દીવડી/દીવડી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
દીવડી
દીવડી
રમણલાલ દેસાઈ
૧૯૫૪
સત્યની કલ્પના →

દીવડી


પૈસાદાર કુટુંબનાં સંતાનોની તબિયત બગડે તો તેમને માટે વૈદ્ય, ડૉકટર, દવા અને હવાની પૂર્ણ સગવડ થઈ શકે છે. રસિક એક ધનિક કુટુંબનો નબીરો હતા. 'નબીરો' શબ્દે ગુજરાતી ભાષામાં માનવંતપણું ધારણ કરવા માંડ્યું છે. ગરીબ, શૂદ્ર કુટુંબનો પુત્ર 'નબીરો' મનાતો નથી – કહેવાતો નથી. એ ધનિક કુટુંબનાં નબીરાએ ભાવિ માટે ભવ્ય આશાઓ ઉપજાવી હતી. એ ચબરાક હતો; સારું ભણતો અને બુદ્ધિચાપલ્ય પણ એવું દાખવતો કે વડીલોની મિલકત એ બમણી તો બનાવશે જ એવી પિતાને ખાતરી પણ થઈ ચૂકી હતી.

હવે, કદી કદી, ધનિક પુત્રો સારું ભણે છે; એટલું જ નહિ તેમને કલા તથા સાહિત્યનો પણ શોખ વળગતો જાય છે. ભણતાં ભણતાં, આગળ વધતાં રસિકના હૃદયમાં સાહિત્ય તથા કલાનો શોખ જાગૃત થયો. સાહિત્ય અને કલાનો શોખ એટલે સૌંદર્યનો શોખ અને પુરુષદ્રષ્ટિને તો આદિયુગથી સ્ત્રીમાં સકલ સૌંદર્ય સંક્રાન્ત થતું લાગે છે ! રસિકે પ્રેમની કવિતા અને વિયોગની વાર્તાઓ પણ લખવા માંડી. તથા કૉલેજમાં આવતાં બરોબર તેની કવિતા અને વાર્તા માસિકોમાં પ્રસિદ્ધ પણ થવા માંડી. ધનિક પુત્રને લેખનનો નાદ બહુ લાગતો નથી; પરંતુ એ નાદ જ્યારે લાગે છે ત્યારે તેને લેખપ્રસિદ્ધિ પણ ઝડપથી મળી રહે છે, છબી સાથે રસિકની કવિતા કે વાર્તા કોઈ માસિકમાં પ્રગટ થતી ત્યારે રસિકને તો ઘણો આનંદ થાય જ; સાથે સાથે આખા કુટુંબને આનંદ થતો, અને કુટુંબીજનો એમ જ માનતાં કે રસિક એ ધનિક કુટુંબનો કોહિનૂર છે.'

માત્ર આ કાહિનૂરનો એક જ પહેલ જરા ઝાંખો હતો. રસિકની તંદુરસ્તી જોઈએ એટલી સારી રહેતી નહિ. ક્રિકેટ, ટેનિસ અને અખાડાની પૂરી સગવડ મળી શકે એટલાં સાધનો કુટુંબ પાસે હતાં. અને કદી કદી રસિક તેનો ઉપયોગ કરતો પણ ખરો. પરંતુ એ ઉપયોગ ઘણું ખરું છબી પડાવવા પૂરતો જ થતો. શારીરિક મહેનતની રસિકને બિલકુલ જરૂર રહેતી નહિ, અને જરૂર ન હોવાથી તે મહેનતને જતી કરવા જેટલો સમજદાર પણ હતો. વળી તેની તબિયત બહુ મહેનત સહન કરે એવી નથી એવો નિશ્ચય કુટુંબમાં દ્રઢ થઈ ગયો. શારીરિક મહેનત ઘણે ભાગે દવાની ગરજ સારે છે. એ સત્ય સુખી કુટુંબમાં વીસરાઈ જાય છે. અને મહેનતનું સ્થાન દવાની શીશીઓ અને આરામને મળે છે. રસિકને વધારામાં વાચન–લેખન પણ મળતું. જેને વાચન અને લેખનનો શોખ લાગે એ બીજાં સર્વ કાર્યોમાંથી રસ ગુમાવવાનો હક્ક ધરાવે છે. રસિક વાંચતો અને લખતો ન હોય ત્યારે એ તબિયતની–નાદુરસ્તીની ભ્રમણમાં રહેતો.

મોટે ભાગે કવિઓ અને સાહિત્યકારો તંદુરસ્તીમાં બહુ માનતા હોય એમ લાગતું નથી. કલ્પનાસૃષ્ટિ રચવી અને તેને શબ્દોમાં, રંગમાં, રાગમાં કે જીવનમાં ઉતારવી એ થકવી નાખનારી મહેનત ગણાય. રસિકની તે કલ્પના પણ થકવી નાખે એવી હતી. ગરીબ કલાકાર કરતાં ધનિક કલાકારનું ઉડ્ડયન બહુ ઊંચું ! ગરીબકલાકારને તો જડ સૃષ્ટિ ક્ષણે ક્ષણે વાગ્યા કરવાની; જ્યારે ધનિક કલાકાર કલ્પનામાં બઢે ત્યારે જડ સૃષ્ટિ પણ મીણ જેવી સુકોમળ બની કલ્પનાને ઊંચે અને ઊંચે ઊડવા દે !

