લખાણ પર જાઓ

દીવડી/પાપનું મૂળ

વિકિસ્રોતમાંથી
← ચોરી-શાની? દીવડી
પાપનું મૂળ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
હું કેમ ન પરણ્યો? →





પાપનું મૂળ


તુલસીદાસે ‘પાપમૂલ અભિમાન' કહ્યું છે. અંશત: એ સાચું હશે, સમય સમયનાં પાપ બદલાય છે અને તેની સાથે પાપનાં મૂળ પણ બદલાતાં લાગે છે. રાષ્ટ્રભાવનામાં પ્રાન્ત ઝનૂન પાપ ગણાય અને જગત-રાષ્ટ્રની ભાવના જ્યારે જીવંત સ્વરૂપ ધારણ કરશે ત્યારે રાષ્ટ્રવાદ પીછેહઠ, પછાતવૃત્તિ, સંરક્ષણપણું જ નહિ, પરંતુ પાપ બની જશે.

મારા એક મિત્રની નાની સરખી વાત છે. આપણે આપણા પોતાના કરતાં આપણા મિત્રની નીતિ સાચવવામાં બહુ જ આગ્રહી હોઈએ છીએ. મારા એક અંગત મિત્ર છે. એનું નામ જુદું છે; પરંતુ હું અહીં એને પ્રફુલ્લચંદ્રને નામે ઓળખાવીશ. એ જાતે ભણેલો, બાહોશ અને નીતિમાન હતો. ભણતર, બાહોશી અને નીતિ સર્વદા માનવીને ધનિક બનાવતી નથી. ખરું જોતાં સગુણને તાવવાની જ કુદરતને આદત પડેલી છે. કેટલીક તાવણી તો સગુણી પુરુષોના મૃત્યુ સુધી ચાલુ જ રહે છે. પ્રફુલ્લે પણ તેના બાલપણમાં, કિશોરાવસ્થામાં અને યૌવનમાં અનેક મુશ્કેલીઓ અનુભવી હતી, છતાં એ સર્વ મુશ્કેલીઓમાંથી પસાર થઈ તેણે સફળતા અને યશ પ્રાપ્ત કર્યા હતાં, અને તેના યે કરતાં વધારે ઉપયોગી ધન પણ પ્રાપ્ત કર્યું હતું.

ધનિક પ્રફુલ્લ અનેક સારાં કામ કરતો હતો. સામાન્ય માનવીનાં સારાં કામ એના દેહ સાથે જ જડાયેલા રહે છે. પરંતુ ધનિક માનવીનાં સારાં કામ લોકજીભે ચઢી, વર્તમાનપત્રોમાં આલેખાઈ, ચિત્રમાં ચીતરાઈ સહુની આંખે ચઢે છે. પ્રફુલ્લ જોતજોતામાં પ્રખ્યાત પુરુષ બની ગયો. એનાં ગુણગાન થવા લાગ્યાં. અરે મિત્ર તરીકે હું બહુ રાજી થાઉં એટલી સ્થાનિક કીર્તિ તેણે મેળવી.

