શિક્ષણના પ્રયોગનાં સમરણો ઓછાં મીઠાં નથી.

પણ તે સ્મરણોને સારુ નવું પ્રકરણ ઘટે છે.