દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડતની પુનરાવૃત્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
લડતની પુનરાવૃત્તિ
મોહનદાસ કરમચંદ ગાંધી
મરજિયાત પરવાનાની હોળી →


૨. લડતની પુનરાવૃત્તિ

એક તરફથી જનરલ સ્મટ્સને સમાધાનીની શરત પાળવાનું વીનવવામાં આવતું હતું, તેમ બીજી તરફથી કોમને પાછી જાગ્રત કરવાનું કામ પણ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું હતું. અનુભવ એવો થયો કે દરેક જગ્યાએ ફરી લડત ચાલુ કરવા અને જેલ જવા લોકો તૈયાર જ હતા. બધી જગ્યાએ સભાઓ શરૂ કરી દીધી. ચાલી રહેલો પત્રવ્યવહાર સમજાવ્યો. 'ઈન્ડિયન ઓપીનિયન'માં તો દરેક અઠવાડિયાની રોજનીશી આવતી જ હતી એટલે કોમ પૂરી માહિતગાર રહેતી, અને સૌને સમજાવવામાં આવ્યું કે મરજિયાત પરવાના નિષ્ફળ નીવડવાના છે. જો કેમે કરતાં ખૂની કાયદો રદ ન થાય તો તે આપણે બાળી નાખવા જોઈએ; જેથી સ્થાનિક સરકાર સમજી શકે કે કોમ અડગ છે, નિશ્ચિંત છે, અને જેલ જવા પણ તૈયાર છે. તેવા હેતુથી દરેક જગ્યાએથી પરવાનાઓ પણ એકઠા કરવામાં આવતા હતા.

સરકાર તરફથી જે ખરડા વિશે આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા તે ખરડો પસાર કરવાની તૈયારીઓ ચાલી. ટ્રાન્સવાલની ધારાસભા મળી. તેમાં પણ કોમે અરજી મોકલી તેનું પરિણામ પણ કંઈ ન આવ્યું. છેવટે સત્યાગ્રહીઓનું 'અલ્ટિમેટમ' મોકલવામાં આવ્યું. અલ્ટિમેટમ એટલે નિશ્ચયપત્ર અથવા ધમકીપત્ર, જે લડાઈના ઇરાદાથી જ મોકલવામાં આવે છે. અલ્ટિમેટમ શબ્દનો ઉપયોગ કોમ તરફથી નહોતો થયો, પણ કોમનો નિશ્ચય જણાવનારો જે પત્ર ગયો તેને જનરલ સ્મટ્સે જ અલ્ટિમેટમ વિશેષણથી ધારાસભામાં ઓળખાવ્યો, અને સાથે સાથે તેમણે જણાવ્યું કે, "જે લોકો આવી ધમકી આ સરકારને આપી રહ્યા છે તેઓને સરકારની શક્તિનું ભાન નથી. મને દિલગીરી જ એટલી થાય છે કે કેટલાક ચળવળિયાઓ (ઍજીટેટર) ગરીબ હિંદીઓને ઉશ્કેરે છે, અને ગરીબ લોકોમાં તેઓનું જોર હશે તો તે ખુવાર થશે." અખબારોના રિપોર્ટરે આ પ્રસંગનું વર્ણન કરતાં લખ્યું છે કે, ધારાસભાના ઘણા મેમ્બર અલ્ટિમેટમનું સાંભળી ખૂબ ગુસ્સે થયા હતા. તેઓની અાંખો લાલ થઈ હતી, અને તેઓએ જનરલ સ્મટ્સનો રજૂ કરેલો ખરડો એકમતે અને ઉત્સાહપૂર્વક પસાર કર્યો.

