દીવડી/અણધાર્યો હરીફ

વિકિસ્રોતમાંથી
← મંદિરનું રક્ષણ દીવડી
અણધાર્યો હરીફ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
સુવર્ણાક્ષર →






અણધાર્યો હરીફ

ભણતાં ભણતાં પ્રેમ થાય એ કદાચ સમજી શકાય; પરંતુ એ ભણતરયુગ પ્રેમલગ્નમાં પરિણામ પામે ત્યારે અનેક મુંઝવણ ઊભી કરે છે. પ્રેમશહીદીનો મોટાઈભર્યો જુસ્સો એકાદ વર્ષમાં ઓસરી જાય છે, અને સુખમય કલ્પનાને વ્યવહારની ટાંકણીઓ વાગે છે એટલે કલ્પનાનો ફુગ્ગો ચપ્પટ બની જાય છે.

રસિક અને ચંદ્રિકા વચ્ચે કૉલેજયુગમાં જ પ્રેમ જાગ્યો. પ્રેમ જાગ્યો એની બહુ હરકત નહિં; પરંતુ આ પ્રેમ એટલો ઉત્કટ હતો કે તેણે બંનેનાં નોંધ-લગ્ન કરાવી નાખ્યાં. એકબે ઉત્સાહી સુધારક મિત્રોએ સાક્ષી તરીકે સહી કરી આપી અને લગ્નની નોંધ ઝડપથી થઈ ગઈ. બંને પક્ષનાં માબાપ આવાં લગ્નથી વિરુદ્ધ હતાં. સંતાનોનાં લગ્નમાં એક અગર બીજે કારણે વાંધો ઉઠાવવાનો પરાપૂર્વથી ઇજારો લઈ બેઠેલાં બન્ને પક્ષના વડીલને લાગ્યું કે તેમની સંમતિ વગર થયેલાં અવિધિભર્યાં લગ્નને આશીર્વાદ ન જ આપવો. લગ્ન આંતરજ્ઞાતીય હતાં. એ નવીનતા સુધારક કહેવાતાં માબાપને પણ ક્રૂદ્ધ બનાવે છે - જોકે આ આંતરજ્ઞાતીયપણું માત્ર એક જ મુખ્ય જ્ઞાતિના બે ભિન્ન બનેલા ગોળ વચ્ચેનું જ હતું. આર્ય સંસ્કૃતિની જ્ઞાતિવ્યવસ્થા સમાજશાસ્ત્રનો એક ભવ્ય કાયડો છે એમાં શંકા નહિ.

લગ્ન થાય એટલે પતિપત્નીએ ભેગાં રહેવું જ પડે લગ્નની એ આદ્ય શરત; પરંતુ માબાપથી છોડાયેલાં બાળકોને ઘર મળતાં જરૂર મુસીબત પડે. છતાં સ્નેહલગ્નના શોખીન મિત્રોએ મળી આ પ્રેમશહીદ યુગલ માટે એકાદ ઓરડી ભાડે રાખી આપવાનું મહાકાર્ય કર્યું અને પડોશીઓની જિજ્ઞાસુવૃત્તિએ એ વીર યુગલ પ્રત્યે સહાનુભૂતિ પણ ઉપજાવી. બીજા એકબે મિત્રોની સહાય વડે તેમણે ભણતર પણ પૂર્ણ કર્યું – જોકે પ્રેમની તેજભરતીમાં ભણતરના ઓળા બાહુરૂપ બની રહેતા હતા ખરા. ભણતર ક્યારે વહેલું પૂરું થાય અને પ્રેમ-આસ્વાદ પૂરેપૂરો લેવાની તક ક્યારે મળે એવી તીવ્ર ઈચ્છા ધરાવતાં પતિ-પત્ની બની ચૂકેલાં બન્ને સ્નેહીઓએ સાનંદાશ્ચર્ય જોયું કે તેઓ બને છેલ્લી પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે - જોકે તેમણે ધાર્યું હતું એવા યશસ્વી વર્ગમાં નહિ.