ધનિક યુવકો બનતાં સુધી પ્રેમની ખટપટમાં બહુ પડતા નથી. સરળતાપૂર્વક જ્યાં લગ્ન થાય ત્યાં થવા દેવું અને પછી પ્રેમને તોળવા જેટલો પૈસો ખર્ચી પ્રેમ મળે ત્યાંથી, મળે એટલો મેળવી લેવો એવું તેમનું વ્યવહારકૌશલ્ય કે ફિલસુફી તેમને અનેક સરળતાઓ કરી આપે છે. તેઓ પ્રેમને રણશિગાં ફૂંકવા જેવું મહત્ત્વ ઓઢાડતા નથી. પરંતુ રસિક તો કલાપ્રિય-સાહિત્યપ્રિય યુવાન હતો. ધનવાન હોવા છતાં ! કલાકાર, કવિઓ અને સાહિત્યકારો સરળતાપૂર્વક પોતાનાં લગ્ન ન જ થવા દે; એ તેમની વિશિષ્ટતા રસિકે સાચવી રાખી અને બેત્રણ કિશોરીઓનાં આવેલાં માગાં તેણે મુલતવી રાખ્યાં. એની કલ્પનાએ ઊભી કરેલી યુવતી સાથે તેને લગ્ન કરવું હતું, અને એ ત્રણે કિશોરીઓ તેના કલ્પનાબીબામાં બેસતી આવી ન હતી.

આવા ધનિક અને કલાપ્રિય યુવકને હવાફેરની વારંવાર જરૂર પડે એ સ્વાભાવિક કહેવાય. આબુ ન ફાવે તો માથેરાન, અને માથેરાન ન ફાવે ત્યારે મસૂરી જવાની સલાહ ડૉકટરો આપી શકતા. દરિયાની હવા ઠંડી પડે તો ડુંગરની હવા અજમાવી શકાતી; અને ડુંગરનાં પાણી ભારે પડતાં ત્યારે તેને માટે સપાટ મેદાનની જગા જોઈએ એટલી મળી આવતી.

કોલેજના છેલ્લા વર્ષમાં તે આવ્યો ત્યારે તેણે બે સુંદર નવલકથાઓ અને એક કવિતાસંગ્રહ પ્રસિદ્ધ કરી પ્રશંસા પ્રાપ્ત કરી હતી; પરંતુ ડૉકટરોએ એકાએક તેને માટે અભિપ્રાય આપ્યો કે તેનું લેખન અને ભણતર એકદમ એક વર્ષ માટે બંધ કરી દેવું ! એટલું જ નહિ, લેખન-વાચન અને અભ્યાસના વાતાવરણથી દૂર જઈ કોઈ શાંત, સારી હવાવાળા, મજબૂત પાણીવાળા ગામડામાં જઈને રસિકે રહેવું. તેમ નહિ થાય તો રસિકના જીવને જોખમ છે એમ પણ ડૉકટરોએ સ્પષ્ટ કહી દીધું. અતિ ઉર્મિલ, અતિ કવિત્વમય, અતિ રસપ્રિય યુવકને વ્યાધિ ઝડપથી પકડી લે છે. સાચા ખોટા પ્રેમનિસાસા નાખતા યુવક યુવતીનાં ફેફસાં જોતજોતામાં ખવાઈ જાય છે. પ્રેમ–પ્રેમ, રસ–રસ, સાહિત્ય-સાહિત્ય, કરતા યુવક રસિકને માટે પણ સહુએ ફેફસાંની સંભાળ ઉપર ભાર મૂક્યો. શરીર અને હૃદય કેટલાં નિકટનાં હશે?