પરંતુ એ કીર્તિ સાથે થોડા જ સમયમાં એના નામને કાળાશ લાગે એવી પણ હકીકત મેં સાંભળી. એના મોટા મકાનની પાસેના એક નાનકડા ગૃહમાં કાન્તા નામની એક રૂપવતી વિધવા તેના એક નાનકડા પુત્ર સાથે રહેતી હતી. એનું સાચું નામ બીજું જ હતું; પરંતુ આપણે એને કાન્તાને નામે ઓળખીશું. પ્રફુલ્લને અને કાન્તાને આડો વ્યવહાર છે એવી વાત ધીમે ધીમે, સૂચન રૂપે, કટાક્ષ રૂપે, માહિતી રૂપે અને અંતે નિંદા રૂપે મારે કાને આવવા લાગી. ધનની વિપુલતા અનેક સાહસને પ્રેરે છે; તેમાં પણ સ્ત્રીસહવાસનાં સાહસો ધનિક જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. ધનિકોનાં ઘણાં ઘણાં કર્મો ઉપર ધન સરસ પડદો પાડી દે છે; છતાં તેમનાં કેટલાંક કર્મો એ પડદાને ચીરી બહાર પણ નીકળી આવે છે. પ્રફુલ્લનો અને કાન્તાને સંબંધ છૂપ રહી શક્યો નહિ. લોકોમાં પ્રથમ ચણભણ વાત ચાલી અને પછી તે ખુલ્લેખુલ્લી ટીકાઓ થવા લાગી કે પ્રફુલ્લ અને કાન્તાએ લોકલાજની માઝા પણ મૂકી દીધી છે. પ્રફુલ્લે દુષ્કર્મ ઢાંકવાનું ડહાપણ સુધ્ધાં દૂર મૂક્યું એની મને નવાઈ લાગી અને નવાઈ સાથે મને ગુસ્સો પણ ચડ્યો. પ્રફુલ્લ સાથે પ્રફુલ્લની પત્ની ઉપર પણ મને ગુસ્સો ચડ્યો. તેના સરખી ચબરાક સ્ત્રી પોતાના પતિને આમ જરા પણ દાબમાં ન રાખી શકે એ મને વધારે પડતું લાગ્યું.

પ્રફુલ્લની ટીકા અસહ્ય બની જતાં હું તેને ઘેર મુદ્દામ ગયો અને તેને કહ્યું :

'પ્રફુલ્લ ! આજે હું ખાસ તારી સાથે વાત કરવા આવ્યો છું.'

'તને મેં ક્યારે ના પાડી? હું કેટલા ય દિવસથી તારી આંખમાં કશી ગુપ્ત વાત વાંચી રહ્યો છું. કહે.' પ્રફુલ્લે જરા હસતાં હસતાં મને જણાવ્યું. મને તેનું હાસ્ય ન ગમ્યું.

'ગુપ્ત વાત એકાંતમાં થાય. તમે મોટાં માણસ ધારો નહિ ત્યાં સુધી એકાંત આપો પણ નહિ.'

'કલાકનું એકાંત બસ છે? હું કહી દઉં છું કે કોઈએ એક કલાક સુધી અમારા એકાંતનો ભંગ ન કરવો... મારી પત્નીએ પણ નહિ. પછી કાંઈ?'

'તારી પત્નીમાં આવડત હોત તો મારે તને એકાંતમાં ઠપકો આપવા આવવું ન પડત.'

'તું ઠપકો આપવા આવ્યો છે? વારુ, કલાકને બદલે બે કલાકનું તને એકાંત આપું.' કહી તેણે બે કલાક સુધી કોઈએ અમારી વાતમાં દખલ ન કરવી એવી આજ્ઞા ચારે પાસ આપી દીધી. ચા-નાસ્તો મંગાવ્યાં અને પોતાને હાથે મને ચા કરી આપતાં કહ્યું :

'કહે, શાનો ઠપકો આપવો છે?'

'તને પોતાને સમજણ નથી પડતી કે હું શી બાબતનો ઠપકો આપવા આવ્યો હઈશ?'

'મારી જાતના જ સોગન જો મને કશો પણ ખ્યાલ હોય તો.'

'સહુની માફક મને છેતરવાનો પ્રયત્ન કરીશ...'

'હું સહુને છેતરીશ...માત્ર બે વ્યક્તિ સિવાય : એક તું અને બીજી મારી પત્ની.....!'

'તું શું એટલો બધો ભોળો છે કે તારા વિરુદ્ધ આખી દુનિયામાં થતી વાતની તને ખબર પણ ન પડે ? જો, પેલી કાંતાને અને તારો સંબંધ આખા શહેરની જીભે ચડી ગયા છે એ તું જાણે છે ?'

'મને સાચોસાચ ખબર નથી કે મારી સાથે કાન્તાનું નામ જોડાય છે અને અમે બંને વગોવાઈએ છીએ...'

‘વગોવાઓ નહિ તો બીજું શું થાય? એ વિધવા છે એ વાત સાચી ને?'

