દીવડી/બાજી પટેલ

વિકિસ્રોતમાંથી
← સનાતન દર્દી દીવડી
બાજી પટેલ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
ચોરી-શાની? →







બાજી પટેલ


બાજી પટેલ એક દસકા પહેલાં ગામના આગેવાન ગણાતા. સારી જમીન, સારું મકાન, સારાં ઢોર અને સારાં ઓજારો માટે આખુ ગામ તેમને આદર્શ ખેડૂત ગણતું અને તેમની સલાહ પણ લેતું. ગામની પટલાઈ માટે તલાટી અને 'સર્કલ' તો તેમનો આગ્રહ કરે એ સમજી શકાય; આ તો મામલતદાર અને તેમના પણ ઉપરીઓ બાજી પટેલને ગામની પટલાઈનો હોદ્દો સ્વીકારવા આગ્રહ કરતા; પરંતુ બાજી પટેલને હોદ્દાનો મોહ ન હતો. વગર પટલાઈએ પણ પોતાનું સારા ખેડૂત તરીકેનું સ્થાન તેમના મહત્વને સંતોષવા માટે પૂરતું હતું.

ગામમાં જે કોઈ અમલદાર આવે તે બાજી પટેલને પૂછતા આવે. ગામમાં ચોરો ન હતા – ઊતરવાની સરકારી કે ગામાત જગા ન હતી. મહાદેવ સાથે જોડાયેલી એક ધર્મશાળા સાર્વજનિક મકાન તરીકે વપરાતી. આપણામાં કહેવત છે કે 'સહિયારી સાસુ એની ઉકરડે મ્હોકાણ.' એની પાછળના છેલ્લા રુદનમાં કોઈ ઘર કે આંગણું ન હોય આપણાં સહિયારાં – સાર્વજનિક મકાનો પણ સહિયારી સાસુ જેવાં જ હોય છે. એકાદ ભીતમાં તરડ પડી હોય; છાપરાનાં નળિયાં ખસી ગયાં હોય; જમીનમાં લીંપણ ન હોય એટલે રસ્તે જતા સાધુઓ, ફકીરો અને સિપાઈસપરાં ત્યાં કદાચ પડી રહે. અમલદારોએ કોઈના ખાનગી મકાનમાં ઊતરવું નહિ એવા સખ્તાઈ ભરેલા હુકમ આપનાર ઉપરી અમલદારો જ બાજી પટેલની ઓસરીમાં મુકામ નાખતા; અને રોકડા પૈસા આપી 'બિલ' ચૂકવ્યા વગર કોઈનું સીધું ગ્રહેણ કરવું નહિ એમ હાથ નીચેના નોકરોના મન ઉપર સિદ્ધાન્ત ઠસાવનાર અમલદારો જ પૈસા આપ્યા વગર જ 'બિલ’ અને તેની પાવતી લઈ લેતા. ચારે પાસ પથરાયેલા નીતિના આવા હુકમો કાગળોની શોભારૂપ બની રહે છે. એટલે અંતે આ ગામ માટે તે એક નિયમ જ સ્થિર થઈ ચૂક્યો હતો કે અમલદારોનો મુકામ બાજી પટેલને ઘેર જ રહે, રસોઈ પણ તેમને ત્યાં જ થાય, અને અમલદારોના બાહોશ ટેવાયેલા કારકુનો બિલ પાવતી ઉપર બાજી પટેલની સહી લઈ પોતાની સાર્વજનિક પ્રામાણિકતાના પુરાવાઓનો ઢગલો ભેગા કરતા જાય.