તેમણે સંતોષ મેળવ્યો કે પરીક્ષાના યશ કરતાં પ્રેમનો યશ વધારે મોટો છે, અને પ્રેમમાં મળતો આનંદ પરીક્ષાના વર્ગવિગ્રહી આનંદ કરતાં વધારે સ્વચ્છ અને વધારે ઊંડાણવાળો હોય છે. વિદ્યાર્થી અવસ્થાનો પ્રેમ કૈંક વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમૂળ ભોગ માગે છે અને અંતે ભણતર છોડાવી પ્રેમફકીરી લેવડાવે છે, જેમાંથી અંતે પ્રેમ પીગળી જઈ એકલી ફકીરી જ અવશેષમાં રહે છે. એ કરતાં પરીક્ષા પસાર કરાવી શકેલો રસિક અને ચંદ્રિકાનો પ્રેમ ઓછો કઠણ નીવડ્યો, અને બન્ને પરીક્ષા પસાર કરી ચૂક્યાં. સમાન પ્રેમીઓએ સમાન પરીક્ષા વટાવી દીધી – ભલે યશસ્વી વર્ગમાં તે ન આવ્યાં !

પ્રેમનો આનંદ-ઉછાળો શમતાં બરાબર પરીક્ષા પસાર કર્યાનું આનંદમોજું ઊછળી આવ્યું. યૌવનમાં આનંદ ઊછળતો જ રહે છે અને તે પ્રેમોપચારમાં જ પરિણમે છે. અભિનંદન મેળવી ચુકી એકલાં પડેલાં પ્રેમીઓ એકબીજાંને અડીને બેઠાં. એકાંતમાં દેહ દેહને વધારે ખેંચે છે. રસિકને એકાએક લાગ્યું કે એકાંત માગે એ કરતાં વધારે ગાંભીર્ય ચંદ્રિકા ધારણ કરી રહી છે.

'કેમ આટલી ગંભીર તું બની રહી છે?' રસિકે ચંદ્રિકાને પૂછ્યું.

'અમસ્તું જ. કાંઈ છે નહિ,' ચંદ્રિકાએ જવાબ આપ્યો.

'પરીક્ષા પસાર કરીએ તે દિવસે આપણે ઊછળવું જોઈએ. આમ શાંત ન બેસાય -મોં ચઢાવીને.'

'બહુ આનંદ થયો નહિ.'

'ઉપલા વર્ગમાં હું કે તું ન આવ્યાં તેથી?'

'એ તો ખરું. સાથે સાથે... ભાવિનો વિચાર મને મૂંઝવે છે.'

'શાથી? હવે તો ભાવિનાં દ્વાર ઊઘડે છે.'

'ભાવિનાં દ્વાર સાંકડાં લાગે છે.'

'કેમ ?'

'હજારોની સંખ્યામાં આપણે પરીક્ષા પસાર કરીએ. એટલી સંખ્યા ઝડપાઈ આર્થિક ચોકઠામાં ગોઠવાઈ જાય એવી આપણી સમાજવ્યવસ્થા છે ખરી ?'

'તેં તો અર્થશાસ્ત્ર ઉકેલવા માંડ્યું !'

'આજના જીવનનું એ જ મોટામાં મોટું શાસ્ત્ર છે.' ચંદ્રિકાએ કહ્યું.

રસિકને પહેલી જ વાર અનુભવ થયો કે પ્રેમ જીવન એ માત્ર આનંદનો ચઢતો જાતો ઉભરો નથી. એમાં ઓટ પણ આવે છે. ખાસ કરી આર્થિક જંતુઓ પ્રેમની ખિલાવટને ખાઈ જાય છે. જૂના યુગ કરતાં આજનો યુગ પ્રેમને ફોલી ખાનારાં આર્થિક જંતુઓથી વધારે પ્રમાણમાં ઊભરાયેલો રહે છે, અને તે સ્નેહલગ્નને પણ માત્ર લગ્નની સામાન્યતાએ લાવી મૂકી દે છે.