'હા. એને કમનસીબે એ વાત સાચી છે. એ સ્થિતિ દયાપ્રેરક છે.'

'દયા કરવા માટે ધનિકોએ વિધવાને જ શોધવી પડે એનો કાંઈ અર્થ ?'

'હું કેટલી સધવાઓને પણ સહાય આપું છું તેનો હિસાબ તારી પાસે મૂકી દઉં? મધ્યમ અને ગરીબ વર્ગની સ્થિતિ એવી દયાપાત્ર બની ગઈ છે કે...'

'એ હું અને તું બન્ને જાણીએ છીએ; પરંતુ દયા કરવા માટે કાન્તાનો સાથ બહુ સેવવાની જરૂર ખરી ?'

'સાથ? મહિનામાં એકાદ વાર પણ અમે ભાગ્યે જ મળીએ છીએ. મારી પડોશમાં રહે છે એટલે કોઈ કોઈ વાર મારી પત્નીને મળવા એ આવે છે...'

'લોકો તો કાંઈ કાંઈ વાતો કરે છે. એના દીકરાને તું ભણાવે છે...'

'એટલે હું ભણવાનો ખર્ચ આપું છું. હું જાતે એના પાઠ કરાવતો નથી.'

'તમે બંને જણ ખુલ્લેખુલ્લાં હસીને વાત કરો છો...લોકો જોતાં હોય તો ય.'

'વાત કરવી જ હોય તો હસીને જ કરવી જોઈએ. કારણ વગર મોં ચડાવવાની કોઈ જરૂર?...અને લોકો શા માટે અમારા ઉપર ચોકીપહેરો મૂકે છે? હસીને વાત કરવાનો હક્ક મને એકલાને મળ્યો નથી...' 'એ બધી ચબરાકીભરી દલીલો મને નવી નથી લાગતી. તું મુક્તિ મેળવી ચૂકેલો સાધુ હોય તો ય આવા વર્તનની ટીકા થયા વગર રહે નહિ.'

'હું સાધુ જરા ય નથી. લોકો માને એવો નીતિમાન પણ હું નથી.'

'એ જ બતાવી આપે છે તારે કાન્તા સાથે પરિચય સદંતર મૂકી દેવો ઘટે.'

'કારણ વગર ?'

'કારણ એટલું જ કે તમે પરાયાં સ્ત્રી-પુરુષ છો.'

‘તું જાણે છે, એ કાન્તા મારી ગુરુ છે તે !'

'એ વળી નવી વાત તું લાવ્યો ! બહાનાં રહેવા દઈ એમ જ કહે ને કે તારે તારી નફટાઈ ચાલુ રાખવી છે? આજથી આપણી મૈત્રી બંધ ! પરાઈ સ્ત્રીઓને ગુરુ બનાવવા બેઠો છે તે!'

'તું આમ ગુસ્સે ન થા. મને તું નહિ સમજે તો બીજું કોણ સમજી શકશે? કાન્તા ખરેખર મારી ગુરુ બની છે.'

'એનો ગુરુમંત્ર હશેઃ રૂપમાં રાચવું !' મેં વધારે તીખાશથી કહ્યું.

'ના, એણે મને બીજો જ ગુરુમંત્ર શીખવ્યો : પાપનું મૂળ ગરીબી ! '

અને આશ્ચર્યચકિત થયેલા મને એણે એક એવી વાત કહી કે જે હું જિંદગીભર ભૂલીશ નહિ.

પ્રફુલ્લને મેં નીતિમાન તરીકે પ્રથમ ઓળખાવ્યો હતો, ખરું ? કસોટીએ ચઢે ત્યારે ઘણા નીતિમાનોની નીતિ મુલાયમ બની જતી દેખાય છે. ધનનો લોભ જતો કરનાર બહુ ઓછા માનવીઓ આપણને મળશે. એથી યે ઓછા માનવીઓ કીર્તિલોભથી બચતા હશે, કીર્તિલોભથી બચનારામાં વળી સ્ત્રી સૌન્દર્યના આકર્ષણમાંથી ઊગરનારા કેટલા હોઈ શકે એનો તાગ નીકળી શકે એમ નથી. 'સો લાખનમેં એક' પણ કદાચ નહિ હોય. અને લોકોની વાતનો પાયો છેક ધુમ્મસનો રચાયેલો હોતો નથી. ને ધુમ્મસ પણ એક દ્રવ્ય જ છે ને? પ્રફલ્લને કાન્તાનું આકર્ષણ થયું !

