દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મરજિયાત પરવાનાની હોળી
← લડતની પુનરાવૃત્તિ | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મરજિયાત પરવાનાની હોળી મોહનદાસ કરમચંદ ગાંધી |
કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ → |
અવાજથી વધાવી લીધો તેઓના હેતુ સમજ્યા વિના યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય ન થઈ શકે. પણ એટલું તો કહી શકાય કે એ ખુશાલી સભાના ઉત્સાહની સુંદર નિશાની હતી. સભાને પોતાની શક્તિનું કંઈક માપ આવ્યું હતું. સભા શરૂ થઈ. પ્રમુખે સભાને સાવધાન કરી. બધી સ્થિતિ સમજાવી, પ્રસંગને યોગ્ય ઠરાવો પસાર કર્યા. મેં જુદી જુદી સ્થિતિ ઊભી થયેલી હતી તે સ્પષ્ટ રીતે સમજાવી, અને કહ્યું, “જેઓએ પોતાના પરવાના બાળવાને સારુ આપ્યા છે તેમાંથી કોઈ પાછા લેવા ઈચ્છે તો લઈ શકે છે. પરવાના બાળવાથી જ કંઈ ગુનો થતો નથી. અને તેટલા જ કાર્યથી જેલના હોંશીલાઓને જેલ મળવાની નથી. પરવાના બાળીને તો માત્ર આપણે આપણો નિશ્ચય જાહેર કરીએ છીએ કે અમે ખૂની કાયદાને વશ થવાના નથી. અને પરવાનો બતાવવા જેટલી શક્તિ પણ અમે અમારી પાસે રાખવા ઈચ્છતા નથી. પણ જે માણસ પરવાનો બાળવાની ક્રિયામાં આજે સામેલ થાય તે બીજે જ દિવસે જઈને નવો પરવાનો કઢાવી આણે તો કોઈ તેનો હાથ ઝાલે એમ નથી. આવું કુકર્મ કરવાનો જેનો ઈરાદો હોય અથવા જેને કસોટીને વખતે પોતાની શક્તિને વિશે શંકા હોય તેણે હજુ પોતાનો પરવાનો પાછો લઈ લેવાનો સમય છે, અને તે લઈ શકે છે. અત્યારે પોતાનો પરવાનો પાછો લેનારને શરમાવાનું કારણ નથી. હું તો તેને એક પ્રકારની હિંમત પણ ગણું. પણ પાછળથી પરવાનાની નકલ કઢાવવી એમાં શરમ ને નામોશી છે અને કોમને નુકસાન છે. વળી આ વખતે કોમે એ પણ સમજી રાખવું જોઈએ કે લડત લાંબી ચાલવાનો સંભવ છે. આપણામાંના કેટલાક પડી ગયા છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે દરજજે કોમની ગાડી ખેંચનારા બાકી રહેલાઓને વધારે જોર કરવું પડશે એ દેખીતું છે. એ બધું વિચાર્યા પછી જ આજનું સાહસ આપણે કરવું એવી મારી સલાહ છે.”
મારા ભાષણ દરમ્યાન જ સભામાંથી અવાજ તો આવ્યા જ કરતા હતા – અમારે પરવાના પાછા નથી જોઈતા – એની હોળી કરો." છેવટે કોઈને વિરોધ કરવો હોય અથવા સામે થવું હોય તો તેણે ઊભા થવું એમ મેં સૂચવ્યું. કોઈ ઊભું ન થયું. આ સભામાં મીરઆલમ પણ હાજર હતો. તેણે મને મારવામાં પોતાની ભૂલ થઈ હતી એ જાહેર કર્યું અને પોતાનો અસલ પરવાનો બાળવા આપ્યો ! તેણે મરજિયાત પરવાનો તો કઢાવ્યો જ ન હતો. મેં મીરઆલમનો હાથ પકડયો ને હર્ષથી ચાંપ્યો. મારા મનમાં તો કદી કશો રોષ ન હતો એ મેં એને ફરીથી જણાવ્યું. મીરઆલમના આ કાર્યથી સભાના હર્ષનો પાર ન રહ્યો.
