દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રાથમિક સમાધાની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અંતનો આરંભ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રાથમિક સમાધાની
મોહનદાસ કરમચંદ ગાંધી
પત્રોની આપલે →


ર૪. પ્રાથમિક સમાધાની

આમ સમાધાનને સારુ વાતાવરણ અનુકૂળ થઈ રહ્યું હતું. મિ. એન્ડ્રૂઝ અને હું પ્રિટોરિયા આવ્યા તે જ અરસામાં સર બેન્જામિન રૉબર્ટસન જેને લોર્ડ હાર્ડિંગે ખાસ સ્ટીમરમાં મોકલ્યા હતા તે આવી પહોંચવાના હતા. પણ જનરલ સ્મટ્સે જે દિવસ મુકરર કર્યો હતો તે દિવસે અમારે પહોંચવાનું હતું. તેથી સર બેન્જામિનની રાહ જોયા વગર જ અમે ચાલી નીકળ્યા હતા. રાહ જોવાનું કારણ પણ ન હતું. લડતનું છેવટ તો અમારી શક્તિ અનુસાર જ આવવાનું હતું.

અમે બંને પ્રિટોરિયા તો પહોંચ્યા. પણ જનરલ સ્મટ્સની મુલાકાત મારે એકલાને જ લેવાની હતી. તેઓ સાહેબ રેલવેના ગોરા કામદારોની હડતાળના કામમાં ગૂંથાયેલા હતા. એ હડતાળ એવી ભયંકર હતી કે યુનિયન સરકારે લશ્કરી (માર્શલ) કાયદો જારી કર્યો હતો. આ કામદારોની નેમ માત્ર રોજી વધારવાની જ નહીં પણ સત્તા પોતાના હાથમાં લેવાની હતી; મારી પહેલી મુલાકાત ઘણી જ ટૂંકી થઈ, પણ મેં જોયું કે જે સ્થિતિ જનરલ સ્મટ્સની પહેલાં એટલે કૂચ સમયે હતી તે આજ ન હતી. વાંચનારને યાદ હશે કે તે વખતે જનરલ સ્મટ્સે વાત કરવાની પણ ના પાડી હતી; સત્યાગ્રહની ધમકી તો જેમ તે વેળા હતી તેમ આ વેળા પણ હતી; છતાં વિષ્ટિ કરવા ના પાડેલી. આ વેળા મસલત કરવા તેઓ સાહેબ તૈયાર હતા.

હિંદી કોમની માગણી તો એવી હતી કે, કમિશનમાં હિંદીઓ તરફથી કોઈની નિમણૂક થવી જોઈએ. આ બાબત જનરલ સ્મટ્સ મકકમ હતા. તેમણે કહ્યું : 'એ વધારો ન જ થઈ શકે, તેમાં સરકારનું વજન ઘટે અને હું જે સુધારા કરવા માગું છું તે ન કરી શકું. તમારે જાણવું જોઈએ કે, મિ. એસલન અમારું માણસ છે, સુધારા કરવાની બાબતમાં તે સરકારની વિરુદ્ધ ન જાય પણ સરકારને અનુકૂળ થાય. કર્નલ વાઇલી નાતાલના પ્રતિષ્ઠિત માણસ છે ને વળી તમ લોકોની વિરુદ્ધ ગણાય. એટલે જે તે પણ ત્રણ પાઉંડનો કર કાઢી નાખવામાં સંમત થાય તો અમારું કામ સહેલું થાય. અમને અમારી તકલીફો એટલી છે કે ઘડીની ફુરસદ નથી એટલે તમારો સવાલ ઠેકાણે પડે એમ ઇચ્છીએ છીએ. તમે જે માગો છો તે આપવાનો અમે ઠરાવ કર્યો છે, પણ કમિશનની સંમતિ વિના ન આપી શકાય. તમારી સ્થિતિ પણ હું સમજી શકું છું. તમે સોગન ખાઈ બેઠા છો કે અમે તમારી વતી કોઈને ન નીમીએ ત્યાં લગી તમે પુરાવો નહીં આપો, ભલે તમે પુરાવા નહીં આપતા. પણ જેઅો અાપવા અાવે તેમને રોકવાની હિલચાલ ન કરવી, અને સત્યાગ્રહ તમારે મુલતવી રાખવો. હું તો માનું છું કે આમ કરવાથી તમને ફાયદો જ થશે ને મને શાંતિ મળશે. હડતાળિયાઓની ઉપર જુલમ થવાનું તમે લોકો કહો છો તે બીના તમે સિદ્ધ નથી કરી શકવાના, કારણ તમે પુરાવો નહીં આપો. આ બાબત તમારે પોતાને વિચારી લેવાની છે.”