ત્યારે એ વાત સાચી !

કાન્તા એક વિધવા હતી. તે એક રૂપવતી વિધવા હતી. એક નાનો બાળક-પુત્ર મુકી તેનો પતિ ગુજરી ગયો હતો. આશાસ્પદ પતિ જતાં કાન્તા, નિરાધાર બની ગઈ. દૂર દૂર વેરાયેલાં સગાંવહાલાં ક્યાંથી અને ક્યાં સુધી આશ્રય આપે ? પતિના મિત્રોની મૈત્રી પણ દિવસો જતાં કટાવા લાગી. હિંદુ વિધવાથી નોકરી થાય નહિ છતાં અંતે કાન્તાએ નાની નાની નોકરીઓ શોધવા માંડી. નોકરીઓ મળતી જાય અને છૂટતી જાય. કોઈ ધનિક સ્ત્રીને સહવાસ આપવાની નોકરી મળે કે સમય પસાર ન થતો હોય એવી તવંગર સ્ત્રીને ધર્મપુસ્તક વાંચી બતાવવા પૂરતી નોકરી મળે. બાળકોની સારવારનું કામ હોય અથવા વૃદ્ધ બનેલી ધનિક સ્ત્રીની સંભાળ રાખવાનું કામ હોય. એવાં એવાં કામ કરતાં કરતાં તેનો પુત્ર દસેક વર્ષનો થયો ત્યારે તે પ્રફુલ્લના મકાન પાસે આવી એક નાનકડી ઓરડીમાં નિવાસ કરવા લાગી. ઓરડીનું ભાડું ઓછું હતું અને સારા માણસોનો પડોશ હતો એમ માની કાન્તાએ એ સ્થળ પસંદ કર્યું. તેનો પુત્ર કદી કદી પ્રફુલચંદ્રના કમ્પાઉન્ડમાં આવી અન્ય બાળકો સાથે રમતો અને પ્રફુલ્લચંદ્રના નોકરો તેને પરાયો માની કાઢી મૂકે ત્યારે તે જતો પણ રહેતો.

રૂપ સહુની આંખ ખેંચે છે. પડોશી પુરુષો જ નહિ પણ સ્ત્રીઓ સુદ્ધાં કાન્તા તરફ નજર ફેંકવાનું ચૂકતી નહિ. સ્વભાવે તે હસમુખી હતી, સહુની સાથે આપ્તપણે તે વાતચીત કરતી હતી અને સર્વ પડોશીઓને ઉપયોગી પણ થઈ પડતી હતી. પ્રફુલ્લ પણ પોતાને મહાપુરુષ માનતો ન હતો એટલે એની પણ નજર કદી કદી દેખાતી કાન્તા ઉપર પડતી ખરી. અને એક કરતાં વધારે વાર નજર પડતાં મનને પણ ખેંચાવું પડે છે એ જગજૂની હકીકત છે. રૂપાળી પત્ની હોવા છતાં અન્ય રૂપવતી સ્ત્રી તરફ પતિ કેમ નજર કરે છે એ પ્રશ્નનો હજી ઉત્તર મળ્યો નથી - જોકે એ સત્ય પત્નીની આંખથી તેમ જ જનતાની આંખથી ઢંકાયેલું રાખવા પુરુષોના થતા પ્રયત્નો ભગીરથના તપને શોભે એવા હોય છે. પ્રફુલ્લે પોતાની કાન્તા પ્રત્યેની કૂણી ભાવના પોતાની પત્નીથી સફળતાપૂર્વક છુપાવી હતી એટલે તેની પત્નીએ જ જ્યારે કાન્તાને સહાય આપવાની ફરજ વિશે પ્રફુલ્લને સમજાવવા માંડ્યો ત્યારે તેને લાગ્યું કે કાન્તા પ્રત્યેનું આકર્ષણ એક ઈશ્વરદત્ત આકર્ષણ જ બની રહ્યું છે ! પ્રફુલ્લે સંપૂર્ણ સહાય આપવા માંડી.