ગામનો પટેલ ભણેલો અને હોશિયાર હતો. ભારતના ભણતરે ભારતને હજી સુધી ઉજાળ્યું હોય એમ બહુ દેખાતું નથી; પછી એ ભણતર નીચું હોય કે ઊંચું, દેશમાં લીધું હોય કે પરદેશમાં લીધું હોય. પટેલ ભણતર અને હોંશિયારીનો ઉપયોગ પોતાની મિલકત વધારવામાં અને પટલાઈની જવાબદારીઓ ઘટાડવામાં કરતો. બાજી પટેલને ઘેર બધી સગવડ થતી એટલે પટેલની પોતાની પણ ઘણી ઘણી સગવડ અમલદારો સાથે થઈ જતી. બાજી પટેલનું મહત્ત્વ વધે એમાં ગામના પટેલને જરા ય હરકત ન હતી; ઊલટું એ જેમાં તેમાં બાજી પટેલને આગળ કરી તેમનું માન વધારતો.

ગ્રામજનતાની સ્થિતિ સુધારવાના પ્રયત્નો અંગ્રેજ રાજઅમલથી થતા ચાલ્યા આવે છે. સારા પગારથી જેમની સ્થિતિ સુધરી ચૂકી હોય છે એવા અમલદારો ચક્રવ્યુહ નિત્ય રચાતો જ જાય છે. ખેતી સુધારવા માટે, પશુપક્ષીની જાત સુધારવા માટે, ઓજારાને, હળવા અગર ધારદાર બનાવવા માટે, જમીનનું ધોવણ અટકાવવા માટે, ગામડાનું આરોગ્ય સાચવવા માટે, સચવાયેલા આરોગ્યની છબીઓ પાડવા માટે, પાણી વધારવા માટે, અને ખાસ કરી ગામડાની ગરીબી ટાળવા સહકારી મંડળીઓ રચી ચૂસણનીતિ દ્વારા ગબ્બર બનેલા શાહુકારોના દેહફુગાવાને ચપટ બનાવવા માટે - એમ ગામડાની આસપાસ રચાતા અમલદારી ચક્ર્કવ્યૂહથી ગામડાંની સ્થિતિ કેટલી સુધરી એ તો ગામડાંનો ચહેરો કહી ઊઠે એમ છે. ભણતરની શરમભરી નિષ્ફળતાના નમૂના સરખા શિક્ષિત યુવાનો સારા કૃષિકાર કે સારા ગ્રામવાસી બનવાને બદલે નગરનિવાસી નોકર બની પછી ગામડાંની સ્થિતિ ઉપર નિવેદન કરવા પધારે છે અને સુધરેલી ખેતી, નવી ઢબનાં ઓજારો, કરકસર તથા સહકાર સંબંધમાં લોકોનું જ્ઞાન વધારી એ જ્ઞાનનું શું પરિણામ આવ્યું એ વિચાર્યા વગર પાછા બીજે ગામે પોતાનો હલ્લો લઈ જાય છે.

એવા એક અમલદારની વાણી તથા આગ્રહને વશ થઈ બાજી પટેલની આગેવાની નીચે એક સહકારી મંડળી સ્થાપવામાં આવી. સહકારી મંડળીમાં સાંકળિયા, જામીન અને ધિરાણ શબ્દ વારંવાર આવ્યા કરે છે. પંદર માણસોની મંડળી નીકળી. એમાંથી ચૌદ માણસોએ મંડળીનું નાણું લઈ સુધરેલી ઢબની ખેતી માટે પ્રયત્ન કરવા પ્રતિજ્ઞા લીધી, જે નાણાંમાંથી થોડો ભાગ પટેલને એની મહેનતના બદલામાં મળ્યો અને બાકીનો ભાગ શાહુકારનાં જૂનાં દેવા પેટે અપાઈ ગયો. ખેતીનો સુધારો અધ્ધર રહી ગયો. આકાશવૃત્તિ ચાલું રહી અને શાહુકારો ઉપરાંત ગામને માથે સહકારી મંડળી નામનો એક ન લહેણદાર ઊભો થયો.

