દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વિવાહ તે વિવાહ નહીં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વચનભંગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
વિવાહ તે વિવાહ નહીં
મોહનદાસ કરમચંદ ગાંધી
સ્ત્રીઓ કેદમાં →


૧પ. વિવાહ તે વિવાહ નહીં


કેમ જાણે અદૃશ્ય રહ્યો ઈશ્વર હિંદુઓની જીતની સામગ્રી તૈયાર ન કરી રહ્યો હોય અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓનો અન્યાય હજુ પણ વધારે સ્પષ્ટ રીતે બતાવવા ન ઈચ્છતો હોય એમ કોઈએ ન ધારેલો એવો બનાવ બન્યો. હિંદુસ્તાનથી ઘણા વિવાહિત માણસો દક્ષિણ આફ્રિકામાં આવેલા હતા, અને કેટલાક ત્યાં જ પરણ્યા હતા. હિંદુસ્તાનમાં સામાન્ય વિવાહ રજિસ્ટર કરવાનો કાયદો તો છે જ નહીં. ધાર્મિક ક્રિયા બસ ગણાય છે. દક્ષિણ આફ્રિકામાં પણ હિંદુસ્તાનીઓને વિશે એ જ પ્રથા હોવી જોઈએ, અને ચાળીસ વર્ષ થયાં હિંદીઓ દક્ષિણ આફ્રિકામાં વસતા આવ્યા હતા, છતાં કોઈ વખત હિંદુસ્તાનના જુદા જુદા ધર્મ મુજબ થયેલા વિવાહ રદ ગણાયા ન હતા. પણ આ સમયે એક કેસ એવો થયો કે જેમાં ન્યાયાધીશે ઠરાવ આપ્યો કે દક્ષિણ આફ્રિકાના કાયદામાં ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલ વિવાહ – વિવાહના અમલદારની પાસે જે રજિસ્ટર થયેલ હોય તે – સિવાયના વિવાહને સ્થાન નથી, એટલે કે હિંદુ, મુસલમાન, પારસી ઇત્યાદિ ધર્મક્રિયા પ્રમાણે થયેલા વિવાહ મજકૂર ભયંકર ચુકાદાથી દક્ષિણ આફ્રિકામાં રદ ગણાયા અને તેથી તે કાયદા અન્વયે દક્ષિણ આફ્રિકામાં ઘણી પરણેલી હિંદી સ્ત્રીઓનો દરજજે તેમના પતિની ધર્મપત્નીઓ તરીકેનો મટી રાખેલી સ્ત્રીઓ તરીકે ગણાયો, અને એ સ્ત્રીઓની પ્રજાને પોતાના બાપના વારસાનો હક પણ ન રહ્યો. આ સ્થિતિ ન સ્ત્રીઓ સહી શકે, ન પુરુષ સહન કરી શકે. દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓમાં ભારે ખળભળાટ વર્ત્યો. મારા સ્વભાવ પ્રમાણે મેં સરકારને પૂછ્યું કે શું તેઓ ન્યાયાધીશના ઠરાવને કબૂલ રાખશે ? કે તેણે કરેલો કાયદાનો અર્થ ખરો હોય તોપણ તે અનર્થ છે એમ સમજી નવો કાયદો પસાર કરી હિંદુ-મુસલમાન ઇત્યાદિ ધર્મક્રિયાઓ પ્રમાણે થયેલા વિવાહને કાયદેસર ગણશે ? સરકાર કાંઈ એ વખતે દાદ દે તેવી હતી નહીં. જવાબ નકારમાં આવ્યો. પેલા ઠરાવની સામે અપીલ કરવી કે નહીં એ વિચાર કરવા સત્યાગ્રહમંડળ બેઠું. છેવટે બધાએ નિશ્ચય કર્યો કે આવી બાબતમાં અપીલ હોઈ જ ન શકે. જે અપીલ કરવી હોય તો સરકાર કરે અથવા સરકાર ઇચ્છે તો ખુલ્લી રીતે તેના વકીલ મારફત હિંદીઓનો પક્ષ લે તો જ હિંદીઓથી કરી શકાય. એ વિના અપીલ કરવી એ અમુક રીતે હિંદુ-મુસલમાન વિવાહ રદ થવાનું સાંખ્યા બરાબર થાય. વળી તેવી અપીલ કર્યા પછી પણ જો તેમાં હાર થાય તો સત્યાગ્રહ જ કરવાનો હોય, તો પછી આવા અપમાનને વિશે અપીલ કરવાપણું હોય જ નહીં.