એ આકર્ષણમાંથી એક અવનવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. પ્રફુલ્લની પત્ની પરગામ ગઈ હતી ત્યારે કાન્તાએ પ્રફલને પોતાને ઘેર આવી ચા પીવાનું આમંત્રણ આપ્યું. એ તેણે સ્વીકાર્યું અને કોઈ ન જાણે એમ બપોરના ત્રણેક વાગ્યે પાસે જ આવેલી કાન્તાની ઓરડીએ તે પહોંચી ગયો. આપણને નવાઈ જેવા લાગે એવા કૈંક પ્રસંગો શક્ય હોય છે. કાન્તા એકલી હશે એમ જ પ્રફુલ્લે ધાર્યું હતું. આકર્ષક આમંત્રણો એકાન્તનાં જ હોય; પરંતુ ઓરડીમાં પ્રવેશ કરતાં જ પ્રફુલ્લે જોયું કે કાન્તાનો પુત્ર એ ઓરડીમાં પુસ્તક વાંચતો બેઠો હતો. તેના મુખ ઉપરનો ઉત્સાહ ઓછો થઈ ગયો. તેની આંખમાંથી અડધી ચમક ઊડી ગઈ અને તે કાન્તાએ સૂચિત કરેલા હીંચકા ઉપર બેસી ગયો. રાગદ્વેષરહિત બની ગયેલા કાન્તાના મુખ પાસે આતુરતાભરી, દયાભરી દ્રષ્ટિ પ્રફુલ્લે નાખી અને કાન્તાએ પોતાના પુત્રને આજ્ઞા આપી :

'ભાઈ ! જો, જરા ઝડપ કર. થોડું દૂધ બજારમાંથી લઈ આવ... અને... હા..ખાંડ અને ચા બન્ને લાવવાનાં છે તે પણ તું લેતો આવ. બહુ વાર ન કરીશ...રમતમાં ન પડીશ...' આટલું કહી કાન્તાએ પુત્રના હાથમાં પૈસા મૂક્યા, પુત્ર કપડાં પહેરી બહાર નીકળ્યો, માતાએ તેને બારણાં પાસે ઊભા રહી અદ્રશ્ય થતો જોયો અને જેવો તે અદ્રશ્ય થયો તેવાં જ પોતાની ઓરડીનાં બારણાં કાન્તાએ બંધ કરવા માંડ્યાં.

'બારણાં બંધ ન કરશો.' કંપભર્યો પ્રફુલ્લનો કંઠ કાન્તાએ સાંભળ્યો અને જરા આશ્ચર્ય પામી કાન્તાએ પાછળ પ્રફુલ્લ તરફ જોયું. પ્રફુલ્લનું મુખ ફિક્કું, રુધિર-રહિત બની ગયું હોય એમ કાન્તાને લાગ્યું. પ્રફુલ્લની આંખમાં ભય અને વિકલતા ક્ષણભર પ્રગટી રહ્યાં હોય એમ કાન્તાને ભાસ થયો. સહેજ પાસે આવી કાન્તાએ કહ્યું :

'એને પાછો આવતાં કલાક થશે... અણધારી રજા નિશાળમાં પડી અને એ આવી લાગ્યો...બાકી ઘરમાં ચા, ખાંડ, દૂધ સઘળું છે... કલાક સુધી આપણે બંને એકલાં જ...'

‘કાન્તાબહેન ! જરા પાસે આવો...'

'ખુલ્લે બારણે?'

'હા, તમારે પગે પડી મારે તમારી ક્ષમા માગવાની છે.' પ્રફુલ્લે કહ્યું.

