દીવડી/લોહીની ખંડણી

વિકિસ્રોતમાંથી
← વરાળની દુનિયા દીવડી
લોહીની ખંડણી
રમણલાલ દેસાઈ
૧૯૫૪
વિચિત્ર વેચાણ →


લોહીની ખંડણી

માનવીનાં મોટા ભાગનાં દુઃખ અને સુખ મુખ્યત્વે ધન ઉપર આધાર રાખે છે. નાનામાં નાના ઝઘડાથી માંડી ઍટમ બોમ્બ વાપરનારા વિશ્વયુદ્ધ સુધીના માનવકલહોની પાછળ નજર કરીશું તો પ્રત્યેક ઝગડા પાછળ પૈસો જ રમત કરતો આપણને દેખાશે.

બે જીવજાત મિત્રો હતા. એકનું નામ હતું જયંતીલાલ અને બીજાનું નામ હતું કીકાભાઈ. બન્ને મિત્રો એક જ ગામમાં ઊછર્યા હતા, સાથે ભણ્યા હતા અને સાથે જ સાહસ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. ધન એ સઘળા સુખનું મૂળ છે એવી પણ તેમની ખાતરી થઈ ચૂકી હતી. સેવા પણ ધનિક માણસની વધારે વહેલી સ્વીકારાય છે એમ તેમણે જોયું હતું. સત્તા પણ ધન ઉપર આધાર રાખી રહેલી છે એનાં દ્રષ્ટાંતો એમની પાસે ખૂબ ખૂબ હતાં. સુખના ફુવારા ઊડતા જોવા હોય તો ધનની ચાવી ફેરવવી, એ દ્રશ્ય પણ તેમની નજર બહાર રહ્યું ન હતું. એટલે બાળપણથી જ તેમણે નિશ્ચય કર્યો હતો કે બીજું બધું પ્રાપ્તવ્ય બાજુએ મૂકી ધન ભેગું કરવું. ધન હશે તો બીજાં બધાં પ્રાપ્તવ્ય આપોઆપ ઇચ્છા કરતાં બરોબર ઊભાં થઈ જશે એવી તેમની ખાતરી હતી.

બંનેના સ્વભાવમાં થોડો ફેર હતો. જયંતીલાલ ખૂબ ધન ઈચ્છતા હતા પણ તેમની પાછળ એવી ભાવના રહેતી કે પોતાના કુટુંબને તે ધનથી સુખી કરી શકે, પોતાના ગામને શાળા, દવાખાનું, કૂવા, તળાવ વગેરે બાંધી આપી શકે, દેશસેવકોની કોઈ સંસ્થા ઊભી કરી શકે, વર્તમાનપત્રો પ્રગટ કરી જનતામાં રાજકીય જાગૃતિ લાવી શકે અને દુષ્કાળ, ધરતીકંપ તથા રેલસંકટમાં પૈસા સારા પ્રમાણમાં ભરી પોતાની છબીઓ હિંદભરમાં જાણીતી કરી શકે. એ સર્વના પાયામાં પોતાનું અને પોતાના કુટુંબીઓનું અંગત સુખ સ્થાપિત કરવાની વૃત્તિ તો ખરી જ. એ માનવસહજ વૃત્તિ છે.

કીકાભાઈની વૃત્તિમાં અંગત સુખ સિવાય ધનનો બીજો કોઈ ઉદ્દેશ જાગ્યો ન હતો. મોટું વૃક્ષ વાવી તેનાં ફળ ખાવા ઈચ્છનારે આસપાસનાં નાનાંમોટાં ઝાંખરાને નીંદી નાખવાં પડે છે. કીકાભાઈની વૃત્તિ કુટુંબ, ગામ, દેશ કે દુનિયાના સુખવિચારમાં જરા યે ફંટાઈ ન હતી, કારણ તેઓ જાણતા હતા કે જો વૃત્તિને ધનપ્રાપ્તિમાં એકાગ્ર નહિ કરવામાં આવે તો ધન પણ નહિ મળે અને બીજા ઉદ્દેશો પણ સફળ નહિ થાય. બીજા ક્યા ઉદ્દેશો સફળ કરવા એ ધન પ્રાપ્ત કર્યા પછી જોયું જશે. એ વિચારમાં તેમણે જયંતીલાલના મનમાં ઊગ્યાં હતાં એવાં ઉદ્દેશ-ઝાંખરાં ઊગવા જ દીધાં ન હતાં.

