દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પરિશિષ્ટ ૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પરિશિષ્ટ ૧ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પરિશિષ્ટ ૨
મોહનદાસ કરમચંદ ગાંધી
સૂચિ →


ગાંધીજી ફાલતુ કામ કરતા હતા. કામ કરતાં કરતાં ગાંધીજીએ એકાએક કસ્તૂરબાને પૂછયું :

““તેં જાણ્યું કે ?”

“શું?”” જિજ્ઞાસાથી કસ્તૂરબાએ પૂછયું.

ગાંધીજીએ સહેજ હસતાં હસતાં જવાબ આપ્યો : આજ સુધી તું મારી પરણેતર સ્ત્રી હતી, હવે તું મારી પરણેતર સ્ત્રી ન રહી.”

કસ્તૂરબાએ સહેજ ભવાં ચડાવીને કહ્યું : એવું વળી કોણે કહ્યું? તમે તો રોજ નવા નવા નુક્તા શોધી કાઢો છો !

ગાંધીજી હસતે વદને બોલ્યા : “હું કયાં શોધી કાઢું છું ? પેલો જનરલ સ્મટ્સ કહે છે કે, ખ્રિસ્તી લગ્નની જેમ આપણાં લગ્ન કોરટમાં નોંધાયેલાં નથી, માટે તે ગેરકાયદેસર ગણાય અને તેથી તું મારી પરણેતર ન ગણાય, પણ રખાત ગણાય.

કસ્તૂરબાએ ગુસ્સે થઈને કહ્યું : “કહ્યું એણે એનું માથું! એ નવરાને અાવું અાવું કયાંથી સૂઝે છે ?”

ગાંધીજીએ ટૂંકાવીને કહ્યું : “પણ હવે તમે બહેનો શું કરશો ?"

“અમે વળી શું કરીએ ?" કસ્તૂરબાએ પૂછયું.

"અમે લડીએ છીએ તેમ તમે પણ લડો. સાચી પરણેતર થવું હોય અને રખાત ન થવું હોય, તેમ જ તમારી આબરૂ તમને વહાલી હોય, તો તમે પણ અમારી જેમ સરકાર સામે લડો !"

“તમે તો જેલમાં જાઓ છો !”

“તું પણ તારી આબરૂ ખાતર જેલમાં જવાને તૈયાર થા.”

ગાંધીજીનું વાકય સાંભળીને કસ્તૂરબા નવાઈ પામી બોલ્યાં : હં, જેલમાં ! બૈરાંથી વળી જેલમાં જવાય ?”

““હા, જેલમાં. સ્ત્રીઓથી જેલમાં કેમ ન જવાય ? પુરુષ જે સુખદુઃખ ભોગવે તે સ્ત્રીઓથી કેમ ન ભોગવાય ? રામની પાછળ સીતા ગઈ. હરિશ્ચંદ્રની પાછળ તારામતી ગઈ. નળની પાછળ દમયંતી ગઈ. અને સહુએ જંગલમાં અનહદ દુ:ખ વેઠયાં.”'

ગાંધીજીનું વિવેચન સાંભળી કરતૂરબા બોલી ઊઠયાં : “એ તો બધાં દેવ જેવાં ! તેમને પગલે ચાલવાની આપણી શક્તિ કયાં છે ?"

ગાંધીજીએ ગંભીરતાપૂર્વક કહ્યું : “એમાં શું ? આપણે પણ તેમની જેમ વર્તીએ, તો તેમના જેવા થઈ શકીએ, દેવ થઈ શકીએ. રામના કુળનો હું અને સીતાના કુળની તું. હું રામ થઈ શકું અને તું સીતા થઈ શકે. સીતા રામની પાછળ ધર્મની ખાતર ન ગઈ હોત અને મહેલમાં બેસી રહી હોત તો તેને કોઈ સીતામાતા ન કહેત. તારામતી હરિશ્ચંદ્રના સત્યવ્રત ખાતર વેચાઈ ન હોત, તો હરિશ્ચંદ્રના સત્યવ્રતમાં ખામી રહેત. તેને કોઈ સત્યવાદી ન કહેત અને તારામતીને સતી પણ કોઈ ન કહેત. દમયંતી નળની પાછળ જંગલમાં દુ:ખ સહેવામાં સામેલ ન થઈ હોત તો તેને પણ કોઈ સતી ન કહેત. તેમ હવે તારે તારી આબરૂ સાચવવી હોય, મારી પરણેતર ગણાવું હોય અને રખાત ગણાવાના કલંકમાંથી મુક્ત થવું હોય તો સરકાર સામે લડ અને જેલમાં જવા તૈયાર થા."

કસ્તૂરબા તો ચૂપ રહ્યાં. હું તો જોઈ જ રહ્યો કે બા શો જવાબ આપે છે. આ બધું સાંભળવામાં મને તો મજા પડતી હતી. એટલામાં કસ્તૂરબા બોલી ઊઠયાં : “ત્યારે તમારે મને જેલમાં મોકલવી છે, ખરું ને ? હવે એટલું જ બાકી છે. ભલે; પણ જેલનો ખોરાક મને માફક આવશે ?"

"હું તને કહેતો નથી કે તું જેલમાં જા, તને તારી આબરૂ ખાતર જેલમાં જવાનો ઉમંગ હોય તો જા. અને જેલનો ખોરાક માફક ન આવે તો ફળાહાર કરજે."

"જેલમાં સરકાર ફળાહાર આપશે ?"

ગાંધીજી ફળાહાર મેળવવાનો ઉપાય બતાવતા બોલ્યા : "ફળાહાર ન આપે ત્યાં સુધી ઉપવાસ કરજે."

કસ્તૂરબાએ હસીને કહ્યું: ઠીક, એ તો તમે મને મરવાનો રસ્તો બતાવ્યો, અને મને લાગે છે કે જેલમાં જઈશ તો જરૂર હું મરી જઈશ.

ગાંધીજી ડોકું હલાવી ખડખડ હસી પડયા અને બોલ્યા:

"હા, હા, હું પણ એ જ ઈચ્છું છું. તું જેલમાં મરી જઈશ તો જગદંબાની જેમ હું તને પૂજીશ.”'

"ઠીક, ત્યારે તો હું જેલ જવા તૈયાર છું." કસ્તૂરબાએ દૃઢતાથી પોતાનો નિશ્ચય જણાવ્યો.

ગાંધીજી ખૂબ હસ્યા. તેમને ખૂબ આનંદ થયો. કસ્તૂરબા સહેજ કામે બહાર નીકળ્યાં, તે લાગ જોઈ ગાંધીજીએ મને કહ્યું "બાની ખૂબી એ જ છે કે તે મારી ઈચ્છાને મને કે કમને અનુસરે છે."