દિવાસ્વપ્ન/પ્રકરણ-૪.૩
← પ્રકરણ-૪.૨ | દિવાસ્વપ્ન પ્રકરણ-૪.૩ ગિજુભાઈ બધેકા ૧૯૪૨ |
પ્રકરણ-૪.૪ → |
ચોથા ધોરણના છોકરાઓ એટલે ભૂગોળનાં નામ અને વિષયથી કંઈક પરિચિત. મેં નકશા મંગાવ્યા અને કાઠિયાવાડ, ગૂજરાત તેમ જ મુંબઈ ઈલાકાના નકશા ભીંત ઉપર ટાંગ્યા. છોકરાઓ નવાઈ પામ્યા. આજ દિવસ સુધી મેં ભૂગોળ શીખવી જ ન હતી. તેઓ નોટોમાંથી કાગળિયા ફાડવા મંડ્યા અને કાગળની ભૂંગળીઓ ટચલી આંગળીએ ચડાવવા લાગ્યા. હું જોઈ રહ્યો.
મેં પૂછ્યું : “આ ભૂંગળાં શા માટે?”
છોકરાઓ કહે: “સાહેબ, નકશો ગેાખવા.”
હું હબકી ગયો. “નકશો ગોખાય ! ભૂગોળશિક્ષણે ગજબ કર્યો !” જરા રમુજ જોવા મેં છોકરાઓને કહ્યું: “ભાવનગર બતાવો.”
છોકરો મુંબઈ ઈલાકાના નકશા ઉપર ચારે કોર નજર નાખી. મુંબઈ વાંચ્યું, અમદાવાદ વાંચ્યું, હૈદરાબાદ વાંચ્યું; વળી નીચે ઊતરી પુના વાંચ્યું; વળી આ તરફ આવી પોરબંદર વાંચ્યું, પાછળ ઊભેલા બેત્રણ છોકરાએાએ ભાવનગર શોધી રાખ્યું હતું. તેમની ભૂંગળીએ ભાવનગર બતાવવા અધીરી થઈ રહી હતી. આખરે એક જણે વગર પૂછ્યે ભાવનગર બતાવી દીધું.
મેં પૂછ્યું : “ભાવનગર કઈ દિશામાં ?”
છોકરાઓએ ઊંચે, નીચે, જમણી બાજુ, ડાબી બાજુ જોઈ કાંઈક મનમાં હિસાબ ગણી, કાંઈક કાયદો સંભારી કહ્યું : “સાહેબ, ઉત્તરમાં.”
બીજો છોકરો કહે: “ ઉત્તર દિશા તે ઊંચે આવી; આ બાજુ તો પૂર્વ કહેવાય.”
મારાથી હસી જવાયું. મેં કહ્યું : ઊંચે તે આકાશ છે; ત્યાં ક્યાં ઉત્તર છે !”
છોકરાઓ કહે: “ના સાહેબ, ઊંચે ઉત્તર અને નીચે દક્ષિણ.”
એક છોકરો કહે: “સાહેબ, ઉત્તર દક્ષિણ લાંબું અને પૂર્વ પશ્ચિમ પહોળું.”
એક છોકરો કહે : “સાહેબ, સૂરજ ઊગે એ તરફ ઉગમણું.”
મેં કહ્યું: “બતાવો, નક્શામાં સૂરજ ક્યાં છે ?”
બધા વિચારમાં પડ્યા. મેં પૂછયું: “શેત્રુંજી નદી બતાવો.”
છોકરાઓએ ભૂંગળીથી શેત્રુંજી નદી બતાવી. મેં પૂછ્યું: “કોને મળે છે ?”
નકશામાંથી વાંચી છોકરાએાએ જવાબ આપ્યો “ખંભાતના અખાતને.”
મેં પૂછ્યું: “આમ અરબી સમુદ્રને શા માટે નથી મળતી ?”
છોકરો કહે: “તે એની મરજી. ખંભાતના અખાતને મળવું હશે.”
મેં પૂછ્યું: “આ નદી આમ નીચાણમાં શું કામ ગઈ ?”
છોકરો કહેઃ “સાહેબ, એમ જ જાય ને ! જુઓ ને, દક્ષિણ આમ નીચું જ છે ને !”