આછું પાતળું ધન જયંતીલાલ પાસે હતું, જેને ઉત્પાદક ધંધાઓમાં રોકી વધારે ધન પ્રાપ્ત કરવાની યોજનાઓ જયંતીલાલ અને કીકાભાઈ બન્નેએ મળી હાથ ધરવાની હતી. કીકાભાઈ પાસે તો બિલકુલ ધન હતું જ નહિ; છતાં પણ બંનેની મૈત્રી એવા પ્રકારની હતી કે જેમાં પરસ્પરનાં ધન અને મહેનત એકબીજાની સહિયારી મિલક્ત સતત બની રહેતાં હતાં. ધંધામાં પડ્યા પછી જોતજોતામાં બંનેને ફતેહ મળવા લાગી અને રોકેલા પૈસા કરતાં દોઢા, બમણા અને તેથી પણ વધારે પૈસા થતા ચાલ્યા. જયંતીલાલે નફાની વહેંચણી સરખેસરખી કરવા માંડી. જાણે પોતે રોકેલી રકમ પોતાની સાથે કીકાભાઈની પણ હોય !

વર્ષો વીત્યાં.એક દિવસે કીકાભાઈએ નફો વહેચતાં વહેંચતા વાત કરી :

'જયંતી ! હવે તારી મૂડી તારે જોઈએ એટલા ગુણા કરીને તું તારી પાસે રાખ. આપણી બંનેની પાસે હવે એવી રકમ ભેગી થઈ ગઈ છે કે મૂડીમાં આપણે સરખો હિસ્સો રાખી શકીએ.'

'કીકા ! તને આ વિચાર ક્યાંથી આવ્યો ? મારી થાપણ મેં કદી મારી ગણી જ નથી. એને તારી અને મારી સહિયારી ગણીને જ હું ચાલ્યો છું.' જયંતીએ કહ્યું.

'આ તો મારા મનમાં કે આપણો હિસાબ ચોખ્ખો થઈ જાય. આપણે તો કંઈ ઝઘડો નહિ; પરંતુ આયપતવેરા બદલ કંઈક ગોટાળા કરવા પડે, મુનીમોને આપણા સંબંધની સમજ પડે કે ન પડે, અને આપણાં છોકરાં વચ્ચે આપણા જેવો જ સંબંધ ચાલુ રહે કે ન રહે. એ બધી ભાંજઘડ ટાળવા માટે ચોખવટ સારી.'

‘વારુ, ચોખવટ કરી નાખીશ.' કહી જયંતીલાલે જરાક મોં મોટું કર્યું.

'ચોખવટ કરવી હોય તો આ થાપણમાં મારી અરધી રકમ જમા કરાવી લઉં એટલે આપણી બન્નેની થાપણથી આપણો વેપાર ચાલ્યો એવું ચોપડા બોલી ઊઠશે.' કહી કીકાભાઈએ નોટના એક બે ચોડા જયંતીલાલ પાસે મૂકી દીધા. ધનિકોને રૂપિયા ખખડાવવાનો અગર નોટોના ચોડા ફેંકવાનો શોખ બહુ હોય છે.

‘જા, જા; શી મૂર્ખાઈ લઈને બેઠો છે ? તારે નામે અર્ધી થાપણ કરવામાં મને કઈ હરકત આવે એમ છે? ઈશ્વરે મને અને તને એટલું તો આપ્યું છે !' જયંતીલાલે કહ્યું.

કીકાભાઈને આ ગોઠવણ બરાબર લાગી તો નહિ, પરંતુ તાત્કાલિક તો તેઓ કંઈ બોલ્યા નહિ અને બીજે દિવસે તેમણે આશ્ચર્યસહ જોયું કે જયંતીલાલે અર્ધી જ નહિ પણ પોતે રોકેલી આખી રકમ કીકાભાઈની થાપણ તરીકે ચોપડે ચઢાવી દીધી !

માનવીની સારપ બેવકૂફી પણ મનાય છે. આશ્ચર્યની લાગણી ચાલુ હતી ત્યાં સુધી જયંતીલાલ માટે કીકાભાઈને સદ્ભાવ ખૂબ રહ્યો. જયંતીલાલને કીકાભાઈએ સલાહ પણ આપી કે આટલા બધા સારા થવું જોખમ ભરેલું છે. જેનો જવાબ જયંતીલાલે એમ વાળ્યો : 'તને મિલકત સોંપવી એમાં જો જોખમ હોય તો જિંદગીમાં જોખમ સિવાય બીજું કાંઈ નથી.'

અને થોડાં વર્ષ બન્નેનો વેપાર ભેગો ચાલ્યો, અને બન્ને મિત્રો સારા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરતા ચાલ્યા.

