લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૩.૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૩.૧ દિવાસ્વપ્ન
પ્રકરણ-૩.૨
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૩.૩ →


પણ હજી મેં ભૂગોળ, પદાર્થપાઠ અને વ્યાકરણનો સ્પર્શ સરખો યે કર્યો ન હતો. મને થયું વ્યાકરણને ઉપાડું. વ્યાકરણ અઘરો વિષય ગણાય છે, અને તેમાં વિદ્યાર્થીએાને સીધી રીતે રસ હોવાનું કારણ નથી. ભાષાના પદચ્છેદમાં ચોથા ધોરણના વિદ્યાર્થીને શા માટે રસ હોય ! એમાં કયું રસિક તત્ત્વ છે ! કઈ વસ્તુ આનંદ વગર તે વખતના જીવનને ઉપયોગી એવું જ્ઞાન આપે છે! વિદ્યાર્થીને કઈ જગાએ એમ થાય એમ છે કે વાહ, આમાં તો ગંમત છે ! – આ તો ભારે ઉપયેાગી ! તેથી મેં તો મારો વિચાર બાંધેલો જ છે કે વ્યાકરણનું શિક્ષણ ભાષાશિક્ષણમાં રસ લેતા થઈ ગયેલા મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે જ હોય. પ્રાથમિક શાળામાંથી એ વિષય જ નીકળી જવા જોઈએ. જે વિષય શીખવવામાં અઘરો પડે અને જે શીખનારને કંટાળો આપે તે શા માટે શીખવવો!

જ્ઞાનના બીજા વિષયો ક્યાં થોડા છે !

પણ મારે અખતરો તો કરવો જ હતો. કંઈ નહિ તો મારી શરત પ્રમાણે પરીક્ષા વખતે મારે તે વિષય પણ સારી રીતે શીખવી બતાવેલો દેખાડવો હતો. તાત્ત્વિક વિચારોને કારણે વ્યવહારને માટે મારા આ અખતરામાંથી તે છોડી દેવાનો ન હતો. મારે તો ચાલતા ચોથા ધોરણમાં તે સારી રીતે કેમ શીખવાય તે સમજાવવું હતું.

વ્યાકરણનો અભ્યાસક્રમ વાંચી ગયો. મને થયું કે આ ક્રમે તો આપણે ન ચાલીએ. નામની વ્યાખ્યા, ક્રિયાપદની વ્યાખ્યા ઝટ ગોખાવાશે પણ બરાબર સમજાવાશે નહિ. મને નાનપણમાં જ્યારે સમજાવવામાં આવતું હતું ત્યારે હું પણ સમજી શકતો ન હતો; માત્ર યાદ જ રાખતો હતો. યાદ રહે તેટલા ઉપરથી શિક્ષકો ભૂલ ખાઈ બેસે છે કે તે સમજવામાં આવેલું છે. મેં ચાલતી રીતને તો નમસ્કાર જ કર્યા. હવે નવી કઈ રીતે વ્યાકરણ શીખવવું? મેં વિચાર કર્યો, યોજના ઘડી અને તેને અમલમાં મૂકી. ખરેખર વિદ્યાર્થીઓને ભારે મજા પડી, તેઓને મન એક સુંદર રમત થઈ પડી; અને તેઓ બે માસમાં તો નામ, સર્વનામ, વિશેષણ ક્રિયાપદ ને અવ્યયને ઓળખતાં અને વાકયમાંથી બતાવતાં શીખી ગયા. તેઓ એકવચન અને બહુવચન, તેમ જ નર અને નારીજાતિનો ભેદ પણ સમજ્યા. હું કર્તા અને કર્મને ઓળખાવવાની યોજના વિચારી રહ્યો હતો, એટલામાં એક વાર અમારા વર્ગમાં વ્યાકરણની રમત ચાલતી હતી ત્યાં મહેરબાન ઉપરી સાહેબ ચડી આવ્યા; અને તેઓ તો એ બધું જોઈ જ રહ્યા ! પછી તેઓ બોલ્યાઃ “છોકરાઓને વળી ગંજીપે કયાં ચડાવ્યા ? છમાસિક પરીક્ષા માથે આવી છે તો કંઈક ઝપાટો મારો. જોજો, આપણું માર્યું ન જાય. અખતરો પાર પાડવો છે; ખબર છે ને !”

