દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ભૂગોળ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રાસ્તાવિક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ભૂગોળ
મોહનદાસ કરમચંદ ગાંધી
ઇતિહાસ →


૧. ભૂગોળ

આફ્રિકા એ દુનિયાના મોટામાં મોટા ખંડોમાંનો એક છે. હિંદુસ્તાન પણ એક ખંડ જેવડો મુલક ગણાય છે છતાં આફ્રિકામાંથી, કેવળ ક્ષેત્રફળની દષ્ટિએ ચાર અથવા પાંચ હિંદુસ્તાન થાય, તેમાં દક્ષિણ આફ્રિકા એટલે અાફ્રિકાનો છેક દક્ષિણ વિભાગ. હિન્દુસ્તાનની જેમ આફ્રિકા પણ દ્વીપકલ્પ છે. એટલે દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ સમુદ્રથી વીંટળાયેલો છે. આફ્રિકા વિશે સામાન્ય ખ્યાલ એવો રહેલો છે કે ત્યાં વધારેમાં વધારે ગરમી પડે છે, અને એક દષ્ટિએ એ વાત સાચી છે. ભૂમધ્યરેષા આફ્રિકાની વચમાંથી જાય છે અને એ રેષાની આસપાસની ગરમીનો ખ્યાલ હિંદુસ્તાનના રહનારાઓને આવી ન શકે. છેક હિંદુસ્તાનની દક્ષિણે જે ગરમીનો અનુભવ આપણે કરીએ છીએ તે ભૂમધ્યરેષાની પાસેની ગરમીનો થોડો ખ્યાલ આપણને આપે છે. પણ દક્ષિણ આફ્રિકામાં તેમાંનું કંઈ જ નથી, કેમ કે એ ભાગ ભૂમધ્યરેષાથી ઘણો દૂર છે. ત્યાંના ઘણા ભાગની હવા એટલી બધી સુંદર છે અને એવી સમશીતોષ્ણ છે કે ત્યાં યુરોપની કોમો સુખેથી ઘર કરી શકે છે. હિંદુસ્તાનમાં આમ બનવું તેઓને સારુ લગભગ અશકય છે. વળી દક્ષિણ આફ્રિકામાં તિબેટ અથવા કાશ્મીરની જેમ મોટા ઊંચા પ્રદેશો છે, છતાં તિબેટ અથવા કાશમીરની જેમ દસથી ચૌદ હજાર ફૂટ ઊંચા નથી એટલે ત્યાંની હવા સૂકી અને સહન થઈ શકે એવી ઠંડી રહે છે અને તેથી જ દક્ષિણ આફ્રિકાનો કેટલોક પ્રદેશ ક્ષયથી પીડાતા રોગીઓને સારુ અત્યુત્તમ ગણાય છે. તેવા ભાગમાંનો એક ભાગ દક્ષિણ આફ્રિકાની સુવર્ણપુરી જોહાનિસબર્ગ છે, જે જમીનના ટુકડા ઉપર જોહાનિસબર્ગ આબાદ થયું છે એ ટુકડો આજથી પચાસ વર્ષ પહેલાં કેવળ વેરાન અને સૂકા ઘાસવાળો જ હતો. પણ જ્યારે ત્યાં સોનાની ખાણોની શોધ થઈ ત્યારે જાદુથી હોય નહીં તેમ ત્યાં ટપોટપ ઘરો બંધાવા માંડ્યાં, અને આજે ત્યાં વિશાળ સુશોભિત બંગલાઓ છે. ત્યાંના ધનિક માણસોએ પોતાને ખર્ચે દક્ષિણ આફ્રિકાના ફળદ્રુપ ભાગોમાંથી અને યુરોપમાંથી પણ એક એક ઝાડના પંદર પંદર રૂપિયા ખચીને ઝાડો મંગાવી ત્યાં વાવ્યાં છે. પાછળનો ઈતિહાસ નહીં જાણનાર મુસાફરને આજે એમ જ લાગે કે ત્યાં એ ઝાડ જમાનાઓ થયાં હોવાં જોઈએ.