હવે સમય એવો આવ્યો કે શુભ ચોઘડિયા કે શુભ તિથિની રાહ જોવાય જ નહીં. સ્ત્રીઓનું અપમાન થયા પછી ધીરજ કેમ રહે ? થોડા કે ઘણા, જેટલા મળે તેટલાથી, સત્યાગ્રહ તીવ્ર રૂપે શરૂ કરવાનો ઠરાવ કર્યો. હવે સ્ત્રીઓને લડાઈમાં જોડાતાં ન રોકી શકાય, એટલું જ નહીં પણ સ્ત્રીઓને લડાઈમાં દાખલ થવાને નોતરવાનો નિશ્ચય કર્યો. પ્રથમ તો જે બહેનો ટૉલ્સ્ટૉય ફાર્મમાં રહી હતી તેઓને નોતરી. તે બહેનો તો દાખલ થવા તલપી રહી હતી. મેં તેમને લડતનાં બધાં જોખમોનું ભાન કરાવ્યું. ખાવાપીવામાં, પોશાકમાં, સૂવાબેસવામાં અંકુશ હશે એ સમજાવ્યું. જેલોમાં સખત મજૂરી સોંપે, કપડાં ધોવડાવે, અમલદારો અપમાન કરે વગેરે બાબતની ચેતવણી આપી. પણ આ બહેનો એક પણ વસ્તુથી ડરી નહીં. બધી બહાદુર હતી. એકને તો કેટલાક માસ ચડયા હતા; કોઈને બાળક હતાં. તેવીઓએ પણ દાખલ થવાનો આગ્રહ કર્યો. હું તેમાંની કોઈને રોકવા અસમર્થ હતો. આ બધી બહેનો તામિલ હતી. તેઓનાં નામ નીચે પ્રમાણે છે :

૧. શ્રીમતી થંબી નાયડુ, ર. શ્રીમતી એન પિલ્લે, ૩. શ્રીમતી કે. મુરગેસા પિલ્લે, ૪. શ્રીમતી એ. પી. નાયડુ, પ. શ્રીમતી પી. કે. નાયડુ, ૬. શ્રીમતી ચિન્નસ્વામી પિલ્લે, ૭. શ્રીમતી એન. એસ. પિલ્લે, ૮. શ્રીમતી આર. એ. મુદલિંગમ, ૯. શ્રીમતી ભવાની દયાલ, ૧૦. શ્રીમતી એમ. પિલ્લે, ૧૧. શ્રીમતી એમ. બી. પિલ્લે.

આમાંથી છ બહેનો ધાવણાં બાળકો સાથે હતી.

ગુનો કરીને કેદ થવું સહેલું છે. નિર્દોષ રહેતાં છતાં પકડાવું મુશ્કેલ છે. ગુનેગાર પકડાવા ઇચ્છતો નથી તેથી પોલીસ તેની પૂંઠે ઊભેલી હોય છે અને તેને પકડે છે. સ્વેચ્છાએ અને નિર્દોષ રહી જેલમાં જનારને પોલીસ ન ચાલતાં જ પકડે છે. આ બહેનોનો પ્રથમ યત્ન નિષ્ફળ ગયો. તેમણે વગર પરવાને ફેરી કરી પણ પોલીસે તેમને પકડવા ના પાડી. તેમણે ફ્રીનિખનથી ઓરેંજિયાની સરહદમાં વિના પરવાનગીએ પ્રવેશ કર્યો છતાં કોઈ પકડે નહીં. હવે કઈ રીતે પકડાવું એ સ્ત્રીઓને સવાલ થઈ પડયો. પકડાય તેવા મરદો ઘણા તૈયાર ન હતા. જે તૈયાર હતા તેમને પકડાવું સહેલું નહોતું.