કોઈ પણ સહકાર્યમાં - ભેગા વ્યાપાર વ્યવહારમાં એક ભારે મુશ્કેલી છે. નફો મળતો હોય તો પણ એ નફામાં કોનો કેટલો ભાગ ગણવો એ પ્રશ્ન અનેકાનેક માનસિક અને વ્યાવહારિક ગૂંચવણો ઊભી કરે છે. મૂળ થાપણ જયંતીલાલે આપી એ વાત ખરી; પરંતુ એમાં કીકાભાઈએ પોતાની બુદ્ધિ અને મહેનત ઉમેર્યાં ન હોત તો જયંતીલાલની મૂડી એમની એમ પડી રહી હોત ! અરે પડી રહી હોત એમ નહિ; પરંતુ તે શોષાઈને અદ્રશ્ય પણ થઈ ગઈ હોત. મૂડી હોય તેથી કંઈ મૂડી વાપરતાં આવડી એમ કહેવાય નહિ. વળી જયંતીલાલ રાકેલી મૂડીનો અર્ધો ભાગ આપવા કીકાભાઈ ક્યાં તૈયાર જ હતા ? જયંતીલાલે માગી હોત તો જયંતીલાલની થાપણ કરતાં ત્રણચારગણી થાપણ કીકાભાઈ મૂકી શકયા હોત અને જયંતીલાલનો આખો વેપાર ખરીદી શક્યા હોત. એટલે જયંતીલાલની થાપણ અંગે કીકાભાઈએ બહુ ઉપકારની લાગણી સેવવાની જરૂર ન હતી. ધીમે ધીમે એ ઉપકાર ઓસરી ગયો, એટલું જ નહિ પણ વેપારમાં જયંતીલાલની ભાગીદારી કીકાભાઈને અડચણરૂપ લાગવા માંડી.

એ અડચણ દૂર કરવાનું સાધન પણ કીકાભાઈ પાસે હતું, જયંતીલાલે પોતે જ આખી થાપણ જાણે કીકાભાઈએ મૂકી હોય એવી રીતે શું ચોપડા તૈયાર કર્યા ન હતા? જયંતીલાલની એમાં ઉદારતા હતી કે સાવચેતી હતી તેની વિમાસણમાં પડી કીકાભાઈએ નક્કી કર્યું કે એમાં જયંતીલાલની ઉદારતા કરતાં લુચ્ચાઈ વધારે કારણરૂપ હતી. આખી થાપણ પોતાને નામે કરી બધી જવાબદારી કીકાભાઈને માથે નાખવાનો પ્રયત્ન હોય એમ કોણ કહી શકે? નફો મળે ત્યાં સુધી તો ઠીક, પરંતુ વખતે વ્યાપારમાં લથડિયું ખાઈ જવાય ત્યારે જયંતીલાલની જવાબદારી શી? થાપણ પણ કીકાભાઈના નામે કરી લીધી એટલે જવાબદારી આખી કીકાભાઈને માથે પડે એવી સફાઈથી જયંતીલાલ અળગા થઈને બેસે તો તેને અટકાવવા માટે બીજું શું સાધન મળી શકે ?

એક દિવસ કીકાભાઈએ જયંતીલાલને કહ્યું : 'ભાઈ આપણે હવે આપણી ભાગીદારી લેખી કરી લઈએ.'

‘આટલા દિવસના ચોપડા શું આપણી ભાગીદારીની વાત નહિ બોલે ?' જયંતીલાલે જવાબ આપ્યો.

'એમ નહિ. પણ જરા વધારે સ્પષ્ટતા કરવી એ સારું છે. નફા ભેગી જવાબદારી પણ આપણે કાયદેસર કરી લઈએ.'

'જે દિવસે કાયદેસર લખાણ કરવાની ઈચ્છા થાય તે દિવસે આપણે છૂટા પડવું એ વધારે સારું. આપણે છૂટા પડીએ એમ હું પણ માનતો નથી, દુનિયા પણ માનતી નથી અને તું પણ ન માને.' જયંતીલાલે કહ્યું.

'હું શા માટે ન માનું ? જિંદગીભર ભાગીદારી ગોળગોળ રાખવી એ મને હવે તો ફાવતું નથી. એનાં કરતાં છુટા પડવું એ શું ખોટું ?' કીકાભાઈએ કહ્યું.

'કીકા ! આ તું બોલે છે? થાપણથી માંડી નફા સુધી મેં તને કોઈ દિવસ કશો પ્રશ્ન કર્યો નથી, છતાં તને મારો અવિશ્વાસ આવે છે? તારી ઈચ્છા હોય ત્યારથી આપણે છૂટા પડીશું.' જયંતીલાલે જરા દુઃખપૂર્વક કહ્યું,

‘છૂટા પડવું હોય તો વાર શી ? અબઘડી છૂટા પડીએ. થાપણ તેં મને લખી આપી છે તે મારી ઉપર મહેરબાની કરવા માટે નહિ. મહેનત અને બુદ્ધિ મારાં ! અને અર્ધો નફો તું મેળવી ગયો છો ! અત્યારથી જ હું કહું છું કે તું છુટો છે. તારે અને ધંધાને, તારે અને ધંધાના નફાને આ પળથી કંઈ લેવાદેવા નથી એમ માની લેજે.' કીકાભાઈએ કહ્યું,

આરામથી બેઠેલા જયંતીલાલ જરાક ચોંકીને સ્થિર બેઠા અને સખતાઈપૂર્વક તેમણે કહ્યું : 'કીકા ! મગજ ઠેકાણે નથી લાગતું, ખરું ?'

