લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ- ૨.૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૨.૧ દિવાસ્વપ્ન
પ્રકરણ-૨.૨
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૨.૩ →


 : ૨ :

મેં અભ્યાસક્રમના વિષયોમાંથી કંઈક ઉપાડવાનું શરૂ કર્યું. એક દિવસ સવારે મેં કહ્યું: “લખો ડિક્ટેશન.” છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. તેઓના મનમાં કદાચ આવ્યું જ નહિ હોય કે હું ડિકટેશન લખાવું અને પાઠ લઉં ને દઉં, કે નકશો પૂછું ને એવું ને એવું કરું એવી જાતનો માસ્તર હોઉં. વળી એક રીતે હું તેવો ન જ હતો. મને તેઓએ તેવો જાણ્યો જ ન હતો.

મેં તેમને કહ્યું: “લખો.”

ઘણાની પાસે પાટી અને પેન નહોતાં. પાટીપેનનું કે બીજી ચોપડીઓનું તેમને કામ પડતું ન હતું એટલે તેઓ એ વિના જ આવતા થઈ ગયા હતા. બીજા વર્ગમાંથી મેં પાટી અને પેનો મગાવ્યાં ને ડિકટેશન લખાવવા બેઠો.

કેટલાએકે મોં મચકોડ્યાં. કોઈ કહે: “ભાઈ, વાર્તા નહિ ?” કોઈ કહેઃ “ચોપડી ક્યાં ચાલે છે તે એમાંથી ડિકટેશન લખાવશો !” એકબે કહે: “ પહેલાં જોઈ જવા દો કે ભૂલ ન પડે.”

મને થયું: “વારુ; આ બધા છે તો પૂરેપૂરી જૂની ઘરેડના શિક્ષણમાં ઊછરેલા. ડિકટેશનનો જૂનો અર્થ તેઓ બરાબર જાણે છે ને તેથી તેએાને તે ગમતું નથી, તેનાથી ભડકે છે ને તેની પૂર્વતૈયારી માગે છે.”

મેં વાચનાલયમાંથી એક ચોપડી ઉપાડી લખાવવા માંડ્યું. હું એક આખું વાક્ય બોલ્યો. પણ હું બેચાર શબ્દ બોલું ત્યાં તો છોકરાઓ કટ કટ શબ્દો સાંભળીને લખવા માંડ્યા ને વાક્ય બોલી રહ્યો તે તો તેમણે સાંભળ્યું પણ નહિ ! તેઓ “શું લખાવ્યું, ભાઈ?” “શું લખાવ્યું, ભાઈ?” એમ કહી પૂછવા લાગ્યા. મેં કહ્યું: “જુઓ, કેમ લખવું તે હું તમને બતાવું, હું જે વખતે બોલું તે વખતે તમારે મારી સામે જોવું, અને બોલી રહું તે બરાબર સાંભળી સમજી લઈ લખી નાખવું; ને પછી પાછું બીજું વાક્ય સાંભળાવા મારી સામે જોવું.” આ રીતે લખાવવા માંડ્યું. પણ જૂની ટેવને એકદમ કેમ ઠીક પડે ! આગળ જતાં તો સૌને એ જ નવી ટેવ પડી ગઈ ને કોઈને ફરી વાર પૂછવું નહોતું પડતું; તેમ હું માત્ર એક જ વાર બોલતો અને ફરીને સંભળાવી પણ જતો નહિ.

ડિકટેશન લખાઈ ગયું ને પાટીઓ નીચે મૂકાઈ તપાસી લીધું ને જાણ્યું કે જોડણીની ભૂલો ઘણી પડે છે, જોડાક્ષરોનું પૂરું ઠેકાણું નથી ને અક્ષરો પણ બરાબર સારા નથી.

મેં કોઈની પણ ભૂલ કાઢી ન હતી. જેમતેમ જોઈને પાટીઓ પાછી આપી હતી. બધા કહે “અમારી ભૂલ કેટલી ? અમારી કેટલી ? અમને ઉપર ચડાવો; ઉતારો.”