દક્ષિણ આફ્રિકાના બધા વિભાગો અહીંયાં આપવા હું ધારતો નથી, પણ જે વિભાગોને આપણા વિષયની સાથે સંબંધ છે તેનું જ કંઈક વર્ણન આપું છું. દક્ષિણ આફ્રિકામાં બે હકૂમત છે : ૧. બ્રિટિશ અને ર. પોર્ટુગીઝ પોર્ટુગીઝ ભાગ ડેલાગોઆ બે કહેવાય છે, અને તે હિંદુસ્તાનથી જતાં દક્ષિણ આફ્રિકાનું પહેલું બંદર ગણાય. ત્યાંથી નીચે ઊતરીએ એટલે નાતાલ, પહેલું બ્રિટિશ સંસ્થાન આવે છે. તેનું બંદર પોર્ટ નાતાલ કહેવાય છે, પણ આપણે તેને ડરબનને નામે ઓળખીએ છીએ અને દક્ષિણ આફ્રિકામાં પણ તે સામાન્ય રીતે એ જ નામે ઓળખાય છે. નાતાલનું એ મોટામાં મોટું શહેર છે. નાતાલની રાજધાની પીટરમારિત્સબર્ગને નામે ઓળખાય છે અને તે ડરબનથી અંદર જતાં લગભગ સાઠ માઈલને અંતરે સમુદ્રસપાટીથી આશરે બે હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ડરબનનાં હવાપાણી કંઈક મુંબઈને મળતાં ગણાય. મુંબઈના કરતાં ત્યાંની હવામાં ઠંડક કંઈક વધારે ખરી. નાતાલને છોડીને અંદર જતાં ટ્રાન્સવાલ આવે છે, જેની જમીન આજે દુનિયાને વધારેમાં વધારે સોનું અાપે છે. ત્યાં થોડાં વરસ પહેલાં હીરાની ખાણો પણ મળી આવી જેમાંથી પૃથ્વીનો મોટામાં મોટો હીરો[૧] નીકળ્યો. કોહિનૂર કરતાં મોટો હીરો રશિયાની પાસે ગણાય છે. તેનું નામ ખાણના માલિકના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને તે કલિનન હીરો કહેવાય છે. પણ જોહાનિસબર્ગ સુવર્ણપુરી હોવા છતાં અને હીરાની ખાણો પણ તેની પાસે જ હોવા છતાં એ ટ્રાન્સવાલની રાજધાની નથી. ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયા છે. એ જોહાનિસબર્ગથી છત્રીસ માઈલ દૂર છે, અને ત્યાં મુખ્યત્વે કરીને રાજદ્વારી માણસો અને તેને લગતી વસ્તી વસે છે. તેથી તેનું વાતાવરણ પ્રમાણમાં શાંત ગણાય, જ્યારે જોહાનિસબર્ગનું અતિશય અશાંત ગણાય. જેમ હિંદુસ્તાનના કોઈ શાંત ગામડામાંથી કે કહો તો નાના સરખા શહેરમાંથી મુંબઈ પહોંચતાં ત્યાંની ધમાલથી અને અશાંતિથી માણસ અકળાઈ જાય, તેમ પ્રિટોરિયાથી જનારને જોહાનિસબર્ગનો દેખાવ લાગે, જોહાનિસબર્ગના શહેરીઓ ચાલતા નથી પણ દોડતા જેવા લાગે છે એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. કોઈને કોઈની તરફ જોવા જેટલો અવકાશ હોતો નથી, અને સહુ કેમ વધારેમાં વધારે ધન થોડામાં થોડા વખતમાં મેળવી શકે એ જ વિચારમાં ગરક થઈ ગયેલા જોવામાં આવે છે ! ટ્રાન્સવાલને છોડીને હજી અંતરમાં જ પશ્ચિમ તરફ આપણે જઈએ તો ઓરેન્જ ફ્રી સ્ટેટ અથવા અૉરંજિયાનું સંસ્થાન આવે છે. એની રાજધાની બ્લૂમફૉંટીન છે. એ અતિશય શાંત અને નાનકડું શહર છે. અૉરંજિયામાં ખાણો જેવું કાંઈ નથી. ત્યાંથી થોડા કલાકની જ રેલની મુસાફરીથી આપણે કેપ કોલોનીની સરહદ પર પહોંચી જઈએ છીએ. કેપ કૉલોની મોટામાં મોટું સંસ્થાન છે. તેની રાજધાની તેમ જ મોટામાં મોટું બંદર કેપટાઉનને નામે ઓળખાય છે. ત્યાં જ કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશિર આવેલી છે. ગુડ હોપ એટલે શુભ આશા. વાસ્કો ડી ગામા જયારે પોર્ટુગલથી હિંદુસ્તાનની શોધ પર નીકળી પડ્યો ત્યારે તેણે અહીં બંદર કરેલું અને અહીં તેને આશા બંધાઈ કે હવે તો અવશ્ય પોતાની મુરાદ બર આવશે. તેથી આ જગ્યાને “શુભ આશાની ભૂશિર' એવું નામ આપ્યું. આ ચાર મુખ્ય બ્રિટિશ સંસ્થાનો ઉપરાંત બ્રિટિશ સલ્તનતના “રક્ષણ” નીચે કેટલાક પ્રદેશ છે, જયાં દક્ષિણ આફ્રિકાના યુરોપિયનોના આગમન પહેલાંના વતનીઓ વસે છે. દક્ષિણ આફ્રિકાનો મુખ્ય ધંધો ખેતી જ ગણાય. ખેતીને સારુ એ ઉત્તમ મુલક છે. કેટલાક ભાગો તો અતિશય ફળદ્રુપ અને રળિયામણા છે. અનાજમાં મોટામાં મોટો અને સહેલાઈથી ઊગનારો પાક મકાઈનો છે, અને મકાઈ એ દક્ષિણ આફ્રિકાના હબસી વતનીઓનો મુખ્ય ખોરાક છે. કેટલાક ભાગમાં ઘઉં પણ પાકે છે. ફળોને સારુ દક્ષિણ આફ્રિકા પંકાયેલ છે. નાતાલમાં ઘણી જાતનાં અને ઘણાં સરસ કેળાં, પપૈયાં અને અનનાસ પાકે છે, અને તે એટલા જથ્થામાં કે ગરીબમાં ગરીબ માણસને પણ તે મળી શકે છે. નાતાલ તેમ જ બીજાં સંસ્થાનોમાં નારંગી, સંતરાં, “પીચ” અને “એપ્રિકોટ' (જરદાળુ) એટલા બધા જથામાં પાકે છે કે હજારો માણસો સામાન્ય મહેનત કરે તો દેહાતોમાં તે વગર પૈસે મેળવી શકે છે. કેપ કોલોની તો લીલી દ્રાક્ષ અને “પ્લમ' (એક જાતનું મોટું બોર)ની ભૂમિ છે. ત્યાંના જેવી દ્રાક્ષ બીજે ઠેકાણે ભાગ્યે જ પાકતી હોય અને મોસમમાં એની કિંમત એટલી નજીવી હોય છે કે ગરીબ માણસ પણ એ પેટ ભરીને ખાઈ શકે. જ્યાં જ્યાં હિંદુસ્તાનીઓની વસ્તી હોય ત્યાં અાંબો ન હોય એ બનવું મુશ્કેલ. હિંદુસ્તાનીઓએ અાંબાની ગોટલીઓ વાવી. પરિણામે દક્ષિણ આફ્રિકામાં ઠીક પ્રમાણમાં અાંબા પણ મળી શકે છે અને તેમાંની કેટલીક જાત મુંબઈની આફૂસ પાયરી સાથે જરૂર હરીફાઈ કરી શકે. ભાજીપાલો પણ એ રસાળ ભૂમિમાં પુષ્કળ પાકે છે અને રસિયા હિંદીઓએ હિંદુસ્તાનનો લગભગ બધો ભાજીપાલો ત્યાં ઉગાડેલો છે એમ કહી શકાય.