લહેણદાર વાણિયો હોય, બેંક હોય કે મંડળી હાય : એ ત્રણેની શરમહીન ક્રૂરતા સરખી જ હોય છે. વર્ષ વીત્યું, બે વર્ષ વીત્યાં, ત્રણ વર્ષ થયાં, છતાં વ્યાજ કે મુદ્દલમાંથી કોઈ દેણદારે પૈસો આપ્યો નહિ. એટલું જ નહિ, કેટલાક દેણદારો શહેરમાં મજૂરી કરવા ચાલી નીકળ્યા, કેટલાક ચારે ધામની યાત્રાએ નીકળી ગયા; એકબે દેણદારોએ સંન્યસ્ત લીધું અને જે ગામમાં રહી ગયા તેમની પાસે ખેતીનું સાધન ન હોવાથી તેમની જમીનમાં માત્ર ઘાસ જ ઊગવા લાગ્યું; પરંતુ એથી લેણદાર પોતાના પૈસા મૂકી દે એમ બનતું નથી. જે અમલદારના આગ્રહથી મંડળી નીકળી હતી એ જ અમલદારના હુકમથી પૈસા વસૂલ લેવા ફરમાન નીકળ્યું, અને એ ફરમાન એટલું વ્યાપક હતું કે મંડળીના પંદરે સભ્યો પાસેથી – વ્યક્તિગત રીતે જેની પાસેથી મળે તેની પાસેથી – એ લહેણું વસૂલ કરવું. પંદરમાંથી ચૌદ માણસોએ મંડળીના પૈસા લીધા હતા. પૈસા ન લેનાર પંદરમા સભ્ય બાજી પટેલ હતા. ચૌદ સભ્ય પાસેથી પૈસા મળે એવું કશું દેખાયું નહિ, એટલે સાંકળિયા જામીનગીરી અંગે એ ચૌદ દેવાદારોનું દેવું બાજી પટેલ પાસેથી વસૂલ કરવામાં આવ્યું, કારણ તેમની પાસે મિલકત હતી. બાજી પટેલની જમીનો વેચાઈ – જેમાંથી કેટલોક ભાગ ખંધા ગામપટેલે રાખી લીધો; એકબે ડેલા વેચાયા અને પત્નીનાં થોડાં ઘરેણાં હતાં તે પણ વેચાઈ ગયાં.

બાજી પટેલ આ અણધારી આફતથી મૂઢ સરખા બની ગયા. બીજાની સ્થિતિ સુધરવાને બદલે સુધરેલી સ્થિતિવાળા બાજી પટેલની સ્થિતિ બગડી ચૂકી. સ્થિતિ સુધારવાને નામે આ કયો આફતનો ગબ્બારો દેશ ઉપર ઉતરી આવ્યો છે તેની સમજ બાજી પટેલને પડી નહિ. ચૌદ નાદારને સદ્ધર બનાવવાના પ્રયત્નમાં પંદરમા સધ્ધર બાજી પટેલ પણ નાદારીને કિનારે આવી ઊભા રહ્યા. સારા કૃષિકારથી ખેતી પણ હવે સારી થઈ શકી નહિ. કેટલી યે સરસ જમીન તેમના હાથમાંથી ચાલી ગઈ હતી. દિવસરાત, ખેતી કરતાં અગર ઢોરને પાણી પાવા જતાં તેમના હૃદયને ધડકાવી નાખતો એક પ્રશ્ન ખટક્યા જ કરતો :

'નથી મેં પૈસો લીધો; છતાં મારે બીજાનું દેવું આપવાનું?' એથી પ્રશ્ન આગળ વધતો :

'બીજાનું દેવું પણ હું આપી દેત...જો મને પાંચસાત વર્ષ વધારે મજૂરી કરવા દીધી હોત તો...પણ આ તો મજૂરી કરવા માટે મારી જમીન પણ તેમણે કયાં રહેવા દીધી ?'

'સોનાના ટુકડા સરખી મારી જમીન...ગઈ...ક્યારે પાછી મળશે ?'

વિચારમાં અને વિચારમાં શુન્ય બની ગયેલા આ સફળ ખેડૂતથી ખેતી પણ થતી નહિ. ઊંચકેલો પાવડો કેટલી યે વાર હાથમાં જ રહી જતો. બી વાવતાં વાવતાં એક જ સ્થળે બધાં જ બી પડી જતાં. કોસ હાંકતાં હાંકતાં પાણી બીજી જ નીકમાં વહી જતું. ધીમે ધીમે તેમનો ખોરાક પણ ઓછો થઈ ગયો.