'કારણ ! આમંત્રણ મેં જ આપ્યું હતું તમને...અત્યારે આમ આવવા માટે.' કાન્તાએ બહુ જ સ્વાભાવિકપણે કહ્યું. એના મુખ ઉપર એક યોગીની અસ્પૃશ્યતા મને દેખાઈ.

‘એ આમંત્રણ મેં માગીને, ખેંચીને લીધું હતું... મારી સહાયની કિંમત રૂપે...' પ્રફુલ્લે શરમથી ઊભરાતા વદને કહ્યું.

'કિંમત તમે માગી શકો છો, લઈ શકો છો અને એક નિરાધાર વિધવા...આપી શકે એમ આપે છે....'

'માફ કરો. મેં તમારી ચકાસણી વધારે પડતી કરી. હું જો કિંમત લઉં તો માનવી મટી જઉં..તમે જરા બેસો; છોકરાને આવવા દો...' નાનકડી શેતરંજી ઉપર હીંચકાથી સહેજ દૂર કાન્તા બેસી ગઈ અને વસ્ત્રને છેડે મુખ ઢાંકી ચોધાર આંસુએ રોઈ. કેટલી વાર એ રાઈ હશે ? પાંચ મિનિટ ? દસ મિનિટ? પા કલાક? પ્રફુલ્લના હૃદયમાં ચીરા પડતા હતા. કાન્તાનાં અશ્રુ પ્રફુલ્લને દઝાડતાં હતાં. તે રડી રહી; આંખ લૂછી તેણે પોતાનું મુખ પ્રગટ કર્યું. ઝાકળથી સ્વચ્છ બનેલા ગુલાબ-પુષ્પ સરખા તેના મુખે આછું હસવા પ્રયત્ન કર્યો; પરંતુ તે સફળ ન થયો. પ્રફુલ્લે એ પ્રયત્નના જવાબમાં કહ્યું :

'રડવું મારે જોઈએ... આમ તમારા હૃદય સાથે રમત કરવાને બદલે.'

'હિંદુ વિધવાને હૃદય વળી ક્યાં હોય? એને તો એકલું શરીર જ હોય. જેને અડપલું કરવું હોય તે કરી લે. તમે તમારી કિંમત લઈ પાછા ફર્યા હોત તો હું જરા ય રડત નહિ.. પણ આ તો...' કહી ફરી કાન્તાની આંખમાં આંસુ આવ્યાં અને તેનો કંઠ રૂંધાઈ ગયો. ધીમે ધીમે બન્ને સ્વસ્થ થયાં. કાન્તા રડી શકતી હતી; પ્રફુલ રુદનથી એ ઊંડી વેદના ભોગવી રહ્યો હતો. કાન્તાએ આજ સુધી સહાયતાની કિંમત આપવાનો વિચાર સરખો કર્યો ન હતો. તેનો પુત્ર મોટો થાય અને ભણે એ જ એના જીવનનો ઉદ્દેશ હતો. પુત્રો મોટા થાય, ભણે અને સ્વાવલંબી બને, એ લાંબા ગાળામાં માતાને શા શા અનુભવ થતા હશે એ કયી માતા નોંધી રાખતી હશે? કાન્તાને અનેકાનેક અનુભવો થયા. સગાંવહાલાંમાં, મિત્રમાં, પરોપકારી સજ્જનોમાં, નોકરી આપનાર ધનિકમાં, અરે સામાન્ય રસ્તો દેખાડનાર ભોમિયામાં પણ એણે એક જ અનુભવ કર્યો : સહુને સહાયની કિંમત તેના દેહ-ઉપભોગ રૂપે લેવી જ હતી. સહુને છોડી તરછોડી દેહને પવિત્ર રાખવામાં અનેક કષ્ટ અનુભવતી કાન્તાને એ જ કારણે અનેક સ્થાનોને તિલાંજલિ આપતાં અંતે પ્રફુલ્લની આંખમાં પણ કિંમતની જ માગણી જોઈ, એટલે તેણે અંતે નિશ્ચય કરી લીધો કે વિધવાને પોતાનો પુત્ર ઉછેરવો હોય, તેને ભણાવવો હોય, તેને ઠેકાણે પાડવો હોય તો તેને માટે એક જ માર્ગ હોઈ શકે: સહાનુભૂતિ દર્શાવનારને, સગવડ કરી આપનારને, આછું-પાતળું ધન આપનારને બીજો બદલો ન ખપે. બીજા સર્વ બદલા સાથે દેહ તો સોંપવો જ પડે; અને તે ન બને તો વિધવાએ અને તેના પુત્રે આ સંસારમાંથી લુપ્ત થઈ જવું પડે. પોતાને લુપ્ત થવું પડે તેની કાન્તાને જરા ય ચિંતા ન હતી, પરંતુ એને તો પુત્ર માટે જીવવું જ હતું. જેને જન્મ આપ્યો તેને જીવતો રાખવો જ જોઈએ. અને પ્રફુલ્લ સરખા સહાયકની આંખમાં એણે વિકાર ભાળ્યો ત્યારે એની ખાતરી થઈ ગઈ કે પુત્રને માટે પોતાના દેહની કિંમત આપ્યા વગર તેનો છૂટકો નથી જ. પ્રફુલ્લનો તેણે સામનો ન કર્યો; એટલું જ નહિ. એકાંતમાં મળવાની પ્રફુલ્લે દરખાસ્ત મૂકતાં કાન્તાએ તેને પોતાને ઘેર ચા પીવા આમંત્રણ પણ આપ્યું, જે પ્રફુલ્લે બહુ રાજીથી સ્વીકારી લીધું.