'મારું મગજ ઠેકાણે છે. સવાલ તારા મગજનો છે. આ ધંધામાં તારે કંઈ લાગતું વળગતું નથી અને કાંઈ પણ હોય તો અદાલતમાં શોધી કાઢજે.'

વેપાર અને નફાને અંગે બે જીવજાત દોસ્તો એકબીજા સાથે આમ લડી છૂટા પડ્યા. જયંતીલાલ પાસે લેખી પુરાવો કંઈ પણ ન હતો. અસલ થાપણ પણ કીકાભાઈના નામે ચોપડે ચઢી ગઈ હતી. ઉપકાર જયંતીલાલે કર્યો હતો તે બદલાઈ જઈ કીકાભાઈએ જયંતીલાલ ઉપર ઉપકાર કર્યો હોય એવો દેખાવ થયો. કૃતધ્નતા માનવીને ઘેલો બનાવી દે છે. ગમે તેમ કરી ન્યાય મેળવવો એવો મમત ચઢાવી જયંતીલાલે અદાલતમાં ન્યાય મેળવવા માટે પ્રયાસો કર્યા. ન્યાય મેળવવાના પ્રયાસનો અર્થ વકીલોમાં પૈસા વેરવા એટલો જ થાય છે. વર્તમાન યુગની કચેરીઓ ન્યાય આપી શકે એવું એમનું બંધારણ જ નથી. કીકાભાઈએ જયંતીલાલના ભાગની સમૂળગી ના પાડી; જયંતીલાલે પોતાનો ભાગ નહિ પણ મુખ્ય ભાગ હોવાની સચ્ચાઈ ઉપર અદાલતનો આશ્રય લીધો, જેમાં તેમને ન મળ્યો ન્યાય કે ન મળ્યો ભાગ ! રાષ્ટ્રો વચ્ચેના કરારોને સુધરેલા મુત્સદ્દીઓ કાગળનો ટુકડો ગણાવી ઠોકર ચઢાવે એ મુસદ્દીપ્રેરિત દુનિયાની અદાલતો ન્યાય આપી પણ કેમ શકે ? જયંતીલાલ ત્રણ અદાલતો સુધી ગયા, હાર્યા, ન્યાય ન જ મળ્યો અને એવી પરિસ્થિતિમાં આવી પડ્યા કે જેમાં તેમની મિલકત, રોકડ ને ઘરેણાં બધુ જ ગીરો-વેચાણ થઈ ગયું. શેઠની કક્ષાએ બિરાજેલા જયંતીલાલ સામાન્યતામાં ઊતરી ગયા; મોટરકારમાં ફરતા હતા તે હવે પગે ચાલતા થઈ ગયા; મહાલયમાં રહેતા હતા તે હવે નાનકડા તૂટેલા મકાનમાં રહેવા લાગ્યા; એટલું જ નહિ પણ તેમનાં મન અને તન વિશ્વાસઘાતી મિત્રના વલણથી એટલાં લથડી ગયાં કે તેમને જીવવું પણ અકારું લાગ્યું. તેમનાથી પોતાને હાથે મરી શકાયું નહિ એટલા પૂરતા જ તેઓ જીવતા રહ્યા. જીવતા રહેવામાં તેમને બે પ્રેરણાઓ માત્ર હતી : એક માનવજાતની કૃતઘ્નતા ઉપર – મિત્રોના વિશ્વાસઘાત ઉપર શાપ વરસાવવાની અને બીજી, પોતાના પુત્રને ભણાવીગણાવી જીવનયુદ્ધ માટે તૈયાર કરવાની. કૃતઘ્નીઓને શાપ આપી થાકી ગયેલું તેમનું મન ધીમે ધીમે માત્ર નિ:શ્વાસ લેતું જ બની ગયું; અને ઠીક ઠીક ભણતા પુત્રને મહામુસીબતે ભણાવતાં ભણાવતાં સારા થવાની શિખામણ સાથે કોઈનો પણ – સગા બાપનો – પણ વિશ્વાસ ન રાખવાની શિખામણ આપતા તેઓ થઈ ગયા.

કીકાભાઈ વ્યાપારધંધામાં આગળ ને આગળ વધતા ચાલ્યા, જયંતીલાલ જેવા મૂર્ખ મિત્રને દૂર કરી તેઓ પોતાની અક્કલહોશિયારી વાપરવાની મુક્ત મોકળાશ મેળવી શક્યા. અદાલતમાં જયંતીલાલને હરાવીને તેમણે સિકંદર કે જંઘીઝખાન જેવી વિજ્યઊર્મિ તો અનુભવી ! એટલું જ નહિ, પરંતુ દિવસે દિવસે આર્થિક મુશ્કેલીમાં ડૂબતા જતા જયંતીલાલને નિહાળી તેમણે આનંદ પણ અનુભવ્યો ! – જોકે આનંદ વ્યક્ત કરતી વખતે તેઓ જયંતીલાલની મૂર્ખાઈને જ આગળ કરતા હતા અને વારંવાર કહેતા હતા :

'દુનિયા મૂર્ખાઓની નથી.'