લોકો તેમની મશ્કરી કરતા બની ગયા. તેમાં યે ગામનો પટેલ તો મોઢે મીઠું બોલી પાછળ એવી ટીકાઓ કરતો કે જે સાંભળી ન જાય: 'મોટો ગામ સુધારવા બેઠો હતો...સુધાર હવે તારી જાતને !' 'બે અમલદારોએ બોલાવ્યા એટલે ફૂલાઈને ફાળકો બની ગયા !' 'એને તો સારી ખેતી માટે રાજપોશાક મળ્યો હતો... હવે એ પોશાક વેચવા કાઢજે, બચ્ચા !' આ અને આથી યે કડવી વાણીના ભણકારા તેમને કાને પડ્યા કરતા હતા.

જમીન વધારે રહી નહિ એટલે બાજી પટેલના બે મોટા દીકરા શહેરમાં મજૂરીએ ચાલ્યા ગયા. કામ કરનાર મજૂરની પણ હવે જરૂર રહી નહિ. જરૂર હોય તો ય તેમને આપવા જેટલા રોકડા પૈસા હવે રહ્યા નહિં. વગરજરૂરના વધારાના બળદો પણ વેચી નાખવા પડ્યા અને નિરુપયોગી પડેલાં કેટલાં યે ઓજારો પડોશીઓ છાનેમાને બળતણ બનાવવા ચોરી ગયા. સારી સ્થિતિમાંથી નીચે ઊતરી આવનાર પ્રત્યે સહાનુભૂતિ ઊપજે એવી માનવતા હજી માનવજાતે કેળવી નથી. પરાઈ પડતીમાં આનંદ લેવાની બર્બરતા એ માનવીનું સામાન્ય લક્ષણ છે – શહેરમાં તેમ જ ગામડામાં. બાજી પટેલે ગામમાં કેટલાં યે માણસોને સહાય કરી હતી. એ સહાય અનુભવી ચૂકેલા માણસોનાં મન પણ બાજી પટેલને જોતાં ઉચ્ચારણ કરી ઊઠતાં :

'લે, ખાતો જા ! ખેસફાળિયાં બાંધીને ફરતો હતો તે !'

દયા એ માનવીનું ભાગ્યે જ લક્ષણ હોય.

શરમ પણ માનવીનું લક્ષણ હોય એમ દેખાતું નથી. તેમાં એ માનવી સરકારી નોકર કે અમલદાર બને ત્યારે તેણે શરમને જડમૂળથી બાળી દેવી એવો એક અલિખિત કાયદો પણ હોય એમ દેખાય છે. બાજી પટેલને આર્થિક ખોખું બનાવી દેનાર અમલદારો હજી ઊતરતા હતા બાજી પટેલની એાસરીમાં જ. ઘણી ઘણી ચીજો વેચ્યા છતાં અમલદારોને ઉપયોગી થઈ પડે એવી ચીજો હજી બાજી પટેલે સાચવી રાખી હતી. તેમની ઘણી જમીનો અને ઢોર સહકારી મંડળીના દેવા પેટે વેચનાર અમલદારો પણ હજી આવતા હતા બાજી પટેલને જ ઘરે. મંડળી કાઢવામાં બાજી પટેલની ભારે જવાબદારી સમજાવ્યા વગર તેમને આગેવાન બનાવનાર અમલદારો દિલગીર થઈ પોતાને બદલે ગામના લોકોનો દોષ કાઢતા :

'બાજી પટેલ ! ગામના લોકોએ તમને ભારે દગો દીધો !'

'ભગવાનની મરજી...' બાજી પટેલનો જવાબ સહુને અનુકૂળ હતો.

