દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ)

વિકિસ્રોતમાંથી
← ટ્રાન્સવાલમાં પ્રવેશ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ)
મોહનદાસ કરમચંદ ગાંધી
બધા કેદમાં →


મુલક ભરી મૂકવા ઈચ્છતા. તેઓ તો શુદ્ધ ન્યાય ઈચ્છે છે, જેઓ ટ્રાન્સવાલમાં દાખલ થવા ઈચ્છે છે તેઓ વસવાટને સારુ નહીં, પણ તેઓની ઉપર અન્યાયી કર છે તેની સામે અમલી પોકાર કરવા સારુ દાખલ થવાના છે. તેઓ બહાદુર છે, તેઓ તોફાન નહીં કરે, તમારી સામે નહીં લડે, તમારી ગોળીઓ સહન કરીને પણ દાખલ તો થશે જ. તેઓ તમારી ગોળીના કે તમારા ભાલાના ડરથી પાછી પાની કરે એવા નથી. પોતે દુ:ખ સહન કરીને તમારું હૃદય પિગળાવવાના છે. પિગળાવશે જ. આટલું કહેવા હું અહીં આવ્યો છું, આટલું કહીને મેં તો તમારી સેવા કરી છે. તમે ચેતો, અન્યાયથી બચો.' આટલું કહી મિ. કૅલનબૅક શાંત રહ્યા. લોકો કંઈક શરમાયા. પેલો લડવાવાળો પહેલવાન તો મિત્ર થયો.

પણ ઉપરની સભાની અમને ખબર હતી તેથી કંઈક તોફાન વૉકસરસ્ટના ગોરા તરફથી થાય તો તે માટે અમે તૈયાર હતા. અને એટલી બધી પોલીસ એકઠી કરી હતી એનો અર્થ એ પણ હોય કે ગોરાઓને મર્યાદા ઓળંગતા અટકાવવા. ગમે તેમ હોય. અમારું સરઘસ તો શાંતિથી ચાલ્યું, કોઈ ગોરાએ કંઈ અટકચાળું કર્યું એવું પણ મને યાદ નથી. સહુ આ નવું કૌતક જેવા નીકળી પડયા. તેઓમાંના કેટલાકની અાંખમાં મિત્રતા પણ હતી.

અમારો મુકામ પહેલે દિવસે આઠેક માઈલ દૂર સ્ટેશન છે ત્યાં હતો. અમે સાંજના છસાત વાગ્યે પહોંચ્યા હતા. લોકોએ રોટી ને ખાંડ ખાધાં ને સહુ ખુલ્લી હવામાં મેદાનમાં લાંબા થયા. કોઈ ભજન ગાતા હતા તો કોઈ વાતો કરતા હતા, ને રસ્તામાં કેટલાંક બૈરાંઓ થાકેલા. પોતાનાં છોકરાંનો ભાર ઉપાડી ચાલવાની હિંમત તો તેઓએ કરી હતી પણ આગળ ચાલવું તેઓની શક્તિ બહાર હતું. તેથી મારી ચેતવણી પ્રમાણે મેં તો તેમને એક ભલા હિંદીની દુકાનમાં મૂકયાં, ને અમે ટૉલ્સટોય ફાર્મ પહોંચીએ તો ત્યાં તેમને મોકલવાં અને કેદ થઈએ તો તેઓને ઘેર મોકલવાં એવી ભલામણ કરી. હિંદી વેપારીએ આ પ્રાર્થના સ્વીકારી.

રાત થતી ગઈ તેમ તેમ બધું શાંત થયું. હું પણ ઊંઘવાની તૈયારીમાં હતો તેટલામાં ખડખડાટ સંભળાયો. ફાનસ લઈને આવતા ગોરાને મેં જોયો. હું ચેત્યો. મારે તૈયારી તો કરવાની જ ન હતી. પોલીસ અમલદારે કહ્યું :

'તમારે સારુ મારી પાસે વોરંટ છે; મારે તમને કેદ કરવાના છે.'

'ક્યારે ?' મેં પૂછ્યું.

'હમણાં જ.' જવાબ મળ્યો.

'મને કયાં લઈ જશો ?'

'અત્યારે તો નજીકના સ્ટેશન પર અને જ્યારે ગાડી આવશે ત્યારે તેમાં બેસાડી વોક્સરસ્ટ.'

હું બોલ્યો, 'ત્યારે હું કોઈને જગાડયા વિના તમારી સાથે આવું છું. પણ મારા સાથીઓને થોડી ભલામણ કરી લઉં.'

'ખુશીથી.'

પડખે સૂતેલ પી. કે. નાયડુને મેં જગાડયા. તેમને પકડાવાની ખબર આપીને લોકોને સવાર પહેલાં ન જગાડવાનું કહ્યું. સવાર પડચે નિયમસર કૂચ કરવાનું પણ કહી દીધું. કૂચ તો સૂર્યોદય પહેલાં શરૂ કરવાની હતી. જ્યાં વિસામો લેવાનો ને રોટી વહેંચવાનો સમય આવે ત્યાં લોકોને મારા પકડાવાની વાત કહેવી. દરમિયાન જેઓ પૂછે તેને કહેતાં જવું. કાફલાને પકડે તો પકડાઈ જવું, ન પકડે તો નીમેલી રીતે કૂચ જારી રાખવી. નાયડુને કશો ભય તો હતો જ નહીં. નાયડુ પકડાય તો શું એ પણ કહી રાખ્યું.