મેં જરા હસીને કહ્યું: “સાહેબ, એની મને પૂરેપૂરી ચિંતા છે; અને આ ચાલે છે તે વ્યાકરણની રમત છે, આપ જરા આ છોકરાઓને વ્યાકરણમાં તપાસશો ?”

ઉપરી સાહેબે બેપાંચ સવાલો પૂછ્યા. મને કહે: “ઓહો ! આ તો સુંદર કામ થયું છે ! આ તમારી આખી યોજના મારે સમજવી છે. વ્યાકરણ તમે છોકરાઓને આટલી ગંમત સાથે શીખવતા હો તો બધા વર્ગોમાં એ જ રીત દાખલ કરીએ. કાલે રજા છે. મારે ત્યાં આવજો ને આ બધાં સાધનોથી કેમ કર્યું તે બધું મને સમજાવજો.”

* * *

બીજે દિવસે મારાં વ્યાકરણનાં સાધનો લઈ હું સાહેબ પાસે ગયો અને મેં મારું કામ પહેલેથી આ પ્રમાણે રજૂ કર્યું.

સાહેબ ! જુઓ, આ મારું પહેલું સાધન. આ પૂંઠાં પર આ બાજુએ નર અને આ બાજુએ નારીજાતિના શબ્દો લખ્યા છે. માથે નરજાતિ, નારીજાતિ એમ લખ્યું છે. આપ જોશો કે આ પૂઠાંઓમાં નિયમિત નારીજાતિના અને આમાં અનિયમિત નારીજાતિના શબ્દો છે. મારું પ્રથમ કાર્ય આ પૂઠાં છોકરાઓને વાંચવા આપવાનું છે. તેઓ તે વાંચે છે, ખૂબ વાંચે છે, આવાં જેટલાં પૂઠાં આપો તેટલાં વાંચે છે ! અહીં તેમને જાતિના શબ્દોને પરિચય થાય છે. માથે લખ્યું છે નરજાતિ, નારીજાતિ; તેથી શબ્દોની જાતિ તરફ કંઈક વિચાર જાય છે. પણ પ્રથમ તો જાતિ શબ્દોનો પરિચય જ થાય છે.

પણ પછી મેં એક દિવસ તેમને કહ્યું: “બળદની નારી કઈ?” તેઓ કહેઃ “ગાય.” “સિંહની ?” “સિંહણ.” “છોકરાની?” “છોકરી.” ” ડોસાની ?” “ડોસી.” “કૂતરાની ?” “કૂતરી.” “મોરની ?” “ઢેલ.”

મારી યોજના આબાદ સફળ નીવડી. પરિચયથી તેમનામાં વિચાર સ્ફૂર્યો હતો. શબ્દપરિચયથી તેમનામાં જ્ઞાન જાગ્યું હતું.

મેં કહ્યું: “ચાલો એક રમત રમીએ. હું નરજાતિ લખું, તમે નારીજાતિ લખો.” મેં નરજાતિ વાચક શબ્દો લખાવવા માંડ્યા અને સાથે તેઓ નારીજાતિ શબ્દો હોંશે હોંશે લખવા માંડ્યા; અને તપાસું છું તો થોડી જ ભૂલો ! – થોડાની જ ભૂલો !

મેં કહ્યું: “ચાલો, એક બીજી રમત બતાવું આ પેટીઓ છે, આમાં નરજાતિ છે, આમાં નારીજાતિ છે. નરની નારી જાતિ શોધો, અને નારીની નરજાતિ શોધો.”

છોકરાઓ એ રમત કેટલા ય કલાકો સુધી રમ્યા.

ઉપરી સાહેબઃ “પણ એક પેટીમાં બધા શી રીતે રમે ?”

મેં કહ્યું: “એ માટે તે મારે એક રસ્તો કાઢવો પડ્યો હતો. વર્ગમાં મેં દસ આ બાજુ ને દસ સામી બાજુ કૂંડાળાં કાઢ્યાં હતાં. આ તરફનાં દસમાં નર શબ્દો અને સામે નારીના શબ્દો મૂકયા હતા. એક એક કૂંડાળે એક એક વિદ્યાર્થી બેઠો. પોતાનો શબ્દ લઈ તેની નારી શોધવા તે જાય અને જ્યાંથી મળે ત્યાંથી શોધી લાવી નરનારી સાથે મૂકે. એમ દરેક કૂંડાળા પાસે નરનારીનાં જોડકાં થાય. બધા શબ્દો ખલાસ થાય એટલે રમત ફરી વાર ચાલે. બે છોકરાઓને જ રમવું હોય તો એક એક પેટી રાખી નરની નારીજાતિ ને નારીની નરજાતિ શોધે.”