'મેં તો તમને બચાવવા બહુ મંથન કર્યું, પણ મારું ન ચાલ્યું. એટલે...' અમલદારો માનવીને ગરદન મારીને પણ તેને બચાવ્યાનું આશ્વાસન લે ખરા, અને ગરદન મારેલા માનવીને જ ઘેર સ્વસ્થતાપૂર્વક મિષ્ટાન જમે પણ ખરા ! અંતે બાજી પટેલને ખાવાપીવાના પણ સાંસા પડવા લાગ્યા. શહેરમાં ગયેલા દીકરાઓ મજૂરીમાંથી જે કાંઈ બચતું તે મોકલતા. ખેતીમાં હવે પટેલનું જરા ય ચિત લાગતું નહિ. તેમનાં પત્ની અને તેમની આઠદસ-વરસની દીકરી રહ્યાસહ્યા એકાદ ખેતરમાં કાંઈ વાવેતર કરતાં, ખાતરપાણી વગરની ખેતીમાંથી જે પાકો–અનાજ ઊપજતું તેને ઉપયોગ કરતાં, અને ઘાસ વાઢી લાવી ગાયનું પોષણ કરતાં. ઢોરઢાંકમાં હવે માત્ર એક ગાય જ રહી હતી.

ગાયને અને બાજી પટેલની દીકરી ચંચીને ભારે બહેનપણાં હતાં. ગાયને થાબડતાં થાબડતાં ચંચળ ગાય સાથે આખી દુનિયાની વાતો કરતી હતી અને ગાય ધ્યાન આપીને તે સાંભળતી પણ હતી.

ધોળી ગાયનું નામ એ વાછરડી હતી ત્યારથી 'ગોરી' રાખ્યું હતું. પરંતુ હવે તો 'ગોરી' ને પણ બે વાછરડીઓ થઈ હતી. પહેલી વાછરડી મરી ગઈ ત્યારે ગાયે અને ચંચળે ભારે કલ્પાંત કર્યું હતું. પરંતુ ગરીબીના કલ્પાંત આંસુ ભેગાં સુકાઈ જાય છે. બીજી વાછરડી આવી ત્યારે ચંચળને જરા દુ:ખની કળ વળી, અને તેણે વાછરડીને ઉછેરવા અને સાચવવા ભગીરથ પ્રયત્નો આદર્યા. એક દિવસ વાછરડીને રમાડી રહી ચંચળે ગાય પાસે ઊભાં રહી તેના દેહ અને મુખ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું :

'જો ગોરી ! આ વખતે બહુ પાક્યું તો નથી; ઊતરાયણને દહાડે તને ઘૂઘરી ખવડાવવા થોડી બાજરી રાખી મૂકી છે, હો !'

ગાયે જવાબમાં કાન હલાવ્યા અને વાછરડીએ નાનકડી બરાડ મારી.

'અરે, બાઈ ! તને આપીશુ. શાની બૂમ પાડે છે ?...અને જો, જરા કૂદાકૂદ ઓછી કર. ભાઈના પૈસા આવશે તો આ મહિને એક સરસ ઘંટડી તારે ગળે બાંધીશ.... જો. ગોરી ! આ તારી વાછરડી જંપતી નથી અને તોફાન કર્યા કરે છે.' ચંચીની ફરિયાદના જવાબમાં ગાયે પૂછડી ફટકારી.

'જો, તને પણ તારી દીકરીનો વાંક વસતો નથી; ખરું? યાદ રાખજે. વાછરડી માટે જરા ય દૂધ નહિ રહેવા દઉં...આંચળમાં.'

ગોરીએ આખા દેહની ચામડી થરથરાવી અને ચંચળના દેહમાં પોતાનું મુખ સમાવી દીધું,

ગાયના મુખને પકડી પંપાળી શીંગડાં ઉપર હાથ ફેરવી ગાયના ગળાની ઝૂલને રમાડતી ચંચીએ કહ્યું :

'નહિ નહિ, ગોરી ! ખોટું લાગ્યું ? બો ! મારી બહેન નહિ ? વાછરડી ધરાય એટલું દૂધ એને પીવા દઈશું, હો ચાલ, સામે જો ...અને હસી પડ !' કહી ચંચળ હસી અને ગાય સામે જોઈ રહી.

