દામ્પત્ય
દામ્પત્ય દામોદર બોટાદકર |
ઊભી આંબલિયાને ઉર અડી અલબેલડી રે લોલ, વહાલી વાલ્યમ સંગે વાત કરે વનવેલડી રે લોલ; ચામ્પે દુઃખનો દાઝ્યો દેહ પનોતાં પાનથી રે લોલ, હરવા અન્તરનો પરિતાપ રહે રસ રેડતી રે લોલ.
એની ખીલી શી ઉછરંગભરી ફૂલપાંખડી રે લોલ, નિરખે નાહોલિયાનો નેહ ઉઘાડી આંખડી રે લોલ; લેતાં અનિલ તણી કંઇ લહેર દીસે ફરકી રહી રે લોલ, સુખના સોણલિયાને સ્વાદ હશે હરખી રહી રે લોલ.
એના અંતરનો અનુરાગ સુહાગાણ સાધતી રે લોલ, પળ-પળ પ્રીતિકેરે પન્થ વિચરતાં વાધતી રે લોલ; ઊંડો અન્તરનો આમોદ અમૂલખ આપતી રે લોલ, લેવા જીવનની રસલહાણ સજી રહી સમ્ગતિ રે લોલ.
એનો ભાવભર્યો ભરથાર રહ્યો શો રાચતો રે લોલ, હસતું હૈયાનું કૈં હેત નિહાળી નાચતો રે લોલ; ડોલે રસરીઝ્યો શો દેહ કે ડોલે ડાળીઓ રે લોલ, સામો સૌરભનો સત્કાર કરે વરણાગિયો રે લોલ.
કરનો કરથી શીતળ છાંય તપેલો તાપથી રે લોલ, ઢોળે વિંજળલે શો વાય અજબ ઉરભાવથી રે લોલ; અગણિત અંબરના આઘાત શિરે સાંખી રહે રે લોલ, આપી રમણીને રસરંગ રસીલો રીઝવે રે લોલ.
ઊંચા અંતરના અણમોલ દીસો છો દંપતી રે લોલ, રહેજો જગમાં જીવનજોડ તમારી જીવતી રે લોલ; વધજો તમ જેવું કૈં વહાલ અમારે અંતરે રે લોલ, શીળા સૌરભનો સંચાર થજો આંગણે રે લોલ.