આવી જાતના ઉદ્દગારો જનરલ સ્મટ્સે કાઢયા. મને તો આ બધું એકંદરે અનુકૂળ હતું. સિપાહીઓના ને દરોગાઓના જુલમ વિશે અમે ખૂબ ફરિયાદો કરી હતી, પણ તે સિદ્ધ કરવાનો સુયોગ કમિશનનો બહિષ્કાર કરવાથી અમારી પાસે ન રહે એ ધર્મસંકટ હતું. અમારામાં આ વિશે મતભેદ હતો. એક પક્ષનો વિચાર હતો કે, હિંદીઓ તરફથી સિપાહીઓ પરના આરોપો સાબિત થવા જ જોઈએ. અને તેથી તેઓની એવી સૂચના હતી કે, જો કમિશન આગળ જુબાની ન દઈ શકાય તો જેઓને કોમ ગુનેગાર ગણતી હતી તેઓની સામે ફરિયાદો એવા રૂપમાં બહાર પાડવી કે જેથી તહોમતદારની મરજી હોય તો લાઇબલ – આબરૂ-નુકસાનીનો દાવો માંડી શકે. હું અા પક્ષની સામે હતો. કમિશનનો ચુકાદો સરકારની સામે આપવાનો સંભવ થોડો જ હોય. લાઇબલ માંડવા જેવી હકીકતો જાહેર કરવામાં કોમને મહાજંજાળમાં પડવું જોઈએ, અને પરિણામ ફરિયાદ સિદ્ધ કરવાનો સંતોષ મળે એટલું જ હોય. લાઇબલવાળી વસ્તુ સિદ્ધ કરવાની મુશ્કેલીઓ હું વકીલ તરીકે જાણતો હતો. પણ સહુથી વધારે વજનદાર દલીલ તો મારી પાસે એ હતી કે, સત્યાગ્રહીને દુ:ખ સહન કરવાનું હતું. સત્યાગ્રહ શરૂ કરતા પહેલાં સત્યાગ્રહી જાણતા હતા કે મરણપર્યત દુ:ખ સહન કરવાં પડે ને તેમ કરવા તેઓ તૈયાર પણ હતા. તો હવે દુ:ખો પડયાં છે એ સાબિત કરવામાં કંઈ વિશેષતા ન હતી. વેર લેવાની વૃત્તિ તો સત્યાગ્રહીમાં હોવી જ ન જોઈએ. એટલે જ્યાં અસામાન્ય મુસીબતો પોતાનાં દુ:ખ સાબિત કરવામાં આવી પડી ત્યાં તેણે શાંત રહેવું એ જ ઠીક રસ્તો ગણાય. સત્યાગ્રહીને તો મૂળ વસ્તુને જ સારુ લડવાનું હોય. મૂળ વસ્તુ તો પેલા કાયદા હતા. તે રદ્દ થવાનો અથવા તેમાં ઘટતા ફેરફાર થવાનો જ્યાં પૂરો સંભવ હોય ત્યાં તે બીજી જંજાળમાં ન પડે. વળી સત્યાગ્રહીનું મૌન તેમની કાયદા સામેની લડતમાં સમાધાનીને સમયે તો મદદગાર જ થાય. આવી દલીલોથી વિરોધી પક્ષના મોટા ભાગને હું સમજાવી શકયો. દુ:ખોની ફરિયાદો કાયદેસર સાબિત કરવાની વાત પડતી મેલવાનો નિશ્ચય થયો.