ઉપરી સાહેબઃ “સમજાયું. આ તો ગંમત આવે તેવું છે. પણ નાન્યતરનું શું કર્યું ?”

“હા. નરનારીનો સારો પરિચય થયો એટલે એક વાર પાટિયા પર “નાન્યતર જાતિના શબ્દો” એમ કરીને યાદી મૂકી: હોલ્ડર, ટેબલ, પાટિયું, ડસ્ટર વગેરે વગેરે. છોકરાઓ વાંચી ગયા. પણ મનમાં વિચાર કરતા જોવામાં આવ્યા કે આની જાતિ કઈ હશે ? તેઓના પરિચયમાંથી ઉત્પન્ન થયેલી સમજણને લીધે આનો નિર્ણય થઈ શકતો ન હતો. મેં કહ્યું: “આ શબ્દો નાન્યતર જાતિના છે.” અને પાટિયા પર “નાન્યતર જાતિ” એમ લખ્યું.

એક વિદ્યાર્થી: “પણ નાન્યતર એટલે?”

મે કહ્યું: “નર નહિ, નારી નહિ તે નાન્યતર.”

છોકરાઓનાં મોં પર સમજણ દેખાઈ. મેં તરત જ કહ્યું: “લખો શબ્દો. ત્રણ ખાનાં પાડો: એક નરનું, એક નારીનું, અને એક નાન્યતરનું.”

સાઠ શબ્દો લખાવ્યા ને મને પણ નવાઈ લાગી કે લગભગ મોટા ભાગની કોઈ કોઈ જ ભૂલ હતી. મને થયું કે વ્યાખ્યામાં પ્રથમ ન પડતાં પરિચય આપવો એ સુંદર રીત છે. તેમને રમતોથી પરિચય કરાવી શકાય છે. ધીમે ધીમે તેમને તેની શાસ્ત્રીય ભાષા આપવી.

ઉપરી સાહેબ: “પણ તમે કેવો, કેવી, કેવું એમ બતાવ્યું હોત તો ?” મેં કહ્યું: “તે rule of the thumb થાત: ખાલી ગેાખણ. તે વગર સમજણની વાત થાત. હવે તેઓને કપ રીતની ખાતર કેવા, કેવી, કેવું એ પરીક્ષાઓ બતાવી શકાય.”

ઉપરી સાહેબઃ “વારુ; પછી આગળ કહો.”

મે કહ્યું: “પછી મે વચનો લીધાં: એકવચન, બહુવચન. તે પણ ઉપરની જ રીતે.”

ઉપરી સાહેબ: “એમ ! એમાં પણ રમતો જ ચલાવી ?”

મે કહ્યું: “હા જી. એકવચનવાળો બહુવચનને શોધી લાવી જોડી કરે.”

ઉપરી સાહેબઃ “એ તો ઠીક; પણ તમે નામ, ક્રિયાપદ વગેરે શી રીતે શીખવ્યું, એ કહો જોઈએ ?”

મેં કહ્યું: “જુઓ, પ્રથમ મેં ક્રિયાપદો લીધાં. વિદ્યાર્થીઓને વાંચતાં તો આવડે જ છે. મેં તેમને સમજાવ્યું કે જેમ પાટિયા પર લખું તેમ કરવું. લખ્યા પ્રમાણે ક્રિયા કરવી… હું ક્રિયા લખીશ, તમારે ક્રિયા કરવી. જેના તરફ આંગળી ચીધું તે કરે. મેં પાટિયા પર લખ્યું: 'ઊઠો', 'બેસો', 'દોડો', 'સૂઓ', 'રમો', 'ચાલો', 'નાચો', 'વાંચો', 'બોલો', 'હાલો', 'દોડો', 'પડો', 'કૂદો', 'ઠહાકો', 'બીઓ', 'ડોલો' વગેરે.