મજકૂર અલ્ટિમેટમમાં આટલી જ વાત હતી : જે સમજૂતી હિંદી કોમ અને જનરલ સ્મટ્સની વચ્ચે થઈ હતી તેનો ચોખ્ખો મુદ્દો એ હતો કે, જો હિંદીઓ મરજિયાત પરવાના લે તો તે કાયદેસર ગણવાનો ખરડો ધારાસભા આગળ રજૂ કરવો અને એશિયાટિક કાયદો રદ કરવો. એ તો પ્રસિદ્ધ વાત છે કે સરકારના અમલદારોને સંતોષ થાય એવી રીતે હિંદી કોમે મરજિયાત પરવાના કઢાવી લીધા છે. એટલે હવે એશિયાટિક કાયદો રદ જ થવો જ જોઈએ. કોમે આ બાબત જનરલ સ્મટ્સને ખૂબ લખાણો કર્યા. બીજા પણ જે કાયદેસર ઈલાજો લેવા જોઈએ તે ઈલાજો દાદ લેવા કર્યા; પણ હજુ લગી કોમનો પ્રયત્ન નિષ્ફળ ગયેલ છે. ધારાસભામાં ખરડો પસાર થવાની અણી ઉપર છે, તે સમયે કોમમાં ફેલાયેલી બેકરારી અને લાગણી સરકારને જણાવવાની આગેવોનોની ફરજ છે. અને અમારે દિલગીરીની સાથે કહેવું પડે છે કે, જો સમાધાનીની શરત પ્રમાણે એશિયાટિક કાયદો રદ કરવામાં નહીં આવે તો, અને તેમ કરવાના નિશ્ચયની ખબર કોમને અમુક મુદત સુધીમાં નહીં કરવામાં આવે તો, કોમે એકઠા કરેલા પરવાનાઓ બાળી મૂકવામાં આવશે અને તેમ કરવાથી જે મુસીબતો કોમ ઉપર આવી પડશે તે વિનય અને દૃઢતાપૂર્વક સહન કરી લેશે."

આવા કાગળને અલ્ટિમેટમ ગણવાનું એક કારણ તો એ હતું કે તેમાં જવાબને વાસ્તે મુદત આપવામાં આવી હતી. અને બીજું કારણ હિંદીઓ એક જંગલી કોમ હોવા વિશે ગોરાઓમાં સામાન્ય માન્યતા. જો ગોરાઓ હિંદીઓને પોતાના જેવા ગણતા હોત તો આ કાગળને વિનયપત્ર ગણત અને તેની પર ધ્યાન પણ દેત. પણ ગોરાઓની એવી જંગલીપણાની માન્યતા એ જ હિંદીઓને ઉપર મુજબ કાગળ લખવાને સારુ પૂરતું કારણ હતું. કોમની સામે બે સ્થિતિ હતી. એક તો એ કે તેવું જંગલીપણું કબૂલ રાખીને દબાઈ રહેવું અને બીજું એ કે જંગલીપણાનો ઈન્કાર કરનારાં અમલી પગલાં ભરવાં. એવાં પગલાંમાં આ કાગળ એ પ્રથમ પગથિયું હતું. જે એ કાગળની પાછળ તેનો અમલ કરવાનો દૃઢ નિશ્ચય ન હોત તો એ કાગળ ઉદ્ધત ગણાત, અને કોમ વિચાર વિનાની અને અણઘડ છે એમ સાબિત થાત.

વાંચનારના મનમાં કદાચ એવી શંકા આવશે કે જંગલીપણાનો ઇન્કાર કરનારું પગલું તો જ્યારે ૧૯૦૬ની સાલમાં સત્યાગ્રહની પ્રતિજ્ઞા લેવાઈ ત્યારે જ ભરાયું, અને જો એ બરાબર હોય તો આ કાગળમાં એવું શું નવું હતું કે જેથી હું તેને આવું મહત્ત્વ આપું છું, ને તે સમયથી કોમે જંગલીપણાનો ઇન્કાર કરવાનો આરંભ કર્યો એમ હું ગણું છું? એક દૃષ્ટિએ આવી દલીલ સાચી ગણાય. પણ વિશેષ વિચારથી માલૂમ પડશે કે ઈન્કારનો ખરો આરંભ નિશ્ચયપત્રથી થયો. સત્યાગ્રહની પ્રતિજ્ઞાનો બનાવ અનાયાસે બન્યો એ વાંચનારે યાદ રાખવું જોઈએ. ત્યાર પછીની કેદ વગેરે તો તેનું અનિવાર્ય પરિણામ હતું જ. તેમાં કોમ અજાણપણે પણ ચડી. કાગળ વખતે તો પૂરું જ્ઞાન અને પ્રતિષ્ઠાનો દાવો કરવાનો પૂરો ઇરાદો હતો. ખૂની કાયદો રદ કરાવવો એ હતુ તો હતો જ, જેમ પ્રથમ તેમ હવે. પણ તેની સાથે ભાષાની શૈલીમાં, કાર્ય કરવાની ઢબની પસંદગીમાં, વગેરેમાં તફાવત હતો. ગુલામ માલિકને સલામ કરે અને મિત્ર મિત્રને કરે –એ બંને સલામ તો છે જ, છતાં એ બંનેમાં એટલો બધો ભેદ છે કે, એ ભેદથી જ તટસ્થ જોનાર એકને ગુલામ તરીકે અને બીજાને મિત્ર તરીકે ઓળખી લેશે.