'પણ હવે ચિંતા કરવાનો અર્થ નથી. ડિગ્રી મળી એટલે કાલથી નોકરી મળી જશે.' રસિકે પ્રેમ ઓટ અનુભવતાં કહ્યું.

'મળે તો ઘણું સારું. હવે એની જ જરૂર છે.' ઉમળકારહિત જવાબ ચંદ્રિકાએ આપ્યો.

પ્રેમની ઓટ અનુભવતાં બન્ને પતિપત્નીને રાત્રિએ આવરી લીધાં. પ્રેમ ગૌણ બની ગયો અને રસિકે આખી રાત્રિ ભાવિની યોજનાઓ ઘડવામાં વિતાવી. ડિગ્રીની–ઉપાધિની પરીક્ષા પસાર કરનાર યુવકની દુનિયા પ્રથમ રાત્રિએ તો સીમાવિહોણી જ બની જાય છે. સરકારી નોકરી, ખાનગી નોકરી, છાપાંની રોજગારી, શાળાનાં તંત્ર, બેંક, ધનવાનોનું મંત્રીપણું...આમ અનેક સૃષ્ટિઓ નવીન પસાર થયેલા યુવકને ભેટવા તલપી રહી હોય એમ તેને લાગે છે. આટઆટલી રોજગારની સૃષ્ટિઓ ખુલ્લી હોય પછી ચિંતા કરવાનું પ્રયોજન રહે જ નહિ. રસિક, હિમ્મતથી પ્રેમલગ્નનું જોખમ ખેડનાર રસિક, અભ્યાસ કરતાં કરતાં પરણી નાખવાનું સાહસ કરી ચૂકેલો રસિક, ભાવિની ચિંતા કરે એવો નિર્બળ ન હતો.

પરંતુ ચંદ્રિકાએ પણ એના સરખું જ સાહસ કર્યું હતું. એ વિજયને દિવસે પરાજિતવૃત્તિ અનુભવતી કેમ બની ગઈ? કદાચ તેની તબિયત સારી ન હોય...રસિકે ચંદ્રિકાના દેહ ઉપર હાથ મૂક્યો.

'કેમ ?’ ચંદ્રિકા બોલી ઊઠી. પતિના હસ્તસ્પર્શમાં પત્નીને આવા પ્રશ્નનો અવકાશ હોય જ નહિ, છતાં ચંદ્રિકાએ પ્રશ્ન કર્યો.

'શું કેમ? તું હજી જાગે છે? તારી તબિયત કેવી છે?' રસિકે પૂછ્યું.

'બહુ સારી છે.'

'તો પછી તું સૂતી કેમ નથી. ?'

'તું કેમ સૂતો નથી ?'

'મને તારી ચિંતા થાય છે.'

'મને તારી અને મારી બંનેની ચિંતા થાય છે.'

મૂકી દે એ ચિંતા. તું જાણે છે મારી શી શી યોજનાઓ છે તે?'

'ના.'

'પહેલા પગારમાંથી તને એક સરસ સાડી લઈ આપવી.'

'મને કયો રંગ ગમે છે એ ખબર છે ને ?'

'તારા દેહ ઉપર કોઈ, પણ રંગ શોભી ઊઠે એમ છે.'

'પછી?'

'બીજે માસે એક ઘરેણું.'

'ઘરેણાં મને બહુ ગમતાં નથી. તેં આપેલી વીંટી બસ છે.'

'સરસ કર્ણ ફૂલ હજી જોઈએ. ગાલ ઉપર લટકતો અલંકાર....'

'એ પહેલાં રિસ્ટ-વૉચ લાવે તો કેવું?'

'નહિ; એ ત્રીજા મહિનાના પગારમાંથી.' રસિકે કહ્યું.