માંદો રસિક ઉત્તર ગુજરાતના એક ગામડાંમાં રહેવા ગયો. એ ગામડાંમાં તેના પિતાએ એક સુંદર શિવાલય અને એક સગવડવાળી ધર્મશાળા વર્ષો પૂર્વે બંધાવી હતી, પરંતુ હજી સુધી તેમને કે તેમના કોઈ કુટુંબને એ ધર્મશાળામાં રહેવાનો કદી પ્રસંગ આવ્યો નહોતો. વર્ષો વીત્યે એ પ્રસંગ રસિકને આવ્યો. મહેનત ઓછામાં ઓછી કરવાની હતી; સગવડ સર્વ તરેહની થઈ શકી હતી. કારણ કે રસિકની સાથે એક નોકર અને રસોઈઓ રાખવામાં આવ્યા હતા. એક નાનકડું પુસ્તકાલય પણ તેની સાથે મોકલવામાં આવ્યું હતું અને નાનકડા ગામડામાં પણ રાજમહેલનો એક ટુકડો ઉતાર્યો હોય એમ ધર્મશાળા બદલાઈ ગઈ હતી. રસિકને ડોકટરોએ તો પગે ચાલીને ફરવા જવાની સલાહ આપી હતી, છતાં અડચણ ટાળવા માટે શહેરમાંથી ખેંચીને એક ઊંચી જાતની મોટરકાર પણ લઈ જઈ ધર્મશાળામાં રાખવામાં આવી હતી. સવાર-સાંજ ખેતરોમાં ફરવું, અતિમહેનત ન કરવી, મનની ઉગ્રતા ન વધે એટલું જ વાંચવું, ઘી-દૂધ-માખણનો ખોરાક વધારે રાખવો, મન ઉપર કશું ભારણ ન પડવા દેવું, ગામડિયા લોકો સાથે હળવું –મળવું અને પોતાની વિદ્વત્તા અને પોતાનાં ધનથી તેમને મેળવી લેવા, એવી એવી સૂચનાઓ અને કલ્પનાઓ સાથે રસિકે તબિયત સુધારવા ગામડાંની ધર્મશાળામાં રહેવા માંડ્યું. ગામડાંમાં એને ગમ્યું ખરું. નવીન ગામનું વાતાવરણ શરૂઆતમાં તો સહુને ગમે. તેમાં યે શિવાલય અને ધર્મશાળા ગામને છેવાડે આવેલાં હોવાથી ગામની ગંદકીનો પણ સ્પર્શ તેને થાય તેવો સંભવ ન હતો. પાસે એક નાનકડી નદી વહેતી હતી, જેમાં રેતીનો પટ વધારે અને પાણી વધારેમાં વધારે ઘૂંટણસમાં જ રહેતાં. ફરતાં ફરતાં તેને આશ્ચર્યસહ એ પણ સમજાયું કે શહેરમાં ન દેખાતાં પક્ષીઓ પણ ગામડામાં દેખાય છે અને પશુઓ પણ. સંધ્યાકાળે ચમકતી આંખવાળી શિયાળ, દોડતા દીવા સરખું સસલું કે કોઈ ઝાડને ખૂણે ભરાયેલી શસ્ત્રસજ્જ શાહુડીને જોઈ રસિકને બહુ આનંદ થતો. ઉંદરના વિકરાળ સ્વરૂપ સરખો કૉળ બિલાડી અને કૂતરાની સામે થઈ શકે છે તે તેણે જાણ્યું ત્યારે તેને ઉંદરના વિરત્વ ઉપર કવિતા લખવાનું મન થયું, અને ધર્મશાળાની બારીએ એક અંધારી રાત્રે વણિયરની આંખો ચમકતી જોઈ ત્યારે જાનવરોના જાસૂસી ઉપયોગ સંબંધી એક ભેદી નવલકથા લખવાનું મન તેને થઈ આવ્યું. પરંતુ કવિતા–વાર્તા લખવાની તેને સખ્ત મનાઈ હતી. એટલે સાહિત્ય પ્રેરતા સંસ્કારો અને ઊર્મિઓ તે માત્ર ભવિષ્યને માટે સંગ્રહી રાખતો.

ગામડાનું સૃષ્ટિસૌંદર્ય તો તેને ખૂબ ગમ્યું. માનવસૌંદર્ય તેને ગમ્યું ખરું; પરંતુ થોડા દિવસ સુધી તેને એમ લાગ્યું કે ગામડાનું સૌંદર્ય શહેરની આંખને ગમે એવું વિકસે તે પહેલાં વધારે પહેલ પાડવાને પાત્ર છે. કપડાં, વાણી અને કેળવણી એ ત્રણ શહેરને શોભાવતાં લક્ષણો ગામડામાં તેને જરા ઘટતાં લાગ્યાં. એ કેમ વધારાય? રસિક એમાં શો હિસ્સો આપી શકે?

એક પ્રભાતે તે ફરવા નીકળતો હતો, અને ધર્મશાળાના આંગણામાં જ માથે દૂધની તાંબડી લઈ એક કિશોરી ગોવાલણીને આવતી તેણે જોઈ. રસિકની સૌંદર્યભાવના એકાએક ચમકી ગઈ અને તેની આંખ તે સૌંદર્યટુકડા ઉપર જ ચોંટી ગઈ. કિશોરી જરા શરમાઈ, સહજ રસિકની સામે જોઈ રહી અને મુખ હસતું કરી બોલી :

'ભાઈ ! કેમ છે હવે ?.'

'સારું છે...પણ તું કોણ ?' રસિકથી પુછાઈ ગયું. હજી તેની આંખ ગોવાલણી ઉપરથી ખસી ન હતી.

'હું ? તો આપના રબારીની દીકરી. દૂધમાખણ રોજ હું જ લાવું છું.' કહી તે ધર્મશાળાની અંદર ચાલી ગઈ અને રસિક બહાર નીકળી પગપાળો આગળ વધ્યો. તેના પગ આગળ ચાલતા હતા, પરંતુ તેની આંખ સામે પેલી રબારણ કન્યા જ રમી રહી હતી.