પતનના પ્રથમ સ્વીકાર સમયે જ પુરુષ સ્ત્રી કરતાં વધારે સારો નીવડ્યો, અને સ્ત્રીના સ્વમાનને ઘા કરી ચૂક્યો ! સ્વમાનને ઘા કરનારે જ તેને એ પાસ દોરી હતી અને હવે તે શ્રેષ્ઠતા દર્શાવી દયાનો ભાવ દેખાડી રહ્યો હતો...છતાં એની સજ્જનતા સામે કાન્તાથી વાંધો લઈ શકાય એમ હતું જ નહિ. ગૂંચવણભર્યા ભાવે તેને એકદમ રડાવી. ન સમજાય એવું પ્રફુલ્લનું વર્તન વધારે શ્રેષ્ઠતા ધારણ કરતું ગયું.

'તમે હવે સ્વસ્થ બનો. તમારા પુત્રની ચિંતા કરશો નહિ. એનો અભ્યાસખર્ચ મને જરા ય ભારે પડશે નહિ... અને આ ક્ષણથી હું તમને મારી માતાને સ્થાને મૂકું છું...' પ્રફુલ્લે કહ્યું.

કદી નહિ ધારેલી પુરુષસજ્જનતા આગળ કાન્તાનો ઘાવ કૂણો બન્યો, માનવસાધુતા પ્રત્યે તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને આભારની લાગણીમાં કાન્તાએ વધારે અશ્રુ ઢાળ્યાં.

ત્યારથી પ્રફુલ્લ અને કાન્તાના સંબંધની વિશુદ્ધિ પૂર્ણ રીતે સચવાયે ગઈ એમ મારે માનવું રહ્યું !

આ વાત સાંભળતાં મારી આંખમાં આછી અશ્રદ્ધા પ્રફુલ્લને દેખાઈ હોવી જોઈએ. વાત કરીને તે જરા અટક્યો અને મારી અશ્રદ્ધા પ્રત્યે તે સહજ હસ્યો.

'તારી અશ્રદ્ધા બહુ સાચી છે. કાન્તા ધારે છે એવો હું સજ્જન હતો પણ નહિ અને છું પણ નહિ.' પ્રફુલ્લે મને કહ્યું.

'તો પછી તું મારા મન ઉપર શું ઠસાવવા માગે છે?' મેં પૂછ્યું.

'દુષ્ટ દાનતથી જ કાન્તા પાસે ગયો હતો એ પણ મારે કબૂલ કરવું જોઈએ.'

