દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૨

વિકિસ્રોતમાંથી
દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૨
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૩ →


: ર :

અભ્યાસક્રમ આખો જોઈ ગયો હતો. કેટલાયે ફેરફારો કરી શકાશે એમ ખાતરીપૂર્વક લાગ્યું. પાઠ્યપુસ્તકો પર નજર નાખી ગયો. ગુણદોષ આંખ આગળ તરી આવ્યા, કેવા સુધારા થઈ શકે તે વિચારી લીધું. પહેલે દિવસથી તે છેલ્લા દિવસ સુધીના કામનો મનમાં જાણે કે આલેખ થઈ ગયો. પરીક્ષા અને તેના પરિણામના દિવસો પણ જોઈ લીધા. અંતે વર્ષ આખું આવી રીતે ચાલશે, આવું કામ થશે ને આવું પરિણામ આવશે તેના ઘોડા ઘડાઈ ગયા. વિચારોમાં ને વિચારોમાં રાતના બે ક્યારે વાગ્યા તેની ખબર પણ ન પડી ! છેવટે આવતી કાલે શું કરવું તેની નોંધ કાગળ પર ટપકાવી ત્રણને ટકોરે સૂતો.

સવાર પડ્યું. ઊત્સાહ હતો; શ્રદ્ધા હતી; વેગ હતો. નાહીધોઈ અલ્પાહાર કરી વખતસર ત્રીજા નંબરની શાળાએ જઈ પહોંચ્યો. હજુ શાળા ઊઘડી ન હતી. અમારા હેડમાસ્તર આવ્યા ન હતા. પટાવાળો તેમને ત્યાં ચાવી લેવા ગયો હતો. છોકરાઓ આવતાજતા હતા અને સડક પર દોડાદોડ કરતા હતા. મને થતું હતું કે “ક્યારે શાળા ઊઘડે ને ક્યારે વર્ગ હાથમાં લઉં ને કામ કરવા માંડું ? ક્યારે મારી નવી યોજના રજૂ કરું ? ક્યારે વ્યવસ્થા ને શાંતિ દાખલ કરું? ક્યારે રસિક રીતે પાઠ સમજાવું ? ક્યારે છોકરાઓનાં મન હરી લઉં ?” મારા મગજમાં લોહી ઘણું ઝડપથી વહેતું હશે.

ઘંટ થયો. છોકરાઓ વર્ગમાં ગોઠવાયા ને હેડમાસ્તરે મારી સાથે આવી મને મારો વર્ગ બતાવ્યો, અને છોકરાઓને કહ્યું: “જુઓ, આ લક્ષ્મીરામભાઈ આજથી તમારા માસ્તર છે. તે કહે તેમ કરજો. તેમની આજ્ઞા માનજો. જોજો, કોઈ તોફાન ન કરતા.”

હેડમાસ્તર કહેતા હતા તે વખતે હું મારા બાર માસના સાથીઓ સામે જોઈ રહ્યો હતો. કોઈએ મેાં મલકાવ્યાં; કોઈએ બાડી આંખ કરી મીંચકારો કર્યો; કોઈએ અકડાઈથી ડોકાં હલાવ્યાં; કોઈ મારી સામે આશ્ચર્ય અને મશ્કરીથી જોઈ રહ્યા; કેાઈ વગર સમજ્યે ઊભા જ હતા. મેં જોઈ લીધું: “આ છોકરાઓને મારે ભણાવવા છે ! આ મશ્કરા, તોફાની, અક્કડ અને ચિત્રવિચિત્ર !” મન જરા શેહ તો ખાઈ ગયું, જરા છાતી થડકી ગઈ; પણ થયું કે “ફિકર નહિ, ધીમે ધીમે જોયું જશે.”

રાત્રે કરેલી નેાંધ ખીસામાંથી કાઢીને જોઈ લીધી. લખેલું હતું: પ્રથમ શાંતિની રમત; પછી વર્ગની સ્વચ્છતાની તપાસ; પછી સહગાન; પછી વાર્તાલાપ; વગેરે.

મેં છોકરાઓને કહ્યું: “ચાલો, આપણે શાંતિની રમત રમીએ. જુઓ, હું “ ૐ શાંતિ: ” કહું ત્યારે સૌ ચૂપચાપ બેસી જજો. પલાંઠી બરાબર વાળજો. જોજો, કોઈ હલશેાચલશો પણ નહિ. પછી હું બારણાં બંધ કરીશ એટલે અંધારું થશે. સૌ શાંત હશે એટલે આસપાસના ઘોંઘાટો સંભળાશે. એ સાંભળવાની ગમ્મત આવશે. માખીઓનો બણબણાટ સંભળાશે. તમારો શ્વાસોચ્છવાસ પણ સંભળાશે. પછી હું ગાઈશ અને તમે સાંભળજો.”

હું આ બધું બોલી ગયો ને શાંતિની રમત આદરી. “ૐ શાંતિઃ” બોલ્યો પણ છોકરાઓ તો ધક્કાધક્કી ને વાતો કરતા હતા. બેપાંચ વાર બોલ્યો પણ જાણે હવામાં જાય છે! હું મનમાં મૂંઝાયો, “ચૂપ! ગડબડ નહિ!” એમ તો કાંઈ થોડુંક કહેવાય? થપાટ મારીને ડરાવાય પણ કેમ ? પણ હું આગળ ચાલ્યો ને બારીઓ બંધ કરી. અંધારું થયું ને ધ્યાન (!) ચાલ્યું. છોકરાઓમાંથી કોઈ ઉઉં કરવા લાગ્યા, કોઈ હાઉ હાઉ કરવા લાગ્યા, તે કોઈ ધડધડ પગ પછાડવા લાગ્યા. એમાં એક જણે તાળી પાડી ને બધાએ તાળીઓ પાડી. પછી કોઈ હસ્યું ને હસાહસ ચાલી. હું ખસિયાણો પડી ગયો; મેાં ફિક્કું પડ્યું; બારીઓ ઉઘાડી નાંખી ને જરા વાર ઓરડાની બહાર જઈ પાછો આવ્યો. વર્ગ આખો ઊલટો મસ્તીમાં આવ્યો હતો; છોકરાઓ એકબીજાની સામે “ ॐ શાંતિ” કરતા હતા. કોઈ ઊભા થઈને પોતે જ બારીઓ બંધ કરતા હતા.