છેલ્લો રસ્તો ધાર્યો હતો તે લેવાનો નિશ્ચય કર્યો. એ પગલું ઘણું તેજસ્વી નીવડયું. મેં ધાર્યું હતું કે છેવટને સમયે મારી સાથે ફિનિક્સમાં રહેલા બધાને હોમવા છે એ મારે સારુ આખરનો ત્યાગ હતો. ફિનિકસમાં રહેનાર અંગતના સાથીઓ અને સગાં હતાં. છાપું ચલાવવા જેટલા માણસો જોઈએ તે અને સોળ વર્ષની અંદરનાં બાળકોને છોડી બાકીના બધાને જેલયાત્રા કરવા મોકલવા એ ધારણા હતી. આથી વધારે ત્યાગ કરવાનું સાધન મારી પાસે ન હતું ગોખલેને લખતાં જે છેવટના સોળ જણ ધારેલા તે આમાંના જ હતા. આ મંડળીને સરહદ ઓળંગાવી ટ્રાન્સવાલમાં દાખલ કરીને દાખલ થતાં વગર પરવાને પ્રવેશ કરવાના ગુના સારુ પકડાવી દેવાની હતી. એવો ભય હતો કે જો પ્રથમથી આ પગલાની વાત જાહેર કરવામાં આવે તો તેઓને સરકાર ન પકડે તેથી બેચાર મિત્રો સિવાય કોઈને આ વાતની જાણ મેં કરી નહોતી. સરહદ ઓળંગતી વેળા પોલીસના અમલદાર હમેશાં નામઠામ પૂછે. આ વખતે નામઠામ ન આપવાં એ પણ યોજનામાં હતું. અમલદારને નામઠામ ન આપવાં એ પણ એક નોખો ગુનો ગણાતો હતો. નામઠામ આપતાં તેઓ મારા સગાંસંબંધીમાંના છે એમ જાણે તો પોલીસ ન પકડે એ ભય હતો, તેથી નામઠામ ન આપવાનો ઇરાદો કર્યો હતો, અને આ પગલાની સાથે જે જે બહેનો ટ્રાન્સવાલમાં પકડાવાનો પ્રયત્ન કરી રહી હતી તે બહેનોને નાતાલમાં દાખલ થવાનું હતું, જેમ નાતાલમાંથી ટ્રાન્સવાલમાં પરવાના વિના દાખલ થવું એ ગુનો ગણાતો તેમ જ ટ્રાન્સવાલમાંથી નાતાલમાં દાખલ થવા વિશે પણ હતું. એટલે આ બહેનોએ જો તેમને પકડે તો નાતાલમાં પકડાવાનું હતું, અને જે ન પકડે તો તેઓએ નાતાલમાં કોલસાની ખાણો હતી તેના મથક ન્યૂકૅસલમાં જઈ ત્યાં મજૂરોને નીકળી જવા વીનવવા એમ ઠર્યું હતું. આ બહેનોની માતૃભાષા તામિલ હતી; તેમને થોડુંઘણું હિંદુસ્તાની પણ આવડે જ, અને મજૂરવર્ગનો ઘણો ભાગ મદ્રાસ ઇલાકાનો તામિલ, તેલુગુ ઇત્યાદિ હતો. બીજા પણ પુષ્કળ હતા. જો મજૂરો આ બહેનોની વાત સાંભળી પોતાનું કામ છોડે તો તેઓને મજૂરોની સાથે સરકાર પકડયા વિના ન જ રહે; તેથી મજૂરોમાં વધારે ઉત્સાહ આવે એવો પૂરો સંભવ હતો. આ પ્રમાણે વ્યૂહરચના મનમાં ગોઠવી ટ્રાન્સવાલની બહેનોને સમજણ આપી હતી. પછી હું ફિનિકસ ગયો. ફિનિકસમાં સૌને સાથે બેસીને વાત કરી. પ્રથમ તો ફિનિકસમાં રહેતી બહેનોની સાથે મસલત કરવાની હતી. બહેનોને જેલમાં મોકલવાનું પગલું ઘણું ભયંકર છે એ હું જાણતો હતો. ફિનિકસમાં રહેનારી ઘણી બહેનો ગુજરાતી હતી. તેથી પેલી ટ્રાન્સવાલવાળી બહેનોના જેવી કસાયેલી અથવા અનુભવવાળી ન ગણાય. વળી ઘણીખરી મારી સગી એટલે કેવળ મારી શરમને લીધે જ જેલમાં જવાનો વિચાર કરે, અને પછી અણીને વખતે ગભરાઈને અથવા જેલમાં ગયા પછી અકળાઈ માફી વગેરે માગે તો મને આઘાત પહોંચે, લડાઈ એકદમ નબળી પડી જાય, એ ' વસ્તુ પણ રહી હતી. મારી પત્નીને તો મારે ન જ લલચાવવી એ નિશ્ચય હતો. તેનાથી નાયે ન પડાય અને હા પાડે તો તે હાની પણ કેટલી કિંમત કરવી એ હું ન કહી શકું. આવા જોખમના કામમાં સ્ત્રી પોતાની મેળે જે પગલું ભરે તે જ પુરુષે સ્વીકારવું જેઈએ અને ન ભરે તો પતિએ તેને વિશે જરાયે દુઃખી ન થવું