શું એ કન્યા હતી ! કિશોરી હતી ? નહિ, નહિ; પૂર્ણયૌવનભર દેહને કન્યાનો કે કિશોરીનો દેહ કહીને આંખને છેતરી શકાય એમ હતું જ નહિ. શહેરમાં તેણે ઘણી ઘણી યુવતીઓ જોઈ હતી. તેની સાથે ભણતી, તેની આગળ ભણી ચૂકેલી અને તે સિવાયની પણ, પરંતુ આવું સર્વાંગ સૌંદર્ય એણે કોનામાં જોયું હશે એની સ્મૃતિ રસિક ઉથલાવતો ચાલ્યો. જયશ્રી, તિલોત્તમા, અનુરાધા, વિશાખા...એક નીચી વધારે, એક દૂબળી વધારે, એકનો ઠઠારો બહુ ભારે અને બીજીની તોછડાઈ ભારે! એમાંની એકે આ રબારણ કન્યા જેવી સરળ અને સર્વાંગ સુંદર લાગી નહિ. ચમક સાથે તેને એ પણ વિચાર આવ્યો કે આ રબારણ કન્યા કોઈ પણ કાશ્મીરી, નામ્બુદ્રી કે યુરોપિયન બાઈ જેટલી જ ગોરી હતી ! ગામડાંમાં આટલું ગોરાપણું એણે કદી કલ્પ્યું ન હતું.

પરંતુ વસ્ત્રકલા અને સુઘડ આભૂષણ-સજાવટ તો શહેરની જ ! નહિ? રબારણ કન્યાના પગ ઉધાડા હતા, શહેરની સુંદરીઓ આમ ઉઘાડા પગે ન ફરે; પરંતુ એ રબારણ કન્યાના ઉધાડા પગની આંગળીઓ ગુલાબ-મોગરાની કળીઓ સરખી તેને કેમ લાગી ? એ આંગળીઓએ જે અસર કરી તે ચંપલ કે બૂટમાં ઢંકાયેલી આંગળીઓ કરી શકે ખરી ?

નદીકિનારે આવતાં તો તેણે શહેર અને ગામડાંની વસ્ત્રમીમાંસા પણ ઉકેલવા માંડી. શહેરી યુવતીઓનાં વસ્ત્ર સુઘડ અને છટાદાર ખરાં એમાં જરા યે શક નહિ; પરંતુ એ છટાદાર વસ્ત્રોમાં ઢંકાયેલા મુખ સામે જોવાનો પ્રસંગ આવતાં ઘણી વખત મુખછટા અને વસ્ત્રછટા વચ્ચેનો વિરોધ શું આગળ તરી આવતો ન હતો ? અને ગામડિયાં વસ્ત્રો રબારણ યુવતીને જરા પણ કઢંગી બનાવતાં ન હતાં. રંગબેરંગી ઓઢણી, ઘેર પડતો ચણિયો અને ચમક ચમક થતી ચોળી...રસિકે સ્ત્રી-વસ્ત્રાભૂષણની યાદદાસ્ત તાજી કરવાને બદલે વિચારને જબરદસ્ત મરોડ આપ્યો અને નદીના વાંક–વળાંક તરફ ધ્યાન દેવા માંડ્યું. રૂપસ્મૄતિ એ સતત ઈષ્ટચિંતન બની રહેતી નથી અને તેમાં ય ખાસ કરીને તબિયત નાદુરસ્ત હોય ત્યારે તો નહિ જ. સૂર્ય તપવા માંડ્યો અને રસિક ફરી લઈ પાછા ધર્મશાળામાં આવ્યો. સૂર્ય સામે તેણે સહજ નજર કરી. એની આંખે તેજનાં ઝાંઝવાં વળ્યાં. રબારણની ઓઢણી તથા ચણિયામાં ભરેલાં આભલાંનો ખ્યાલ તેને કેમ આવ્યો ? આભલામાંથી તેને રબારણ પાછી કેમ સાંભરી ? તેણે માખણ અને દવા મંગાવ્યાં. માખણ પણ એ જ છોકરી આપી જતી હતી, નહિ ? માખણનો અને છોકરીનો રંગ પણ એક જ... અને બંનેનો દેખાવ પણ સરખો તંદુરસ્ત ! માખણનો પિંડ કેવો પુષ્ટ લાગતો હતો ! અને રસિક પોતે ? તેણે ઊઠીને આયનામાં જોયું અને પોતાના પ્રત્યે એક પ્રકારનો તિરસ્કાર અનુભવ્યો. રંગ, રૂપ અને પુષ્ટિમાં રબારણથી રસિક ઘણી નીચી કક્ષાએ આવતો હતા.

બેપાંચ દિવસમાં તો રસિકની અને દૂધ-માખણ આપવા આવતી રબારણ કિશોરીની વચ્ચે એક પ્રકારની મૈત્રી બંધાઈ. છોકરીનું નામ દીવડી હતું અને દૂધ, માખણ અને દવાનો પ્રયોગ રસિક હવે દીવડીની હાજરીમાં જ કરવા લાગ્યો. દીવડી તાજું દૂધ અને તાજું માખણ લાવે નહિ ત્યાં સુધી રસિક ફરવા ન જાય. રસિકે એક દિવસ દીવડીને ચા પીવાનો આગ્રહ કર્યો. શરમાતાં શરમાતાં પણ દીવડીને એ આગ્રહ માન્ય કરવો પડ્યો; પરંતુ અર્ધ કાળા, ઓછા દૂધવાળા, તુરાશની છાંટવાળા ગરમ ગરમ પીણામાં તેને કંઈ સ્વાદ લાગ્યો નહિ અને સામી તેણે સલાહ આપી :

'ભાઈ ! આ કડૂચો ઉકાળો છોડી તાજુ દૂધ વધારે પીઓ ને ?'