કીકાભાઈની વાત બહુ સાચી ગણાય. જેની ગણતરી ખોટી પડે એ માણસને જ મૂર્ખ માનવો. મિત્ર દગો કરશે એમ ન માનનારનો મૂર્ખાઓમાં જ સમાવેશ થઈ શકે, અને ઘણી યે વાર એક જ મૂર્ખાઈ જીંદગીભરની આફત નીવડે છે. જયંતીલાલ નીચા અને નીચા ઊતરતા ચાલ્યા. વ્યાપારમાં તેમના મિત્ર કીકાભાઈની હરીફાઈ તેમને સતત ખોટમાં જ ઉતારતી. તેમણે ધંધો બંધ કર્યો, મિલકતો વેચી નાખવા માંડી, પત્નીનાં ઘરેણાં પણ વેચવાનો તેમને પ્રસંગ આવ્યો અને અંતે ભાડાના ઘરમાં રહી દિવસ ગુજારવાની પરિસ્થિતિ ઉભી થઈ. ધન આવવા માંડે છે ત્યારે આંખ મીંચીને આવવા માંડે છે; ધન જવા માંડે છે ત્યારે આંખ મીંચીને જવા માંડે છે. જયંતીલાલ આર્થિક કક્ષાએ જેટલા નીચે ઊતરતા ગયા તેટલા જ કીકાભાઈ આર્થિક કક્ષાએ ઉંચે ચઢતા ગયા. જયંતીલાલને માત્ર હવે એક જ આશા હતી : દિવસે દિવસે વધતી ગરીબાઈમાં પોતાના એકના એક પુત્ર પુષ્પકને સારી રીતે ભણાવવો. ગરીબી ભણતરમાં પણ ભારે વિઘ્નરૂપ ગણાય અને ભારતવર્ષમાં પણ ભણતર એવું મોંઘુ બનવા માંડ્યું છે કે ગરીબોથી ભાગ્યે જ ખર્ચાળ ભણતરનો લાભ લઈ શકાય. પત્નીના ઘરેણાં પુત્રના ભણતર માટે જ તેમને દૂર કરવા પડ્યા. સંતોષ એટલે જ હતો કે પુષ્પક સારું ભણતો હતો, કદી કદી ઇનામો લાવતો હતો અને ઉપલા વર્ગોમાં તો તેણે શિષ્યવૃત્તિની રકમો પણ લાવી પિતાના આર્થિક બોજને હળવો કરવા માંડ્યો.

ગરીબાઈમાં ઊંડા ઊતરતાં ઉતરતાં વર્ષો વીત્યાં અને પુષ્પક મોટો થતો ગયો, ભણતો ગયો અને સારા ભાવિની આગાહી આપતો ચાલ્યો. માનવી અંતે તો માનવી જ છે. એના મનમાં વેર વસી જાય છે. જયંતીલાલના મનમાં એક પ્રકારનું વેર તો જરૂર વસી ગયું હતું તે કીકાભાઈને નીચો પાડવો; અથવા તેમ બને એમ ન હોય તો એના સરખા બની આર્થિક રીતે તેની સરસાઈ કરવી. અંગત રીતે જયંતીલાલથી તે બની શક્યું નહિ. કીકાભાઈને નીચા નમાવવા જે પ્રયત્નો કર્યા તેમાં જયંતીલાલ નિષ્ફળ નીવડ્યા અને સરસાઈ કરવાની વાત તો બાજુ ઉપર રહી; પરંતુ આર્થિક દ્રષ્ટિએ તો તેઓ નીચે અને નીચે ઊતરતા ચાલ્યા. પુત્ર પોતાની આશા અને ઈચ્છા સફળ કરશે એ ભાવનામાં અંતે જીવવાનો પ્રસંગ આવી લાગ્યો; અને તેમને કદી કદી આશા પણ પડતી કે પુત્ર એક દિવસ કીકાભાઈની સામે જરૂર મોરચો માંડશે અને કીકાભાઈ કરતાં પોતાને વધારે ઝળકતો દેખાડશે.

