દિવાળીબાઈના પત્રો/પત્ર ૧

વિકિસ્રોતમાંથી
દિવાળીબાઈના પત્રો
દિવાળીબેન


પત્ર ૧
પરમપ્રિય બંધુ,
તા.૨૮-૧-૧૮૮૫
 

આપનો પત્ર આવ્યો તે વાંચી જીવને પરમાનંદ થયો છે. વળી એ રીતે પત્ર દ્વારાએ દર્શનલાભ નિરંતર દેશો એવી પૂર્ણ આશા છે. જીવના સમ ! આપ તો ક્ષણવાર પણ વિસારે પડતા નથી. મણી ને હું ભેગાં થઈએ છીએ ત્યારે આપના નામની માળા જ જપ્યા કરીએ છીએ અને દયારામની પેલી કડી સાંભરવા કરે છે કે 'આવડું શીદ કર્યું હતું જ્યારે જાવું.' દૈવી ગતિ સૌથી મોટી છે. કોઈ દિવસે એવું સ્વપ્નું આવ્યું નહોતું કે આપ આમ મુંબઈ છોડીને જશો. રતનબાઈના વરે આપના વિશે બેત્રણ કવિતાઓ કરી હતી, પણ તે કાકાપુરી જેવી નાટકના રાગમાં. મહીં કેટલીક જગ્યાએ મુખ ફરે ને એવી હતી. તથાપિ આપના પર કેટલીક જગ્યાએ પ્રેમના શબ્દો નીકળ્યા હતા તે ખરા અંત:કરણના હતા. મે> આપના વિષે ત્રણ વાર કવિતા કરી પણ આપને વંચાવવાની હિંમત ચાલી નહિ. તેનું કારણ તે દહાડે ધનજી માસ્તરે કવિતા કરી હતી તે આપે હાથમાં લેતાં જ ફાડી નાખી હતી તેથી મને પણ એમ જ થયા કર્યું કે આપણી કવિતાનોએ એમ અનાદર થાય ત્યારે ? એવું વિચારી વિચારીને કેટલીક તો બનાવી બનાવીને તુર્ત જ નહિ સરખી કરી નાખી. હાલમાં હું સીતાખ્યાન લખું છું, ને તે રામચંદ્રજી પરણીને અયોધ્યામાં આવ્યા ત્યાં સુધી તૈયાર થયું છે તે આપને સહજ લખ્યું છે. હાલમાં ડેપ્ટીનો ચાર્જ માડણે લીધો છે. ભલે ગમે તેમ થાઓ પણ મણિલાલ નભુભાઈની તો બલિહારી જુદી જ હતી. હું એકલી નથી કહેતી પણ સરકારી ખાતામાં જેટલી સ્ત્રીઓ છે અને લગભગ બધા ય પુરૂષો એમ જ બોલે છે. મણિકોરને આપના આશીર્વાદ કહ્યા તે વખતે તો આપને સંભારીને અમને બેને આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. પણ શું કરીએ, નિરૂપાય.

લિ. ના પ્રણામ