ગાય હસી કે નહિ એની દુનિયાને ખબર ન પડી; પરંતુ ચંચળે તો માન્યું છે કે ગોરી એની સામે જોઈ હસી રહી છે. વધારામાં ગાયે જીભ વડે ચંચળનો હાથ ચાટ્યો અને ચંચળનો આખો દેહ પુલકિત બન્યો. આનંદમાં આવેલી ચંચળ ઓસરીમાં દોડી ગઈ અને ચૂલા પાસે બેઠેલી પોતાની માતાને આંખ લૂછતી નિહાળી જરા ચમકી ગઈ. માતાપિતાને ચંચળે કદી કદી દુઃખી જોયેલાં; પરંતુ આંસુ લૂછતાં કદી નિહાળ્યાં ન હતાં.

'મા, ધૂણી બહુ આવી? ખસી જા. હું રોટલા ઘડી નાખું.' નાની ચંચળે કહ્યું.

માતાની આંખમાં લાકડાં છાણાંની ધૂણી ન હતી; જીવનનું કોઈ હળાહળ તેની આંખને પીડી રહ્યું હતું. પટલાણીના કંઠમાં રુદન હતું. ગાયની સાથે રમી આવલી ચંચળ પ્રથમ તો કાંઈ બોલી શકી નહિ. અંતે તેણે પૂછ્યું :

'મા ! શું થયું?'

'કાંઈ નહિ, બેટા ! ' માબાપ પોતાનાં દુઃખ ભાગ્યે જ પોતાનાં બાળકો આગળ મૂકે છે.

'ત્યારે તું રડે છે કેમ ?'

'મારા નસીબને રડું છું, દીકરી !'

'ભાઈઓ કમાય છે...બાપુની દવા કરીશું એટલે એ હતા તેવા પાછા થઈ જશે.' નાની વયને કશું અશક્ય લાગતું નથી. ચંચળના ભાઈઓ શું મોકલતા હતા તે મા જાણતી હતી અને શુન્ય મનવાળા બાજી પટેલ હવે કાંઈ જ કરી શકતા ન હતા. આંખની પાંપણ હલાવ્યા વગર આકાશ સામે કાં તો તેઓ બેઠા બેઠા જોઈ રહેતા હતા, અગર શવાસન કરી મોતને આમંત્રણ આપતા હોય એમ સૂઈ રહેતા. અત્યારે તેઓ પાસેના તૂટેલા ખાટલામાં પડી રહ્યા હતા.

'દીકરી ! તને શી ખબર ? આજ તો આ ગાય વેચીશું ત્યારે રોટલો પામીશું.' માએ કહ્યું. દુઃખમાં દટાયેલાં વડીલો બાળકોને પોતાનાં દુઃખ કદી કહી દે છે પણ ખરાં ! — જોકે બાળકો એ નહિ સમજે એવું આશ્વાસન તેમને હોય છે ખરું; પરંતુ આ સૂચન ચંચળ ન સમજે એમ ન હતું.

'ગોરીને વેચી દેવી છે?' ઘા પડ્યો હોય એવા દુઃખથી ચંચળે પૂછ્યું.

'હા, તારા બાપે એ નક્કી કર્યું છે.'

'મા ગોરીને ના વેચશો ને ? '

'તો આજ જમીશું ક્યાંથી ?'

'આજ ઉપવાસ કરીએ. '

'કેટલા દિવસ ઉપવાસ થશે ?'

'પણ મા...! એ પૈસા પણ ખૂટી જશે ત્યારે?' કેટલીક વાર બાળકો મોટા અર્થશાસ્ત્રી બની જાય છે.

‘ત્યારે તને લઈને કૂવે પડીશ.' પટલાણીએ ગરીબીનો છેલ્લો ઉપાય સૂચવ્યો. સૂઈ રહેલા બાજી પટેલ શવાસન બદલી પડખે સૂતા. તેઓ કશી પણ વાતચીત બુદ્ધિપૂર્વક સાંભળતા ન હતા એમ આખા ગામે માની લીધું. પટલાણી પણ એમ જ માનતાં થઈ ગયાં હતાં.

