દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પત્રોની આપલે

વિકિસ્રોતમાંથી
← પ્રાથમિક સમાધાની દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પત્રોની આપલે
મોહનદાસ કરમચંદ ગાંધી
લડતનો અંત →


રપ. પત્રોની આપલે

પ્રાથમિક સમાધાનીને સારુ જનરલ સ્મટ્સ અને મારી વચ્ચે પત્રવહેવાર ચાલ્યો. મારા કાગળની મતલબ આ હતી :

'કમિશનમાં આપના જણાવ્યા પ્રમાણે અમારી પ્રતિજ્ઞાને લીધે અમારાથી મદદ નહીં દઈ શકાય. આ પ્રતિજ્ઞા આપ સમજી શકો છો ને તેની કદર પણ કરો છો. અાપ કોમની સાથે મસલત કરવાનું તત્ત્વ કબૂલ કરો છો તેથી પુરાવો આપ્યા સિવાય બીજી રીતે કમિશનને મદદ દેવા અને છેવટે તેના કામમાં વચ્ચે તો ન જ પડવું એવી સલાહ હું મારા દેશભાઈઓને આપી શકું છું. વળી કમિશન ચાલુ રહે તે દરમિયાન ને નવા કાયદા થાય તે દરમિયાન સરકારની સ્થિતિ કફોડી ન કરવા ખાતર સત્યાગ્રહ પણ મુલતવી રાખવાની હું સલાહ આપી શકીશ. અને સર બેન્જામિન રૉબર્ટસન જેને વાઈસરૉયે મોકલ્યા છે તેમને મદદ કરવાની સલાહ પણ મારા દેશભાઈઓને હું આપીશ. અમારી ઉપર જેલમાં ને હડતાળ દરમિયાન જે દુ:ખો પડ્યાં તે બાબત મારે કહેવું જોઈએ કે, એ દુ:ખો અમારી પ્રતિજ્ઞાને લીધે અમે પુરવાર પણ નહીં કરી શકીએ. સત્યાગ્રહી તરીકે અમારાથી બની શકે ત્યાં લગી અમે પોતીકાં દુ:ખોની ફરિયાદ ન કરીએ ને તેનો બદલો ન માગીએ. પણ આ વખતના અમારા મૌનનો અર્થ ન થવો જોઈએ કે અમારી પાસે સાબિત કરવાની કંઈ સામગ્રી નથી. અમારી સ્થિતિ પણ આપ સમજી શકો એમ ઈચ્છું છું. વળી જ્યારે અમે સત્યાગ્રહ મુલતવી રાખીએ ત્યારે જેઓ હાલ લડતને અંગે કેદમાં છે તે છૂટવા જોઈએ. અમારી માગણીઓ શી છે તે પણ અહીં જણાવવાની જરૂર જેઉં છું. ૧. ત્રણ પાઉંડનો કર રદ થાય. ર . વિવાહ હિંદુ મુસલમાન ઈત્યાદિ ક્રિયા પ્રમાણે થયેલા હોય તે કાયદેસર ગણાય. ૩. ભણેલા હિંદીઓ આ દેશમાં દાખલ થઈ શકે. ૪. અૉરંજિયાને વિશે જે કરાર થયા છે તેમાં સુધારો થાય. પ. ચાલુ કાયદાઓનો અમલ એવો થાય કે જેથી ચાલતા હકોને નુકસાન ન પહોંચે એવી ખાતરી આપવી.' જો આ બાબતો વિશે સંતોષકારક જવાબ મળે તો સત્યાગ્રહ મુલતવી રાખવાની કોમને મારે સલાહ આપવી.'

આ કાગળ ૧૯૧૪ના જાન્યુઆરીની ૨૧મીએ મેં લખ્યો. તે જ દિવસે જે જવાબ મળ્યો તેની મતલબ આ હતી :

'તમે કમિશનમાં જુબાની નહીં આપી શકો તેથી સરકાર દિલગીર છે, પણ તે તમારી સ્થિતિ સમજી શકે છે. તમે હાડમારીઓની વાત પડતી મૂકવાનો ઇરાદો જણાવો છો તેનો હેતુ પણ સરકાર સમજે છે એવી હાડમારીઓનો સરકાર તો ઇનકાર જ કરે છે. પણ જયારે તમે તેનો પુરાવો રજૂ નહીં કરો તો સરકારને કંઈ તે બાબત કરવાપણું નહીં રહે. સત્યાગ્રહી કેદીઓને છોડવા બાબત તો સરકારે તમારો કાગળ મળ્યો તે પહેલાં જ હુકમ મોકલી દીધો હતો. કોમી દુ:ખોની નોંધ તમે આપી છે તે વિશે કમિશનનો રિપોર્ટ મળતાં સુધી સરકાર પોતાનાં પગલાં મુલતવી રાખશે.'