જયંતીલાલને એક જ અસંતોષ રહ્યા કરતો. પુષ્પકમાં ધનઉપાર્જનના કે ધનની સાચવણીના સંસ્કાર જરા યે ખીલતા નહિ. ધન સાચવવાને બદલે પુષ્પક ધન વાપરી નાખતો. પોતાનાં ઈનામ અને શિષ્યવૃત્તિઓની રકમમાંથી તે પોતાના મિત્રોને કદી કદી ભાગ આપી આવતો પોતાનાં પુસ્તકો પણ બીજાઓને વાપરવા આપતો અને કદી કદી ભૂખ્યો રહી તે ગરીબ વિદ્યાર્થી ભાઈઓને પોતાનો ખોરાક પણ આપી આવતો. કસરત, સાદાઈ, દેશભક્તિ, સેવા, કવાયત, ગ્રામોદ્ધાર, દરિદ્રનારાયણ જેવી ભાવનાઓ સફળ કરવાને માટે તેને તાલાવેલી લાગી હોય એમ તેના વર્તન ઉપરથી લાગ્યા કરતું, આવા આદર્શોએ હિંદમાં તેમ જ જગતમાં કંઈક કારકિર્દીઓને ધૂળમાં મેળવી દીધી છે. જયંતીલાલ પોતે પણ આ ભાવનાઓના ભોગ અનેક વાર થઈ ચૂક્યા હતા અને પુત્રમાં એ ભાવનાઓ વધારે વિકસિત થતી તેમણે જોઈ ત્યારથી તેમનો અસંતોષ વધારે તીવ્ર બનતો ચાલ્યો. 'દગાખોર મિત્રને તેના દગાનું ફળ આપે એવો પુત્ર શું નીવડશે નહિ?' એમ નિસાસો નાખીને તેમનું મન કોઈક વાર બોલી ઊઠતું, જેમાં પુત્રમાં બીજો કોઈ પણ પ્રકારનો વાંધો કાઢી શકાય એમ ન હતું, એ સંતોષ તેમને રાત્રિએ સુખભરી નિદ્રા આપતો.

પુષ્પક કૉલેજના છેલ્લા વર્ષમાં આવી પહોંચ્યો. બહુ ઊંચા વર્ગમાં તે પરીક્ષા પસાર કરશે એમ સહુની ખાતરી સાથે માતાપિતાની પણ ખાતરી થઈ ચૂકી. પરીક્ષા પાસે આવતી જતી હતી; અને પુત્રની રાહ જોઈ બેઠેલાં માતાપિતાએ એક દિવસ પોતાના ઘર આગળ ઝબકારા મારતી મોટરકાર આવીને ઊભેલી જોઈ. પુત્રને મોડું થયું હતું એટલે તેનો ઊંચો જીવ માતાપિતાને તો હતો જ. આંગણે કાર આવીને ઊભી રહે એવા પ્રસંગને તે દસકા વીતી ગયા હતા. જયંતીલાલ અને તેમની પત્નીના હૃદયમાં ધ્રાસકો પડ્યો અને કારમાંથી પોતાના પુત્રને ઉતરતો જોયો ત્યારે તો તેમના મનમાં અમંગળની શંકા ઉત્પન્ન થઈ. પુષ્પક કારમાંથી નીચે ઊતર્યો; પરંતુ તેના મુખ ઉપર ફિક્કાશ દેખાતી હતી. કારની અને ઘરની વચ્ચે પાંચ ડગલાં ભરતાં પુષ્પકને ફેર આવી ગયા હોય તેમ લાગ્યું; અને પુષ્પક ઘરનાં પગથિયાં ઉપર બેસી ગયો એટલે ધડકતે હૃદયે જયંતીલાલ અને તેમની પત્નીએ તેને હાથ ઝાલી પૂછ્યું :

'પુષ્પક ! દીકરા ! શું થાય છે?'

'કાંઈ નહિ. ગભરાવાની જરૂર નથી. હું જરા સૂઈને વાત કરું.' પુષ્પકે સહજ બળપૂર્વક હસીને કહ્યું.

માતાએ ઝડપથી અંદર જઈ પથારી કરી અને પિતાએ હાથ ઝાલી પુષ્પકને પથારીમાં સુવાડ્યો. લાખ અંદેશા તેમના હૃદયમાં આવી ગયા ! લાખો પ્રાર્થનાઓ તેમના હૃદયમાં સ્ફુરી ! અને પુત્રની જિંદગીના બદલામાં માતાપિતા બન્નેએ પોતાની જિંદગી ન્યોછાવર કરવાની બાધા રાખી ! જરા સ્વસ્થતા નિહાળતાં માતાએ પુષ્પકને પૂછ્યું :

'દીકરા ! શું થયું?'

'મા ! કાંઈ નહિ. મારું...લોહી...સહેજ...એક દર્દીને આપી આવ્યો છું.' પુષ્પકે કહ્યું. 'લોહી ! દર્દી ને ? તેં આપ્યું ?' માતાપિતાએ ઉપરાછાપરી પ્રશ્નો કર્યા. માનવજાતની સેવા અર્થે પ્રત્યક્ષ લોહી આપવાની પણ યોજના વીસમી સદીએ શેાધી કાઢી છે; એટલું જ નહિ, પણ સ્વચ્છ, તંદુરસ્ત, અનુકૂળ ગુણધર્મવાળાં લોહી ભેગાં કરી 'બ્લડ બૅન્ક' નામની પેઢીઓ પણ કાઢવાનું આ પૈસાપૂજક યુગને યોગ્ય લાગ્યું છે. એક સેવાભાવી યુવક તરીકે પુષ્પકે આજે જ એક દર્દને પોષવા માટે, મૃત્યુથી બચાવવા માટે, પોતાનું રુધિર દવાખાને જઈ આપ્યું હતું. પુષ્પકે માતાપિતાની ખાતરી કરવા કહ્યું કે એવું રુધિરદાન જીવલેણ નીવડતું નથી. એમાં અઠવાડિયું પંદર દિવસ સહજ નબળાઈ આવે; એથી વધારે શરીરહાનિ તેમાં થાય નહિ.