'ભલે, મા ! પણ વાછરડી તો આપણી પાસે જ રહેશે ને ?' બાળકી ચંચળે પૂછ્યું. હજી એને સાથે લઈ કૂવે પડવાની માતાની સૂચનામાં કેટલું દર્દ ભર્યું હતું તેનો પૂરો ખ્યાલ ચંચળને ન હતો. ગાય જતાં તેના દેહનો કકડા જતો રહે એમ ચંચળને લાગ્યું; પરંતુ વાછરડી રહે તો જીવતાં રહેવાય એમ તેને લાગ્યું. બાળકીના ભોળપણનો ઘા માતાને વાગ્યો. છતાં તેણે કહ્યું :

'ગાય વગર વાછરડી ન રહે; બે સાથે જ વેચાય.'

ચંચળને લાગ્યું કે વાછરડી સાથે તેનો પોતાનો પણ જીવ ચાલ્યો જશે. તેણે છેલ્લો પાસો નાખી જોયો :

'મા !'

'અત્યારે મને બહુ બોલાવીશ નહિ. હું તને — ને આખી દુનિયાને – મારી બેસીશ !' દુ:ખી માતાપિતાની દુઃખઝાળ બાળકોને પણ દઝાડે છે. બાળકોને પડતી ધોલ ઘણી વાર કોઈ અદ્રશ્ય વ્યક્તિને માટે નક્કી કરી મૂકેલો પ્રહાર હોય છે.

'હું તો એટલું કહેતી હતી કે બાપુ ગાયના શુકને કામે જાય તો બધું દુ:ખ ના ટળે?' માએ પુત્રીના વહેમી સૂચનનો કશો જવાબ આપ્યો નહિ. માત્ર એટલું જ તેણે કહ્યું :

'હવે તું જા ! તારે કામે લાગ'

પરંતુ ચંચીને બીજું કાંઈ કામ જ ન હતું. એને કાંઈ કામ ન હોય એટલે ગાય પાસે આવી વાતો કરે. એને ટેવ પડી હોવાથી, તે ગાય પાસે તો ગઈ; પરંતુ ગાયની સાથે વાત કરતાં તેને ફાવ્યું નહિ. જે ગાયને વેચી દેવાની હોય તેની સાથે શું મુખ લઈને વાત કરે ? ગોરીની જાણે એ ગુનેગાર હોય તેમ તેની પાસે આવીને ઊભી રહી, અને તેને કાને બહુ દિવસે બાજી પટેલનો સાદ પડ્યો. થોડાં વર્ષોથી કાંઈ ન બોલતા બાજી પટેલ પોતાની જૂની ઢબે કોઈ સાથે વાતો કરતા સંભળાયા.

'એ ન બને, શેઠ !' બાજી પટેલે કહ્યું.

'પણ તમે મને બોલાવ્યો શું કામ ?' ગામના એક શાહુકારનો કંઠ ઓળખાયો.

'માફ કરો, મારી ભૂલ થઈ.'

'જુઓ, બાજી પટેલ ! હું આપું છું એટલી ગાયની કિંમત કોઈ નહિ આપે.' 'પણ આપણે તો ગાય વેચવી હોય તો ને ? ગાય વેચું તો હું મારી દીકરી વેચું ! એ ન બને.'

'જો જો હો, બંને વેચવાની વારી ન આવે !'

'શેઠ! એક વાર બોલ્યા તે જવા દઉં છું. ફરી બોલશો તો જીભ ખેંચી નાખીશ. મરેલો બાજી પટેલ હવે જીવતો થાય છે એ ભૂલશો નહિ.' આખા ગામમાં એક વાર જેની હાક વાગતી એ બાજી પટેલ વર્ષોથી બુદ્ધાવતાર ધારણ કરી બેઠા હતા. એ અવતાર ખંખેરાઈ જઈ જૂના બાજી પટેલ જાગતા થયા હોય એવો તેમનો શબ્દરણકાર રણકી રહ્યો.