હું તાજુબ થઈ ગયો. ગયે વરસે ભણેલી ભૂગેળ તેઓ ભૂલ્યા નહોતા. ગોખણપટ્ટી સફળ હતી. આ વર્ષે પણ એ જ રીતે હું શીખવી શકું; પણ એ કાંઈ ભૂગોળનું શિક્ષણ થાય ! મેં છોકરાઓને કહ્યુંઃ “નકશાઓ બંધ કરી દો. એક મહિના પછી આપણે ભૂગોળ લઈશું, હમણાં આપણે થોડા દિવસ ચિત્રો કાઢીએ.”
છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. ચિત્રનો વિષય શાળામાં નવો; અભ્યાસક્રમમાં જગા નહિ. શાળામાં એવી સર્જનાત્મક એકે પ્રવૃત્તિને જગા નહિ પણ મારે એવી એકાદ પ્રવૃત્તિને તો દાખલ કરવી જ હતી.
બીજે દિવસે છોકરાએાને મેં કહ્યું: “ચીતરો; તમને ગમે તે ચીતરો; જેવું આવડે એવું ચીતરો. જોઈ જોઈને ચીતરો, નીચે રાખીને ચીતરો, સંભારીને ચીતરો, ફાવે તેમ ચીતરો. માણસ ચીતરો, ઢોર ચીતરો, પક્ષી ચીતરો, પતંગિયાં ચીતરો, ઝાડ ચીતરો, ફૂલ ચીતરો, આકાશ ચીતરો, ઘર ચીતરો, પદાર્થો ચીતરો, નકશા ચીતરો, ગમે તે ચીતરો.”
પાટીમાં પેનથી ચિત્રો ચીતરાવા માંડ્યા. વાંકાંચૂંકાં જેવાં તેવાં કેટલી યે જાતનાં ચિત્રો નીકળવા લાગ્યાં. આખી યે સવાર ચિત્રમાં ચાલી ગઈ. ઘંટ વાગ્યો ત્યારે આંખ ઊઘડી. વખત પૂરો થયો હતો. મેં છોકરાઓને કહ્યું: “જેનાં માબાપ પેન્સિલ અને કાગળ અપાવે તે નોટમાં ચિત્ર કાઢે; બાકીના બધા પાટીમાં.”
બેચાર દિવસ નીકળી ગયા. કેટલાં યે ચિત્રો નીકળી ગયાં- ચિત્રકાર જેને જોઈને ફેંકી દે એવાં; પણ છતાં વિદ્યાર્થીની પોતાની કલ્પનાનાં, પોતાની શકિતનાં ચિત્રો હતાં. મને થયું: “ચિત્રોનો હિસાબ અને સંગ્રહ રહેવો જોઈએ.” થોડીએક મુશ્કેલી વેઠી ઉપરી સાહેબને મળી એક બાજુ કોરા રદ્દી કાગળો કઢાવ્યા અને સાહેબ પાસેથી બે ડઝન રંગીન પેન્સિલો પડાવી. સાહેબે હસતાં હસતાં કહ્યું: “વળી ભણાવવું કોરે મૂકીને ચિત્રનું કાઢ્યું લાગે છે !”
દરેક વિદ્યાર્થી પાસે ચિત્રના વિષયવાર એક એક નોટ કરાવી અને તે પ્રમાણે તેમાં ચિત્રો કાઢવાનું મેં કહ્યું, ચિત્રોના વાતાવરણ રૂપે મેં લીમડાની ડાંખળીઓ, પીપળાનાં પાંદડા, તુલસીની માંજર તથા બારમાસી અને આકડાનાં ફૂલ મૂક્યાં. વેપારીને ત્યાંથી ભાતભાતની છાપેલી કોરોના નમૂનાના કટકા લાવીને ટાંગ્યા. એકાદબે ભાઈબંધને ત્યાંથી થોડાંએક સારાં ચિત્રો લાવીને જોવા માટે મૂક્યાં. હમેંશ વપરાતી ચીજો જેવી કે ખડિયો, હોલ્ડર, ડાબલી, દીવાસળીની પેટી વગેરે એકઠી કરીને મૂકી. એક પાટિયા ઉપર મોટા અક્ષરે લખ્યું : “ ચીતરો, ચીતરો, ચીતરો. તમારી મેળે ચીતરો. તમને ચિત્ર કાઢતાં આવડે છે. રોજ રોજ સારાં સારાં ચિત્રો નીકળતાં જાય છે."