કલ્પનાવાતો પણ હૃદયને હળવું બનાવે છે. હળવા હૃદયને નિદ્રાપ્રવેશ સુગમ હોય છે. બન્ને પ્રેમી પતિપત્ની નિદ્રામાં પડ્યાં. પહેલાં જાગૃત થયેલા રસિકે વિચાર કર્યો કે પત્ની જાગૃત થાય ત્યારે તેની સામે તૈયાર ચા ધરી તેને આશ્ચર્યમાં નાખી દેવી; ઉત્સાહપૂર્વક તેણે સ્ટવ સળગાવ્યો, ચાનું પાણી તેના ઉપર મૂકી દીધું. ખાંડ નાખવા ખાંડની ચિઠ્ઠી ચોડેલો ડબ્બો તેણે ખોલ્યો અને ખાંડનો ડબ્બો ખાલી જોતાં જ તેનું હૃદય ધબકી ઊઠ્યું. ઘરમાં તો ખાંડ જ ન હતી !

ચંદ્રિકા જાગી ગઈ. તેણે આવી ગૃહવ્યવસ્થામાં પડેલા પતિની મૂંઝવણ પારખી લીધી. તેણે કહ્યું :

'ખાંડ તો વરી ગઈ છે. આપણી સફળતાના આવેશમાં આપણે ગઈ રાત્રે અસંખ્ય મિત્રોને ચા પાઈ દીધી.'

'હવે?' ચાના શોખીનોને ખાંડની વર્તમાન વ્યવસ્થા કે અવ્યવસ્થા મહાન આફતરૂપ લાગે છે. આફતના ઓળા રસિકના મુખ ઉપર પણ ઊતર્યા. 'ગભરાઈશ નહિ. આપણે બેને ચાલે એટલા ક્યુબ્ઝ[૧] મેં સંતાડી રાખ્યા છે.' ચંદ્રિકાએ કહ્યું, અને રસિકનું પત્ની પ્રત્યેનું માન એકાએક વધી ગયું. પત્નીને આશ્ચર્યચક્તિ કરવા તત્પર થયેલો પતિ જાતે જ આશ્ચર્યચક્તિ બની ગયો.

પરંતુ હજી તેણે એક આશ્ચર્ય તો સિદ્ધ કરવાનું જ હતું, જે નોકરી મેળવ્યા વગર સિદ્ધ થાય એમ ન હતું. તે ભણી રહ્યો એ વાત ખરી; પરંતુ એટલેથી જીવી શકાય એમ ન હતું. ભણેલાંઓનો ખપ કરનાર પાસેથી તેને આજીવિકા મેળવવાની હતી. ગુજરાતી અંગ્રેજી વર્તમાનપત્રો તેણે જોવા માંડ્યા. બધાં જ પત્રો ખરીદવાની તેની તાકાત ન હતી. એટલે મિત્રોને ત્યાં જઈને પણ એણે જાહેરાતો જોવા માંડી. કોરિયાનું યુદ્ધ, રશિયાનો કાળો પડદો, કરોડો રૂપિયા વેરતી પછાત દેશના ઉદ્ધારની અમેરિકન યોજના, ઍટમ બૉમ્બના પ્રયોગો, રાષ્ટ્રપ્રમુખની ક્ષણેક્ષણે સામે આવતી છબીઓ, અને પ્રજાના દોષની સતત ગણતરી કરતા પ્રજાપતિ પ્રધાનોનાં ભાષણોના મહાધોધની રસિકને અત્યારે કાંઈ કિંમત ન હતી. એને તો 'જોઈએ છે,' 'જગા ખાલીની' જાહેરાતો જ મહત્ત્વની થઈ પડી હતી અને તે સારા પ્રમાણમાં તેને મળી આવી. દસબાર અરજીઓ તેણે પહેલે જ દિવસે કરી નાખી. આવતી કાલથી જ તેને નોકરીનું આમંત્રણ આવશે એવી ખાતરી સહ રાજી થતો તે યોજનાઓ ઘડવા લાગ્યો.

