દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સોરાબજી શાપુરજી અડાજણિયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
સોરાબજી શાપુરજી અડાજણિયા
મોહનદાસ કરમચંદ ગાંધી
શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું →


પ. સોરાબજી શાપુરજી અડાજણિયા


હવે જ્યારે નવી વસ્તીની વાત પણ લડતમાં દાખલ થઈ ત્યારે નવી વસ્તીને દાખલ કરવાની કસોટી પણ સત્યાગ્રહીએ જ કરવાની રહી. ગમે તે હિંદીની મારફતે એ કસોટી ન કરાવવી એવો કમિટીનો નિશ્ચય હતો. નવી વસ્તીના કાયદામાં પ્રતિબંધની જે બીજી શરતો હતી અને જેની સામે અમારે કંઈ પણ વિરોધ ન હતો તે શરતોનું પાલન કરી શકે એવા માણસને ટ્રાન્સવાલમાં દાખલ કરી જેલ મહેલમાં બેસાડી દેવો એવી ધારણા હતી. આમ કરી સત્યાગ્રહ એ મર્યાદા-ધર્મ છે એમ સાબિત કરવું હતું. એક કલમ એ કાયદામાં એવી હતી કે નવા દાખલ થનારને યુરોપની કોઈ પણ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. તેથી અંગ્રેજી જાણનાર હિંદી જે ટ્રાન્સવાલમાં અગાઉ ન રહી ગયેલ હોય તેને દાખલ કરવાની કમિટીની ધારણા હતી. કેટલાક હિંદી નૌજવાનોએ કહેણ મોકલ્યું હતું, પણ તેમાંથી સોરાબજી શાપુરજી અડાજણિયાનું જ કહેણ કસોટીના કેસ- (ટેસ્ટ કેસ)ને સારુ કબૂલ રાખવામાં આવ્યું.