એક કહે: "હવે તે લક્ષ્મીરામભાઈ પણ ભણાવશે ને નંબર પૂરશે ને એવું એવું થશે.”

મે કહ્યું: “હું તો કંઈયે એવું કરવાનો નથી. ઠીક છે, તમને સૌને લખતાં આવડે છે ને ઠીક આવડે છે. કાલે વળી ફરી લખજો ને એમ કરતાં બહુ સરસ લખતાં આવડશે, રોજ રોજ લખીએ તો આવડે જ ને ! ને ભૂલો કાઢીને ય શું કરવું હતું !”

એક કહે: “પણ નંબર ને ચડાઊતરી ?”

મે કહ્યું: “આ મારી પાસે વાર્તા સાંભળો છો તેમાં ચડાઊતરી છે?”

“ના.”

“આ રમત રમીએ છીએ એમાં નંબર પૂરવાનું છે?”

“ના.” “આ તમે કોઈ ઊંચા છો ને કોઈ નીચા છો એમાં ચડાઊતરી છે ?”

"ના."

“તમે કોઈ જાડા છો ને કોઈ પાતળા છો એમાં ચડાઊતરી છે?”

“ના."

“કેાઈ પૈસાદાર છો ને કેાઈ ગરીબ એમાં નિશાળમાં નંબર ને ચડાઊતરી છે ?”

“ના."

“ત્યારે એમ. આપણા વર્ગમાં ચડાઊતરી જ નથી જોઈતી. કવિતા આવડે તે કવિતા ગાય; ન આવડે તો યાદ કરે. રમતાં ન આવડે તે જોઈ જોઈને શીખે; આવડે તે ખૂબ રમે ને મજા કરે. ડિકટેશનમાં સારા અક્ષર લખે તેના જોઈને બીજા સારા કરે. કોઈ ને પૂછીને એકને ન આવડે તે આવડતું હોય તે ન આવડનારને શીખવે, નહિતર હું શીખવું. એ પત્યું.”

બધા અાંખો ફાડી મારી સામે જોઈ રહ્યા. તેમને નવાઈ લાગી હતી.

છેવટે મેં કહ્યું: “આપણો વર્ગ એટલે તો જુદી જ વાત. નવી જ વાત. એમાં જુદી રીતે જ ચાલે. આ તો આપણો વર્ગ !”

'આપણો વર્ગ' શબ્દ ઉપર બેત્રણ વાર ભાર મૂક્યો એટલે છોકરાઓને રંગ લાગ્યો. તેઓ કહેઃ “આપણો વર્ગ. આપણો વર્ગ એટલે જુદી વાત આપણો વર્ગ એટલે નવી વાત.”

ડિક્ટેશનની બાબતમાં મેં અઠવાડિયામાં થોડાએક સુધારા કરી વાળ્યા.

તેએાને રોજ ને રોજ ચાર લીટી કોઈ પણ ચોપડીમાંથી બરાબર જોઈને લખી લાવવાનું સોંપ્યું. મેં પોતે તેમને દસ મિનિટ રોજ વાક્યો લખાવવાનું રાખ્યું. તેઓ રોજ પા કલાક સામસામે લખાવે ને એકબીજાની ભૂલો સુધારી નાખે તેમ પણ રાખ્યું.

તેમને જોડાક્ષરો આવડે તે માટે મેં અઘરા જોડાક્ષરોની અને ખાસ કરીને ચોથી ચોપડીમાં આવી જતા બધા જોડાક્ષરોની એક પેાથી બનાવી આપી. આ પોથી સૌને વારાફરતી વાંચવા અને પાટીમાં લખવા માટે આપી.

ચોથી ચોપડીમાં આવતી અઘરી જોડણીની હું યાદી બનાવવા લાગ્યો, અને તેનો ઉપયોગ પણ વિચારી રહ્યો.

અમારું કામ ઠીક ચાલવા લાગ્યું.