'પણ તારી તો પરીક્ષા હમણાં આવે છે.' માતાએ કહ્યું.

'મા ! પરીક્ષા તો ફરી આવે; પણ દર્દીનો તો જીવ જાય એવી પરિસ્થિતિ હતી. આજે મેં લોહી ન આપ્યું હોત તો દર્દીને જીવવાની આશા પણ ન હતી.' પુષ્પકે કહ્યું.

'પણ એ દર્દી વળી કોણ હતો ?' પિતાએ પૂછ્યું.

'એ તો એક છોકરી હતી.' કહી પુષ્પક થાકની નિશાની તરીકે સહેજ આંખ મીંચી. ખરેખર પુષ્પકને થાક લાગ્યો હતો અને તેને આરામની જરૂર હતી.

‘જે હશે તે; હમણાં એને સૂઈ રહેવા દો. એને માટે બજાર માંથી દૂધ લઈ આવો.' માતાએ કહ્યું અને જયંતીલાલ દૂધ લેવા માટે ઊભા થયા. દૂધ લાવવા માટે પણ પત્નીની છેલ્લી રહી ગયેલી સોનાની બંગડીઓ ગીરો મૂકવાની હતી. શુન્ય મને જયંતીલાલ ઊઠી પત્નીની બંગડી લીધી, અને તેઓ બહાર નીકળ્યા. દૂધ લઈ પાછા આવ્યા ત્યારે પગથિયે ચઢતાં જ તેમણે પુષ્પકને મૂકી ગયેલી કાર ફરી આવતી જોઈ અને તેઓ ક્ષણભર પગથિયે ઉભા રહ્યા. શૉફરે ગાડીમાંથી નીચે ઊતરી ફળની ભરેલી ટોપલી ઓટલા ઉપર મૂકી દીધી અને કહ્યું : 'ભાઈને માટે ફળ મોકલ્યાં છે, શેઠસાહેબે !'

એક ક્ષણ જયંતીલાલને એક ઈચ્છા થઈ કે તેઓ ફળની ટોપલી લેવાની ના પાડે. પણ અશક્ત પુત્રને માટે આ વસ્તુ ઉપયોગી થઈ પડશે એમ ધારી પોતાના સ્વાભિમાનને તેમણે ઢાંકી દીધું. વધારામાં પોતાના ખિસ્સામાંથી એક પાકીટ કાઢી જયંતીલાલના હાથમાં મૂક્યું, જે ઉધાડતાં જ જયંતીલાલનું મુખ અને તેમની આંખ રાતાં થઈ ગયાં. તેમણે ફળની ટોપલીને લાત મારી ફળને રસ્તા ઉપર ફેંકી દીધાં, કાગળ ફાડી શૉફરના હાથમાં મૂક્યો, અને કહ્યું :

'તારા શેઠ સાહેબને જઈને કહેજે કે દીકરાનું લોહી પીવું બાકી હતું તે તેમણે હવે પૂરું કર્યું છે. હજી કાંઈ બાકી રહ્યું છે?' એટલું કહી પીઠ ફેરવી જયંતીલાલ ઘરની અંદર આવ્યા, અને પુત્રને દૂધ પાતાં પાતાં પૂછ્યું :

'પુષ્પક ! તને ખબર છે કે તેં કોને લોહી આપ્યું છે?'

'ના જી, એ તો ડોક્ટરો જાણે.'

માંદા પુત્રને વધારે લાંબી વાતમાં પિતાએ રોક્યો નહિ. એક આછો સંતોષ જયંતીલાલને થયો. પોતાના દુશ્મન બની ચૂકેલા મિત્ર કીકાશેઠનો હજાર રુપિયાનો ચેક તેમણે ફાડી નાખ્યો હતો !

પંદરેક દિવસ વીતી ગયા. પુષ્પક સહેજ હરતાફરતો થયો અને એક દિવસ એની એ જ કાર આવી તેનાં પગથિયાં આગળ ઊભી રહી. કારમાંથી કીકાભાઈ, તેમનાં પત્ની અને તેમની પુત્રી ત્રણ જણ નીચે ઊતર્યા અને જયંતીલાલના ઘરમાં પ્રવેશ્યાં. જયંતીલાલ ત્રણેને ફાટી આંખે જોઈ રહ્યા. તેમના હાથમાં હથિયાર હોત તો તેઓ ખૂન કરત. હથિયાર ન હતું એટલે હથિયારનો ઘા જયંતીલાલના પોતાના દેહ ઉપર પડતો હોય એવો ઝાટકો તેમણે અનુભવ્યો. કદાચ તેમને મૃત્યુપ્રેરક મૂર્છા આવી જાત. કીકાભાઈએ રુધિરભીની જયંતીલાલની આંખ નિહાળી અને પોતાની દીકરીને તેણે જયંતીલાલના પગ પાસે બેસાડી કહ્યું :

'જયંતી ! મારી એકની એક દીકરીનો પ્રાણ તારા દીકરાએ બચાવ્યો છે.'