અલ્ટિમેટમ મોકલતી વખતે જ અમારામાં ચર્ચા તો થયેલી જ. મુદત ઠરાવીને જવાબ માગવો એ અવિનય નહીં ગણાય ? એથી સ્થાનિક સરકાર માગણી કબૂલ કરવાની હોય તોપણ ન કરે એવું નહીં બને ? કોમનો નિશ્ચય આડકતરી રીતે સરકારને જાહેર કરીએ તો બસ નથી ? આવા આવા વિચારો કર્યા પછી અમે સૌએ એકમત થઈને નિશ્ચય કર્યો કે જે ખરું અને યોગ્ય માનીએ છીએ તે જ કરવું અવિનય ગણાવાનું આળ માથે ચડે તો તે વહોરી લેવું. સરકાર આપવાની હોય તે ખોટા રોષથી ન આપે તેનું જોખમ ઉઠાવવું. જે આપણે કોઈ પણ રીતે મનુષ્ય તરીકે આપણું ઊતરતાપણું કબૂલ રાખતા નથી અને ગમે તેટલું દુઃખ ગમે તેટલા કાળ સુધી પડ્યા કરે તે સહેવાની શક્તિ આપણામાં છે એમ માનીએ છીએ, તો આપણે જે યોગ્ય અને સીધો રસ્તો છે એ જ ગ્રહણ કરવો જોઈએ.

હવે કદાચ વાંચનાર જોઈ શકશે કે આ વખતના પગલામાં કંઈક નવીનતા અને વિશેષતા હતાં. તેનો પડઘો ધારાસભામાં અને બહાર ગોરા મંડળોમાં પણ પડયો. કેટલાકે હિંદીઓની હિંમતની તારીફ કરી, કેટલાક બહુ ગુસ્સે થયા. હિંદીઓને આ ઉદ્ધતાઈની પૂરી શિક્ષા મળવી જ જોઈએ એવા ઉદ્ગારો પણ તેઓએ કાઢ્યાં. બંને પક્ષે પોતાની વર્તણૂકથી હિંદી પગલાની નવીનતા સ્વીકારી. જયારે સત્યાગ્રહ શરૂ થયો ત્યારે જોકે ખરેખરું જોતાં એ કેવળ નવીન પગલું હતું, છતાં તેથી જે ખળભળાટ થયો હતો તેના કરતાં આ પત્રથી બહુ વિશેષ થયો. તેનું એક કારણ પ્રસિદ્ધ છે જ. સત્યાગ્રહ શરૂ થયો તે વખતે કોમની શક્તિનું માપ કોઈને ન હતું. તે વખતે આવો કાગળ કે તેની ભાષા શોભત નહીં. હવે, કોમની થોડીઘણી કસોટી થઈ ચૂકી હતી, કોમમાં સામાજિક મુસીબતોની સામે થવામાં દુઃખ પડે તે સહન કરવાની શક્તિ છે એમ સૌ જોઈ શકયા હતા; એટલે નિશ્ચયપત્રની ભાષા સ્વાભાવિક રીતે ઊગી નીકળી, અને તે અશોભતી ન લાગી.