વોક્સરસ્ટમાં મિ. કૅલનબૅક તો હતા જ.

હું પોલીસની સાથે ગયો. સવાર પડી. વોક્સરસ્ટની ટ્રેનમાં બેઠા. વૉક્સરસ્ટમાં કેસ ચાલ્યો. કેસ મુલતવી રાખવાનું પબ્લિક પ્રૉસિક્યૂટરે જ માગ્યું; કેમ કે તેમની પાસે પુરાવો તો તૈયાર જ ન હતો. કેસ મુલતવી રહ્યો. મેં જામીન ઉપર છૂટવાની અરજી કરીને કારણમાં જણાવ્યું કે, મારી સાથે ર, ૦૦૦ માણસો ૧રર બૈરાંછોકરાં સહિત છે. કેસની મુદત આવે તે દરમિયાન હું તો પાછો લોકોને ઠેકાણે પાડી હાજર થઈ શકું તેમ છું. સરકારી વકીલ જામીનની સામે તો થયો, પણ મેજિસ્ટ્રેટ લાચાર હતો. મારી ઉપર જે આરોપ હતો તે એવો ન હતો કે જેમાં જામીન પર છુટકારો પણ મૅજિસ્ટ્રેટની મુનસફી પર હોય. એટલે મને પચાસ પાઉંડના જામીન ઉપર છોડયો. મારે સારુ મોટર તો મિ. કૅલનબૅકે તૈયાર જ રાખી હતી. એટલે તેમાં બેસાડીને મને મારા કાફલાની પાસે પહોંચાડયો. ટ્રાન્સવાલના છાપાનો પ્રતિનિધિ અમારી સાથે આવવા માગતો હતો. તેને રજા આપી ને તેણે આ મોટરની મુસાફરીનો, કેસનો ને લોકોની સાથેના મેળાપનો સુંદર ચિતાર તે વેળા પ્રગટ કરેલો. લોકોએ મને વધાવી લીધો ને તેમના જુસ્સાનો પાર ન રહ્યો. મિ. કૅલનબૅક તુરત જ પાછા વૉક્સરસ્ટ રવાના થયા. તેમનું કામ ચાર્લ્સટાઉનમાં રહેલા ને બીજા આવનાર હિંદીઓને સંભાળવાનું હતું.

અમે ચાલ્યા, પણ મને છૂટો મૂકવો એ સરકારને ફાવે તેમ હતું જ નહીં. એટલે વળી પાછો મને બીજી વાર ને બીજે દિવસે સ્ટૅડરટનમાં પકડયો. સ્ટૅડરટન પ્રમાણમાં મોટું ગામડું છે. અહીં મને વિચિત્ર રીતે પકડવામાં આવ્યો. હું લોકોને રોટી વહેંચી રહ્યો હતો. અહીંના દુકાનદારોએ મુરબ્બાના ડબ્બાની ભેટ આપી હતી એટલે વહેંચવાના કામમાં જરા વધારે વખત જતો હતો. મૅજિસ્ટ્રેટ મારી પાસે આવી ઊભો. તેણે વહેંચવાનું કાર્ય પૂરું થવા દીધું. પછી તેણે મને કોરે બોલાવ્યો. તેને હું ઓળખતો હતો તેથી મેં ધાર્યું કે તે મને કંઈ વાત કરવા ઇચ્છતો હશે. તેણે તો મને હસીને કહ્યું :

'તું મારો કેદી છે.'

મેં કહ્યું : “મારો દરજજો ચડયો. પોલીસને બદલે મૅજિસ્ટ્રેટ પોતે પકડવા આવે; પણ મારી ઉપર કામ હમણાં જ ચલાવશો ને ?'

તેણે કહ્યું : 'મારી સાથે જ ચાલો. કોરટ તો ચાલે જ છે.' લોકોને મુસાફરી જારી રાખવાની ભલામણ કરી હું છૂટો પડયો. કોરટમાં પહોંચ્યો કે તુરત મેં મારા સાથીઓને પણ પકડાયેલા જોયા. તેઓ પી. કે. નાયડુ, બિહારીલાલ મહારાજ, રામનારાયણસિંગ, રઘુનારસુ અને રહીમખાન એમ પાંચ જણ હતા.

મને કોરટમાં તુરત ઊભો કર્યો. મેં મારે સારુ વૉક્સરસ્ટના જ કારણસર મુદત માગી. અહીં પણ સરકારી વકીલે વિરોધ કર્યો, અહીં પણ મૅજિસ્ટ્રેટે મુદત આપી. વેપારી લોકોએ મારે સારુ એક્કો તૈયાર રાખ્યો જ હતો. તેમાં બેસાડી મને હજુ તો લોકો ત્રણ માઈલ પણ આગળ નહીં પહોંચ્યા હોય, ત્યાં તેમની ભેળો કર્યો. હવે તો લોકોએ એમ જ માન્યું ને મેં પણ માન્યું કે કદાચ ટૉલ્સટૉય ફાર્મ ભેળા થશું જ; પણ એ ધારણા બરાબર ન હતી. લોકો મારા પકડાવાથી ટેવાઈ ગયા એ પરિણામ જેવુંતેવું ન હતું. મારા સાથીઓ તો જેલમાં જ રહ્યા.