જયંતીલાલે કંઈ પણ જવાબ આપ્યો નહિ. કીકાભાઈએ વધારામાં કહ્યું :

'એકલી દીકરી જ નહિ; દીકરીની મા અને એ દીકરીનો બાપ તારે પગે પડવા આવ્યાં છે.'

'કીકાભાઈ ! શેઠસાહેબ ! માફ કરો. અને આપની મૈત્રી પૂર્ણ રીતે ફળી છે. મારું તો ઠીક, પણ મારા દીકરાનું પણ આપે લોહી પીધું છે. આટલેથી બસ રાખો.' જયંતીલાલથી બોલાઈ ગયું.

'તો આ છોકરી અને આ દસ્તાવેજ તારા પગમાં મૂકી હું ચાલ્યો જાઉં છું.' કહી કીકાભાઈ અને તેમનાં પત્ની બહાર નીકળી ગયાં. આશ્ચર્યચકિત જયંતીલાલ મૂઢ સરખા ઊભા રહ્યા. તેમનાં પત્નીએ દુશ્મન કીકાભાઈની દીકરી કનકલતાને કહ્યું :

'દીકરી ! તું પગે લાગી ચૂકી. તારી માંદગી ઓસરી ગઈ. ઈશ્વર તને દીર્ઘાયુષ આપે હવે તું જા. તારાં માબાપ બહાર કારમાં ખોટી થતાં હશે.'

'હું પાછી માબાપને ત્યાં જવા માટે આવી નથી; હું અહીં જ રહેવા માટે આવી છું. ' સાજી થયેલી કીકાભાઈની દીકરીએ કહ્યું.

'કનક ! મારા ઘરમાં, મારા ગરીબ ઘરમાં, તને ક્ષણ પણ ન રહેવું ન ગમે. છતાં તું આવી છે તો હવે જમીને જ જજે - મોં મીઠું કરીને જજે.' પુષ્પકની માતાએ કનકલતાને કહ્યું.

'સાચું કહું ? નાને મોંએ મોટી વાત થાય છે એ હું જાણું છું, છતાં કહી લઉં. જેણે મને જિવાડી છે તેને મારો જીવ અર્પણ કરવો છે, એટલે હું અહીંથી જરા યે ખસવા માગતી નથી. જમીશ પણ અહીં; પરણીશ પણ આ ઘરમાં; અને રહીશ પણ અહીં !' કનકલતાએ કહ્યું. અને બહાર મોટર ઊપડી ગયાનો અવાજ પણ સંભળાયો. અરે ! કનકલતાને અહીં મૂકી તેનાં માતાપિતા ચાલ્યાં જતાં હતાં ! પુષ્પકની માતાએ જયંતીલાલના પગ પાસે પડેલો. દસ્તાવેજ ઊંચકી તેના હાથમાં મૂક્યો.

તે જ ક્ષણે જયંતીલાલ વિચારમાં ને વિચારમાં ઊંડા ઊતરી હાથમાં મુકાયેલ દસ્તાવેજ ફાડતા ચાલ્યા. એ દસ્તાવેજમાં બધી જ મિલકત કીકાભાઈએ પોતાની પુત્રી કનકલતા અને તેના પતિને સોંપવાનો લેખ કરેલો હતો એની તેમને ખબર પણ ન હતી. તેઓ લેખ, દસ્તાવેજ અને ખતપત્ર કરતાં કાઈ વધારે ઊંચી દુનિયામાં વસતા હતા. હજાર રૂપિયાના ચેકને બદલે પોતાનું અને પોતાની મિલકતનું અર્પણ કરવા દુશ્મન કીકાભાઈની પુત્રી દૃઢ નિશ્ચય કરી તેમની સામે જ આવી ઊભી હતી !

પુત્રે બદલો લીધો એવી ભાવના જ તેમના હૃદયમાં શોધી જડી નહિ. દુશ્મનની દીકરી તેમને પોતાની જ દીકરી લાગી. તેમની મિલકત કીકાભાઈએ લૂંટી લીધી હતી ? કે વ્યાજ સાથે તે પાછી મળતી હતી ? કાંઈ પણ વિચાર કરવાની શક્તિ ગુમાવી બેઠેલા જયંતીલાલ કનકલતાના મસ્તક ઉપર આશીર્વાદભર્યો હાથ મૂક્યો. તેમની આંખમાં અશ્રુનાં બે બિંદુઓ ચમકી ગયાં.

કલ્પના કરતાં પણ સત્ય વધારે વિસ્મયપ્રેરક હોય છે.