'તું શહેરી નથી એટલે તને ચાનો સ્વાદ સમજાતો નથી. તું એક વાર શહેરમાં આવે તો ચા જિંદગીભર ગળે વળગે.' રસિકે હસતાં હસતાં કહ્યું.

'એવા શહેરમાં આવીને કરવું યે શું ? હેં, ભાઈ ! તમારા શહેરમાં શું હશે?'

પ્રથમ તો આ પ્રશ્ન સાંભળી રસિક ખૂબ જ હસ્યો. 'હજી હિંદમાં એક મોટી વસ્તી એવી છે કે જેણે હિંદનું એકે શહેર જોયું નથી !' હસતાં હસતાં રસિકે કહ્યું :

'તું શહેરમાં આવે તો પહેલવહેલી તો ચકિત જ થઈ જાય — ઘેલી ન થઈ જાય તો ! આખા આ ગામનાં ઝૂંપડાં ભેગાં કરીએ, એમાં આપણું આ મંદિર અને ધર્મશાળા ઉમેરીએ, તો ય શહેરના એક મકાનની બરોબરીએ એ આવે નહિ, માળ ઉપર માળ અને તેની ઉપર માળ !'

'તે ભાઈ ! માળ ઉપર ઢોરઢાંકને ચઢાવો શી રીતે? ઘરમાં ખડિયાટ બાંધતાં હશે?—'

'શહેરના ઘરમાં?'

રસિકને ફરી હસવું આવ્યું. આ છોકરીને શહેરનાં બાંધકામનો જરા યે ખ્યાલ હોય એમ દેખાયું નહિ. મુંબઈનાં મકાનોને ચોથે પાંચમે માળે ગાય ભેંસ ચઢાવવાનો ખ્યાલ કોઈ પણ શહેરીને હાસ્ય પ્રેરે. હસતાં હસતાં તેણે કહ્યું : 'નહિ, નહિ. તમારાં ગામડાં માફક અમારા શહેરમાં માનવી અને ઢોર સાથે રહી શકે જ નહિ. એમને માટે જુદા વસવાટ અને શહેરથી ગાઉના ગાઉ દૂર.'

'એ તો બહુ ખોટું કહેવાય. ગાયભેંશનું દૂધ જોઈએ અને એમને રાખવા ત્યારે ગાઉનાં ગાઉ દૂર ! તમારા શહેરનાં માનવી બહુ સારાં નહિ !' દીવડીએ કહ્યું.

'શહેરનાં માનવી તો બહુ સારાં. મોટા મોટા રસ્તા ! રસ્તામાં જરા યે ધૂળ નહિ: ચોખ્ખા ચંદન જેવાં ઘર. ચકચકતી ગાડીઓ અને મારી મોટરકાર જેવી તો કંઈક મોટરગાડીઓ ત્યાં ફરે.’

'ભાઈ આપણને તો ભાન વગરની એ ગાડીમાં બીક લાગે. જીવ વગરની એ ગાડી ! એને આપણો જીવતો દેહ કેમ સોંપાય?'

'હું તને એક વખત મારી એ વગર જીવની ગાડીમાં ઊંચકીને શહેરમાં લઈ જવાનો છું; પછી તને સમજાશે કે શહેર એ શું છે !' રસિકે હસતાં હસતાં કહ્યું. શહેરની સુલક્ષણી યુવતીઓ સાથે વાત ન થઈ શકે એટલી છૂટથી વાત એક ગામડિયણ છોકરી સાથે રસિક કરતો હતો, અને તેમાં તેને નવાઈ પણ લાગી. જોકે દીવડીને મન એ એક માંદા, કાળજી અને સંભાળ લેવાપાત્ર, શહેરી યુવાનની અર્થહીન વાત જ હતી. સામે હસીને તેણે જવાબ આપ્યો :

'મને ઊંચકીને જાઓ એવા થાઓ તો ખરા ! પછી વાત.' કહીને દીવડી તાંબડી ઉઠાવી માથે મૂકી લટકભેર ધર્મશાળામાંથી ચાલી ગઈ. રસિક દૂર દૂર સુધી દીવડીને જતો રહ્યો. ખરેખર, આ શહેરી યુવાનથી આ મજબૂત ગામડાંની ગોરીને ઊંચકાય એમ હતું જ નહિ. યુવતીને ઊંચકી ન શકાય ત્યાં સુધી સાચોસાચ તેને જીતી ન જ શકાય. એક લહેરી, ભણેલો, સાહિત્યવિલાસી યુવક ગ્રામ સુંદરીના સૌંદર્યને ઊંચકવામાં અશક્ત-પરાજિત નીવડતો હતો. દીવડી આગળ ને આગળ ચાલી જતી હતી. સાચું જીવતું સૌંદર્ય આગળ ને આગળ વહ્યે જતું હતું. રસિકને કવિતા સ્ફુરી; પરંતુ કવિતા લખ્યે સૌંદર્ય કે યૌવન મળે એમ તેને લાગ્યું નહિ. છતાં તેણે ફરી આવીને એક કવિતા તો લખી જ. સાથે સાથે તેને એક સુંદર કલ્પના પણ આવી. રસિકના પોતાના જ સંસ્કાર, બુદ્ધિ, ઝમક શું આ ગ્રામ્યસૌંદર્યને ન જીતી શકે? એકલું જંગલી શરીરબળ એ જ વિજયની ચાવી ન હોઈ શકે?

