દરીયા અને નદીની વાત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સમુદ્રે એક દિવસ નદીને કહ્યું, “તું ઘણી બધી વસ્તુઓ તારી સાથે લાવીને ભેટ કરે છે, પરંતુ એ વસ્તુઓથી મને જરાય સંતોષ નથી.

સમુદ્રની આ વાત સાંભળી નદીએ કહ્યું, “આપ શું ઈચ્છો છો? આપને જે જોઈએ તે વસ્તુ હું લાવી આપીશ, ફરમાવો એટલી જ વાર, તમારો હુકમ અને મારું કામ.”

“હું જે કહું તે લાવી આપીશ?” સમુદ્રએ પૂછ્યું.

નદીએ કહ્યું, “હા, હા, તમે કહો તો ખરાં, હું તમને ગમે તે લાવી આપીશ.”

સમુદ્ર કહે, “મારે વેત્રલતા જોઈએ છે, શું તું એ લાવી આપીશ?”

નદીએ કહ્યું, “શા માટે નહીં? હું મોટા મોટા વૃક્ષોને મારી સાથે લાવી શકું છું તો આ વેત્રલતાની શી વિસાત? હું હમણાં જ લાવી આપું છું.”

ત્યાર પછી નદીએ એક પછી એક ભરતીઓ લાવીને વેત્રલતાને ઉખેડવાનો પ્રયાસ કર્યો. ઘણી મથામણ અને તારાજી પછી પણ તેને સફળતા ન જ મળી.તે અત્યંત નિરાશ થઈને સમુદ્ર પાસે આવી, અને પોતાની અશક્તિ બતાવતા બોલી, “જેનામાં વિનય હોય, નમ્રતાનો સદગુણ હોય તેને નમાવવાની કે ચલિત કરવાની શક્તિ કોઈનામાં નથી. મેં તેને ઝૂકાવવાનો અને મારી ધારામાં ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કર્યો, પણ તે ઝૂકી જતી હતી, આટલી બધી નમ્રતાભરી વેત્રલતા પાસે મારું બળ ન ચાલ્યું, એની નમ્રતા સામે મારી પ્રચંડ શક્તિ કામ ન આવી, હું તેની સામે હારી ગઈ. મને ક્ષમા કરજો કે હું તમને આપેલું વચન પાળી ન શકી.”

સમુદ્રએ નદીને કહ્યું, “તારો અહંકાર દૂર કરવા જ મેં તને વેત્રલતા લાવવાનું કામ સોંપ્યું હતું. જ્યારે ગામડાની કોઈ કન્યા ઘડો લઈને તારા તટ પર પાણી ભરવા આવે છે ત્યારે તે પણ ….. તને નમ્રતાનો પાઠ જ બતાવે છે. જો તે કન્યા ઘડાને હાથમાં લઈને ઉભી રહે, અને ઘડાને ન નમાવે તો તેમાં પાણી ન ભરાય. પાણી ભરવા પહેલા તેણે પોતે નમવું પડે છે, અને પછી ઘડાને પણ નમાવવો પડે છે. પાત્રતા ગમે તેટલી હોય, નમ્રતા ન હોય તો જ્ઞાન વહેતું રહે પરંતુ આત્મસાત ન જ થાય એ સાવ સીધી સાદી વાત છે.

સમુદ્રની આ શિક્ષા નદીને એવી સચોટ લાગી કે તેણે સમુદ્રને કહ્યું, “આ શીખ આપવા બદલ તમારો આભાર. હું હવે નમ્રતાનો ગુણ શીખી ગઈ છું.”