નામ ઉપરથી જ વાંચનાર સમજી શકશે કે સોરાબજી પારસી હતા. આખા દક્ષિણ આફ્રિકામાં પારસીની વસ્તી સૌથી વધારે નહીં હોય. પારસીઓને વિશે જે અભિપ્રાય મેં હિંદુસ્તાનમાં આપેલો છે તે જ હું દક્ષિણ આફ્રિકામાં પણ ધરાવતો હતો. અાખી દુનિયામાં એક લાખથી વધારે પારસીઓ નહીં હોય. એટલી નાની કોમ પોતાની પ્રતિષ્ઠા જાળવી રહી છે, પોતાના ધર્મને વળગી રહી છે, અને ઉદારતામાં દુનિયાની એક પણ કોમ તેને નથી પહોંચી શકતી, એટલી જ વાત એ કોમની ઉચ્ચતાનું પ્રમાણપત્ર છે. તેમાં પણ સોરાબજી તો અનુભવ થતાં રતન નીવડયા. જ્યારે એઓ લડાઈમાં દાખલ થયા તે વખતે એમને હું સહેજસાજ ઓળખતો. લડતમાં આવવા વિશેના તેમના પત્રવ્યવહારે મારા ઉપર સારી છાપ પાડી હતી. પારસીના ગુણોનો જેમ હું પૂજારી છું, તેમ એક કોમ તરીકે તેઓમાં જે કેટલીક ખોડ છે, તેથી હું અજાણ ન હતો અને નથી. તેથી ખરે અવસરે સોરાબજી નભી શકશે કે નહીં એ વિશે મારા મનમાં શક હતો, પણ સામેનો માણસ પોતે એથી વિરુદ્ધ વાત કરતો હોય ત્યારે એવા શાક ઉપર અમલ ન કરવો એ મારો કાયદો હતો. એટલે મેં તો સોરાબજીએ જે દૃઢતા પોતાના કાગળમાં બતાવી હતી તે માની લેવાની ભલામણ કમિટીને કરી અને પરિણામે તો સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડયા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા, એટલું જ નહીં પણ તેમણે લડતનો એટલો બધો ઊંડો અભ્યાસ કરી લીધો કે લડતને વિશે એ જે કંઈ કહે તે બધાને સાંભળવું પડતું. તેમની સલાહમાં હમેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે જોવામાં આવતાં. ઉતાવળે તો વિચાર બાંધે જ નહીં અને વિચાર બાંધ્યા પછી ફેરવે જ નહીં. જેટલે દરજ્જે તેમનામાં પારસીપણું હતું – અને તે ખૂબ હતું – તેટલે જ દરજ્જે હિંદીપણું હતું. સંકુચિત જાતિ અભિમાનની ગંધ સરખી તેમનામાં કોઈ દિવસ નથી આવી. લડત પૂરી થયા પછી સારા સત્યાગ્રહીઓમાંથી કોઈને વિલાયત મોકલી બૅરિસ્ટર બનાવવા સારુ દાક્તર મહેતાએ શિષ્યવૃત્તિ આપી હતી. તેની પસંદગી તો મારે જ કરવાની હતી. બેત્રણ લાયક હિંદીઓ હતા, પણ બધા મિત્રમંડળને એમ જ લાગ્યું કે સોરાબજીના પીઢપણાની અને ઠરેલપણાની હરીફાઈ કરી શકે એવું બીજું કોઈ ન હતું. તેથી તેમને જ ચૂંટવામાં આવ્યા હતા. એવા એક હિંદીને વિલાયત મોકલવાનો એ હતુ હતો કે, તે દક્ષિણ આફ્રિકા પાછા આવી મારી જગ્યા લઈ શકે અને કોમની સેવા કરે. કોમનો આશીર્વાદ અને કોમનું માન લઈને સોરાબજી વિલાયત ગયા. બૅરિસ્ટર થયા. ગોખલેના પ્રસંગમાં તો દક્ષિણ આફ્રિકામાં જ આવ્યા હતા પણ વિલાયતમાં વધુ નિકટ આવ્યા. તેમનું મન સોરાબજીએ હરી લીધું. જ્યારે હિંદુસ્તાન જાય ત્યારે સોરાબજીને 'હિંદ સેવક સમાજ'માં દાખલ થવાનો આગ્રહ પણ કર્યો. સોરાબજી વિદ્યાર્થીવર્ગમાં અતિશય પ્રિય થઈ પડ્યા હતા. દરેકના દુ:ખમાં ભાગ લે, વિલાયતના આડંબરની કે એશઆરામની તેમના મન ઉપર જરાયે અસર ન થઈ. જયારે વિલાયત ગયા ત્યારે સોરાબજીની ઉંમર ત્રીસ વરસથી વધારે હતી. તેમનો અંગ્રેજી અભ્યાસ ઊંચા પ્રકારનો ન હતો. વ્યાકરણ વગેરે કટાઈ ગયાં હતાં. પણ મનુષ્યના ખંતની અાગળ આવી અગવડો નભી શકતી નથી. શુદ્ધ વિદ્યાર્થીજીવન ગાળી સોરાબજી પોતાની પરીક્ષાઓમાં પાસ થતા ગયા. મારા જમાનાની બૅરિસ્ટરની પરીક્ષા પ્રમાણમાં સહેલી હતી. આજકાલના બૅરિસ્ટરોને પ્રમાણમાં બહુ વધારે અભ્યાસ કરવો પડે છે. પણ સોરાબજી હાર્યા નહીં. વિલાયતમાં જ્યારે 'એમ્બુલન્સ કોર' થઈ ત્યારે આરંભ કરનારાઓમાં તે હતા ને છેવટ સુધી તેમાં રહ્યા. એ ટુકડીને પણ સત્યાગ્રહ કરવો પડયો હતો. તેમાં ઘણા પડી ગયા હતા. જેઓ અડગ રહ્યા તેમાં અગ્રેસર સોરાબજી હતા. હું અહીં કહી નાખું કે એ ટુકડીના સત્યાગ્રહમાં પણ જય જ મળ્યો હતો.

વિલાયતમાં બૅરિસ્ટર થયા પછી સોરાબજી જોહાનિસબર્ગ ગયા. ત્યાં સેવા અને વકીલાત બંને શરૂ કર્યા. દક્ષિણ આફ્રિકાથી મને જે કાગળો આવ્યા તેમાં સૌ સોરાબજીનાં વખાણ જ કરતા હતા – 'જેવા સાદા હતા તેવા જ છે. આડંબર મુદ્દલે નથી. નાનામોટા બધાની સાથે હળેમળે છે.' પણ ઈશ્વર જેવો દયાળુ લાગે છે તેવો જ નિર્દય પણ લાગે છે. સોરાબજીને તીવ્ર ક્ષય થયો અને થોડા મહિનામાં કોમનો નવો પ્રેમ સંપાદન કરી કોમને રોતી મૂકી ચાલતા થયા ! એમ ઈશ્વરે કોમની પાસેથી થોડા કાળમાં બે પુરુષરત્ન છીનવી લીધાં – કાછલિયા અને સોરાબજી.

પસંદગી કરવી હોય તો બેમાંથી હું કોને પ્રથમ પદ આપું ? હું પસંદગી કરી જ ન શકું. બંને પોતાના ક્ષેત્રમાં અપ્રતિમ હતા. અને જેમ કાછલિયા જેટલા શુદ્ધ મુસલમાન તેટલા જ શુદ્ધ હિંદી હતા, તેમ સોરાબજી પણ જેટલા શુદ્ધ પારસી તેટલા જ શુદ્ધ હિંદી હતા.