આ સાદી ક્રિયાઓ કરવામાં છોકરાઓને ભારે મજા પડી. તેઓ કહે: “વધારે લખો.” હું આવા શબ્દો વિચારતો ગયો ને તેઓ તે પ્રમાણે કરતા જ ગયા. બીજે દિવસે મેં એક કાર્ડ પર લખ્યું: 'થોડાંએક ક્રિયાપદો;-ઊઠો, બેસો, દોડો' વગેરે. સૌએ વાંચ્યું 'થોડાંએક ક્રિયાપદો.' ત્રીજે દિવસે હું એક ડાબલી લાવ્યો. તેની ઉપર લખ્યું હતું “ક્રિયાપદોની પેટી.” છોકરાઓએ ઉઘાડી ને તેમાંથી ક્રિયાપદો લીધાં; નાચો, કૂદો, ભાગો, મારો, પડો અને તેઓ તેમ કરવા લાગ્યા. પછી મેં કહ્યું: “થોડાંએક ક્રિયાપદો લખી લાવો જોઈએ ?” તેઓ થોડાંએક શોધી લાવ્યા.

મેં એક બીજી રમત કાઢી. મેં તેમને કહ્યું: “જુઓ, હું કોઈને કંઈ કરવાનું કહીશ. પછી તે શું કરે છે તે પાટિયા પર લખજો.” જગજીવનને મેં કહ્યું: “દોડો.” તે દોડ્યો. મેં પૂછ્યું: “શું કરે છે?” એક જણ કહે: “દોડે છે.” બીજાને પૂછયું: “કઈ ક્રિયા કરે છે?” તે કહે: “દોડે છે.” પછી મેં છોકરાઓ પર દોડો, કૂદો, લખો, વાંચોના હુકમો છોડ્યા અને બીજાઓને તેઓ શું કરે છે તે પાટિયામાં લખવા કહ્યું. જોયું તો તેઓએ બરાબર લખ્યું હતું. અલબત્ત કોઈ કોઈ સમજતા ન હતા તેથી લખી શક્યા ન હતા. કોઈ એ ક્યાં ય ક્યાં ય ભૂલો પણ કરી હતી.

મેં એ જ ધોરણે કહ્યું: “હવે જે કોઈ કંઈ કરે તેણે શું કર્યું તે લખો.”

જગજીવનને કહ્યું: “દોડો.” તે દોડ્યો અને તેઓએ 'દોડ્યા' એમ લખ્યું.

આમ રમતો ચાલી. તેએાને અંદર અંદર રમત રમવાની અને લખવાની છૂટ આપી. ખૂબ ઉત્સાહથી તેઓ રમતા હતા. પછી મેં તેમને એક દિવસ બેસાડ્યા ને કહ્યુંઃ “રામજી દોડે છે ત્યારે દોડવાની ક્રિયા કરે છે, ખરું ?” તેઓ કહેઃ “હા.” “ત્યારે શામજી લખે છે ત્યારે શાની ક્રિયા કરે છે ?” “લખવાની.” આમ મેં તેમને લીધા. એવી જ રીતે શામજી દોડ્યા ત્યારે શાની ક્રિયા કરતા હતા, વગેરે સવાલો પૂછયા ને ઉત્તરો લીધા. પછી મેં પાટિયા પર લખ્યું: “દોડે છે, દોડ્યા, બોલે છે, ચાલ્યા, આ બધાં ક્રિયાપદો છે; એમાં કંઈક કરવાનું છે.”

છોકરાએાએ વાંચ્યું ને તેએાએ હા કહી.

ઉપરી સાહેબ કહે: “પછી ?” પછી મેં તેમને કહ્યું: “લખી લાવો હાથ આવે તેટલાં ક્રિયાપદો.” તેઓએ જ્યાં ક્રિયાવાચક શબ્દો ભાળ્યા ત્યાંથી તે લીધા. પાટી આખી ભરી દીધી.”

ઉપરી સાહેબ: “પછી ?”

“પછી મેં એક બીજી રમત લીધી. પાટિયા પર વાક્ય લખ્યું: 'રામજી દોડે છે; ચંપક વાંચે છે.' ને કહ્યું કે આમાંથી ક્રિયાપદને રાખો ને બીજું બગાડી નાખો; અને છોકરાઓએ આબાદ સાચું કર્યું. પત્યું. ત્યાં મેં તે વખતે ક્રિયાપદનો પાઠ અટકાવ્યો.”