ઢોરઢાંખર પણ ઠીક જથામાં છે એમ ગણાય. ગાયો, બળદો હિંદુસ્તાનનાં ગાય બળદ કરતાં વધારે કદાવર અને વધારે જોરાવર હોય છે. ગૌરક્ષાનો દાવો કરનાર હિંદુસ્તાનમાં અનેક ગાયો અને બળદો હિંદુસ્તાનનીં વસ્તી જેવાં જ દૂબળાં જોઈને હું શરમાયો છું, અને મારું હૃદય અનેક વાર રડયું છે. દક્ષિણ આફ્રિકામાં દૂબળી ગાય ને દૂબળા બળદ જોયાં હોય એવું સ્મરણ નથી, જોકે લગભગ મારી અાંખો ઉઘાડી રાખીને હું બધા ભાગમાં ફરેલો છું. કુદરતે પોતાની બીજી બક્ષિસોની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મણા નથી રાખી. ડરબનનું દૃશ્ય ઘણું સુંદર ગણાય છે, પણ કેપ કૉલોની એનાથી પણ ચડી જાય છે. કેપટાઉન એ 'ટેબલ માઉન્ટન' નામના નીચા નહીં તેમ જ અતિ ઊંચા નહીં એવા પહાડની તળેટીએ આવેલું છે. દક્ષિણ આફ્રિકાને પૂજનારી એક વિદુષી બાઈ એ પહાડ વિશેના પોતાના કાવ્યની અંદર કહે છે કે જે અલૌકિકતા ટેબલ માઉન્ટનમાં તેણે અનુભવી છે તેવી તેણે બીજા કોઈ પહાડમાં નથી અનુભવી અતિશયોક્તિ ભલે હોય છે એમ હું માનું છું. પણ આ વિદુષી બાઈની એક વાત મને ગળે ઊતરી. એ કહે છે કે ટેબલ માઉન્ટન કેપટાઉનનિવાસીના મિત્રનો અર્થ સારે છે, એ બહુ ઊંચો નહીં હોવાથી બિહામણો નથી લાગતો. લોકોને તેનું દૂરથી જ પૂજન નથી કરવું પડતું, પણ એ પહાડમાં જ પોતાનાં ઘર કરીને વસે છે, અને કેવળ દરિયાકિનારે હોવાથી સમુદ્ર પોતાના સ્વચ્છ જળથી હંમેશાં તેનું પાદપૂજન કરે છે અને ચરણામૃત પીએ છે. નિર્ભય થઈને બાળકો અને વૃદ્ધ સ્ત્રીઓ તેમ જ પુરુષો લગભગ આખા પહાડમાં ફરી શકે છે, અને હજારો શહેરીઓના અવાજથી આખો પહાડ પ્રતિદિન ગુંજી ઊઠે છે. એમાં વિશાળ ઝાડો, સુગંધી અને રંગબેરંગી પુષ્પો આખા પહાડને એટલો બધો શણગારે છે કે માણસને જોતાં અને ફરતાં તૃપ્તિ જ ન થાય.