આ સોરાબજી પ્રથમ સરકારને નોટિસ આપી ટેસ્ટને જ ખાતર ટ્રાન્સવાલમાં દાખલ થયા. સરકાર આ પગલાને સારુ મુદ્દલ તૈયાર ન હતી. તેથી સોરાબજીનું શું કરવું એનો તાબડતોબ નિશ્ચય કરી શકી નહીં. સોરાબજી જાહેર રીતે સરહદ વટાવી ટ્રાન્સવાલમાં દાખલ થયા. પરવાના તપાસનાર સરહદી અમલદાર તેમને જાણતો હતો. સોરાબજીએ કહ્યું : 'હું ટ્રાન્સવાલમાં ઇરાદાપૂર્વક કસોટી ખાતર દાખલ થાઉં છું. મારી અંગ્રેજીની પરીક્ષા લેવી હોય તો તું લે અને મને પકડવો હોય તો તું પકડ.' અમલદારે જવાબ આપ્યો : 'તમે અંગ્રેજી જાણો છો એ તો મને ખબર છે એટલે એ પરીક્ષા લેવાપણું છે જ નહીં. તમને પકડવાનો મને હુકમ નથી. તેથી તમે સુખેથી જાઓ. જ્યાં જશો ત્યાં તમને સરકાર પકડવા હશે તો પકડશે.'

એટલે અણધારી રીતે સોરાબજી તો જોહાનિસબર્ગ સુધી પહોંચ્યા. અમે બધાએ તેમને હર્ષભેર વધાવી લીધા. કોઈએ આશા રાખી જ ન હતી કે સરકાર સોરાબજીને ટ્રાન્સવાલની સરહદના વોક્સરસ્ટ સ્ટેશનથી જરા પણ આગળ વધવા દે. ઘણી વેળા એવું બને છે કે, જયારે આપણે આપણાં પગલાં વિચારપૂર્વક અને નિર્ભયતાથી તરત લઈએ છીએ ત્યારે તેના વિરોધની તૈયારીઓ સરકારે કરેલી હોતી નથી. પ્રત્યેક સરકારનો આ સ્વભાવ ગણી શકાય. અને સામાન્ય હિલચાલોમાં સરકારનો કોઈ પણ અમલદાર એટલે સુધી પોતાનું ખાતું પોતાનું નથી કરતો કે જેથી તેણે દરેક બાબતના વિચાર પહેલેથી ગોઠવી લીધા હોય અને તૈયારીઓ રાખી હોય. વળી, અમલદારને એક જ કામ નથી હોતું પણ અનેક હોય છે, જેમાં તેનું ધ્યાન વહેંચાઈ જાય છે. તે ઉપરાંત અમલદારને સત્તાનો મદ હોવાથી તે બેફિકર રહે છે અને માની લે છે કે, ગમે તેવી હિલચાલને પણ પહોંચી વળવું એ સત્તાધિકારીને સારુ રમત વાત છે. આથી ઊલટું હિલચાલ કરનારો પોતાનું ધ્યેય જાણતો હોય, સાધન જાણતો હોય, અને તેની યોજના વિશે દૃઢ હોય, તો તે તો પૂરો તૈયાર હોય છે અને તેને તો એક જ કામનો વિચાર રાતદિવસ કરવાનો હોય, તેથી જો એ ખરાં પગલાં સચોટપણે લઈ શકે તો સરકારથી હમેશાં આગળ આગળ જ ચાલે. ઘણી હિલચાલો નિષ્ફળ જાય છે તેનું કારણ સરકારની અપૂર્વ સત્તા એ નથી હોતું, પણ સંચાલકોમાં ઉપર બતાવ્યા ગુણની ઊણપ એ હોય છે. સારાંશ, સરકારની ગફલતને લીધે કે ઇરાદાપૂર્વક કરેલી યોજનાને લીધે સોરાબજી જોહાનિસબર્ગ સુધી પહોંચી શક્યા અને સોરાબજીના જેવા કેસમાં અમલદારનું જે કર્તવ્ય હોય તેનો ખ્યાલ અથવા તે વિશે તેના ઉપરીની સૂચના સ્થાનિક અમલદારને નહોતાં. સોરાબજીના આ પ્રમાણે આવવાથી કોમી ઉત્સાહમાં બહુ વધારો થયો, અને કેટલાક જુવાનોને તો એમ જ લાગ્યું કે સરકાર હારી ગઈ, અને થોડા વખતમાં જ સમાધાની કરી લેશે. તેવું કંઈ ન હતું એમ આ યુવકમંડળે તરત જ સિદ્ધ થયેલું જોયું. બલ્કે એ પણ જોયું કે સમાધાની થતા પહેલાં તો કદાચ ઘણા યુવાનોને પોતાના બલિદાન આપવાં પડે.