'ત્યારે તું આ અગ્નિસ્નાનમાંથી વગરદાઝ્યે ચોખ્ખો કેવી રીતે પાછો ફર્યો?'

'કહું? એ કહ્યા વગર તારી ખાતરી નહિ થાય...મારી પ્રત્ની સિવાય આ વાત બીજા કોઈને મેં કહી નથી. હવે વધારામાં તને કહું છું.'

'જીવનમાં તને સફળતા મળી; તું બહુ ધનિક બન્યો; તું કહીશ એ સહુએ માનવું જ રહ્યું !' કટાક્ષમાં કહ્યું.

'સફળ માનવી અને ધનિક માનવી જે વાત સંતાડી રાખે તે હું તને કહું છું... નાનપણમાં હું ગરીબ હતો....મારે પણ ખાવાપીવાના વાંધા પડતા હતા એની તને ખબર છે ને?' પ્રફુલ્લે કહ્યું.

'હા...મારી સ્થિતિ પણે કાંઈ બહુ સારી ન હતી.'

'છતાં તારા ઉપર તારાં માતાપિતાની બન્નેની છત્રછાયા હતી. અને હું તો પિતાવિહોણો વિધવા માનો ઉછેર પામતો હતો.' પ્રફુલ્લે કહ્યું. એના મુખ ઉપર ગંભીર વિષાદ છવાતો મેં નિહાળ્યો.

'એ તો હવે જૂની વાત થઈ. આજ તું લક્ષાધિપતિઓમાં મોખરે છે. પાછલું બધું ભૂલી જા.'

'ભૂલી જ ગયો હતો; પરંતુ જે ક્ષણે કાન્તાએ એના પુત્રને દૂધ-ચા લેવા બજારમાં મોકલ્યો ત્યારે એક ભુલાઈ ગયેલો સમયટુકડો અંગારાથી ચીતરેલા ચિત્રસમો મારી આંખ સામે આવી ચીતરાઈ રહ્યો.'

'એમ ! એવો શો પ્રસંગ હતો ?'

'એ જ પ્રસંગ...મારી ગરીબ ઓરડીમાં મારી માતાએ પણ ...મને ચાનું દૂધ લેવા મોકલ્યો હતા... હું પણ કાન્તાના પુત્ર જેવડો જ ત્યારે હતો...એ ભુલાઈ ગયેલા છતાં એકાએક આંખ સામે તરી આવેલા મારા બાળપણના પ્રસંગનો અર્થ શો થતો હશે તે હુ કાન્તાના પ્રસંગથી સમજી શક્યો...તદ્દન ભુલાયેલા... કદી યાદ ન આવેલ એ પ્રસંગ યાદ આવ્યો...અગ્નિછાપથી છપાયો...અને હું કંપી ઊઠ્યો..ગરીબી એ બધાં જ પાપની માતા છે...પાપનું મૂળ ગરીબી... અને કાન્તાને મેં તે ક્ષણે મારી માતા માની, અને જીવનભર માતા માનીશ..'

હું દિગ્મૂઢ બની ગયો. મારે પ્રફુલ્લને કશી જ શિખામણ આપવાની હતી નહિ. મારે શું બોલવું તેની પણ મને સમજ પડી નહિ. સ્વસ્થ બની સહજ હસી પ્રફુલ્લે મને કહ્યું :

'આ વાત હું મારી પત્ની અને તું એમ ત્રણ જણ જાણીએ છીએ. કાન્તા તો મને દેવ માને છે-જે હું જરા ય નથી... એને ક્યાંથી ખબર હોય કે એની પાસે સહાયની કિંમત માગનારના જીવનમાં આમ જ બન્યું હશે.છતાં...તું કોઈને કશું કહેતો નહિ.'

મારાથી રહેવાયું નહિ એટલે નામ બદલી આટલી વાત કહી દઉં છું...પ્રફુલ્લ એ બીજું કોઈ ન હોય... અને કદાચ હું જ હોઉં તો?...મને ભય લાગે છે... પાપનાં મૂળ હું જોઈ રહ્યો છું...