‘પણ આ તો તમે બોલેલા ફરી જાઓ છે. બાજી પટેલ એવું ન કરે.' ગાય ખરીદવા આવેલા શેઠે છેલ્લો પાસો નાખી જોયો. બાજી પટેલનો બોલ ચાંદાસૂરજની સાખ સરખો ગણાતો હતો.

'કાલે કળજગ મારી જીભે આવી બેઠો હતો, શેઠ ! તમને શરમ નથી આવતી કે તમારી પાઈએ પાઈ ચૂકવી આપનાર બાજી પટેલની ગાય લેવા આવ્યા છો ? સો વાતની એક વાત. ગાય વેચીશ તે દહાડે જીભ કરડી હું મરી જઈશ.' બાજી પટેલ બોલ્યા. ગાય પાસે ઊભી રહી આ વાત સાંભળતી ચંચળ ગાયને ગળે વધારે ને વધારે વળગતી જતી હતી. તેની પાસે થોડી વારમાં બાજી પટેલ આવ્યા અને બોલ્યા :

'ચંચી ! તારી મા પાસેથી કંકુ લાવ ને?'

'કેમ બાપુ?' બાજી પટેલમાં આવેલા નૂતન ચૈતન્યને નીરખી હરખાતી ચંચીએ કારણ પૂછ્યું.

'આ ગોરીના શુકન લઈ આજ હું બહાર નીકળું છું. આપણાં ગયેલાં ખેતરો પાછાં ખેંચી લાવીશું ને?' બાજી પટેલ દીકરીને માથે હાથ ફેરવતાં બોલ્યા. દીકરીની વાત સાંભળી તેમના પક્ષઘાત પામી ગયેલા હૃદયમાં નવું બળ આવ્યું હતું. સૂતાં સૂતાં એમણે નિશ્ચય કરી લીધો હતો કે ગાય કદી વેચાય નહિ...અને ગાયને શુકને બહાર નીકળતાં તેમની આખી સૃષ્ટિ બદલાઈ જશે.

ચંચળ કંકુ લઈ આવી. ગાયને ચાંદલો કરી બહાર નીકળેલા બાજી પટેલના પગ જોરમાં ઊપડવા લાગ્યા. મૂઢ બની ગયેલા બાજી પટેલનો હોકારો ગામને ગજવી રહ્યો.

આ વાર્તા નથી, હકીકત છે. બાજી પટેલ જ નહિ પણ એ ગામના ઘણા લોકોએ મને કહેલી એ સાચી વાત છે. આજે તો પાછા બાજી પટેલ ગામના આગેવાન બની બેઠા છે. અમલદારો હજી એમને ઘેર જ ઊતરે છે. હું પણ એક સહકારી ખાતાના અમલદાર તરીકે ગામમાં મંડળી કાઢવાનો બોધ કરવા આવ્યો હતો; બાજી પટેલને મંડળી કાઢવા હું આગ્રહ કરી રહ્યો હતો તે વખતે તેમણે મને આ હકીકત ટૂંકાણમાં કહી અને પગે લાગી મને જણાવ્યું :

'સાહેબ ! બીજું જે કહો તે કરું; પણ હવે મંડળી કાઢવાની વાત નહિ.'

'પટેલ ! તમે ભૂલો છો. વિના સહકાર નહિ ઉદ્ધાર !' મેં સૂત્ર કહ્યું.

'એક શરતે મંડળી કાઢું. આપ નોકરી છોડી અમારા સભ્ય બનો અને અમારી મંડળી ચલાવી આપો !'

પરંતુ પગાર અને પેન્શનનો વિચાર કરી બાજી પટેલની માગણી હજી હું સ્વીકારી શક્યો નથી. 'વિના સહકાર નહિ ઉદ્ધાર'નું સૂત્ર હું બધાંયને સમજાવું છું – માત્ર બાજી પટેલ આગળ હવે હું એ સૂત્ર ઉચ્ચારતો નથી.