જેઈએ એ હું સમજતો હતો, તેથી મેં તેની સાથે કંઈ પણ વાત ન કરવી એમ ધાર્યું. બીજી બહેનોની સાથે મેં વાત કરી. તેઓએ ટ્રાન્સવાલની બહેનોની જેમ બીડું ઝડપી લીધું અને જેલયાત્રા કરવાને તૈયાર થઈ. ગમે તે દુઃખ સહન કરીને પણ જેલ પૂરી કરીશું એવી મને ખાતરી આપી. આ બધી વાતનો સાર મારી પત્નીએ પણ જાણી લીધો; અને મને કહ્યું : 'મને આ વાતની ખબર નથી આપતા એનું મને દુ:ખ થાય છે. મારામાં એવી શી ખામી છે કે હું જેલમાં ન જઈ શકું? મારે પણ એ જ રસ્તો લેવો છે કે જે લેવાની આ બહેનોને તમે સલાહ આપી રહ્યા છો.' મેં કહ્યું : 'મારે તને દુ:ખ લગાડવાનું હોય જ નહીં. આમાં અવિશ્વાસની વાત નથી. હું તો તારા જવાથી રાજી જ થાઉં. પણ મારી માગણીથી તું ગઈ છે એવો આભાસ સરખો મને ન ગમે. આવાં કામ સૌ પોતાની હિંમતથી જ કરે. હું કહું એટલે સહેજે મારું વચન રાખવાની ખાતર તું ચાલી જાય, પછી કોરટમાં ઊભતાં જ ધ્રૂજી જાય અને હારે અથવા તો જેલનાં દુઃખથી ત્રાસે તો તેમાં તારો દોષ તો હું ન ગણું, પણ મારા હાલ શા થાય ? હું તને કઈ રીતે સંઘરી શકું અને જગતની સામે કઈ રીતે ઊભી શકું, એવા ભયથી જ મેં તને લલચાવી નથી.' મને જવાબ મળ્યો : 'હું હારીને છૂટી આવું તો મને ન સંઘરવી. મારાં છોકરાંયે સહન કરી શકે, તમે બધાં સહન કરી શકો અને હું જ એકલી ન સહન કરી શકું, એવું તમારાથી કેમ ધારી શકાય ? મારે આ લડતમાં દાખલ થયે જ છૂટકો છે.' મેં જવાબ આપ્યો : 'તો મારે તને દાખલ કર્યો જ છૂટકો છે. મારી શરત તો તું જાણે છે, મારો સ્વભાવ તું જાણે છે. હજુ પણ વિચાર કરવો હોય તો ફરી વિચાર કરજે અને પુખ્ત વિચાર કર્યા પછી ન ભળવું એમ લાગે તો તને છૂટ છે એમ સમજજે. અને નિશ્ચય બદલવામાં હજુ કશી શરમ પણ નથી એ પણ જાણજે.' મને જવાબ મળ્યો : 'વિચારબિચાર કાંઈ કરવાના છે જ નહીં. મારો નિશ્ચય જ છે.' ફિનિકસમાં બીજા નિવાસીઓ હતા તેઓને પણ સ્વતંત્રપણે નિશ્ચય કરવાનું મેં સૂચવ્યું હતું. લડાઈ થોડી મુદત ચાલો કે લાંબી મુદત, ફિનિકસ કાયમ રહો કે જમીનદોસ્ત થાઓ, જનારા સાજા રહો કે માંદા પડો, પણ કોઈથી ન જ છૂટી શકાય, એ શરતો ફરી ફરીને અને પેરે પેરે કરીને મેં સમજાવી હતી. સૌ તૈયાર થયાં. ફિનિકસની બહારનામાં એકમાત્ર રુસ્તમજી જીવણજી ઘોરખોદુ હતા. તેમનાથી આ બધી મસલતો હું છૂપી રાખી શકું એમ ન હતું. તે પાછળ રહે એમ પણ ન હતું. તેમણે જેલ તો ભોગવી જ હતી, પણ ફરી જવાનો એમનો આગ્રહ હતો. આ ટુકડીનાં નામ નીચે પ્રમાણે છે :

૧. સૌ. કસ્તૂર મોહનદાસ ગાંધી, ર. સૌ. જયાકુંવર મણિલાલ ડૉક્ટર, ૩. સૌ. કાશી છગનલાલ ગાંધી, ૪. સૌ સંતોક મગનલાલ ગાંધી, પ. શ્રી પારસી રુસ્તમજી જીવણજી ધોરખોદુ, ૬. શ્રી છગનલાલ ખુશાલચંદ ગાંધી, ૭. શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ, ૮. શ્રી મગનભાઈ હરિભાઈ પટેલ, ૯. શ્રી સૉલોમન રૉયપન, ૧૦. ભાઈ રામદાસ મોહનદાસ ગાંધી, ૧૧. ભાઈ રાજુ ગોવિંદુ, ૧૨. ભાઈ શિવપૂજન બદ્રી, ૧૩. ભાઈ ગોવિંદ રાજુલુ, ૧૪. કુપ્પુસ્વામી મુદલિયાર, ૧૫. ભાઈ ગોકળદાસ હંસરાજ, ૧૬.. ભાઈ રેવાશંકર રતનશી સોઢા.

પછી શું થયું તે હવેના પ્રકરણમાં.