યોજના ઘડનાર સરખું કરુણપાત્ર પ્રાણી બીજું એકે નથી; પછી એ યોજના ઘડનાર રાષ્ટ્રીય મહાસમિતિ હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય કે નોકરી શોધતો ગ્રેજ્યુએટ હોય. કાગળ ઉપર અને વિચારસૃષ્ટિમાં સફળતા સિવાય બીજું કાંઈ ન ઓળખતી યોજના અણધાર્યા ખડક ઉપર અથડાઈ પડે છે. તેમાં એ હિંદમાં તો મહાન ઉદ્યોગપતિઓ સિવાય કોઈની યોજના સફળ થતી હોય એમ લાગતું નથી.


  1. ૧. ક્યુબ્ઝ= ખાંડનાં નાનાં ચોસલાં.
બેત્રણ દિવસ થયા અને રસિકે મૂંઝવણ અનુભવી. હજી નોકરી માટેનું આમંત્રણ એકે જગાએથી કેમ નહિ, આવતું હોય? નોકરી આપનારને નોકરીની જરા ય ગરજ નથી એ સત્ય રસિકને હજી સમજાયું ન હતું. રસિક કારખાનાનો મજદૂર હોત કે ઘરકામ કરનાર ઘાટી હોત તો તેને ક્યારનું આમંત્રણ મળી ચૂકયું હોત; પરંતુ રસિક તો મેજખુરશી શોધતા કારકુન વર્ગમાં ભળી જવા ચાહતો હતો. ગરજ તેને હતી, નોકરી આપનારને નહિ, એ તેણે થોડા સમયમાં સમજી લીધું. એટલે અરજીઓ પાછળ દોડવાની ક્રિયા તેણે શરૂ કીધી. એ ક્રિયામાંથી તેને જ્ઞાન મળ્યું કે :

એક જગા ઉપર માલિકના સાળાનો સાળાનો દીકરો નિમાઈ ચૂક્યો હતો !

બીજી જગા ઉપર મૅનેજરના ભત્રીજાની નિમણુક થઈ ગઈ હતી.

ત્રીજી જગા ઉપર એક મોટા અમલદારની ચિઠ્ઠી લઈ આવેલા એક યુવાનની ગોઠવણ થઈ ચૂકી હતી.

ચોથી જગા ઉપર એક હરિજનને પસંદગી આપવાની હતી; અને તે ન મળે તો મુસલમાનને.

પાંચમી જગા ઉપર બે ડિગ્રી ધરાવનાર જોગવાઈ ગયો હતો.

છઠ્ઠી જગા કચેરીમાં કામ કરતા અનુભવી માણસથી પૂરી લીધી હતી.

સાતમી જગાએ પહેલેથી નિમાયેલા હંગામી કામ કરતા એક માનીતા માણસને જ ચાલુ રાખ્યો હતો.

આઠમી જગાએ રમતગમતમાં આગળ વધેલા યુવાનનો વધારે ખપ હતો.

નવમી જગા જાહેરાત આપવા છતાં ભરવાની ન હતી.

અને દસમી, જગાએ એક યુવતીની નિમણુક અબઘડી કરી નાખવામાં આવી હતી !

રસિક કોઈનો સગો ન હતો, એને કોઈ ચિઠ્ઠી આપનાર અમલદારનો આશ્રય ન હતો, તે અનુભવી પણ ન હતો, બે ડિગ્રી ધરાવતો ન હતો, રમતગમતમાં તેણે નામના કાઢી ન હતી અને કોઈના માનીતા થવાનો તેને અવકાશ પણ મળ્યો ન હતો. વળી તે હરિજન ન હતો, મુસલમાન ન હતો અને સ્ત્રી પણ ન હતો !