છોકરાઓ તે કાઢવા પાછળ બહુ પડ્યા. કેટલાએકે તો છાપકામ, ભરતકામ અસલ જેવું જ ચીતર્યું. કોઈએ ફૂલોના રંગ જેવા જ રંગો ફૂલોમાં પૂર્યા. કોઈ ચીતરતા જ નહોતા; તો કેટલાએક બીજા કેમ ચીતરે છે તે બેઠા બેઠા જોતા હતા.
પખવાડિયા પછી હાઈસ્કૂલના ચિત્રશિક્ષકને હું તેડી લાવ્યો. મેં કહ્યું: “તમારે ચિત્ર કાઢતાં શીખવવાનું નથી. પાટીઆ ઉપર તમને ગમે તેવાં ચિત્રો તમે કાઢ્યે જાઓ, ધીમેથી કાઢજો, સફાઈથી કાઢજો. ઝાડ જોઈને ઝાડ કાઢી બતાવો, ખુરશી જોઈને ખુરશી કાઢી બતાવો.” ચિત્રશિક્ષકે તેમ કર્યું અને વિદ્યાર્થીઓ તલ્લીનતાથી તે જોઈ રહ્યા. બીજે દિવસે ચિત્રનું કામ એાર જામ્યુ. કાઢવાના નિયમોમાં કાંઈ વધારે સમજ વિદ્યાર્થીઓમાં આવી હોય તેમ લાગ્યું. તે પછી ચિત્ર નીચે તારીખ અને નામ લખવાનું મેં દાખલ કર્યુંં.
વળી થોડા દિવસ પછી એ ચિત્રકારભાઈને મેં બોલાવ્યા અને રેખાચિત્રોમાં કે આલેખનચિત્રોમાં રંગ કેમ પૂરાય તે કરી બતાવવા મેં ગોઠવણ કરી. ચિત્રકારે એક, બે, ત્રણ, ચાર, પાંચ એમ થોડાંએક ચિત્રોમાં સુઘડતાથી પેન્સિલથી રંગ પૂરી બતાવ્યા. વિદ્યાર્થીએાને રંગ પૂરવાની એક નવી દિશા મળી.
વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન માપતા હતા અને છોકરાઓ સાથે ફરતા હતા. છોકરાઓની નજરોનજર મકાનનો નકશો કાગળ ઉપર કેમ દોરાય તે અમે કરી બતાવ્યું. બેપાંચ દિવસ છોકરાઓને મેં સર્વેયરની ઓફિસમાં જ મોકલ્યા અને ત્યાં ડ્રાફ્ટસમૅનો શેરીના, ગામના, સીમના વગેરે નકશાઓ કેમ દોરે છે તે દેખાડ્યું. એકબે વાર છોકરાઓને મોજણીદાર સાથે સીમમાં લઈ ગયો અને પ્રત્યક્ષ મોજણીનું કામ બતાવ્યું. નિશાળમાં છોકરાઓ નિશાળને, ઓરડાને, પોતાના ઘરને, શેરીને અને કોઈ કોઈ વખત કોઈ કૂવા કે તળાવને ચીતરવા લાગ્યા. ચિત્રનું કામ વધારવા છોકરાઓને કુદરતમાં ફરવા લઈ જતો. કોઈ વસ્તુને અાંખમાં ખ્યાલ કેમ આવે તેની રમતો રમાડતો - જેવી કે કોક ઝાડ ઉપર નજર નાખતાંવેંત થડડાળી કેવાં છે તે જોઈ લઈને આંખ બંધ કરી તે કાગળ ઉપર ચીતરી લાવે; સૂર્યોદય વખતના રંગોની સામે જોઈ રહી તેનું ધ્યાન કરે, સંધ્યાકાળના ફરતા રંગેાની ખૂબીઓ જુએ; દૂરથી ઝાડ કેવું દેખાય છે અને પાસેથી કેવું લાગે છે તેનો જાતઅનુભવ કરે; ઝાડ, પદાર્થ, પર્વત, માણસ અને એના પડછાયા કેવા પડે છે તે ધ્યાન પર લે.
આ રીતે અમારું ચિત્રકામ ચાલતું હતું.