આ બંને કાગળોની આપલે થઈ તેના પહેલાં અમે બંને તો જનરલ સ્મટ્સને ઘણી વાર મળી ચૂકયા હતા. પણ દરમિયાન સર બેન્જામિન રોબર્ટસન પણ પ્રિટોરિયા પહોંચી ગયા હતા. સર બેન્જામિન જેકે લોકપ્રિય ગણાતા હતા, ગોખલેનો ભલામણપત્ર પણ લાવ્યા હતા, છતાં મેં જોયું કે, તેઓ સામાન્ય અંગ્રેજ અમલદારની નબળાઈથી છેક મુક્ત ન હતા. તેમણે આવતાંવેંત જ કોમમાં તડાં પાડવાનું ને સત્યાગ્રહીઓને ડરાવવાનું શરૂ કર્યું, પ્રિટોરિયામાં મારી પહલી મુલાકાતમાં મારા ઉપર તેમની સારી છાપ ન પડી. ડરાવવા વિશે મારા ઉપર તારો આવેલા તેની મેં તેમને વાત પણ કરી દીધી. મારે તો બધાની સાથે એક જ રીતે એટલે સ્પષ્ટતાથી ને ચોખ્ખાઈથી જ કામ લેવાનું હતું એટલે અમે મિત્ર થયા. પણ મેં અનેક વાર અનુભવ્યું છે કે, ડરનારને તો અમલદાર ડરાવે જ છે અને સીધા તેમ જ ન ડરનારની સાથે તેઓ સીધા રહે છે.

આ પ્રમાણે પ્રાથમિક સમાધાની થઈ અને સત્યાગ્રહ છેલ્લી વારને સારુ મુલતવી રહ્યો. ઘણા અંગ્રેજ મિત્રો રાજી થયા, અને તેમણે છેવટની સમાધાનીમાં મદદ દેવાનો મને ભરોસો પણ આપ્યો. કોમની પાસે આ સમાધાની કબૂલ રખાવવાનું કામ સહેજ મુશ્કેલ હતું. ઉત્પન્ન થયેલો ઉત્સાહ ભાંગી પડે એ કોઈને ન ગમે. વળી જનરલ સ્મટ્સનો વિશ્વાસ તો કોઈ રાખે જ શેનો ? કેટલાંકે ૧૯૦૮ની સમાધાનીનું સમરણ કરાવ્યું અને કહ્યું : 'એક વખત જનરલ સ્મટ્સે કોમને છેતરી. અનેક વખત તમારી ઉપર નવી વસ્તુઓ દાખલ કરવાનાં તહોમત મૂક્યાં, કોમની ઉપર ભારે સંકટો ગુજાર્યા, તોયે તમે નથી સમજ્યા એ કેવી દુ:ખની વાત છે ? વળી પાછો એ માણસ તમને દગો દેશે અને વળી પાછી તમે સત્યાગ્રહની વાત કરશો. એ વખતે તમારો વિશ્વાસ કોણ કરશે ? માણસો એમ વારે વારે જેલમાં જાય અને વારે વારે ખત્તા ખાય એ કેમ બની શકે ? જનરલ સ્મટ્સ જેવા માણસ સાથે સમાધાની એક જ હોઈ શકે. માગ્યું તે લેવું; એની પાસેથી વચનો ન લેવાં. જે વચન આપીને ફરી જાય એને ઉધાર અપાય જ કેમ?' આવી જાતની દલીલ કેટલીક જગ્યાએ થશે એ હું જાણતો જ હતો. તેથી મને આશ્ચર્ય ન થયું. સત્યાગ્રહી ગમે તેટલી વાર દગો થાય તે છતાં, વચનો ઉપર ભરોસો ન રાખવાનું સ્પષ્ટ કારણ ન હોય ત્યાં લગી, ભરોસો રાખે જ. જેણે દુ:ખને સુખ કરી મૂકયું હોય તે જ્યાં અવિશ્વાસ કરવાનું કારણ ન હોય ત્યાં કેવળ દુઃખના ભયથી ત્રાસીને અવિશ્વાસ ન કરે, પણ પોતાની શક્તિ ઉપર વિશ્વાસ રાખી વિરોધી પક્ષ દગો દે તેને વિશે નિશ્ચિત રહીને, ગમે તેટલી વેળા દગો થાય તોપણ વિશ્વાસ રાખ્યા કરે અને માને કે, તેમ કરતાં જ સત્યનું બળ વધશે અને વિજય નજીક આવશે. તેથી ઠેકઠેકાણે સભાઓ ભરીને સમાધાનીનો સ્વીકાર કરવાનું હું લોકોને અંતે સમજાવી શકયો અને લોકો પણ સત્યાગ્રહનું રહસ્ય વિશેષ સમજતા થયા. આ વખતની સમાધાનીમાં વચ્ચે હોવામાં અને સાક્ષી રહેવામાં મિ. એન્ડ્રૂઝ હતા તેમ જ વાઈસરૉયના એલચી તરીકે સર બેન્જામિન રૉબર્ટસન પણ હતા એટલે સમાધાની મિથ્યા થવાનો ઓછામાં ઓછો ભય હતો. જે મેં સમાધાની નહીં કરવાની હઠ કરી હોત તો કોમનો ઊલટો દોષ ગણાત અને જે વિજય છ મહિના બાદ મળ્યો તે મળવામાં અનેક પ્રકારનાં વિધ્નો આવત. સત્યાગ્રહી કોઈ પણ કાળે પોતાની તરફ આંગળી સરખી ચીંધવાને કારણ ન આપે. એવા જ અનુભવથી क्षमा वीरस्य भूशणम् એ વાકય લખાયું છે. અવિશ્વાસ એ પણ બીકણપણાની નિશાની છે. સત્યાગ્રહમાં નિર્ભયતા રહેલી જ છે. નિર્ભયને બીક શી? અને જયાં વિરોધીનો વિરોધ જીતવાનો છે, વિરોધીનો નાશ નથી કરવાનો, ત્યાં અવિશ્વાસ શો ?