કમિટીની પાસે બાળવા સારુ ર,૦૦૦ ઉપરાંત પરવાના આવી ચૂકયા હતા. તેની ગાંસડી પેલી કઢાઈમાં પધરાવી, ઉપર ઘાસતેલ રેડયું, અને મેં દીવાસળી મેલી. આખી સભા ઊભી થઈ ગઈ અને બળવાની ક્રિયા ચાલી ત્યાં સુધી તાળીઓથી મેદાનને ગજાવી મૂકયું. કેટલાક જેમણે પોતાના પરવાના હજુ પોતાની પાસે રાખી મૂકયા હતા તેનો માંચડા ઉપર વરસાદ થવા લાગ્યો, અને તે પણ પેલી કઢાઈમાં પડ્યા. હોળી સળગતાં લગી તે કેમ નહોતા આપવામાં આવ્યા, એનું કારણ પૂછતાં કોઈએ એમ જણાવ્યું કે હોળીને વખતે આપવા એ વધારે શોભે અને તેની અસર બીજાઓ ઉપર વધારે થાય એમ માનીને, બીજા કેટલાકે નિખાલસપણે કબૂલ કર્યું : "અમારી હિંમત ચાલતી ન હતી. છેલ્લી ઘડી સુધી એમ પણ હતું કે કદાચ પરવાના નયે બળે. પણ આ હોળી જોયા પછી અમારાથી રહેવાય એમ જ ન હતું. જે સૌનું થશે તે અમારું થઈ રહેશે." આવી નિખાલસતાના અનુભવો આ લડતને વિશે અનેક થયા હતા. આ સભામાં અંગ્રેજી અખબારોના રિપોર્ટરો આવ્યા હતા. તેઓની ઉપર પણ આખા દૃશ્યની બહુ અસર પડી અને તેઓએ સભાનું આબેહૂબ વર્ણન પોતપોતાનાં અખબારોમાં આપ્યું. વિલાયતના 'ડેલી મેલ'ના જોહાનિસબર્ગના ખબરપત્રીએ મજકૂર છાપાને તેનું વર્ણન મોકલ્યું. તેમાં પરવાનાની હોળીને, અમેરિકાના અંગ્રેજોએ બૉસ્ટન બંદરના દરિયામાં વિલાયતથી ગયેલી ચાની પેટીઓ ડુબાવી દીધી હતી અને ઇંગ્લૅન્ડને વશ નહીં રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો હતો, તેની સાથે સરખાવી હતી. એક તરફ ૧૩,૦૦૦ હિંદીઓનો એક નિરાધાર સમુદાય ને એની સામે ટ્રાન્સવાલનું બળવાન રાજ્ય, એ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ; અને અમેરિકામાં ત્યાંના સર્વ વાતે કુશળ લાખો ગોરાઓ અને તેની સામે અંગ્રેજી સલ્તનત; – એ બે સ્થિતિનો મુકાબલો કરી જોતાં 'ડેલી મેલ'ના ખબરપત્રીએ હિંદીઓને વિશે અતિશયોક્તિ કરી એમ મને નથી ભાસતું. હિંદી કોમનું હથિયાર પોતાના સત્ય ઉપર અને ઈશ્વર ઉપર શ્રદ્ધા એ સિવાય બીજું કંઈ જ નહોતું. એ હથિયાર શ્રદ્ધાળુને સારુ સર્વોપરી છે એમાં કંઈ શંકા નથી. પણ જનસમાજમાં હજુ એ દૃષ્ટિ આવી નથી, ત્યાં લગી હથિયારરહિત ૧૩,૦૦૦ હિંદીઓ હથિયારબળિયા અમેરિકાના ગોરાઓને મુકાબલે નજીવા જ ગણાવાના. પણ ઈશ્વર તો નિર્બળનું જ બળ છે, એટલે જગત એમને નજીવા ગણે એ યથાસ્થિત જ છે.