બીજે દિવસે દીવડી આવી તે વખતે રસિક પોતાની આસપાસ મોટા ગ્રંથોના ઢગલા કરી બેઠો હતો. તેણે દીવડીને પૂછ્યું :

'દીવડી ! તને વાંચતાં લખતાં આવડે છે ?'

'ના રે, ભાઈ ! ભણવાનું કામ પડે તો કોઈ મોટા ગામમાંથી બામણને બોલાવી લાવીએ. તમે તો બહુ ભણ્યા લાગો છે, ભાઈ?'

'હા દીવડી ! હું તો બ્રાહ્મણનું ભણતર ભણ્યો છું અને ગોરા સાહેબનું ભણતર પણ ભણ્યો છું.'

'ભાઈ ! ભણીને કરશો શું? આ બધાં ચોપડાં...લોકો વાત કરે છે કે તમે આખો દહાડો અને રાત વાંચ્યા કરો છો. તમારે કામ શું કરવાનું ?'

‘વાંચનારની, લખનારની બુદ્ધિ બહુ વધે અને અભણ કરતાં દુનિયામાં એ બહુ આગળ વધે.’

'ક્યાં આગળ વધે? ભણી ભણીને તમે આવ્યા તો અમારે ગામડે ને ?'

' જો, દીવડી ! મેં નિશ્ચય કર્યો છે કે ગામડેથી તંદુરસ્તી મેળવી હું પાછો જાઉં એટલે સૌથી પહેલાં તને ઊંચકી મારી મોટરકારમાં બેસાડવી, પછી તને શહેરમાં લઈ જવી, મારે ત્યાં રાખવી અને મારા જેટલું જ તને ભણાવવી.'

'ઓય બાપ ! તમે...ભાઈ, ખરા છો ! શહેરનાં માનવી સારાં દેખાતાં નથી. પછી મારાં ઢોરઢાંકનું શું થાય ? મારાં માબાપ, ભાઈભાંડું એ બધાંનું શું થાય? અને..? ' કહી જરા ઓઢણી માથા ઉપર આગળ ઓઢી દીવડી સહેજ હસી. કેમ અટકી ગઈ? તારા બાપને અમે બધાં ઓળખીએ છીએ. હું એને કહીશ તો જરૂર એ તને મારી સાથે મોકલશે, અને તું ભણી રહીશ ત્યાર પછી આ બધાં ગામડિયાં તારે પગે પડે એવાં થઈ જશે.'

'ના રે ભાઈ! એવું અભણને પગે પડાવતું ભણતર શા કામનું ? આવજો.' કહી દૂધ-માખણ આપી દીવડી ચાલતી થઈ.

રસિકે નિત્ય નિયમ પ્રમાણે જતી દીવડીના દેહસૌંદર્ય તરફ અનિમેષ નિહાળ્યા કર્યું. દીવડી ગામડિયણ હતી; અભણ હતી; તુચ્છ ગણાતી કોમની કન્યા હતી; અને છતાં એનું દેહસૌંદર્ય કોઈ પણ ભણેલી યુવતી કરતાં; કોઈ પણ નગરનિવાસી યુવતી કરતાં વધારે આકર્ષક કેમ હતું ? દીવડીની લંબગોળ ગોરી ચિબુક ઉપરનું ભુરાશ પડતું છુંદણુ..! ગાલના તલ ઉપર સમરકંદ બુખારા જેવા આબાદ શહેરો ન્યોછાવર કરવાની ભાવના કવિને કેમ ઉત્પન્ન થઈ હશે તેનો રસિકને ખ્યાલ આવી ચૂક્યો. સૌંદર્ય તો દીવડીનું જ ! મેળવવાપાત્ર સૌંદર્ય પણ દીવડીનું જ ! એને જ ભણાવી હોય તો? શહેરી સજાવટથી શણગારી હોય તો ? નવી ઢબનું વાક્ચાતુર્ય તેને શીખવી દીધું હોય તો ?...આખું શહેર એની પાછળ ઘેલું ન થાય શું ? રસિકનું દેહસામર્થ્ય દીવડીને ઊંચકી શકે એવું ન હતું. રસિકનું બુદ્ધિચાપલ્ય કદાચ તેને સહાય કરે; પરંતુ તે શંકાસ્પદ ! રસિકના પિતાનું ધન દીવડીને–દીવડીના સોંદર્યને જીતી ન શકે શું ? એ વિચાર આવતાં જ તેને કમકમી આવી. પૈસાને જોરે જિતાતું સૌંદર્ય ? રસિકની કવિતાએ જુગુપ્સા અનુભવી. અન્ય ધનિક પુત્રો સરખો એ અસંસ્કારી ન હતો.