ઉપરી સાહેબ: “ મને લાગે છે કે આ રીતે જરૂર તેમને આવડે. પણ તેએાનો વખત ઘણો જાય ને રમત રમવી પડે.”

મે કહ્યું: “ રમતો રમવામાં તો મજા આવે છે, ને થોડો વખત બગાડવો ને પરિણામે તેના કરતાં જરા વધારે વખતને સુધારવો એ શું સારું નથી ?”

ઉપરી સાહેબ: “એ તો ઠીક. વારુ, નામનું શું કર્યું ?”

મે કહ્યુંઃ “નામનું કામ મેં આ પ્રમાણે લીધું. પ્રથમ તો મારી રીત પ્રમાણે મેં નામોનાં પૂઠાં ટીંગાડયા: નામો, નામો, નામો. છોકરાએાએ પુષ્કળ શબ્દો વાંચ્યા, વારંવાર વાંચ્યા. નામોની યાદીમાં ખૂબ વિવિધતા હતી, અને એ વિવિધ નામો અમુક સમૂહો રચી તેમાં ગોઠવેલાં હતાં, એટલે તેનું વાચન સર્વને એક આનંદદાયક કાર્ય થઈ પડ્યું, વિદ્યાર્થીઓને ખબર ન પડે તેમ મારે આવું શીખવવાનું હોય છે. તેઓ હવે ક્રિયાપદોનાં અને નામોનાં પૂઠાંમાંથી નામેાને જુદાં પાડતા હતા. આ રીતે બે વર્ગને જુદા પાડવાનો પરિચય વધતો હતો.”

મેં તેમને એક વાર બેસાડ્યા ને કહ્યું: “જુઓ, હું મંગાવું છું. શું ? હું કંઈ કહેતો નથી. માત્ર જેને નામ હોય, જેનું કંઈ નામ હોય તે લઈ આવો, ઉપાડી લાવો. જઈને પૂછજો, 'તારું નામ શું ?' નામ હોય તો લાવજો.”

છોકરાઓ સમજ્યા. તેએા ઉપડ્યા. પાટિયાને કહેઃ “તારું નામ ?' પોતે જ કહેઃ ' પાટિયું.' 'ચાલો ત્યારે.' પાટિયું આવ્યું. ટેબલ આવ્યું. પથરો, લાકડી, ધૂળ, કાગળ, ચો૫ડી, પાટી, પેન, ડાબલી, જે ને તે થવા માંડ્યું ભેગું એક જણ તો બાજુના વર્ગના છોકરાને ઉપાડીને લાવ્યો ! મેં કહ્યું: “આ શું ? લાવનાર કહેઃ “એને નામ છે.” કોઈ કહેઃ “સૂરજ શી રીતે લાવવો ?” કોઈ કહેઃ “લીમડો નથી લવાતો.” હું સમજ્યો કે આ લોકો મનમાં મનમાં નામનો અર્થ સમજ્યા લાગે છે.

આ રમત ચાલતી હતી તે દરમિયાન હું નામેાની કાપલીએાની પેટી લાવ્યો. ઉપર 'નામો' લખ્યું હતું. અંદર પાંચસો નામો હતાં. બધાં નામો જ નામો. છોકરાઓ હવે ટેવાઈ ગયા હતા. પેટી કાઢીને મૂઠી મૂઠી નામો ઉપાડી ગયા ને વાંચી નાખ્યાં. મેં એમાં બધી જાતનાં નામો નાખ્યાં હતાં. કોઈ કહેતું: “આ રતાશ નામ શી રીતે ?” મેં પૂછયું: “ત્યારે આ લાલાશ દેખાય છે એને કયું નામ આપીશું ?” છોકરો હસીને પાછો જતો.

પછી મેં નામો તથા ક્રિયાપદોની પેટીઓ ભેગી કરી નાખી, અને નામ તથા ક્રિયાપદને છૂટા પાડવાનો ધંધો–રમત બતાવી. તે સુંદર ચાલી. તે વખતે નામનો અને ક્રિયાપદનો મનમાં બેઠેલો ખ્યાલ તેઓ સારી રીતે બતાવી શકતા હતા.