એટલે કોમે સાવધાની કબૂલ રાખી ત્યાર બાદ કેવળ યુનિયન પાર્લમેન્ટ બેસવાની રાહ જ જોવાની રહી. દરમિયાન પેલું કમિશન ચાલી રહ્યું હતું. કમિશનમાં ઘણા જ થોડા સાક્ષીઓ હિંદીઓ તરફથી ગયા. તે વખતે સત્યાગ્રહીઓની કોમ ઉપર કેટલી બધી અસર હતી તેનો અાથી સચોટ પુરાવો મળ્યો. સર બેન્જામિન રૉબર્ટસને ધણા હિંદીઓની સાક્ષી આપવા સમજાવ્યું, પણ લડતનો બહુ વિરોધ કરતા હતા તેવા થોડા જ સિવાય બધા અડગ રહ્યા. આ બહિષ્કારની અસર મુદ્દલ નઠારી ન પડી. કમિશનનું કામ ટૂંકું થયું અને રિપોર્ટ ઝપાટાથી બહાર પડયો. રિપોર્ટમાં હિંદી કોમે મદદ ન કરી એ બીના પર કમિશનના સભ્યોએ સખત ટીકા કરી ખરી. સિપાઈઓની ગેરવર્તણૂકનું તહોમત ઉડાવી દીધું, પણ કોમને જે જે વસ્તુ જોઈતી હતી તે બધું આપવાની ભલામણ કમિશને કરી. એટલે કે, ત્રણ પાઉંડનો કર કાઢી જ નાખવો જોઈએ, વિવાહની બાબતમાં હિંદીઓની માગણી કબૂલ રાખવી જોઈએ અને બીજી પણ કેટલીક ઝીણી વસ્તુઓ આપવાની અને બધું વગર ઢીલે કરવાની ભલામણ કરી. આમ કમિશનનો રિપોર્ટ જનરલ સ્મટ્સે કહ્યું હતું તે પ્રમાણે અનુકૂળ નીવડયો. મિ. એન્ડ્રૂઝ વિલાયત જવા વિદાય થયા; તેમ જ સર બેન્જામિન રૉબર્ટસન ઊપડી ગયા. કમિશનના રિપોર્ટ પ્રમાણે કાયદો ઘડવામાં આવશે એવો અમને ભરોસો આપવામાં આવ્યો હતો. એ કાયદો શો હતો અને કેમ થયો એ હવેના પ્રકરણમાં વિચારીશું.