હવા ખાતાં ખાતાં ચોમાસું આવ્યું અને પિતાએ શહેરમાં પાછા ફરવા તેને આમંત્રણ આપ્યું; પરંતુ દીવડીને સવાર-સાંજ જોવાની પડેલી ટેવ રસિકને વ્યસનરૂપ બની ગઈ હતી, એટલે તેણે પિતાને લખી દીધું કે તબિયત સુધરતી જતી હોવાને કારણે તે આખું ચોમાસું ગામડામાં ગાળનાર છે. તબિયત સુધરતી જતી હતી એ વાત પણ સાચી. નદીકિનારે રસિક ફરવા જતો તે હવે નદીને સામે પાર જઈ આગળની વૃક્ષધટાઓમાં પણ ફરતો થઈ ગયો. ફરતાં ફરતાં પણ તેને દીવડીના જ વિચારો આવ્યા કરતા હતા, અને કોઈક કોઈક વાર એવી વૃક્ષકુંજોમાં લાકડાં વીણવા આવેલી કે ઘાસભારો ઉઠાવી જતી દીવડી મળી જતી ત્યારે રસિકના આનંદનો પાર રહેતો નહિ. અને દીવડી પણ ત્યાં જ ભારો નાખી દઈ રસિક સાથે શહેરની જાદુઈ વાતોમાં આનંદપૂર્વક વગર સંકોચે રોકાતી. રસિકની વાત સાંભળી સાંભળીને દીવડીને પોતાને પણ કોઈક વાર મન થતું કે તે શહેરમાં જાય અને શહેરના જાદુ નિહાળી આંખને તૃપ્ત કરે !

એક સંધ્યાએ વર્ષાનાં વાદળાં ઘેરાઈ રહ્યાં હતાં. દૂર દૂર ચમકતી વીજળી હસતી રમતી પાસે આવી રસિકને ચમકાવવાનો પ્રયત્ન કરી રહી હતી. વૃક્ષઘટામાં રમતા મયૂરો મેઘાડંબરને જવાબ આપતા હતા અને પક્ષીઓ ઊડી ઊડીને વૃક્ષડાળીઓમાં સંતાઈ જતાં હતાં. સુસવાટા લેતા મરુતનું દળ આખું અને આખું ઊલટી પડતું હતું. અને મેઘ ક્ષણમાં તૂટી પડશે એ પૂર્ણ ભાસ થઈ રહ્યો હતો. ત્યારે રસિક એ જ વૃક્ષકુંજોમાં ફરતો ફરતો દીવડીના સૌંદર્યનું પૃથક્કરણ કરતો હતો. અને ખરેખર, સામેથી તેણે દીવડીને જ આવતી જોઈ, આશ્ચર્ય ચકિતનયને રસિક દીવડીને જોઈ રહ્યો.

'હજી અહીં છો, ભાઈ? ભાગો ભાગો !' કહી દીવડીએ રસિકનો હાથ પકડી ખેંચ્યો. રસિક કવિતામાં ડૂબી ગયો. તેના પગ ચાલતા ન હતા. દીવડી સામે જોઈ રસિકે પૂછ્યું :

'દીવડી ! તું ક્યાંથી ? વીજળીમાંથી ઉતરી આવી શું ?'

'અરે વીજળી પડશે તો હું અને તમે બન્ને બળીને ભસ્મ થઈ જઈશું. પગ ઉઘાડો, નહીં તો મર્યા સમજો નદીમાં ઘોડાપૂર આવે છે. દીવડીએ કહ્યું અને રસિકને વધારે બળથી ખેંચ્યો. ઘોડાપૂર એટલે શું એની રસિકને ખબર ન હતી. ઘોડાપૂરે રસિકને લગ્નોત્સવની યાદ આપી. વર્ષાના એકાન્તમાં રસિકની કવિતા ઘોડાપૂરમાં વહી રહી હતી અને તેનાથી એકાએક પુછાઈ ગયું :

'દીવડી ! તું મને પરણે ખરી?' સંસ્કારી, સાત્વિક સાહિત્ય કારોથી પણ આવું આવું કદી પુછાઈ જાય છે.

'હવે, વાત છોડો. નદીમાંથી જીવતાં ઘેર પહોંચીએ ત્યાર પછી એ પૂછજો...થયું...પાણી ઊભરાયાં...તરતાં આવડે છે, ભાઈ?' દીવડીએ નદી કિનારે રસિકને ઘસડી લાવી પૂછ્યું. ખરેખર નદીમાં પાણી આવી ગયાં હતાં અને પાછળ આવતા પાણીના ટેકરા નદીને દુસ્તર બનાવી દેતા હતા. રસિકે જવાબ આપ્યો :

'સ્વીમિંગ બાથમાં થોડું તર્યો છું. નદીમાં તો...ન તરાય.' નદીને સામે પારથી એક બૂમ પડી.

‘દીવડી ! દોડી ! આવ ! તરી આવ ! હજી તરાશે.'