પછી મેં તેમને એક બીજી રમત બતાવી. ક્રિયાપદને લાયકનું નામ એળખવાની અને નામને લાયક ક્રિયાપદ એાળખવાની. 'ઘેાડો' શબ્દ લઈ 'દોડે છે.' કે 'દોડ્યો' શોધાય, 'ખાય છે' શબ્દ લઈને 'રામજી' શોધાય, વગેરે સમજાવ્યું; અને શોધેલા શબ્દોને ગોઠવીને મૂકવાનું બતાવ્યું. આ કામ પણ ચાલ્યું. પછી મેં શું કર્યું ? મેં વાક્યો પાટિયા પર લખ્યાં ને છોકરાઓને કહ્યું: “આમાંથી નામો અને ક્રિયાપદો પાટીમાં લખો. આમાંથી નામો બોલો. આમાંથી નામો બતાવો. આમાંથી નામો ભૂંસો. ક્રિયાપદો ભૂંસો. આને શું કહેવાય ?” વગેરે.

અહીં છોકરાઓને નામ અને ક્રિયાપદનું પદચ્છેદ આવડ્યું.

ઉપરી સાહેબ: “સાચી વાત છે, ખરેખર ! એક ક્ષણ પણ છોકરાઓને મહેનત નહિ પડી હોય; પણ જરા સાધનનો ખર્ચ પડે એવું છે, અને તમારા જેવી જરા હૈયાઉકલત જોઈએ.”

મેં કહ્યું: “સાહેબ, છોકરાઓને ગોખણપટ્ટીમાંથી બચાવવા માટે આટલો ખર્ચ કરવો પડે એમાં કાંઈ નથી. આ બધું તો મેં મારા ઘરને ખર્ચે કર્યું છે. જૂનાં પૂઠાં શોધી પેટીઓ કરી ને ઘરમાં આડાઅવળા પડેલા કાગળો ઉપાડી તેની કાપલીઓ કરી.”

ઉપરી સાહેબ: “આ ખર્ચ તમને મળે તેવી ગોઠવણ કરીશ.”

મે કહ્યું: “આ ખર્ચ મળે તેવી ગોઠવણ કરતાં આ પદ્ધતિને આપ સ્વીકારો તો મારો ખર્ચ લેખે લાગે.”

ઉપરી સાહેબઃ “વારુ, જોઈશું; પણ પછી શું કર્યું ?”

મેં કહ્યું “સાહેબ, પછી વિશેષણનું કામ શરૂ કર્યું. પણ આપને કંટાળો ન આવતો હોય તો જ આગળ વાત કરું. એક તો વ્યાકરણનો વિષય ને એમાં લાંબી લાંબી માંડીને વાત કરવાની મારી ટેવ.”

ઉપરી સાહેબ: “પણ પ્રયોગની વિગતો જણાવવી જોઈએ ને ! વિગત ન વિચારીએ તો તો પૂરેપૂરો ખ્યાલ જ કેમ આવે ! વારુ, થોભો. આ ચા આવી છે તે પીધા પછી આગળ ચાલીએ.”

સાહેબ એમ તો શોખીન હતા. ચા ઊંચી જાતની પીતા હતા. મારો અંગત શોખ પણ જાણતા હતા. પૂરી વીસ મિનિટ ચા પીવામાં ગાળી. પછી તો અમે જરા લહેરમાં આવ્યા ને વાત આગળ ચાલી.[]

મેં કહ્યું: “છોકરાઓની પાસે મેં મારા રિવાજ પ્રમાણે વિશેષણોનાં પૂઠાં મૂક્યાં. પૂઠાં ઉપર વિશેષણો વિશેષણો. હવે તેમનો રસ વધ્યો હતો. તેઓ વિશેષણો વાંચતા હતા. એકે પૂછ્યું: 'ભાઈ, વિશેષણ વળી શું ?” મેં કહ્યું: 'જુઓ ને એ બધાં વિશેષણો છે ! એ વિશેષણો.' તેઓ મનમાં મનમાં તેનો અર્થ સમજતા જતા હતા. પછી પાછી રમત શરૂ થઈ વિશેષણ, નામ અને ક્રિયાપદોનાં પૂઠાં વાંચવાની ને જુદાં પાડવાની.

પછી મેં એક નવી રમત આપી: “ જુઓ છોકરાઓ, હું મગાવું તે લાવો.”