બીજી બે જગાઓ સિંધ-પંજાબના નિર્વાસિતો માટે અલગ રાખવામાં આવી હતી ! એ હિજરતનું સદ્ભાગ્ય પણ તે લખાવી લાવ્યો ન હતો. હવે સ્વરાજ્યના વાવટા નીચે બધે જ કાંઈ વિશિષ્ટતાની જરૂર રહે છે. પરદેશની ડિગ્રીઓનો મોહ વધતો જાય છે અને સ્વદેશીનાં ભાષણ કરી સ્વરાજય પોતે લાવ્યા એમ માનતા નેતાઓ પહેલી તકે પોતાનાં સંતાનોને પરદેશી ડિગ્રીઓ ઝૂંટવી લાવવા રવાના કરી દે છે, અને સ્વદેશી સ્વરાજ્યમાં પરદેશી ડિગ્રીઓનાં માનપાન વધ્યે જ જાય છે.

દિવસો વીતતા ચાલ્યા; પરંતુ રસિકની બુદ્ધિ, મહેનત કે આવડતનો કોઈને ઉપયોગ કરવાની જરૂર હોય એમ દેખાયું નહિ. તેમાં યે જ્યારે તેણે સાંભળ્યું કે તેને બાજુએ મૂકી એક યુવતીની પસંદગી કરવામાં આવી છે ત્યારે તો તેણે ગુસ્સો અને નિરાશાનો એક એવો મિશ્ર ધક્કો અનુભવ્યો કે તેના દેહમાં ભયંકર અશક્તિ આવી ગઈ, અને તે ઘેર આવી લાંબો થઈ પથારીમાં પડ્યો.

ચંદ્રિકા પણ જરા ચમકી. ચંદ્રિકા સાથે હસીને બોલ્યા વગર તે પહેલી જ વાર ઘરમાં આમ આવતો હતો. ચંદ્રિકાને ભય લાગ્યો કે કદાચ રસિકનું શરીર બગડી આવ્યું હોય. તેણે પાસે જઈ રસિકના મસ્તક ઉપર હાથ મૂકી પૂછ્યું :

'કેમ? શું થયું ?'

'થયું કાંઈ જ નથી. થાય તો ક્રાન્તિ ! બીજું કાંઈ નહિ.'

ક્રોધે આગળ આવી રસિક પાસે ઉચ્ચારાવ્યું. હવે કર્મ, ધર્મ, ગૃહશાન્તિ કે ઈશ્વરને બદલે દુ:ખનો ઈલાજ ક્રાન્તિમાં શોધવા લાગ્યો છે.

'ક્રાંતિ? હિંદુસ્તાનમાં ?' સહજ હસીને ચંદ્રિકાએ કહ્યું. 'રશિયા અને ચીનમાં થઈ તો અહીં કેમ નહિ ?'

'હિંદમાં ક્રાંતિ થઈ ચૂકી. ગ્રીક, શક, હૂણ અને મુસલમાનનો અઢી હજાર વર્ષથી માર ખાતું આવેલું હિંદ ક્રાંતિ કરી શકે જ નહિ.' ચંદ્રિકાએ પોતાનું ઈતિહાસજ્ઞાન આગળ કર્યું. આમે સ્ત્રી સામે દલીલ કરવી મુશ્કેલ હોય છે. ભણેલી સ્ત્રી સામે તો મૌન જ એક સારો માર્ગ કહેવાય; પરંતુ રસિક હજી પૂરો ઘડાયો ન હતો. તેણે કહ્યું :

'હવે તો હિંદમાં પણ સ્વરાજ્ય આવ્યું છે. નહિ ચાલે આવી સ્થિતિ !'