દક્ષિણ આફ્રિકામાં ગંગા-જમનાની સાથે સરખામણી કરી શકાય એવી મોટી નદીઓ નથી. થોડીઘણી છે તે પ્રમાણમાં નાની ગણાય. એ દેશમાં ઘણે ઠેકાણે નદીનાં પાણી પહોંચતાં જ નથી. ઉચ્ચ પ્રદેશોમાં નહેરો પણ કયાંથી લઈ જઈ શકાય ? અને જયાં દરિયા જેવી નદીઓ ન હોય ત્યાં નહેરો કયાંથી હોઈ શકે ? દક્ષિણ આફ્રિકામાં જ્યાં જ્યાં પાણીની તંગી કુદરતે કરી મૂકી છે ત્યાં પાતાળિયા કૂવા ખોદીને તેમાંથી ખેતરોને પાઈ શકાય એટલું પાણી પવનચકકીઓ અને વરાળયંત્રોની મારફતે ખેંચવામાં આવે છે. ખેતીને ત્યાંની સરકાર તરફથી પુષ્કળ મદદ મળે છે. ખેડૂતોને સલાહ આપવાને સરકાર ખેતીના વિજ્ઞાનશાસ્ત્રીઓ મોકલે છે. ઘણે ઠેકાણે સરકાર પ્રજાને અર્થે ખેતીના અનેક અખતરાઓ કરે છે. નમૂનાનાં ખેતરો રાખે છે, લોકોને ઢોરની અને બિયાંની સગવડ કરી આપે છે, ઘણે અોછે દામે પાતાળિયા કૂવા શરાવી આપે છે અને તેનું મૂલ્ય હપતાઓથી ભરી આપવાની સગવડ ખેડૂતોને દે છે. એ જ પ્રમાણે ખેતરોને સરકાર લોખંડના કાંટાળા વાળાની વાડ પણ કરાવી આપે છે.

દક્ષિણ આફ્રિકા ભૂમધ્યરેષાથી દક્ષિણે છે અને હિંદુસ્તાન ઉત્તરે છે તેથી ત્યાંનું બધું વાતાવરણ હિંદીઓને અવળું લાગે. એટલે ત્યાંની ઋતુઓ પણ અવળી. જેમ કે આપણે ત્યાં ઉનાળો હોય ત્યારે ત્યાં શિયાળો હોય. વરસાદનો ચોકકસ નિયમ છે એમ નહીં કહી શકાય. ગમે ત્યારે આવે. વરસાદનું સામાન્ય પ્રમાણ વીસ ઈંચથી વધુ નહીં હોય.

  1. 'કલિનન” હીરાનું વજન ૩૦૦૦ કેરેટ, એટલે ૧૫/૩ એવોપોઈઝ પાઉડ છે, જ્યારે કોહિનૂરનું હાલ લગભગ ૧૦૦ કેરેટ, અને રશિયાના તાજના હીરા 'ઓલેફ”નું લગભગ ર૦૦ કેરેટ વજન છે.