સોરાબજીએ જોહાનિસબર્ગમાં પોતાના આગમનની ખબર જોહાનિસબર્ગના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આપી, અને એમાં જણાવ્યું કે ટ્રાન્સવાલમાં રહેવાનો પોતે નવી વસ્તીના કાયદા પ્રમાણે પોતાને હકદાર માને છે. કારણમાં પોતાનું અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન ટાંક્યું અને જો અમલદાર પરીક્ષા લેવા ધારે તો તે આપવાને સારુ પોતાની તૈયારી જાહર કરી. આ કાગળનો કશો જવાબ ન મળ્યો. અથવા તો એ કાગળના જવાબમાં કેટલેક દિવસે સમન્સ મળ્યો. કોરટમાં કેસ ચાલ્યો. હિંદી પ્રેક્ષકોથી કોરટ ચિકાર ભરાઈ ગઈ. કેસ શરૂ થતા પહેલાં કોરટના આંગણામાં જ, જે હિંદીઓ ત્યાં આવેલા હતા, તેમને એકઠા કરી તેમની એક તાત્કાલિક સભા ભરી અને સોરાબજીએ શૌર્યભર્યું ભાષણ કર્યું. તેમાં જીત ન મળે ત્યાં સુધી જેટલી વાર જેલમાં જવું પડે તેટલી વાર જવાને તૈયાર રહેવા અને ગમે તે સંકટો આવી પડે તે સહન કરવા પ્રતિજ્ઞા લીધી. આ અરસો એટલો લાંબો હતો કે તે દરમ્યાન સોરાબજીની મેં સારી રીતે ઓળખાણ કરી લીધી હતી અને હું સમજી ગયો હતો કે સોરાબજી જરૂર શુદ્ધ રત્ન નીવડશે. કેસ ચાલ્યો. હું વકીલ તરીકે ઊભો રહ્યો. સમન્સમાં કેટલાક દોષ હતા તે દોષથી સોરાબજીની સામેનો સમન્સ કાઢી નાખવાની મેં માગણી કરી. સરકારી વકીલે પોતાની દલીલ રજૂ કરી. પણ કોરટે મારી દલીલો માન્ય કરી સમન્સ કાઢી નાખ્યો ! કોમ હર્ષઘેલી થઈ. પરિણામ તો હર્ષઘેલી થવાનું કારણ પણ હતું એમ કહી શકાય. બીજા સમન્સ કાઢી તરતમાં સોરાબજીની ઉપર કામ ચલાવવાની સરકારની કેમ હિંમત ચાલી શકે ? અને ન જ ચાલી. તેથી સોરાબજી જાહર કામ કરવામાં ગૂંથાઈ ગયા.

પણ એ કંઈ હમેશાંનો છુટકારો ન હતો. સ્થાનિક હિંદીઓને સરકાર પકડતી જ ન હતી. સરકારે એમ જોયું હતું કે પોતે જેમ જેમ પકડવાનું કરે છે તેમ તેમ કોમમાં જોસ વધે છે. વળી કોઈ કેસમાં કોઈ ને કોઈ કાયદાની બારીકીને કારણે હિંદી છૂટી જાય છે તો તેથી પણ જેસ વધે છે. સરકારને કાયદા કરવાના હતા તે પાસ કરી દીધા હતા. પરવાના ઘણા હિંદીઓએ બાળી નાખ્યા હતા એ ખરું, પણ તેઓ પરવાનો લઈ પોતાનો રહેવાનો હક સિદ્ધ કરી ચૂકયા છે. એટલે તેઓને જેલ મોકલવાની ખાતર જ તેઓની ઉપર કામ ચલાવવામાં સરકારે કંઈ ફાયદો જોયો નહીં અને એમ માન્યું કે, સરકાર ખામોશ રહેશે તો હિલચાલ કરનારા તેઓની પાસે હિલચાલ કરવાનું કંઈ બારું ઉઘાડું ન રહેવાથી પોતાની મેળે ધીમા પડી જશે. પણ સરકારની એ ગણતરી ખોટી હતી. કોમે સરકારની ખામોશીનો તાગ કાઢવા એવું નવું પગલું ભર્યું કે જેથી તે તાગ આવી ગયો, અને છેવટે સોરાબજી પર ફરી કામ ચાલ્યું.