'હું તો હમણા તરી આવું; પણ આ ભાઈ એકલા શું કરશે ? એમને તરતાં આવડતું નથી. તું જરા એક ડૂબકી લઈ લે ને ? આ બાજુએથી.' દીવડીએ સ્ત્રીશોભન માધુર્યભર્યા ટહુકારથી બૂમ પાડી. માધુર્ય રસિકને લાગ્યું પણ મધુર ટહુકો એવો નિર્બળ ન હતો કે સામે પાર ન સંભળાય. બૂમ મારતાં જ સામે પારથી એક મજબૂત યુવકે દોડતાં, ભરાતાં, ઊભરાતાં, ઊછળતાં પાણીમાં કૂદકો માર્યો અને જોતજોતામાં તે સામે નીકળી આવ્યો. મહામુશ્કેલીએ કિનારે ચઢી એ યુવકે દીવડીને પૂછ્યું :

'ભાન નથી ? આ વરસાદ અને પૂરમાં એકલાં એકલાં ફરો છો તે? ચાલ ઝંપલાવ, હું સાથમાં છું.'

વરસાદ તે વખતે તૂટી પડ્યો હતો. દીવડીએ કહ્યું :

'હું તો ઝંપલાવું; પણ આ ભાઈ કેમ આવશે?'

'એમને હું લાવું; ઊંચો જીવ ન કરીશ કૂદી પડ. હું પાસે જ છું.'

કછોટો મારી દીવડી પાણીના વમળમાં કૂદી પડી અને શું કરવું – વર્ષા અને દીવડીના સૌંદર્યની સરખામણી કરવી કે કેમ? – કાંચનજંઘા દીવડીની જાંઘ ઉપરથી નામ પડ્યું હશે કે કેમ?— એનો વિચાર કરતા રસિકને એક ભયંકર ધક્કો વાગ્યો. ભાન આવે કે જાય તે પહેલાં ભયંકર વમળોથી ભરપૂર વાંસજાળ પાણીમાં તે ઊંડો ઊતરી ગયો. મરણનો ભય અને ગૂંગળામણ તેણે ક્ષણ બે- ક્ષણ માટે અનુભવ્યાં; શ્વાસ લેતાં તેણે પાણીમાં ત્રણચાર હડસેલા ખાધા અને એકાએક જમીન ઉપરથી દીવડી તેને ખેંચી લેતી હોય તેવો તેને ભાસ થયો. તેની પાછળ જ તેને ધકેલી, તેને ખસેડી, તેને સલામત લાવેલો, દીવડી કરતાં વધારે ઊંચો અને મજબૂત યુવાન ચીકણી, ભીની જમીન ઉપર આવ્યો અને બોલ્યો :

'ચાલ, ભાઈ ભાઈ કરતી હતી તે. ભાઈ બચ્યા તો ખરા !'

રસિક વરસતે વરસાદે બન્નેની સાથે ધર્મશાળામાં ગયો. કપડાં બદલ્યાં. વરસાદ બંધ રહ્યો અને થોડે દિવસે શહેરમાં જવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે ધર્મશાળા છોડી તે શહેરમાં પાછો ગયો.

શહેરમાં પાછા જઈને તેણે ભારે ખર્ચ કરી, ભારે આગ્રહ સાથે દીવડીને શહેરમાં બોલાવી મંગાવી.

પરંતુ તે એકલી દીવડીને નહિ : પરણેલી દીવડીને ! અને તે તેના વર સાથે ! એ જ યુવક દીવડીનો વર હતો કે જેણે રસિકને અત્યંત ભયાનક પૂરમાંથી જીવના જોખમે બચાવ્યો હતો. નદીમાંથી ઘેર પાછાં આવતાં દીવડીએ એકલો રસિક સાંભળે એમ રસિકને ક્યારનું યે કહ્યું હતું :

‘હું કોને પરણીશ તે તમે જાણો છો ?'

'કોને?' સહેજ આશ્ચર્યચક્તિ રસિકે ત્યારે પૂછ્યું. જોખમ ખેડી આવેલા જીવને એ પ્રશ્ન ચમકાવનારો નીવડે ખરો.

'કહું કોને ? આને...પણ કોઈને હમણાં કહેશો નહિ.' દીવડીએ પેલા યુવક તરફ આંખ દોરી શરમાતા શરમાતાં કહ્યું.

ત્યારથી રસિકે નિશ્ચય કર્યો હતો કે એ બન્ને પરણી જાય એટલે તત્કાલ એ બંનેને પોતાના શહેરમાં બોલાવી મહેમાન બનાવવાં.

રસિકને સૌંદર્ય જડ્યું કે નહિ એ કોણ જાણે ! પણ તેણે પોતાનો નિશ્ચય પાર પાડ્યો અને દીવડી સાથે દીવડીના વરને પણ શહેરમાં બોલાવી મહેમાન બનાવ્યો.

પરંતુ એ બન્નેને શહેરમાં ઊભરાતાં માનવી, શહેરનાં ચમકતાં વાહનો અને હોટલ સિનેમા ગમ્યાં લાગ્યાં નહિ. દીવડીને એની ગાયો અને ભેંશો, ઘાસના ભારા અને દૂધની તાંબડીઓ યાદ આવતાં દીવડીના વરને ખભે ડાંગ નાખી ધસમસતી નદીને કિનારે રખડતા યૌવનનું સ્વપ્ન વારંવાર આવ્યા કરતું હતું.