મને થયું: “આ મારી નેાંધ ખોટી પડી. ઘરમાં બેઠાં બેઠાં નોંધ કરી કલ્પનામાં ભણાવી દેવું સહેલું હતું; પણ આ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. આ અત્યાર સુધી ઘેાંધાટ ને ધમાધમીમાં ઉછરેલા છોકરાઓ આગળ શાંતિની રમત એટલે હમણાં તો ભેંશ આગળ ભાગવત જેવું થયું. પણ ફિકર નહિ. ચૂક્યા ત્યાંથી ફરીને. સારું જ થયું કે પહેલે જ ગ્રાસે મક્ષિકા આવી. કાલથી નવા ગણેશ માંડીશું.”

હું વર્ગમાં આવ્યો ને છોકરાઓને કહ્યું: “ભાઈઓ, આજે હવે વધારે કામ નહિ કરીએ. કાલથી આપણે આપણું કામ શરૂ કરીશું. આજે તમને રજા.”

“રજા” શબ્દ સાંભળતાં છોકરાઓ હોહો કરતા વર્ગ બહાર ગયા ને આખી નિશાળ ખળભળી ગઈ. “રજા”, “રજા”, “રજા” વાતાવરણમાં ગાજી રહ્યું ! છોકરાઓ કૂદતા, ઉછળતા, ઉલળતા ઘર ભણી ભાગવા લાગ્યા.

બીજા શિક્ષકો અને નિશાળિયાઓ જોઈ રહ્યા: “આ શું છે?” હેડમાસ્તર એકદમ મારી પાસે આવ્યા ને જરા ભવાં ચડાવી કહ્યું: “રજા કેમ પાડી ? હજી બે કલાકની વાર છે.”

મે કહ્યું: “ આજે છોકરાઓ અભિમુખ ન હતા. આજે તેઓ અવ્યવસ્થિત હતા. શાંતિની રમતમાં મેં તે જોયું હતું.”

હેડમાસ્તરે કડકાઈથી કહ્યું: “પણ એમ તમે વગર પૂછ્યે રજા ન આપી શકો. વળી એક વર્ગના છોકરાઓ ઘેર જાય એટલે બીજાઓ કેમ ભણે ? તમારા આવા પ્રયેાગો નહિ ચાલે.”

તેમણે જરા રોફ કરી ફરી કહ્યું: “એ તમારી અભિમુખતા–ફભિમુખતાને જવા દો; અને શાંતિની રમત તો ચાલે મૉન્ટેસોરી શાળામાં અહીં પ્રાથમિક શાળામાં તો ફડ કરતો તમાચો લગાવો એટલે સૌ ચૂપાચૂપ ! ને પછી રીતસર સૌ ભણાવે છે એમ ભણાવો તો બાર માસે પરિણામ દેખાશે. આ એક દિવસ તો ગયો ને ઊલટા બન્યા !”

મને મારા હેડમાસ્તરની દયા આવી. મેં કહ્યું: “સાહેબ, તમાચા મારી ભણાવવાનું તો બીજા સૌ કરી જ રહ્યા છે. અને તેનું ફળ તો હું ભાળું છું કે છોકરાઓ કેટલા અસભ્ય, જંગલી, અશાંત અને અવ્યવસ્થિત છે. હું તો જોઈ શક્યો કે આ ચાર વર્ષની કેળવણીમાં છોકરાએાએ જાણે કે આટલું જ લીધું: હોહો, હૂહૂ ને તાળી પાડવી ! એમને નિશાળ તો ગમતી જ નથી. રજાનું નામ પડ્યું એટલે તો ઊછળી ઊછળીને ભાગ્યા !”

હેડમાસ્તર કહે: “ત્યારે હવે તમે શું કરો છો તે જોઈશું.” હું ધીરે પગે અને મોળે હૈયે ઘેર ગયો. વિચાર કરતો પડ્યોઃ “માળું, કામ તો આકરું છે ! પણ આકરું છે તેથી તો મારી ખરી કસોટી થશે. હરકત નહિ. આપણે હારવું નથી. એમ કાંઈ “શાંતિની રમત' તે થતી હશે ? મૉન્ટેસોરી પદ્ધતિમાં એ માટે કેટલી પૂર્વ તાલીમ હોય છે ? હું પણ થોડોએક મૂરખ તો ખરો કે પહેલે જ દિવસે એ કામ ઉપાડ્યું ! પ્રથમ મારે એમનો કંઈક પરિચય સાધવો જોઈએ. કંઈક મારે માટે તેમને રસ ને પ્રેમ ઉપજવાં જોઈએ. પછી તેઓ મારું કહેવું કંઈક સાંભળે ને કરે. જ્યાં આ છોકરાઓને નિશાળ નહિ પણ રજા ગમે છે ત્યાં કામ કરવું એટલે તો ભગીરથે ગંગા આણવી !”

બીજા દિવસના કામના વિચારો ગોઠવ્યા ને સૂતો. રાત્રી તો દિવસના કામમાં અને આવતી કાલના કામનાં સ્વપ્નોમાં જ ચાલી ગઈ.