“પેન્સિલ લાવો.”

છોકરો એક પેન્સિલ લાવ્યો.

“રાતી પેન્સિલ લાવો.”

રાતી પેન્સિલ લાવ્યો.

“પીળી પેન્સિલ લાવો.”

પીળી લાવ્યો.

“પેન્સિલ મૂકી આવો.”

છોકરો કહેઃ “કઈ?”

મેં કહ્યુંઃ “રાતી.”

પછી કહ્યું: “પીળી, ભૂરી, ગુલાબી, લાંબી, ટૂંકી” વગેરે.

વળી પાઠ આપ્યો. “એકાદ પેન્સિલ ઉપાડો.”


  1. વાંચનાર થાકે તો અહીં ચા પીને આગળ વાંચવાનું સૂચન નથી.'

કોઈ પેન્સિલ ઉપાડવામાં આવી.

“હવે ખાસ લીલી ઉપાડો.”

લીલી ઉપાડી.

“હવે ખાસ પીળી ઉપાડો.”

પીળી ઉપાડી.

“હવે ખાસ લાંબી ઉપાડો.”

લાંબી ઉપાડી.

મેં પૂછ્યું: “ ખાસ કઈ પેન્સિલ લીધી ?”

“લીલી.”

“ખાસ કઈ લીધી ?”

“પીળી.”

“ખાસ કઈ લીધી ?"

“લાંબી.”

મેં પાટિયા પર લખ્યું: “આ ખાસ શબ્દો – આ વિશેષણો –કંઈક ખાસ બતાવે છે: કંઈક વિશેષ વધારે બતાવે છે.”

છોકરાઓએ વાંચ્યું ને તેમને કંઈક વિચાર થયો હશે.

મેં નામ અને વિશેષણની પેટીઓ કાઢીને રમત બતાવી: “નામનું વિશેષણ શોધો અને વિશેષણનું નામ શોધો.” છોકરે “રાતો” શબ્દ લીધો ને નામની પેટીમાંથી “ઘોડો” શબ્દ કાઢયો અને “રાતો ઘોડો' ગોઠવીને મૂકયું વિશેષણ અને નામના ઢગલાઓમાંથી જોડકાં બનવા લાગ્યાં. હું તો જોતો હતો અને ફરતો હતો. કેાઈ કેાઈ જોડકું ખોટું પડતું હતું.

પછી તો મેં મારી જુદી જુદી રીતે વિદ્યાર્થીઓને તપાસી જોયા. તેઓ વિશેષણનો અર્થ મનમાં સમજેલા હતા તેથી ઝટ દઈને બરાબર નામ કે વિશેષણ ખોળી જ કાઢતા હતા. ઉપરી સાહેબ કહે: “તમે તો ગમત કરી છે ! નામ, વિશેષણ ને ક્રિયાપદને સુંદર રીતે ઓળખાવ્યાં. વારુ, વ્યાખ્યા આપશો કે નહિ?”

મેં કહ્યું: “વ્યાખ્યા તો અપાઈ ગઈ છે ને ! બાકી વ્યાકરણની અંદર આપેલી વ્યાખ્યા હું નહિ શીખવું, અને આપે પરીક્ષામાં તેવું પૂછવું ન જોઈએ. આપ પદચ્છેદ પૂછજો.”

ઉપરી સાહેબ કહે: “મારે આ વિષયની પરીક્ષા નથી લેવી. મારે તો આ રીત આખી શાળામાં દાખલ કરવી છે. છોકરાએ। વ્યાકરણ ગોખી ગોખીને મરી ગયા.”

મેં કહ્યું “સાહેબ, વ્યાકરણ શીખતાં તો મારો વાંસો ફાટી ગયો છે. અમારા માસ્તર સાહેબ અમને ન આવડતું ત્યારે ફટકારતા.”

ઉપરી સાહેબ કહે: “ તે હજી કયાં મારતા નથી?”

મેં કહ્યું: “તો પછી આપ તે બંધ ન કરો?”

ઉપરી સાહેબ: “ એ તો જાણે મારા હાથમાં છેક ન ગણાય; ને ગણાય પણ ખરું. વળી હજી મારો મત...પણ આપણે સારી રીતે ભણાવીએ તો માર મારવાનું એની મેળે જ અટકે. જુઓ ને, તમારે વ્યાકરણ શીખવતાં કોઈને મારવું પડયું ? પણ કહો જોઈએ, સર્વનામનું શું કર્યું ?”