'ઠીક છે ! સહુને ભૂખે મારનાર સત્તાધીશોને નિત્ય માનપત્ર આપતી આપણી પ્રજા ! આપણી ક્રાન્તિ બહુ બહુ તો સ્નેહલગ્ન સુધી પહોંચે, આગળ નહિ. પણ છે શું ? કદી નહિ અને આજ તું આટલો ગુસ્સે કેમ થયો છે ?' કહી ચંદ્રિકા વધારે પાસે આવી. રસિકનો ક્રોધ એકાએક હોલવાઈ ગયો અને નિરાશાસૂચક નિ:શ્વાસ તેણે નાખ્યો.

'ચંદ્રિકા ! મેં નહોતું ધાર્યું કે મારું જીવન સમાજને આટલું બિનજરૂરી હશે.' થોડી વારે રસિકે કહ્યું.

'સમાજને ભલે બિનજરૂરી લાગે. તારું જીવન મારે માટે તો ક્ષણેક્ષણ જરૂરી છે.' ચંદ્રિકાએ જવાબ આપ્યો.

'બેકાર પુરુપ ઉપર ક્યાં સુધી તારો પ્રેમ રહેશે?'

'બેકારી મટે ત્યાં સુધી તો એ પ્રેમ હું જરૂર પહોંચાડીશ.' હસીને ચંદ્રિકા બોલી.

'આજ મને ખાતરી થઈ ચૂકી છે...એ બેકારી મટે એમ નથી.'

'નોકરી હજી નથી મળી તેનું આ દુ:ખ છે?'

'કાલ શું કરીશું એ સમજાતું નથી...અંધકાર...ચંદ્રિકા ! શું થશે નોકરી વગર ?' 'દસ જગાએ તો અરજી કરી છે. એ કે જગા નહિ મળે?'

'ના.'

'પેલી એક જગા મળવાની તને આશા પૂરેપૂરી હતી; એનું શું થયું ?'

'આશા ફોક થઈ.'

'કારણ ?'

'એ જગા એક છોકરીને મળી...મારા કરતાં એક સ્ત્રીને પહેલી પસંદગી મળી. હવે છોકરીઓ સામે હરીફાઈ કરવાનો સમય આવ્યો ... અને તેમાં હારવાનો.'

'એની તને શરમ આવે છે !'

'હા.'

'એ હરીફ હું હોઉં તો?' રસિક સામે તાકીને ચંદ્રિકાએ પૂછ્યું.

'શું ? નાહક ચમકાવીશ નહિ.' રસિક બોલતાં બોલતાં બેઠો થઈ ગયો.

'તો હવે જાણી લે. તને બાજુએ મૂકી જે છોકરીની નિમણૂક થઈ છે તે છોકરી હું છું.' ચંદ્રિકાએ કહ્યું અને હસતે મુખે રસિકના મુખભાવને તે જોઈ રહી. પાંચેક ક્ષણ સુધી રસિક ચંદ્રિકાની સામે જ જોઈ રહ્યો અને પછી બોલ્યો :

'હં...એટલે એમ કે.. તું જીતી.'

'એમાં તને દુઃખ શાનું થાય છે? નોકરી મને મળે કે તને મળે; બધું સરખું જ છે ને ?'

'તારી કમાણી ઉપર મારે જીવવું ! ખરું?'

'જુગજુગથી સ્ત્રીઓ પુરુષની કમાણી ઉપર જીવતી આવી છે. હવે ક્રમ બદલાય છે. તારે ક્રાંતિ જોઈએ ને ?...લે, આ જ ક્રાંતિ.' ચંદ્રિકા બોલી.

થોડી વાર બન્ને પતિપત્ની શાંત રહ્યાં. કમાણીની જરૂરિયાતવાળો એક મોટો સ્ત્રીવર્ગ પુરુષવર્ગના કમાણી ઇજારાને તોડવા મથી રહ્યો હતો એનું સ્પષ્ટ ઉદાહરણ રસિકે પોતાના જીવનમાં જ નિહાળ્યું. તેણે એક પ્રકારનો ભય પણ અનુભવ્યો.

'ક્યારથી નોકરીમાં જોડાવું છે?' રસિકે અંતે પૂછ્યું.

'કાલથી જ.' ચંદ્રિકાએ કહ્યું.

'તો...રસોઈ..મારે જ કરવાની રહેશે, નહિ ?'

'તો ય શું ?....જો કે મને તારી રસોઈ કરવાની શક્તિમાં જરા ય વિશ્વાસ નથી એટલે હું નોકરી પણ કરીશ અને રસોઈ પણ કરીશ.'

'બે કામ થશે ?'

'હા; બે નહિ, ત્રણ કામ હું સાથે કરી શકું છું.'

'સમજાયું નહિ.'

'જો, પરણ્યા પછી હું ભણતી પણ ખરી; આપણને કોઈએ સાથે ન રાખ્યાં એટલે રસોઈ પણ હું કરતી અને...'

'કહે, કેમ અટકી ગઈ ?'

'મારે કહેવું ન હતું... પરંતુ હું સાથે સાથે કમાતી પણ હતી..તને ખબર ન પડે એમ,'

‘ત્યારે કોઈકોઈ મિત્રની મદદ મળતી હતી એમ તું કહેતી હતી તે શું ?'

'એ મિત્ર તે હું જ. બીજું કોઈ નહિ.'

ચંદ્રિકા ભણતાં ભણતાં લઘુલિપિલેખન અને ટાઈપિંગ શીખતી હતી તેની રસિકને ખબર હતી; પરંતુ એમાંથી એ રસિકનું પોષણ પણ મેળવતી હતી એની ખબર રસિકને અત્યારે જ પડી. આશ્ચર્યચકિત રસિકે પૂછ્યું.

'મને કહ્યું કેમ નહિ ત્યારે ? હું પણ કમાણી શરૂ કરત.'

'મારે તને હમણા કમાણીના કચરામાં વેડફી નાખવો નથી.'

'એટલે ?' 'મારે તને હજી ભણાવવો છે...બે વર્ષ બરાબર વાંચ અને આગળની ડિગ્રી મેળવી લે.' ચંદ્રિકાએ કહ્યું.

પત્નીની હરીફાઈનો ઉદ્દેશ વિચારી સ્તબ્ધ બનેલો રસિક ફાટી આંખે પત્ની સામે જોઈ રહ્યો. પત્નીમાં ઊપસી આવેલું પતિ પ્રત્યેનું વાત્સલ્ય અનુભવી રસિક વિચારમાં ઊંડે ઊતરી ગયો. સ્ત્રી લક્ષ્મી છે, અન્નપૂર્ણા છે અને અંબા છે. એને સાક્ષાત્કાર કરતા રસિકના હાથ પકડી ચંદ્રિકાએ પૂછ્યું :

'હવે જમવા ઊઠવું છે કે સામે જોયાં કરવું છે?'

'તારી સામે જોતાં હું ધરાતો નથી.'

'એટલે એમ જ કહે ને કે મારે તને કોળિયો પણ ભરાવવો પડશે !'

'મને ખાતરી છે કે જરૂર પડ્યે તું એ પણ કરી શકીશ ...જેમ તેં હરીફાઈ કરી તેમ.'

પ્રેમલગ્ન કરી રસિકને જરા ય પસ્તાવું પડ્યું નહિ–તેનાં હિતસ્વીઓ તેને ડરાવતાં હતાં તેમ.

લગ્ન સ્વીકારી ચૂકેલી પત્નીમાં રંભા અને માતા સાથે સાથે કેમ દેખાય તેનો પરચો રસિકને અત્યારે થયો-પત્ની પ્રેમલગ્નથી મળી હોય કે માત્ર લગ્નથી મળી હોય તો પણ !

‘હજી હરીફાઈ ભુલાતી નથી, ખરું? અદેખો...પુરુષ...!' કહી ચંદ્રિકા રસિકને ખેંચી જમાડવા લઈ ગઈ.