મે કહ્યું: “એમાં વળી બીજું શું હોય ! એક નાની સરખી રમત. મેં સમજાવ્યું: 'હું એટલે કોણ ?' તેઓ કહેઃ 'લક્ષ્મીરામભાઈ.' 'ત્યારે તમે એટલે કેાણ?' શામજી કહેઃ 'એટલે હું શામજી.' મેં કહ્યું: 'પેલો કોણ છે ?”

આ સવાલો પૂછી મે પાટિયા પર લખ્યું –

હું–લક્ષ્મીરામ,

તું–ભીમજી.

તે –ધનજી. અમે–હું લક્ષ્મીરામ, ભીમજી, શામજી, ધનજી.

તમે–રવજી, લવજી, ત્રિકમ, દેવજી.

તેએા–પેલા ત્રીજા વર્ગમાં છે તે મોનજી, મૂળચંદ, લખમશી, રૂપસિંહ,

છોકરાઓએ વાંચ્યું. મેં કહ્યું: “આ હું, તું, તે બધાં સર્વનામ કહેવાય.”

એક કહે “સાહેબ, સર્વનામ એટલે શું ?”

મે કહ્યું: “તમે વિચાર કરોને ?”

બીજો કહેઃ “સાહેબ, મારું એટલે લવજીનું, એમ ને ? લક્ષમીરામભાઈનું એટલે તમારું, એમ ને ?”

ત્રીજે કહેઃ “ત્યારે મારું, તારું તમારું એ પણ સર્વનામો કે નહિ ?”

મે કહ્યું: “એ પણ ખરાં.”

પાંચમો કહે: “ પણ સર્વનામ અટલે શું ?”

મેં પાટિયા પર લખ્યું–

રામજીના હાથમાં પાટી છે.

રામજીના હાથમાં પેન છે.

રામજી બ્રાહ્મણ છે.

રામજી ભણે છે.

રામજી રોજ વહેલો આવે છે.

લક્ષ્મીરામ તમારા માસ્તર છે.

લક્ષ્મીરામ તમને ભણાવે છે.

લક્ષ્મીરામ તમને ફરવા લઈ જાય છે.

સૌએ વાંચ્યું. મેં બીજા વાકયથી 'રામજી' કાઢીને 'તે' મૂકયું. 'લક્ષ્મીરામ' કાઢીને 'હું' મૂકયું ને ક્રિયાપદમાં ફેરફાર કર્યો. છોકરાએાએ વાંચ્યું ને તેમનું મગજ ચાલ્યું. મેં પૂછયું: “કહો, સર્વનામ કોને ઠેકાણે મૂકવું?” કોઈ કહે 'રામજીને.' કોઈ કહે 'લક્ષ્મીરામભાઈને.'

મેં પૂછયુંઃ “રામજી, લક્ષ્મીરામ, એ નામ છે કે ક્રિયાપદ ?”

“ નામ.”

“ત્યારે રામજી, લક્ષ્મીરામ એ નામને બદલે જે આવે તેને શું કહીશું ?”

“ સર્વનામ "

ઉપરી સાહેબ હસ્યા: “તમે માસ્તર તો પક્કા લાગો છો ! બધું વિગતથી બરાબર ચીકણા થઈ ને વર્ણવો છો. ”

મે કહ્યું: “તે હવે કેમ મટી જવાશે ! વકીલ હોત તો ટૂંકમાં પતાવત. "

ઉપરી સાહેબ હવે થાકયા હતા; જોકે તેમને રસ પડયો હતો. પણ મે પછી રજા માગી અને તેમણે આપી. તેમણે કહ્યું: “ તમારી પરીક્ષામાંથી વ્યાકરણને બાદ કરવામાં આવે છે. પણ હજી કાળ અને વિભક્તિઓનું કામ કરવાનું છે તે થઈ જાય ત્યારે એક વાર વાત કરી જજો. મારે આવતે વર્ષે આ બાબતમાં કંઈક જરૂર કરવું છે."

હું પણ થાકયો પાકયો ઘેર આવ્યો ને પડી રહ્યો.